Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism



Story of Mukesh Ambani’s Gujarat Hand, Parimal Nathwani


અમદાવાદ, દેશગુજરાત, ૧૪ માર્ચ ૨૦૦૮

પરિમલ નાથવાણી ગુજરાતમાં રિલાયન્સના-મુકેશ અંબાણીના મુખ્ય માણસ છે(વધુ સ્પષ્ટ ભાષામાં કહીએ તો સર્વે સર્વા છે.). ગુજરાતની જામનગરની રિફાઈનરી હોય કે રિટેલ બિઝનસ, સરકાર સાથેનું લાયઝન હોય કે મિડિયા સાથેનો વ્યવહાર… મુકેશ અંબાણીના આ અંગેના ટેન્શન, વહીવટ અને પડકારોનું તમામ કામ સંભાળે છે કરોડો રૂપિયાના પગારદાર શ્રીમાન પરિમલ નાથવાણી. નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ માટે રિલાયન્સનું એરોપ્લેન મેનેજ કરવાનુ હોય તો મુખ્યમંત્રીની ઓફિસ પણ પરિમલ નથવાણીનો નંબર લગાવે છે. પરિમલ નાથવાણી હમણા ન્યુઝમા તેમના ઝારખંડ રાજ્યમાંથી રાજ્યસભાના નોમીનેશનને લઈને છે. પરિમલ નાથવાણીની રિલાયન્સમાં જોડાવા સુધીની અને ત્યાર પછીના પ્રારંભિક ગાળાની સફર વિશેની સ્ટોરી બહુ ઓછી જાણીતી છે જે તેમના રાજ્યસભા નોમીનેશનના અવસરે નીચે પ્રસ્તુત છે.

***

મૂળ મુંબઈયા ગુજરાતી

પરિમલ નાથવાણીનો જન્મ મુંબઈ થયો હતો. કોલેજ પણ મુંબઈમાં જ કરી પરંતુ આ બધા સમય દરમિયાન તેઓ જામનગર સાથે સતત સંપર્કમાં હતા.

પરિમલભાઈનું મૂળ વતન જામનગર જિલ્લાનું જામખંભાળિયા ગામ. દાદા જામખંભાળિયામાં રહેતા હતા એટલે મુંબઈમાં ભણતા ભણતા પરિમલકુમારને જામખંભાળિયા દાદાના ઘરે વેકેશનમાં આવવાનું થતુ હતુ. પરિમલભાઈના મામાને જામનગરમાં એક્સ્પોર્ટ હાઉસ હતુ એટલે દાદાને ત્યાં કંટાળે કે મામાને ત્યાં પહોંચી જતા. મામાનો બિઝનસ જોઈને તેમને મનોમન થતું હતુ કે એક દિવસ મામાની માફક મોટા ઉદ્યોગપતિ થવું છે.

પરિમલભાઈના મામા મધુભાઈ કોટકની કોટક એન્ડ કંપની ત્યારે દેશભરમાં આ વ્યવસાયમાં જાણીતી હતી. ભારતના છ શહેર ઉપરાંત જાપાન, સિંગાપુર, પોલેન્ડ, શાંઘાઈ, કોલંબો અને લંડનમાં પણ મામા મધુભાઈની કંપનીની ઓફિસો હતી. મામાને કામ કરતા જોઈને પરિમલભાઈએ વિચાર્યુ તો ઉદ્યોગપતિ બનવાનું પણ કોલેજના દિવસોમાં તેમને તક મળી ગઈ ક્રિકેટર બનવાની!

આંખ પર બોલ વાગ્યો ને ક્રિકેટ છોડ્યુ …

કોલેજમાં તેઓ સારામાં સારા બેટસમેન ગણાતા હતા. તેમની કોલેજે કેટલીય ટુર્નામેન્ટ તેમની બેટીંગને કારણે જીતી લીધી હતી. પરિમલભાઈને ત્યારે એમ જ લાગતુ કે પોતે સુનીલ ગાવસ્કર છે. પણ એક મેચમાં બોલ બરાબર આંખની ઉપર વાગ્યો. અને ક્રિકેટ રમવાનું છોડવું પડ્યું. પરિમલભાઈએ બોલ વાગવાથી ઘાયલ થયેલી આંખનું ઓપરેશન કરાવવું પડ્યું. ડોક્ટરે કડક સૂચના આપી હતી કે આ આંખમાં જો બીજી વખત બોલ વાગ્યો તો આંખ કાયમ માટે ગુમાવવી પડશે. ડોક્ટરની આ વાતને ગંભીરતાથી લઈને સુનીલ ગાવસ્કર બનવાનો વિચાર છોડી પરિમલભાઈએ ઉદ્યોગપતિ બનવાનું નક્કી કરી લીધુ. પરિમલભાઈના પિતા ધીરજલાલ અને પરિમલભાઈની બેઉ બહેનો પણ આમ જ ઈચ્છતી હતી.

સાબુનો ધંધો કર્યો: પહેલા કમાયા ને પછી ગુમાવ્યા …

અને પરિમલભાઈને બિઝનસ કરવાની તક મળી પણ ખરી. સિત્તેરના દશકમાં ભારત સરકારે કોકા કોલા પર પ્રતિબંધ મૂક્યો અને પાર્લે સોફ્ટ ડ્રિંક્સે થમ્ઝ અપ લોંચ કરી. થમ્ઝ અપ્ને યુવાન ડિસ્ટ્રિબ્યુટર જોઈતા હતા. પરિમલ નથવાણીને તેની મુંબઈની ડિસ્ટ્રિબ્યુટરશીપ મળી.પરિમલભાઈ મહેનત કરવા લાગી ગયા અને થમ્ઝ અપનું કામ ગોઠવાયા પચઃઈ તેમણે સૌરાષ્ટ્રમાં પહેલવહેલી વખત નહાવાના પીયુ સાબુની એજન્સી લીધી.

બન્યુ એવુ કે પીયુ સાબુ મેનેજમેન્ટના આંતરિક વિખવાદને કારણે બજારમાં આવતા બંધ થઈ ગયા. પીયુના બે ડિરેક્ટરોએ પરિમલભાઈને કહ્યું કે જો તમે આવતા હોવ તો આપણે સાથે મળીને સાબુ બનાવવાની ફેક્ટરી શરૂ કરીએ. પરિમલભાઈએ આ ઓફર ખુશી સાથે સ્વીકારી કારણકે તેમને લાગ્યું કે ખરેખર ઉદ્યોગપતિ બનવાની તક હવે મળી રહી છે. તુરંત તેમણે મુંબઈમાંથી પોતાનો મુકામ સમેટીને રાજકોટ આવવાનુ નક્કી કર્યું. સાથે મળીને ટેનિક્સ સોપ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી. જયપુરની એક સાબુ બનાવવાની ફેક્ટરી ભાડે રાખી હતી તેમાં ઉત્પાદન શરૂ કર્યું.સાબુની સારા એવા પ્રમાણમાં માંગ પણ ઉભી થઈ. ૧૯૮૨ના અંત ભાગમાં પરિમલભાઈ અત્યંત ખુશ હતા. સાબુમાં ત્રણ બ્રાન્ડ હતી: ડોના, સનમ અને ફેડ. દોઢેક વર્ષ પછી બીજા ડાયરેક્ટરો પરિમલભાઈને વધુ નવુ મૂડીરોકાણ લાવવાનો આગ્રહ કરવા લાગ્યા. પરિમલભાઈ પાસે કોઈ મૂડી હતી નહીં તેથી તેમણે આ માટે અશક્તિ દર્શાવી. આ પછી બીજા ડીરેક્ટરોએ કાવાદાવા શરૂ કરવા માંડ્યા અને છેલ્લે તો પરિમલભાઈને એટલુ સુદ્ધા કહી દીધુ કે દસેક લાખ રૂપિયા લઈ આવો અથવા કંપની છોડી દો. પરિમલભાઈએ કંપની છોડી દીધી. કંપનીની સાથે સાથે પરિમલભાઈના વ્યાજે લાવેલા આઠેક લાખ રૂપિયા પણ ગયા.

આર્થિક નાદારીના દિવસો નહી વર્ષો …

સૌરાષ્ટ્રમાં બિઝનસ શરૂ કર્યે બે જ વર્ષ થયા હતા. હવે શું કરવું? જે થોડીઘણી મૂડી હતી એ તો સાબુની ફેક્ટરીમાં જતી રહી. વધુમાં જે કરજ કર્યું હતુ એ પૈસાનું પણ હવે નાહી નાખવાનું હતુ અને વ્યાજનું મીટર ફરતુ હતુ.

તો હવે પાછા બિસ્તરા પોટલા બાંધીને મુંબઈ ચાલ્યા જવું કે સૌરાષ્ટ્રમાં જ નવેસરથી નસીબ અજમાવવાનું સાહસ કરવું? પરિમલ નથવાણીએ સૌરાષ્ટ્રમાં જ રહેવાનું અને રાજકોટ છોડી દઈને ખંભાળિયા સ્થાયી થવાનું નક્કી કર્યું.

જામખંભાળિયામાં આવક માટે નાનામોટા કામો કર્યા. નાના કામોમાં જરાય આવક મળતી ન હતી અને મોટા કામ કરવા જતા કરજ વધતુ જતુ હતુ. દિવસે દિવસે આર્થિક મૂશ્કેલી વધતી ગઈ. છેવટે તો દિવસો કાઢવા પર વાત આવી ગઈ. દિવસ પૂરો થાય એટલે હાશ થાય. લગભગ ૧૯૯૨-૯૩ સુધી આમ ચાલ્યુ. એવામાં વડોદરામાં આશાનું કિરણ દેખાયું.

વડોદરામાં એસટીડી-પીસીઓનું બુથ ચલાવ્યું …

એસટીડી-પીસીઓ પબ્લીક ફોનનું બજાર એ વખતે નવુસવુ અને ઉભરતુ હતુ. પરિમલભાઈએ પીસીઓ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા અને તેમનો પીસીઓ મંજૂર પણ થયો. જો કે તેના માટે તેમણે વડોદરા જવુ પડે તેમ હતુ. વડોદરા સ્ટોક એક્ષચેંજના બિલ્ડીંગમાં જ પીસીઓ મળ્યો હોવાથી ખંભાળિયા છોડીને વડોદરા જવાનું નક્કી કર્યું. પીસીઓથી ઘરના નિયમિત ખર્ચા નીકળતા થયા અને ફરી સારો સમય આવ્યો હોવાની રાહત થઈ.

પીસીઓનું બજાર નવુ હોવાથી તેની પબ્લીસીટી કરવી જોઈએ એમ લાગ્યું પરંતુ પૈસા ન હતા તેથી જાતે બોર્ડ ચીતર્યા. પૂંઠાના હોર્ડિંગ્ઝ બનાવીને શહેર આખાના થાંભલાઓ પર માર્યા. સાવ સસ્તા ચોપાનિયા બનાવીને વડોદરાના ચોકમાં વહેંચ્યા. ધારા એસટીડી પીસીઓ આખા શહેરમાં જાણીતુ થવુ જોઈએ એવી ધૂન સાથે આ બધુ કરતા હતા.

મહેનત ફળી. એકાદ વર્ષના ગાળામાં ગાડી દોડવા માંડી. નિશ્ચિત આવક શરૂ થતા પરિમલભાઈએ શેરબજાર પર હાથ અજમાવ્યો. ભૂતકાળનો અનુભવ સારો ન હતો. છતા એ દિવસોમાં કંપનીઓના શેરનું પ્રાઈવેટ પ્લેસમેન્ટ બહુજ થતુ. પરિમલ નાથવાણીએ પ્રાઈવેટ પ્લેસમેન્ટનું કામ શરૂ કર્યું. આમાં સફળતા મળી. પ્રાઈવેટ પ્લેસમેન્ટનું કામ વ્યવસ્થિત થયું એટલે શેરદલાલ તરીકે વડોદરા શેરબજારનું કાર્ડ લઈને જયપુર, અમદાવાદ અને લુધિયાણા શેરબજાર સાથે બિઝનેસલાઈન શરૂ કરી. સટ્ટાખોર સ્વભાવ હોવાથી શેરબજાર સદવા લાગ્યું.થોડી આવક થાય એટલે અમુક રકમ અગાઉના લેણદારોને ચૂકવી દે. બાકીની રકમ હાથ પર રાખે.


ધીરુભાઈ અંબાણીને મળવાની તક ઉભી થઈ અને …

૧૯૯૪-૯૫ની શરૂઆતના દિવસો હતા. રિલાયન્સ જૂથ જામનગરમાં રિફાઈનરી કરવા માંગતુ હતુ. રિફાઈનરીના આ પ્રોજેક્ટમાં પ્રારંભિક અડચણ વિશાળ જમીન મેળવવા અંગેની હતી. કંપની ખેડૂતો પાસેથી જમીન સંપાદિત કરવા માંગતી હતી પરંતુ છેલ્લી ઘડીએ હાઈકોર્ટે જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયા રદબાતલ કરી નાખી હતી. શેરબજાર સાથે સંકળાયેલા હોવાથી અને જામનગર પોતાનુ વતન હોવાથી પરિમલભાઈને રિલાયન્સના પ્રોજેક્ટની પ્રગતિ જાણવામાં રસ પડતો હતો. એક વખત તો તેમને સાંભળવા મળ્યુ કે રિલાયન્સ જમીન સંપાદનના મામલે કંટાળીને રિફાઈનરીનિ આખો પ્રોજેક્ટ રાયગઢ-મહારાષ્ટ્ર લઈ જશે. આ સાંભળીને પરિમલભાઈને ભારે દુ:ખ પહોંચ્યું હતુ કારણકે જામનગર તેમનુ વતન હતુ અને તેનો વિકાસ અટકતો હતો.

જો કે પછી પરિમલભાઈ પોતાના કામોમાં વ્યસ્ત રહેવા લાગ્યા અને એક દિવસ તેમના ભત્રીજા મનોજનો મુંબઈથી ફોન આવ્યો કે આવતીકાલે બધા કામો પડતા મૂકીને મુંબઈ પહોંચી જાઓ. ધીરુભાઈ અંબાણી સાથે તમારી મિટીંગ ગોઠવી છે. મનોજ રિલાયન્સમાં નોકરી કરતો હતો. પરિમલભાઈએ મિટીંગનું કારણ પૂછ્યું તો મનોજે કહ્યું કે પહેલા અહીં આવી જાઓ પછી બીજી બધી વાત થશે.

પરિમલભાઈને મિટીંગનું કારણ જાણવા કરતા વધુ રસ ધીરુભાઈને નજીકથી જોવાનો હતો. પરિમલભાઈ શેરબજારમાં હતા એટલે ધીરુભાઈની વાતો અવારનવાર થતી હતી. ધીરુભાઈના ફોટા છાપામાં જોયા હતા. પરિમલભાઈની ઈચ્છા ધીરુભાઈને મળવા, જોવાની અને તક મળે તો અડવાની હતી.

બીજા દિવસે સવારે પરિમલભાઈ મુંબઈ જવા ઉપડ્યા. સવારે પોણા બાર વાગ્યે એમણે મેકર ચેમ્બર્સ પહોંચવાનુ હતુ.

ધીરુભાઈ અંબાણીને પરિમલ નથવાણીનો આત્મવિશ્વાસ ગમી ગયો …

મેકર ચેમ્બર્સમાં ધીરુભાઈ સાથેની મિટીંગમાં પરિમલભાઈ કહ્યું ” સોરી સર પણ મને લાગે છે કે આપણે જામનગર રિફાઈનરીના જમીન સંપાદન માટે સામાન્ય ખરીદદારની માફકજ ખેડૂતો પાસે જવુ જોઈતુ હતુ. જમીન સંપાદનના કામમાં રહેલી કેટલીક ખામીઓને કારણેજ હાઈકોર્ટે કંપની વિરૂદ્ધ જજમેન્ટ આપ્યુ છે. જે ખેડૂતોને ખબર છે કે તેમની જમીનના દસગણા ભાવ મળવાના છે એ ખેડૂતો તો ઘણા લાંબા સમયથી કોર્ટના પોઝીટીવ હુકમની રાહ જોતા જ હતા. કોર્ટમાં આપણે બે વર્ષ બગાડ્યા છે પણ જો આટલો જ સમય આપણે સીધો ખેડૂતોને કન્વીન્સ કરવામાં વાપર્યો હતો તો શક્ય છે કે અત્યારે એંશી ટકા જમીન આપણે મેળવી લીધી હોત.

ધીરુભાઈએ સામે પૂછ્યું ” તમને ખબર છે, રિલાયન્સને જામનગરમાં કેટલી જમીન જોઈએ છે?”

પરિમલભાઈએ કહ્યું ” હા, લગભગ સાત હજાર એકર અને આટલી જમીન લગભગ ૧૧૦૦ ખેડૂતો વચ્ચે આવેલી છે.”

પરિમલભાઈએ ધીરુભાઈ અંબાણી સમક્ષ આત્મવિશ્વાસથી વાત કરી હતી એનાથી માહોલ જામ્યો હતો. ધીરુભાઈએ સીધા ખરીદાર બનીને જમીન ખરીદવાની તૈયારી મૂકી પણ એ પહેલા પેપરવર્કની ચકાસણી કરવાનુ કહ્યુ. પરિમલભાઈએ એક અઠવાડિયાનો સમય માંગ્યો.

ધીરુભાઈ પાસેથી છૂટા પડીને પરિમલભાઈએ સીધો જામનગરનો રસ્તો પકડ્યો.જામનગર પહોંચીને વડોદરા ફોન કરી કહી દીધુ કે પોતે હવે દસ દિવસ સુધી વડોદરા આવી શકશે નહીં. કામ જબરજસ્ત ચેલેંજીંગ હતુ અને સારા એવા પૈસા પણ મળે એમ હતા જો કે જામનગર આવતી વખતે પૈસાની વાત જરા પણ મનમાં ન હતી. રિલાયન્સને કશુંક કરી દેખાડવાની તમન્ના હતી.

જામનગર આવીને પરિમલભાઈએ પહેલુ કામ અગિયારસો ખેડૂતોના સરનામા મેળવવાનું કર્યું. આ અગિયારસો ખેડૂતોની જમીન રિલાયન્સના પ્રોજેક્ટ માટે જરૂરી હતી. રિલાયન્સ આ ખેડૂતોને એક વીઘાના બે હજારના ભાવ સામે વીસ હજારનો ભાવ આપવાની હતી. પરિમલભાઈએ એ જાણવું હતુ કે દસગણા ભાવ મળતા હોવા છતા ખેડૂતોને આ સોદામાં વાંધો શું હતો? તપાસ કરતા માલૂમ પડ્યું કે ખેડૂતો તો વીધા દીઠ એક લાખ રૂપિયાનો ભાવ માંગતા હતા. એટલેકે બે હજારની જમીનના મળતા હતા વીસ હજાર પણ જોઈતા હતા એક લાખ. પરિમલભાઈએ એ જાણવાનુ હતુ કે ખેડૂતોને ભડકાવે છે કોણ? ભડકાવવાનું કારણ શું? આ બધી તપાસ પૂરી કરીને તેઓ પરત મુંબઈ ગયા.

જ્યારે એક એક ક્ષણ એક એક ભવ જેવી લાગી હતી …

આ વખતે ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી અને પરિમલ નથવાણી વચ્ચે ફરીથી એક વખત મિટીંગ થઈ. તમામ ચર્ચાવિચારણા પછી ધીરુભાઈએ પરિમલ નથવાણીને પૂછ્યું કે “જમીન સંપાદનની જવાબદારી તમને સોંપી દઈએ તો તમે એ કામ કેટલા સમયમાં પૂરુ કરી શકો? પરિમલભાઈએ ફટ દઈને જવાબ આપ્યો – છ મહિનામાં.

અર્ધી મિનીટ માટે મેકર ચેમ્બર્સની એ ઓફિસમાં ચુપકિદી છવાઈ ગઈ. પરિમલભાઈને એક એક ક્ષણ એક ભવ જેવી લાગવા માંડી. ધીરુભાઈ અને મુકેશ અંબાણીને શાંત બેઠેલા જોઈને પરિમલભાઈને લાગ્યું કે આ બંને હમણા મારા પર ખડખડાટ હસી પડશે. પણે એવું કશું થયું નહીં અને અર્ધી મિનીટની શાંતિ પછી ધીરુભાઈએ કહ્યું કે “પરિમલ તમે કામે લાગી જાઓ.પણ તમને હું છ નહિ ત્રણ જ મહિના આપુ છું. મારે ત્રણ મહિનામાં રિફાઈનરીનું કામ પૂરુ જોઈએ.” પરિમલભાઈ રિલાયન્સનું કામ મળ્યુ એનાથી જેટલા ખુશ હતા એટલાજ ત્રણ મહિનામાં આ ચેલેંજ પૂરી કરવાની છે એ વિચારે ટેન્શનમાં પણ આવી ગયા હતા. સાંજે જ તેઓ ફ્લાઈટમાં જામનગર પહોંચ્યા. તેમણે વિચાર્યું કે કામ આજે જ શરૂ કરી દૌ અને આજે ને આજે રાત્ર કમસેકમ ત્રણ ખેડૂતોને તો મળી જ લેવુ.

ચેલેંજ જામનગર …

૭૦૦૦ એકરની રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ જામનગર જિલ્લાના સિક્કા, નાની ખાવડી, મેઘપર, પડાળા, ગાગવા, પીપળી અને મોટી ખાવડી ગામો વચ્ચે આવેલી છે. એકતરફ હિંદ મહાસાગર, બીજી તરફ કાનાલૂસની રેલવેલાઈન અને ત્રીજી તરફ જામનગર આવેલુ છે.

રિફાઈનરી માટે જમીન ખરીદવા પરિમલભાઈએ હવે એક એક ખેડૂતને ઘરે જવાનુ હતુ. ઈન્ડસ્ટ્રી વિરોધીઓ, પર્યાવરણવાદીઓ, સ્થાનિક વિધ્નસંતોષીઓને ઠારવાના હતા. ખેડૂતો સાથે મિટીંગ શરૂ થવા લાગી.

“મોટા ભાઈ આવે ત્યારે આવજો .. નાનો બહાર ગયો છે … બાપુનો જીવ જમીનમાં છે … બાજુના શેઢાવાળા ગીગાભાઈ શું કરવાના છે? … તમારો ભાવ ખોટો છે … જમીન વેચ્યા પછી અમારુ શું … માગો તો જીવ દઈશું, પણ જમીન ભૂલી જાવ … ગામમાં આવ્યા છો તો ટાંટિયા ભાંગી નાખીશું” એવા જવાબો સાંભળ્યા પછી પણ પરિમલભાઈ લાગેલા રહ્યા. કોઈ રાત્રે બાર વાગ્યે બોલાવે તો કોઈ ખેડૂતને મળવા બપોરે ત્રણ વાગ્યે જવુ પડે. કોઈના ઘરે અંતિમ નિર્ણય બાપુજી લેતા હોય તો વળી કોઈ પરિવારમાં બનેવીનું જ ચાલતુ હોય. પરિમલભાઈએ બે મહિનામાં એક એક ખેડૂતને મળી લીધુ. એમની જ બોલી બોલવાની અને એમની રીતભાત સાથે એમને મળવાનુ.

કંપની આવવાથી શું ફાયદા થશે, ખેતર વેચાણથી શું લાભ થશે એ બધું ગામલોકોને સમજાવતા. ગામવાળા શરત મૂકે કે ગામમાં દવાખાનુ બનાવડાવવુ પડશે કે ગૌશાળા બનાવવી પડશે, પાણીના ટાંકા, સમાજની વાડી, ડામરના રસ્તા, તો બધી માંગ સ્વીકારી લેતા. ક્યારેક બીજી સવારે ખબર પડે કે જે જમીનનો સોદો થવાનો હતો ત્યાં મંદિર કે કબર બની ગઈ છે. ભારે હાડમારી વચ્ચે ત્રણ મહિના પૂરા થયા.

બરાબર ત્રણ મહિના વચ્ચે પરિમલભાઈ અને ધીરુભાઈ અંબાણી વચ્ચે મિટીંગ થઈ. જરૂર કરતા માત્ર ત્રીસ ટકા જમીન મેળવી શકાઈ હતી. મિટીંગ માંડ દસ મિનીટ ચાલી. કામગીરીનો રિપોર્ટ જાણીને ધીરુભાઈએ પૂછ્યું કે બાકીની જમીનને કેટલી વાર લાગશે ? પરિમલભાઈએ બીજા ત્રણ મહિનાની મુદ્દત માંગી. ધીરુભાઈએ તે સ્વીકાર્યું. આ નવી મુદત સાથે પરિમલભાઈને સમજાઈ ગયું કે જો તેમને પહેલી જ મિટીંગમાં છ મહિના અપાઈ ગયા હોત તો શક્ય છે કે થોડી આળસ થઈ જાત. ધીરુભાઈએ બહુ સૂઝબૂઝથી જ બે કટકામાં ત્રણ મહિનાનો ગાળો આપ્યો.


પરિમલ ‘ભાઈ’ ને પરિમલ ‘શેઠ’…

નવા ત્રણ મહિનામાં બીજી ચાલીસ ટકા જમીન મેળવી લીધી. કુલ જમીન સિત્તેર ટકા થઈ ગઈ. આ પછી પરિમલભાઈએ મુકેશ અંબાણીને કહ્યું કે પોતાનું મોટાભાગનું કામ પૂરુ થયું છે. બાકીની જમીનનું સંપાદન કામ હવે સ્વ.કેબી સુરતી કરશે.

પરિમલભાઈની વાત સાંભળીને મુકેશભાઈએ તેમને પરત વડોદરા જવાની ના પાડી દીધી. રિફાઈનરીના ક્ન્સ્ટ્રક્શન માટે હજારો લોકો જામનગર આવવાના હતા એમને રહેવાની તથા જામવગરથી મોટી ખાવડી લાવવા લઈ જવાની વ્યવસ્થા સોંપી. પરિમલભાઈની ખોડિયાર એસ્ટેટ એજન્સીએ જામનગરમાં ત્રણસો વાહન ખરીધ્યા. બારસો ફ્લેટ ભાડે લીધા. જામનગર-મોટી ખાવડીના અપડાઉન માટે કુલ સત્તરસો વાહનો લીઝ પર રાખી લીધા.

આ જાયજેન્ટીક કામોને લીધે આખા જામનગર જિલ્લામાં પરિમલ નાથવાણીનું નામ ગાજી ઉઠ્યુ હતુ. પરિમલ ‘ભાઈ’ને પરિમલ ‘શેઠ’ની નજર પડી જાય એ માટે ધંધાર્થીઓ બેતાબ રહેતા. પરિમલ નાથવાણી રિફાઈનરીની સ્થાપના થતા સુધીમાં તો અંબાણી પરિવારની બહુજ નજદીક આવી ગયા.

ગુજરાતમાં ‘તાકતવર’ ગણાય છે પરિમલ નથવાણી …

ત્યારથી તે આજ લગી ગુજરાતમાં મુકેશ અંબાણીનો હાથ છે પરિમલ નથવાણી. આજે ગુજરાતમાં એ પરિસ્થિતિ છે કે નેતાઓ, અધિકારીઓ, મિડિયાનવેશો, કોઈ પરિમલભાઈની વાત ટાળતા નથી. ચિક્કાર પૈસો વેરીને સરકારમાં ધાર્યુ કામ પાર પાડે છે પરિમલ નથવાણી.

અંબાણી પરિવાર જેમં ખૂબ જ આસ્થા ધરાવે છે એ દ્વારકાધીશ અને શ્રીનાથજીના મંદિરોમાં અંબાણી પરિવારે પોતાના નોમીની ટ્રસ્ટી તરીકે પણ પરિમન નથવાણીની નિયુક્તિ કરી છે.

પરિમલ નથવાણી હવે ઝારખંડમાંથી અપક્ષ રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે. ભૂતકાળમાં ઘણા બિનગુજરાતીઓ ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં જીતીને સંસદમાં ગયા પરંતુ આ એક વિરલ કિસ્સો છ કે જેમાં એક ગુજરાતી ગુજરાતની બહારથી રાજ્યસભાની ચૂંટણીમાં ઉભો રહ્યો છે અને ઘણુ કરીને જીતશે. પરિમલભાઈની ઉમેદવારીને ઝારખંડના બાર ધારાસભ્યોનો ટેકો તો મળી ગયો છે તેઓ જીતી પણ જશે. ધારાસભ્યોને કેટલા નગદ શિરપાવ મળશે એ આપણી કલ્પના બહારનો વિષય છે.(સંપૂર્ણ)

Comments are closed.


Recipe


Religious


Music


Video


Audio


Text


Gujarati

About Desh Gujarat | Contact Us | | Home | Gujarat Money | Twitter updates
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World