3 Films, Important for 3 Gujaratis:Himesh, Neeraj, Mahesh

પોતાની ફિલ્મ આપકા સુરૂરની સફળતા માટે અજમેરની દરગાહમાં દુઆ કરવા જતા હિમેશે પ્રશંષકોની ભીડથી બચવા બુરખો પહેર્યો હતો જેના પગલે ફિલ્મની રીલીઝ ટાણે વિવાદ સર્જાયો હતો. હિમેશની બુરખામાં તસવીર.
મુંબઈ, દેશગુજરાત
આજે શુક્રવાર ૨૯મી જુનનો દિવસ. ભારતમાં શુક્રવાર એ બોલીવુડની ફિલ્મો રીલીઝ થવાનો વાર હોય છે. આજે એક સાથે ત્રણ ફિલ્મો રીલીઝ થવા જઈ રહી છે. પણ આ હિંદી ફિલ્મો વિશે પાક્કા ગુજરાતી મિડિયા એવા દેશગુજરાત.કોમ પર લખવાનું એટલા માટે થયું છે કારણકે ત્રણેય ફિલ્મો સાથે ત્રણ ગુજરાતીઓ ગાઢ રીતે સંકળાયેલા છે; હિમેશ રેશમિયા, નીરજ પાઠક અને મહેશ ભટ્ટ.
સહુ પહેલા વાત કરીએ ફિલ્મ આપકા સુરૂરની અને હિમેશ રેશમીયાની.આજની ત્રણ ફિલ્મોમાં સૌથી વધુ ચર્ચા જગાવનારી રીલીઝ છે હિમેશ રેશમીયાની ફિલ્મ આપ કા સુરૂર. બોલીવુડમાં એક પછી એક અઢી ડઝન હીટ ગીતો આપીને છવાઈ જનાર સંગીતકાર અને ગાયક હિમેશ પાક્કો ગુજરાતી છે , તે આવુ ખુલ્લેઆમ ગૌરવ સાથે કહે પણ છે. આજની ફિલ્મ દ્વારા હિમેશ અભિનય ક્ષેત્રે પ્રદાર્પણ કરી રહ્યો છે. આ ફિલ્મમાં હિમેશ પોતે ટોપી કેમ પહેરી રાખે છે, તેના નિષ્ફળ પ્રેમની વાસ્તવિક કહાની હકીકતમાં શું છે, વગેરે હિમેશની અસલ જિંદગી આધારિત વાતો રજુ થવાની છે. હિમેશ માટે આ ફિલ્મનું સફળ થવું બહુજ જરૂરી છે. નહીં તો તેની ઈમેજને નુકસાન પહોંચશે.અને તેના અત્યાર સુધીના જબરજસ્ત ટ્રેક રેકોર્ડને નુકસાન પહોંચશે.
આજે બીજી ફિલ્મ રજુ થવા જઈ રહી છે એ છે અપને. અપને ફિલ્મમાં પ્રથમ વખત ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલ એક જ ફિલ્મમાં ભેગા થયા છે. આ ફિલ્મનું લેખન ગુજરાતી, એક સમયના અમદાવાદી પણ પછી મુંબઈ સ્થાયી થયેલા નીરજ પાઠકે કર્યું છે. નીરજ પાઠક પરદા પાછળના ગુજરાતી હોવાના કારણે તેઓ ખાસ જાણીતા નથી. એમનો એક જ વાક્યમાં પરિચય આપવો હોય તો એ રીતે આપી શકાય કે સુભાષ ઘાઈની સુપરહીટ ફિલ્મ પરદેસનું લેખન કાર્ય તેમણે કર્યું હતુ.સુભાષ ઘાઈ સાથે લાંબો સમય કામ કરવા ઉપરાંત નીરજે જુર્મ, ગુમનામ, ઈકરાર, ચાહત, દીવાનગી, હમ તો મુહોબ્બત કરેંગા જેવી ફિલ્મો પણ લખી છે.નીરજની બીજી એક ઓળખાણ આપીએ તો ખીચડી અને બા બહુ ઓર બેબી ટીવી સીરીયલોની જાણીતી અભિનેત્રિ વંદના પાઠક વૈદ્યના એ પતિ થાય. એ રીતે નીરજ જાણીતા ગુજરાતી કલાકાર શ્રી અરવિંદ વૈદ્યના જમાઈ થાય. બહુ પહેલા પાતળા શ્યામવર્ણા ઉંચા એવા આ નીરજ પાઠક દૂરદર્શન અમદાવાદની સીરીયલોમાં જોવા મળતા હતા. સેટેલાઈટ ટીવીના જમાનામાં અમદાવાદ દૂરદર્શનમાં સીરીયલો ચલાવતા પ્રોડક્શન હાઉસો તૂટી ગયા હતા. પછીજ હિમેશ રેશમિયા જેવા એ જમાનાના ગુજરાતી સીરીયલોના પ્રોડ્યુસર અને નીરજ પાઠક જેવા કલાકારોએ મુંબઈની વાટ પકડવી પડી હતી.આજે તેઓ મોટા નામ થઈ ગયા છે.
ખેર આજે રજુ થનારી ફિલ્મ નીરજ પાઠક માટે મહત્વની છે કારણકે આ ફિલ્મ તેમનાથી જ જનમી છે. ફિલ્મનો આઈડીયા જ આખો નીરજનો છે. અપને ફિલ્મના પ્રોડ્યુસર રાહુલ સુગંધ કહે છે કે નીરજે ૩૦ સેકન્ડમાં મને કહાનીનો આઈડીયા સંભળાવ્યો.મેં સની દેઓલને ફોન પર વાત કરી. કાર ડ્રાઈવીંગ દરમિયાન અર્ધા કલાકનો પ્લોટ તૈયાર થઈ ગયો.સનીએ ધર્મેન્દ્રને કહાની સંભળાવવા કહ્યું.સેકન્ડ નેરેશનમાં ધર્મેન્દ્ર અને ત્રીજા નેરેશનમાં બોબી દેઓલ ખુશ થઈ ગયા.શિલ્પા શેટ્ટીને તો જ્યારે સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
નીરજ પાઠક લેખન પછી હવે પ્રથમ વખત ફિલ્મ નિદર્શન પણ કરવા જઈ રહ્યા છે. એક થ્રીલર ફિલ્મ માટે તેઓ ડાયરેક્શન કરશે. આ ફિલ્મ કિશન કુમાર પ્રોડ્યુસ કરવાના છે.૨૪ જુલાઈથી આ ફિલ્મનું શૂટીંગ શરૂ થવાનું છે જે મુંબઈ અને ગોવામાં થશે. આ ફિલ્મમાં મુખ્ કિરદારમાં સની દેઓલ હશે.
અને ગુજરાતી હિમેશ, ગુજરાતી નીરજ પછી આજે ત્રીજી ફિલ્મ આવારાપન રજુ થવાની છે એ પણ ગુજરાતીઓની છે. આ ફિલ્મ છે ગુજરાતી મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની સૌથી મોંધી ફિલ્મ.
ટૂંકમાં દેશના થિયેટરોમાં ત્રણ ફિલ્મો રજૂ થશે અને ત્રણ ગુજરાતીઓ હિમેશ, નીરજ અને મહેશ ભટ્ટ આતુર નજરે તેમને કેવો પ્રતિસાદ સાંપડે છે એની પ્રતિક્ષામાં હશે.બેસ્ટ ઓફ લક ગુજરાતીઓ.
gujaratis in bollywood hindi films himesh reshammiya aap ka suroor burkha photo neeraj pathak screenplay writer apne sunny deol bobby deol dharmendra shilpa shetty arvind vaidh vandana pathak vaidya awarapan mahesh bhatt mukesh bhatt



















