Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



When Patan Rap Victim Girl Met National Women Commission


અમદાવાદ, દેશગુજરાત, ૫ માર્ચ ૨૦૦૮

પાટણની બળાત્કારથી પિડીત છોકરીએ બુધવારે સાંજે અમદાવાદના સર્કિટ હાઉસ એનેક્ષીના રૂમ નંબર ૧૦૪માં દિલ્હીથી આવેલા ભારતના રાષ્ટ્રિય મહિલા આયોગના વડા યાસ્મીન અબ્રાર સમક્ષ જે વાતો કરી તે રસપ્રદ છે.

સરકારે જાહેર કરેલા એક લાખ રૂપિયા ત્રણ વર્ષ પછી મળશે!!

લો કર લો બાત!! પાટણની બળાત્કાર પિડીત વિદ્યાર્થીનીને રાજ્ય સરકારે જાહેર કરેલા એક લાખ રૂપિયા હજુ મળ્યા નથી. એક લાખ રૂપિયા તેણીને ત્રણ વર્ષ પછી મળશે કારણકે એક લાખ રૂપિયા તેણીને બોન્ડ સ્વરૂપે આપવામાં આવ્યા છે !! છોકરીએ આ વાત મહિલા આયોગને કરી ત્યારે મહિલા આયોગની મહિલાઓની ભમરો ઉંચી થઈ ગઈ હતી. આપત્તિમાં મૂકાયેલા ગરીબ પરિવારને તુરંત સહાય આપવાના બદલે આ તો તરકટ જેવી હકીકત નીકળી!!

ગુજરાત સરકારે બળાત્કારના કારણે મૂશ્કેલીમાં મૂકાયેલા પાટણ નજીકના ગ્રામીણ મજૂરી કરનાર કુટુંબની કન્યાને એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત તો કરી પણ આ રકમ છોકરીને તાત્કાલિક મળે એ માટે કોઈ ચિંતા કરી નથી. આ બોન્ડ તે વળી શું તરકટ છે કે જે તેણી ત્રણ વર્ષ બાદ જ વટાવી શકશે?


વારંવાર પોલીસ પૂછપરછથી માનસિક ત્રાસ પહોંચી રહ્યો છે

છોકરીએ કહ્યું કે તેનું કુટુંબ ગરીબ છે અને આર્થિક મૂશ્કેલી ધરાવે છે. સરકાર તરફથી મળવાના છે એ એક લાખ રૂપિયા તો ત્રણ વર્ષ પછી મળવાના છે. મહિલા સુરક્ષા વિભાગ તરફથી પચ્ચીસ હજાર રૂપિયા મળ્યા છે એ તો બળાત્કારને કારણે ઘરે ખબર અંતર પૂછવા આવેલા સગા વ્હાલાઓની સરભરામાં વપરાઈ ગયા છે. આમ છતા આર્થિક મૂશ્કેલીને પહોંચી વળાય પરંતુ વારંવાર બદલાતી પોલીસ તપાસને કારણે બળાત્કારને લગતા એકના એક પ્રશ્નોનો જે સામનો કરવો પડે છે એનાથી પહોંચતો માનસિક ત્રાસ વધુ તકલીફદાયક છે. આના કારણે જે વાત પોતે ભૂલવા માંગે છે તે ભૂલી શકતી નથી. (દેશગુજરાતે આ બાબતે પહેલા જ સરકારને ચેતવી હતી ક્લીક કરો અહીં એ જૂનો રિપોર્ટ વાંચવા)

હું ગાંધીવાદી છું, મારા મામલે પથ્થરમારા ને રેલીઓ ન કાઢો

છોકરીએ કહ્યું કે પોતે ગાંધીવાદી છે અને પોતાના બળાત્કારના મામલે કોઈ પથ્થર ઉંચકે કે નારા લગાવીને રેલીઓ કાઢે એ પોતાને પસંદ નથી. બળાત્કારની ઘટના બાદ પોતાના નાનકડા ગામમાં લોકોનો વ્યવહાર પોતાના કુટુંબ સાથે બદલાયો છે એ તકલીફદાયક વાત છે. પોતે કશું જ નથી ઈચ્છતી પરંતુ માત્ર એટલી જ માંગણી છે કે ભણ્યા પછી પોતાને સારી મોભાવાળી નોકરી મળે અને પોતે ગૌરવભેર આગળનુ જીવન પગભર થઈને વ્યતીત કરી શકે એવી મદદ સરકાર કરે.


પીળી લાઈટવાળી જીપમાં મોઢુ ઢાંકેલી પિડીત વિધાર્થીનીને લાવવામાં આવી

પિડીત વિદ્યાર્થીનીને સર્કીટ હાઉસ એનેક્ષીમાં વીસનગરના આસિસ્ટન્ટ કલેક્ટર-સબડિવીઝનલ મેજિસ્ટ્રેટની પીળી લાઈટવાળી જીપમાં લાવવામાં આવી હતી. તેણીએ જીપમાંથી ઉતરીને સર્કીટ હાઉસના રૂમ નંબર ૧૦૪માં જતા અને આવતા મોઢુ દુપટ્ટાથી ઢાંકી રાખ્યું હતું અને કોઈપણ ભોગે પોતાની ઓળખ છતી ન થાય એ જોવાની તાકીદ કરી હતી. પાતળી શ્યામવર્ણી અને માફકસરની હાઈટ ધરાવતી આ છોકરીએ બહાદુરી અને સ્પષ્ટતાપૂર્વક મહિલા આયોગ સાથે વાત કરી હતી.

મહિલા આયોગની પત્રકાર પરિષદ

દરમિયાન આ પહેલા બુધવારે સાંજે મહિલા આયોગના રાષ્ટ્રિય વડા યાસ્મીન અબ્રારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મહિલા આયોગ ઈચ્છે છે કે પાટણ બળાત્કાર મામલાની તપાસ કે જે હાલ રાજ્યનું સીઆઈડી ક્રાઈમ સેલ કરી રહ્યું છે તે સીબીઆઈ કરે.

શિક્ષકોની ડિગ્રી પાછી લઈ લો

આયોગે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સચિવ સમક્ષ માંગણી કરી હતી કે જે રીતે કીડની કાંડમાં સંડોવાયેલા દિલ્હીના ડોક્ટરની ડિગ્રી લઈ લેવામાં આવી હતી એ રીતે પાટણ બળાત્કારના આરોપી શિક્ષકોની ડિગ્રી પાછી લઈ લેવામાં આવે અને તેમને ઝડપથી ચાર્જશીટ આપવામાં આવે.આવા મહત્વના મામલે રાજ્ય સરકારની મશીનરી ધીમી ગતિએ કામ કરી રહી છે.

બળાત્કારી શિક્ષકો ડિસમીસ નહી પણ સસ્પેન્ડ છે: સરકાર પગાર ચૂકવે છે

ઉલ્લેખનીય છે કે પાટણ બળાત્કાર કાંડના આરોપી શિક્ષકોને ગુજરાત સરકારે ડીસમીસ એટલેકે બરતરફ નથી કર્યા પરંતુ માત્ર સસ્પેન્ડ કર્યા છે એટલેકે ફરજ મોકૂફીનો જ આદેશ કર્યો છે. ફરજ મોકૂફી એટલેકે સસ્પેન્શન હેઠળના શિક્ષકને પગાર ચૂકવવામાં આવતો હોય છે એ જોતા બળાત્કારી શિક્ષકો ભલે પોલીસ લોકપમાં બંધ હોય પરંતુ તેમને પગાર ચૂકવવામાં આવી રહ્યો છે.

પાટણ પીટીસી કોલેજમાં ભણતી હોવાથી એક છોકરીની સગાઈ તૂટી ગઈ

મહિલા આયોગે એવી પણ માંગણી કરી કે પાટણ પીટીસી કોલેજ હાલ જે સ્થળે છે એ સ્થળે સતત બળાત્કારની એ જ ઘટનાના વાઈબ્રેશન આવી રહ્યા છે. આ કેમ્પસને બીજે ખસેડવુ જોઈએ કારણકે આ કેમ્પસ અત્યારે ધબ્બા જેવુ બની ગયુ છે. છોકરીઓ અહીં ભણી શકે એવુ વાતાવરણ બને તેમ લાગતુ નથી. એક છોકરીની તો પાટણ પીટીસી કોલેજમાં ભણતી હોવાનું માલૂમ પડતા સગાઈ તૂટી ગઈ છે. અહીં ખાસ ઉલ્લેખ કરવાનો કે કેટલાક સમય પહેલા ટીવી ચેનલ આજતકે તેના મોડી રાતના બેજવાબદાર ક્રાઈમ રિપોર્ટીંગ પ્રોગ્રામમાં એવુ બતાવ્યુ હતુ કે પાટણ પીટીસી કોલેજમાં દરરોજ રાત્રે શિક્ષકો ભેગા થતા હતા અને ચિઠ્ઠીઓ ઉછાળતા હતા જેમાં જે છોકરીનું નામ નીકળે તેણીને રાત્રે બોલાવીને જાતીય સંબંધ બાંધવામાં આવતા હતા. આજતકે આવુ વારંવાર બોલીને ચિઠઠી ઉછાળવાના દ્રશ્યનું નાટકીય રૂપાંતર પણ બતાવ્યું હતું. આજતકે એવુ બતાવ્યુ હતુ કે આ કોલેજની દરેક છોકરી શિક્ષકો સાથે એક એક રાત વારો આવ્યો એટલે જઈ આવી છે. આવા સેન્સેશનલ મીસરિપોર્ટીંગના પ્રતાપે હવે કોલેજની છોકરીઓને લગ્ન કરવામાં તકલીફ પડી રહી છે!!

યાસ્મીન અબરાર ઘણુ ખરુ તટસ્થ લાગ્યા:મોદી વિરોધી પત્રકારોને આ પચતુ ન હતુ

સર્કીટ હાઉસની પત્રકાર પરિષદમાં આજતક અને સીએનએન-આઈબીએનના પત્રકારો ઈચ્છતા હતા કે મહિલા આયોગના વડા ગુજરાત સરકાર વિષે અત્યંત ઘસાતુ બોલે..નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરે. પરંતુ યાસ્મીન અબરાર અત્યંત તટસ્થ અને સૌમ્ય નીકળ્યા. તેમણે તો કહ્યું કે રાજ્ય સરકાર કામ કરી રહી છે પણ મશીનરીમાં આવા મામલે કામ કરવામાં જે ઝડપ હોવી જોઈએ એ નથી દેખાઈ રહી. યાસ્મીન અબરારે ગુજરાત કોંગ્રેસના સંદર્ભમાં સૂચક શબ્દોમાં કહ્યું કે તે વિરોધ પક્ષની ભૂમિકા સજાગ રીતે નિભાવે. મોદી સરકાર માટે કહ્યું કે તે એનજીઓ,મિડિયા બધા જે કહે છે તેને લક્ષમાં લઈને ચાલે. યાસ્મીન અબરાર પત્રકાર પરિષદમાં એક કલાક મોડા હતા કારણકે તેણી ગાંધીનગરમાં રાજ્યપાલને મળવા ગયા હતા. આ સંદર્ભે તેમણે કહ્યું કે રાજ્યપાલ અને પોતે બને રાજસ્થાનના છે એ નાતે પરિચય ધરાવે છે તેથી તેમની સાથે બપોરનું ભોજન લેવા પોતે ગયા હતા.

Comments are closed.


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World