Andar Bahar Gujarat:November 2007 Archive(Gujarati text)
abg is regularly available at http://deshgujarat.com/abg
![]() |
દિનશા પ્રામાણિક હોય તો હું ઈચ્છીશ ભારતનો બચ્ચે બચ્ચો
આવો કરોડપતિ પ્રામાણિક બને
30-11-2007
રાજકારણમાં કોઈને પ્રામાણિક કહેવા એ કદાચ સરળ હોઈ શકે છે પણ ખરેખર પ્રામાણિક હોવુ એ એટલુ સરળ નથી. દરેક રાજકારણીને કોંગ્રેસના દિનશા પટેલની ઈર્ષ્યા એટલા માટે થવી જોઈએ કારણકે કેન્દ્રના મંત્રી બન્યા બાદ દિનશા પાસે કરોડો રૂપિયા પણ છે અને તેમ છતા તેઓ પ્રામાણિક પણ કહેવાય છે.
૨૦૦૩માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે હવે પછી ચૂંટણી લડતા પહેલા ઉમેદવારે પોતાની અને પોતાના અશ્રિત હોય-ડીપેન્ડન્ટ હોય(જેમ કે મોટાભાગના કેસમાં પત્ની) એમની તમામ મિલકત જાહેર કરવી. ૨૦૦૪ની ભારતની લોકસભાની ચૂંટણી આ ચુકાદા પછીની પહેલી મોટી ચૂંટણી હતી. દિનશા પટેલ આ ચૂંટણીમાં મધ્ય ગુજરાતના ખેડા સંસદિય મતવિસ્તારમાંથી ઉમેદવાર હતા. ૨૯ માર્ચ ૨૦૦૪ના રોજ દિનશાએ વીસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર પોતાની તથા પોતાની પત્નીની મિલકતો દર્શાવતી એફીડેવીટ કરી. આ એફીડેવીટમાં દિનશા એ જે મિલકતો બતાવી હતી એમાં તેમની તમામ મિલકતોનો કુલ સરવાળો ૫૭,૨૭,૫૭૫ એટલેકે લગભગ સવા સત્તાવન લાખ જેટલો થતો હતો. આ ઉપરાંત દિનશાએ આ એફિડેવીટમાં પોતાના માથે ૩૦,૮૩,૮૩૦ એટલેકે લગભગ ૩૧ લાખનું દેવુ પણ હોવાનું દર્શાવ્યુ હતુ. દિનશાએ ૨૦૦૪ની એ એફિડેવીટમાં પોતાના આશ્રિત પોતાના પત્ની કુંદનબહેનને નામે કશીજ સંપતિ ન હોવાનુ પણ દર્શાવ્યુ હતુ.
પરંતુ હવે જ્યારે દિનશાએ ૨૦૦૭ના નવેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મણિનગરના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે ત્યારે તેમણે કરેલી એફિડેવીટમાં તેમની મિલકતનો કુલ આંકડો બે કરોડથી પણ ઉપર પહોંચે છે. તેમના પત્નીના નામે ૨૦૦૪માં કશું જ ન હતુ પરંતુ આજે પોણા ચાર વર્ષ કરતા પણ ઓછા ગાળામાં તેમના પત્નીની મિલકતો પોણા કરોડે પહોંચે છે. ઉપરાંત દિનશાના માથે જ્યાં ૨૦૦૪માં પોણા એકત્રીસ લાખથી વધુનુ દેવુ હતુ એ દેવુ પણ હવે શૂન્ય થઈ ગયું છે.
ટૂંકમાં સ્પષ્ટ તારણ કાઢી શકાય છે કે દિનશા પટેલ ૨૦૦૪ પહેલા માત્ર સાંસદ હતા ત્યારે માત્ર લાખોપતિ હતા જ્યારે મે ૨૦૦૪ પછી ભારત સરકારમાં મલાઈદાર પેટ્રોલીયમ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી બન્યા પછી કરોડપતિ બન્યા છે. અને છતા તેઓ મિડિયાની અને કોંગ્રેસની ભાષામાં નરેન્દ્ર મોદી સામે લડવા માટે કોંગ્રેસે મૂકેલા સ્વચ્છ પ્રતિભા ધરાવતા,પ્રામાણિક ઉમેદવાર છે!!
ઉપરની વિગત જરા ઉંડાણમાં જોઈએ તો ૨૦૦૪ની ચૂંટણી સમયે દિનશાની બેંકોમાં થાપણ ૬૫૩૯૭ રૂપિયાની હતી જ્યારે આજે સેવીંગ્ઝ એકાઉન્ટમાં ૧૫૭૬૭૨૬ અને ફીક્સ થાપણ ૫૩ લાખની છે, ઉપરાંત તેમના પત્નીની થાપણો ૨૦૦૪માં શૂન્ય હતી એ હવે સેવીંગ્ઝ એકાઉન્ટમાં કુલ ૫૭૨૨૫૨ રૂપિયા છે અને ફીક્સમાં ૧૨૪૮૮૨૪ રૂપિયા છે. દિનશાના નોનબેંકીંગ ક્ષેત્રે થાપણ તરીકે ૨૦૦૪મા છ લાખ રૂપિયા હતા અને પત્નીના નામે ત્યારે કશુંજ ન હતુ જ્યારે આજે તેમના અને તેમના પત્નીના બંનેના નામે દસ દસ લાખ રૂપિયા છે.
કંપનીઓમાં શેર, ડિબેન્ચર અને બોન્ડની વાત કરીએ તો પેટ્રોલીયમ મંત્રી બન્યા પહેલા દિનશા પાસે માત્રે ૨૪૫૦૦ રૂપિયાના એટલેકે પચ્ચીસ હજારથી પણ ઓછી રકમના શેર હતા જ્યારે પત્ની પાસે કોઈ જ શેર ન હતા. પરંતુ આજે દિનશા પાસે ૭૪૩૩૫૦ રૂપિયાના અને તેમના પત્ની પાસે ૨૪૩૮૫૩૨ રૂપિયાના શેર છે.
એનએસએસ, પોસ્ટલ બચત, એલઆઈસી પોલીસી વગેરે અન્ય ખાતે ૨૦૦૪માં પેટ્રોલીયમ મંત્રી બનતા પહેલા દિનશા પાસે ૩૨૫૦૦૦૦ રૂપિયા એટલેકે સાડા બત્રીસ લાખ રૂપિયા હતા અને પત્ની પાસે કશું જ ન હતુ. જ્યારે આજે દિનશા પાસે આ ક્ષેત્રોમાં કુલ ૩૪૪૦૦૩૮ રૂપિયા છે અને તેમના પત્ની પાસે પીપીએફમાં ૨૩૨૫૭૬૨ રૂપિયા છે. પેટ્રોલીયમ મંત્રી બનતા પહેલા દિનશા કે તેમના પત્ની પાસે સોનુ ન હતુ જે અત્યારે પચ્ચીસ તોલા જેટલુ છે અને તેની કિંમત થાય છે પણા ત્રણ લાખ રૂપિયા. એ જ રીતે પેટ્રોલીયમ મંત્રી બનતા પહેલા દિનશા પાસે ૨૦૦૨ના મોડેલની ઝેન કાર હતી જ્યારે પત્ની પાસે કાર ન હતી પણ હવે દિનશાના પત્ની પાસે એસ્ટીમ કાર છે જે ૩૭૦૦૦૦ એટલેકે લગભગ પોણા ચાર લાખ રૂપિયાની છે. પેટ્રોલીયમ મંત્રી બન્યા પહેલા દિનશાના માથે જુદા જુદા સગાઓનું ૩૦૮૩૮૩૦ રૂપિયાનું દેવુ ચડેલુ હતુ જે અત્યારે શૂન્ય થઈ ગયુ છે એટલેકે લગભગ ૩૧ લાખ જેટલુ માતબર રકમનું દેવુ પણ ચૂકતે થઈ ગયુ છે.
એફીડિવીટ અનુસાર દિનશાની પેટલાદ રોડ પરની જમીનની કિંમત સાડા ચાર લાખ થઈ છે જે અગાઉની એફીડેવીટમાં ૪૨૭૦૦૦ હતી એ જ રીતે દિનશાના રહેઠાણની કિંમત ૧૩૨૦૦૦૦ હતી જે અત્યારે વીસ લાખ થઈ છે એ બે મુદ્દા તો નેચરલી પ્રોપર્ટીની વધતી જતી કિંમતોના પરિપ્રેક્ષ્યમાં સમજી શકાય એમ છે.
તો સરવાળે ત્રણ તારણ નીકળે છે: ૧. દિનશા દંપત્તિ દિનશા પટેલ કેન્દ્રના રાજ્ય કક્ષાના પેટ્રોલિયમ પ્રધાન બન્યા પછી કરોડ પતિ થયુ છે. ૨. પોણા ચાર વર્ષથી પણ ઓછા ગાળામાં દિનશા દંપતિએ પોતાની મિલકતોમાં સત્તાવન લાખથી બે કરોડનો જમ્પ માર્યો છે. ૩. દિનશાના પત્ની પાસે ૨૦૦૪માં કશું જ ન હતુ પણ અત્યારે પોણો કરોડની આસપાસની મિલકત,ધરેણા,ગાડી,થાપણો વગેરે છે.
અને દિનશા પટેલ પ્રામાણિક, સ્વચ્છ, નિષ્ઠાવાન, સંનિષ્ઠ રાજકારણી કહેવાય છે. યે અચ્છી જોક હે. જેપી કો હસી બહોત આઈ.
દિનશા જે સરદાર પટેલના ભક્ત છે એ અવસાન પામ્યા ત્યારે એમના ટ્રંકમાંથી માત્ર ૨૬૨ રૂપિયા નીકળ્યા હતા. દિનશા સરદારના સ્મારક માટે કરોડો રૂપિયાનું દાન ઉઘરાવતા ફરે છે. દિનશા અને દરેક રાજકારણી સરદાર જેવુ જીવી બતાવે તો સિમેન્ટ કોંક્રીટના ઝુમ્મરો વાળા આલીશાન સ્મારક કરતા બહેતર કામ થાય.આખુ રાજકારણ, આખો સમાજ, આખો દેશ સરદારનુ સ્મારક થાય.પણ આવી આશા રાખવી ધૂળ છે.
મેટ્રીક ભણેલા નડિયાદના દિનશાભાઈ સડસઠથી સિત્તેર વર્ષની ઉંમરે કરોડપતિ બની જાય એનું નામ રાજકારણ, અને છતા એમને પ્રામાણિક કહે, સરદાર પટેલના ભક્ત કહે એ એ આપણી કોંગ્રેસ પાર્ટી. આવુ છે ભાઈ.
29-11-2007
ચૂંટણી ટાણે એકે એક અપક્ષ ઉમેદવાર મળવા જેવા હોય છે. અમુક તો બિલકુલ મરજીવા હોય છે કે જે ઈતિહાસમાં પોતાનુ નામ છોડી જવા માટે ચૂંટણી લડતા હોય છે. અમુક એટલા માટે ઉભા રહે છે કે ઉમેદવાર હોવાના નાતે મતગણતરી વખતે મતગણતરી મથકની અંદર જવા મળે એના પાસ મોટા પક્ષોના ઉમેદવારને આપીને રોકડી કરી શકાય. અમુક અપક્ષ દિવાના હોય છે, અમુક બહુ જ સિદ્ધાંતવાદી ધૂની હોય છે અને દેશને બદલવાની ખેવનાઅ રાખનારા હોય છે. પણ અહીં જેપીએ વાત કરવી છે એક એવા સિરિયસ અપક્ષ ઉમેદવારની કે જે સેનામાં મેજરની નોકરી છોડીને ચૂંટણીમાં ઉભા રહ્યા છે.વાત પોરબંદરની છે. અહીં ભારતીય સેનાના મેજર કેતન મહેતા ચૂંટણીમાં ઉભા છે અને ગંભીરતાથી ઘરે ઘરે ફરીને પ્રચાર કરી રહ્યા છે. કેતનભાઈ સિયાચીન ગ્લેશીયર પર પણ ફરજ બજાવી ચૂક્યા છે.
કેતનભાઈનું કહેવુ છે કે તેઓ ભારતની સેનામાં દેશ સેવા કરવા માટે જોડાયા હતા પણ આજે આંતરરાષ્ટ્રિય માહોલ એવો છે કે ભારત પર બહારથી કોઈ દેશ ચડી આવે એની શક્યતા નહીવત છે. એવામાં દેશસેવા કરવી હોય તો બહારના શત્રુઓ કરતા દેશને અંદર રહીને ખોખલો કરનારા ઘર મહીંના શત્રુઓને નાથવા જરૂરી છે. માટે હું સેના છોડીને ચૂંટણીમાં ઉભો છું. યુવાન કેતનભાઈએ એમનું ચૂંટણીનું સ્લોગન આપ્યુ છે: મારુ તમારુ આપણુ રાજ.
29-11-2007
ઓહો! આ તો કમાલ થઈ ગયો. સૌરાષ્ટ્રના કોડીનારમાં મંગળવાર ને ૨૭ નવેમ્બરની રાત્રે મુસ્લિમોએ ભેગા થઈને ભાજપને મત આપવાનો નિર્ણય કર્યો. એ ય પાછા દસ બાર નહીં પણ લગભગ ત્રણસોથી પાંચસો મુસ્લિમોએ. સંમેલનમાં અહીંના સૈયદ ભીખુભાપુએ કોંગ્રેસને તકવાદી પાર્ટી કહી અને કહ્યું કે નરેન્દ્ર મોદીના ભાજપના રાજમાં અમન અને સૂકૂન રહ્યા છે. નકવી બાપુએ કહ્યું કે અમે ૪૫ વર્ષથી કોંગ્રેસ રાજમાં હતા પણ ભાજપનું રાજ સારુ લાગતા આવો નિર્ણય લીધો છે. તો ઈકબાલભાઈએ કહ્યું કે ભાજપના રાજમાં વિકાસની દ્રષ્ટિએ ફાયદો છે. અબ્દુલ કલામ મુસ્લિમ હતા તો એમને ભાજપે રાષ્ટ્રપતિ બનાવ્યા અને કોંગ્રેસે નહીં. જેપીને તો કોડીનારના આ રિપોર્ટનો ન્યુઝ વિડિયો જોઈને આશ્ચર્ય થયું અને તુરંત જ અમદાવાદના જુહાપુરામાં રહેતા મુસ્લિમ એજ્યુકેટેડ મિત્રને ફોન લગાવ્યો. તો સામે આ મિત્રએ કહ્યું કે દર અસલ મોદી રાજમાં અમારી કોમના ખરાબ માણસો કાબૂમાં રહ્યા છે જેનો પહેલો ફાયદો તો અમને મુસ્લિમોને મળ્યો છે એટલે અમે પણ મોદીની તરફેણમાં છીએ. આ મુસ્લિમ મિત્રે એમ પણ કહ્યું કે અમારી કોમના બૂરા શખ્સો હિંદુઓને તો વર્ષોમાં ક્યારેક કોઈ રમખાણ થાય ત્યારે નડતા હશે પણ અમને મુસ્લિમોને તો રોજ બરોજ નડે છે. પણ મોદીના રાજમાં એ બધા ડરે છે એટલે શાંતિ છે. હુહ!! ગુજરાતમાં આ બધુ શું બની રહ્યું છે ? ઘડીકમાં સંભળાય છે કે પટેલો તેમ ભાગે છે ને ઘડીકમાં આ મુસ્લિમો આમ !!
28-11-2007
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પાછલા કેટલાક દિવસોથી પત્રકારોને નરેન્દ્ર મોદી વિશે ઓફબીટ સ્ટોરી લઈ આવવા માટે જબ્બર મોટિવેટ કર્યા છે. મોદી વિશે કઈ પણ એવી વાત લઈ આવો કે જે રસપ્રદ હોય, અગાઉ ખાસ બહાર ન પડી હોય તો ટાઈમ્સ ઓફ ઈન્ડિયા તેને પ્રથમ પેજ પર છાપે છે. સૌથી પહેલા ટાઈમ્સે સ્ટોરી છાપી કે કેટલાક મહિનાઓ પહેલા મોદી માથે ટોપી પહેરીને ફરતા હતા એનું કારણ એ હતું કે તેઓ આગળના ભાગની ટાલ પર વાળ ઉગે એ માટ વૈદની સલાહથી તેલ લગાવતા હતા અને આ પ્રક્રિયા દરમિયાન નિયમ છે કે માથુ તડકામાં ખુલ્લુ રહેવુ ન જોઈએ એ માટે મોદી ટોપી પહેરતા હતા. થોડા સમયમાં મોદીને વાળ ઉગી ગયા એટલે તેમણે ટોપી પહેરવાની બંધ કરી. ટાઈમ્સે પોતાની સ્ટોરીના સમર્થનમાં મોદીના અગાઉના વધેલી ટાલ વાળો અને હવે ત્યાં વાળ ઉગેલા છે એવુ બતાવતા બે ફોટા પણ પ્રકાશિત કર્યા. જેપીને તો આ સ્ટોરીમાં સત્યતા લાગતી નથી કારણકે ટાલ પર વાળ ઉગાડી દે એવુ તેલ વાર્તાઓમાં જ સારૂ લાગે છે અને બીજુ એ કે મોદી ટોપી પહેરતા હતા ત્યારે ગ્રાન્ડ ભગવતી હોટેલમાં રાત્રિના સમયે પણ ટોપી પહેરેલા જેપીએ જોયેલા છે કે જ્યારે કોઈ તડકો હોતો નથી.
ખેર ટાઈમ્સે બીજી સ્ટોરી નરેન્દ્ર મોદી એક સમયે અમદાવાદના એસટી સ્ટેન્ડની કેન્ટીનમાં કામ કરતા હતા તે અંગે છાપી. ત્રીજી સ્ટોરીમાં રિપોર્ટરને વડનગર દોડાવી જ્યાંથી રિપોર્ટ કરવામાં આવ્યો કે નરેન્દ્ર મોદી નાના હતા ત્યારે વડનગરના તળાવમાં ડૂબકી મારી નાવા જતા તા. એ વખતે તળાવમાં મગર રહેતા હતા. એક દિવસ બાળક નરેન્દ્રભાઈ એક મગરનું બચ્ચુ પકડીને ઘરમાં લઈ આવ્યા. નરેન્દ્રભાઈના માતાએ જીદ કરી કે આ મગરને પાછો તળાવમાં છોડી આવ પણ નરેન્દ્રભાઈ માન્યા નહીં છેવટે નરેન્દ્રભાઈને તેમના માતાએ સમજાવ્યા કે જો તુ મારાથી અલગ થઈ જાય, તને કોઈ મારાથી દૂર લઈ જાય તો મને કેવુ દુ:ખ થાય? તો એવું જ આ મગરના બચ્ચાની માતાને નહીં થતુ હોય ? જા બચ્ચુ પાછુ તળાવમાં મૂકી આવ. અને નરેન્દ્રભાઈ મગરને તળાવમાં છોડી આવ્યા.
વડનગરથી જ ટાઈમ્સના બીજા એક પ્રતિનિધિએ કરેલા અન્ય એક રિપોર્ટમાં નરેન્દ્રભાઈના પિતા વડનગર રેલવે સ્ટેશને ચાની કિટલી ધરાવતા હતા એની વાત છે. નરેન્દ્રભાઈના પિરા દામોદરદાસ કાળો કોટ પહેરતા હતા અને તારંગા જતી ટ્રેન વડનગર સ્ટેશને આવે એટલે તેમાંથી પેસેન્જરોના ચાના ઓર્ડર લેતા હતા. પિતા ઓર્ડર લે ત્યારે દસ વર્ષના સંતાન નરેન્દ્રભાઈ ચા બનાવી કાઢે. વડનગરમાં નરેન્દ્રભાઈના પિતાની કરિયાણાની દુકાન પણ હતી.
અને આજે ટાઈમ્સે અન્ય એક રિપોર્ટમાં નરેન્દ્રભાઈના પુસ્તક આંખ આ ધન્ય છે માટે તેમના ફોટોગ્રાફ પાડનારા ફોટોગ્રાફર વિવેક દેસાઈની મુલાકાત પ્રકાશિત કરી છે કે જેમાં વિવેક દેસાઈ કહે છે કે નરેન્દ્રભાઈ પોતે એક અચ્છા ફોટોગ્રફર છે. જ્યારે નરેન્દ્રભાઈ કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતા ત્યારે તેમણે ખૂબ સારી ફોટોગ્રાફી કરી હતી જેનું પછી અમદાવાદમાં નિહારીકા ફોટો ક્લબમાં પ્રદર્શન પણ યોજાયુ હતુ. વિવેક દેસાઈએ ટાઈમ્સ સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું છે કે નરેન્દ્રભાઈ ફૂલો સાથે ફોટો પડાવવાનુ ક્યારેય પસંદ નથી કરતા કારણકે તેઓ માને છે કે ફૂલો તેમની સ્ટ્રોંગ ઈમેજ સાથે સુસંગત નથી થતા.
હુંહ!! તો જેમ ટીવીમાં નરેન્દ્રભાઈ આવતા જ ટીઆરપી વધી જાય છે એમ છાપામાં પણ નરેન્દ્રભાઈ હોટ સેલ આઈટમ લાગે છે. નહી તો ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જેવુ પ્રોફેશનલ છાપુ નરેન્દ્રભાઈની લાઈફ સીરીઝ ફ્રન્ટ પેજ પર ના ચલાવે.
28-11-2007
સામાન્ય રીતે જેપી ચૂંટણીમાં આગાહી કરતો નથી પણ બાકીનુ મિડિયા જે રીતે ગુલ્લા ઉછાળે છે એ જોતા આ આગાહીનો પીસ લખવાનુ મન થઈ આવ્યુ. દિનશા પટેલ મણિનગરમાંથી ચૂંટણી લડવાના છે એ જાહેર થતા જ હરખપદૂડા મિડિયાએ દિનશા આવ્યા એટલે મોદીને ભારે પડશે, મોદીએ વધુ સમય મણિનગરમાં ગુજારવો પડશે જેવા ગુલ્લા ઉછાળવા માંડ્યા છે પણ હકીકત એ છે કે મણિનગર, એલિસબ્રિજ, ઈવન ખાડિયા, સરખેજ અને સાબરમતી જેવી બેઠકો પર જ્ઞાતિના ગણિત ચાલતા જ નથી. જ્ઞાતિની સસ્તી અને પછાત માન્યતા લઈને કોંગ્રેસ ચાલતી હશે પણ લોકો ચાલતા નથી. કમસેકમ આ વિસ્તારના લોકો તો નહીંજ. દિનશા આવે કે ખુદ મનમોહનસિંઘ આવે, મણિનગરમાં લોકો કમળ પર સિક્કો મારે છે, અટક જોતા નથી, ઉમેદવાર પણ જોતા નથી. નરેન્દ્ર મોદી બીજે સભાઓમાં કાપ મૂકીને મણિનગરમાં વધુ સમય ગુજારશે કારણકે ત્યાં દિનશા પટેલ લડે છે એવુ રખે માનતા, ભલે મિડિયામાં આના ગુલ્લા વારંવાર ઉછાળવામાં આવે.
શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના મુખ્યમંત્રી થવુ છે અને વિધાનસભાની ચૂટણી લડવા માંગતા હતા તથા કોંગ્રેસ તેમને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરીને ચૂંટણી લડે એમ પણ ઈચ્છતા હતા. કોંગ્રેસે તેમને કહ્યું કે વિધાનસભા ચૂંટણી લડવી હોય તો મણિનગરથી મોદી સામે લડો, પણ બાપુ હારની બાજી જોઈને ફસકી ગયા, બિચારા દિનશા ભોળવાઈ ગયા. દિનશા પણ પોતે પટેલ હોવાના નાતે ગુજરાતના દરેક પટેલ રાજકારણીની માફક જ મુખ્યમંત્રી બનવાની ખ્વાઈશ ધરાવે છે.પણ મણિનગરથી મુખ્યમંત્રી તો ઠીક ધારાસભ્યની ખુરશી સુધી પણ નહીં પહોંચી શકાય એ હકીકત છે.
હા દિનશાને મિડિયામાં ખૂબ ચગવા મળશે જેમ એક સમયે ગાંધીનગર લોકસભાની બેઠક પર ભાજપના વિજય પટેલ સામે ઉમેદવારી કરનાર રાજેશ ખન્નાને અને અડવાણી સામે ઉમેદવારી કરનાર ટી એન શેષનને મિડિયાએ ચગાવ્યા હતા તેમ. પણ હકીકત એ છે કે લોકો ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનની ચાંપ દાબવાની ક્ષણે હદયના ધબકારને અનુસરે છે, એ વખતે મિડિયાના કોઈ રિપોર્ટ કોઈ ગુલ્લા કોઈ એજન્ડા બેઝડ એનાલીસીસ મગજમાં આવતા જ નથી.
27-11-2007
નરેન્દ્ર મોદીએ ઈકોનોમીક ટાઈમ્સ સાથેની મુલાકાતમાં તસલીમા નસરીનને ગુજરાતમાં રહેવા આમંત્રણ આપ્યું પછી આજે બોટાદમાં તેમની ચૂંટણી પ્રચારની પ્રથમ ઓફિશીયલ જાહેર સભામાં પણ તેમને તસલીમા નસરીનનું નામ લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.નરેન્દ્રભાઈએ બોટાદની જાહેરસભામા કહ્યું કે ભારતના ગલી મહોલ્લાઓમાં બાંગ્લાદેશીઓ આવી ને પડ્યા છે અને તેમાંથી કોઈને કાઢવાની તસ્દી લેવામાં આવતી નથી પણ અ સોનિયાજીના સાથીઓએ બંગાળમાં કટ્ટરવાદીઓ એક લેખિકા બહેન તસલીમા નસરીનની પાછળ પડી ગયા તોઈ સ્ત્રીને રાતોરાત બંગાળની બહાર કાઢી મૂકી.ઉલ્લેખનીય છે કે ઈકોનોમીક ટાઈમ્સ સાથેની મુલાકાતમાં નરેન્દ્રભાઈએ તસલીમાને ગુજરાતમાં રહેવાનું નિમંત્રણ આપતા સાથે એ પણ કહ્યું છે કે તેણી ભલે ગુજરાતમાં રહીને મારી વિરૂદ્ધ પણ લખે, મને વાંધો નથી.
બોટાદની જાહેર સભામાં નરેન્દ્રભાઈએ બે રૂપિયાના સિક્કા પર ખ્રિસ્તિ ક્રોસનું ચિહ્ન અંકિત કરવાના કોંગ્રેસના નિર્ણયની પણ ઝાટકણી કાઢી, રામસેતુનો મુદ્દો પણ આવરી લીધો. ઉપરાંત સૌરાષ્ટ્રને કેમ કેન્દ્રની કોંગ્રેસ સરકારે રોજગાર ગેરંટી યોજનામાંથી બાકાત આપ્યું એનો કેન્દ્ર જવાબ આપે એમ કહીને તે મુદ્દો પણ ઉછાળ્યો.
એકંદરે બોટાદની સભાથી ઓફિશીયલી ચૂંટણી પ્રચાર શરૂ કરવાના પ્રસંગે નરેન્દ્રભાઈએ તેમની પાછલા કેટલાક સમયથી જે પીરસતા આવ્યા છે એ જ પ્રકારની સેંડવીચ પીરસી છે અને હવે પછીની ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૦૭ની તમામ પ્રચાર સભાઓમાં પણ આજ સેન્ડવીચ પીરસાશે એમ કળી શકાય છે. તો શું છે આ સેન્ડવીચમાં?
સેંડવીચમાં ઉપરની બ્રેડ છે(પહેલો મુદ્દો) ગુજરાતનો તેમણે કરેલા વિકાસની વાતો, સેન્ડવીચમાં નીચેની બ્રેડ છે હિંદુત્વના અને લાગણીગત મુદ્દા, અને સેન્ડવીચમાં વચ્ચેનો મસાલો છે કેન્દ્ર સરકારે ગુજરાતને કરેલા અન્યાયના મુદ્દાઓનો. ઉપરાંત આ સેન્ડવીચમાં પ્રદેશ પ્રદેશ મતવિસ્તાર મતવિસ્તાર પ્રમાણે ત્યાં ચાલતા સ્થાનિક પ્રવાહ, ઉમેદવારને લગતી બાબત, અને રોજબરોજની ઘટનાઓનું ટોપીંગ પણ હોઈ શકે છે જે ટોમેટો સોસ જેવુ ગળ્યુ પણ હોઈ શકે અને ચીલી સોસ જેવુ તીખું પણ…અને મોદીની સેન્ડવીચ ટેસ્ટી છે.
27-11-2007
ભાજપનો ચૂંટણી પ્રચાર ૨૭ નવેમ્બરે દ્વારકાથી ભાજપના રાજ્ય પ્રમુખ પુરૂષોત્તમ રૂપાલા કરશે એવી જાહેરાત પછી પણ સૌ પત્રકારો તો નરેન્દ્ર મોદીની બોટાદની સભામાં જ દોડી ગયા. અરે પણ પત્રકારોની છોડો, દ્વારકાના લોકો પણ પુરૂષોત્તમ રૂપાલાના બદલે દ્વારકા આવેલા અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા, અભિષેકને જોવા દોડી ગયા હતા.
દર અસલ પુરૂષોત્તમભાઈ દ્વારકામાં ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરે એ સમયની આસપાસ જ એટલેકે સવારના દસ વાગ્યે દ્વારકામાં અમિતાભ બચ્ચન અને પરિવારની એન્ટ્રી થઈ હતી. દ્વારકામાં ઉતરી પડેલુ મિડિયા પણ બચ્ચનનુ કવરેજ લેવા માટે જ આવ્યુ હતુ અને પબ્લીક પણ આના માટે દોડી ગઈ હતી. દ્વારકા મંદિરમાં બચ્ચન પરિવાર આવવાનુ છે એની જાણકારી આગલી સાંજે જ મળી હતી અને થોડો ઘણો પોલીસ બંદોબસ્ત પણ થઈ ગયો હતો પરંતુ તેમ છતા બચ્ચન પરિવારની આસપાસ એટલી બધી ભીડ થઈ ગઈ હતી કે ધક્કા મુક્કી કરતા તેઓ માંડ મંદિરમાં પહોંચી શક્યા અને પૂજા કરી.
સવારે સાડા નવ વાગે હવાઈ માર્ગે મીઠાપુરના ટાટા કેમીકલ્સ ઉતરીને બચ્ચન પરિવાર કે જેમાં અમિતાભ, જયા, ઐશ્વર્યા, અભિષેક, અજિતાભ બચ્ચન, સમાજવાદી નેતા અમરસિંહ અને તેમના પત્ની હાજર હતા તે સૌએ રૂક્ષમણિ મંદિરમાં પૂજા કરી. આ પછી પરિવાર સાડા દસ વાગ્યે દ્વારકાના મુખ્ય મંદિરમાં પહોંચ્યો કે જ્યાં તેમણે શૃંગાર આરતીમાં ભાગ લીધો અને ભગવાનની સુવર્ણ ચરણ પાદુકાનું તથા ધ્વજનું પૂજન કર્યું. દ્વારકા મંદિરના મહારાજ પરેશ ઉપાધ્યાય કહે છે કે પાદુકાનું પૂજન માન્યતા પૂરી કરવા માટે કરવાનુ હોય છે જ્યારે ધ્વજાનું પૂજન નવ ગ્રહની શાંતિ માટે હોય છે. અમિતાભ, અજિતાભ અને અમરસિંહ પરિવાર પૂજા વિધિ કરી રહ્યા હતા ત્યારે સૌથી પાછળ ઐશ્વર્યા અને અભિષેક બેઠા હતા. બધાએ દ્વારકા મંદિરની ખેસ ગળામાં પહેરી હતી. આ બધાની પાછળ ખુરશીમાં મુકેશ અંબાણીની રિલાયન્સના ગુજરાતના કર્તા હર્તા પરિમલ નાથવાણી બેઠા હતા જેઓ દ્વારક દેવસ્થાન ટ્રસ્ટમાં પણ જોડાયેલા છે. બચ્ચન પરિવારે દ્વારકાથી પછી પ્રયાણ કર્યું નાગેશ્વર તરફ. નાગેશ્વર એ ઓછુ જાણીતુ જ્યોતિર્લીંગ છે કે જે દ્વારકાથી નજીકમાં જ આવેલુ છે. નાગેશ્વર તેની ખૂબજ ઉંચી શિવજીની પ્રતિમા માટે જાણીતુ છે. નાગેશ્વર પૂજા બાદ બચ્ચન પરિવાર મીઠાપુરથી હવાઈ માર્ગે મુંબઈ પરત ફર્યું. આ આખી મુલાકાત દરમિયાન પત્રકારો સાથે માત્ર અજિતાભ બચ્ચને વાત કરી. અજિતાભે કહ્યું કે તેઓ બાબુજી માટે આવ્યા છે. આ બાબુજી એટલે અમિતાભના પિતા શ્રી હરિવંશરાય બચ્ચન કે જેમની આજે સોમી જન્મજયંતિ છે.
ખેર આ બધામાં પેલા પુરૂષોત્તમ રૂપાલાની પ્રચાર શરૂઆત તો બાજુમાં જ રહી ગઈ. દ્વારકાવાસીઓમાં બચ્ચનની જ ચર્ચા હતી, રૂપાલાની નહી.દ્વારકાવાળા એમ કહેતા હશે કે ભઈ ભાજપની ચર્ચા કરવા માટે તો હજુ ઘણા દિવસો બાકી છે.રૂપાલા પછી પણ મણાશે અત્યારે તો રૂપાળા(બચ્ચન પરિવાર) અને રૂપાળી(ઐશ્વર્યા રાય)ને માણી લઈએ.
27-11-2007
આજકાલ ભાજપના અસંતુષ્ટ નેતાઓના સાથી તરીકે જાણીતા એવા સુરતના ડાયમંડ કીંગ જીવરાજ ધારુકાવાલા(સુરાણી) સુરતનુ પહેલુ પ્રાઈવેટ વિમાન લાવ્યા છે. અમેરીકાની જી૪ કંપનીનુ આ પંચોતેર કરોડની કિંમતનું અને ૨૮ સીટનું વિમાન જીવરાજભાઈએ વધુ લક્ઝુરીયસ બનાવવા માટે બાર સીટનું કરાવ્યુ છે કે જેથી વિમાનમાં કોન્ફરન્સ રૂમ, આરામ અને રસોડાની વ્યવસ્થા ઉભી કરી શકાય. વિમાનને અમદાવાદ, વડોદરા, ભાવનગર અને સુરતમાં લેન્ડીંગની પરવાનગી મળી ગઈ છે. સુરતમાં વિમાન હેંગરનો ઉપયોગ પણ કરી શકશે. મુંબઈ અને દક્ષિણના શહેરોમાં લેન્ડીંગની પરવાનગી માંગવામા આવી છે. જીવરાજભાઈ કહે છે કે આ વિમાનનો ઉપયોગ તેઓ અને તેમનુ પરિવાર કરશે. જીવરાજભાઈના ત્રણ સંતાનો અને ભાઈઓ ચીન, મોંગોલીયા, થાઈલેન્ડ, અમેરિકા અને હોંગકોંગમાં જીવરાજભાઈના જેબી ગ્રુપનું કામ સંભાળે છે.
જીવરાજભાઈ મૂળ ભાવનગરના ખેડૂત પરંતુ ૧૯૬૩માં ગુજરાતની સ્વપ્નનગરી માયાનગરી સુરતમાં આવ્યા અને બે જ વર્ષમાં તેમણે ભગવાન કુકડિયા સાથે મળીને ૧૯૬૫માં જેબી ગ્રુપ બનાવ્યુ જેનું શરૂમાં તો હીરા ઉદ્યોગમાં જ કામ રહ્યુ પણ પછીથી હીરાની ખાણ,ઉર્જા,પ્રોપર્ટીમાં ધંધો ડાયવર્સીફાય કર્યો. ૨૦૦૫માં જીવરાજભાઈએ મોંગોલીયામાં મિથેનોલ પ્લાન્ટ નાખ્યો જ્યારે પાછલા વર્ષે જેબી ગ્રુપે કંસ્ટ્રક્શન, રીયલ એસ્ટેટ અને કન્સલ્ટીંગમાં હાથ નાખ્યો છે. જીવરાજભાઈ હવે મુંબઈ અને ગોવામાં મોટી હોટેલ અને કેરળમાં આઈટી પાર્ક બનાવવાનું આયોજન કરી રહ્યા છે.
જો કે જીવરાજ ધારુકાવાલા આજકાલ ઉદ્યોગપતિ અને લેઊઆ પટેલ અગ્રણી કરતા વધારે ભાજપના અસંતુષ્ટ જૂથ પાછળના આર્થિક ગોડફાધર તરીકે ઓળખાય છે. ચૂંટણી પહેલા ભાજપના અસંતુષ્ટોના જે સંમેલનો થયા હતા એ બધા પાછળની આર્થિક શક્તિ જીવરાજ ધારુકાવાલાની હતી, એ જ રીતે જે હજારો રત્નકલાકારો સંમેલનમાં ભેગા થતા હતા એમાં પણ ગજેરા બંધુઓ સિવાય જીવરાજ ધારુકાવાલાનો શક્તિસંચાર હતો.
27-11-2007
જેમ ફિલ્મ રીલીઝ થવાની હોય એટલે એ ફિલ્મના એક્ટરો મિડિયા ફ્રેન્ડલી થવા માંડે છે અને મિડિયામાં ચોમેર ઈન્ટરવ્યૂ આપતા દેખાય છે એ જ રીતે ચૂંટણી આવતા જ નરેન્દ્ર મોદી મિડિયા ફ્રેન્ડલી થઈ ગયા છે અને દરેક ચેનલ, મેગેઝીન, અખબારને ઈન્ટરવ્યૂ આપવા માંડ્યા છે. પણ બધા ઈન્ટરવ્યૂમાં ઈન્ડિયા ટુડેનો ઈન્ટરવ્યૂ વિશેષ જમાવટ કરે છે. ઈન્ડિયા ટૂડેના લેટેસ્ટ ઈશ્યૂમાં ગુજરાતમાં તેનું રિપોર્ટીંગ સંભાળતા જમણેરી પત્રકાર ઉદય મહૂરકરે નરેન્દ્રભાઈની મુલાકાત લીધી છે એના કેટલાક અંશો જોઈએ તો.
- હું કોઈ આઈકોન નથી
તમે ખુદને કેવા પ્રકારના આઈકોન કહેશો એવા પ્રશ્નના જવાબમાં નરેન્દ્રભાઈએ કયું એ મારા માટે આઈકોન સાચો શબ્દ નથી. આઈકોન વીર સાવરકર, ભગતસિંઘ, સરદાર પટેલ, મહાત્મા ગાંધી હતા. આપણે તો માત્ર આ મહાન પ્રતિભાઓના જીવનમાંથી પ્રેરણા લેવાની હોય છે અને રાષ્ટ્રનું વધુ ને વધુ હિત સાધવાનું હોય છે.
-રાહુ કેતુ બધાને આવવા દો
રાહુલ ગાંધી ગુજરાતના ચૂંટણી પ્રચારમાં આવવાના છે એ અંગેના પ્રશ્નના જવાબમાં નરેન્દ્રભાઈ કહે છે કે આ ચૂંટણીની રણભૂમિ છે, રાહુ કેતુ બધાને આવવા દો અને એમની તાકાત બતાવા દો. છેલ્લા દિવસે ચુકાદો આવશે કે લોકો પર એમની કેટલી અસર પડી.
-બે રૂપિયાના સિક્કા પર ગણેશ,રામ મૂક્યા હોત તો કેવી બૂમરાણ મચી હોત?
બે રૂપિયાના સિક્કા પર ક્રોસનું ખ્રિસ્તિ નિશાન લાવવા બદલ કરેલા નિવેદન અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નરેન્દ્રભાઈએ કહ્યું કે મં ફક્ત એટલુ કીધુ છે કે સોનિયાબહેનનું શાસન આવ્યુ એ પહેલા બે રૂપિયાના સિક્કા પર ભારતનો નકશો અને ત્રિરંગો હતો પણ પછી ક્રોસ આવી ગયો. મારો પ્રશ્ન શ્યુડો સેક્યુલારીસ્ટોને છે કે માનો કે સિક્કા પર ગણેશજી કે રામ અંકિત કર્યા હોત તો કેવા રોદણા રોવામાં આવ્યા હોત. તો ક્રોસ અંકિત થયો ત્યારે એ બધા શાંત કેમ છે ?
-ભાજપ ૨૦૦૨ની ચૂંટણી કરતા આ વખતે બહેતર પોઝીશનમાં છે
ગુજરાતની પાછલી વિધાનસભા ચૂંટણીઓ અને આ ચૂંટણીની સરખામણી અંગે નરેન્દ્રભાઈએ કહ્યું કે ૨૦૦૨માં લોકોએ મને ટેસ્ટ નહતો કર્યો. ભાજપ નબળુ હતુ. બધી સ્થાનિક સ્વરાજ્યની(મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા વગેરે)ચૂંટણીઓમાં ભાજપ હારેલુ હતુ. ભાજપની લોકપ્રિયતા તળિયે હતી. આમ છતા લોકોએ ઈમોશનલ ઈશ્યુ પર વોટીંગ કર્યું અને ભાજપ જીત્યું. પણ હવે હું ટેસ્ટેડ છું. લોકોએ મારુ પરફોર્મન્સ અને વીઝન જોયું છે. હું આ વખતની ચૂંટણીમાં પાછલી ચૂંટણી કરતા વધુ બહેતર પોઝીશનમાં છુ.
-તહેલકા તો ફ્લોપ શો: દોષિત હોઉ તો કરો મારે ધરપકડ
તહેલકાના ‘પર્દાફાશ’ વિશેના પ્રશ્નના જવાબમાં નરેન્દ્રભાઈએ કહ્યું કે તહેલકાની ટેપ પ્રસારિત થઈ એના પંદર કલાક પછી પણ કોઈ એના વિશે વાત કરતુ ન હતુ. આખા એપિસોડનું શીઘ્ર મરણ થઈ ગયુ. જો તહેલકાએ કોઈ બહુ મોટો પર્દાફાશ કર્યો હોય તો કોંગ્રેસ ચૂપ કેમ રહી? જો તહેલકા એ હું દોષિત હોવાનો બહુ પાવરફુલ પુરાવો હોય તો કેન્દ્રની યુપીએ સરકાર મારી ધરપકડ કેમ નથી કરી દેતી?
26-11-2007
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના એટલેકે અગિયારમી ડિસેમ્બરના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે ત્યારે સાથે પોતાની(કુટુંબ, ઘરેણા, રોકાણો સહિતની) ઓફિશીયલ મિલકત પણ જાહેર કરી રહ્યા છે. આના આધારે પહેલા તબક્કાની ચૂંટણીના સૌથી પૈસાદાર ઉમેદવાર સૌરાષ્ટ્રની બોટાદ બેઠકના ભાજપના ઉમેદવાર અને મોદી સરકારમા ઊર્જામંત્રી સૌરભ દલાલ ઠરે છે. સૌરભભાઈ રિલાયન્સના અંબાણી કુટુંબ સાથે કૌટુંબિક નાતો ધરાવે છે.
પૈસાદાર ઉમેદવારોમાં બીજા ક્રમે સુરતના કોંગ્રેસના ઉમેદવાર અશોક શાહ છે કે જેમણે ૯.૬૩ કરોડની મિકલત બતાવી છે.માણાવદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જવાહર ચાવડા ત્રીજા ક્રમના સૌથી પૈસાદાર ઉમેદવાર ઠરે છે. જવાહર ચાવડા કોંગ્રેસના આ વિસ્તારના એક સમયના હેવીવેટ પેથલજી ચાવડાના દીકરા છે(આવુ કઈક ન હોય તો કોંગ્રેસની ટીકીટ મળે?)અને તેમણે પોતાની મિલકત ૮ કરોડની બતાવી છે. જવાહર ચાવડા પાસે આ કરોડો રૂપિયા માઈનીંગના એટલેકે ખાણના ધંધામાંથી આવ્યા છે. સૌરાષ્ટ્રના યારો જેપીને માહિતી આપતા કહે છે કે એક સમયે પેથલજી ચાવડાએ ગીરના જંગલનો ગેરકાયદે માઈનીંગ દ્વારા સોથ વાળી નાખ્યો હતો. પેથલજી ખાણોમાંથી એટલુ કમાયા કે હેલિકોપ્ટર વસાવ્યુ.
હશે !! પૈસાદારો ગુજરાતની ચૂંટણીમાં નહી હોય તો શું આંદામાન નિકોબારની ચૂંટણીમાં હોય?
26-11-2007
તમારે સુરતમાંથી વિધાનસભાની ચૂંટણી લડવી હોય અને ભાજપ કે કોંગ્રેસમાંથી ટિકીટ મેળવવાની આશા રાખતા હોવ તો તમારે કરોડપતિ હોવુ પડે. જરા બંને પાર્ટીના આ વખતના ઉમેદવારોએ ચૂંટણીપંચ સમક્ષ જાહેર કરેલી પોતાની ઓફિશીયલ મિલકત પર નજર તો નાખો. સુરત વેસ્ટની સીટના કોંગ્રેસના ઉમેદવાર અશોક શાહે તેમની કુલ મિલકત ૯.૬૩ કરોડ જાહેર કરી છે.તો તેમની સામે ઉભેલા ભાજપના કિશોર વાંકાવાલાની મિલકત છે ૫૨.૪૦ લાખ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા સુરત પૂર્વ સીટના ભાજપના ઉમેદવાર રણજીત ગીલીટવાલાએ ૧.૪૯ કરોડની મિલકત જાહેર કરી છે તો કોંગ્રેસના સામા ઉમેદવાર પ્રવીણ ચાંગાવાલાએ ૧.૭૩ કરોડની મિલકત બતાવી છે. સુરતની ચોર્યાશી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જનક લાલાવદરવાલાએ ૩.૦૯ કરોડની મિલકત જાહેર કરી છે તો તેમની સામેના ભાજપના નરોત્તમ પટેલે ‘માત્ર’ ૭૫ લાખની મિલકત જાહેર કરી છે. નરોત્તમભાઈ વર્ષો સુધી અબજોના પાઈપોના કામ થયેલા હોય તેવા જળસંપત્તિ ખાતામાં પ્રધાન રહી ચૂકેલા હોય અને માત્ર આટલી મિલકત હોય એ વાત સુરતમાં તો કોઈ માનવા તૈયાર નથી. અહીં જેપી પણ માનવા તૈયાર નથી. ખેર સુરત ઉત્તરના ભાજપના ઉમેદવાર નાનુ વાનાણીએ તમની મિલકત ૭૨ લાખની બતાવી છે તો કોંગ્રેસના સામા ઉમેદવાર ધીરૂભાઈ ગજેરાએ ૨.૨૫ કરોડની મિલકત બતાવી છે.સુરતના ઓલપાડના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ૨.૨૮ કરોડની તો સામે કોંગ્રેસના કમલા પટેલે ‘માત્ર’ ૨૪.૪૧ લાખની મિલકત બતાવી છે.
26-11-2007
ભાજપે સત્યાવીસ નવેમ્બરે સૌરાષ્ટ્રમાં કાર્પેટ બોમ્બીંગ પ્રચાર શરૂ કરવાનું એલાન કર્યું છે. આ અનુસાર રાજનાથસિંગ કાલાવડ, ટંકારા, રાજકોટ. નરેન્દ્ર મોદી બોટાદ, રાપર, વલસાડ. પુરૂષોત્તમ રૂપાલા દ્વારકા, જોડિયા, બારડોલી, સુરત. સુષ્મા સ્વરાજ નવસારી, ગણદેવી, જલાલપોર, ચીખલી. વેંકૈયા નાયડુ ગાંધીધામ, મુંદ્રા, ભુજ. અરૂણ જેટલી જામજોધપુર, જામનગર. ઓમ માથુર લીમડી, દસાડા. રવિશંકર પ્રસાદ બાબરા, ગઢડા, ઘોધા. વિનય કટિયાર જંબુસર, વાગરા, અંકલેશ્વર, માંડવી. એસ એસ આહલુવાલીયા માંડવી, નલિયા. સુશીલ મોદી કેશોદ, ધોરાજી, ઉપલેટા. ગોપીનાથ મુંડે રાજપીપળા, વઘાઈ, ભરૂચ. થાવરચંદ ગહેલોત પાલીતાણા, શિહોર, ભાવનગર. નવજોત સિદ્ધુ ઉના, ધારી, લાઠી, અમરેલી. સ્મૃતિ ઈરાની જસદણ, ચોટીલા, વઢવાણ,વાંકાનેર. કરૂણા શુક્લા(અટલ બિહારી વાજપેયીની ભત્રીજી અને સાંસદ) અને ધર્મેન્દ્ર પ્રધાન હળવદ, મોરબી, ધ્રાંગધ્રા. કાલરાજ મિશ્રા સાવરકુંડલા, મહુવા, તળાજા, રાજુલા. રાજીવ પ્રતાપ રૂડી વિસાવદર, મેંદરડા, જુનાગઢ. હુકુમદેવ નારાયણ યાદવ માણાવદર, કુતિયાણા, પોરબંદર. અર્જુન મુંડા ધરમપુર, મોટા પોંઢા. કૈલાશ વિજય વેર્ગિયા ભાણવડ, ખંભાળિયા. શ્રીમતિ કિરણ મહેશ્વરી માંગરોળ, સોમનાથ, કોડીનાર, તલાલા. શ્રીમતી સુમિત્રા મહાજન(સાંસદ) અને જુઆલ ઓરમ(સાંસદ) માંગરોળ, વ્યારા, મહુવા, સોનગઢ. માનવેન્દ્ર સિંઘ અને માયા સિંઘ ઉચ્છલ, કામરેજ, ઓલપાડ. પ્રકાશ મહેતા અને ફિરોઝ ઈરાની જેતપુર, ગોંડલમાં ભાજપનો પ્રચાર કરશે.
ગઈ વખતે વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈએ ફાગવેલથી પ્રચાર શરૂ કર્યો હતો આ વખતે પુરૂષોત્તમ રૂપાલા દ્વારકાધીશના મંદિરે દર્શન કરીને પ્રચારના શ્રીગણેશ કરશે.
24-11-2007
ગુરૂવારે ભારતની રાજ્યસભાના સાંસદ, ઈસરોના પૂર્વ વડા અને ટોચના અવકાશ વૈજ્ઞાનિક કસ્તૂરીરંગન જ્યારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં પોતાનુ વક્તવ્ય આપવા આવ્યા ત્યારે જ ત્યાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. કસ્તૂરીરંગનને પછી એએમએના બોર્ડ રૂમમાં બેસાડ્યા કે જ્યાં સોલાર ફાનસ મૂકેલુ હતુ. કસ્તૂરીરંગને અહીં ગણતરીના બોર્ડ મેમ્બરોની વચ્ચે કહ્યું કે એક સમયે તેમણે અમદાવાદમાં લાંબો સમય ગુજાર્યો હતો. તેમની બદલી મુંબઈથી અમદાવાદ કરવામાં આવી ત્યારે શરૂઆતમાં અમદાવાદમાં રહેવુ ગમ્યુ ન હતુ. શરૂઆતના બે ત્રણ મહિના એવુ લાગ્યુ કે મુંબઈ કરતા અમદાવાદ બિલકુલ બિલકુલ અલગ શહેર છે. પણ પછી અમદાવાદ એવુ ગમવા માંડ્યુ કે બાદમાં જ્યારે અમદાવાદ છોડીને બીજે જવાનુ આવ્યુ ત્યારે તે માટે મન માનતુ ન હતુ. કસ્તૂરીરંગને એક બહુ મહત્વના વિચારમાં કહ્યું કે લીબરાઈઝેશન અને ગ્લોબલાઈઝેશન ભારત માટે નવા હશે પણ અમદાવાદ તો પહેલેથી જ લીબરલ અને ગ્લોબલ હતુ આ સાંભળીને એએમએના પૂર્વ પ્રમુખ યતીન્દ્ર શર્માએ કહ્યું કે વાત સાચી છે.અમદાવાદનો ટેક્સ્ટાઈલ ઉદ્યોગ વ્યવહાર સદીઓથી વિશ્વ સાથે ચાલતો આવ્યો છે.કસ્તૂરીરંગને કહ્યું કે મુંબઈથી અમદાવાદ આવતી વખતે તેમને એક વાતનો આનંદ હતો કે અમદાવાદમાં વિક્રમ સારાભાઈ જેવી ઉંચેરી પ્રતિભા છે. વિક્રમભાઈ એ વખતે બહુ મોટા માણસ હતા અને મારી સાથે તો ક્યારેક પગથિયે ઉભાજ વાત કરી લેતા પણ એમની બે મિનિટની ઉભા ઉભા કરેલી વાત અમને જુનિયરોને કલ્લાકો સુધી બીઝી રાખતી હતી.
અફસોસ છે કે એક વિક્રમ સારાભાઈ ગયા પછી અમદાવાદને એવી બીજી કોઈ ટાવરીંગ પર્સનાલિટી મળી નથી. આજે તો બીજા વિક્રમ સારાભાઈ બનવાની શક્યતા વાળો યુવાનોનો આખો ફાલ જ વતનને છોડીને વિદેશ જતો રહે છે. વિક્રમભાઈએ પણ ઘણા સંઘર્ષ કરીને અમદાવાદમાં પીઆરએલ, ઈસરો, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, આઈઆઈએમ જેવી સંસ્થાઓ બનાવી હતી. આજે યુવાનો ભણીને વતનમાં આ નથી ને તે નથીની ફરિયાદો કરીને સંઘર્ષને બાજુમાં મૂકીને વિદેશ જતા રહે છે ને પછી ત્યાંથી ફરિયાદો કે વતનમાં આ હોવુ જોઈએ ને તે હોવુ જોઈએ, આવુ ન હોવુ જોઈએ ને તેવુ ન હોવુ જોઈએ. આવામાં બીજા વિક્રમ સારાભાઈ ક્યાંથી મળે?
24-11-2007
ગુજરાતના પોલીટીકલ રિપોર્ટરોની આગાહીઓ ફરીથી હાસ્યાસ્પદ સાબિત થઈ છે. મિડિયા મોદી વિરૂદ્ધ સતત ઝેર ઓક ઓક કરે તો ય મોદી જીતે છે કેમ ? કારણકે મિડિયાની વિશ્વસનીયતા નથી રહી અને આ વિશ્વસનીયતા ન રહેવા પાછળ જવાબદાર અનેક કારણો પૈકીનું એક મુખ્ય કારણ એ છે કે ગુલ્લાબાજ પત્રકારોના અનુમાનો દર અઠવાડિયે ખોટા પડતા રહે છે એટલે લોકો જે વાંચે છે તેમાં વિશ્વાસ નથી મૂકી શકતા. વિધાનસભા ઉમેદવારોનું પહેલુ લીસ્ટ બહાર પડ્યુ ત્યારે મેં ગુલ્લાઓની પોલ ખોલનો એક પીસ લખ્યો હતો હવે ભાજપની ઉમેદવારોની બીજી યાદી બહાર પડી છે ત્યારે ગુજરાતી પોલીટીકલ પત્રકારોએ ઉછાળેલા ગપગુલ્લા અને ખોટા અનુમાનો તથા આગાહીઓ વિશે ફરીથી આ પીસ લખી રહ્યો છુ.
મિડિયાએ ગુલ્લો ઉછાળ્યો હતો કે ખાડિયામાંથી આ વખતે અશોક ભટ્ટને ટિકીટ નહી મળે, અશોક ભટ્ટ સામે એન્ટી એન્કમ્બન્સી હોવાથી ભાજપ તેમને ટિકીટ આપવાનુ નથી. મિડિયાએ ત્યાં સુદ્ધા લખ્યુ કે અશોક ભટ્ટે ચૂંટણી લડવા પોતાની અસંમતિ બતાવી છે. અને હવે જુઓ ભાજપના ઉમેદવારોના લીસ્ટમાં અશોક ભટ્ટ જ ખાડિયાના ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. મિડિયાએ લખ્યું કે નરોડામાંથી માયબહેન કોડનાનીને ટિકીટ નહી મળે અને વિશ્વ હિંદુ પદિષદના જયદીપ પટેલ અહીંથી ચૂંટણી લડશે, પરંતુ ભાજપે માયાબહેનને જ ટિકીટ આપી છે. મિડિયાએ નરેન્દ્ર મોદી સામે મણિનગરમાં રાજ બબ્બર ચૂંટણી લડશે એવુ લખ્યુ પણ એનો કોંગ્રેસ તરફથી ઈનકાર કરવામાં આવ્યો છે.
આઈઆઈએમ અમદાવાદમાં પ્રફુલ પટેલ પત્રકારોથી ભાગ્યા..
23-11-2007
૨૦૦૨માં આઈઆઈએમ અમદાવાદમાં થયેલી એલ એન્ડ ટીના ચેરમેન નાઈકજીની પ્રેસ કોન્ફરન્સ મને બરાબર યાદ છે. નાઈકજી સાથે એ વખતે ચીન વિશે વાતો ચાલતી હતી. ત્યારે તેમણ કહ્યું કે આખુ ચીન એક સેના જેવુ છે. એકે એક ચાઈનીઝ સૈનિક જેવો છે. ચાઈનામાં હું એલ એન્ડ ટીના ચેરમેન તરીકે ગયો તો ત્યારે ત્યાંના પત્રકારો પણ ચીનના સૈનિક જેવા હતા. તેઓ બસ એ જ જાણવા આતુર હતા કે આપ ચીનમાં કેટલુ ઈન્વેસ્ટમેન્ટ લાવી રહ્યા છો, ચીનમાં કેટલો રોજગાર આપશે, ચીનમાં આપનુ કામ ક્યારે શરૂ કરવાના છો, પત્રકારોનો એક જ એજન્ડા હતો, ચીનનો વિકાસ.
નાઈક સાહેબે કરેલી આ વાત મને ખૂબ જ ગમી હતી. અને પત્રકારત્વમાં હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું છે કે શક્ય એટલા અસાઈન્ટમેન્ટમાં છેવટનું લક્ષ્ય ગુજરાતનુ ભલુ થાય, ગુજરાતનું હિત સધાય એ દિશાનું હોવુ જોઈએ.
આ જ ક્રમમાં ગુરૂવારે આઈઆઈએમ અમદાવાદના કોન્ફ્લ્યુઅન્સ ૨૦૦૭ના ઉદઘાટન સમારંભમાં કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલને પૂછવા માટે જેપીએ પ્રશ્નો તૈયાર કરી રાખ્યા હતા.
-અમદાવાદ એરપોર્ટ પર કાર પાર્કિંગનો સીત્તેર રૂપિયા પ્રતિ કલાકનો ચાર્જ લેવાય છે અને દરેક કલાકે આટલા રૂપિયા ચડે છે.ટર્મિનલમાં જવાનો ભાવ પચાસ રૂપિયા છે. જે વ્યક્તિને પાર્કિંગનો અમદાવાદ અને બીજા શહેરોનો કોંટ્રેક્ટ આપ્યો છે એ પેસેન્જરોના ભોગે કરોડો રૂપિયા કમાય છે. આપ શું કહેવા ઈચ્છો છો ?
-વિમાન કંપનીઓ જાહેરાતમાં ખૂબજ નીચુ ભાડુ બતાવે છે પણ જ્યારે ટિકીટ લેવા જાઓ ત્યારે તેનાથી ત્રણ ગણા રૂપિયા ચૂકવવાના થાય છે. આવી ગેરમાર્ગે દોરતી જાહેરાતો અગાઊ મોબાઈલ ફોન કંપનીઓ આપતી હતી ત્યારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેના પર પ્રતિબંધ અને નિયંત્રણો લાદ્યા હતા. વિમાન કંપનીઓની બાબતમાં આપનું મંત્રાલય શું કરવા માંગે છે?
-અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશ જનારાઓએ એરપોર્ટ બીલ્ડિંગની બહાર લાંબી લાઈન લગાવીને ટ્રોલીઓ લઈને રાત્રે ઉભા રહેવું પડે છે. આવું શરમજનક દેશી દ્રશ્ય બીજા કોઈ આંતરરાષ્ટ્રિય એરપોર્ટ પર નથી હોતું. અમદાવાદનું આંતરરાષ્ટ્રિય એરપોર્ટ વીસનગરના એસટી બસસ્ટેન્ડની કક્ષાએથી ઉપર લઈ જવા, વર્લ્ડ સ્ટાન્ડર્ડનું બનાવવાનું કામ ક્યારે શરૂ થશે? પૂરુ થશે? આપ શું કરવા માંગો છો?
-અમદાવાદથી રાત્રે અમેરિકા જવા ઉપડતી ફ્લાઈટ અમદાવાદથી મોડી રાત્રે મધરાત પછી ઉપડે છે અને પછી મુંબઈ જઈને આખી રાત ત્યાં ઉભી રહે છે. અમદાવાદથી ફ્લાઈટમાં બેઠેલા પેસેન્જરે મોડી રાત્રે અમદાવાદથી નીકળવુ પડે છે અને આખી રાત મુંબઈમાં સમય બગાડવો પડે છે. આવી વિચિત્ર ગોઠવણ કેમ છે ? અમદાવાદને ખરેખરી સીધી ફ્લાઈટ ક્યારે મળશે ? આપ એ અંગે શું કરી રહ્યા છો અને શું કરવા માંગો છો?
-વિદેશની ફ્લાઈટમાં આવતા વીસ ટકા પેસેન્જરોના બેગેજ ગુમ થઈ જાય છે. કોઈકના બેગેજમાં નવજાત બાળકનું ફૂડ હોય, કોઈના બેગેજમાં દવાઓ હોય, આવામાં યાત્રીઓ અસહ્ય પરેશાની અનુભવે છે. બેગ ખોવાઈ હોય અને પાછી મળે તો તેને લેવા માટે માણસે પાછુ અમદાવાદ એરપોર્ટ આવવુ પડે છે. બીજે બધે બેગ ઘરે પાછી મળી જાય એની વ્યવસ્થા છે, અહીં અમદાવાદ એરપોર્ટ પર કેમ આ વ્યવસ્થા નથી?
-નાની વિમાન કંપનીઓ આજકાલ વિમાન પૂરુ ભરાયુ ન હોય તો ઉપાડતા નથી અને પેસેન્જરો એરપોર્ટ પર અટવાઈ જાય છે. કનેક્ટીંગ ફ્લાઈટ પણ પકડી શકતા નથી. આ બાબતે આપનું મંત્રાલય કોઈ નિયંત્રણો લાવવા ઈચ્છે છે? શું કાર્યવાહી કરી રહ્યા છો?
ખૈર આ અને આવા બીજા થોડા પ્રશ્નો પૂછવાના હતા પ્રફુલ પટેલને અને એટલેજ પ્રફુલ પટેલ આઈઆઈએમ કોન્ફ્લુઅન્સમાં પોતાનું વક્તવ્ય પૂરુ કરીને સ્ટેજ પરથી ઉતર્યા એ સાથે જ અમે થોડા પત્રકારો તેમને ઘેરી વળ્યા. સીએનબીસી આવાઝના મનીષ મહેમદાવાદીએ ઉપરના લીસ્ટમાં છેલ્લો પ્રશ્ન આપેલો છે એ પૂછ્યો પણ પ્રફુલ પટેલ કશું જ ન બોલ્યા અને ચાલતા રહ્યા, જેપી એ ઉપરના લીસ્ટમાંથી પહેલો પ્રશ્ન પૂછ્યો અને પ્રફુલ પટેલે સાંભળ્યો પણ કશું જ બોલ્યા વગર ચાલતા રહ્યા. સ્ટેજ પરથી દેશ માટે આ ને દેશ માટે તે કરવાની વાતો કરવાવાળા પ્રફુલભાઈ પછીતો વધુ ઝડપથી ચાલવા લાગ્યા અને રીતસર પત્રકારોથી ભાગ્યા. એવુ ન હતુ કે તેમણે કોઈ ફ્લાઈટ પકડવાની હતી ને મોડુ થતુ હતુ, પ્રફુલભાઈ તો પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યા હતા. પણ તેમણે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવા ન હતા.
જેપીએ ટીસીએસના ચેરમેન એસ રામાદોરાઈને પણ પૂછ્યું કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ગાંધીનગરમાં પોતાનું યુનિટ ચલાવે છે એ મોટાભાગે તો માત્ર ગુજરાત સરકારના મળેલા કોંટ્રેક્ટની પૂર્તિ માટે છે, પણ ગુજરાતમાં જે રીતે આઈટી ક્ષેત્રે યુવાનો તૈયાર થઈ રહ્યા છે એ જોતા શું આ કેમ્પસનું હવે વિસ્તરણ બેંગલોર, પૂના, હૈદરાબાદના સ્તરે વિસ્તરણ થાય એ જરૂરી નથી? રામાદોરાઈએ આ પ્રશ્ન સાંભળ્યો અને તેઓ જવાબ આપે એ પહેલા તેમને ઘણા બધા સૂટબૂટધારીઓ ઘેરી વળ્યા. જવાબ શબ્દોમાં ન મળ્યો એનો વાંધો નહીં, જમીન પર મળે એનો ઈંતઝાર રહેશે.અને પ્રફુલ પટેલ માટે બીજા મોકાની જેપી રાહ જોશે.
૧૭ દિવસ, ૮૭ બેઠકો..
22-11-2007
ગુજરાત વિધાનસભાની પહેલા ચરણની ચૂંટણીમાં પ્રચારના હવે માત્ર ૧૭ દિવસ રહ્યા છે. ૧૭ એટલા માટે કારણકે ૧૧મી ડિસેમ્બરની ચૂંટણીનો પ્રચાર કાયદા મુજબ અડતાલીસ કલાક પહેલા આટોપી લેવો પડે છે એ જોતા માત્ર ૧૭ દિવસ મળે છે અને બેઠકોની સંખ્યા ૮૭ છે. તો વસ્તુસ્થિતિ સ્પષ્ટ છે કે આ વખતે પ્રચાર હેલિકોપ્ટરો અને વિમાનોની ઘર્રરાટી વચ્ચે થશે. મોદી ઈચ્છે છે કે સત્તર દિવસના પ્રચારમાં ગુજરાત બહારથી ઘણા બધા વક્તાઓને બોલાવીને ખૂબ બધી પ્રચાર સભાઓ કરીને છવાઈ જવુ. પણ મોદી જાણે છે કે સ્ટાર પ્રચારક તો તેઓ પોતે જ છે. તેનો કોઈ વિકલ્પ નથી. મોદી પોતે શક્ય એટલી વધારે જગ્યાઓએ પહોંચવા માટે શીડ્યુલ યોજના અને વ્યૂહ બનાવી રહ્યા છે. સામાન્ય રીતે પ્રોટોકોલ હોય છે કે ગુજરાતમાં અડવાણી કે રાજનાથસિંઘની રેલી હોય તો મોદીએ તેમાં હાજર રહેવું પડે પણ આ પ્રોટોકોલ પણ નેવે મૂકાશે. મોદી એક ઠેકાણે પ્રચાર કરશે ને બીજા ઠેકાણે રાજનાથ ને ત્રીજા ઠેકાણે અડવાણી, આ શક્ય છે. જો કે રાજનાથ અને અડવાણી કરતા નવજોત સિદ્ધુ વધારે પોપ્યુલર રહેશે એ નક્કી છે.
મોદી તેમનો ચૂંટણી પ્રચાર રથયાત્રા દ્વારા કરવા જાણીતા છે. પણ આ વખતે રથયાત્રામાં સમય વધુ વેડફાશે એવુ લાગે તો મામલો હવાઈ યાત્રા અને રોડ શોમાં નીપટાવવામાં આવે એ શક્ય છે. ૨૦૦૨ની પાછલી વિધાનસભા ચૂંટણી વખતે ફાગવેલથી પ્રચાર શરૂ કરીને મધ્ય ગુજરાતમાં વેવ ઉભો કરનાર મોદી આ વખતે આવુ કશુંક પણ કરશે કે કેમ એ પણ જોવુ રહ્યું.
આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસે પૈસો સારો દેખાય છે..
22-11-2007
કોંગ્રેસે આ વખતે પ્રચારમાં ઉતારેલા વિડિયોરથની નોંધ લેવી પડે તેમ છે. મહિન્દ્રા મેક્સી જીપો પર પડદા અને પોસ્ટરો લગાવેલા ૨૬ રથ ગુજરાતના ગામડાઓમાં ફરીને ભાજપ સરકાર વિરૂદ્ધની ૩૬ મિનીટની ફિલ્મો બતાવી રહ્યા છે. રથોમાંથી દિવસે ઓડિયો વાગે અને રાત્રે વિડિયો શો દેખાડવામાં આવે એવી ગોઠવણ છે.શરૂ શરૂમાં રથોને મધ્ય ગુજરાતના ગામડાઓમાં ફરતા કરીને બાદમાં ગુજરાતભરના(હાલ પહેલા ચરણના મતદાનના વિસ્તારોના)ગામડાઓમાં છોડવામાં આવ્યા છે.
કોંગ્રેસ માને છે કે ઈન્ટરનેટ પર વિડિયોનો પ્રચાર મતમાં રૂપાંતરિત થતો નથી(નરહરી અમીન એમની દેશી ભાષામાં કહે છે કે ઈન્ટરનેટમાં તો જે નાખો એ આવે છે એનો કોઈ અર્થ નથી)પણ વિડિયો ગામડા સુધી લઈ જાઓ તો મતમાં રૂપાંતરિત થઈ શકે.
આ વખતે કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા પૈસો બહુ આવ્યો હોય એ દેખાય છે. ૨૦૦૨ની ચૂંટણીમાં બહુ પૈસો દેખાતો ન હતો. આ વખતે ચૂંટણી જાહેર થતા જ જિલ્લા દીઠ ચક દે કોંગ્રેસ લખેલી લાંબી ગાડીઓ પહોંચી ગઈ અને પછી આ વિડિયો રથ. આ ઉપરાંત ગુજરાતી ટીવી ચેનલ પર અડધા અડધા કલાકનો રોજ સાંજનો સ્લોટ લઈને કોંગ્રેસે મોદી સરકાર વિરૂદ્ધનો પ્રચાર ક્યારનોય શરૂ કરી દીધો હતો. દિલ્હી,આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સત્તા હોવાથી આ વખતે કોંગ્રેસ પાસે અઢળક પૈસો છે જે પ્રચારમાં દેખાઈ રહ્યો છે.
ઉમેદવાર નક્કી કરવામાં ઝઘડા ને કોંગ્રેસે ગુજરાત ચલાવવુ છે …
21-11-2007
મંગળવારે રાત્રે ગુજરાતભરમાં કોંગ્રેસના નામની ભારે મજાકો ચાલી રહી હતી. દર અસલ ચૂંટણી જાહેર થઈ ત્યારે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ એવી ડંફાશ હાંકી હતી કે ‘અમે ઉમેદવારો વહેલા જાહેર કરી દઈશું કે જેથી તેમને પ્રચાર અને તૈયારીઓ કરવાનો વધારે સમય મળે’ તો પેલા ભાવનગરના યુવા બૌદ્ધિક કોંગ્રેસીની બ્રાન્ડ ઈમેજ ધરાવતા શક્તિસિંહ ગોહિલ કહેતા હતા કે ‘આ વખતે અમે કોંગ્રેસમાં ટિકીટ વહેંચણી માત્ર જીતવાની શક્યતાવાળા ઉમેદવારોને લડાવવાના છીએ. અમે બધા એક છીએ અને ટિકીટ વહેંચણીમાં અમારૂ સૂત્ર છે:’ન મારા, ન તારા, જે સારા એ અમારા’ તો કોંગ્રેસના અન્ય એક હળવદથી ટિકીટ માંગી છે એ યુવાન કોંગ્રેસી ભાઈ જેપીને હજુ સોમવારે રાત્રે કહેતા હતા કે ‘આ વખતે કોંગ્રેસ બહુ જ સાયન્ટીફીક રીતે ચૂંટણી લડવાની છે. ચૂંટણીના એક વર્ષ પહેલાથી મતવિસ્તારોમાં પ્રોફેશનલ સર્વે થઈ ગયા છે કે જેમાં પ્રત્યેક મત વિસ્તારમાં કેવો અને કયો ઉમેદવાર ઉભો રાખો તો જીત મળે એના સોગઠા નિષ્ણાતોએ ગોઠવ્યા છે.’
મજાની વાત એ છે કે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસની બધી ડંફાશોની હવા નીકળી ગઈ. ચૂંટણીનું આખુ આયોજન ઉભુ હતુ ત્યારે ગુજરાત કોંગ્રેસની આખી ઉપલી નેતાગીરી ટિકીટ વહેંચણીમાં બાખડવામાં પડી. અધિકૃત યાદીની જાહેરાત તો કોંગ્રેસે ચાર ચાર વાર પાછી ઠેલવી પડી.
મંગળવારે રાત્રે જેપીના દેખતા જ જેપીના સિનિયર પત્રકાર મિત્રે અર્જુન મોઢવાડિયાને ફોન લગાવ્યો કે અર્જુનભાઈ આ યાદી બહાર નથી પડી તો બધે કોંગ્રેસ હાસ્યાસ્પદ ઠરી રહી છે અને તમારે ત્યાં ઉમેદવારોના નામને લઈને કેટલા ઝઘડા છે એની બધે ચર્ચા છે. અર્જુનભાઈએ ફોન પર જવાબ આપતા કહ્યું કે ના ના એવુ નથી. આ તો ભાજપે વધુ મહિલાઓને ટિકીટ આપી, એટલે હવે અમે પણ અગાઉ તૈયાર કરેલા લીસ્ટમાં ફેરફાર કરીને વધુ મહિલાઓને ટિકીટ આપવાની કસરત કરી રહ્યા છે.આમાં થોડો ફેરફાર કરવામાં પછી બાકીની બેઠકો પર પણ ફેરફારો કરવા પડે એમાં વિલંબ થયો છે.’ અર્જુનભાઈનો ફોન મૂકાયો પછી તેમણે પત્રકારોને બાળક સમજાવીને પકડાવેલી આ લોલીપોપ પર અમે ખૂબ હસ્યા.ભાજપે તો ક્યારનુંય જાહેર કરી દીધું હતુ જ કે તે મહિલાઓને ઉમેદવારીમાં વધુ પ્રાધાન્ય આપવાનું છે. મજાની વાત તો એ છે કે અર્જુનભાઈના ગાંધીનગર સ્થિત ઓફિશીયલ નિવાસસ્થાનેથી પાછલા અઠવાડિયામાં દરરોજ એર્પોર્ટ પર તેમને લેવા કાર જતી હતી પણ ખાલી જ પાછી આવતી હતી કારણકે અર્જુનભાઈ દિલ્હી જ રોકાઈ જતા હતા એટલા ડખા હતા ત્યાં. છેવટે તો બાકીના બધા ઉમેદવારોને લટકતા રાખીને અર્જુનભાઈ પોતે મંગળવારે મારતા વિમાને અમદાવાદ આવી પહોંચ્યા અને હેલિકોપ્ટર લઈને પોરબંદર પહોંચી ગયા. કોંગ્રેસમાં નેતાઓને ક્યાં કોઈ પરેશાની હોય છે જ ?
પણ બીજા ઉમેદવારોની હાલત શું છે એ જોવા જેપીએ મંગળવારે મોડી રાત્રે પાલડી સ્થિત કોંગ્રેસ ઓફિસની લટાર મારી તો ત્યાં સંપૂર્ણ બખડજંતર હતુ. ગુજરાતભરમાંથી આવેલા ટિકીટવાંચ્છુઓ, સીટીંગ ધારાસભ્યો વગેરે ઉભા ઉભા કોંગ્રેસની ઉમેદવાર યાદીની પ્રતીક્ષા કરતા હતા. લીમડીના ભવાન ભરવાડ મેન્ડેટની રાહ જોઈને મોડી રાત્રે છેવટે નીકળી ગયા. ભૂજના ધારાસભ્ય શિવજી આહીર ટેન્શનમાં હતા, તેમને દિલ્હીથી ફોન આવ્યો કે તમારે ભૂજના બદલે અંજારથી લડવાનું છે અને શિવજીભાઈ ચિંતમાં મૂકાયા કે તેમણે તો ભૂજથી ટિકીટ માંગી છે અને ત્યાંની જ તૈયારી કરી છે તો આ વળી અંજાર ક્યાંથી આવ્યું? શિવજીભાઈએ અર્જુન મોઢવડિયાને ફોન કરીને પોતાની પરેશાની બયાન કરી..
એક પત્રકારે મજાકમાં કહ્યું કે કોંગ્રેસ અંદર અંદર લડી ઝઘડીને મક્કમતાથી ભાજપનો સામનો કરશે. બીજાએ કહ્યું કે સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસમાં ટિકીટ મેળવવા એવા ઝઘડા થયા હતા કે છેલ્લા ટાઈમના બે કલાક પહેલા ઉમેદવારો જાહેર થયા. અને આ ઉમેદવારોના પ્રતિસ્પર્ધી ટિકીટ વાંચ્છુકોએ ૩૩ ઉમેદવારોને પૂરી દેતા ભાજપ આ બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયુ હતું.ત્રીજા પત્રકારે કહ્યુ કે ઉમેદવારો પસંદ કરવામાં જ કોંગ્રેસના આ હાલ છે તો આગળ આ કોંગ્રેસનો સંઘ ક્યાં પહોંચશે? ચોથા પત્રકારે જવાબ આપ્યો: ફીર એક બાર વિધાનસભાના હોલમાં વિરોધપક્ષની પાટલી પર.
ન્યુસન્સ વેલ્યુ ભી કોઈ વેલ્યુ હોતી હૈ: પૂછો કોંગ્રેસને
20-11-2007
ભૈયા ન્યુસન્સ વેલ્યુ ભી કોઈ વેલ્યુ હોતી હૈ. જુઓ કર્ણાટકના રાજકારણમાં શું થયું, ત્યાં ભાજપ અને કોંગ્રેસ પહેલા અને બીજા ક્રમના બે મોટા પક્ષો હતા જ્યારે દેવગોડાના દિકરાનો પક્ષ ત્રીજા ક્રમે હતો પણ ન્યુસન્સ વેલ્યુના કારણે આ ત્રીજો મિનીપક્ષ પોતાની સરકાર બનાવી ગયો અને ભાજપની સરકાર બગાડી પણ ગયો.
ગુજરાતમાં અત્યાર સુધી બે જ પક્ષનું રાજકારણ રહ્યું છે પણ ત્રીજો મોરચો પોતાની ન્યુસન્સ વેલ્યુ પૂરતી હાજરી બતાવી રહ્યો છે. કોંગ્રેસની ઉમેદવારોની યાદી મોડી થઈ ગઈ તેનું કારણ ન્યુસન્સ વેલ્યુ વાળાઓ છે. ન્યુસન્સ વેલ્યુનું ગણિત સમજીએ તો નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલેકે એનસીપી એ ૨૦૦૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૮૧ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને માત્ર ૩૪૯૦૨૧ વોટ એટલેકે ૧.૭૧ ટકા વોટ મેળવ્યા હતા પણ આટલા વોટના જોરે તેણે કોંગ્રેસની ૧૫ સીટો બગાડી હતી. સારસા, લાઠી, ઓલપાડ, પાલીતાણા, ધારી, કોડીનાર, ગોંડલ, જામજોધપુર, ખંભાળિયા, કાલાવડ, વાંકાનેર, દસાડા, ગઢડા, માતર અને જોડિયા સીટો પર કોંગ્રેસ અને એનસીપીના વોટનો સરવાળો કરો તો ભાજપ કરતા વધારે થતો હતો. એટલેકે કોંગ્રેસના મતો એનસીપીએ વિભાજીત ન કર્યા હોત, તોડ્યા ન હોત તો શક્ય હતુ કે ભાજપના ઉમેદવારો આ સીટો પર હાર્યા હોત.
ભાજપ વિરોધી મતો એકજૂથ રહે એ માટે કોંગ્રેસે આ વખતે ભાજપના અસંતુષ્ટો અને એનસીપી તથા લાલુના રાષ્ટ્રિય જનતા દળ અને લોક જનશક્તિ પાર્ટી જેવા ફાસફૂસિયાઓથી ડરીને ચાલવુ પડે છે અને તેમની સાથે સમજૂતિઓ કરવી પડે છે. કોંગ્રેસે જીતવાની સંભાવના વાળી બેઠકો બીજાને આપવી નથી, આપવી છે તો આ જ આપીએ ને આટલીજ આપીએ એના ડખા છે, બીજાને આપવાની બેઠક પર પણ પાછા બીજા જે ઉમેદવાર નક્કી કરે તેના નામ સામે વાંધો છે, સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે બીજાને બેઠક આપી દેતા કોંગ્રેસના સ્થાનિક મહત્વાકાંક્ષી કાર્યકરો વિરોધનું વાજુ વગાડે અને અપક્ષ ઉભા રહીને કે નારાજ-નિષ્ક્રિય થઈને આમેય વોટ તોડે એવું થાય એમ છે.
ભાજપના એક મંત્રીએ જેપીને બેસતા વર્ષે સાલ મુબારકનો ફોન કર્યો ત્યારે રાજનીતીક વાતોની ચર્ચામાં કહ્યુ કે ‘જુઓ ભાઈ, કોંગ્રેસે જનમિત્ર શિબિરો કરી પછી સતત સમય બગાડ્યો છે. ચૂંટણી જાહેર થયા પહેલા નરેન્દ્ર મોદીએ જિલ્લે જિલ્લે લાખોની સંખ્યા વાળા મહિલા સંમેલનો કર્યા અને સૌને એ રીતે ફેસ ટુ ફેસ મળ્યા પણ કોંગ્રેસે કશું જ ન કર્યું અને અસંતુષ્ટોના સંમેલનોને ટેકો આપ્યા કર્યો ને ખેલ જોયા કર્યો. ચૂંટણી જાહેર થયા પછી શંકરસિંહ વર્સીસ બાકીની કોંગ્રેસ અને કોંગ્રેસ વર્સીસ એનસીપી+અસંતુષ્ટોના ટિકીટ વહેંચણી યુદ્ધ થઈ રહ્યા છે અને ટિકીટ વહેંચણી પછી કોંગ્રેસ વર્સીસ બળવાખોરોના જંગ થશે.’
કોગ્રેસની આ ફિલ્મ ડિરેક્ટ કોણ કરી રહ્યું છે ? આપ સમજી શકતા હોવ તો સમજો. નહીં તો એ આપનેં ત્રણથી છ મહિના પછી સમજાશે. જેપી હમણા કંઈ નહી કહે.
મિડિયા ગુલ્લા ઉછાળે છે ને વિશ્વસનીયતા ગુમાવે છે
19-11-2007 Opinion
હાશ ચાલો ભાજપની પહેલી યાદી બહાર પડી. કોંગ્રેસના નેતાઓ ડંફાશ મારતા હતા કે પહેલી યાદી તેમની બહાર પડશે કે જેથી ઉમેદવારોને તૈયારીનો વધુ સમય મળે પરંતુ આવુ બન્યુ નથી.ઉલટુ કોંગ્રેસવાળા તો ભાજપની પહેલા યાદી જાહેર કરવાથી ડરતા હતા.દરમિયાન જેપી આજે મિડિયાના ગુલ્લાને ખુલ્લા કરવા માંગે છે. જુઓ આપણું મિડિયા કેવા ગુલ્લા ઉછાળે છે.
ટિકીટ વહેંચણી ચાલતી હતી ત્યારે એક દિવસ સમાચાર આવે કે કેશુભાઈ પટેલનો દીકરો ભરત પટેલ અપક્ષ ચૂંટણી લડશે. બીજા દિવસે સમાચાર આવે કે ભરત પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે, ત્રીજા દિવસે સમાચાર આવે કે ભરત પટેલ ભાજપમાંથી ચૂંટણી લડશે અને અંતે ભરત પટેલે જાહેર કર્યું કે પોતે ચૂંટણી જ નથી લડવાના. આ જ રીતે મુખ્યમંત્રીના ઈલેક્ટ્રોનીક મિડિયા સલાહકાર શ્રી ધીરેન અવાશિયા જુનાગઢથી ચૂંટણી લડશે એવો ગુલ્લો ઉછાળીને મહેન્દ્ર મશરૂ પાસેથી ‘હું ચૂંટણીની ટિકીટ નથી માંગવાનો’ એવુ ઓકાવનાર પત્રકારો પણ યાદી જાહેર થયા પછી ખોટા સાબિત થયા છે.
મુખ્યમંત્રી દ્વારકાથી ચૂંટણી લડશે ને રાવપુરાથી લડશેના ગુલ્લા ઉછાળનારા પણ છેવટે મણિનગરની જ જાહેરાત થતા વિમાસણમાં મૂકાયા છે. સમાચારો લખવામાં આવ્યા કે ભાજપના મંત્રી પુરૂષોત્તમ સોલંકી તેમની વિધાસભા સીટ બદલીને ચૂંટણી લડશે ને એ વાત પણ ખોટી નીકળી, ગુલ્લુ જ સાબિત થયુ. આની સામે જે ખરેખર જાણવા જેવુ હતુ એ તો મિડિયા ક્યારેય જાણી શક્યું નહીં જેમ કે જામનગરના કમિશનર પદેથી બી એચ ઘોડાસરાએ રાજીનામુ આપ્યુ એની એક મિનિટ પહેલા પણ મિડિયામાં કોઈને રતિભર પણ ખબર ન હતી કે આ ભાઈ ભાજપમાંથી ચૂંટણી લડવાના છે.
લોકલ સ્તરે દરેક પ્રકારનુ મિડિયા પોતાના ગુલ્લા ઉછાળતુ હતુ અને હંમેશા ઉછાળે છે. હકીકત એ સાબિત થઈ છે કે રાજકીય હવામાનની આગાહીની બાબતમાં ગુજરાતના રાજકીય પત્રકારો નકરા ગુલ્લા જ ઉછાળતા હોય છે. નેતાઓની ઓફિસમાં કોઈ પત્રકારના કાન નથી. અને ગુલ્લા જ ઉછાળતા હોવાના કારણે તેમનું માન પણ નથી. પત્રકારોએ તેમની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે જ્યોતિષીઓ બનીને ખોટા તારણો પર આવવાનું અને ફેંકમફેંક સાબિત થતી આગાહીઓ લખવાનું બંધ કરવું જોઈએ અને વધુ મેચ્યોરીટી દેખાડવી જોઈએ.સારૂ છે કે લોકો એક દિવસ વાંચેલુ બીજા દિવસે ભૂલી જાય છે અન્યથા જો લોકોને બધા ગુલ્લા યાદ રહેતા હોય તો લોકો ગુલ્લાબાજોને કારણે લોકો છાપા વાંચવાનું જ બંધ કરી દે.
હવે મિડિયામાં એવા સમાચાર આવશે કે ફલાણા ને ઢીકણા પક્ષે આ જ્ઞાતિના આ અને આટલા ઉમેદવારને ટિકીટ આપી. મિડિયા જ્ઞાતિઓના મતવિસ્તાર દીઠ મતદારોના આંકડા બહાર પડશે, ને એના આધારે આકલન કરશે.
જ્યારેકે સચ્ચાઈ એ છે કે મિડિયાના સીત્તેર એંશીના દશકના જ્ઞાતિના ગણિતોથી આગળ વધીને ગુજરાતીઓ ક્યારનાય એક્વીસમી સદીના સાતમા વર્ષમાં પહોંચી ગયા છે. અપવાદરૂપ કેટલાક કિસ્સાઓ અને બેલ્ટને બાદ કરતા લોકોને જ્ઞાતિ કરતા હવે વિકાસના અને થયેલા કામોના મુદ્દામાં વધારે વિશ્વાસ પડતો હોય છે. મને યાદ છે કે ગુજરાતની પાછલી વિધાનસભા ચૂંટણી ટાણે પેલા મહાન પત્રકાર કહેવાતા રાજદીપ સરદેસાઈએ તેમની એક અખબારી કોલમમાં ગુલ્લો ઉછાળતા એવુ હેડીંગ માર્યુ હતુ કે શું ગુજરાતના પટેલ મતદારો નરેન્દ્ર મોદી જેવા ઓબીસી માટે વોટીંગ કરશે ? લ્યો કરો વાત! તમામ પટેલ વિસ્તારોમાં ભાજપ જબરજસ્ત રીતે જીત્યું ને સરદેસાઈ ગુલ્લાબાજ સાબિત થયા. રાજદીપ સરદેસાઈને ઓક્સ્ફોર્ડમાં ભણ્યા પછી પણ પત્રકારત્વમાં એ જ દેખાયું કે ફ્લાણો ઓબીસી છે અને ઢીકણો પટેલ છે? તમામ સુધારાવાદી કહેવાતા મિડિયામેનો હંમેશા જ્ઞાતિના રાજકારણી ચર્ચા કરતા હોય છે અને ગુલ્લા ઉછાળતા હોય છે. હવે ચૂંટણી ટાણે આવુ બધુ ઘણુ થવાનું.
મિડિયામેનોના જમીન પર કાન પર હોવા જોઈએ, ફીક્સ ટોળકીમાં, નક્કી થયેલા એજન્ડામાં અને ફોનો પર નહીં.પોલીટીકલ પત્રકારત્વમાં રીપોર્ટીંગ ચાલીસ ટકા જરૂરી છે પણ જજમેન્ટનું મહત્વ સાહીઠ ટકાનું છે. દુ:ખદ વાત છે કે અત્યારે એંશી ટકા ગુલ્લા અને વીસ ટકા મીસ રિપોર્ટીંગ જોવા મળે છે.
![]() |
રાખી સાવંત સાડા ચાર લાખ લઈ ગઈ..ને કોંગ્રેસીની બાજી બગાડતી ગઈ
18-11-2007
રાખી સાવંત કેટલાને ડૂબાડશે? છેલ્લો નંબર લાગ્યો છે અમદાવાદના કોંગ્રેસી રોહિત ઠાકોરનો. તમે પૂછશો કે આ રોહિત ઠાકોર કોણ ? તો ભાઈ આ રોહિત ઠાકર એ શખ્સ છે કે જેમણે અમદાવાદ નજીકના દસક્રોઈ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસની ટિકીટ માંગી છે. પણ તેમની આ આશા પર પાણી ફેરવી દીધુ છે મુંબઈની આઈટમ કમ સ્ટન્ટ ગર્લ હીરોઈન ડાન્સર રાખી સાવંતે.
દરઅસલ રોહિત ઠાકોરે હમણા અમદાવાદના બોપલમાં પોતાના નવા મકાનનું વાસ્તુ રાખ્યુ હતુ એમાં રાખી સાવંતને મુંબઈથી ખાસ બોલાવી હતી. કહેવા પૂરતુ તો આ મકાનના વાસ્તાનો એટલેકે નવા ગૃહપ્રવેશનો સમારંભ હતો પણ હકીકતમાં અહીં પાંચ હજાર માણસોને અને કોંગ્રેસી નેતાઓને હાજર રાખીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ કે જેથી દસક્રોઈ વિસ્તારમાંથી કોંગ્રેસની વિધાનસભાની ટિકીટ મેળવી શકાય. આકર્ષણ માટે બોલાવેલી રાખી સાવંતે અહીં હાજર રહેવાના સાડા ચાર લાખ રૂપિયા લીધા હતા.
રાખી આવી તો ખરી પણ તેને માલૂમ ન હતુ કે આ યજમાન કોંગ્રેસી નેતા છે અને તખતો કોંગ્રેસની ટિકીટ મેળવવા ગોઠવાયો છે. એટલે તેણે તો હાજર પત્રકારો સહિતના સૌ સામે કહ્યું કે આ વખતે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને સૌએ નરેન્દ્ર મોદીને મત આપવો જોઈએ. રાખીએ કહ્યું કે પોતે એક જ ગુજરાતીની ફેન છે અને તે છે નરેન્દ્ર મોદી. કારણકે નરેન્દ્ર મોદી સિંહ છે, મરદ માણસ છે. પોતે તો નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે. રાખીએ એમ પણ કહ્યું કે તેણીની મમ્મી ભાવનગરની હોવાથી તે અર્ધી ગુજરાતણ છે અને ગુજરાતણ હોવાના નાતે તેણી નરેન્દ્ર મોદી વિશે પેશનેટ છે.
રાખીએ નરેન્દ્ર મોદીના બેફામ વખાણ કર્યા અને હાજર સૌ કોંગ્રેસીઓ તથા યજમાન કોંગ્રેસના ટીકીટ વાંચ્છુ રોહિત ઠાકોર ભારે વિમાસણમાં મૂકાઈ ગયા. વધુ વિમાસણભરી સ્થિતિ તો ત્યારે થઈ કે જ્યારે બીજ દિવસે રાખીના નરેન્દ્ર મોદીના વખાણ કરતા કથનો છાપામાં છપાઈ ગયા. ટૂકમાં રાખી સાડા ચાર લાખ લઈ ગઈ, કોંગ્રેસ કલ્ચરના સમારંભમાં હાજર રહી અને નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કરતી ગઈ તથા રાખી સાવંત જેવી મુંબઈની ગર્લ પણ નરેન્દ્ર મોદીની ફેન છે એ વાતને અખબારમાં પબ્લીસીટી પણ અપાવતી ગઈ. જેપીના સોર્સ કહે છે કે રોહિત ઠાકોરને આ બનાવ પછી ટિકીટ મેળવવામાં ફાંફા પડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજના આગેવાનોમાં હીરોઈનોને બોલાવીને સામાજિક આકર્ષણનું કેન્દ્ર બનવાનો હમણા ટ્રેન્ડ ચાલ્યો છે. કેટલાક સમય પહેલા ઠાકોર સમાજના એક સમારંભમાં અમીશા પટેલને બોલાવવામાં આવી હતી જેને ફિલ્મો મળતી ન હોવાથી કોઈ પણ સમારંભમાં પૈસા આપતા જ ફોંચી જવા તૈયાર હોય છે. ખેર અમીશા આવી એના બીજા દિવસે આગેવાનોએ તેણીની સાથે પોતાનો ફોટો અખબારોમાં પહેલા પાને છપાવ્યો હતો.
17-11-2007 Humor
કોંગ્રેસે તેનો ચૂંટણીનો નારો રાખ્યો છે ચક દે ગુજરાત. દર અસલ તો ચક દે ઈન્ડિયા ફિલ્મ પણ હવે જૂની થઈ ગઈ છે અને ચૂંટણી જેવી સીરિયસ બાબત











