Andar Bahar Gujarat:October 2007 Archive(Gujarati text)
abg is regularly available at http://deshgujarat.com/abg
સરદાર પટેલ જયંતિએ
31-10-2007 Gossip
દેશગુજરાત અને જેપી બંને ૩૧ ઓક્ટબરના બહાને આજે સરદાર પટેલમય થઈ ગયા છે.ઈન્ટરનેટ પરક્વોટસની વેબસાઈટો પર વિશ્વના નાના મોટા અનેક લોકોના ક્વોટસ તમને વાંચવા મળી જશે પણ સરદાર પટેલના ક્વોટસ ખાસ મળતા નથી. ભઈ મને તો ન મળ્યા. આપણે ગુજરાતીઓ સરદારના વિચારોને વિશ્વની ખમતીધર ક્વોટસ વેબસાઈટસને પોસ્ટ ન કરી શકીએ ? જે વાંચકો ખૂબ સારૂ અંગ્રેજી ધરાવતા હોય એ કૃપા કરીને સરદારના આ ક્વોટસનું સુંદર સરળ અંગ્રેજી કરીને ક્વોટસની વેબ્સાઈટો પર મૂકે તો તેમાં ગુજરાતની સેવા થશે. જેપીના એડવાન્સ થેંક્યુ સાથે અહીં લાયબ્રેરીમાં ભેજુ ખપાવીને એકઠા કરેલા સરદાર પટેલના કેટલાક ક્વોટસ રજૂ કરૂ છુ:
-પાણીમાં તરનારા ડૂબે છે એ વાત સાચી, અને કિનારે ઉભેલા ડૂબતા નથી એ વાત પણ સાચી પણ યાદ રહે કે કિનારે ઊભા રહેનારાઓ કદી તરતા શીખી શકતા નથી.
-મારા જેવાને તો એક આદત પડી છે કે, પગ મૂકું ત્યાંથી પાછું ન પડવું.જ્યાં પગ મૂકીને પાછું ફરવું પડે ત્યાં પગ મૂકવાની મને આદત નથી.
-મેં તો અનુભવ કરી જોયા છે કે લોકોને સીધી સાચી વાત કહેવાની આદત નથી. તેમને ખુશામતની બહુ ટેવ પડી ગઈ છે. તમે ખુશામત છોડી દેજો. તેના જેવો ઝેરી રોગ કોઈ નથી.
-મારી જીભ કુહાડા જેવી છે અને મારી વાત કડવી લાગે તો પણ આપણા બેઊના હિતની છે.
-તમારા કાન પણ સભ્યતા શીખે.નિંદા સાંભળવા ન ટેવાય એ ધ્યાન રાખજો.
-એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે મરવાનું એક જ વખત છે. દરેકને માટે કાથી ને વાંસ(ઠાઠડીનો સામન) સિવાય બીજુ કશું છે જ નહીં.
-યમના દૂતથી કોઈ સંતાયેલો રહી શકવાનો નથી. તમારુ મોત આવશે ત્યારે યમ તો દુનિયાના પડ ઉપર કોઈપણ ઠેકાણેથી તમને શોધી કાઢશે.
-મરવાનુ તો સૌએ છે પણ ઈજ્જત સાથે મરવાનું આવે તો બે વર્ષ વહેલું આવે તોય પોસાય.
-આજનું કામ આજે કરો, કાલનું કામ એની મેળે થઈ જશે.
-દુનિયા જબરજસ્ત વિદ્યાલય છે અને એ વિદ્યાલયની ડિગ્રી ઝટ નથી મળતી.
-પૈસો તો આજે છે ને કાલે જતો રહેશે. સટ્ટાના બજારમાં ઘણા માણસો પૈસો ગુમાવે છે પણ સેવાના બજારમાં કોઈ દિવસ ગુમાવવાનું હોતુ નથી.
-મગજ અને હાથપગ વચ્ચે અંતર ન જોઈએ.
30-10-2007 Gossip
વિશ્વ હિંદુ પરિષદના શ્રી પ્રવીણભાઈ તોગડિયાને નરેન્દ્ર મોદી સાથે નથી બનતુ એ જગજાહેર છે. થોડા વખત પહેલા પ્રવીણભાઈએ અમદાવાદના કાશીરામ અગ્રવાલ હોલમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોને સંબોધતા કહ્યું હતુ કે નરેન્દ્ર મોદીની વર્તમાન સરકાર હિંદુત્વને કમીટેડ નથી તેથી તેના માટે આવનારી ચૂંટણીમાં કામ ન કરવું.
ખેર બંધ બારણે કાર્યકરોના સંમેલનમાં પ્રવીણભાઈ આમ બોલ્યા અને બહાર પત્રકારોને આની ખબર પડી એટલે સંખ્યાબંધ પત્રકારોએ સાંજે પ્રવીણ તોગડિયાને ફોન કરવા શરૂ કર્યા. પ્રવીણભાઈ પત્રકારોનો ફોન ઉપાડે એટલે કહેતા હતા ‘જુઓ ભાઈ ગઈ વખતે પણ હું જે બોલ્યો હતો એનું તમે જુદુ અર્થઘટન કર્યુ હતુ એટલે આ ફોન પરની વાત હું રેકોર્ડ કરી રહ્યો છુ એ તમને પહેલા જ જણાવી દઉ. હું જે બોલુ છુ એ જ લખજો એના સિવાય કશું ના લખશો. ફોન રેકોર્ડ કરવા મૂકૂ છુ.’ આમ કહીને પ્રવીણભાઈ પત્રકારો સાથે વાત કરતા હતા અને કહેતા હતા કે તેમણે કાર્યકરોને ચૂંટણીમાં કામ કરવુ ન કરવુ એવુ કશું સંમેલનમાં કીધુ જ નથી. તેમણે તો માત્ર કેટલાક ઉદાહરણો આપ્યા હતા કે વિશ્વ હિંદુ પરિષદના કેટલાક કામ મોદી સરકારમાં કેવા નથી થયા. જેમ કે ત્રિશૂળ દિક્ષાનો કાર્યક્રમ ન થવા દેનાર પોલીસ અધિકારીને ઠપકો કે બદલી ન મળ્યા વગેરે …
દરઅસલ પ્રવીણભાઈની આ વાતો અખબારોમાં છપાઈ પછી તેમને દિલ્હી બોલાવીને વીએચપીના શ્રી અશોક સિંઘલે ભારે ઠપકો આપ્યો હતો. જેપીના સોર્સ તો કહે છે કે અશોકજી ઠપકો આપતા હતા અને પ્રવીણભાઈની આંખોમાંથી આંસુ નીકળતા હતા. અશોકા સિંઘલે પ્રવીણભાઈને કહ્યુ હતુ કે તમને આખા વિશ્વના હિંદુઓની જવાબદારી સોંપી છે અને તમે ગુજરાતના નાનકડા રાજકારણમાં માથુ મારો છો ? ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રવીણભાઈ આખા હિંદુ સમાજના સંગઠનના ઉપરી હોવા છતા નરેન્દ્ર મોદી વિરૂદ્ધ યોજાયેલા સુરતના પાટીદાર સંમેલનમાં હાજર રહ્યા હતા ત્યારે પણ ગણગણાટ થયો હતો.ભાજપના બળવાખોર જૂથના ગોરધન ઝડફિયા એ પ્રવીણ તોગડિયાના પટ્ટ શિષ્ય છે અને મોદી કેમ્પનું માનીએ તો કઠપૂતળી છે.
જેપીને પ્રાપ્ત માહિતી અનુસાર અશોક સિંઘલે પ્રવીણ તોગડિયાની આવનારા મહિનાઓની મુલાકાતો અને પ્રવાસની ડાયરીમાં જેટલી ડેટ ગુજરાતમાં હતી એ બધી રદ કરાવી છે. તેમને કહેવાયુ છે કે ચૂંટણી સુધી તમારે ગુજરાતમાં જવુ નહી અથવા અનિવાર્ય સંજોગોમાં જવાનુ થાય તો કશું જ બોલવુ નહી.મોદી અને તોગડિયા વચ્ચે માત્ર હિંદુ હદય સમ્રાટ બનવાની હરિફાઈનો ઈગોક્લેશ નથી, બીજુ ઘણુ બધુ છે, એ ફરી કોઈક વાર.
29-10-2007 Gossip
એહમદ પટેલ અને શંકરસિંહ વાઘેલા બંને માને છે કે આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમને એન્ટી ઈન્કબન્સી એટલેકે શાસન સામે જનતાને સ્વાભાવિક રીતે જ જે વિરોધ જાગતો રહેતો હોય છે અને તેનું ચૂંટણી સમયે મતોમાં પરિવર્તન થતુ હોય છે એનો ફાયદો મળશે.શંકરસિંહ કહે છે કે લાકડુ પડ્યુ પડ્યુ સડી જાય અને લોખંડ પણ પડ્યુ પડ્યુ કટાઈ જ જાય અને તેને કાઢી નાખવુ પડે એમ આ ભાજપે ગુજરાત પર બહુ રાજ્ય કર્યું. નરેન્દ્ર મોદીએ છ છ વર્ષ સળંગ રાજ્ય કર્યું.એ તો એમનેમ જશે.
દર અસલ ગુજરાતમાં નેવુના દશકથી એટલેકે સત્તર વર્ષથી કોંગ્રેસ ચૂંટાઈને નથી આવી એટલે કોંગ્રેસ માને છે કે એન્ટીઈન્કમ્બન્સીનો લાભ મળવો જોઈએ.તો સામા પક્ષે નરેન્દ્ર મોદી એન્ટી ઈન્કબન્સીનો છેદ કઈ રીતે ઉડાડે છે એ જુઓ. નરેન્દ્રભાઈ જનતાની ગુજરાત સરકાર તરફે જે કાંઈ નારાજગી હોય તેને કેન્દ્ર સરકાર સામે ડાયવર્ટ કરી દે છે. ભાષણોમાં દિલ્હી સરકાર સામે એટલુ બધુ બોલે છે કે જનતાને જે ચીજો સમસ્યારૂપ લાગતી હોય તેની એન્ટી ઈન્કમ્બન્સી ગુજરાતની ભાજપ સરકારના સ્થાને દિલ્હીની કોંગ્રેસ સરકારને લાગુ પડી જાય. લોકોને લાગે કે આપણી સમસ્યા કોઈક દિલ્હી સરકારના કારણે છે ને આ માણસ તો એ દિલ્હી સરકાર સામે લડવાવાળો છે.
ખેર આ તો થઈ મુદ્દાગત વાત,પણ વાત જો ભાવનાગત ડાયવર્ઝનની કરીએ તો તેમાં નરેન્દ્રભાઈ રામસેતુ અને સોરાબુદ્દીનની વાતો કરીને એન્ટી ઈન્કમ્બન્સીને નાથે છે. રહ્યા સહ્યામાં ગોધરાનું ભૂત ગુજરાત બહારનાઓ જેટલુ ધુણાવે એનો નમોને મફતમાં ફાયદો મળે છે.
28-10-2007 Gossip
શનિવારે અમદાવાદના ટાગોર હોલમાં સુરેશ દલાલે પ્રવચન આપ્યું એમાંની કેટલીક વાત જેપીએ ડાયરીમાં ટપકાવી લીધી. અહીં આપની સાથે તેને વહેંચુ છુ. સુરેશભાઈએ કહ્યું કે પ્રો-વીઝન એ બહુ જ સરસ શબ્દ છે પણ આપણે ગુજરાતમાં એનો ઉપયોગ પ્રોવીઝન સ્ટોર માટે કરી નાખ્યો!તેમણે કહ્યું કે જેની પાસે આંખ છે તેમની પાસે દૃષ્ટિ હોય જ એ જરૂરી નથી… આપણી જોવાની શક્તિ સિમિત છે પણ આપણે જે નથી જોઈ શકતા એ અસિમિત છે, આપણી પાસે જ્ઞાન સિમિત છે પણ આપણુ અજ્ઞાન અસિમિત છે.
લેખકો આના જેવુ લખુ ને તેના જેવુ લખુ વિચારતા હોય છે એક જમાનો હતો કે લેખકને થતું કે હું ગુર્જીયેફ જેવુ લખુ એક વખતે થતુ કે સુરેશ જોશી જેવુ લખુ પણ કોઈ લેખકને એમ ન થયુ કે હું મારા જેવુ લખુ, બીજાના ખડિયામાં કલમ બોળીને ન લખુ. સુરેશભાઈએ કહ્યું કે ટૂંકી વાર્તા લખવી એ સહેલી વાત નથી, ચોખાના દાણા પર કોતરકામ કરવા જેવી વાત છે. એક ઘરમાં ત્રણ માણસ રહેતા હોય- મા બાપ અને છોકરો અને મા બાપ વચ્ચે ઝઘડો થાય એની વાર્તા લખવાની હોય તો મા લખે તો વાર્તા જુદી થાય, બાપ લખે તો જુદી થાય, દીકરો લખે તો જુદી થાય અને પાડોશી લખે તો એનાથીય જુદી થાય પરંતુ લેખક સાક્ષીભાવે લખે તો સાવ જુદી થાય આ વાત વાંચકે સમજવી જોઈએ. મધરમાંથી એમ કાઢી નાખો તો શબ્દ અધર થાય.આ અધરની એટલેકે બાકી બધાનીજ તો વાત ગુજરાતી કહેવતમાં છે કે મા એ મા બાકી બધા વગડાના વા…
હજુ સુધી ક્યારેય આપે અખબારમાં એવા સમાચાર નહીં વાંચ્યા હોય કે કોઈ માતાએ ઉંઘમાં પડખુ ફેરવ્યુ હોય અને પડખામાં સૂતેલો તેનો બાળક દબાઈ ગયો હોય. આવુ બનતુ જ નથી અને બને જ નહીં. ઉંઘમાં ય બાળકની કાળજી જેના મનમા હોય એ મા. એક સાહિત્યિક વક્તા તરીકે સુરેશ દલાલને જેપીના સલામ.
27-10-2007 Gossip
નવરાત્રિમાં શાહીદ કપૂર અમદાવાદમાં આવ્યો હતો અને પોતાની ફીલ્મ ‘જબ વી મેટ’ જોવા માટે ખેલૈયાનોને ગ્રાઉન્ડ પર વિનંતી કરી હતી. ખેલૈયાઓએ પણ મોટેથી હા પાડી હતી. શુક્રવારે જ્યારે જેપી અમદાવાદના ફન રિપબ્લિક મલ્ટીપ્લેક્સમાં ‘જબ વી મેટ’ જોવા પહેલા જ શોમાં ગયો ત્યારે થિયેટર પૂરુ વીસ ટકા ય ભરાયુ ન હતુ. રેડિયો મિર્ચીની ટીમ પોતાના આઈકાર્ડ બતાવીને થિયેટરમા આવી રીવ્યુ માટે ટોળુ જમાવી બેઠી હતી બાકી તો થિયેટર લગભગ ખાલી હતું.વેલ, પણ ફિલ્મ બહુજ સારી અને ફ્રેશ ફ્રેશ હોવાથી જેપીને તો મજા આવી. કદાચ વીકએન્ડમાં તો આ ફિલ્મ હાઉસફુલ રહેશે કારણકે ફિલ્મ સારી છે અને કોઈ સારી પ્રતિસ્પર્ધી ફિલ્મ આ અઠવાડિયે પડી નથી. તો અહીં ચાલુ વર્ષે જેપીની પસંદગીની ફિલ્મોનું લીસ્ટ, ભલે આમાંની થોડી ફિલ્મો કોપીકેટ છે પણ છતાય એકેય ફિલ્મ ચૂક્વા જેવી નથી: ચક દે ઈન્ડિયા, ૧:૪૦ કી લાસ્ટ લોકલ, ધમાલ, ધ નેમસેક, શૂટઆઊટ એટ લોખંડવાલા, મેટ્રો, બ્લુ અમ્બ્રેલા(છત્રી ચોર), હેય બેબી, મીસ્ટર બીન્સ હોલીડે
27-10-2007 Gossip
કર્ણાટકથી આવતા કોંગ્રેસના ગુજરાત પ્રભારી બી કે હરિપ્રસાદે તેઓશ્રીના મુખે ગટરગંગા વહાવી પછી પણ કોંગ્રેસના બારાતીઓનું એલફેલ બોલવાનું હજુ બંધ નથી થયું. ખુદ હરિપ્રસાદે ફરીથી જેમતેમ બોલતા હમણા જાહેર સભામાં કહ્યું કે ‘મોદીકે ઘર કે કુત્તેને ભી ક્યા દેશ કે લિયે શહાદત દી હે ?’ તો જાણે આખી કોંગ્રેસ ગુજરાતમાં આવીને મોદીગ્રસ્ત થઈ જતી હોય એમ કેન્દ્રના ભૂતપૂર્વ પ્રવાસન પ્રધાન આંધ્રપ્રદેશના રેણુકા ચૌધરીએ તેમની પત્રકાર પરિષદમાં એવું નિવેદન આપ્યું કે ગુજરાતમાં પ્રવાસીઓ એટલા માટે નથી આવતા કારણકે મોદીનું શાસન છે. મોદી હટાવો તો જ પ્રવાસી આવશે. લ્યો કરો વાત, હવે મુખ્યમંત્રી કોણ છે એમ સમજીને લોકો પ્રવાસે જવાનું પસંદ કરે એ વાત તો ગળે ક્યાંથી ઉતરે ? એવુ જ હોય તો રેણુકાજી તમે પ્રવાસનમંત્રી હતા ત્યારે તો ભારતભરમાં એક પણ પ્રવાસી આવવો નહતો જોઈતો!
પરંતુ બારાતુ કોંગ્રેસીઓમાં હદ તો પેલા રાજ બબ્બરે કરી નાખી. રાજ બબ્બર કચ્છના ભુજમાં કોગ્રેસની સભામાં બોલવા ઉભા થયા અને પછી તો તેમણે મોદી માટે જે રીતે તુકારામાં સંબોધન કરીને શબ્દો વાપર્યા એ અહીં લખી શકાય એમ નથી. આ પ્રકારની વાત સામે તો જાહેર સભામાં લોકોનો નારાજગીભર્યો ગણગણાટ શરૂ થઈ ગયો હતો. ગુજરાતના લોકોનું સ્તર ગુજરાત બહારથી આવતા લોકો જાણતા નથી અને તેમના પ્રદેશના દિમાગી સ્તરની ભાષામાં અહીં ભાષણો આપે છે. ચૂંટણી નજીક આવવા દો, આવુ રોજના ધોરણે થવાનું છે.
26-10-2007 Gossip
શુક્રવારે આઈઆઈએમ અમદાવાદમાં ભારત અમેરીકા ન્યુક્લીયર સમજૂતી વિશે વિદ્યાર્થીઓ અને આ વિષયના રાષ્ટ્રિય નિષ્ણાતો વચ્ચે ચર્ચા હતી. મિડિયાને આ ચર્ચામાંથી દૂર રખાઈ હતી. કારણકે ચર્ચામાં હાજર રહેનારાણુ વૈજ્ઞાનિકો અને સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યેચુરી મુક્તમને ચર્ચા કરવા ઈચ્છતા હ્તા. ખેર ચર્ચા પછી બાકાયદા પત્રકાર પરિષદ થઈ.
પત્રકાર પરિષદનો મુદ્દો ભારત અમેરિકા ન્યુક્લીયર સમજૂતિંગે ડાબેરીઓ અને ભારત સરકાર વચ્ચે ઉઠેલા વિવાદ અંગેનો જ હતો પરંતુ રોઈટર્સની મહિલા પત્રકાર દ્વારા રહેવાયુ નહીં અને ગુજરાત-તહેલકાના ઓપરેશન કલંક વિશે પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું. સીતારામ યેચુરી તો મલકાઈ ઉઠ્યા અને તેમના મોઢા પરથી તો લાગતુ હતુ કે તેમને આવી બાબત અંગે પ્રશ્નનો જવાબ આપવામાં આનંદ પણ આવ્યો હોત પરંતુ ત્યારેજ આઈઆઈએમના પ્રોફેસર અનિલ ગુપ્તાએ માઈક હાથમાં લઈ લીધું અને પેલી પત્રકારાને અટકાવતા કહ્યું કે ન્યુક્લીયર ઈશ્યુ પર કે તેને સંબંધિત પ્રશ્ન જ પૂછો. આઈઆઈએમના આ ફોરમ પર રાજકિય પ્રશ્નો, સ્ટીંગ ઓપરેશન આ બધું નહીં જ. પત્રકારો તો સ્તબ્ધ રહી ગયા અને પછી ગુજરાત વિશેના કોઈ પણ પ્રશ્ન વગર જ ન્યુક્લીયર ઈશ્યુ પર પત્રકાર પરિષદ પૂરી થઈ.
તો પ્રોફેસર અનિલ ગુપ્તાને શાબાશી આપવી ઘટે. તેમણે મિડિયાને સરસ મેનેજ કર્યું. અન્યથા પત્રકારો સીતારામ યેચુરીને ગુજરાત, ગોધરા, મોદી, ચૂંટણી આ બધા પર પ્રશ્નો પૂછત. યેચુરી સામ્યવાદી જવાબો આપત અને હેડીંગ પણ એનું જ બનત ને ન્યુઝ પણ એના જ બનત. આઈઆઈએમમાં યોજાયેલી ન્યુક્લીયર સમજૂતીની પરિચર્ચાની વાત બીજા દિવસના મિડિયા કવરેજમાંથી ઉડી જાત અથવા કોર્નર થઈ જાત. તો જેપી પૂછે સવાલ કે ભાઈ આ તો ઈન્ડિયન ઈન્સટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મિડિયા મેનેજમેન્ટ ?
26-10-2007 Gossip
આજતક અને આઈબીએન સેવન આ બે ટીવી ચેનલો શુક્રવારે ઘાંઘી થઈ હતી. ગુરૂવારે સાંજે તેહલકાનું સ્ટીંગ ઓપરેશન બતાવ્યા પછી આ ચેનલો જપી નહી અને લાગલગાટ શુક્રવારે પણ એના એજ ફૂટેજ અને વાર્તાઓ સતત ચાલુ રાખી. પોતાના સ્ટીંગ ઓપરેશનની કેવી અસર પડી છે એ બતાવવા માટે ચેનલના પત્રકારો નેતા નેતાના ઘરો ફરી વળ્યા.આમાંના કોઈ કશું પણ બોલે એટલે ‘અમારા સ્ટીંગ ઓપરેશનની જુઓ આ થઈ અસર’ એમ બતાવવા થાય. પરંતુ ચેનલોને કંઈ ખાસ ધારી સફળતા ન મળી.લાલુ યાદવ અને ઘીસાઈ પીટાઈ ગયેલા પક્ષ પ્રવક્તાઓ જ કશુંક બોલ્યા. શુક્રવારે કલેક્ટરે કેબલ ઓપરેટરોને સૂચના આપીને આઈબીએનસેવન અને આજતક ચેનલો બંધ કરાવી દીધી એટલે લોકોને પેલુ ‘ગોધરા કા સચ’ અને ‘ઓપરેશન કલંક’ જોવામાંથી છૂટ્ટી મળી. જો કે જેમના ઘરે ડીશ ટીવી કે ટાટા સ્કાયનું કનેક્શન હોય તેમને તો આ બે ઓપરેશન કલંક ચેનલો ચાલુ રહી.પાંચ પાંચ મિનીટે ઓપરેશ કલંકના ઉડતા આગળ પાછળ થતા લોગોને જોઈ જોઈને તો એવુ લાગે જાણે ગુજરાતને આ લોકો ભારત પરનું કલંક ઠેરવી રહ્યા છે.
માણસ દારૂ પીને ઘાંઘો થાય છે એમ ક્યારેક ઈલેક્ટ્રોનીક ન્યુઝ ચેનલોને મોદી વિરૂદ્ધના ન્યુઝ પી જાય તો ઘાંઘી થઈ જાય છે અને પાછી એવી આશા પણ રાખે છે કે જોનારા, રાજતંત્ર, ન્યાયતંત્ર બધા તેમની સ્ટોરી જોઈને ઘાંઘા થાય ને જુઓ કલેક્ટર તંત્રે ચેનલો બ્લોક કરી દીધી.
25-10-2007 Gossip
થોડા સમય પહેલા અમદાવાદના કાશીરામ અગ્રવાલ હોલમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓને સંબોધતા પ્રવીણભાઈ તોગડિયાએ ગુજરાતની મોદી સરકાર હિંદુ તરફી નથી એવી ફરિયાદ કરી હતી જેની બીજા દિવસે રાષ્ટ્રિય અખબારોમાં પણ હેડલાઈન બની હતી. હમણા ઉમા ભારતી અને ગુજરાતના કેટલાક જૂજ સંતો પણ ભેગા થઈને મોદીના હિંદુત્વ સામે આંગળી ઉઠાવી રહ્યા છે. આવામાં મોદીની મદદે આવી આજતક અને તહેલકાની ટીમ જેમણે છ મહિનાના સ્ટીંગ ઓપરેશન બાદ ઓપરેશન કલંક નામની ચીજ આજતક ચેનલ પર બતાવી દીધી. આખી ગુરૂવારની સાંજ.
દરઅસલ ગુરૂવારે બપોરથી આજતક પર ‘ઓપરેશન કલંક, દેશ હીલ જાયેંગા, શ્યામ સાત બજે’ એવુ લખેલુ આવતુ હતુ અને જેપીને ગાંધીનગરથી ફોન પણ આવી ગયો હતો કે જરા જોજો જોવા જેવું છે. તો ઓપરેશન કલંકમાં જે કંઈ બતાવાયુ એમાં મૂળભૂત રીતે તો એની એજ જૂની વાતો છે જે ગુજરાતમાં તો બચ્ચે બચ્ચો જાણે છે અને આ વિશે તો તમને બીજી અનેક વેબસાઈટો પર ઢગલો લખાણ વાંચવા મળી જશે.
પણ જેપી અહીં તમને કહેશે થોડી અલગ વાત. આની અસરની વાત.
૧. ચૂંટણી ટાઈમે કરણ થાપર, રાજદીપ સરદેસાઈ, આજતક, તહેલકા ગોધરાનુ ભૂત જેટલુ વધારે ધૂણાવે એટલા મોદી રાજનીતીક રીતે તો ફાયદામાં
૨. મોદી હિંદુવાદી નથી એ વાત ઓપરેશન કલંકના પ્રસારણ પછી હવાઈને હાંડવો થઈ ગઈ. આટલા પૂરતા તોગડિયા લેટ ડાઉન થાય છે
૩. હિંદુઓ માટે અને વિશ્વ હિંદુ પરિષદ માટે મોદીએ ચીફ મીનીસ્ટર તરીકે કેટલું કર્યું છે એ વાતનું ઓપરેશન કલંક દ્વારા રિપોર્ટ કાર્ડ રજૂ થઈ ગયું. જેનો ગણગણાટ દેશભરમાં શરૂ થઈ ગયો છે અને મોદી હાર્ડકોર હિંદુ છે જ એની આસપાસના શંકાના વાદળા હટી ગયા છે
૪. કોંગ્રેસના દિલ્હી સ્થિત પ્રવક્તાએ ઓપરેશન કલંકની પ્રતિક્રિયારૂપે ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે એટલે મોદી ફાયદામાં
૫. ગોરધન ઝડફિયાએ હવે કોંગ્રેસ સાથે હાથ મિલાવવાનુ ભૂલી જવાનું. કોંગ્રેસ તો તેમનાથી હવે દૂર જ ભાગશે
૬. મોદીએ હવે પોતાની સુરક્ષા માટે વધુ સાવધ રહીને સાચવવુ પડશે, ન કેવળ મોદીએ પરંતુ બાબુ બજરંગી, ધવલ પટેલ, અનિલ પટેલ, રમેશ દવ, દિલીપ ત્રિવેદી, અરવિંદ પંડ્યા, પૂર્વ ડીસીપી ગઢવી, ગોરધન ઝડફિયા સૌએ ..
૭. દેશભરમાં હવે ગોધરા બાબતે ગુજરાતના માથે મિડિયામાં ફરીથી મણમણના ધોકા મરાવાના છે એ નક્કી .. ઝોળીવાળાઓ, ચોટલી વાળાઓ, ફેશનેબલ એનજીઓ વગેરે ઓપરેશન કલંકના પ્રસારણ પછી પાછા લાઈવ થઈ ગયા છે ૮. કોઈ કહે અને એ કેમેરામાં રેકોર્ડ થાય એ કોર્ટમાં બહુ માન્ય ગણાતુ નથી. આવામાં મોટાભાગે તો કહેનારા એમ જ કહેતા હોય છે કે ટેપ નકલી છે કે એમાં અમારો અવાજ નથી, મેન્ટર કરાયુ છે. સ્ટીંગ ઓપરેશનને કાયદાકીય રીતે બહુ ગંભીરતાથી લેવાની જરૂર હોતી નથી.
9. દેશમાં અત્યારે મિડિયા એવુ છે કે કોઈ એક ચેનલ બૂમબરાડા પાડે તો ગમે તેટલી મોટી વાત હોય પણ ઝડપથી ફેડ આઊટ થઈ જાય છે.તહલકાએ આજતક સાથે જોડાણ કરીને ઓપરેશન કલંક બતાવ્યુ એના કરતા પત્રકાર પરિષદ યોજીને તમામ ચેનલોને બતાવ્યુ હોત તો ઈમ્પેક્ટ અલગ હોત. આજતકની ચલતી ગાડીમાં સીએનએન આઈબીએન ચડી ગયું છે પણ બીજી ચેનલો ખાસ અલિપ્ત રહી છે એ જ રીતે અખબારો પણ આ એંઠો માલ એક બે દિવસ ચાખશે. આમાં કશું નવુ નથી એટલા માટે. જે ઓપરેશન કલંકમાં કહેવાયુ છે એ તો ગુજરાતનો બચ્ચે બચ્ચો જાણે છે અને ગુજરાતનો બચ્ચે બચ્ચો ગોધરા કાંડ વિશેની પોતાની સાચી ખોટી આવી તો અનેક વાતો જણાવી શકે છે.
25-10-2007 Gossip
નરેન્દ્ર મોદી અમદાવાદના મણીનગરથી જ આ વખતે ફરીથી વિધાનસભાની ચૂંટણી લડશે કે કેમ એ વિશેના પ્રશ્નાર્થોનો અંત હમણા ત્યારે આવી ગયો કે જ્યારે વડોદરામાં ભાજપના ઓપી માથુરે આની જાહેરાત કરી. તો નરેન્દ્રભાઈ તો મણિનગરથી જ ચૂંટણી લડશે પણ તેમની સામે કોણ ચૂંટણી લડે ? દરઅસલ મણિનગર ભાજપના ગઢ જેવો વિસ્તાર છે એટલે અહીં મોદી સામે જે કોંગ્રેસી ચૂંટણી લડે એને પબ્લીસીટી સિવાય બીજુ તો કંઈ ખાસ મળે નહીં.આવામાં જેપીને ગ્રાઉન્ડ સોર્સ પાસેથી મળેલી માહિતી અનુસાર હમણા કોંગ્રેસે ભાજપના બળવાખોર સસ્પેન્ડેડ ધારાસભ્ય ગોરધન ઝડફિયાને મણિનગરથી મોદી સામે ચૂંટણી લડવા પ્રસ્તાવ મૂક્યો હતો. કોંગ્રેસે પ્રસ્તાવમાં કહ્યું કે મોદી સામે ગોરધનભાઈએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની, વિશ્વ હિંદુ પરિષદના નેટવર્કની છાને છપને મદદ લેવાની, અને કોંગ્રેસ તેમના બેકડોર સપોર્ટમાં અહીં ચૂંટણી નહીં લડે પરંતુ ગોરધનભાઈએ આ હારવાની બાજી સ્વીકારી નથી. દરઅસલ ગોરધનભાઈ ગોધરાકાંડ સમયે ગૃહમંત્રી હતા અને આ વિશે તેઓ દિલગીરી બતાવે એવા નથી, ગોરધનભાઈ કટ્ટર હિંદુ છે અને પ્રવીણ તોગડિયાના શિષ્ય છે, હિંદુત્વ અને ભાજપી વિચારધારાના એટલા બધા ઈંજેક્શન વર્ષોથી લીધેલા છે કે કેસરિયો હજુ મનમાંથી ઉતરતો પણ નથી, તેમને તો માત્ર વ્યક્તિ સામે વિરોધ છે એટલે કોંગ્રેસ તેમની કે તેઓ કોંગ્રેસની સાથે ઝટ ઉતાવળે પરણવા તૈયાર નથી. તો છેલ્લા સમાચાર એ છે કે કોંગ્રેસ નવેસરથી મણિનગર માટે મોદી સામે લડવા છાજે એવો મૂરતિયો શોધી રહી છે.આ કંઈ બહુ મૂશ્કેલ કામ નથી.કાંકરિયા પ્રાણીસંગ્રહાલય (ઝૂ)મણિનગરમાં જ છે. અને આત્મઘાતી પગલું લેવા માટે-ડૂબી જવા માટે, કાંકરિયા તળાવ પણ મણિનગરમાં જ છે
24-10-2007 Gossip
જ્યારે ધર્મની વાત હોય ત્યારે શંકરસિંહ વાઘેલાનું નાળચુ આડકતરી રીતે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા(બીએપીએસ) સામે હોય છે. આની કહાની રસપ્રદ છે. નરેન્દ્ર મોદીએ દારૂબંધી સામે ઘણા નિયંત્રણો હળવા કર્યા ત્યારે વિરોધમાં જાન્યુઆરીમાં શંકરસિંહ વાઘેલા ઉપવાસ પર બેઠા હતા.આ વખતે તેમણે વિવિધ ધાર્મિક ફીરકાઓને પણ આમાં સમર્થન આપવા સંપર્કો કર્યા હતા. પણ મોદીની શેહ શરમ અનુભવીને ખાસ કોઈ ધાર્મિક સંત કે સંસ્થા જોડાયા ન હતા. ગુજરાતમાં દારૂબંધી હળવી કરવાના મોદી સરકારના પગલાનો વિરોધ કરવામાં પ્રમુખસ્વામીએ અને અક્ષર પુરૂષોત્તમ સંસ્થાએ પણ સમર્થન આપ્યુ છે એવી વિગત ધરણાના સમાપન ટાણે અનેક સંસ્થાઓના નામોની સાથે વાંચવામાં આવી હતી. આ વિગત બીજે દિવસે અખબારમાં છપાતા જ બીએપીએસને મોદી સરકાર સાથે સંબંધ બગડવાનો ભય લાગ્યો અને બીએપીએસ-પ્રમુખસ્વામી વાળાઓએ ડેમેજ કંટ્રોલ માટે બીજે દિવસે છાપામાં રીતસરનો રદીયો છપાવ્યો. શંકરસિંહને આનાથી ખૂબ લાગી આવ્યું હતુ. તેમનું કહેવુ હતુ કે દારૂબંધી જેવા સારા કામમાં પણ સામાન્ય રીતે વ્યસન વિરોધી કામ કરનારી ગણાતી ધાર્મિક સંસ્થાઓ આગળ આવતી નથી ને સરકારની ચશમપોશી કરે છે. આ પછી બીએપીએસ સંસ્થા શંકરસિંહના નાળચા સામે છે. ઉલ્લેખનીય છે કે બીએપીએસે ગુજરાતમાં અનેક ઠેકાણે સરકારી જમીનો લીધેલી છે. ગઢડામાં બીએપીએસને જમીન આપવામાં આવી અને તેના પર કરેલા બાંધકામ સામે કોર્ટમાં કેસ, શેરીઓમાં આંદોલન પણ ચાલ્યા. શંકરસિંહે હમણા સાધુઓની સભામાં હાજરી આપી ત્યારે જમીન માટે સરકારની ચશમપોશી કરનારા ધાર્મિક ફીરકા(બીએપીએસ) સામે લાલ આંખ કરી હતી જેમાં એવો ગર્ભિત ઈશારો હતો કે અમારી સરકાર આવશે તો જોઈ લઈશું.
24-10-2007 Gossip
કોંગ્રેસે હમણા ભરૂચ જિલ્લાના અંતરિયાળ જંબુસર વિસ્તારમાં સાયકલ રેલીની શરૂઆત કરી.આ સાયકલ રેલીને એહમદ પટેલે લીલી ઝંડી બતાવી. સાયકલ રેલીમાં સાયકલવીર કોંગ્રેસી કાર્યકરો સાયકલ ચલાવીને ગામડાઓમાં જઈને કોંગ્રેસનો સંદેશ ફેલાવશે. હવે મજાની વાત જુઓ. ભરૂચ, વડોદરા વગેરે ઠેકાણેથી ટીવી પત્રકારો અને ફોટોગ્રાફરો કોંગ્રેસી નેતાઓ સાયકલ ચલાવશે તો તેમના ફોટા/વિડિયો લેવાની મજા આવશે એમ માનીને સ્થળ ઉપર દોડી ગયા. પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે બન્યુ એવુ કે એક પણ કોંગ્રેસી નેતાએ સાયકલ ના ચલાવી. સાયકલ ચલાવવાનું કામ તો સાયકલ રેલી માટે ચુનેલા કાર્યકર્તાઓએ જ કર્યું.કોંગ્રેસના અહીં હાજર નેતાઓ એહમદ પટેલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકીએ સાયકલનું એક પણ પેંડલ માર્યું નહીં. દર અસલ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને સાયકલ યાત્રાઓ યોજવી ખૂબ ગમે છે. ચાલુ વર્ષે એપ્રિલમાં જ્યારે સૌથી વધારે ગરમી હોય ત્યારે કોંગ્રેસે અમદાવાદથી પોરબંદરની સાયકલ યાત્રા કાઢી હતી.આમાં કોંગ્રેસી નેતાઓ મોટા શહેર આવે એટલે ત્યાં પ્રતીકાત્મક રીતે સાયકલ ચલાવતા હતા પણ પાછા હાઈવે આવે એટલે સાયકલો પડતી મૂકી દેતા હતા અને ગાડીમાં બેસીને એસી ચાલુ કરી દેતા હતા. કાર્યકર્તાઓ સાયકલ દોડાવે પછી આગળ.બીજી તરફ પેલા ભાજપના મોદી પ્લેનમાં ઉડાઉડ કરે છે. હમણા આંધ્રપ્રદેશના પટ્ટપૂર્થીમાં સત્ય સાંઈબાબાના દર્શન કરવા હતા તો મોદી ત્યાંય ખાસ પ્લેનમાં આંટો મારી આવ્યા.
હાય રે ચૂંટણી: સરકારી ઈન્ટરનેટ નેટવર્ક પર દેશગુજરાત.કોમ બ્લોક કરાયું !!
23-10-2007 Gossip
ચૂંટણીની આચારસંહિતા આવી પછી ગુજરાત સરકારના જીએસવાન નેટવર્ક પર દેશગુજરાત.કોમ દેખાતુ બંધ થયું છે.દેશગુજરાત.કોમ ખોલવા જતા જ ‘નોટ પરમીટેડ’ લખેલું આવે છે એવી સરકારની ટોપ ઓફિસમાં બેઠેલા જેપીના યારો ફરિયાદ કરે છે. દેશગુજરાતની સાથે સાથે બીજી પણ કેટલીક વિડિયો સ્ટ્રીમીંગ કરતી સાઈટો પર બંધી આવી છે કે જેના પર સરકારી માણસો પર કોઈ પક્ષ વિશે પ્રભાવ પાડી શકે એવું મટીરીયલ મૂકાયેલું હોય. જોકે દેશગુજરાત જોવા માટે ઈચ્છુક સરકારી યારો ઓરકૂટમાં જઈને પ્રોફાઈલના ફોટા નીચે આપેલા આરએસએસ ફીડના ઓપ્શનમાં જઈ ત્યાં દેશગુજરાત.કોમ લખીને તેની ફીડ ત્યાં મેળવી દેશગુજરાતના એપિસોડસ જોઈ લે છે. હમણાં ગુજરાતના ચૂંટણી પંચનું એવુ છે કે આચારસંહિતા માટે કંઈ પણ કરી શકે છે. અમદાવાદથી માંડીને ઉત્તર ગુજરાત સુધી સીટી કેબલનું કેબલ નેટવર્ક ફેલાયેલું છે. આ સીટી કેબલ પર એક ચેનલ સમાચારની આવે છે. હમણા ચૂંટણી પંચે પંદર દિવસો માટે એને પણ બંધ કરાવી દીધી છે.
ગોધરાના ભૂતોનું માર્કેટીંગ જબરજસ્ત: આપણું તો માત્ર દેશગુજરાત
23-10-2007 Gossip
હો હો, ઓ હો હો … ગુજરાતના ૨૦૦૨ના રમખાણો હજુ પણ કેટલાકના મગજની બહાર નીકળતા નથી. તમને જાણીને હસવુ આવશે કે કેરાલાના એક મલયાલમ મુસ્લિમ કોંગ્રેસી ભૂતપૂર્વ મંત્રી એવા મોહંમદના સુપુત્ર શૌકત ગોધરા રમખાણ વિશે ફિલ્મ બનાવી રહ્યા છે જે તેઓ ૨૦૦૮મા રીલીઝ કરશે.શૌકતની ફિલ્મમાં એક એવી સ્ત્રીની વાર્તા છે કે જે ગોધરા રમખાણોને કારણે ગુજરાત છોડીને કેરાલા જાય છે.જ્યાં તેની હાલત રમખાણોને કારણે એટલી ખરાબ થઈ હોય છે કે બે ડોક્ટરો તેને નોર્મલ બનાવવા કમર કસે છે. જેપીને તો ગોધરા રમખાણો પૂરા થયાને પાંચ વર્ષ વીત્યા પછી પણ આ રમખાણોનું અને તે દ્વારા ગુજરાતની ખરાબ છબીનું જે રીતે એક બાજુ રાજકારણીઓ દ્વારા બીજી બાજુ મિડિયા દ્વારા ત્રીજી બાજુ બ્લોગરો દ્વારા ચોથી બાજુ એનજીઓ દ્વારા માર્કેટીંગ થઈ રહ્યું છે એ જોઈને આશ્ચર્ય થાય છે. ક્યાંક નાની અને સંસાધનોની મર્યાદાની અંદર રહીને પણ દેશગુજરાત આની સામે મસ્ત મજાની પોઝીટીવ ફાઈટ આપી રહ્યુ છે જેની નોંધ દિલ્હી મુંબઈની મિડીયા ઓફિસ અને રાજકારણીઓએ લેવી પડી રહી છેે.
મુખ્યમંત્રીની વાર્તાઓ
22-10-2007 Gossip
નરેન્દ્ર મોદીના બે પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ ચોવીસમીએ અને સત્યાવીસમીએ અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો છે આના સૌ પહેલા સમાચાર તમને જેપી અહીં આપે છે.ચોવીસમીએ જે પુસ્તકનું લોકાર્પણ થશે એનું નામ છે પ્રગતિનું પંચમૃત. આ પુસ્તક સુરતના ગુજરાત મિત્ર પ્રકાશન બહાર પાડ્યુ છે. જ્યારે સત્યાવીસમીએ પ્રેમતીર્થ નામનુ પુસ્તક બહાર પડશે. આ પુસ્તકમાં નરેન્દ્રભાઈ લિખીત વાર્તાઓનો સંગ્રહ છે. આ વાંચીને તમને થાય કે ઓહહો નરેન્દ્રભાઈ વાર્તાઓ પણ લખે છે ? તો તમને કહેવાનું કે મુખ્યમંત્રી બન્યા એ પહેલા લખાયેલી આ વાર્તાઓ છે. અલબત્ત કેવી વાર્તાઓ છે એ જાણવાની ઈંતેજારી રહેશે.નરેન્દ્રભાઈની વંદે ગુજરાત આઈપીટીવી ચેનલ ફરીથી તેમના લાઈવ અને રેકોર્ડેડ ભાષણો સાથે શરૂ થઈ ગઈ છે માટે તમે આ બેય કાર્યક્રમ ભારતીય સમય પ્રમાણે સાંજના છ વાગ્યે જોઈ શકો છો. વંદે ગુજરાતની લીંક દેશગુજરાત પર મૌજૂદ જ છે.
સામ્યવાદી નેતા એબી બર્ધનના જમાઈ આઈઆઈએમ અમદાવાદના નવા ડિરેક્ટર ?
22-10-2007 Gossip
અમદાવાદની આઈઆઈએમના નવા ડીરેક્ટર પદે શ્રી બરૂઆની નિમણૂંક નિશ્ચિત મનાય છે. બકુલ ધોળકીયા ડિરેક્ટર તરીકે પદ પરથી ઉતર્યા પછી નવા ડિરીક્ટરની નિમણૂક થાય ત્યાં સુધી ડિરેકટર પદે ચાલુ રહેવા માટે બકુલભાઈને એક્સ્ટેન્શન મળે એવી માંગણી આઈઆઈએમના ડીન સિંધાનીયા દ્વારા કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલયને કરવામાં આવી હતી પણ એ માંગણી સ્વીકારવામાં આવી ન હતી. બરૂઆ વિશે જેપીને આઈઆઈએમના અંતર્ગત સોર્સીસ પાસેથી જાણવા મળે છે કે તેમની ડિરેક્ટરના પદ માટે લાયકાત તો છે જ પરંતુ લાયકાતોના લીસ્ટમાં એક લાયકાત એ પણ છે કે તેઓ પીઢ સામ્યવાદી નેતા એબી બર્ધનના જમાઈ છે. જેપીએ સોર્સને પૂછ્યું કે તો પછી શું બરૂઆ ડિરેક્ટર પદે આવશે પછી આઈઆઈએમ અમદાવાદનું ગૌરવવંતુ કેમ્પસ દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીની માફક સામ્યવાદીઓના હાથમાં જતું રહેશે? સોર્સે કહ્યું કે ના બરૂઆ આમ તો ઓબ્જેક્ટીવ, કન્ઝરવેટીવ અને હોંશિયાર માણસ છે, હા પછી પદ પર બેઠા બાદ શું કરે છે એ કહેવાય નહીં. પણ બકુલ ધોળકીયા નામનો ગુજરાતી માણસ કે જે કેન્દ્રના ખોટા નિર્ણયો સામે બાથ ભીડતો હતો એ ગયો એના બદલે હવે જે નવા ડિરેક્ટર આવશે એ દિલ્હીની હા જી હા કરનારા હશે એ નિશ્ચિત છે. તો બકુલ ધોળકીયા હવે શું કરશે ? સોર્સ કહે છે કે આઈઆઈએમમાં પ્રણાલી છે કે ડિરેક્ટર પદ પરથી ઉતરીને રિટાયર્ડમેન્ટ સુધી પ્રોફેસરી ચાલુ રાખવાની હોય છે. બકુલભાઈને હજુ પ્રોફેસરીના પાંચ વર્ષ બાકી છે એટલે તેઓ પ્રોફેસરી ચાલુ રાખશે.
અખંડ ભારતથી અલગ પડેલા દેશો જાણે ધોરીનસથી કપાઈને સડી ગયા:મોહન ભાગવત
22-10-2007 Gossip
ભુજમાં આરએસએસના સરસંઘકાર્યવાહ(જનરલ સેક્રેટરી) મોહન ભાગવતે આરએસએસના રાજ્યવ્યાપી કાર્યક્રમમાં વિજયાદશમીના વક્તવ્યમાં એક બહુ સરસ વાત કરી. શ્રી ભાગવતે કહ્યું કે અખંડ ભારતથી જે જે પણ દેશો અલગ પડી ગયા તે જાણે શરીરના મુખ્ય હિસ્સાથી અલગ પડી ગયા હોય તેમ અલગ થલગ પડીને શરીરની મુખ્ય નસથી કપાઈને સડી ગયા. શ્રીલંકા, બાંગાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાનમાર, નેપાલ આ અખંડ ભારતથી અલગ પડેલા બધા દેશોમાં ક્યારેય શાંતિ રહી નથી. શ્રી ભાગવતે કહ્યું કે યુદ્ધ સમયે આખા દેશમાં ચેતના આવી જતી હોય છે, બધા દેશભક્ત થઈ જતા હોય છે અને એક થઈ જતા હોય છે પણ યુદ્ધ પછી શાંતિના સમયે દેશભક્તિની આ ચેતના સષુપ્ત થઈ જાય છે. ખરેખર તો સદાકાળ દેશભક્તિનું એ વાતાવરણ બહાલ રહેવું જોઈએ.
અમદાવાદમાં આવે છે ચોવીસ રંગીન પાનાનું નવુ અગ્રેજી છાપુ અને અમદાવાદ મીરર
21-10-2007 Gossip
અમદાવાદની પત્રકાર આલમમાં સળવળાટ બંધ થતો જ નથી. હમણા ટીવી નાઈનની ભરતી ચાલી હતી ત્યાં હવે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ભરતીઓ શરૂ થઈ ગઈ છે. દરઅસલ ભાસ્કર અને ઝી ગ્રુપનું સંયુક્ત સાહસ ડેઈલી ન્યુઝ એન્ડ એનાલીસીસ(ડીએનએ) અમદાવાદમાં આવતી પહેલી તારીખથી લોન્ચ થઈ રહ્યુ છે. ચોવીસ પાનાનું આ અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને હંફાવવા માટે અમદાવાદથી નીકળશે. તેના તમામ પાના રંગીન હશે. શરૂઆતમાં આ છાપુ માત્ર એક રૂપિયામા મળશે. એડવાન્સમાં તેનું મહિનાનું બુકીંગ કરાવવા ઘરે ઘરે તેના જુવાન માર્કેટીંગ મેન ફરી રહ્યા છે. જે ઘરોમાં માત્ર ગુજરાતી છાપુ આવતુ હોય પરંતુ બાળકો અંગ્રેજી મીડિયમમાં ભણતા હોય તે ઘરોમાં બુકીંગ ફટાફટ થઈ પણ રહ્યું છે. ડીએનએ હાલ મુંબઈથી નીકળે છે. અમદાવાદમાંથી માત્ર તેનું ખાખી રંગનું ઈકોનોમીક સંસ્કરણ નીકળતું હતુ. તો ડીએનએને હંફાવવા માટે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ મુંબઈ મીરરની માફક અમદાવાદ મીરર નામનુ ટેબ્લોઈડ શરૂ કરવાનું નક્કી કર્યું છે જે મુખ્ય છાપાની સાથે મળશે. હાલ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં ભરતી ચાલી રહી છે. મુંબઈથી આવેલી ટીમ પત્રકારોના ઈન્ટરવ્યૂ લે છે. ભરતી કુલ ચોપ્પન જણાની કરવાની છે તેથી ગુજરાતી પત્રકારત્વના અનુભવી પત્રકારોને પણ ઈન્ટરવ્યૂમાં બોલાવાય છે. મુંબઈના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકારો જ્યારે અમદાવાદના ગુજરાતી પત્રકારોનો ઈન્ટરવ્યૂ લે અને જરા સરખુ અંગ્રેજી જાણતા હોવાની આશા રાખે ત્યારે ઈન્ટરવ્યૂમાં કેવી રમૂજ સર્જાતી હોય છે એનું વિવરણ જેપી અહીં નહી કરે.
જમણેરી પત્રકાર સૌરભ શાહ લખે છે કે ભાજપ આ વખતે ૧૩૧થી ૧૩૭ સીટો જીતશે
21-10-2007 Gossip
ગુજરાતના ટોચના જમણેરી પત્રકાર સૌરભ શાહે મુંબઈના મીડ ડે અખબારનું તંત્રીપદ ગોધરા કાંડ પછીના રિપોર્ટીંગની મુસ્લિમ તરફી અને સ્યુડો સેક્યુલર પોલીસી સામે વાંધો પડતા છોડ્યું હતુ અને અમદાવાદમાં સ્થાયી થયા હતા. અહીં તેમણે ઈ ટીવીના સંવાદ કાર્યક્રમમાં એન્કરીંગ કર્યું અને પછી વિચારધારા નામનું ગુજરાતી મેગેઝીન શરૂ કર્યું. વિચારધારા ડગુમગુ ચાલ્યુ પછી હવે તેનો પુનરૂદ્ધાર થયો છે. સૌરભભાઈએ હમણા અમદાવાદમાં વિચારધારા મેગેઝીનનું સારુ એવુ કેમ્પેનીંગ કર્યું. ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્યભાસ્કરમાં ફુલ પેજ એડવર્ટાઈસમેન્ટ આપી, મોરારીબાપુ વાંચે છે આપે વાંચ્યું ? નરેન્દ્ર મોદીએ લવાજમ ભર્યુ, આપે ભર્યું ? એવા લખાણવાળા હોર્ડિંગ્ઝ શહેરમાં ઠેર ઠેર લગાવડાવ્યા. અને લવાજમ ભરો તો બે ડઝન કારના ઈનામવાળી યોજના પણ બહાર પાડી.નવરાત્રિના નવમા નોરતે સૌરભભાઈએ ઉસ્માનપુરા વિસ્તારમાં નવી ઓફિસનું ઉદઘાટન કર્યું અને યજ્ઞ કરાવ્યો જેમાં જેપી તો હાજર હતો જ પણ ગાયક મનહર ઉધાસ, ગુજરાત સમાચારના તંત્રી શ્રી શ્રેયાંસ શાહ, ગઝલ લેખક રાજેશ વ્યાસ-મિસ્કીન વગેરે હાજર હતા.યજ્ઞમાંથી પાછા ફરતા કોમ્પ્લીમેન્ટરી વિચારધારાનો અંક ભેટ આપવામાં આવતો હતો. મેગેઝીનની કવર સ્ટોરીનું ટાઈટલ છે:ગુજરાતનું ચૂંટણી મહાભારત … મોદી વિરૂદ્ધ મોદી. આ લેખમાં કહેવામાં આવ્યું છે કે આખી ચૂંટણી મોદીની આસપાસ જ ઘૂમરાય છે. સૌરભભાઈએ તંત્રીલેખમાં લખ્યું છે કે ‘કોઈપણ ચૂંટણીમાં ભવિષ્ય ભાખવું કપરૂં હોય ચઃએ. ભલભલા ઓપિનિયન પોલ ખોટા પડે છે. અમે ખોટા પડીશું તો જાહેરમાં કાન પકડીશું. પણ અમારી ગણતરી કહે છે કે ગયા વખત કરતાં કમ સે કમ પાંચ બેઠકો વધારે આવશે અર્થાત ૧૩૧ પ્લસ(અલબત્ત ભાજપની જ સ્તો). અને ત્રણ ચતુર્થાંશ બહુમતીની નજીક પહોંચી જાય એટલેકે ૧૩૫-૧૩૭ની આસપાસ ટોટલ આવે તો સહેજ પણ આશ્ચર્ય ના થાય. જોઈએ. અને તમે પણ જુઓ.’
ઈન્સ્પેક્ટર તરૂણ બારોટ: સંખ્યાબંધ એન્કાઉન્ટર અને ‘બોમ્બ’ સાથે ફૂટબોલ
20-10-2007 Gossip
સેલીબ્રીટી મોડેલ કે એક્ટર બની જવું બહુ સરળ છે પણ સેલીબ્રીટી પોલીસમેન બનવાનો રસ્તો બહુ જ કઠિન હોય છે. નોરતાની રાત્રે અમદાવાદના પાલડી વિસ્તારની શારદાનગર સોસાયટીમાં ગરબાના આયોજનના સ્થળની બહાર બિનવારસી કાળી એટેચી અને થર્મોકોલ પર બાંધેલા વાયર મળી આવ્યા પછી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી.એલિસબ્રિજના પોલીસ ઈન્સ્પેક્ટરે આવીને સૌને દૂર હટાવી દીધા અને બોંબ સ્ક્વોડ બોલાવી તથા પોતે પણ દૂર બેસી ગયા. સ્ક્વોડ આવી એ પહેલા તો અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચના પ્રસિદ્ધ ઓફિસર તરૂણ બારોટ આવી ગયા. તેમણે ટોર્ચ ફેંકી અને અનુભવના આધારે જ આમાં બોમ્બ નથી એ નક્કી કરીને બેગને જોરથી લાત મારી. તુરંતજ એલિસબ્રીજના પીઆઈ દોડી આવ્યા કે સાહેબ બોમ્બ સ્ક્વોડ આવે જ છે. બોમ્બ સ્ક્વોડ આવી પછી કૂતરા દ્વારા બેગ સૂંધાડાઈ અને મશીન ફેરવી બહારથી ચેક અપ કર્યું. કશું વાંધાજનક પકડાયુ નહી. પરંતુ પોલીસમાં સૌને હજુ પણ આ બેગને હટાવતા બીક લાગતી હતી. છેવટે તરૂણ બારોટે બેગ સાથે ફૂટબોલ રમવાનુ શરૂ કર્યું અને લાતો મારી મારીને ફાડી નાખીને પોલીસ જીપમાં મૂકી. તરૂણ બારોટ અમદાવાદના મીલ કામદારનો દીકરો છે અને જેપીને પ્રાપ્ત માહિતી અનુસાર તેમણે ૩૬ એન્કાઉન્ટર કર્યા છે. અમદાવાદના દરેક મુસ્લિમ વિસ્તારમાં તરૂણ બારોટની જબરજસ્ત ધાક છે અને એટલું જ ઉંડુ સોર્સીંગ પણ છે. બારોટને સિક્યુરીટી કમાન્ડો આપવામાં આવી છે. રથયાત્રા હોય ત્યારે રથની જોડે જોડે જ તરૂણ બારોટ સૌથી જોખમી એવા શાહપુર, દરિયાપુર વિસ્તારમાં ફરતા હોય છે.ભૂતકાળમાં જેપીએ બે સાક્ષી મિત્રો પાસેથી બારોટના બિસ્કીટ ગલી ઓપરેશન અને જુહાપુરામાંથી આરોપી ઉઠાવી લાવવાના ઓપરેશન વિશે જબરજસ્ત વાતો જાણી હતી. જેજી વણઝારા અને એનકે અમીન એ બે ખૂંખાર પોલીસ ઓફિસરો સોહરાબુદ્દીન-કૌસરબીના એન્કાઉન્ટર મામલે જેલમાં બંધ છે અને સસ્પેન્ડ થયા છે ત્યારે હાલ તો ગુજરાતના એકમાત્ર સેલીબ્રીટી પોલીસ ઓફિસર આ ઈન્સ્પેક્ટર તરૂણ બારોટ જ છે.
અધિક માસને કારણે નવરાત્રિમાં જ શિયાળો આવી ગયો
20-10-2007 Gossip
ગુજરાતમાં ધીમે પગલે શિયાળો આવી ગયો છે. પાછલા બે દિવસથી લોકોના ઘરોમાં પંખા બંધ થવા માંડ્યા છે અને હજુ તો ચોરસાથી ચાલે છે પણ ટૂંક સમયમાં રજાઈઓ માળિયેથી નીચે ઉતારવાનો મોકો પણ આવી જશે. ચાલુ વર્ષે ગુજરાતી તિથીના મહિનાઓમાં એક અધિક માસ આવી ગયો હોવાથી દિવાળી હોવી જોઈએ એ ટાઈમે નવરાત્રિ આવી છે. આને ઉદાહરણથી સમજાવું તો પાછલા વર્ષે ૨૩ ઓક્ટોબરે બેસતું વર્ષ હતું(અને દેશગુજરાત.કોમનો પ્રારંભ થયો હતો) તો આ વર્ષે ૨૧ ઓક્ટોબરે માત્ર દશેરા જ આવીને ઉભી રહી છે. એટલેકે આ વખતે અધિક માસના કારણે નવરાત્રિ શિયાળાના પ્રારંભે પડી છે જે દરેક વર્ષે નથી બનતું. આના કારણે આ વખતે નવરાત્રિના ગરબા પૂરા કરતા કરતાતો ખેલૈયાઓને ઠંડી વાઈ આવે છે. ખાસ કરીને છોકરીઓ કે જેમણે ઘાઘરો ચોળી(મોટાભાગે બેકલેસ) અને ઓઢણીના ટ્રેડીશનલ વસ્ત્રો પહેર્યા હોય છે એ તો પાછલા ત્રણ નોરતાથી ગરબા રમીને પાછી ફરતા ઠંડીથી ધ્રુજી જાય છે. તો જેઓ પુષ્કળ ઉછળી ઉછળીને ગરબા રમે છે એવા ખેલૈયા ખુશ છે કારણકે ઠંડીને કારણે પરસેવામાંથી મુક્તિ મળી છે. આ વર્ષે ગૃહિણીઓએ દિવાળીનું કામ(ઘરની સાફસફાઈનું કામ)પણ વહેલું કાઢ્યુ છે. મોટાભાગે દશેરા પછી કાઢવામાં આવ્તુ ઘરનું કામ ઘણી ગૃહિણીઓએ તો નવરાત્રિ પહેલા પૂરુ કરી દીધું છે.
મોદીથી પ્રેરણા પામીને બનાવેલી ગુજરાતી ફિલ્મ ચૂંટણીના રીઝલ્ટ પછી રીલીઝ થશે
19-10-2007 Gossip
નરેન્દ્ર મોદી પરથી પ્રેરણા પામીને બની રહેલી ગુજરાતી ફીલ્મ સેન્સર બોર્ડમાં અટવાઈ છે. સેન્સર બોર્ડની કમિટીએ ફિલ્મમાં ત્રણ ઠેકાણે વાંધા લીધા છે. આ ત્રણેય સીન કાપી નાખવા માટે જોકે ફિલ્મ બનાવનાર રણમલ આહીર તૈયાર છે. હાલ સેન્સર બોર્ડના વડા શર્મિલા ટાગોર વિદેશ હોવાથી મામલો ત્યાં અટક્યો છે. શર્મિલા ટાગોર વિદેશથી પરત ફરે પછી ત્રણ સીનના વાંધા અંગે નિર્ણય લેશે. આ ફિલ્મમાં મુખ્યમંત્રીનું પાત્ર ભજવાનર હિંદી ફિલ્મ સરફરોશના મિર્ચી શેઠ તરીકે જાણીતા કલાકારને નરેન્દ્ર મોદી જેવો જ મોદી કૂર્તો પહેરાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના પાત્રનું નામ પણ નમો નારાયણ રાખ્યું છે અને ભાષણ પણ મોદીની માફક જ આપતો બતાવાયો છે. રણમલભાઈ કહે છે કે તેઓ આ ફિલ્મને ચૂંટણીના પરિણામ ન આવે ત્યાં સુધી રીલીઝ નહીં કરે કારણકે ફિલ્મ પાછળ બે કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે અને હવે ચૂંટણીની આચારસંહિતા સંબંધી કોઈ કોંગ્રેસી કેસ ઠોકી દે તો ફિલ્મ ડબ્બામાં જતી રહે ને નુકસાન થાય. રણમલભાઈની સાથે આ ફિલ્મના સહ નિર્માતા છે મોદીના વિશ્વાસુ પ્રધાન પુરૂષોત્તમ સોલંકીના ભાઈ ભરત સોલંકી.
સીએનએન આઈબીએનનું ‘સબસે બડા ગુજરાતી’નું નાટક:નોમીનીઝ જ બદલાઈ ગયા !!
19-10-2007 Gossip
સીએનએન આઈબીએન ચેનલ દ્વારા સબસે બડા ગુજરાતી નામની હરિફાઈ શરૂ કરવામાં આવી ત્યારે તેમાં નોમીનેટ થયેલા નામો અને આજે સ્પર્ધામાં જે નામો છે તે બંને અલગ છે. સબસે બડા ગુજરાતીની આ સ્પર્ધા પર આનાથી પ્રશ્નાર્થ ઉભા થાય છે. જ્યારે સબસે બડા ગુજરાતીની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમાં અન્યોની સાથે નિરમાના કરશનભાઈ પટેલ, મોરારીબાપુ અને પ્રમુખસ્વામીના નામ નોમીનેટ કરવામાં આવ્યા હતા.મૃણાલિની સારાભાઈ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નામ નોમીનેશનમાં ક્યાંય હતા જ નહીં. ઉપરાંત એવું પણ જાહેર કરવામાં આવ્યુ હતુ કે તેર ઓક્ટોબર સુધી આ નોમીનેશન સ્થિર રહેશે અને તે પછી દરેક દિવસે એક એક નામ ઓછુ થશે પછી છેવટે ૨૧મીએ બે જ ઉમેદવારો રહેશે અને તેમાંથી જે સબસે બડા ગુજરાતી બનશે તેને નરેન્દ્ર મોદી આ એવોર્ડ પ્રદાન કરશે. પરંતુ મજાની વાત એ છે કે તેરમી પહેલા જ કરસનભાઈ પટેલ, પ્રમુખસ્વામી અને મોરારીબાપુના નામ હટી ગયા હતા અને તેમના સ્થાને ગુલાટ મારીને ગૌતમ અદાણી અને મૃણાલિની સારાભાઈને ગોઠવી દેવામાં આવ્યા હતા(શું રંધાયુ?). તથા તેરમી પછી કોઈ પ્રતિસ્પર્ધીના નામ કમી થઈ રહ્યા નથી. હવે આમાં શું ખેલ ખેલાયા એ તો ભગવાન જાણે. પણ પોલની વિશ્વસનીયતા પર હસવુ આવે એવી આ વાત છે. દરઅસલ આ પ્રકારના પોલ માત્ર ટીવી ચેનલ માટે પૈસા કમાવવાના સાધન બની રહેતા હોય છે. આવા પોલમાં એસએમએસ મોકલો એટલે તેનો ચાર્જ સામાન્ય કરતા વધારે થાય છે જેમાં ટેલીફોન કંપની અને ટીવી ચેનલ વચ્ચે ભાગબટાઈ હોય છે. અનિલ અંબાણી અને મુકેશ અંબાણીને સબસે બડા ગુજરાતીમાં એક સાથે નોમીનેટ કરવામાં આવ્યા છે અને અનિલ અંબાણીની પોતાનીજ ટેલિકોમ કંપની તથા સોફ્ટવેર્સ છે તેથી ભારે ભારે બહુમતિથી તે આ પોલમાં જીતી જશે એ નિશ્ચિત છે. બાકી બધા એટલેકે બકુલ ધોળકિયા, ઈરફાન પઠાણ, હિમેશ રેશમીયા, મૃણાલિની સારાભાઈ, ઈલા ભટ્ટ્, સામ પિત્રોડાના જે કાંઈ તરફદારોએ એસએમએસ પોલીંગના નાટકમાં ભાગ લઈને મૂર્ખામી નોંધાવી હશે એ બધાના માત્ર ટેલિફોન બીલ જ વધશે.
18-10-2007 Gossip
શાહીદ કપૂર ફિલ્મોમાં દેખાય છે એના કરતા રીયલમાં અતિશય વધારે હેન્ડસમ લાગે છે.જી હા અમદાવાદમાં શાહીદ કપૂરને જોનારા સૌ કોઈનું આમ જ કહેવું હતુ. ડાર્ક બ્લુ કપડામાં આવેલો શાહીદ પરદા પર છોકરડો દેખાય છે પણ રીયલમાં પરિપક્વ લાગે છે.શાહીદ અમદાવાદમાં બુધવારે રાત્રે ગરબાના ત્રણેક આયોજનોમાં ફર્યો હતો અને માઈક પર પોતાની આગામી ફીલ્મ જોવા જવાની સૌ ખેલૈયાઓને વિનંતિ કરી હતી તથા પોતાની આગામી ફીલ્મ જબ વી મેટની ઓડિયો સીડી પણ ઉછાળી હતી. શાહિદની નજીક આવવા મથતી છોકરીઓને દૂર હટાવવા માટે સિક્યોરીટીના માણસોએ સારી એવી મહેનત કરવી પડતી હતી. જબ વી મેટ ફિલ્મ કરીના કપૂર સાથેની હોવાથી શાહીદ અને કરીના વચ્ચે સુમેળ નથી એવો પબ્લીસીટી સ્ટન્ટ પાછલા કેટલાક દિવસોથી ચાલી રહ્યો છે. વળી કરીના અને સૈફ અલી ખાનની સાથે ફિલ્મ આવી રહી હોવાથી એ બંનેના અફેરનો પણ પેરેલલ પબ્લીસીટી સ્ટંટ ચાલુ છે આવામાં પત્રકારોએ શાહીદને કરીના સાથેના સંબંધો વિશે પ્રશ્ન કર્યા પણ શાહીદનું એક જ રટણ હતું ‘નો કોમેન્ટ’
18-10-2007 Gossip
દિલ્હીમાં કેશુભાઈનો બંગલો જોઈને જેપીને ભારે દુ:ખ થયું. દુ:ખ એટલા માટે કારણકે કેશુભાઈને રાજ્યસભાના સાંસદ હોવાના નાતે મળેલો આ સરકારી બંગલો અત્યંત મોકાના સ્થાને આવેલો છે. રહેવાની બહુ જ મજા પડે એવો છે અને કેશુભાઈ જે બળવાખોરી કરી છે એના કારણે મૂશ્કેલ છે કે આવતા એપ્રિલમાં તેમની રાજ્યસભાની ટર્મ પૂરી થાય પછી તેમને રીપીટ કરાય. જો આવતા એપ્રિલમાં કેશુભાઈને ફરીથી રાજ્યસભામાં રીન્યુ ન કરાય તો કેશુભાઈ સાંસદ પદ પણ ગુમાવશે અને આ બંગલો પણ ગુમાવશે. નવી દિલ્હીમાં અન્ય નેતાઓના હોય છે એવોજ સફેદ રંગનો, વિશાળ હરિયાળી વાળો કેશુભાઈનો ૨૩ અશોકા રોડનો બંગલો એટલી સરસ જગ્યાએ આવેલો છે કે તેના પછી તરત જ આલીશાન હોટેલો રમાડા ઈન, શાંગ્રીલા, આગળ લા મેરીડીયન શરૂ થઈ જાય છે તો તેની બીજી તરફ નજીકમાંજ ભારતનું સંચાર ભવન આવેલું છે અને પછી સંસદ ભાવન જવાનો રસ્તો પડે છે.કેશુભાઈના ઘરેથી સંસદ, ભાજપ કાર્યાલય, ઈન્ડિયા ગેટ, કોનોટ પ્લેસ, રાષ્ટ્રપતિ ભવન આ બધુ સાવ નજીક પડે.જેપીએ તેમના મકાનની મુલાકાત લીધી ત્યારે કેશુભાઈ તો હતા નહીં પરંતુ સરવન્ટ ક્વાટર્સમાં ગુજરાતી માણસ મળી ગયો કે જે કેશુભાઈ દિલ્હી હોય ત્યારે તેમની રસોઈ બનાવે છે. આ માણસ કપડાનું ટેલરીંગનું કામ ઓર્ડર પર આ સરવન્ટ ક્વાર્ટર્સમાં રહીને જ કરે છે અને રોજી રળે છે. તેને પણ ચિંતા હતી કે કેશુભાપા એપ્રિલમાં રાજ્યસભાનું સભ્યપદ ગુમાવશે અને આ બંગલો છોડશે તો તેણે પણ દિલ્હીમાં તેનું કામ ચાલુ રાખવા બીજુ કોઈ ઠેકાણુ શોધવું પડશે.
18-10-2007 Gossip
દિલ્હીમાં ભાજપ મુખ્યાલયની મુલાકાત લીધા પછી જેપીનું તારણ છે કે ટીવી ન્યુઝ ચેનલોનું પત્રકારત્વ હેન્ડી એટલેકે તુરંત જ પ્રાપ્ત થાય એવું હોય છે પણ છીછરૂં હોય છે જ્યારે પ્રિન્ટ મિડીયામાં કોઈ ઘટના તમને ભલે બીજે દિવસે સવારે જ વાંચવા મળે પરંતુ તેમાં વાત ઉંડી હોય છે. આનું કારણ કહું. હું દિલ્હીના ભાજપ મુખ્યાલયમાં ગયો ત્યારે ત્યાં ભાજપી નેતા રવિશંકર પ્રસાદની પત્રકારત્વ પરિષદ ચાલતી હતી જે મનમોહનસિંઘે ન્યુક્લીયર ડીલમાં પારોઠના પગલા ભર્યા એ વિષે હતી. રવિશંકર પ્રસાદે પહેલા કેમેરાઓ માટે સારી સારી વાતો કહી અને પછી કેમેરા થેંક્યુ, પ્લીઝ હવે કેમેરા બંધ કરો એમ કહીને પત્રકારો વચ્ચે આવીને બેસી ગયા. આ પછી ચાલુ થઈ પત્રકારો સાથે ઈન્ફોર્મલ વાતચીતો જેમાં આજે અહીં નાસ્તામાં પીરસવામાં આવેલા સમોસાથી માંડીને ભારતભરની વાતો હતી. પ્રિન્ટના પત્રકારો આનો ભરપૂર લુફ્ત ઉઠાવી રહ્યા હતા અને રવિશંકર પ્રસાદ પણ બિન્દાસ્ત જવાબો આપતા હતા. પ્રિન્ટના પત્રકારો માટે બોલાયેલી દરેક વાત સ્ટોરી હતી જ્યારે ટીવી પત્રકારો તો ઓન કેમેરા બોલાયેલી વાતોને લઈને જ ચાલે. થોડા સમય પછી અહીં રાજનાથસિંઘની પત્રકાર પરિષદ શરૂ થઈ. રાજનાથે પણ કેમેરા બંધ કરાવ્યા અને પત્રકારો વચ્ચે બેસી ગયા પછીજ મજાની વાતો ચાલુ થઈ. ૧૯૯૮માં હું દિલ્હી ગયોતો ત્યારે લોકસભાના સ્પીકર કોણ બને એની ચર્ચા હતી અને સુષ્મા સ્વરાજનું નામ ચર્ચામાં હતું. એ જ સાંજે ભાજપ મુખ્યાલયમાં સુષ્માજી કેમેરા બંધ કરાવીન પત્રકારોને બ્રીફ કરી રહ્યા હતા એનો હું સાક્ષી છું.ટૂંકમાં કેમેરા ચાલુ હોય ત્યારે નેતા જે બોલે છે એમાં કંઈ દમ નથી હોતો પણ કેમેરા બંધ થયા પછી ગજબની માહિતીઓ અને વિચારો ફેંકાતા હોય છે જે માત્ર પ્રિંટ મિડિયામાં વાંચવા મળે છે.
ભાજપ કેમ ગુજરાત ચૂંટણીને જ મહત્વ આપે છે ને હિમાચલને નહીં ? : પત્રકારો
ખરેખર તો આપ આમ કરો છો: રાજનાથ
18-10-2007 Gossip
દિલ્હીના ભાજપ મુખ્યાલયમાં કેમેરા બંધ કરાવ્યા પછી રાજનાથ સિંઘ સાથે પત્રકારોની છૂટથી વાતો થઈ, જે પૂછવું હોય એ શાંતિથી પૂછવાની છૂટ વાળી વાતો.પત્રકારોએ પૂછ્યું કે રાજનાથજી આપ કેમ ગુજરાતની જ ચૂંટણીને મહત્વા આપો છો, ચૂંટણી તો હિમાચલમાં પણ છે પણ એને તો મહત્વ આપતા નથી ? રાજનાથે કહ્યું કે ખરેખર તો આપ આમ કરો છો. રાજનાથજી, સુરેશ મહેતાના જવાથી ફર્ક પડશે ને ? એવા પ્રશ્નના જવાબમાં રાજનાથે કહ્યું કે આવડી મોટી પાર્ટી છે એટલે કેટલાક લોકો આવે ને જાય એ સ્વાભાવિક છે પણ ભાજપમાં ક્યારેય પણ કોંગ્રેસના થયા છે એવા ઉભા ફાડિયા(વર્ટીકલ સ્પ્લીટ)ની નોબત નથી આવી. ગુજરાતમાં અસંતુષ્ટોને સસ્પેન્ડ કેમ નથી કરાયા એવા પ્રશ્નના ઉમેરામાં જેપીએ પણ પૂછ્યું કે એક સીટીંગ ભાજપી સંસદસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલ છે કે જે બે મહિનાથી દરેક જાહેર સભામાં કોંગ્રેસને મત આપવાનું લોકોને આહવાન કરતા ફરે છે તેમને ભાજપ સસ્પેન્ડ જ કરતી નથી આવી સ્થિતિ કેમ છે અને શું ચાલી રહ્યું છે આના જવાબમાં રાજનાથે કહ્યું કે જેટલી આ મામલે કામ કરી રહ્યા છે અને નિબટારો લાવશું. ગુજરાતના ઉચ્ચ ઓફિસરોની ચૂંટણી પંચે કરેલી બદલી અંગે રાજનાથે કહ્યું કે રાજ્ય સરકારને વિશ્વાસમાં લીધા વગર કે જણાવ્યા વગર આમ કરવામાં આવ્યું છે એ ઠીક નથી. રાજનાથ હિમાચલની ચૂંટણી અંગે પૂછાતા જ ફોર્મમાં આવી જતા હતા અને બધું જ બોલતા હતા પણ ગુજરાતના પ્રશ્નોના જવાબમાં માંડ માંડ તોલી તોલીને બોલતા હતા. એક વાતની બહુ મજા આવી રાજનાથની પત્રકાર પરિષદ પહેલા રવિશંકર પ્રસાદની પરિષદ હતી એમાં તેમણે કહ્યું હતુ કે ન્યુક્લીયર ડીલ મામલે પારોઠના પગલા ભરનારા વડાપ્રધાને રાજીનામું આપવું જોઈએ, તે વખતે અહાં રાજનાથ હાજર ન હતા.પછી જ્યારે રાજનાથ આવ્યા અને પત્રકારોએ પૂછ્યું કે શું ભાજપ વડાપ્રધાનનું રાજીનામુ માંગવા ઈચ્છે છે ત્યારે રાજનાથે જવાબ આપ્યો કે ભાજપ તો આ નબળા વડાપ્રધાન સત્તા પર રહે તેમ ઈચ્છે છે, જેટલો વધુ સમય આ નબળી વ્યક્તિ સત્તા પર રહેશે એટલો ભાજપને ચૂંટણીમાં લાભ થશે.
ભાજપનો ‘ધોની’ એલિસબ્રીજથી વિધાનસભા લડશે?
17-10-2007 Gossip
ભાજપની ભારતભરની સૌથી મુખ્ય ઓફિસ એવા દિલ્હીના અશોકા રોડ સ્થિત ભાજપ મુખ્યાલયમાં સૌથી વધારે વટ કયા ગુજરાતીનો પડે છે એ જાણો છો ? મૂળ આણંદ-વિદ્યાનગરના અને પછી અમદાવાદ સ્થિર થયેલા ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રિય અદ્યક્ષ અમિત ઠાકરનો. જેપીની દિલ્હી મુલાકાત સમયે અમિત ઠાકર દિલ્હીમાં હતા નહીં પણ તેમનો વટ તો જેપી જોઈને આવ્યો છે. દિલ્હીના અશોકા રોડ સ્થિત ભાજપની રાષ્ટ્રિય ઓફિસમાં ભાજપ અદ્યક્ષ રાજનાથસિંહની વગેરેની ઓફિસ છે પણ ગુજરાત કે જેણે ભાજપને ઘણુ બધુ આપ્યુ છે તેના એક જ માણસ આપણા અમિત ઠાકરની ઓફિસ છે અને એ પણ બિલકુલ મોકાના સ્થાને મુખ્ય ઓફિસમાં પેસવાના માર્ગ પર જ. અમિત ઠાકરે પોતાના સંગઠનના બળે ગુજરાતમાં આમિર ખાનની ફના ફિલ્ ન દેખાડાય એ માટે સફળતા પૂર્વક આંદોલન ચલાવ્યું હતુ અને નેશનલ લાઈમ લાઈટમાં આવ્યા હતા. ગુજરાતમાં નરેન્દ્રભાઈને પૂછ્યા વગર તેમની પેરેલલ ચાલેલું સફળ એવું આ એકમાત્ર અભિયાન હતુ.ફના આંદોલન અમિતે ઉપાડ્યુ હતુ એટલે એ વિશે નરેન્દ્રભાઈ આજ સુધી એક શબ્દ બોલ્યા નથી.અમિત ઠાકર વિધાનસભાની આગામી ચૂંટણીમાં અમદાવાદની એલિસબ્રિજ બેઠક પરથી ચૂંટણી લડશે એવી ચર્ચા છે. આ માટેની ગોઠવણ સીધી દિલ્હીથી થશે. નરેન્દ્રભાઈ આ બેઠક પરથી લડવા માંગે છે એવી એક વાત છે અને નરેન્દ્રભાઈ અહીં પોતાના વફાદાર અમદાવાદના હાલના મેયર અમિત શાહને લડાવવા માંગે છે એવી બીજી વાત છે. હાલના એલિસબ્રીજના સીટીંગ ધારાસભ્ય ભાવિન શેઠને ટિકીટ મળે એવી કોઈ શક્યતા નથી એ તો ખુદ ભાવિન પણ જાણતો હશે. ગુજરાતના ચૂંટણી પ્રભારી અરૂણ જેટલી અમિતને ભાજપનો ધોની કહે છે એવા સમાચાર દિલ્હીના નવભારત ટાઈમ્સમાં હાલમાં જ છપાયા છે. નવભારત ટાઈમ્સ લખે છે કે જે રીતે કોંગ્રેસને રાહુલ ગાંધીના સ્વરૂપમાં ધોની મળ્યો છે એ રીતે ભાજપને અમિત ઠાકરના સ્વરૂપમાં મળ્યો છે. અમિત ઠાકરને એલિસબ્રીજમાંથી લડાવવાનું નક્કી થશે તો નરેન્દ્રભાઈ તે સહન નહીં કરી લે અને ગમે તેમ કરીને અમિત ઠાકર ન જ લડે, વિધાનસભામાં ન જ પહોંચે એના મરણીયા પ્રયન્ત કરશે.જો કે આ બધી હાલ તો માત્ર શક્યતાઓ છે.
16-10-2007 Gossip
નરેન્દ્રભાઈની વંદે ગુજરાત આઈપીટીવી ચેનલ ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાત સરકારના ખર્ચે શરૂ થઈ હતી. ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે એટલે આ ચેનલ ભાજપ ટેક ઓવર કરી લેશે એવી યોજના હતી. પછી જ્યારે ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી અને કહ્યું કે આચારસંહિતા અત્યારથી જ લાગુ પડે છે ત્યારે જ વંદે ગુજરાત કેબલ ટીવી પર અને નેટ પર દેખાતી બંધ થઈ ગઈ હતી. ટીવી પર વંદે ગુજરાતનો સિમ્બોલ અને વંદે ગુજરાત ગીત વગતુ જોઈ શકાતુ હતુ જ્યારે નેટ પર તો બેન્ડવીથ બગાડવાનું બેમતલબ હતું. હવે થોડા દિવસથી વંદે ગુજરાત કેબલ ટીવી પર જોઈ શકાય છે અને ઈન્ટરનેટ પર બદલાઈ ગયેલા આઈપી એડ્રેસ સાથે બંધ ચાલુ રહેતું દેખાય છે. કેબલ ટીવી પર આવતા વંદે ગુજરાતમાં સૂરમંદિર મ્યુઝીક કંપનીની ગરબાની વિડીયો સીડી વાગ્યા કરે છે.સૂરમંદિરની એટલા માટે કારણકે સૂરમંદિરની વિડિયો સીડીમાં ભાતીગળ ગરબા હોય છે અને વેસ્ટર્નાઈઝેશન કે રીમીક્સ કે અશ્લીલ ડાન્સ નથી હોતો. સૂરમંદિરની આ વર્ષની નવી સીડીઓમાં પામેલા જૈન નામની ગાયિકાને ખાસ્સી પ્રમોટ કરેલી છે. પામેલા વિડિયો સીડીમાં હસતા હસતા ગરબાના ગીત ગાતી દેખાય છે જે મોહક છે. દૂરદર્શન પર તેની સીડીના પ્રમોશન માટે આવતા ઝલકના કાર્યક્ર્મો પણ જોનારા જુવે છે. તો આ છે ચૂંટણી પંચની બલિહારી. મોદીના બદલે પામેલા જૈન. ભઈ ચૂંટણી છે ને નવરાત્રિ છે, વંદે ગુજરાત.
16-10-2007 Gossip
મોરારીબાપુની ભાવનગર કથાની હમણા પૂર્ણાહૂતિ થઈ.જેપીને આ કથામાં મોરારીબાપુએ કહેલી ઘણી વાતો ગમી ગઈ પણ અહીં સાંકડે માંકડે તો માત્ર એક જ મજા મજાની વાત લખીશ.ભાવનગર શહેરને ઘણા બધા મજાકમાં ભાનવગર શહેર કહે છે. કોઈ ભાવનગરી અમદાવાદમાં આવે અને જો કહે કે હું ભાવનગરનો છું તો અમદાવાદી એની પટ્ટી પાડીને સામુ કહે કે ઓહો તો તમે ભાન વગરના છો. આ વાત વિશે મોરારીબાપુએ એમની કથામાં કહ્યું કે મીરાબાઈ, પાનબાઈ અને નરસિંહ મહેતા પણ ભાન વગરના હતા એટલેજ સમાજને ઘણુ મોટુ પ્રદાન કરી ગયા. ભાનવગરનાઓ જ સમાજને કંઈક આપીને જતા હોય છે. મોરારીબાપુએ કથામાં એક બીજી રસપ્રદ જૂની વાત યાદ કરતા કહ્યું હતુ કે એક વખત એક ઠેકાણે સાધુ મહારાજને ચાંદીની પાટે તોલવાનો કાર્યક્રમ હતો એમાં હું ગયો હતો. મહારાજને કાર્યક્રમમાં બોલાવતા પહેલા તેમનું વજન પૂછી લેવામાં આવ્યુ હતુ અને એ અનુસાર ચાંદીની ઈંટોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ મહારાજને ત્રાજવામાં બેસાડતા પહેલા તેમને એક ભક્તે પાંચ કિલોનો દક્ષિણ ભારત સ્ટાઈલનો ગુલાબનો હાર પહેરાવી દીધો અને મહારાજ હાર સહિત ત્રાજવાના એક પલ્લામાં બેસી ગયા.હવે બીજા પલ્લામાં તેમના વજનના માપના આધારે અગાઉથી લાવેલી ચાંદીની ઈંટો મૂકી તો હતી પણ પેલો પાંચ કિલોનો હાર પહેર્યો હોવાથી પલ્લુ સમતલ થાય જ નહી અને મહારાજનું પલ્લુ જ ભારે રહ્યું. આયોજકો માટે શરમાવવા જેવું થયુ અને દોડધામ થઈ કે આમ કેમ થાય છે. પછી મેં(મોરારીબાપુએ)બાજી સંભાળી અને કહ્યું કે ભારતના સંતોનું કદ એટલુ મોટુ છે કે ગમે તેટલી ચાંદીની પાટોથી એ હલકુ સાબિત થતુ નથી.
15-10-2007 Gossip
જો ભારતના સૌથી પાવરફુલ ગુજરાતીઓના નામોની યાદી તૈયાર કરવા બેસીએ તો જેપીના મતે નરેન્દ્ર મોદી, મુકેશ અંબાણી, રતન ટાટા આ બધાની સાથે લઈ શકાય એવું નામ એહમદ પટેલનું છે. એહમદ પટેલ નામના ભરૂચના આ ગુજરાતી જનાબ ઈંદીરા ગાંધીના સમયથી દિલ્હીની ટોચની સત્તાની નજીક રહ્યા છે. ઈંદીરા, રાજીવથી લઈને સોનીયા ગાંધી સાથેની એહમદભાઈની નજદીકીનો જેપીની માહિતી પ્રમાણે રાઝ એ છે કે એહમદભાઈ ક્યારેય કેન્દ્ર સરકારમાં કોઈ મંત્રીપદ લેતા નથી. એહમદ પટેલને મંત્રીપદની ઓફર છેક ઈંદીરા ગાંધીના સમયમાં થઈ હતી અને પછીથી પણ પ્રત્યેક કોંગ્રેસી વડાપ્રધાનના સમયમાં થઈ છે પણ એહમદભાઈએ પહેલેથીજ માત્ર કોંગ્રેસ સંગઠનમાં કામ કરવાનો નિર્ણય લીધેલો છે અને મંત્રીપદ ક્યારેય ન સ્વીકારવાનું નક્કી કરેલું છે. કોંગ્રેસમાં ગાંધી પરિવારમાં તેમનું ખૂબજ માન છે તેનું આ કારણ છે. રામસેતુ મામલે જ્યારે કોંગ્રેસ સરકાર અન્વયેના પુરાતત્વ ખાતાએ કોર્ટમાં રામનું અસ્તિત્વ જ ન હોવાની એફીડીવીટ કરી ત્યારે તુરંતજ એહમદ પટેલે સોનિયા ગાંધીનો આ એફીડીવીટ પાછી ખેંચવાનો આગ્રહ કરતો ફોન કર્યો હતો.એહમદ પટેલનું કહેવુ હતુ કે મેડમ ગુજરાતમાં ચૂંટણી આવે છે અને આનાથી મોદી ગુજરાતમાં ખૂબ લાભ લઈ જશે અને કેન્દ્ર એફીડેવીટ પાછી ખેંચી. એ જ રીતે હમણાં રવિવારે ગુજરાતના પાવાગઢમાં ધક્કા મુક્કીમાં જાત્રાળુઓના મોત થયા ત્યારે પણ એહમદ પટેલે તુરંતજ ગુજરાતના મીડિયા માટે સોનિયા ગાંધીની આ ઘટના અંગે દુ:ખ જાહેર કરતી બ્રીફ બહાર પડાવી હતી.એહમદ પટેલ ગુજરાતની ચૂંટણી અને સોનિયા ગાંધીના ડિસીશન રૂમ વચ્ચેનો સીક્સ લેનનો એકમાત્ર હાઈવે રોડ છે.ગુજરાત સંબંધી કંઈ પણ હોય એટલે તુરંતજ સોનિયા ગાંધીને ફોન જાય છે ‘મેડમ એહમદ પટેલ બોલ રહા હું મેડમ વો ગુજરાતમેં….
ને ગરબાના માઈકો બંધ કરાવવા દંડો હલાવતો હલાવતો હવાલદાર આવી પહોંચે!!
15-10-2007 Gossip
જેપીને મુંબઈના ગુજરાતીઓ પર દયા આવે છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં નવરાત્રિની માઈક વગાડવાની ટાઈમ લીમીટ દસ વાગ્યા સુધીની જ નક્કી કરી છે અને આ રીતે નવરાત્રિનું ગળુ ઘોંટવામાં આવ્યુ છે. મહારાષ્ટ્ર સરકાર ગણેશ ચતુર્થીના મરાઠી માનુસના ઉત્સવમાં માઈકો મોડે સુધી ચાલવા દે છે પણ ગુજરાતીઓના માતાજીના નવરાત્રિના ઉત્સવમાં દસ વાગ્યે ગરબા બંધ કરાવવા પાંડુ હવાલદારોને મોકલી દે છે.અમદાવાદમાં ભલે ઓફીશીયલ ટાઈમ લીમીટ બાર વાગ્યાની હોય પણ ધંધાદારી નવરાત્રિ સહેજ્યેય બે વાગ્યા સુધી ચાલે છે અને પોળ સોસાયટી વગેરેમાં તો ચાહો તો ત્રણ, ચાર વગાડી દો. પોલીસનો કોઈ હવાલદાર દંડો હલાવતો આવી પહોંચતો નથી. નવરાત્રિના તહેવારના નામ માત્રમાં રાત્રિ છે. આ તહેવાર રાત્રેજ મનાવવાનો તહેવાર છે. આ ઋતુમાં રાત્રિચર્યાનો આયુર્વેદ અનુસાર મહિમા છે તે રીતે પણ નવરાત્રિની રાતની ઉજવણી યોગ્ય છે પણ મુંબઈમાં ધ્વનિ પ્રદૂષણને લઈને નવરાત્રિના માઈક રાતના દસ વાગ્યે બંધ થઈ જાય છે.વર્ષો પહેલા ગુજરાતમાં આવુ કરવા જનાર સરકારને તે સમયના અમદાવાદના નખશિખ પ્રામાણિક અને અત્યંત લોકપ્રિય મેયર સ્વ.શ્રી જયેન









