Home » More » Gujarati » NRI Gujarati Children Learning Culture in Ahmedabad(Text)

NRI Gujarati Children Learning Culture in Ahmedabad(Text)

સંસ્કૃતિ-સંસ્કાર-ધર્મના શિક્ષણ માટે હોંગકોંગ અને થાઈલેન્ડથી વેકેશનમાં આ બાળકો અમદાવાદ આવ્યા છે

dakor.jpg

આપણને આપણા ગુજરાતી સાંસ્કૃતિક પોષાક પહેરવામાં આજે નાનપ લાગે છે પરંતુ અમદાવાદના ગુરૂકુલમમાં વિદેશથી વેકેશનમાં આવેલા આ છ બાળકો અને તમામ બાળકો ગૌરવ સાથે તે પહેરે છે

અમદાવાદ, દેશગુજરાત
અક્ષત મહેતા, ઋષભ શાહ, જૈનમ સંઘવી, જૈનમ મહેતા, અનુજ હેક્કડ અને પરિષી મહેતા આ છ બાળકો હોંગકોંગ અને થાઈલેન્ડમાં વસતા ગુજરાતી જૈન પરિવારના સંતાન છે. બેંગકોક અને હોંગકોંગમાં સ્કૂલોમાં વેકેશન હોવાના કારણે આ બાળકો તેમના ફાજલ સમયમાં ખાસ ગુજરાતી જૈન સંસ્કૃતિ અને સંસ્કારના પાઠ ભણવા માટે અમદાવાદ આવ્યા છે. અમદાવાદમાં એક મહિનો વસવાટ દરમિયાન આ બાળકો સંસ્કૃત, તબલા, હાર્મોનિયમ, મહેંદી, વૈદિક ગણિત, આયુર્વેદ અને સારી જીવન પદ્ધતિના પાઠ શીખી રહ્યા છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગુરૂકુલમ સંસ્થા ચાલે છે. આ સંસ્થા મેકોલે સ્થાપિત પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થાના પર્યાયમાં સ્થાનિક જૈનોએ ઉભી કરેલી છે. હવે તો આ સંસ્થાની કેટલીક શાખાઓ પણ શરૂ થઈ છે જે અમદાવાદના પાલડી વિસ્તારમાં, મુંબઈમાં અને સુરતમાં ચાલે છે. આ સંસ્થામાં ખાસ અભ્યાસક્રમ તૈયાર કરીને વિદ્યાર્થીઓને સંસ્કાર અને જીવનઘડતરનું શિક્ષણ આપવામાં આવે છે. અમદાવાદની નામાંકિત અંગ્રેજી માધ્યમની શાળાઓમાંથી ઉઠાડી મૂકીને વાલીઓએ તેમના સંતાનોને અહીં ગુરૂકુલમમાં દાખલ કર્યા છે.

પરંતુ અહીં વિદેશથી પણ ગુજરાતીઓના બાળકો આવવાનો પ્રસંગ પહેલી જ વખત બન્યો છે. ગુરૂકુલમ સાથે જોડાયેલા મિથુન શાહ કહે છે કે ગુરૂકુલમના ટ્રસ્ટી રમેશભાઈ સંઘવીના કેટલાક નજીકના સગા હોગકોંગ અને બેંગકોકમાં હીરાના વ્યાપાર હેતુથી સ્થાયી થયેલા છે. વર્ષોથી વિદેશમાં જ રહેતા આ ગુજરાતી પરિવારોની ઈચ્છા હતી કે તેમના બાળકો વિદેશમાં રહેતા રહેતા ગુજરાતની સંસ્કૃતિ, જૈન ધર્મ, ભારતીય સંસ્કારોથી વિમુખ ન થઈ જાય.આ માટે તેમણે આ વખતે આ બાળકોને સંસ્કાર ઘડતરના શિક્ષણ માટે વેકેશનમાં એક મહિના માટે ખાસ અમદાવાદ મોકલ્યા છે.લગભગ પચ્ચીસ બાળકોની દરખાસ્ત વિદેશથી આવેલી હતી તેમાંથી સાત બાળકોને પસંદ કરવામાં આવ્યા. એક બાળક માંદો પડતા પરત ફર્યો છે જ્યારે છ બાળકો ખૂબ જ ખુશીથી અહીં અભ્યાસ કરી રહ્યા છે.

વિદેશમાં આ પ્રત્યેક બાળકના ઘરમાં ગુજરાતી બોલાય છે. પરંતુ અમદાવાદના ગુરૂકુલમમાં આવ્યા પછી તો બાળકો હવે સંસ્કૃત પણ બોલશે.અહીં ગુરૂકુલમમાં દરેક બાળકને સો સંસ્કૃત સુભાષિતોની યાદી આપવામાં આવી છે જેને તેઓ અર્થ સહિત બોલી શકે છે.બાળકોને સંસ્કૃત ભાષા ધાતુ પદાવલિ અને શબ્દરૂપાવલિ થકી હાલ પ્રાથમિક ધોરણે શીખવાડવામાં આવી રહી છે.વેકેશન પૂરૂ થયે જ્યારે બાળકો વિદેશ પાછા ફરશે ત્યારે ડિસ્ટન્સ લર્નીંગથી આગળ વધુ સંસ્કૃત ત્યાં જ રહીને ભણશે.બાણકોમાંની એક માત્ર છોકરી પરિષી મહેતાએ અહીં મહેંદીના મૂકવાનું શીખ્યુ છે તો જૈનમે અહીં તબલા વગાડવાનું શીખ્યું છે.

જોકે તમામ બાળકોને સૌથી વધુ મજા તો વૈદિક ગણિત શીખવામાં આવી રહી છે. જેમ કે ઋષભ કહે છે કે ચલો કોઈ આંકડો બોલો અને તેને આંકડો લખાવ્યો કે ૯૮૯૮૯૮૮૦૩૫ તો તેણે એક જ મિનિટમાં તેને ૯૯૯૯૯૯૯૯૯૯ સાથે ગુણીએ તો જવાબ ૯૮૯૮૯૮૮૦૩૪૦૧૦૧૦૧૧૯૬૫ આવે એવું વૈદિક ગણિતથી ગણી બતાવ્યું.બાળકો કહે છે કે તેઓ વિદેશમાં વૈદિક ગણિતના પરચા તેમના સહાધ્યાયીઓને બતાવશે અને શિક્ષકોને પણ આશ્ચર્યમાં મૂકી દેશે. જોકે પાક્કા વાણિયા એવા આ છોકરાઓ કહે છે કે તેઓ વિદેશમાં આ ગણતરીની રીત કોઈને બતાવશે નહીં.

વિદેશના અને અહીંના છોકરાઓમાં શું તફાવત જણાય છે એમ પૂછતા ગુરૂકુલમના શિક્ષકો કહે છે કે સ્થાનિક ગુજરાતી છોકરાઓને શાંત બેસાડી શકાય છે પણ વિદેશથી આવેલા ગુજરાતી છોકરાઓ ચંચળ હોય છે. તેમને એક જગ્યાએ સ્થિર રાખીને ભણવામાં જોતરવા એ થોડુ અઘરૂ હોય છે. શિક્ષકો કહે છે કે વિદેશથી આવેલા છ બાળકોને શરૂઆતમાં ગરમી લાગી પણ પછી અહીંનુ હવામાન અનૂકૂળ થઈ ગયું છે. શિક્ષકો કહે છે કે છોકરાઓ વિદેશમાં ખૂબ જ વૈભવથી રહે છે અને ત્યાં વેકેશન ગુજારીને વિડિયોગેમ રમી શક્યા હોત, ફરવા જઈ શક્યા હોત પણ તેમણે અને તેમના વાલીઓએ સંસ્કાર શિક્ષણનો જે રાહ પકડ્યો છે એ કાબિલે તારીફ છે. બાળકોને અહીં એવુ ગમી ગયું છે કે આવતુ વેકેશન પણ અહીં જ ગુજારવા માટે આવવાના છે.

બાળકોએ ગુરૂકુલમમાં ચૌદ નિયમો પાળવાનું પ્રણ લીધું છે.અમાંના મોટાભાગના નિયમ તો તેઓ પાળી પણ રહ્યા છે. નિયમોમાં સવારે જાગીને અને રાત્રે સૂતા પહેલા મા-બાપને પગે લાગવું, ટીવી જોવાનું અવગણવું, ઉઠીને નવકાર મંત્ર બોલવો, સૂતા પહેલા સાત નવકાર બોલવા અપશબ્દ ન બોલવા, અભક્ષ્ય ખોરાકનો ત્યાગ કરવો, ખાતી વખતે એંઠા મોઢે ન બોલવું(કારણકે આયુર્વેદ અનુસાર તેથી વાયુની વ્યાધી થાય છે), છાપા-ચોપાનીયાનો ત્યાગ, રાત્રે ભોજનનો ત્યાગ, સવારે વહેલા ઉઠવુનો સમાવેશ થાય છે.

ખાસ ખૂબીની વાત એ છે કે આજે ગુજરાતી સાંસ્કૃતિક પોષાક માત્ર ટીવીમાં, નાટકોમાં અને ગામડાઓમાં ક્યાંક ક્યાંક જ જોવા મળે છે પણ અહીં આ બાળકો ગુજરાતી પાઘ, જભ્ભો, લેંઘો અને ખેસ પહેરીને રહે છે. પેન્ટ શર્ટ અને ટીશર્ટ પહેરીને અમેરીકન અને બ્રિટીશ થઈ ગયેલા અને ગુજરાતી પોષાક પહેરવામાં શરમ શરમ અનુભવી રહેલા ગુજરાતીઓ મહીં આ એક વિરલ વાત છે.(ગુરૂકુલમમાં સંપર્ક સૂત્ર:મિથુન શાહ ૯૮૨૪૦-૧૯૮૮૮)

Gujarati Nri children hong kong hongkong thailand education gurukulam ahmedabad shahibag jain navkar mantra sanskrit vedik maths gujarat tabla culture sanskar vacation education akshata mehta jainam sanghvi jainam mehta parishi mehta rushabh shah anuj hekkad

<< Previous Post
Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo