Gujaratis Will Walk Shodhyatra In Kashmir (Gujarati Text)

આતંકવાદગ્રસ્ત કશ્મીરની શોધયાત્રામાં ૨૫ ગુજરાતીઓ ૧૧૦ કિલોમીટર ચાલશે:૩૨ ગામો ખૂંદશે:આઠ ગામોમાં રાત્રિ રોકાણ કરશે
અમદાવાદ, દેશગુજરાત
અમદાવાદમાં રહેતા રમેશ પટેલ આઈઆઈએમના પ્રોફેસર શ્રી અનિલ ગુપ્તાની સૃષ્ટિ સંસ્થામાં પ્રમુખ કાર્ય બજાવે છે. આ સંસ્થા દરેક વર્ષે દેશના કોઈ દૂરદરાઝના વિસ્તારમાં પદયાત્રા કરીને માર્ગમાં આવતા લોકોને મળે છે. ખેતરો ખૂંદે છે. તેમાં પ્રચલિત નવીન સંશોધનો, ટેકનીક, પરંપરા, બુજુર્ગોની વાતો, વૈદક, વનસ્પતિઓના સ્થાનિક ઉપયોગો વગેરે શોધીને ડોક્યુમેન્ટ કરે છે.આ યાત્રાને શોધયાત્રા કહેવાય છે. મજાની વાત એ છે કે શોધયાત્રા હેઠળ ચાલુ મહિને વીસથી સત્યાવીસ જૂન ૨૦૦૭ વચ્ચે ગુજરાતથી રમેશભાઈ પટેલ, પદ્મશ્રી પ્રોફેસર અનિલ ગુપ્તા સહિતના પચ્ચીસ લોકો ગુજરાતમાંથી કશ્મીર જવાના છે. અને ત્યાં આતંકવાદગ્રસ્ત અનંતનાગ વિસ્તારમાં લગભગ ૧૧૦ કિલોમીટર ચાલીને આઠ ગામોમાં રાત્રિરોકાણ કરીને કુલ ૩૨ ગામોમાં ફરવાના છે.
ગુજરાતના પચ્ચીસ સિવાય કશ્મીરના પચાસ અને ભારતના બીજા ભાગોમાંથી બીજા પચ્ચીસ એમ કુલ સો લોકો શોધયાત્રામાં નીકળશે.શરૂઆતના દિવસે ક્રેરીમાં સહુ શોધયાત્રીઓ સ્થાનિક કશ્મીરીઓના ઘરોમાં રોકાશે કે જેથી તેમની સંસ્કૃતિને જાણી અને માણી શકે.શોધયાત્રા દરમિયાન ૧૨ સ્કૂલોમાં આઈડીયા હરિફાઈ થશે.
શોધયાત્રા દરમિયાન અને પછી શું થાય છે એ તો અમે આપને દેશગુજરાત.કોમ પર જણાવીશું જ પણ હાલ તો વાંચો શોધયાત્રાની તૈયારી માટે બે વખત કશ્મીર જઈ આવેલા રમેશભાઈ પટેલ શું કહે છે તેમની કશ્મીર મુલાકાતના અનુભવો વિશે. અનુભવો કશ્મીરની ગ્રાઉન્ડ પરિસ્થિતિને જાણવા માટે ખાસ કામના છે.નીચેનું લખાણ પહેલો પુરૂષ એકવચનમાં છે રમેશ પટેલ સાથે થયેલી વાતચીત મુજબ તેમના જ શબ્દોમાં.
કશ્મીરી બાળકો પાકિસ્તાની ક્રિકેટ ટીમનો પોષાક પહેરે છે:મને ગુજરાતી જાણીને કશ્મીરીઓ સતત નરેન્દ્ર મોદી વિશે પૂછતા હતા:’૩૦૦૦ હિન્દુસ્તાની ફસે હ’ે સાંભળીને હું ચોંકી ગયો:રમેશભાઈ પટેલ
-જમ્મુ અને કશ્મીર રાજ્યમાં જમ્મુમાં ફરતા હોઈએ ત્યાં સુધી તો બધું સામાન્ય જ લાગે. ભારતના કોઈ પણ અન્ય ભાગ જેવું સામાન્ય. પણ જ્યાં તમે જમ્મુથી શ્રીનગર તરફ જાઓ ત્યાં તમને ઠેકઠેકાણે મિલીટરીના વાહનો અને માણસો દેખાય. જમ્મુ-શ્રીનગર હાઈવે પર સતત થોડા થોડા અંતરે આર્મીના વાહન ઉભા હોય છે અને માણસો હાજર હોય છે.
-અમારી શોધયાત્રા જમ્મુ શ્રીનગર હાઈવેની જવાહર ટનેલથી સાત કિલોમીટર અનંતનાગના વિસ્તારોમાં હશે. અનંતનાગનું ઓફિશીયલ નામ તો અનંતનાગ છે પણ કશ્મીરીઓ તેને ઈસ્લામાબાદના નામે જ બોલાવે છે. એક ઠેકાણે મારે અનંતનાગ જવું હતુ તો મને પેલા વાહન ચાલકે ઈસ્લામાબાદની વાત કરી. મને તો એમ થયું કે પાકિસ્તાનની સરહદ તો અહીંથી અઢીસો કિલોમીટર દૂર છે તો ઈસ્લામાબાદ અહીં ક્યાં આવ્યું? પછી માલૂમ પડ્યું કે કશ્મીરીઓ અનંતનાગને ઈસ્લામાબાદ તરીકે જ ઓળખે છે. અલબત્ત કશ્મીરીઓ આર્મીની સામે અનંતનાગને ઈસ્લામાબાદ કહેવાની જુર્રત કરતા નથી.
-અનંતનાગ વિસ્તારના ગામોની મુલાકાત લેતા જોયું કે દરેક ગામના પ્રવેશવાના અને નીકળવાના જે સ્થાન હોય ત્યાં આર્મીના કેમ્પીંગ હોય છે. આર્મીની ચુસ્ત નજર હોય છે કે ગામમાં કોઈ નવુ માણસ આવ્યું તો કોણ આવ્યુ.કોઈના ઘરે માનો કે બહારથી મહેમાન આવ્યા હોય તો તેનું પણ ચેકીંગ થાય છે. મહેમાન રાત્રે રોકાવાના હોય તો રાત્રે પણ ચેકીંગ આવી શકે છે.
-સ્થાનિક લોકોને ટોર્ચ રાખવાની છૂટ નથી. તેમણે બીજી પ્રકારની ફાનસ-લાલટેન જેવી બત્તીથી જ કામ ચલાવવાનું હોય છે. ટોર્ચ માત્ર આર્મી, પોલીસ જ રાખી શકે છે.
-રાત્રે સાડા સાત આઠ જેવો સમય થાય એટલે કોઈ બહાર નીકળતુ નથી. આર્મી રસ્તાઓ પર આવી જાય છે. જો રાત્રે કોઈ ઈમરજન્સીના કારણસર કોઈ બહાર નીકળે તો માનો કે વાહન લઈને નીકળે તો હેડલાઈટ ચલાવતુ નથી.હાથમાં ફાનસ જેવું કશુંક રાખીને વાહનમાં નીકળવાનું હોય છે. હેડલાઈટ ચલાવો તો શક્ય છે કે સામે ચેકીંગ પોસ્ટ પર તૈનાત આર્મીના જવાનને તમારી ગાડીની વિગત દેખાય નહીં અને શક્ય છે કે તમે આત્મઘાતી હોવ.
-દરેક કશ્મીરીને ઓળખપત્ર આપેલા હોય છે. ઓળખપત્ર વગર બહાર જરા પણ નીકળવાનું હોતુ નથી. હું અમદાવાદથી કશ્મીર ગયો હતો તો અમદાવાદનું જે સંસ્થામાં કામ કરું છું તેનું ઓળખપત્ર લઈને ગયો હતો. આર્મીએ ન કેવળ આ ઓળખપત્ર જોયું પરંતુ મારા ડીજીટલ કેમેરામાંની તસવીરો પણ જોઈ લીધી, મારી અમદાવાદથી કશ્મીરની રેલવેની ટીકીટો પણ ચેક કરી.
-અનંતનાગ વિસ્તારના ગામોમાં રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન છે. સારામાં સારુ ભણેલા છોકરાઓ અને છોકરીઓ બેકાર હોય છે. ખોબાની નામનો એક પાક થાય છે, સફરજન, અખરોટ અને ત્યાંની દેશી બદામ એ અન્ય પાકો છે. ક્યાંક ક્યાંક ડાંગર વવાય છે. આ બધા પર ત્યાંના ગામડાઓનું ગાડુ ચાલે છે. અશાંત પરિસ્થિતિ હોવાને કારણે અને કશ્મીર બહારનું કોઈ કશ્મીરમાં મિલકત ખરીદી ન શકે એવા કાયદાને કારણે અહીં બહારથી ઈન્ડસ્ટ્રીઓ આવી જ નથી.કોણ આવે?
-છોકરીઓ સારુ ભણે છે પરંતુ પોતાના કરતા ઓછું ભણેલા છોકરા સાથે ઘર માંડવું પડે છે. વળી મોટાભાગના કિસ્સામાં છોકરી ખૂબ જ નાની હોય છે અને તેનો દુલ્હો ઉંમરમાં બહુ મોટો હોય છે.
-કશ્મીરીઓમાં પાકિસ્તાન પરત્વે લગાવ જોઈ શકાય છે. બાળકો પણ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કપડા પહેરીને ક્રિકેટ રમતા હોય છે.
-કશ્મીરી સ્કૂલોમાં જ્ઞાનની, બહારની વાતો જાણવાનીે, તરેહ તરેહની એક્ટીવીટીની સખત ભૂખ છે.જ્યારે મેં શોધયાત્રાની તૈયારી માટે ત્યાંની કેટલીક સ્કૂલોની મુલાકાત લીધી ત્યારે હું તો છક્ક થઈ ગયો કે છોકરાઓ મને સ્કૂલ છોડવા જ દેતા ન હતા અને છેક બહાર ઝાંપા સુધી મૂકવા આવ્યા હતા.
-હું અનંતનાગ વિસ્તારના ક્લેરી ગામે પહોંચ્યો ત્યારે ત્યાં ખૂબ જ વરસાદ પડતો હતો. મને બસ સ્ટેન્ડ પર નિસહાય જોઈને એક અજાણ્યા સ્થાનિક ભાઈએ પોતાના ઘરે રાખવાની ઓફર કરી. હું તેમના ઘરે બીતો બીતો રહ્યો પણ એ તો બહુ જ સારા નીકળ્યા.કશ્મીરીઓની આગતા સ્વાગતા સારી છે. એક ઠેકાણે આર્મીએ મને પૂછ્યું કે હું ક્યાં રોકાયો છું. પછી મને સલાહ આપી કે અહીં કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિમાં શામિલ હોઈ શકે છે.તમે જેના ઘરે ઉતર્યા હોવ તે પણ. તમે જોખમમાં છો એ વાત યાદ રાખીને જ અહીં રહો.
-કશ્મીરીઓની સાથે રહેવા દરમિયાન તેમને આતંકવાદ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે આતંકવાદ તો આ વિસ્તારમાં આઠ વર્ષ પહેલા બહુ હતો. પછી તો આર્મી આવી અને અત્યારે તો આર્મીનો આતંકવાદ છે. આર્મી નકલી મુતભેડો કરે છે અને આતંકવાદ છે એવું દેખાડે છે. કશ્મીરના અખબારો આવું બધું છાપતા હોય છે એટલે લોકો પણ આવુ બધુ બોલે છે અને માને છે.આખો માહોલ આ રીતે તો ખરાબ છે.
-અનંતનાગ વિસ્તારમાં કશ્મીરીઓ લોન સાહેબ નામના અલગતાવાદી નેતાને ગાંધીજી જેવું માન આપે છે.
-એક દિવસ હું કશ્મીરમાં હતો ત્યારે ત્યાં શહાદત દિવસ નિમિત્તે બંધનું એલાન હતું. આવા એલાનો ત્યાં છાશવારે અપાતા રહે છે. મને એ દિવસે સૌએ સલાહ આપી હતી કે આજે ઘરની બહાર નીકળવું નહી. હું ઘરમાં જ રહ્યો હતો.
-કશ્મીરીઓ કશ્મીર સિવાયના લોકો માટે હિન્દુસ્તાની અને કશ્મીર સિવાયના ભારત માટે હિન્દુસ્તાન શબ્દ વાપરે ત્યારે મને એમ લાગતું હતુ કે જાણે હું ભારતની બહાર છું. એક વખત હું બેઠો હતો અને જમ્મુ-શ્રીનગર હાઈવે ખૂબ જ બરફ પડવાને કારણે ઠપ્પ થઈ ગયો હતો. ત્યારે એક યુવાન આવ્યો અને મારી બાજુમાં બેઠેલા કશ્મીરીને જાણ કરી ‘જમ્મુ શ્રીનગર હાઈવે જામ હો ગયા હે. તીન હજાર હિન્દુસ્તાની ફસે પડે હે વહાં’ મને તો આ સાંભળીને ઝટકો લાગ્યો.
-કશ્મીરીઓ જ્યારે જાણે કે હું પટેલ છું ત્યારે તરત જ તેમને માલૂમ પડે કે આ તો ગુજરાતી છે. અને તરતજ મને પૂછે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી કેવા છે ? શું ખરેખર ત્યાં મુસ્લિમો પર બહુ જુલ્મ થયો છે ? તેમના રાજ્યમાં મુસ્લિમોની દશા કેવી છે ? તમે કઈ રીતે ભાજપ જેવી પાર્ટીને ત્યાં જીતાડો છો ? શું ગુજરાતી હોવાના નાતે તમે પણ નરેન્દ્ર મોદીના સમર્થક તો નથી ને ?
આ બધાને જવાબ આપવા પડતા હતા. જોકે મારો જવાબ મોટાભાગે તો એવો રહેતો હતો કે ‘તમે ગુજરાત વિશે કશ્મીરમાં બેઠા બેઠા મિડિયા દ્વારા જે જાણો છો એટલું બધુ અને એવુ જ બધુ તો છે નહીં. ગોધરા કાંડ સમયે જે થયું હતું તે સદાકાળ નથી. ગુજરાતનો એક પણ મુસ્લિમ ગુજરાત છોડીને યુપી કે બિહારના મુસ્લિમ બહુલ ક્ષેત્રોમાં વસવા જતો નથી. ગુજરાતના મુસ્લિમો મોદીના શાસન પહેલા, શાસન વખતે કે કાલે બીજા કોઈના પણ શાસનમાં સુખી જ છે.’
-જ્યારે અનંતનાગ વિસ્તારના જિલ્લાધ્યક્ષની ઓફિસમાં હું શોધયાત્રાનું નિમંત્રણ કાર્ડ લઈને ગયો ત્યારે તેઓ તો તાડૂક્યા. ‘કોને પૂછીને કરો છો આ યાત્રા? તમે સ્થાનિક પોલીસની પરવાનગી લીધી છે આ યાત્રા માટે ?’ મેં કહ્યું કે અમે આખા ભારતના જુદા જુદા પ્રાંતોમાં ઓગણીસ શોધયાત્રાઓ કરીજ છે. ક્યારેય પરમીશન લેવાની જરૂર પડી નથી. અધિકારીએ કહ્યું ‘ આ કશ્મીર છે. તમે યાત્રા કરતા હોવ અને તમને કશું થઈ જાય તો મારે ચીફ મીનીસ્ટરને, દિલ્હીને જવાબ આપવો પડે. તમે આ કાર્ડ હમણા વહેંચશો નહીં.’ બાદમાં અધિકારીએ પોલીસ વગેરે સાથે વાત કરી અને અમે જાણ્યું છે કે યાત્રા પહેલા તેમણે આખા રૂટની રેકી કરી છે અને વિવિધ ભાગોની જવાબદારીઓ વહેંચી છે.
-અહીં એક વાત ખાસ કે અમારી સંસ્થા કશ્મીરમાં પોલીસ કે આર્મીનું કોઈ સંરક્ષણ કે પરવાનગી લેવા ક્યારેય ઈછછુક નથી. કારણકે અમારૂ રક્ષણ કશ્મીરી લોકો જ કરશે. અમે ભૂતકાળમાં ૨૦૦૫ ડિસેમ્બરમાં ઓરિસ્સાના કોરાપુટ વિસ્તારમાં શોધયાત્રા કરી હતી ત્યારે એક ઠેકાણે પોલીસે અમને કહ્યું હતું કે ‘આનાથી આગળનો વિસ્તાર નકસલવાદીઓનો છે. અહીંથી આગળ અમે પણ નથી જતા.’પણ અમે આગળ વધ્યા હતા અને નકસલવાદીઓએ અમને જમાડ્યા હતા.કશ્મીરીઓથી અમે ડરવાના નથી. અમે તો તેમનામા ભળવાના છીએ અને તેમને અમારામાં ભેળવવાના છીએ. અત્યારે ત્યાં સરસ યુવાનો અમને મળ્યા છે કે જેમને ભવિષ્યમાં ગુજરાત બતાવીશું અને તેઓ ભારતને ચાહવા લાગશે. એટલું ચોક્ક્સ કહું છું કે અમે શોધયાત્રામાં જે જે સ્કૂલોમાં રહીશું , ફરીશું, કાર્યક્રમ કરીશું એ સ્કૂલોનો કોઈ પણ વિદ્યાર્થી ભવિષ્યનો આતંકવાદી નહી હોય.
Learn More About Sursti’s Kashmir Shodhyatra At This Link
જુઓ વિડિયો: અગાઉની કેરળની શોધયાત્રા દરમિયાન શોધી કઢાયેલા સંશોધકની કમાલ. આ સંશોધકે નારિયેળી પર ચડવાનું યંત્ર શોધી કાઢ્યું હતું જે શોધયાત્રા દરમિયાન મળી આવ્યું પછી તેને સૃષ્ટિ અને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન તથા જ્ઞાન સંસ્થા(તમામ સંસ્થાઓ ડો અનિલ ગુપ્તા સંચાલિત) દ્વારા વિકસાવવામાં અને પ્રમોટ કરવામાં આવ્યું.
જુઓ વિડિયો: ઉત્તર પ્રદેશમાં થયેલી શોધયાત્રામાં એક સંશોધકે શોધી કાઢેલી સાયકલ અને જૂતા કે જેનાથી સંશોધક પાણી પર ચાલી શકે છે અને સાયકલ ચલાવી શકે છે. આ બેઉ અને તેના વિશે ડો. અનિલ ગુપ્તાનું નિવેદન.



















