6400 Gujarati Net Pages!GujaratiVisamiSadi.Com Launched
૬૪૦૦ સ્કેન કરેલા ગુજરાતી પાનાની વેબસાઈટ
ગુજરાતીવીસમીસદી.કોમ
અમદાવાદ, દેશગુજરાત
ગુજરાતના સક્ષમ માણસો ગુજરાતની તેમને રસ પડતી હોય એવી, તેમની પસંદગીની, તેમને ગમતી એવી બાબતમાં સક્રિય સક્રિય થવાનું શરૂ કરે તો ઘણા ક્ષેત્રે ઘણું બધુ કામ થઈ શકે. પોતાના નીજી જીવનમાંથી થોડો સમય કાઢીને, બહાર નીકળીને દરેક ગુજરાતીએ ગુજરાત માટે કશુંક કશુંક કરવું જ જોઈએ.
શ્રી ધીમન્ત પુરોહિત આમ તો ભારતની પ્રથમ ક્રમાંકની હિંદી ટીવી ન્યુઝ ચેનલ આજ તકના ગુજરાતના બ્યુરો ચીફ છે પણ ગુજરાત માટે કશુંક કરવું અને કરતા રહેવું એ તેમના રસનો વિષય છે. કેટલાક સમય પહેલા તેમના ધ્યાનમાં જ્યારે સન ૧૯૧૬થી ૧૯૨૦ વચ્ચે ચાલેલા ‘વીસમી સદી’ નામના ગુજરાતી મેગેઝીનના અંકો આવ્યા ત્યારે એક પત્રકાર તરીકે તેમને સ્વાભાવિક રીતેજ તેની ઉત્તમ ગુણવત્તામાં રસ પડ્યો. તેઓ કદાચ જૂના અંકને વખાણીને ભૂલી જઈ શક્યા હોત પરંતુ તેમણે એક જાયન્ટ ડગલું આગળ ભર્યું અને આ મેગેઝીનના બીજા અંકો શોધીને ભેગા કરવાની, તેમને ડીજીટાઈઝ કરવાને અને વેબસાઈટના માધ્યમથી લોકો સમક્ષ મૂકવાની મથામણ આદરી.
સમાન વિચારવાળા મિત્રોના સહ્યોગથી માત્ર પાંચ અંક છોડીને બાકીના બધાજ અંકો પ્રાપ્ત થઈ શક્યા.આ બધા અંકોના કુલ છ હજાર કરતા પણ વધારે પાના સ્કેન કરીને સર્ચની વ્યવસ્થા સાથે છેવટે તેની વેબ સાઈટ GujaratiVisamiSadi.Com બનાવવામાં આવી જે તાજેતરમાં અમદાવાદમાં ભાઈકાકા હોલમાં ખુલ્લી મૂકવામાં આવી છે.એક ગુજરાતી વેબસાઈટનું આ રીતે હકડઠેઠ ભરેલા હોલમાં લોંચીંગ થાય એ વાત જ વિરલ છે. સામાન્ય વેબરસિયાઓ માતૃભાષા અને માતૃભૂમિની દેશમોહબ્બતથી પ્રેરાઈને બ્લોગ ચલાવે એવું તો ચાલે જ છે પણ સક્ષમ માણસો આવા વિષયમાં રસ લે અને તેને અંજામ સુધી પહોંચાડે ત્યારે વિરાટ કામ થાય છે, આખું ક્ષેત્ર ધબકતું થઈ જાય છે.
જૂના મેગેઝીનના ડીજિટલ પુન:જન્મનું આ કામ નાણાકીય સહાય, સંકલન, તકનીકી તજજ્ઞતા વગર શક્ય જ ન બને. આ આખા કામમાં નાણાકીય સહાય મુંબઈ સ્થિત નવનીતભાઈ અને ફીઝાબહેન શાહ દંપતિએ કરી છે. તકનીકી વિકટ અને વિરલ કામ અગાઉ કુમાર સાપ્તાહિકની ડીવીડી બનાવવાનું કામ કરનાર બિરેન પાધ્યાએ કર્યું છે જ્યારે વિવિધ મોરચે સંકલનનું કામ રજનીકુમાર પંડ્યાએ કર્યું છે.આ વેબસાઈટ થકી જૂના મેગેઝીનના ઓનલાઈન વાંચનમાં વાંચકોને કેવો રસ પડે છે એ પરીક્ષાની બાબત છે.વેબસાઈટ ફ્લેશમાં બની છે એટલે ઝડપ ધીમી છે બ્રોડબેન્ડ ગ્રાહકો જ ખાસ કરીને આ વેબસાઈટનો લાભ ઉઠાવી શકશે.
પણ વધામણા કરવા જેવી મૂળ વાત એ છે કે જૂના લુપ્ત થતા ગુજરાતી સાહિત્યને ન કેવળ ડીજીટાઈઝ કરવું પણ સાથે તેને લોકો માટે પણ ખુલ્લુ મૂકી દેવું, લોકોને સુલભ બનાવવું એ પરિકલ્પના જ ખુદમાં બહુ સરસ છે. તમે જુઓ, ગુગલ બુક્સ દ્વારા કે ગુટેનબર્ગ.ઓઆરજી દ્વારા કેટલા બધા પુસ્તકો સ્કેન કરીને લોકો માટે ખુલ્લા મૂકી દેવાયા છે પણ ગુજરાતી પુસ્તક જગતની અને ગુજરાતી પુસ્તક જગતમાં આની સદંતર ગેરહાજરી છે, ઉપેક્ષા છે. આપણે ગુજરાતીઓ વિશ્વની શ્રેષ્ઠ પ્રજા છીએ ત્યારે આપણી વિરાસતો પણ શ્રેષ્ઠ રીતે સચવાવી જોઈએ, તેમનો શ્રેષ્ઠ રીતે ઉદ્ધાર થવો જોઈએ.વીસમી સદી મેગેઝીન નો ઉદ્ધાર અને તેની ડીજીટલ જાળવણીના પ્રોજેક્ટ પાછળ રહેલી ગુજરાત માટે, ગુજરાતીઓ માટે કશુંક કરવાની જે ભાવના અભિપ્રેત છે તે બીજા ગુજરાતીઓને પ્રેરણા આપનારી છે.
એનું વિચારબીજ મનમાં આજે જ વાવો અને એને વટવૃક્ષ બનાવો
























