Gujarati Recipe Vangi Rasoi Dishes:BhajiPav (ભાજીપાંઉ)

ભાજીપાંઉ

શિયાળો જામ્યો છે ત્યારે ભાજીપાંવ ખાવાનું અત્યારથી વધારે મન તો ક્યારે થાય? રશિયાથી સુધીરભાઈએ ભાજીપાંવની રીત પૂછી છે. તો સુધીરભાઈ અમને અંદાજ નથી કે તમે રહો છો ત્યાં ભાજીપાંઉ બનાવવાની આ બધી સામગ્રી મળે છે કે કેમ અને તેથી આપ ત્યાં ભાજીપાંઉ બનાવી શકશો કે કેમ પણ આપે પૂછી લીધુ અને અમે અહીં આ રીત આપી દીધી એનો બીજા દેશદેશાવરના ગુજરાતીઓને ચોક્કસ લાભ થશે. તો લો આ રહી ભાજીપાંઉ બનાવવાની રીત.

સામગ્રી: ૨૫૦ ગ્રામ બટાકા, ૧૦૦ ગ્રામ કોબીજ, ૧૦૦ ગ્રામ ફૂલાવર, ૧ રીંગણ, ૨૫૦ ગ્રામ વટાણા, ૨૫૦ ગ્રામ ડુંગળી, ૮થી ૧૦ કળી લસણની, ૨૫૦ ગ્રામ ટામેટા, ઘી અને તેલ, ૧ ચમચી જીરું, ચપટી હીંગ, આદુનો નાનો ટુકડો, ૨ ચમચી મરચા, ૨ કેપ્સીકમ, ૨ ચમચી મરચું, અર્ધી ચમચી હળદર, ૨ ચમચી ધાણાજીરું, ૨ ચમચી ભાજીપાંઉનો મસાલો, લીંબુ, કોથમીર, ચાટ મસાલો, પાંવ અને માખણ, પ્રમાણસર મીઠું

રીત:
બટાકા, કોબીજ, ફૂલાઅરને ઝીણું સમારી દો. રીંગળ મોટું સમારીને વટાણા સાથે બધુ વરાળથી બાફો.

ડુંગળીને ચોપ એન્ડ ચર્નમાં ક્રશ કરો. લસણ વાટો. ટામેટા ઝીણા સમારો.

ચાર ચમચી ઘી, તેલ મૂકી, જીરું-હીંગ નાખી ડુંગળી, લસણ વઘારો. લીલી ડુંગળી સમારીને નાખી શકો છો.

આદુ, મરચા પીસીને નાખો. કેપ્સીકમને નાનુ સમારીને નાખો. બરાબત સંતળી દો એટલે બે ચમચી ઘી નાખો. આ પછી મરચું, હળદર, ધાણાજીરું, ભાજીપાઉંનો મસાલો નાખો.

ટામેટા નાખો, થોડુંક પાણી નાખો. પછી બાફેલાં શાકને છૂંદો કરીને નાખો. લીંબુ નીચોવો. કોથમીર નાખો.

પાવને વચ્ચેથી કાપો. લોઢી પર ઘી કે માખણ મૂકી બ્રેડને તેના પર મૂકી સાંતળો.

ડુંગળી, કોબીજ, ટામેટાંને ઝીણાં સમારી તેમાં મીઠું, મરચું, લીંબુ, કોથમીર, ચાટ મસાલો નાખો.

ભાજીપાઉં સાથે આ ડુંગળી પીરસો.

(C) Rupam’s Gujarati Vaangi Vangi Rasoi Cuisine mithai Cooking recipe, Ahmedabad Gujarat.