Gujarati news:Gujarat Diary,DeshGujarat Newsbytes(Gujarati text)
આઈટીસી દ્વારા ભવ્ય હોટેલ બનાવવા માટે અમદાવાદમાં અત્યાર સુધીનો સૌથી મોટો જમીનનો સોદો થયો
અમદાવાદ,દેશગુજરાત
‘આ જમીન આઈટીસીની માલિકીની છે.ટ્રેસપાસર્સને પ્રોસીક્યુટ કરવામાં આવશે’. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક હજાર સ્ક્વેર યાર્ડ જમીન પર આજકાલ આ બોર્ડ લાગેલું જોવા મળે છે. હોટેલ જાયન્ટ આઈટીસી અમદાવાદમાં ર્હોટેલ બાંધશે એ હવે ચોક્કસ થઈ ગયું છે.પ્રાપ્ત માહીતી અનુસાર આ હોટેલ બસો પચાસ રુમની આંતરરાસ્ટ્રીય સ્તરની હોટેલ હશે.આઈટીસીએ આ માટે ૧૩૨ ફૂટના રીંગ રોડ પર કેશવબાગ પાર્ટી પ્લોટની પાછળ જમીન ખરીદી લીધી છે.
હવે સમાચાર એ છે કે આ જમીન ખરીદીનો સોદો એ અમદાવાદમા હજુ સુધી થયેલો સૌથી મોટી રકમનો સોદો છે કે જેમાં સ્ક્વેર ફૂટના ૬૫૦૦૦ રૂપીયાનો અધધધ…ભાવ ચૂકવવામાં આવ્યો છે.એક હજાર સ્ક્વેરયાર્ડની આ પાંસઠ કરોડની ડીલ અમદાવાદના ઈતિહાસની હજુ સુધીની મોટામાં મોટી રકમની પ્રોપર્ટી ડીલ છે.અગાઉ રિલાયન્સે ઔડા પાસેથી ૧૫૦૦ સ્ક્વેર યાર્ડની જમીન ૫૧૦૦૦ રુપીયે સ્ક્વેર યાર્ડના ભાવે ખરીદી હતી તે અમદાવાદની સૌથી મોટી રકમની પ્રોપર્ટી ડીલ ગણાતી હતી. આઈટીસીએ આ સોદો અમદાવાદના વીનસ ડેવેલોપર્સ સાથે કર્યો છે.
દરમિયાન, અમદાવાદમાં જયાં એક તરફ સરખેજ-ગાંધીનગર માર્ગ પર કોમર્શીયલ પ્લોટની જમીનના પંદરથી વીસ ટકા પ્રીમીયમ ભાવ લેવામાં આવે છે ત્યાં શહેરની અંદરના ભાગમાં જ્યાં મળે ત્યાં જમીન ખરીદવાની હરિફાઈ જામી છે.આ માટે હયાત સોસાયટીઓ, ફ્લેટ સ્કીમોના પણ ભાવ બોલાય છે. જ્યાં સોસાયટી, ફ્લેટ સ્કીમ જુની થઈ ગઈ હોય,અનેકગણા ભાવ મળતા હોય ત્યાં લોકો પણ થોડો સમય અવઢવમાં રહ્યા પછી, ઘર વેચીને પૈસા મેળવી લેવાન ફિરાકમાં જોવા મળે છે. આખી ફ્લેટ સ્કિમો અને સોસાયટીઓ તુટે છે, અને થોડા સમયમાં ત્યાં ક્શુંક નવું બની ગયું હોય છે.
હમણાં છેલ્લે છેલ્લેની વાત કરીએ તો ભારતી-વોલ્માર્ટના પ્રસ્તાવિત સાહસ માટે ગોયલ પાર્ક રો હાઉસીસના રહેવાસીઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે અને હાલના અહીંના પ્રવર્તમાન ૧૫૦૦૦ના ભાવની સામે ૩૩૭૫૦ રુપીયા સ્ક્વેરયાર્ડનો ભાવ ઓફર કરવામાં આવ્યો છે.અહીં હરોળમાં ૧૪૦ ઘરો આવેલાં છે.અને દરેકની સરેરાશ જગ્યા ૨૫૧ યાર્ડની છે.એ જોતા ભારતી-વોલમાર્ટ ૩૫૦૦૦ સ્ક્વેર યાર્ડ માટે ૧૧૯ કરોડ ખર્ચવા તૈયાર જણાય છે.અલબત્ત સોસાયટીમા પાર્ક અને પાર્કીગ પ્લોટ પણ છે. રિલાયન્સે આઠ-દસ મહીના અગાઉ સીજી રોડ પર પારિતોશ બંગલાની ૩૭૦૦૦ સ્ક્વેર યાર્ડ જમીન ૨૫ કરોડમાં ખરીદી હતી.અત્યારે અહીંનો ભાવ ૬૦૦૦૦ રુપીયે સ્ક્વેર યાર્ડ ચાલે છે.અમદાવાદના નવરત્ન ડેવેલોપર્સે સીજી રોડ પરનો ૬૦૦૦ સ્ક્વેર યાર્ડનો પંચવટી એપાર્ટમેન્ટ મોલ બનાવવા માટે ૩૬.૬૦ કરોડના ભાવે લીધો છે. નવરત્ન ૧૨,૭૦૦ સ્ક્વેર યાર્ડનો બીજો પ્લોટ પણ બીગ બાઝાર માટે ડેવેલોપ કરી રહ્યું છે. અન્ય એક ડેવેલોપર અગ્રવાલ બિલ્ડરે ૨૮૦૦૦ સ્ક્વેર યાર્ડની રહેણાંક સોસાયટી મલ્ટીપ્લેક્સ બનાવવા માટે ખરીદી લીધી છે. ઉલ્લેખનીય છે કે પાલડી વિસ્તારના વિકાસગ્રુહ રોડ પર દેવસ્ટેટસનો મોલ-મલ્ટીપ્લેક્સ બે બંગલા તોડીને બનાવવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં સૌથી પહેલા સેટેલાઈટ વિસ્તારમાં શ્યામલ રો હાઉસીસનો એક હિસ્સો વેચાઈ ગયો ત્યારે લોકોમાં ખસ્સી ચર્ચા થઈ હતી કે હવે તો આખી ને આખી સોસાયતીઓ રાતો રાત વેચાઈ જાય છે.પછી સેટેલાઈટની ગુલમહોર સોસાયટી વેચાઈ,પછી પંચવટી ફ્લેટ…અને આ સિલસિલો ચાલુ જ છે. સતત બધું બદલાયા જ કરે છે. અને બદલાવના દરેક મેજર સમાચાર તમારા સુધી અમે અહી દેશગુજરાત.કોમ પર આપતા રહીશું.
શું ગુજરાત સરકાર ઘરડી થઈ ગઈ છે ? સરકારી કર્મચારીઓમાં યુવાનો ક્યાં?
ગાંધીનગર, દેશગુજરાત
શું ગુજરાત સરકાર ખરેખર ઘરડી થઈ ગઈ છે? જો ગુજરાતના નિવુત્ત આઈએએસ ઓફિસર વી.એસ કોલગી સમિતીનો તાજેતરમાં બહાર પડેલો અહેવાલ જોઇએ તો તો માનવુંજ પડે કે ગુજરાત સરકાર યુવાન સરકાર નથી.
આ સમિતીના અહેવાલ મુજબ ગુજરાત સરકારના છાંસઠ ટકા કર્મચારીઓ ૪૫થી વધુ વર્ષની ઉંમર ધરાવે છે.સરકારે કરકસરના ભાગરૂપે પાછલા કેટલાક વર્ષાથી નવી ભરતી બંધ કરી હોવાના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે.
હાલમાં ગુજરાત સરકારમાં ક્લાસ વનની ૩૫ ટકા(૧૩૫૦) અને ક્લાસ ટુની ૨૦ ટકા(૩૬૫૦) જગ્યાઓ ખાલી છે.રાજ્યમાં ૧૮૧૦૦ કુલ કર્મચારીઓ હોવા જોઇએ તેમાંથી ૩૬૫૦ જગ્યાઓ ખાલી છે.
અમારે પણ મોલની માફક રવિવારે દુકાન ખુલ્લી રાખવી છે: સુરતના નાના દુકાનદારોની માંગણી
સુરત, દેશગુજરાત
મોલ આવવાના કારણે ગુજરાતની દુકાનોમાં વર્ષોથી જે રીતે ધંધો ચાલતો હતો એમાં પરિવર્તન આવે એવું લાગે છે.ગુજરાત સરકારના ગુમાસ્તા ધારાના કાયદા અનુસાર દુકાનદારો તેમની દુકાનો અઠવાડિયામા એક દિવસે રવિવારે બંધ રાખે છે. પરંતુ આનાથી ઉલટું આધુનિક મોલ,સુપસ્ટોર્સ વગેરેને આવો કોઇ નિયમ લાગુ પડતો નથી.તેઓ તો રવિવારે, અરે ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ જેવી ફરજિયાત રાષ્ટ્રિય રજાઓના દિવસે પણ રજા રાખતા નથી, બલકે આ બધાતો તેમના માટે સૌથી વધારે કમાણીના દિવસો સાબિત થાય છે.
આવામાં સુરતના સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરી છે, કે ગુમાસ્તા ધારામાં ફેરબદલ કરવામાં આવે અને નાના દુકાનદારોને પણ રવિવારના દિવસે દુકાન ચાલુ રાખવાની છુટ આપવામાં આવે.
દ્વારકાધીશને ધજા ચડાવવાનું ચાર મહિનાનું વેઈટીંગ:ધ્વજ ચડાવવાની કાયમી તિથીનો સવાલાખ રૂ.ભાવ
દ્વારકા, દેશગુજરાત
સૌરાષ્ટ્રના દ્વારકાધીશ મંદિરે જો તમારે ધ્વજા ચઢાવવી હોય તો ચાર ચાર મહિના પહેલા બૂકીંગ કરાવી દેવું પડે એવી હાલત છે.અત્યારની પરિસ્થિતીમાં જુન મહિના સુધીનું બૂકિંગ થઈ ગયું છે.આ મંદિરમાં પહેલા, દિવસમાં એક જ વખત ધ્વજા ચડાવવામાં આવતી હત. જ્યારે હવે છેલ્લા પાંચ,સાત વર્ષથી ભીડ વધતા,સવારે એક વખત અને બપોર પછી ત્રણ વખત ધજા ચડાવાય છે તેમ છતા ચારેક મહિનાનું બુકિગ રહે છે.
કેટલાક શ્રદ્ધાળુઓ અહીં દરેક વર્ષે નિયત તિથીએ ધજા ચડાવવાનું નક્કી રાખતા હોય છે.આ મફત નથી હોતું. દ્વારકાની ગુગળ બ્રાહ્મણ જ્ઞાતિ આના માટે એક લાખ પચીસ હજાર રુપિયા લે છે.આ કાયમી ધજા યોજના હેઠળ ગુગળ બ્રાહ્મણ જ્ઞાતિને પચાસ બુકિંગ મળ્યા છે.આ ગુગળ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ખૂબ પુરાણા સમયથી દ્વારકા મંદિરની ધજાનો વહિવટ થતો આવ્યો છે. દ્વારકા પીઠના નવા શંકરાચાર્યના અભિષેક વખતે પણ ધજા ચડાવવાની અને બ્રહ્મભોજનની વ્યવસ્થા આ બ્રાહ્મણો કરે છે.
૧૯૬૫માં પાકિસ્તાને વામન દ્વાદશીના દિવસે દ્વારકા પર બોમ્બમારો કર્યો હતો,તેમ છતાં દ્વારકા મંદિરને ઉની આંચ પણ આવી ન હતી તેની યાદમાં આ તિથીએ મંદિર પર દરેક વર્ષે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે.ધજામાં ક્યારેય પણ કાળો કે લીલો રંગ મંજૂર કરવામાં આવતો નથી.
વિક્રમ સંવત ૧૯૭૯માં દ્વારકાની ધજાનો સ્તંભ ખંડિત થતા તેની પુન્:પ્રતિષ્ઠા થઈ હતી.સાત સપ્ટેમ્બર ૧૯૬૧ના દિવસે વિજળી પડવાના કારણે ધ્વજદંડ ખંડિત થતાં શંકરાચાર્યની આજ્ઞાથી બીજા ધ્વજદંડની સ્થાપના કરવામાં આવી હતી.અહીં સંવત ૧૮૬૧માં સ્વામિનારાયણ પંથના પ્રવર્તક સહજાનંદ સ્વામીએ ધ્વજ ફરકાવીને બ્રાહ્મણોને ચાંદીની કોરી દક્ષિણામાં આપી હતી તે આજે પણ સચવાયેલી છે.૧૯૨૫માં ક્શ્મીરના મહારાણી, નેપાળના મહારાણી અને ૧૯૪૫માં ગાયકવાડના રાણીએ ધજા ચડાવી હતી.
દારૂબંધીમા છુટ આવકાર્ય પણ અમલ કરવાનો હોટેલ માલિકોનો નનૈયો
અમદાવાદ, દેશગુજરાત
પશ્ચિમ ભારતના સાત રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોના હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા પ્રથમ વખત જ ગુજરાતમાં તેમનું વાર્ષિક કન્વેન્શન યોજાયું છે. આ એ જ સંગઠન છે કે જે સાત વર્ષોથી ગુજરાતમાં દારુબંધીની છૂટ માંગી રહ્યું હતું અને જેણે તાજેતરમાં રાજ્ય સરકારે આ વિષયમાં આપેલી છુટ બદલ સરકારના ભારે વખાણ કર્યા છે. પરંતુ આ સંગઠન તેના અમદાવાદની ગ્રાન્ડ ભગવતી હોટેલમાં થનારા સંમેલનમાં સરકારે આપેલી છુટનો ફાયદો ઉઠાવીને દારુ પીરસવાનું નથી. આ અંગે હોટેલ માલિકોનું કહેવું છે કે સરકારે હવે પાંચ હજાર રૂપિયા ભરીને પરવાનગી લઈને ગુજરામાં ક્યાંય પણ યોજાનારા નેશનલ, ઈન્ટર્નેશનલ ક્ન્વેન્શન, એકેડમીક મીટ, બીઝનેસ સમીટના કિસ્સામાં મહેમાનોને દારુ પીરસવાની છુટ આપી છે. પરંતુ આ છુટ માત્ર બહારથી આવેલા ડેલિગેટ્સ માટે છે. આવામાં સ્થાનિક યજમાન પીવે નહીં અને બહારના મહેમાનજ પીવે એ સારો શિરસ્તો ન દેખાય માટે ક્ન્વેન્શનમાંથી દારુ પીરસવાનું બાકાત રાખવામાં આવ્યું છે.
સારંગપુરમાં હોળી પછી પ્રમુખસ્વામીના હાથે ૬૩ યુવાનોએ સ્વામિનારાયણની દિક્ષા લીધી
સારંગપુર,દેશગુજરાત
આજના જમાનામાં પણ એક સાથે એક બે નહી પરંતુ ૬૩ યુવાનો સાધુ થવાની દિક્ષા લે તેવો વીરલ પ્રસંગ હમણાં સારંગપુર મુકામે બની ગયો. દરેક વર્ષની માફક અહી પ્રમુખસ્વામીની હાજરીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુશોતમ સંસ્થાન(બીએપીએસ)ના ઉપક્રમે હોળીની ઉજવણી થઈ પછી અહીં પ્રમુખસ્વામી પાસે ૨૧ યુવાનોએ પાર્શદ દિક્ષા અને ૪૨ યુવાનોએ ભાગવતી દિક્ષા લીધી.આ પાર્શદ અને ભાગવતી દિક્ષા એટલે શું એ આપ આ જ લેખમાં આગળ જાણી શકશો.
આ યુવાનોની હવે પછીની જિંદગી કેવી હશે તેનો ચિતાર લઈએ તો, સ્વામીનારાયણ સંપ્રદાયના આ પંથમા સાધુ બન્યા પછી પૈસાને હાથ અડાડી શકાતો નથી, કોઇપણ જાતની મિલકત ધરાવી શકાતી નથી(પ્રમુખસ્વામી સહિતના કોઇપણ સાધુની ખરેખરની મિલકત શૂન્ય રુપીયા છે), સ્ત્રીઓને જોઇ શકાતી નથી(સ્વામિનારાયણ પંથના કાર્યક્રમોમાં એટલાજ માટે જ્યારે સાધુ સ્ટેજ પર બેઠા હોય ત્યારે સ્ત્રીઓ સૌથી પાછળ ના ભાગે બેઠી હોય છે), જે પુસ્તકમાં સ્ત્રીઓના ફોટા હોય તેવું પુસ્તક સુદ્ધાં ખોલી શકાતું નથી, કોઇ સ્ત્રી વિશે માંહે માહે ચર્ચા પણ કરી શકાતી નથી(જો કોઇ સ્ત્રી જોવાઈ જાય તો સાધુ બીજા દિવસ સુધી નિર્જળા ઉપવાસ કરે છે).સાધુ થયા પછી ઘરના કોઇપણ માણસ સાથે વાત પણ કરી શકાતી નથી અને સહેજ પણ સંપર્કમા રહેવાની છૂટ હોતી નથી. ભલે ને માં કે બાપ અવસાન પામે પરંતુ તેમ છતા ઘરે જઈ શકાતું નથી. ખાવાનું જે કાંઈ પણ હોય તે બધું ભેગું કરીને ખાવું પડે છે. તથા માથુ મુંડન કરેલું રાખવું પડે છે(દર તેરસની તિથીએ માથું મુંડન કરવામાં આવે છે.)
બોચાસણવાસી અક્ષર પુરુશોત્તમ સંસ્થાન એટલેકે બીએપીએસમા હવે તો માત્ર પોસ્ટ ગ્રેજ્યુએટ વ્યક્તિનેજ સાધુ બનવાની પરવાનગી મળે છે. જો કોઈ આટલું ભણેલો ના હોય તેમ છતાં ખરેખર લાયક હોય તો તેને બીએપીએસ દ્વારા આગળ ભણાવીને પણ એ સ્તરે લઈ જવામાં આવે છે. હજુ બે વર્ષ પહેલા અમેરિકામાં વકીલાતનું ભણેલા છોકરાએ દિક્ષા લીધી હતી ત્યારે સહુ લોકોમા આશ્ચર્ય થયુ હતું, કે આટલું ઉંચું ભણેલો યુવાન ધીકતી કમાણી છોડીને દિક્ષા લઈ લે? હકીકત એ છે કે આ પંથ મા એન્જિનિયર,ડોક્ટર એવું ભણેલા સાધુઓ પણ છે. આ સાધુઓ પછી પોતાની આવડત અને ભણતરનો ઉપયોગ સંસ્થાના કામમાં કરે છે. જેમકે માનો કે મોટું મંદિર બાંધવાનું હોય તો આર્કિટેક્ચર ભણેલા સાધુ તેનું કામ સંભાળે. ગુજરાતમા સારંગપુરમા બીએપીએસના સાધુઓની ટ્રેનીંગ સ્કૂલ આવેલી છે.અહીં નવા સાધુને તમામ પ્રકારની જરુરી ટ્રેનીંગ આપવામાં આવે છે,અને રસ રુચી અને આવડત જાણ્રીને સંસ્થાનું કામ સોપાય છે.
આ સંપ્રદાયમા જો કોઇ વ્યક્તિ સાધુ બનવાની ઈચ્છા વ્યક્ત કરે તો સહુથી પ્રથમ તો તેને ઝભ્ભો લેંઘો પહેરાવીને સાધક તરીકે સાધુઓ જોડે રાખવામાં આવે છે.સાધક તરીકે જો તે સફળ થાય અને ઉપરી સાધુઓને દેખરેખ દરમિયાન સંતોષ થાય તો તેને એક મહિનો ઘરે રહેવા માટે મોકલવામાં આવે છે. આ દરમિયાન તેના વર્તનની નોંધ લેવામાં આવે છે. જો તે સંતોષકારક જણાય તો પછી તેને સાધકથી ઉપરની પાર્ષદની પદવી આપ્વામાં આવે છે. પાર્ષદ તરીકે તેન સફેદ ધોતી અને કપડું પહેરાવવામાં આવે છે. પાર્ષદ તરીકે તે સાધુઓ જોડે રહે છે અને જરુરી ધર્મજ્ઞાન મેળવે છે.આ પછી જો ઉપરી સાધુઓને સંતોષ થાય તો ભાગવત દિક્ષા આપવામા આવે છે, જેમાં ભગવા કપડાં પહેરાવવામાં આવે છે.
દિક્ષા સમયે પ્રમુખસ્વામી નવા સાધુને નવું નામ આપે છે.
તાજેતરમાં સાંગપુરમાં આપવામાં આવેલી દીક્ષામાં સહુ નવા સાધુઓને દિક્ષા પ્રદાન કરતા સારંગપુરના મહન્તસ્વામીએ જનોઇ અર્પી, ડોક્ટરસ્વામીએ ભગવી પાઘ અર્પી, વિવેકસાગર સ્વામીએ ચંદનથી મોં મીઠું કરાવ્યું, તથા પ્રમુખસ્વામીએ ગુરુમંત્ર આપ્યો હતો.
| << Previous Post |


