Gujarat Assembly Election 2007: Final Poll Results
હાર જીત ઉડતી નજરે
23-12-2007
શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના મેઘરજમાં જીત્યા છે. એવી સ્ટ્રોંગ વાત હતી કે નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વચ્ચે એ બાબતે સમધાન થયેલુ હતુ કે મહેન્દ્રસિંહ આ બેઠક જીતે. આના માટે જ સામે નબળા સીટીંગ મહિલા ધારાસભ્યને સખત એન્ટી ઈન્કમ્બન્સી છતા ઉભા રખાયા હતા.
-ચૂંટણીના સૌથી પૈસાદાર ૨૨૧ કરોડની સંપત્તિ ધરાવનાર ઉમેદવાર, કેલિફોર્નિયાના હોટેલ માલિક એનઆરઆઈ સીકે પટેલ હિંમતનગરથી ચૂંટણી હારી ગયા છે. સીકે પટેલ માણસ સારા પણ પક્ષ ખોટો પસંદ કર્યો. ઉત્તર ગુજરાતના શહેરી વિસ્તારમાં મોદીત્વના વાવાઝોડામાં આ સારો ઉમેદવાર હારી ગયો.
-ભીલોડામાંથી ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના બ્લુ આઈડ બોય વિપુલ ચૌધરી ચૂંટણી હારી ગયા છે. વિપુલ ચૂંટણી પહેલા જ થોડા સમય અગાઉ ભાજપમાં જોડાયો હતો અને સોદાબાજીના ભાગ રૂપે તેનું ડેરીના હોદ્દાનું સસ્પેન્શન મોદીએ દૂર કરાવ્યુ હતુ.
-કોંગ્રેસના નરેશ રાવલ મહેસાણામાં હાર્યા છે. કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર દ્વારા ઓએનજીસીમાં મલાઈદાર પદે નીમાયેલા રાવલ પોતાનો પરંપરાગત વિજાપુર મતવિસ્તાર બદલીને હારને જીતમાં પલટવા મહેસાણા આવ્યા પણ તેથી મહેસાણાના કોંગ્રેસીઓને વાંધો પડ્યો. નરેશ રાવલ યુક્તા મુખીને અને કુસુમ સિરિયલની હિરોઈનને લઈ આવ્યા ને બહુ પ્રચાર કર્યો ને પૈસો ખર્ચ્યો પણ હાર્યા.
-ભાજપના અનિલ પટેલ પૈસાદાર માણસ, એટલે સમાજને કંઈક આપવા નીકળ્યા હોય એવી તેમની છાપ. અંગ્રેજી બોલી શકે અને ડેલીગેશનમાં શોભે એવા ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ અને એજ્યુકેશનીસ્ટ. મહેસાણા બેઠક પર ભાજપની સારી જીત.
-સિદ્ધપુર બેઠક પર ભાજપના જયનારાયણ વ્યાસ જીત્યા છે. ગુજરાતનો પક્ષ કડકડાટ અંગ્રેજીમાં ગુજરાત વિરોધીઓ સામે રાખવા માટે આ માણસ ટીમમાં હોવો જરૂરી છે. બહુ જ સારી જીત.
-સૂગિયા મોઢા વાળા અને એવા જ સ્વભાવ વાળા તથા ભ્રષ્ટાચાર અને અણઆવડતથી પંકાયેલા આનંદી બહેન પટેલ પાટણમાં હારતા હારતા જીતી ગયા. મોદીત્વને કારણે.
-મોદી વિરૂદ્ધ બેફામ બોલનાર ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય કે જે આ વખતે ખેરાળુના કોંગ્રેસના ઉમેદવાર હતા તે રમીલાબહેન દેસાઈ હાર્યા છે. મોદીને હાશ થઈ હશે.
-ઉત્તર ગુજરાતના વડગામથી બોલવામા છુટ્ટા અને આખાબોલા ફકીરભાઈ વાઘેલા જીત્યા છે. પાછલી વખતે દસાડામાં હાર્યા હતા. જીત્યા હોત તો મંત્રી હોત. અગાઉ મંત્રી હતા. દલિત નેતા તરીકે જાણીતા છે. હવે ફરી ધારાસભ્ય બનીને પોલીટીક્સમાં પાછા. મંત્રી બનવાની આશા રાખશે. એમના દીકરા બાપાના નામે ટંટો કરતા ભૂતકાળમાં છાપામાં ચમક્યા હતા. બાપે દીકરાઓનો પક્ષ લીધો હતો.
-ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં નરેન્દ્રભાઈએ તેમના નાનપણના મિત્ર ગોવિંદ પ્રજાપતિને ભાજપમાંથી ઉભા રાખ્યા અને ગોવિંદભાઈ જીતી ગયા છે.
- છાપાવાળાઓ જેમની પાછળ પડી ગયા હતા એ ખાડિયાના અશોક ભટ્ટ વધુ માર્જીનથી જીત્યા છે. સામો ઉમેદવાર ચેતન રાવલ એગ્રેસીવલી ચૂંટણી લડતો ન હતો. અશોકભાઈ આ વિજય સાથે એક જ મતવિસ્તારમાંથી સૌથી વધુ વખત એમએલએ બનવાનો રેકોર્ડ તોડી રહ્યા છે એવો એમનો દાવો છે. મોદીની ટીમમાં આ શિયાળ જરૂરી છે.છાપાવાળાઓએ પહેલા તો અશોકભાઈને ટીકીટ જ નહી મળે એમ ચલાવ્યુ હતુ. પછી અશોકભાઈ જીતશે જ નહી એમ ચલાવ્યુ હતુ. એટલી હદે કે અશોક ભટ્ટને ય થાય કે હું હારવાનો છું.
-અમદાવાદના કોટ વિસ્તારમાંથી હિંદુઓ ઓછા થતા જાય છે. એટલે હવે અમદાવાદના જમાલપુર, કાલુપુર પછી શાહપુર પણ કન્ફર્મ મુસ્લિમ સીટ બની ગઈ છે. શાહપુરમાં ભાજપના કૌશિક પટેલ હાર્યા છે. તેઓ મહેસૂલ મંત્રી હતા. કૌશિકભાઈએ કોંગ્રેસના મુસ્લિમ મતો તોડવા જે મુસ્લિમ ઉમેદવારો વચ્ચે ઉભા રાખ્યા એમને મુસ્લિમોએ મત ન આપ્યા. મુસ્લિમ મતો સજ્જડ રીતે કોંગ્રેસ સાથે જ રહ્યા. ગોધરા મામલે મુસ્લિમોની તરફેણમાં મોદી સામે કેસ લડતા ને સેક્યુલર ચળવળ ચલાવતા મુકુલ સિંહા અહીં અપક્ષ ઉભા હતા એમને પાંચસો વોટ પણ નથી મળ્યા. અહીંથી સોનિયા દે નામનો વ્યંઢળ પણ ઉભો હતો જે કહેતો હતો કે કમલ કો નહી કમલાકો પંજે કો નહીં છક્કેકો વોટ દો એ પણ હાર્યો છે.
-કાલુપુરમાં અમદાવાદના પેજ થ્રી ઉદ્યોગપતિ ગીરીશ દાણી હાર્યા છે. કાલુપુરમાં એક સમયે ભાજપ જીતી શકતુ હતુ પણ પછી હિંદુઓ ઓછા થયા ને કોંગ્રેસની મુસ્લિમ સીટ બની ગઈ. ગિરીશ દાણીએ એલિસબ્રીજ લડવુ હતુ પણ મોદીએ કાલુપુર ઓફર કર્યુ ને દાણીએ સ્વીકાર્યુ.કાલુપુરમાં કોંગ્રેસના મુસ્લિમ મતો તોડવા વચ્ચે બીજા મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા પણ મુસ્લિમોએ સજ્જડ રીતે કોંગ્રેસને જ મત આપ્યા. એક વ્હોરા મુસ્લિમ ઉમેદવાર પણ ગિરીશભાઈએ ઉભો રાખ્યો હતો કે જેથી વ્હોરાઓના ચાર પાંચ હજાર મત કોંગ્રેસને ઓછા મળે પણ વ્યોરાઓના ધર્મગુરૂએ કોંગ્રેસને મત આપવાનું કહેતા આ દાવ પણ સફળ ન થયો અને ગીરીશભાઈ હાર્યા.
-અમદાવાદ જિલ્લાની ધોળકા બેઠક પર મંત્રી બન્યા પછી ખૂબ જ પૈસાદાર થયેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ભાજપમાંથી હાર્યા છે. કોળીઓના ગ્રામીણ મતોએ તેમને ફરીએક વખત મંત્રીમાંથી કશું જ નહીં બનાવી દીધા.
-અમદાવાદ જિલ્લાની વીરમગામ બેઠક પર ભાજપે કાઢી મૂકેલા સુરેન્દ્રનગરના સાંસદ સોમા ગાંડા પટેલનો દીકરો કોંગ્રેસમાંથી ઉભો હતો એ હાર્યો છે. કોળીઓના મત જાણે ખિસ્સામાં હોય એમ આ સોમા ગાંડા પટેલ એન્ડ સન્સ માનતા હતા અને એલફેલ બોલતા ફરતા હતા. જનતાએ પરચો દેખાડ્યો.
-પેલા અમદાવાદના સાબરમતી મતવિસ્તારમાંથી લગાતાર હારતા કોંગ્રેસી નરહરી અમીને આ વખતે મતવિસ્તાર બદલ્યો અને ખેડાના માતરમાં લડ્યા. એમની સામે કોંગ્રેસના અસંતુષ્ટ વ્યક્તિને ભાજપે ટિકીટ આપી અને ભાજપ જીતી ગયુ. ભાજપી ઉમેદવાર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો ખાસ માણસ છે.
-સંતરામપુરમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા દિગ્વિજયસિંઘ કે જે ગુજરાતના હિંદુ આતંકવાદ વિશે બોલ્યા હતા એમના જમાઈ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા છે.
-કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર ગુજરાતી ફિલ્મ સ્ટાર નરેશ કનોડિયા હાર્યા છે.
-વડોદરામાં બેસ્ટ બેકરી કાંડની ગવાહ જહીરા શેખને પૈસા આપીને તીસ્તા સેતલવાડના સેક્યુલર કેમ્પમાંથી હિંદુ તરફી કેમ્પમાં લઈ આવવાનુ ઓપરેશન કરનાર મુછછડ ભૈયા ભાજપી મધુ શ્રીવાસ્તવ જીત્યા છે. ઈરફાન પઠાણને ૧૧૧૧૧૧નો ચેક આપીને વિવાદમાં પડનાર ભાજપના ઉપેન્દ્રસિંહ પણ જીત્યા છે.
-પેલા ભાજપના બળવાખોર અને માયાવતીને ગુજરાત લાવનાર બસપામાં જોડાયેલા કેશુ સમર્થક નલિન ભટ્ટ હાર્યા છે.
-ડભોઈ બેઠક પર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ જીત્યા છે.
-ગોધરામાં ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ હાર્યા છે.કાલોલમાં તેમનો અપક્ષ પુત્ર હાર્યો છે.
-સૌરાષ્ટ્રની બોટાદ બેઠક પર પાંસઠ કરોડના આસામી, ભાજપના સૌરભ દલાલ જીત્યા છે. એમની સામે પૈસાદાર મજબૂત કોળી ઉમેદવાર પીઠાવાલા હાર્યા છે. સૌરભભાઈ તો મોદી સરકારની ટીમમાં હોવા જ જોઈએ એવા મંત્રી છે કે જેમણે ખોટમાં જતા ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડને નફો કરતુ કર્યુ. મફત વીજળી ખાતા મુસ્લિમ વીજમાફિયાઓ પાસે બિલ ભરાવ્યા અને ગામે ગામ વીજળી આપી. સૌરભભાઈ પાસે એટલા બધા પૈસા છે કે સમાજ પાસેથી લેવા નહી પણ આપવા રાજકારણમા આવ્યા છે. સારી જીત.
-પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા જીતી ગયા છે.
-અમરેલીમાં ૨૦૦૨માં પુરૂષોત્તમ રૂપાલાને હરાવનાર યુવાન કોંગ્રેસી પરેશ ધાનાણી ભાજપના દિલીપ સાંઘાણી સામે ચૂંટણી હારી ગયા છે.દિલીપ સાંઘાણીના મંત્રી બનવાના યોગ દેખાઈ રહ્યા છે.
-કોઈ પણ પક્ષથી ઉભા રહીને કે અપક્ષ પણ લડીને જીતી શકતા કોંગ્રેસી પાટીદાર આગેવાન વિઠ્ઠલ રાદડિયા જીતી ગયા છે. એમનો દીકરો રાજકોટ-૨ની બેઠક પર કોંગ્રેસમાંથી હારી ગયો છે.અગાઉની ચૂંટણીમાં એમની પત્નીને બીજેથી ઉભી રાખી હતી એ પણ હારી હતી.
-જામનગરના કમિશનરપદેથી રાજીનામુ આપીને ધ્રોલ-જોડિયા બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડનાર બી એચ ઘોડાસરા હાર્યા છે. તેઓ મોરબીની અજંટા ઓરપેટ ઘડિયાળ-કેલ્ક્યુલેટર બનાવનારી કંપનીના માલિકના જમાઈ થાય છે.
-લાઠીમાં ભાજપના સસ્પેન્ડેડ અસંતુષ્ટ, કેશુભાઈ ગ્રુપના બેચર ભાદાણી ખરાબ રીતે હાર્યા છે. તેઓ કોંગ્રેસની સીટ પર ઉભા હતા.
-કેશુભાઈનો ગઢ કહેવાતા એમના જ જૂના મતવિસ્તાર વિસાવદરમાં કેશુભાઈ ગ્રુપે કોંગ્રેસમાંથી લડાવેલો ઉમેદવાર હારી ગયો છે અને ભાજપના ઉમેદવારની જીત થઈ છે. આ વિસ્તાર લેઉવા પાટીદારોનો સ્ટ્રોંગ વિસ્તાર છે.
-ભાજપના અસંતુષ્ટ કેશુભાઈ ગ્રુપના પાટીદાર બાવકુ ઉઘાડ કોંગ્રેસમાંથી ઉભા રહીને સારા એવા માર્જીનથી જીત્યા છે.
-ભાજપના અસંતુષ્ટ કેશુભાઈ ગ્રુપના પાટીદાર બાલુભાઈ તંતી કોંગ્રેસમાંથી ઉભા રહીને હાર્યા છે.
-મને મત નહી આપો તો આપઘાત કરીશ એમ કહેનાર માંગરોળના કોંગ્રેસી ઉમેદવાર ચંદ્રિકાબહેન ચુડાસમા હાર્યા છે.
-ડાંગની આદિવાસી સીટ પર ભાજપ આશ્ચર્યજનક રીતે સૌપ્રથમ વખત જીત્યુ છે
-સુરતની તમામ સીટો ભાજપ જીત્યુ છે.નરેન્દ્રભાઈ વિરૂદ્ધ રણશિંગુ ફૂંકનાર ગજેરા હાર્યા.કાશીરામ રાણાની આંખોના તારા જેવી સુરત પૂર્વ સીટ પર એમનો કોંગ્રેસી ઉમેદવાર હાર્યો
–ધ્રાંગધ્રામાં મોદીના ખાસમખાસ મંત્રી આઈકે જાડેજા ચૂંટણી હારી ગયા છે.
-કોંગ્રેસના વાત કરવા ગમે એવા એક નેતા શક્તિસિંહ ગોહિલ ભાવનગરમાંથી જીતી ગયા છે.
-ટિકીટ ન મળતા ભાજપમાંથી રાજીનામુ આપનાર બે ભૂતપૂર્વ ધારાસભ્યો વઢવાણના ધનરાજ કેલ્લા અને ભાવનગરના સુનીલો ઓઝા હારી ગયા છે.
-લીમખેડામાંથી કોંગ્રેસના એક માત્ર મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબહેન બારિયા જીત્યા છે. ભાજપમાંથી પંદર મહિલાઓ જીતી છે.
-જામજોધપુરમાં કોંગ્રેસના બ્રિજરાજસિંહ જાડેજા માત્ર સત્તર મતોથી જીતી ગયા છે. લુણાવાડામાં કોંગ્રેસના હીરાભાઈ પટેલ માત્ર ૮૪ મતોથી જીત્યા છે.
























