Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Quick reference of 2nd phase of election(Gujarati text)

૧૬મી ડિસેમ્બરની બીજા તબક્કાની ચૂંટણીનો રેફરન્સ

15-12-2007

૧૬મી ડિસેમ્બરની બીજા તબક્કાની ચૂંટણીનો રેફરન્સ અહીં પ્રસ્તુત છે. અગાઉ ૧૧ ડિસેમ્બરની ચૂંટણીનો રેફરન્સ આપ્યો હતો એનો આપ વાંચકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

કુલ - ૯૫ સીટો પર ચૂંટણી

મતદારો - લગભગ ૩ કરોડ

જિલ્લા - ૧૧ - બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ગોધરા, દાહોદ

ઊત્તર ગુજરાત - ૨૯ બેઠકો , ૧.૩૪ કરોડ પુરૂષો, ૨૭ લાખ મહિલાઓ, ૧.૬૧ કરોડ કુલ મતદારો

મધ્ય ગુજરાત - ૪૩ બેઠકો, ૪૦.૮૭ લાખ પુરૂષો, ૪૦.૩૬ લાખ મહિલાઓ, કુલ ૮૧.૨૩ લાખ મતદારો

ગાંધીનગર - ૪ બેઠકો, ૬.૩૮ લાખ પુરૂષો, ૪ લાખ મહિલાઓ, કુલ મતદારો ૧૦.૩૮ લાખ

અમદાવાદ - ૧૯ બેઠકો, ૨૩.૭૧ લાખ પુરૂષો, ૨૨.૦૪ લાખ મહિલાઓ, કુલ મતદારો ૪૫.૭૫ લાખ

મતદાન મથકો - ૨૦,૫૪૫

મતદાન કેન્દ્રો - ૧૨૫૫૭

કેન્દ્રની અર્ધલશ્કરી ટુકડીઓ - ૫૭૪ કંપની

માઈક્રો ઓબ્ઝર્વરો - ૪૮૩૦

ફરજ પરના રાજ્ય સરકારના કર્મચારીઓ - ૧.૨૩ લાખ

કુલ ઉમેદવારો - ૫૯૯

સૌથી વધુ ઉમેદવારો - રખિયાલ અને ગાંધીનગરમાં ૧૪-૧૪ ઉમેદવાર

સૌથી ઓછા ઉમેદવારો - માતર અને રણધીકપુર મતવિસ્તારોમાં બે-બે ઉમેદવારો

કયા રાજકીય પક્ષ કેટલી બેઠક પર લડી રહ્યા છે? ભાજપ - ૯૫, કોંગ્રેસ - ૯૨, એનસીપી - ૫, બીએસપી - ૮૮, સીપીઆઈએમ - ૪, સીપીઆઈ - ૧ બેઠક

સૌથી વધુ મતદાર - સરખેજ વિધાનસભામાં - ૧૦,૨૫,૩૫૬

સૌથી ઓછા મતદાર - કાલુપુર વિધાનસભામાં - ૬૪,૫૮૮

-બીજા તબક્કાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારની સંખ્યા ૩૨ છે. એટલેકે કુલ ઉમેદવારોના માત્ર ૫.૧૭ ટકા.

-બીજા તબક્કાની ચૂટણીમાં સૌથી લાંબા નામ વાળા ઉમેદવાર ગોધરાના બસપાના મુસ્લિમ ઉમેદવાર છે જેમનું બાવીસ અક્ષરનું નામ છે ભાઈ જમાલ હાજી મહંમદ હનીફ મહંમદ અહેમદ મુસા. આ ભાઈનું નામ ઈવીએમ મશીન પર સમાવવા માટે ચૂંટણી પંચે અક્ષરની સાઈઝમાં ખાસ ફેરફાર કરવો પડ્યો છે.


તકેદારીઓ

-ત્રીસ ટકા પોલીંગ બુથ પર વિડિયો કેમેરા ગોઠવવામાં આવશે

-આડુ અવળુ કરી શકે તેવા ચોક્કસ ઉમેદવારોની સવારથી સાંજ સુધી દેખરેખ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કક્ષાના પોલીસવાળા રાખશે

-કોણે કયા કેન્દ્ર પર ફરજ બજાવવાની છે એ મતદાનના આગલા દિવસે જ જણાવાયુ.

-અંધ વ્યક્તિ સિવાય કોઈને મદદગાર વ્યક્તિ મતદાન કુટિર સુધી પહોંચવામાં મદદ નહી કરી શકે. મતદાર અશક્ત હોય, વૃદ્ધ હોય તો પોલીંગ સ્ટાફ મદદ કરશે

-ચૂંટણીના કામમાં જોતરાયેલ કર્મચારી રાજકીય પક્ષના પોલીંગ એજન્ટનું ભોજન/ફૂડ પેકેટ ખાઈ નહીં શકે.

-માઈક્રો ઓબ્ઝર્વર તરીકે આઈ આઈ એમ અમદાવાદના ૪૦ વિદ્યાર્થીઓ પણ ફરજ બજાવશે.

- જેમણે કોઈ પક્ષને મત ન આપવો હોય તેઓ ૧૭ એ ફોર્મ ભરીને તેમાં પોતાનો અભિપ્રાય આપી શકશે.

-અપંગો માટે દરેક બુથ પર રેમ્પની વ્યવસ્થા. અંધ માટે ખાસ મતદાન મશીનો.

-ચૂંટણીમાં વપરાતા ઈલેક્ટ્રોનીક મતદાન મશીનો(ઈવીએમ)ની માઈક્રોચીપ જપાનથી સીલબંધ આવે છે જેમાં કોઈ છેડછાડ થઈ શકતી નથી. ઈવીએમ ૬ વોલ્ટની બેટરી પર ચાલે છે. મતદાન પૂરૂ થતા જ બેટરી કાઢી નાખવામાં આવે છે કે જેથી લીક ન થાય. પછી ગણતરી વખતે બેટરી પાછી નાખવામાં આવે છે અને ચાર્જ કરી લેવાય છે.ઈવીએમ ભારતમાં બેંગલોર અને હૈદરાબાદમાં બને છે તેની મેમરી દસ વર્ષ સુધીની હોય છે અને મહત્તમ ૬૪ ઉમેદવારોને સમાવી શકે છે.

- બીજા તબક્કાના મતદાન માટે એક લાખ લોકો પાસેથી સારી ચાલચલગતની ખાતરીના બોંડ સીઆરપીસી સેક્શન ૧૦૭ અને ૧૧૦ હેઠળ લેવામાં આવ્યા છે.

-મતદાન મથકોમાં મોબાઈલ ફોન પર અને મતદારોની સ્લીપમાં ચૂંટણી પ્રતીક પર પ્રતિબંધ

પહેલા તબક્કાના તમામ ઉમેદવારોનું લીસ્ટ જોવા માટે અહીં ક્લીક કરો

કેટલાક મહત્વના જંગ અને બાબતો:

-અમદાવાદમાં અશોક ભટ્ટ સામે આ વખતે કોંગ્રેસના પરંપરાગત ઉમેદવાર જગત શુક્લને ટિકીટ નથી મળી પણ ગુજરાતી સિરીયલોના અભિનેતા અને કોંગ્રેસી રાષ્ટ્રિય નેતા સ્વ પ્રબોધ રાવલના દીકરા ચેતન રાવલને ટિકીટ મળી છે કે જે બે વખત અન્ય વિસ્તારમાંથી હારી ચૂક્યા છે. અશોકભાઈ સાત વખત આ બેઠક જીતી ચૂક્યા છે અને હવે જીતે તો રાષ્ટ્રિય રેકોર્ડ તોડશે. પોતાના જ પક્ષે સાથીઓ સેબોટેજ કરે એવો અશોક્ભાઈને અને ચેતનને બંનેને ભય છે.ચૂંટણી પંચની ડિલીમીટેશન પ્રોસેસને કારણે આવતા વખતે તો ખાડિયા બેઠક જ નથી રહેવાની.

-શાહપુરની બેઠક પર જીતવા માટે ભાજપના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે એડી ચોટીનું જોર લગાવ્યું છે. પૈસો પુષ્કળ ખર્ચ્યો છે. ગઈ વખતે માત્ર અઢી હજારની સરસાઈથી જીત્યા હતા તેથી આ વખતે હિંદુ મતદારોને બહાર કાઢવાનું કામ સૌથી મોટુ છે. વચ્ચેના ઉમેદવારો કોંગ્રેસના વોટ તોડે એની રાહત છે કારણકે મુકુલ સિહા નામના મુસ્લિમોમાં પેસ ધરાવતા ગોધરા મામલે નાણાવટી પંચના વકીલ ઉભા છે તો સોનિયા દે નામનો વ્યંઢળ પણ ઉભો છે. મુકુલ સિંહાની રેલી સંબોધવા સેક્યુલર મહેશ ભટ્ટ પણ આવ્યા હતા.

-અમદાવાદના કાલુપુરની બેઠક પર અમદાવાદની સૌથી પ્રસિદ્ધ અને સૌથી ક્રીમ પબ્લીકવાળી કર્ણાવતી ક્લબના સર્વેસર્વા ગિરીશ દાણી ઉભા છે. આ મુસ્લિમ બહુમતિવાળી બેઠક છે. ભાજપ હમણાથી ત્યાં નિયમિત હારે છે. દાણીએ ખરેખર તો એલિસબ્રીજની બેઠક માંગી હતી પણ મોદીએ પૂછ્યું કાલુપુર લડવુ છે અને દાણીએ હા પાડી દીધી. મુસ્લિમોના જો પાંચ હજાર વોટ ટોદી શકાય તો દાણી બોર્ડર લાઈન પર જીતી જાય. દાણીએ વહોરા મુસ્લિમોના મતો પર મદાર નાખ્યો પણ વહોરાઓ વોટ કોંગ્રેસને આપવાના છે એ નક્કી થઈ ગયુ છે. દાણી પક્ષે મુસ્લિમોના મતદાન ઓળખપત્રો પાંચસો રૂપિયામાં ખરીદ્યા હોવાની પણ વાત છે. મુખ્ય હરીફ કોંગ્રેસી મુસ્લિમ ઉમેદવારના વોટ તોડવા જે રીતે વચ્ચે પાંચ મુસ્લિમ બીજા ઉમેદવારો ઉભા કર્યા છે એ ગિરીશ દાણીના ફાયદામાં રહેશે.દાણીની જીતવાની શક્યતા ઓછી છે પણ ભઈ આતો દાણી છે.

-સરખેજમાં હોમ મિનિસ્ટર અમિત શાહની જીત નિશ્ચિત છે. અમિત શાહ પ્રધાન બન્યા પછી સખત પૈસો કમાયા છે જે પ્રચારમાં દેખાતુ હતુ.

-મણિનગરમાં નરેન્દ્ર મોદી એક જ દિવસ પ્રચાર માટે આવ્યા પણ તેમની જીત નક્કી છે. દિનશા પટેલ સાઈડકાર પર ફર્યા, પગપાળા ચાલ્યા પણ હાર નક્કી છે. સવાલ એટલો જ છે કે કેટલા મતે? ગયા વખતે પંચોતેર હજારનું માર્જીન હતુ. મોદીનો કેમ્પ કહે છે કે આ વખતે માર્જીન એક લાખનું હશે. નરેન્દ્રભાઈ પ્રવાસમાં હતા ત્યારે તેમના પ્રચારનું કામ હરિન પાઠક, કમલેશ પટેલ વગેરે એ સંભાળ્યુ. હરિન પાઠક માટે તો આ કામ દાદા એટલેકે અડવાણીએ સોંપેલુ હતુ તેથી આપદકર્મ થઈ પડ્યુ હતુ. મોદી ભલે ન હોય પણ મણિનગરમાં દરરોજ સભાઓ થતી હતી, ડૉક્ટર, વકીલ, મરાઠી, બ્રાહ્મણ એવા સંમેલનો થતા હતા જેમાં જમણવાર પણ અચૂક હોય.

-હિંમતનગરથી ગુજરાત ચૂંટણી ૨૦૦૭ના સૌથી પૈસાદાર ૨૨૧ કરોડ રૂપિયાની સંપતિ ધરાવતા એન આર આઈ ગુજરાતી સીકે પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે. સીકે ભલા માણસ છે પણ કોંગ્રેસમાંથી ઉભા છે તેથી શહેરી ભાજપી હિંમતનગરમાંથી જીતે એની શક્યતા ઓછી છે. તેમના હોર્ડેંગ્ઝ પર ફિર ભી દિલ હે હિન્દુસ્તાની અને સી કે પટેલ(યુએસએ) લખેલુ હોય છે. તેમના પ્રચાર માટે એનઆરઆઈ મિત્રો પણ ઉમટ્યા છે. સીકે કેલિફોર્નિયામાં હોટેલો ધરાવે છે.જાહેર ફંક્શનોમાં સફેદ ખાદીના કપડા પહેરે છે.ચૂંટણીમાં ઉભા રહ્યા એ પહેલા કાર પર ગેરકાયદે મંત્રીઓ જેવી લાલ લાઈટ રાખતા હતા. મોદી હંમતનગર પ્રચારમાં આવ્યા હતા ત્યારે બોલ્યા હતા કે ત્રેવીસમીએ રિઝલ્ટ આવશે એટલે આ એન આર આઈ ચોવીસમીએ પહેલી ફ્લાઈટ પકડીને અમેરિકા ભેગા થઈ જશે.

- ખેડાના માતરમાં આ વખતે કોંગ્રેસમાંથી નરહરિ અમીન ઉભા છે. અહીં બે જ ઉમેદવારો છે જેમાના અમીન સામેના ભાજપના ઉમેદવાર દેવસિંહભાઈ કોંગ્રેસી છે અને ભરતસિંહ સોલંકીના ખાસ છે પણ ટિકીટ ન મળતા ભાજપમાંથી ઉભા છે. પોતાને વારંવાર માજી નાયબ મુખ્યમંત્રી કહેતા નરહરિએ મતવિસ્તાર બદલીને માતર પ્રયાણ કર્યું છે. જોઈએ ફરી એક વખત નરહરિના નસીબમાં હાર જ લખી છે કે જીતે છે?

- ગોધરામાં હરેશ ભટ્ટને ભાજપે ટિકીટ ન આપી કારણકે તેમનાથી મતદારો નારાજ હતા. હરેશ ભટ્ટ રહે અમદાવાદમાં ને ધારાસભ્ય ગોધરાના એમાં ય પાછા નિષ્ક્રિય. ટિકીટ ન મળવાથી શરૂઆતમાં નારાજ થયેલા ભટ્ટનો મોદી સાથે પાછો પેચ અપ થઈ ગયો છે તેથી ભાજપના અહીંના બીજા મૂછછડ ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણને મદદ કરી રહ્યા છે. ગોધરાકાંડ પછી ગોધરાની બેઠક એ પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે.

-કરજણ બેઠક પર ભાજપમાંથી ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયા ઉભા છે. કનોડિયા સ્ટેજ પર નાચી ગાઈને એક વખત તો અહીં ચૂંટણી જીતી ગયા. બીજી વખત પણ પોતાના ચૂંટાઈને કરેલા કર્યો નથી ગણાવતા પણ નાચે ગાય છે. જોઈએ શું થાય છે.

-ડભોઈ બેઠક પર કોંગ્રેસના સ્વ.મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ કોંગ્રેસમાંથી લડે છે. ગઈ વખતે અહીંથી જ હારી ગયા હતા. પુષ્કળ પૈસાદાર સિદ્ધાર્થ સ્થાનિક એન્ટી ઈન્કમબન્સીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જો કે મોદીત્વ ચાલી ગયુ તો મર્યા એમ જાણે છે. સોનિયાએ તેમના માટે અહીં સભા કરી હતી.

-વડોદરાના વાઘોડિયામાં જહીરા શેખને તિસ્તા સેતલવાડના કેમ્પમાંથી પૈસા આપીને હિંદુ તરફી પક્ષમાં લાવી દેનારા ભાજપી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ઉભા છે તો વડોદરા ગ્રામ્યમાં ભાજપમાંથી ઉપેન્દ્રસિંહ ગોહિલ ઉભા છે. ઉપેન્દ્રસિંહને ટિકીટ આપવા માટે સીટીંગ ધારાસભ્ય દિલુભા ચુડાસમાને કાપવામાં આવ્યા. દિલુભા ભાજપની વડોદરા ઓફિસ જઈને બૂમો પાડી આવ્યા. પછી દિલુભા માની ગયા હોવાની વાત છે પણ હમણા તેમણે ભાજપના ઉપેન્દ્રસિંહ સામે પત્રિકા ફરતી કરી છે કે જેમાં ઉપેન્દ્રખાન લખેલુ છે. ઉપેન્દ્રસિહે ઈરફાન પઠાણને વર્લ્ડકપમાં સારા પરફોર્મન્સ બદલ ૧૧૧૧૧૧ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો એનો ફોટો પણ આ પત્રિકામાં છે. શું હિંદુ છોકરા ન હતા તે ઈરફાન પઠાણને પૈસા આપી આવ્યા એવો અ પત્રિકામાં આક્ષેપ છે.

-વડોદરાના સયાજીગંજમાંથી પેલા ભાજપી અસંતુષ્ટ નલિન ભટ્ટ બસપામાંથી ઉમેદવાર છે. નલિન ભટ્ટની કારકિર્દી માટે આ ચૂંટણી મહત્વની છે. પહેલા તેઓ કેશુભાઈ કેમ્પમાં હતા પણ પછી તેમાંથી પણ છૂટા પડીને બસપામાં ગયા. નરેન્દ્ર મોદીએ નલિન ભટ્ટને ભાજપમાંથી તો ક્યારનાય ભૂસી કાઢ્યા હતા.

-સંતરામપુર બેઠક પર કોંગ્રેસમાંથી મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજયસિંહ કે જેમણે ચૂંટણી પ્રચારમાં ગુજરાતના હિંદુ આતંકવાદીઓ એવો શબ્દપ્રયોગ કરીને ડબોળ્યુ છે એમના ભત્રીજા પરમાર પ્રમજયાદિત્યસિંહજી કૃષ્ણકુમારસિંહજી ઉભા છે.

-સારસા બેઠક પરથી કોંગ્રેસના ટેકાથી શરદ પવારવાળી એનસીપીના ઉમેદવાર તરીકે ગુજરાતના એનસીપીના પ્રમુખ જયંત બોસ્કી ઉભા છે.

- ભીલોડામાંથી ભાજપી ઉમેદવાર તરીકે વિપુલ ચૌધરી ઉભા છે. વિપુલ ચૌધરી કોંગ્રેસી હતા ત્યારે તેમને ડેરીમાંથી તેમના હોદ્દા પરથી ગુજરાત સરકારે ભ્રષ્ટાચારના આક્ષેપસર ઉતારી મૂક્યા હતા. ભાજપમાં જોડાતા જ ફરી હોદ્દો આપવામાં આવ્યો. એક સમયે શંકરસિંહ વાધેલાના ખાસ ગણાતા અને ચૌધરી સમાજના અગ્રણી વિપુલભાઈ આજકાલ મોદીના માનીતા છે.જો જીતે અને મોદીની સરકાર આવે તો મંત્રી બની શકે છે. ઉત્તર ગુજરાતમાં આંજણા ચૌધરીઓનું સામાજિક અને આર્થિક જોર સારુ છે. અને વિપુલ આ સમાજનો બ્લ્યુ આઈડ બોય છે. તેમના પિતા માનસિંગભાઈ ચૌધરીએ અહીં ડેરીના પાયા નાખેલા જે આજે બહુ મોટી ચીજ બની ગઈ છે.

- ઉત્તર ગુજરાતના જ વડગામમાં ભાજપના દલિત નેતા ફકીરભાઈ વાઘેલા ચૂંટણી લડી રહ્યા છે. બોલવામાં જેમ તેમ ફકીરભાઈ છેલ્લે તેમના પુત્રોએ ગાંધીનગરમાં પરાક્રમ કર્યુ હતુ ત્યારે ચમક્યા હતા. તેઓ ગઈ વખતે સુરેન્દ્રનગરની દસાડાની સીટ હારી ગયા હતા અને પોલીટીકલી સાઈડલાઈન થઈ ગયા હતા હવે આ વખતે વડગામથી ઉભા રાખ્યા છે અને જીતવુ જરૂરી છે એમ માને છે તથા તે માટેના અતિશય પ્રયત્નો કર્યા છે.

-પાલનપુરથી નરેન્દ્ર મોદીના નાનપણના સહવિદ્યાર્થી મિત્ર ગોવિંદ પ્રજાપતિ ભાજપના ઉમેદવાર છે. જોઈએ મોદી વેવમાં તેમના મિત્ર કેવો રંગ રાખે છે.

- પાટણમાં શિક્ષણપ્રધાન આનંદીબહેન પટેલ ભાજપી ઉમેદવાર છે જેમની સામે કોંગ્રેસમાંથી સ્થાનિક કાન્તિભાઈ પટેલ ઉભા છે. આનંદીબહેનના પતિ મફતભાઈ ખુદ પત્ની સામે પ્રચાર કરે છે. એવુ કહેવાય છે કે આનંદીબહેનની નજદીકીથી નાહકના ચર્ચામાં રહેતા નરેન્દ્રભાઈ જ આ વખતે અંદર રહીને તેમને હરાવવાના પ્રયત્નોમાં છે માટે જ આનંદીબહેનને અમદાવાદના સાબરમતીની સલામત બેઠક પરથી લડવુ હતુ તો નરેન્દ્રભાઈએ તે માટે ના પાડી અને પાટણથી જ લડાવાયા.

-સિદ્ધપુર બેઠક પર ટેકનોક્રેટ જયનારાયણ વ્યાસ ભાજપમાંથી લડે છે તો સામે કોંગ્રેસના વિધાનસભા પક્ષના દંડક બળવંતસિંહ લડે છે કે જે સીટીંગ ધારાસભ્ય છે. ગઈ વખતે અહીંથી જ હારેલા જયનારાયણભાઈ જીતી જાય તો સારુ છે કારણકે ગુજરાત સરકારનેં બિનગુજરાતીઓ સામે અંગ્રેજીમાં કડકડાટ બોલીને બચાવ કરનાર ટેકનોક્રેટની જરૂર છે.

-મેઘરજ બેઠક પર શંકરસિંહ વાઘેલાના સુપુત્ર મહેન્દ્રસિંહ ઉભા છે. શંકરસિંહે ચીફ મિનિસ્ટર બનવુ હોય તો ધારાસભ્ય તરીકે ચૂંટાવુ પડે એ માટે કોઈ ધારાસભ્યે બેઠક ખાલી કરવી પડે એ માટે દિકરાને ઉભો રાખ્યો છે. શંકરસિંહ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે કે દિકરો ગઈ ચૂંટણીમાં અન્યત્રે ઉભો રહીને હર્યો હતો એમ આ વખતે હારે નહી. સાંભળ્યુ છે કે શંકરસિંહ સાથે સેટીંગ કરીને નરેન્દ્ર મોદીએ મહેન્દ્રસિંહ સામે નબળા સીટીગ ધારાસભ્ય મહિલા ઉમેદવારને ભાજપમાંથી ઉભા રાખ્યા છે.

-મહેસાણામાંથી કોંગ્રેસના નરેશ રાવલ ઉભા છે જેઓ મહેસાણા બહારના છે તેથી સ્થાનિક કોંગ્રેસી પાવરફુલ માણસો જબરજસ્ત નારાજ છે.નરેશ રાવલ હાલ કોંગ્રેસની રાષ્ટ્રિય સરકાર તરફથી ઓએનજીસીના બોર્ડમાં નિયુક્ત થયેલા છે જે મલાઈદાર પદ છે. નરેશ ગયા વખતે વિજાપુરથી હારે ગયેલા. તેમના પિતા ગંગારામ રાવલ એક સમયે વગદાર સ્થાનિક નેતા હોવાથી નરેશ રાવલ પોતાનુ નામ હંમેશા પિતાના નામ સહિત આખું લખે છે.

-ખેરાળુની બેઠક પરથી મોદીની સામે ખરાબમાં ખરાબ ભાષામાં બોલતા ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય રમીલાબહેન દેસાઈ કોંગ્રેસમાંથી ઉભા છે.રમીલાબહેન મોદી વિશે બોલવા બેસે ત્યારે અર્ધુ તો પત્રકારો લખી શકે નહી એવુ ઘસાતુ બોલે છે.

-ધોળકા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગયા વખતે હજારથી ઓછા મતે જીત્યા હતા અને એ પહેલા હાર્યા હતા.ભૂપેન્દ્રસિહનો પ્રશ્ન કોળી મતદારોનો છે કે જે કોળી ઉમેદવારને જ મત આપે છે. ભૂપેન્દ્રસિંહની સામે કોંગ્રેસમાંથી અનુભવી કોળી ઉમેદવાર ઉભા છે તેથી ભૂપેન્દ્રસિંહ ટેન્શનમાં છે. ભૂપેન્દ્રસિંહ મંત્રી બન્યા પછી જબ્બર જબ્બર પૈસાદાર થયા છે. મતદારો વચ્ચે ગલીઓ ખૂંદવાનું તેમને ગમતુ નહી હોય પરંતુ ફરીથી મંત્રી બનવા માટે ધારાસભ્ય બનવુ જરૂરી છે તેથી ગરીબ કોળીઓના વોટ માટે આકાશ પાતાળ એકઠુ કરી રહ્યા છે.

-અમદાવાદ જિલ્લાના વીરમગામમાંથી ભાજપના બળવાખોર સુરેન્દ્રનગરના કોળી સાંસદ સોમાભાઈ ગાંડાભાઈ પટેલનો સુપુત્ર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યો છે. સોમાભાઈ ભાજપ સામે એલફેલ બોલતા હોવા છતા અને ખુલ્લેઆમ કોંગ્રેસનું કામ કરતા હોવા છતા ભાજપે તેમને સ્સ્પેન્ડ નથી કર્યા. કદાચ ચૂંટણી પછી કરશે. સોમાભાઈ કહે છે કે વીરમગામમાં કોમી છમકલુ કરીને જીતવાની ભાજપની મેલી મુરાદ પોતે બર આવવા દીધી નથી. એલફેલ અને જેમતેમ બોલતા સોમાભાઈ કહે છે કે આવતી ચૂટણી તેઓ કોંગ્રેસમાંથી લડવાના છે. જોઈએ શું થાય છે સોમાભાઈના પુત્રનું વીરમગામ બેઠક પર. સામા ભાજપના ઉમેદવારના પ્રચાર માટે અહીં ગુજરાતી ફિલ્મી હિરોઈન રોમા માણેકે અને કોળી નેતા પુરૂષોત્તમ સોલંકીએ પણ પ્રચાર કર્યો છે.

- ભાજપના ટિકીટ ન મળવાથી નારાજ ધારાસભ્યો બાલાશિનોર, જોટાણા, દાહોદ, વીસનગર વગેરે ઠેકાણેથી ઉપરાંત અસંતુષ્ટો પણ લડે છે જેમનું શું થાય છે એ જોવુ રહ્યુ.

-મધ્યગુજરાતની અને આદિવાસી બેઠકો પર કોંગ્રેસ પોતાની ગઈ વખતે ગુમાવેલી બેઠકો પાછી મેળવી શકે છે કે કેમ એ વાત પર સૌ ચૂંટણી પંડિતોની નજર છે. આ બેઠકો ખાસ કરીને વડોદરા જિલાના ગ્રામ્ય વિસ્તારમાં, દાહોદ ગોધરા જિલ્લામાં અને ચરોતર પ્રદેશમાં છે.

Comments are closed.


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World