Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism



Andar Bahar Gujarat: January+February+March Archives

અંદર બહાર ગુજરાત ( જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચના લેખોનો સંગ્રહ )
DeshGujarat.Com/ABG ( Collection of January – February – March )


જેપીની કલમે
માત્ર દેશગુજરાત.કોમ પર


લખનાર ૧૯૯૭થી ગુજરાતી પત્રકારત્વમાં અને ૧૯૮૭થી ગુજરાતના પબ્લીક અફેર્સમાં સક્રિય છે.

_______________________________________________________________________________


હિંદી ફિલ્મનું મ્યુઝિક લોંચ અમદાવાદમાં થયુ!!

30-03-2008

મીસ્ટર બ્લેક એન્ડ મીસ્ટર વ્હાઈટ આ હિંદી ફિલ્મનું મ્યુઝીક શનિવારે અમદાવાદમાં લોંચ થયું. સુનીલ શેટ્ટી અને અરશદ વારસી આ ફિલ્મના હીરો છે પરંતુ બંને શૂટિંગમાં વિદેશમાં વ્યસ્ત હોવાના કારણે મ્યુઝિક લોંચમાં આવી ન શક્યા. અમદાવાદમાં રાજપથ ક્લબમાં પાંચ હજાર માણસની ક્ષમતાવાળુ ગ્રાઉન્ડ છે તેમાં આ મ્યુઝિક લોંચ થયુ તે પહેલા તેની પ્રેસ કોન્ફરન્સ હતી જેમાં જેપી હાજર હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વ.અજીત સાહેબના દીકરા જુનિયર અજીત(અંદાઝ અપના અપના ફિલ્મ યાદ છે?) ગુજરાતી કલાકાર કિરણ કુમાર(કે જેમણે આ ફિલ્મમાં એનઆરઆઈ ગુજરાતીનો રોલ કર્યો છે), સંગીતકાર જતીન પંડિત(જતીન લલિત વાળા) વગેરે હાજર હતા. જેપીએ જતીનને પૂછ્યું કે લલિત સાથે અને એકલા કામ કરવાના અનુભવો કેવા રહ્યા? જતીને કીધુ કે લલિત વગર કામ કરતી વખતે તો જાણે છૂટાછેડા થયા હોય એવો અનુભવ હતો. જતીનજી આ જવાબ આપતી વખતે ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા.તેમણે મને કહ્યું પણ ખરૂં કે યાર તમે તો દિલને હલાવી દે એવો પ્રશ્ન પૂછ્યો. જેપીએ કિરણ કુમારને પૂછ્યું કે હમણા ગુજરાતી ફિલ્મોમાં કેમ નથી દેખાતા? કિરણ કુમારે કહ્યું કે હમણા ઢંગની ગુજરાતી ફિલ્મો બને છે જ ક્યાં?

મીસ્ટર બ્લેક એન્ડ મીસ્ટર વ્હાઈટ એ હિંદી ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ ગોવામાં થયુ છે. આ ફિલ્મના પ્રોડ્યુસર ગુજરાતી બીપીનભાઈ શાહ છે. બીપીનભાઈ શાહ અને તેમના મિત્ર વ્હાઈટ હાઉસ વાળા ચંદુભાઈ પટેલ પણ પત્રકારો સાથેની વાતચીતમાં હાજર હતા. બીપીનભાઈને જેપીએ પૂછ્યું કે તમે મ્યુઝીક લોંચ માટે અમદાવાદની પસંદગી કેમ કરી? સામાન્ય રીતે તો બમ્બઈયા બોલીવુડ ફિલ્મોના મ્યુઝિક મુંબઈમાં જ લોંચ થતા હોય છે. બીપીનભાઈએ કહ્યું કે મુંબઈમાં હવે એટલી બધી ફિલ્મોના મ્યુઝિક લોંચ રોજબરોજ યોજાતા હોય છે કે એની કોઈ નોંધ પણ નથી લેતુ અને આ સામાન્ય બની ગયુ છે. અમે અમદાવાદમાં પાંચ હજારની ભીડ સામે મ્યુઝિક લોંચ કરીશું અને આ વાતને મુંબઈની ઈન્ડસ્ટ્રીવાળા પણ ફાટી આંખે જોઈ રહ્યા છે કારણકે સામાન્ય રીતે મ્યુઝિક લોંચ બંધ કમરામાં સો માણસની હાજરીમાં જ થતુ હોય છે. આનંદની વાત એ છે કે બીપીનભાઈ હવે ગુજરાતી ફિલ્મ પણ બનાવવાના છે. જેપીને આ માણસ હોશિયાર લાગ્યો એટલે જેવી તેવી ગુજરાતી ફિલ્મ નહી બનાવે. છેને સારી વાત?

dakor.jpg

********

આઈઆઈએમ અમદાવાદનુ સુકાન બરાબર વ્યક્તિના હાથમાં નથી

30-03-2008

મદાવાદની આઈઆઈએમની આવનારા દિવસોમાં પડતી થાય તો નવાઈ ન પામતા. ભારત સરકાર જેમના ટેકાથી ચાલે છે તે એબી બર્ધનના જમાઈ હોવાથી આઈઆઈએમના ડિરેક્ટર બનેલા શ્રીમાન એસકે બરૂઆ જે રીતે નિર્ણયો લે છે અને કામ કરે છે એ રીતે જોતા લાગે છે કે આઈઆઈએમનું સુકાન યોગ્ય વ્યક્તિના હાથમાં નથી. આઈઆઈએમ અમદાવાદની બોલબાલા તેમાંથી બહાર પડતા પોસ્ટ ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ સ્ટુડન્ટને બહાર પડતાની સાથે જ મળતી નોકરીની ઉંચા પગારની નોકરીઓને કારણે છે. પ્લેસમેન્ટમાં દરેક વર્ષે પત્રકારોને હાઈએસ્ટ પગાર મેળવનાર વિદ્યાર્થીનો ઈન્ટરવ્યૂ કરવા દેવામાં આવતો હતો. જેપીએ પોતે બે વર્ષ પહેલા સમીર નિગમ નામના વિદ્યાર્થીનો ઈન્ટરવ્યૂ કર્યો હતો કે જેને કેપીઓમાં હાઈએસ્ટ પગાર ઓફર થયો હતો. પરંતુ આ વખતે પ્લેસમેન્ટના દિવસોમાં આઈઆઈએમે કોઈ પત્રકારને આઈઆઈએમ કેમ્પસમાં ઘૂસવા જ ન દીધો કારણકે આઈઆઈએમ કલકત્તાનું પ્લેસમેન્ટ પણ ચાલી રહ્યું હતુ અને તેમાં હાઈએસ્ટ કેટલો પગાર ઓફર થાય છે એ આઈઆઈએમ અમદાવાદે જોવુ હતુ. એક વખત કલકત્તાનો હાઈએસ્ટ પગાર જાહેર થઈ જાય પછી અમદાવાદનો કલકતાથી વધુ એવો હાઈએસ્ટ પગાર જાહેર કરવો અને એ રીતે તમામ આઈઆઈએમમાં અમદાવાદને નંબર વન જ બનાવી રાખવુ એવી સ્ટ્રેટેજી સાથે બરૂઆએ હાઈએસ્ટ પગારની જાહેરાત મોકૂફ રાખી હતી. પ્લેસમેન્ટ પૂરુ થયુ પછી હાઈએસ્ટ પગારની એક આંકડામાં નહીં પણ રેન્જમાં જાહેરાત કરવામાં આવી. એવુ કહેવામાં આવ્યુ કે પગારમાં બોનસની રકમ પણ ઉમેરીએ છીએ. બોનસ કેટલુ મળશે એ એક વર્ષ પછી નક્કી થાય છે એટલે અત્યારે અંદાજીત જ ઉમેરીને કુલ પગાર જાહેર કરીએ છીએ…. હાઈએસ્ટ પગાર મેળવનાર વિદ્યાર્થીનું નામ કે કંપનીનું નામ જાહેર કરવામાં આવ્યુ નહી અને પત્રકારોને મળવા દેવાયા નહી….

અધૂરામાં પૂરુ હમણા આઈઆઈએમ અમદાવાદે ફી વધારાની જાહેરાત કરી છે. ફી વધારો અધધધધ છે. ૪.૨૦ લાખના બે વર્ષના અભ્યાસક્રમના સીધા ૧૧.૫ લાખ કર્યા છે. જેપીને પ્રાપ્ત માહિતી અનુસાર કોસ્ટ એકાઉન્ટન્ટ નીમીને દરેક વિદ્યાર્થી દીઠ પડતી ખર્ચની વિગત તૈયાર કરાવવામાં આવી હતી. જે અનુસાર એક વિદ્યાર્થી દીઠ આઈઆઈએમ અમદાવાદને ત્રણ લાખ એંશી હજાર ખર્ચ થાય છે. આટલા રૂપિયા સંસ્થાને કેટની પરીક્ષા અને પ્લેસમેન્ટમાં આવવા કંપનીઓ જે ડોલર/રૂપિયા ચૂકવે છે તેમાંથી મળી જ જાય છે તો પછી ફી વધારાની શી જરૂર હતી ? આટલા બધા ફી વધારાની(અઢી ગણા ફી વધારાની શું જરૂર હતી?

આ પ્રશ્નનો જવાબ પૂછવા માટે જેપી અને બીજા બે રિપોર્ટરોએ આઈઆઈએમના કોન્વોકેશન અગાઉ ડીરેક્ટર એસકે બરૂઆનો સંપર્ક કર્યો પરંતુ તેમણે પ્રેસ સાથે વાત નથી કરવી એમ કહીને વાત ટાળી લીધી. પછી તો વિદ્યાર્થીઓ સાથે તેમનો ગ્રુપ ફોટો થયો અને બાદમાં જ્યારે મોન્ટેકસિંઘ આહલુવાલિયા, બરૂઆ અને આઈઆઈએમના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન વિજયપત સિંઘાનીયા ચાલતા ચાલતા કેએલએમડીસીમાં ગયા ત્યારે જેપી અને બે પત્રકારોએ રસ્તામાં સતત ફી વઘારાના વ્યાજબીપણ અંગે પ્રશ્નો કર્યા. પરંતુ આ લોકોએ જવાબ ન આપ્યા અને એક રૂમમાં ગયા. અમે ત્રણ રિપોર્ટરો બહાર રાહ જોતા રહ્યા અને ફરી પેલા લોકો બહાર નીકળ્યા એટલે તેમને ફી વધારાની અનિવાર્યતા, ગરીબ વિદ્યાર્થીઓને સમસ્યા થશે એની ભીતી વગેરે અંગે પ્રશ્નો પૂછ્યા. પરંતુ કોઈ સંતોષકારક જવાબ નહતો. જેપીએ એસકે બરૂઆનું ધ્યાન દોર્યું કે દરેક વર્ષે કોન્વોકેશન પહેલા બોર્ડ મીટીંગ હોય છે એના પછી પત્રકાર પરિષદ હોય છે પણ આજે કેમ નથી રાખી? શું ફી વધારાના પ્રશ્ને પત્રકારો તમને ઘેરશે એની તમને ભીતી હતી? તમે આન્સરેબલ છો તમે અમને જવાબ કેમ નથી આપતા ?

ખેર આ ત્રણેય મહાનુભાવો પછી તો કોન્વોકેશનમાં જોડાયા. કોન્વોકેશન પછી ફરીથી પત્રકારોએ તેમને ઘેર્યા. એટલે છેવટે તેમણે જવાબ આપ્યો કે સંસ્થાની આર્થિક સ્વાયત્તતા અને સમૃદ્ધિ માટે ફી વધારી છે. થોડા થોડા સમયે ફી વધારતા ગયા હોત તો એકસાથે અઢી ગણી વધારી છે એવુ ન લાગત… આર્થિક નબળા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપીશું. સ્કોલરશીપ માટેની યોગ્યતાની લીમીટ અગાઉ વાર્ષિક બે લાખની કૌટુંબિક આવક ધરાવતા હોય તે હતી પણ હવે તે છ લાખ કર્યા છે …..

દર અસલ જ્યારે એસકે બરૂઆ આઈઆઈએમના ડિરેક્ટર પદે આવ્યા ત્યારે આઈઆઈએમના કામ, સંશોધન અને કન્સલ્ટેશન સમાજ માટે અને વંચિત માણસ માટે ઉપયોગી થાય તે દિશામાં આ સંસ્થાને લઈ જવાની તેમણે જાહેરાત કરી હતી. પણ કેપીટાલીસમનો વિરોધ કરનારા સામ્યવાદીઓ જ મોટા કેપીટાલીસ્ટ બની જાય છે તેમ આ એસકે બરૂઆની કથની કરની એક જણાઈ નથી. બરઆ આઈઆઈએમ અમદાવાદની આગામી સમયમાં શાન ઓછી કરશેે એવુ મારૂ જર્નાલીસ્ટીક ઓબ્ઝર્વેશન છે. પ્લેસમેન્ટ અને ફી એ બેઉ મહત્વના પ્રસંગોએ બરૂઆ બોગસ સાબિત થયા છે.

************

બોલીવૂડની કેટલીક હસ્તીઓ સાથે જેપીના રીસન્ટ એન્કાઉન્ટરની વાતો

27-03-2008

જે અહીં વાત કરવી છે થોડા બમ્બઈયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો સાથે મુલાકાતના જેપીના તાજેતરના અનુભવોની. થોડા દિવસો પહેલા ટેલિકોમ કંપની આઈડિયાની કોન્સર્ટ ટાણે ગાયક શાને પત્રકારો સાથે મુલાકાત કરી. શાનનો પ્રશ્ન એ હતો કે પત્રકાર પરિષદમાં એને કોઈ પ્રશ્ન જ પૂછતુ ન હતુ. શાને પ્રશ્નોની અનુપસ્થિતિમાં જાતે જ બકબક કર્યા કરી અને છેલ્લે તો એમ કહ્યું કે તમે કોઈ પ્રશ્ન નહી પૂછો તો મારે આમ જ બકબક કર્યા કરવી પડશે જે તમે ઉદાર ભાવે સહન કરી રહ્યા છો. જેપી સહિત એક બે પત્રકારોએ પત્રકાર પરિષદના ભલા માટે પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા પણ બાકીના તમામ પત્રકારો રવિવારના મૂડમાં હતા અને પ્રશ્ન પૂછવાની રજા પાળી રહ્યા હતા. છેવટે શાને કહ્યું કે એક-બે પત્રકારોને જવાબ આપવામાં હું બાકીના તમામને હોસ્ટેજ રાખવા નથી માંગતો. ચલો તમે વન ટુ વન પ્રશ્ન જ પૂછી લેજો. હું થોડી વાર અહીં જ છું. પત્રકાર પરિષદ પૂરી કરીએ. શાનની સાથે પત્રકાર પરિષદમાં તેની પત્ની રાધિકા પણ હાજર હતી. રાધિકા અમદાવાદની છે અને પાલડી દશાપોરવાડ સોસાયટીમાં શાનનું સાસરુ આવેલુ છે. શાન બંગાળી છે પણ પત્ની અમદાવાદની હોવાથી અમદાવાદને પોતાનુ ઘર માને છે. શાને જે ફ્રેન્કનેસથી અને નમ્રતાથી પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને પોતાની નબળાઈઓ પણ સ્વીકારી હતી એ જોતા જેપી શાનને એક સારા માણસ તરીકે ૧૦માંથી ૧૦ માર્ક આપે છે. અમદાવાદની છોકરી ગમેતેવાને તો પસંદ કરે ?

ખૈર હવે વાત કરીશ ડાન્સ ડિરેક્ટર સરોજ ખાનની. આ લેડી અતિશય ઘમંડી અને ભયંકર તુમાખીવાળા સ્વભાવની છે. અમદાવાદની અન્ય એક પત્રકાર પરિષદમાં જેપીની સરોજ ખાન સાથે રીતસર તૂતૂ મેંમેં થઈ ગઈ હતી. જેપીએ સરોજ ખાનને પૂછ્યું કે ગુજરાતના ગરબાની ડાન્સ સ્ટાઈલ વિશે એક ડાન્સર અને ડાન્સ ડિરેક્ટર તરીકે આપની શું કોમેન્ટ છે? નવરાત્રિની અને એવી પારંપરિક ડાન્સ સ્ટાઈલો જોવા નીકળો છો? આ પ્રશ્નનો જવાબ સરોજ ખાને ભારે ઉદ્ધતાઈથી એવી રીતે આપ્યો કે “હું મારી ડાન્સ સ્ટાઈલો મારી કલ્પનાશક્તિથી જાતે વિચારી કાઢુ છું, કોપી નથી કરતી કે મારે સ્ટાઈલો જોવા બહાર નીકળવુ પડે ને ગરબા જોવા પડે.” સાથી પત્રકારે સરોજ ખાનને પૂછ્યું કે “તમે માધુરી દિક્ષિત સાથે ઘણી ફિલ્મો કરી પણ માધુરીએ તેની કમબેક ફિલ્મ આજા નચલે માં તો તમને ડાન્સ ડિરેક્ટર તરીકે ન રાખ્યા? શું કોઈ મનદુ:ખ છે?” સરોજ ખાન ભયંકર ગુસ્સે થઈ ગઈ અને જવાબ આપ્યો કે “માધુરીએ મને ન રાખી તો એની મરજી અને એના ફિલ્મ ડિરેક્ટરની મરજી. માધુરીએ તો અગાઉ પણ દિલ તો પાગલ હૈ ફિલ્મમાં શ્યામક દાવર પાસે નૃત્ય નિર્દેશન કરાવ્યુ હતુ એ વખતે કેમ આ પ્રશ્ન ઉભો ન કર્યો? મારે કોઈ સ્ટારની જરૂર નથી. હું તો મારી સામે મોટી સ્ટાર હોય કે શીખાઉ બાળક, બંનેને એક સમાન જોઉ છું” જેપીએ પ્રશ્ન પૂછ્યો કે આપની સતી નામની ફિલ્મનો શું પ્રોગેસ છે? આ વાત પર સરોજ ખાન સખત અકળાઈ અને કીધુ કે “ડોન્ટ આસ્ક સીલી ક્વેશ્ચન. ઈટસ ઓઈલ એન્ડ વોઈડ”. મારા સાથી ગુજરાતી પત્રકારે મને પૂછ્યું કે “ઓઈલ એન્ડ વોઈડ” એટલે શું? સરોજ ખાને આ સાંભળ્યુ એટલે એકદમ અમારા તરફ વળી અને કહ્યું “બુદ્ધુઓ તમને આટલી પણ ખબર નથી? અંગ્રેજી આવડતુ નથી?” હવે મારી ખોપડી ગઈ. મેં કહ્યું કે “અમે ગુજરાતી પત્રકારો છીએ શક્ય છે કે અંગ્રેજીનો કોઈ શબ્દ ન પણ આવડે”

ખેર આ વાતચીત પછી ભોજનનો કાર્યક્રમ હતો. પત્રકારોએ નક્કી કર્યુ કે ઘમંડી સરોજ ખાનને એક પણ પ્રશ્ન પૂછવો નહી અને એવોઈડ કરવી. સરોજ ખાને એકલા બેઠા બેઠા ખાધુ. પછી જેપીએ વિદાય વેળાએ તેમને કહ્યું “સરોજજી તમને મળતા અગાઉ મને પ્રશ્ન થતો હતો કે સરોજ ખાન નામની નેવુના દસકની પ્રતિભાવંત ડાન્સ ડિરેક્ટર ક્યાં ખોવાઈ ગઈ? ઠીક છે કે એનડીટીવી ઈમેજીન ચેનલ પર હમણા હમણા તમારો નચ લે વીથ સરોજ ખાન કાર્યક્રમ આવે છે એટલે તમે ફરી જાણીતા થયા છો, બાકી તો કેટલાય નવા ડાન્સ ડિરેક્ટરો તમારાથી વધુ કામ મેળવી રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ તમારી સાથે કામ કરવાની ના પાડી, તમારી સતી ફિલ્મ ફ્લોર પર જ ન જઈ શકી, માધુરી દિક્ષિતે તમારા નિર્દેશનમાં ફિલ્મમાં કામ કરવાની ઓફર ઠુકરાવી અને માધુરીએ એની છેલ્લી ફિલ્મમાં ડાન્સ ડિરેક્ટર તમને ન રાખ્યા એ બધુ કેમ થયુ એના જવાબ આજે તમારો સ્વભાવ જોઈને મળી ગયા. તમે ઘમંડી, શોર્ટ ટેમ્પર્ડ અને વાત કરવાને પણ લાયક નથી એ આજે તમારા ટોન, અવાજ, બોડી લેંગ્વેજ, ભાષા અને વર્તાવ પરથી મારુ જર્નાલીસ્ટીક જજમેન્ટ છે.” વાત પૂરી કરીને હું ઝડપભેર ચાલી નીકળ્યો. સરોજ ખાનનું મોઢુ જોવા ય ન રહ્યો.

અને છેલ્લે વધુ એક ફિલ્મ ઈન્ડસ્ટ્રી મેન સંગીતકાર ઈસ્માઈલ દરબારની વાત કરી લઉ. આ માણસ જેપીને માઈક પકડવાનો , શેખી મારવાનો, અને બોલવાનો શોખીન લાગ્યો. પરંતુ સ્વભાવનો તો આ માણસ પણ નખરા વાળો અને પિત્તળ છે. ૨૦૦૭માં ઈસ્માઈલ દરબારની એક પણ સંગીત નિર્દેશન વાળી ફિલ્મ આવી નથી. ઈસ્માઈલ દરબાર સુરતનો ગુજરાતી છે. તેનો હાથ ઝાલીને તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંજય લીલા ભણસાલી નામનો અન્ય એક ગુજરાતી લાવ્યો હતો. પણ સંજયે પણ તેની આખરી ફિલ્મ સાવરિયામાં ઈસ્માઈલ દરબારને સંગીત નિર્દેશક તરીકે રાખ્યો નથી. ઈસ્માઈલ દરબાર હોટેલમાં લીફ્ટની રાહ જોતા હતા અને બોલ્યા કે બહુત ઈંતઝાર કરવાયા લીફ્ટને. જેપીએ તુરંત જ કહ્યું કે આમ તો અમનેય તમે બહુ રાહ જોવડાવી ૨૦૦૭ની સાલમાં તમારા સંગીત નિર્દેશનવાળી એક પણ ફિલ્મ માટે. ઈસ્માઈલે જવાબમાં કહ્યું કે તમે ફિલ્મ બનાવો તો મને ચાન્સ મળે. મેં કહ્યું સંજય લીલા ભણસાલીએ પણ સાવરિયામાં તમને ન રાખ્યા. ઈસ્માઈલ દરબારે કહ્યું કે સંજય દોસ્ત છે, મને તો આ ઈન્ડસ્ટ્રીમાં તે જ લાવ્યો પણ મારી સાથે તેણે કોઈ કરાર થોડો કર્યો છે કે તેની દરેક ફિલ્મમાં હું જ હોઉં?

*******

જે શહેરમાં બિન લાદેનના ફોટા ઉંચકીને ફરનાર ગદ્દારોના ટોળા હોય
ત્યાં ઘોડે ચડીને બંદૂકના ધડાકા કરનાર ધારાસભ્ય ભલે હોય

25-03-2008

ડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હવામાં તેમની લાયસન્સવાળી જર્મન રિવોલ્વરથી છ રાઉન્ડ ફાયર કર્યા અને બીજે દિવસે દિલ્હીથી જેપીના સેક્યુલર ચેનલ રિપોર્ટરનો ફોન આવ્યો: ક્યા કહેતે હો જેપી ઈસ બારેમેં? મેં કહ્યું કે તમારે શિષ્ટ શિષ્ટ કોંગ્રેસી જવાબ જોઈતો હોય તો કહી દઉ કે ધારાસભ્ય થઈને કાયદાનો ભંગ કર્યો છે, શરમજનક કૃત્ય, આ ધારાસભ્ય પહેલેથી જ કલંકિત છે વગેરે વગેરે પણ તમારે મારો દિલથી જવાબ જોઈતો હોય તો એ જવાબ એ છે કે આ ધારાસભ્યે ખાનગીમાં છુપાઈ છુપાઈને નહીં પણ સરાજાહેરમાં બિન્દાસ્ત ગોળીઓ છોડી છે. તેણે ગોળીઓ કોઈ માણસ પર કે પ્રાણી પર છોડી નથી માત્ર હવામાં છોડી છે, ગોળી ચલાવવાનો ઉદ્દેશ્ય કોઈને મારવાનો કે ભયભીત કરવાનો હરગીઝ ન હતો પણ ધૂળેટીની મધુ શ્રીવાસ્તવ ભારતના જે પ્રદેશમાંથી આવે છે એ પ્રદેશની સ્ટાઈલથી ઉજવણી કરવાનો હતો(મધુકુમાર મૂળ ઉત્તરપ્રદેશના ઝાંસીના છે).

દિલ્હીના પત્રકારે આગળ પૂછ્યું કે મોદીજીનું આ ધારાસભ્ય પરત્વે શું રિએક્શન હશે ? મેં કહ્યું કે મોદી આ ન્યુઝ સાંભળીને શરૂઆતમાં ખડખડાત હસ્યા હશે. પછી બોલ્યા હશે કે “હવે આ મધુલાલનું તો શું કરવું?” પછી થોડી વાર વિચારીને પુરૂષોત્તમ રૂપાલાને ફોન લગાવ્યો હશે અને તેમને કામ સોંપ્યુ હશે કે મધુ શ્રીવાસ્તવને ફોન કરીને કડક ભાષામાં કહો કે મિડિયાના પોરસ ચડાવ્યે ચડી જઈને કેમેરા જોઈને ચગી જઈને આવુ બધુ નહી કરવાનું. મિડિયાથી બિલકુલ દૂરી પાળો. આપણે રાજકારણ મિડિયા માટે નથી ચલાવતા તો કેમેરા જોઈને હવામાં ગોળીબારો કરવાના પોઝ આપીને ચેનલોના ટીઆરપી વધારીએ …. પુરૂષોત્તમ રૂપાલાએ ઘણુ ખરૂ તો તરત જ મધુ શ્રીવાસ્તવને પોતાના સૌરાષ્ટ્રના લહેકામાં ખખડાવી નાખ્યા હશે ફોન પર.

મેં કહ્યું કે મોરબી કે ગોંડલના કિસ્સામાં નરેન્દ્રભાઈએ કલંકિત ધારાસભ્યોને તેઓ વીનીંગ હોય અને આઈડીયોલોજી પરત્વે કમીટેડ હોય તો નિભાવ્યા જ છે. મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાનો પરંપરાગત વિનીંગ ઉમેદવાર છે, બરોડા ડેરીનો ચેરમેન છ(ચેરમેન બન્યા પછી ડેરીના કર્મચારીઓનો પોષાક ભગવો શર્ટ અને કાળુ પેન્ટ કરાવી નાખ્યો છે અને હાલમાં પાંચ હજાર લિટર છાશ શિવરાત્રિ નિમીત્તે શિવમંદિરમાં દાન કરી દીધી હતી) હિંદુ આઈડિયોલોજીને કમીટેડ છે એટલે તેમને કોઈ પ્રોબ્લેમ નથી. જે વડોદરામાં દેશદ્રોહીઓ બિન લાદેનના ફોટા લઈને રસ્તા પર ઉતરતા હોય(પાછલા જ વર્ષે બનેલો બનાવ) એ શહેરમાં બંદૂક લઈને ઘોડે ચડનાર એક ધારાસભ્ય હોય તો શું ખોટું છે? બેસ્ટ બેકરી આ મધુ શ્રીવાસ્તવના એરિયાનો કિસ્સો હતો. જહીરાને તિસ્તા સેતલવાડ સામે ઉભી કરી દેવાનુ મેનેજમેન્ટ તો આ જ મધુ શ્રીવાસ્તવે કર્યુ હતુ.

નરેન્દ્રભાઈ મધુ શ્રીવાસ્તવથી આ બંદૂકના ભડાકા મામલે માત્ર એટલા કારણથી નારાજ છે કે મધુએ મિડિયાના કેમેરાથી અને મિડિયાના પોરસ ચડાવવાથી ઉત્સાહમાં આવી જઈને ભડાકા કર્યા હતા એ ખોટુ અને બાલિશ કામ હતુ. બીજુ કે આ મધુ શ્રીવાસ્તવે હમણા ગુજરાતના મંત્રીમંડળની રચના થઈ ત્યારે પોતાને મંત્રી નથી બનાવાયા એ બાબતે જાહેરમાં મિડિયા સમક્ષ નારાજગી વ્યકત કરી હતી એ વાતને કારણે મધુલાલ નરેન્દ્રભાઈની બેડબુકમાં મૂકાયા હતા. નરેન્દ્રભાઈ આ મધુલાલને કંટ્રોલમાં કરવાનો પ્રયત્ન આગામી સમયમાં કરશે. મધુ શ્રીવાસ્તવ અત્યારે એક માનવ સહજ હતાશામાં છે. એ હતાશા એ છે કે રાજકારણમાં વર્ષોથી છે, ધારાસભ્ય વર્ષોથી છે, ભાજપમાં પણ હવે વર્ષોથી છે, વડોદરા ડેરીના ચેરમેન છે, પોતાના સેંકડો ટેકેદારો છે અને ચૂંટણી આસાનીથી જીતી જાય છે,પોતાની ભાઈ જેવી છાપ છે છતા આ ભાઈની પ્રગતિ થતી નથી એટલેકે ધારાસભ્યથી આગળ પહોંચી શકાતુ નથી. પ્રગતિ થતી નથી, નોંધ લેવાતી નથી, મંત્રી બની શકાતુ નથી અને હાઈલાઈટમાં રહી શકાતુ નથી એ વાતે મધુ શ્રીવાસ્તવ એક અકળામણ અને સ્થગિતતા અનુભવે છે જેને કારણે તેમને મિડિયા પોતાને ચમકાવે એના ઉભરા આવે છે.

મધુ શ્રીવાસ્તવ પુરૂષોત્તમ સોલંકી પાસેથી જેન્ટલમેન બનવાનુ શીખી શકે છે. પુરૂષોત્તમ સોલંકી એક સમયે ભાઈ જ હતા પણ હવે મંત્રી બન્યા પછી ખોટા કામોથી દૂર રહે છે અને કહે છે કે જે થઈ ગયુ એ થઈ ગયુ હવે મારે કશું ક્રાઈમની વ્યાખ્યામાં આવે એવું ક્યારેય કરવુ નથી. સોલંકી તો અમારા જેવા સાથે પર્સનલ વાતચીતમાં એમ પણ કહે છે કે નરેન્દ્રભાઈએ મને વાલિયામાંથી વાલ્મિકી બનાવ્યો છે. મધુ શ્રીવાસ્તવે આગળ વધવુ હોય તો વધુ ગંભીર જેન્ટલમેન પ્રકારની બીહેવીયર કરવી પડે.

પણ જેપી ઈચ્છે છે કે તે એવુ ન કરે અને પોતે જે છે એ જ બનેલા રહે. જે શહેરમાં બિન લાદેનના ફોટા ઉંચકીને ગદ્દારોના ટોળા રસ્તે ઉતરતા હોય એ શહેરમાં બંદૂકના ભડાકા કરનાર ધારાસભ્ય પણ હોવો જોઈએ. મંત્રીપદ અને ચોખલિયા વાતો કરીને રાજકિય પ્રગતિ કરવાનું તેલ લેવા જાય, જહન્નમમાં જાય. બધાએ મંત્રી બનવુ જરૂરી છે ? વિદુરોથી જ કંઈ થોડા પ્રવર્તન થાય છે? હનુમાન પણ જોઈએ જ ને?

jp.jpg

*******************

ગુજરાતની આદિવાસી બોલીઓમાં બાઈબલ: પુસ્તક સ્વરૂપે અને ઓડિયોમાં પણ

24-03-2008

હહા !! યે ભી પઢ લો … પેલા આદિવાસીઓને વટલાવવાની ફેક્ટરી ચલાવતા ખ્રિસ્તિ મિશનરીઓએ હવે ગુજરાતના આદિવાસીઓને વટલાવવાના અભિયાનના ભાગરૂપે આદિવાસીઓની બોલીની ભાષામાં બાઈબલ તૈયાર કરાવી છે. બાઈબલ સોસાયટી ઓફ ઈન્ડિયાએ સુરતની ચૌધરી અને ભરૂચની વસાવા આદિવાસી બોલીમાં બાઈબલ તૈયાર કરી દીધી છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના આદિવાસીઓને વટલાવવા ડુંગરા ભીલોની, દાદરા નગર હવેલીના આદિવાસીઓએ વટલાવવા વારલીઓની અને સાબરકાંઠાના આદિવાસીઓને વટલાવવા ગરાસીયાઓની બોલીઓમાં બાઈબલ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. બાઈબલ પુસ્તક તરીકે છપાવવાની સાથે તેને ઓડિયો સ્વરૂપમાં પણ તૈયાર કરવામાં આવી રહી છે. જે લોકો વાંચી શકતા નથી તેમના માટે આ ઓડિયો સીડીઓ કામ લાગશે. આવી કેસેટ અને સીડી હાલ વસાવી, ગામીતી, વારલી, ભીલી, ભીલોડી અને વાગડી બોલીઓમાં તો ઉપલબ્ધ છે જ. ગુજરાતના પંચોતેર લાખ આદિવાસીઓ કે જે ગુજરાતની કુલ વસ્તીના પંદર ટકા જેટલા થાય છે તેમને ખ્રિસ્તિ મિશનરીઓએ ઝડપથી વટલાવીને ખ્રિસ્તિ બનાવવા છે. આ બધી એ માટેની કસરત છે. દુર્ભાગ્યની વાત છે કે હિંદુઓ અબજો રૂપિયા મંદિરોમાં નાખી આવે છે જે ટ્રસ્ટીઓ જલસા કરવા માટે લઈ જાય છે જ્યારે સામે હિંદુત્વનું કામ આદિવાસીઓ મહીં થતુ નથી. હિંદુઓના જાણીતા ધર્મગુરૂઓ કરોડોપતિ થઈ ગયા છે અને અહીંથી તહીં વિમાનોમાં ફરે છે, એલીટ ક્લાસ સિવાય તેમના સુધી કોઈ પહોંચી સુદ્ધા શકતુ નથી. આ ધર્મગુરૂઓ લાખો આદિવાસીઓ ખ્રિસ્તિ બની રહ્યા છે ત્યાં જઈને કામ કરતા નથી. કરે છે તો માત્ર શોબાજી પૂરતુ ટોકન. અભણ આદિવાસી વાંચી ન શકે તો તેની જ બોલીમાં તેને સીડી કે કેસેટ દ્વારા બાઈબલ સંભળાવવાનું કામ થઈ ગયું છે અને નિરંતર ચાલી રહ્યું છે. હિંદુઓને કદી સૂઝ્યુ છે આવુ કરવાનું?
**************************

ગુજરાતને બદનામ કરવામાં વાંધો નહી, ને ગોવા બદનામ થયુ તો ગોવાનીઝ રાજદીપ સરદેસાઈ કોલમો લખે છે!!

23-03-2008

પેલો પત્રકાર રાજદીપ સરદેસાઈ કે જેણે ગુજરાતના ૨૦૦૨ના પ્રસંગોને હજુ સુધી ઉછાળ્યા કરીને ગુજરાત વિશે અપપ્રચાર કરવામાં કશું બાકી નથી રાખ્યું એણે હમણા ગોવામાં સ્કાર્લેટની હત્યાને મિડિયા જે રીતે ચગાવી રહ્યું છે અને તેને કારણે ગોવા જે રીતે બદનામ થઈ રહ્યું છે એની સામે પોતાનો વિરોધ પ્રગટ કરતો લેખ એ હેસિયતથી લખ્યો છે કે પોતે ગોવાનીઝ છે.

ગોવામાં સ્કાર્લેટ નામની એક વિદેશી યુવતીની બીચ પર રાત્રિના અંધારામાં હત્યા થઈ ગઈ. આ મામલાને ભારતભરના હડકાયા ઈલેક્ટ્રોનીક મિડિયાએ બહુજ ઉછાળ્યો કારણકે સ્થળ ગોવાનુ હતુ, છોકરી વિદેશી હતી અને બ્યુટીફુલ હતી. ખૈર પણ રાજદીપ સરદેસાઈ કે જે સીએનએન આઈબીએન ચેનલ સંભાળે છે એણે આ મુદ્દાને પોતાની ચેનલો પર બહુજ લોપ્રોફાઈલ કરી દીધો કારણકે રાજદીપ સરદેસાઈ ગોવાનીઝ છે અને ગોવાનું ખરાબ દેખાય એમ ઈચ્છતો નથી. આ વાત અહીં જેપી નથી કહેતો, રાજદીપે હાલમાં પોતાની કોલમમાં ખુદ જ આમ લખ્યું છે. આ બદમાશ રાજદીપ સરદેસાઈ ગુજરાતનો નાનો અને જુનો મુદ્દો પણ ખોદ ખોદ કરવામાં કશું બાકી નથી રાખતો અને પોતાના રાજ્ય ગોવામાં કશું થાય તો લખે છે કે એક ઘટના કે મુદ્દાને લીધે ગોવાને બદનામ ન કરો.

ભઈ રાજદીપ અમે પણ જાણીએ છીએ કે એકમાત્ર સ્કાર્લેટના બનાવને બાદ કરતા ગોવામાં બીજુ ઘણુ સારુ છે પણ રાજદીપમિંયા ૨૦૦૨ના થોડા મહિનાઓને બાદ કરતા ગુજરાતમાં પણ બીજુ ઘણુ છે એ કેમ તમે સમજતા નથી. સાંભળો છો કે નમાઝ પઢવા ગયા છો?

એક્સમકીનાની હીપહોપ હોળી અને અનાહિતા સારાભાઈનો ન્યુઝ સ્ટોરીમાં ચમકવાનો ડેબ્યુ

22-03-2008

હોળીની સાંજે અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલા મલ્લિકા સારાભાઈના દર્પણાના સ્ટેજ પર અલીયન્સ ફ્રાન્સીસ દ્વારા આયોજિત એક્સમકીના બેન્ડનો હીપહોપ શો યોજાયો હતો. જેપીને તો મફતના બસો રૂપિયાનો એક એવા બે પાસ મળ્યા હતા એટલે જેપી અહીં પહોંચ્યો હતો. દેખીતુ જ છે કે એક તો અમદાવાદ, પાછો હોળીનો દિવસ, પાછી બસો રૂપિયાની એન્ટ્રી ફી અને પાછુ દર્પણા જેવુ ખૂણાનુ સ્થાન અને પાછુ હીપહોપ બેન્ડ એટલે દર્પણા પૂરેપૂરુ ભરાયુ ન હતુ. એક્સમકીના વાળાઓએ ધમાલ તો સારી મચાવી. એક્સ મકીના દરઅસલ ફ્રાન્સના નવજુવાનિયાઓનું હજુ તો ઉભરતુ ગ્રુપ છે. બેન્ડના કલાકારો વારંવાર પબ્લીકની વચ્ચે ગાતા ગાતા આવી જાય, મોઢા પર ગેસ માસ્ક પહેરે, હોળીના રંગો ફેંકે, પૂરેપૂરી મસ્તી હતી. આ કોન્સર્ટ તિબીટીયનોની ચીનથી છૂટવાની ચળવળને અર્પણ કરવામાં આવી હતી.(દરઅસલ અલીયાન્સ ફ્રાન્સીસના હાલના લેડી ડિરેક્ટર અનીક ચંદ્ર પેલે દલાઈલામાના ચુસ્ત સમર્થક છે. જાન્યુઆરીમાં તેમણે જ દલાઈલામાનો અમદાવાદ પ્રવાસ ગોઠવ્યો હતો.) ખેર, દર્પણામાં શો પતે એટલે બહાર નીકળવાનો મુખ્ય દરવાજો બંધ થઈ જાય છે અને તમારે ફરજીયાત દર્પણાના કાફે તરફ થઈને જ બહાર નીકળવુ પડે એમ કાફેની સામેનો દરવાજો જ ખુલ્લો રાખવામાં આવે છે. મલ્લિકા સારાભાઈ વળી કમાણીનો એક પણ રસ્તો જવા દે ખરી ?

બાય ધ વે અહીં લગે હાથ મલ્લિકા સારાભાઈની દીકરી અનાહિતા સારાભાઈ તાજેતરમાં કયા કારણથી અંગ્રેજી અખબારમાં ચમકી એની વાત પણ કરી દઉ. અનાહિતાએ એની ઓરકૂટ પ્રોફાઈલમાં પોતાનુ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન બાયસેક્સ્યુઅલ લખ્યુ હતુ. ઉપરાંત તેણીની પસંદગીની ઓરકૂટ ક્મ્યુનિટિમાં સજાતીય ફિલ્મી દ્રશ્યો , સજાતીય કવિતા, સજાતીય સપોર્ટ ગ્રુપ અને સજાતીય સંબંધોના અધિકારની ક્મ્યુનિટીઓનો સમાવેશ થતો હતો. અખબારમાં અનાહિતા બાયસેક્સ્યુઅલ છે એટલેકે સજાતીય સંબંધો ધરાવે છે એ છપાઈ ગયુ પછી અનાહિતાની ઓરકૂટ પ્રોફાઈલમાંથી સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનનો સબ્જેક્ટ તેણે ઉડાડી દીધો છે. જો કે તેણીની પસંદગીની કમ્યુનિટીમાં હજુ સજાતીય સંબંધો વાળી કમ્યુનિટીઓ જોઈ શકાય છે. અંગ્રેજી અખબારે અનાહિતા બાયસેક્સ્યુઅલ હોવા અંગે તેણીની માતા મલ્લિકા સારાભાઈને પૂછ્યુ તો મલ્લિકાએ કહ્યું કે તો બંનેને આ બાબતે ડિસ્કશન થઈ ગયું છે. છોકરીઓને ઉંમરના આ પડાવ પર બાયસેક્સ્યુઅલ ફેઝ આવતો હોય છે. જ્યારે અનાહિતાએ કહ્યું કે તેણી જેવી પણ છે તેણીના ફ્રેન્ડઝને તેની સામે કોઈ વાંધો નથી અને તેઓ પોતે જેવી છે એવી જ પોતાને સ્વીકારે છે. જેપીએ અનાહિતાને અગાઉ તેણી જે સ્કૂલમાં ભણી હતી એ મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલના ગૂગલ વિડિયોમાં ટોપી પહેરેલી અને આત્મવિશ્વાસ સાથે વાતો કરતી જોઈ હતી ઉપરાંત દલાઈલામાવાળી પ્રેસ કોન્ફરન્સમાં જોઈ હતી. આ છોકરી બાકીના લોકોથી અલગ છે એ તો નક્કી.

ખૈર અંગ્રેજી અખબારની આ સ્ટોરી જોઈને જેપીના એક વડીલ પત્રકાર મિત્રે કહ્યું કે કોઈની પ્રાઈવેટ લાઈફમાં છાપાવાળાઓએ પડવુ ન જોઈએ પણ ઓરકૂટ પબ્લીક પ્રોફાઈલવાળી સાઈટ છે. આ છોકરીએ તેણીની પબ્લીક પ્રોફાઈલમાં એમ લખવાની શી જરૂર હતી કે તેણી બાયસેક્સ્યુઅલ છે? જો તેણીએ આમ લખ્યું અને તે ખોટુ નથી તો પછી તેના વિશે છપાયુ એ પણ ખોટુ ન કહી શકાય.

પાછો દર્પણામાં હોળીની સાંજે યોજાયેલી એક્સમકીનાની હીપહોપ નાઈટ પર આવી જઉ તો એક્સમકીનાની કોન્સર્ટ પત્યા પછી જાડી,ગોરી અને વાળની એક લટ લાલ રંગે રંગેલી અનાહિતા ટીશર્ટ અને જીન્સ પહેરીને કાફેમાં ટોળે વળેલા ગ્રુપમાં ઉભી ઉભી વાત કરી રહી હતી ત્યારે જેપીને પૂછવાનું મન થયું કે તારી પ્રાઈવેટ લાઈફ અંગ્રેજી અખબારે પબ્લીક કરી દીધી પછી અઢાર વર્ષની ઉંમરે તારા રિએક્શન શું છે? યુ ડોન્ટ માઈન્ડ? કે પછી ન ગમ્યુ? પરંતુ હજુ જેપી આ પૂછવા જાય એ પહેલા તો અનાહિતા એની બહેનપણી સાથે દર્પણાના પાછળના અંધકારભર્યા સાંકડા રસ્તા પર ચાલી નીકળી અને પછી દેખાતી બંધ થઈ. પાછળના અંધકારથી થોડે દૂર આગળ કાફે પર યુવાનોના ગ્રુપની વાતોનો કોલાહલ અને કોફીની ચૂસકીઓ ચાલુ હતી. મલ્લિકા સારાભાઈ પોતે કાઉન્ટર પર ઉભા રહીને કોફી સર્વ કરી રહી હતી.

*************

અમદાવાદને જરૂર છે કેટલાક ઢંગના નવા થિયેટ્રીકલ હોલની

21-03-2008

સજી હાઈવે પર આવેલી અમદાવાદની કર્ણાવતી ક્લબની પછવાડે હમણા નવા હોલનું ઉદઘાટન થયું. જેપીને સાંભળીને તો હાશ થઈ કે છેવટે અમદાવાદમાં કોઈ એક નવો હોલ બન્યો ખરો પરંતુ રૂબરૂમાં જોતા ખયાલ આવ્યો કે આ તો વધુ એક મલ્ટીપર્પઝ બેંક્વીટ હોલ છે. એટલેકે ફીક્સ થિયેટ્રલ ખુરશી વાળો હોલ નહી પણ ખુલ્લો હોલ કે જેમાં પ્લાસ્ટિકની ખુરશીઓ બિછાવી દેવાની હોય અને લગ્ન સમારંભેય થાય ને પાર્ટીય થાય, કશું પણ આયોજિત થઈ શકે.

ખરેખર તો અમદાવાદને આવા બેંક્વીટ હોલની નહી પણ ફીક્સ ખુરશીઓ વાળા થિયેટર પ્રકારના હોલની તાતી જરૂર છે.
એમાંય જ્યારે એસજી હાઈવેની બેઉ તરફનું અમદાવાદ વિકસી રહ્યું છે ત્યારે તો વિશેષ કરીને નવા થિયેટ્રીકલ હોલની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.ભવિષ્યને ઉપલક્ષમાં રાખીને પણ થિયેટ્રીકલ પ્રકારનો હોલ જરૂરી છે. અમદાવાદના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત એક મોટા આયોજક તાજેતરમાં મળ્યા હતા તેમણે કહ્યું કે જેપી અમદાવાદમાં અત્યારે કોઈ વ્યવસ્થિત ટિકીટ શો રાખવો હોય તો ઠાકોરભાઈ દેસાઈ હોલ અને ટાગોર હોલ સિવાય એકે લાયક હોલ નથી. એચકે કોલેજનો હોલ ત્રીજો હોલ કહી શકાય પણ તેમાં પ્રોગ્રામ જામતો નથી. છતા તેનો ઉપયોગ ક્યારેક અન્ય હોલના અભાવે કરી શકાય છે. ટાઉન હોલમાં સાઉન્ડના ઈકો એટલેકે પડઘા પડે છે. એટલે તે ટિકીટ પ્રોગ્રામ માટે નકામો નીવડે છે. ટાઉનહોલનું નવીનીકરણ થયું ત્યારે આર્કિટેક્ટ કમલ મંગળદાસનું ધ્યાન દોર્યુ હતુ કે ટાઉનહોલનો ઉપરનો ડોમ બંધ નહી કરો તો અવાજમાં પડઘા પડશે પણ કમલ મંગળદાસે(કે જેમના પરિવારના વડીલ મંગળદાસના નામ પરથી ટાઉનહોલનું નામ મંગળદાસ ટાઉનહોલ છે) આ વાત એમ કહીને ધ્યાનમાં લીધી ન હતી કે ઉપરનો ડોમ બંધ કરીએ તો હોલની બ્યુટી મરી જશે(ખરેખર તો ટાઉનહોલ બન્યો ત્યારથી જ સાઉન્ડના વાંધા છે. આ વિશે જેપીએ ૧૯૫૦ના દશકના ગુજરાત સમાચારમાં ધ્વનિતરંગોના આલેખન સાથેનો એક પાનાનો આર્ટીકલ વાંચ્યો છે.)

અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં જયશંકર સુંદરી હોલ બંધ છે, પ્રેમાભાઈ હોલ ક્યારનોય બંધ છે. બાપુનગર જેવો વિસ્તાર એટલો બધો વિકસ્યો છે કે ત્યાં ગુજરાતી સોશ્યલ અને ધાર્મિક ડ્રામાના ફુલ પેક શો આયોજિત થઈ શકે છે પરંતુ તેટલા મોટા વિસ્તારમાં એકેય હોલ જ નથી. ટાગોર હોલ અને ઠાકોરભાઈ દેસાઈ હોલ બે જ હોલ થિએટ્રલ કક્ષાના લાયક હોલ હોવાથી તેના મોટાભાગના ટાઈમ સ્લોટ બુક થયેલા હોય છે.

જેપીએ હમણા ગુજરાત સાહિત્ય પરિષદના હોલમાં એક કાર્યક્રમમાં જવાનુ થયુ. છે તો આ થિયેટ્રીકલ હોલ જ પરંતુ તેમાં પેસતા જ તેની સરેઆમ દુર્દર્શા જોવા મળી. લગભગ અર્ધી ખુરશીઓ ઢળી પડેલી હતી. એક ખુરશીમાં તો એક કાકા બેઠા અને ટેકો દેવા પીઠ પર ભાર દીધો તો ખુરશીના બે પાંખિયા ૧૮૦ અંશે ઢળી પડ્યા એટલેકે ખુરશીનો પીઠ ટેકો અને આસન બેઉ સીદ્ધા થઈ ગયા. પાછલા વર્ષે જેપીએ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં પણ જવાનું થયુ હતુ. સેનેટ હોલની ખુરશીઓની અને ઓવર ઓલ આખા હોલની દશા જુઓ તો તમને લાગે કે તમે ૧૯૫૮ કે ૧૯૬૮ની સાલમાં બેઠા છો. ગુજરાત યુનિવર્સિટીની નેતાગીરીથી પોતાનું કામ શરૂ કરનાર અને અત્યારે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રિય અધ્યક્ષ બનેલા મિત્ર અમિત ઠાકરે એક વખત તેમની સાથે સેનેટ હોલની વાત નીકળતા કહ્યુ હતુ કે આ સેનેટ હોલ બહુજ સારા એરિયામાં છે. યુનિવર્સિટીનું વિશાળ પાર્કિંગ છે. આ હોલ જો મને નિશ્ચિત સમય માટે બુકિંગના હક સાથે આપી દે તો હું તેને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી આંતરરાષ્ટ્રિય કક્ષાનો બનાવી દેવા તૈયાર છુ. પણ યુનિવર્સિટી વાળા માનતા નથી. એક દિનેશ હોલ છે જે આશ્રમ રોડની પડતી ને કારણે લોકોએ કોઈ કાર્યક્રમ હોય તો શોધવો પડે છે એવી જગ્યાએ આવેલો છે. એનું પણ મેન્ટેનન્સ નથી અને બિલકુલ વપરાતો નથી.

ખેર પાછો આવુ કર્ણાવતી ક્લબના નવા હોલની વાત પર, તો આ તો બેંક્વીટ હોલ જ છે. થિયેટ્રીકલ નહીં એટલે એનો કોઈ ઝાઝો અર્થ સરતો નથી. અમદાવાદને ખરેખર તો જરૂર છે થોડા સાયન્ટીફીક રીતે બનાવાયેલા શ્રેષ્ઠ કક્ષાના અલગ અલગ વિસ્તારોમાં થિયેટ્રીકલ હોલની. હૈદરાબાદ અને દિલ્હીમાં હજારો માણસો બેસી શકે એવા થિયેટ્રીકલ હોલ છે. અમદાવાદ પાસે વધુમાં વધુ આઠસો-નવસો લોકો બેસી શકે એવા ટાઉનહોલ અને ટાગોર હોલ અને ઠાકોરભાઈ દેસાઈ હોલ છે. એક શહેર કેવુ હોવુ જોઈએ ? એક સાથે દસ દસ ને વીસ વીસ ઠેકાણે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો,જલસા અને મનોરંજનથી ધમધમતુ હોવુ જોઈએ. આ માટેના સ્થળો પણ હોવા જોઈએ ને ?

***************************************

અડવાણીના પુસ્તકમાં ગુજરાતના કોમી તોફાનો વિશે શું છે ?

20-03-2008

લાલકૃષ્ણ અડવાણીએ તેમના નવા પુસ્તકમાં ગોધરાકાંડ પછીના ગુજરાત તોફાનોનો કેટલોક ઉલ્લેખ કર્યો છે એમાં એક વાત એવી છે કે તેમના પર સામ્યવાદી નેતા સોમનાથ ચેટર્જીનો ફોન આવ્યો. ચેટર્જીએ કહ્યું કે ભાવનગરનું સામ્યવાદી પાર્ટીનું યુનિટ તેમને ફોન કરી રહ્યું છે કે ભાવનગરમાં લોકોના ટોળા થયા છે અને એક મદ્રેસા ઘેરી લીધુ છે જેને સળગાવી દેવાશે. અડવાણીએ આ વાતને ગંભીરતાથી લઈને ભાવનગર ફોન કરી મદ્રેસાને ખાખ થતુ અટકાવડાવ્યુ હતુ. આ પછી ભાવનગરના સામ્યવાદીઓએ અનેક લોકોના જીવ બચાવી લેવા બદલ સોમનાથ ચેટર્જીને અભિનંદન આપ્યા તો સોમનાથદાએ કહ્યું કે અભિનંદન અડવાણીને આપો. ખરેખર તો મદ્રેસા અને તેમાંના લોકોને અડવાણીએ બચાવ્યા છે.

અડવાણીજી તેમના પુસ્તકમાં અમદાવાદની કોમી ધમાલની અન્ય એક વાત પણ ટાંકે છે. તેઓ લખે છે કે નજમા હેપતુલ્લાનો તેમના પર ફોન આવ્યો કે તેમના પતિ અકબર તુરંત વાત કરવા ઈચ્છે છે. અમદાવાદમાં વોરા મુસ્લિમોનું બજાર હિંદુઓના સંભવિત હુમલાથી ફફડી રહ્યું છે. અડવાણીજી લખે છે કે તેમણે તુરંત જ નરેન્દ્ર મોદીને આ બાબતે જણાવ્યુ અને બીજા દિવસે નરેન્દ્ર મોદીનો ફોન કોલ આવ્યો કે વોરા બજાર સુરક્ષિત છે.

જેપીએ અડવાણીજીની આ વોરા બજાર વાળી વાતમાં સુધારો કરવો છે કારણકે જેપી આ વાતનો સાક્ષી છે. દરઅસલ અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં એ સાંજે સ્વર્ગસ્થ નાટ્યલેખક વિનોદ જાનીની આત્મકથાના પુસ્તકનું વિમોચન હતુ. હરિન પાઠક કાર્યક્રમ શરૂ થતા પહેલા હોલની બહાર ઉભા હતા અને ફોન પર દાદા , જી દાદા, હા દાદા … એમ બોલી રહ્યા હતા. જેપી તેમની બાજુમાં જ ઉભો હતો. ફોન મૂકીને હરિન પાઠકે અમારી સમક્ષ સ્પષ્ટતા કરી કે દાદા(અડવાણીજીને હરિન પાઠક દાદા કહે છે)નો ફોન હતો. નજમા હેપતુલ્લાએ દાદાને ફોન કરીને અમદાવાદના મણિનગરમાં ખોજા સોસાયટી પર હુમલો થવાનો છે એ બાબતે મદદ માંગી અને દાદાએ મને ફોન કર્યો. હરિન પાઠક ત્યાર પછી ખોજા સોસાયટીને રક્ષણ મળી રહે એ માટે ફોન ઘુમાવવા માંડ્યા. અમને એ વખતે આશ્ચર્ય થયુ હતુ કે અડવાણી આવી બાબતમાં નરેન્દ્ર મોદીને નહી અને હરિન પાઠકને શું કરવા ફોન કરે ? એ તો સૌ જાણે છે કે હરિન પાઠક એ અડવાણીજીના ખૂબજ નજીકના વ્યક્તિ ગણાય છે પરંતુ આવી બાબતે તો ફોન નરેન્દ્રભાઈ પર જવો જોઈતો હતો ને ?

અડવાણીજીએ પુસ્તકમાં ખોજાનું વ્હોરા કરી નાખ્યુ છે અને ખોજાઓના રહેણાક વિસ્તારના બદલે વહોરા બજાર લખી નાખ્યું છે. ઘરડા માણસ આત્મકથા લખે ત્યારે આવી નાની મોટે ગરબડો થતી હોય છે.
****************

વડનગરના પુરાતત્વીય ઉત્ખનનમાં ભેદી બાંધકામ મળ્યુ છે!! બાંધકામનો હેતુ ઉકલાતો નથી!!


17 માર્ચ ૨૦૦૮
ઉત્તર ગુજરાતના વડનગરમાં ઘાસકોલ દરવાજા નજીકના ખુલ્લા પ્લોટમાં હાલ ગુજરાતના પુરાતત્વ વિભાગ તરફથી ઉત્ખનનનું કામ ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યું છે. વડનગર ખૂબ જ પુરાણુ શહેર છે. વડનગરમાં ક્યાંય પણ ખોદો પુરાણા અવશેષો મળી આવે છે. હવે પદ્ધતિસરનું પુરાતત્વીય ઉત્ખનન હાથ ધરાયુ છે ત્યારે લોકોને ઘણી આશા છે કે દુનિયા જોતી રહી જાય એવું કશુંક નીકળી આવે.

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મૂળ વડનગરના વતની છે. નાનપણમાં તેઓ પોતે પણ વડનગરમાં કશેક મકાનના પાયા ખોદાય ત્યારે જુનુ બાંધકામ મળી આવે એ વાત વિસ્મયથી જોતા હતા. મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સરકારના પુરાતત્વ ખાતાને વડનગરમાં ઉત્ખનન કરવાનો હુકમ આપ્યો. વડનગર ખરેખર તો કિલ્લાની અંદર ઉંચાણવાળા ટેકરા પર વસેલુ નગર છે. કિલ્લેબંધ નગરની અંદર ક્યાંક ઉત્ખનન કરવામાં આવે તો અંદરથી ઘણો સમૃદ્ધ પુરાણો વારસો મળી આવે. પરંતુ કિલ્લેબંધ નગરની અંદર કોઈ ખાલે પ્લોટ ઉપલબ્ધ ન હોવાના કારણે પુરાતત્વ વિભાગે શરૂઆતમાં ૨૦૦૫-૦૬ની સાલમાં નગરની બહાર ઉત્ખનન કર્યું. આ ઉત્ખનન ત્રણેક ઠેકાણે કરવામાં આવ્યુ હતુ જેમાં એક ઠેકાણે બે હજાર વર્ષ જૂનુ ઘર જમીનની અંદરથી મળ્યું.

જો કે ખરેખર તો કિલ્લેબંધ નગરમાં જ ક્યાંક ઉત્ખનન કરવુ જરૂરી હતુ. છેવટે પુરાતત્વ ખાતાને ઘાસકોલ દરવાજા વિસ્તારમાં એક ખાલી પ્લોટ ફાળવવામાં આવ્યો જેના પર હાલ ઉત્ખનન ચાલી રહ્યું છે જે આપ ઉપર વિડિયોમાં જોઈ શકો છો. આ ઘાસકોલ દરવાજાની સાઈટ પર ત્રીસ ટકા વિસ્તારમાં ઉત્ખનન પૂરુ થઈ ચૂક્યુ છે. આ ઉત્ખનન ઉંડામાં ઉંડુ આઠ મીટરે પહોંચ્યું છે. ઉત્ખનન દરમિયાન ઈસવીસન પૂર્વેની ત્રીજી સદીથી માંડીને સોલંકીકાળ સુધીના એટલેકે બે હજારથી એક હજાર વર્ષ જૂના સમયગાળાના ત્રણ અલગ અલગ ટાઈમમાં બંધાયેલા બાંધકામ મળી આવ્યા છે. આ બાંધકામ દિવાલોના સ્વરૂપે છે. જોકે દિવાલોની ગોઠવણી એવી અટપટી છે કે આ બાંધકામ શેના માટે વપરાતુ હશે, બાંધવામાં આવ્યું હશે, એ હજુ સુધી પુરાતત્વવિદ્વાનો કળી શકતા નથી.

ગુજરાતના પુરાતત્વ નિયામક શ્રી વાય એસ રાવતનું કહેવુ છે કે શક્ય છે કે આ બાંધકામ ગંદા પાણીના નિકાલ માટેનો પ્લાન્ટ હોય. રોમમાં અને ભારતમાં પણ પુરાણા સમયે કિલ્લેબંધ નગરનું ગંદુ પાણી કિલ્લાની બહાર કાઢવામાં આવે એ પહેલા તેને ટ્રીટ કરવુ પડતુ હતુ.ટ્રીટ કરવાની જરૂરિયાત એટલા માટે પણ રહેતી હતી કે કિલ્લાની બહાર પાણી મોકલતી વખતે તેનો પાઈપ નાનો રાખી શકાય કે જેથી દુશ્મન તે માર્ગે કિલ્લાની અંદર ન ઘૂસી આવે. એક અન્ય શક્યતા એ પણ છે કે આ બાંધકામ સંગ્રહ માટેની જગ્યા હોય કારણકે બારણા વગરના ભોંયરા જેવા કમરા પણ મળી આવ્યા છે. શ્રી રાવત કહે છે કે હજુ આ સાઈટ પર માત્ર ત્રીસ ટકા જ ઉત્ખનન થયું છે. પૂરેપૂરુ ઉત્ખનન થઈ જતા ચોક્કસ આ બાંધકામનો હેતુ માલૂમ પડી જશે.

કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સૂચિત નગરરચના અનુસાર જૂના વડનગરના આ ઘાસકોલ દરવાજા વિસ્તારમાં કલાકારો રહેતા હોય એ શક્ય છે. વળી આ સાઈટ પરના ઉત્ખનનમાં શિલ્પ બનાવવાના દસ્તા જેવી ચીજ પણ મળી આવી છે. એ જોતા આ કલાકારોની વસાહત જેવુ કોઈ સ્થળ હોય એ પણ શક્ય છે.

ઘાસકોલ દરવાજાની ઉત્ખનન સાઈટ પરથી અત્યાર સુધી બે હજાર જેટલા નમૂના મળી આવ્યા છે. આમાં ઘરેણા, ચાંદીના સિક્કા, દેવશ્રી રૂષિ એમ બ્રાહ્મી લિપીમાં લખેલુ ઠીકરુ, ભગવાન બુદ્ધનું ખંડિત માથુ, રોમન પ્રકારના માથાવાળુ મોઢુ, પાઘડીવાળુ ટેરાકોટાનુ મોઢુ, બૌદ્ધ ભિક્ષાપાત્ર વગેરે નમૂનાઓનો સમાવેશ થાય છે. હ્યુએન ત્સંગ નામના બૌદ્ધ પ્રવાસીએ વડનગરમાં બૌદ્ધ મઠો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વડનગર ઉત્ખનનમાં જે રીતે બૌદ્ધ ધર્મ સાથે સંબંધ રાખતા નમૂના મળી આવી રહ્યા છે એ જોતા બૌદ્ધ ધર્મનું તે એક જમાનામાં બહુ જ મોટુ કેન્દ્ર હશે એ ફલિત થાય છે.

દરમિયાન જો વડનગરના હાલના દરબારગઢ તરીકે ઓળખાતા વિસ્તારમાં ઉત્ખનનનો મોકો મળે તો ત્યાંથી વધુ સમૃદ્ધ બાંધકામો અને નમૂના મળી આવે તેવી શક્યતા છે. કારણકે પરંપરાગત રીતે સૌથી જૂના વડનગરમાં આ સ્થળે સમૃદ્ધ માનવ વસાહત વસતી હશે તેમ માની શકાય છે. વળી જ્યાં ઘાસકોલ દરવાજાની સાઈટ વડનગરની ઉંચાઈના ઢોળાવ પર આવેલી હોવાથી પંદર ફૂટની ઉંડાઈ ધરાવે છે ત્યાં દરબારગઢની સાઈટ પચ્ચીસ ફૂટની ઉંડાઈ ધરાવે છે તેથી ત્યાં ખૂબ જ સારુ ઉત્ખનન થઈ શકે તેમ છે. અફસોસની વાત એ છે કે દરબારગઢ વિસ્તારમાં કોઈ ખાલી પ્લોટ આવેલો નથી. જો કે અહીં હયાત ઘર કે મિલકત ધરાવનારાઓ સાથે વાતચીત કરીને તેમને યોગ્ય વળતર આપીને પ્લોટ ઉભો કરવાની યોજના માટે પુરાતત્વ ખાતાને સાહીઠ લાખ રૂપિયાનું બજેટ તાજેતરમાં રાજ્ય સરકારે ફાળવ્યું છે.

dakor.jpg

*************************************************

ઝારખંડથી રાજ્યસભામાં ઉભેલા ગુજરાતમાં મુકેશ અંબાણીના હાથ સમા પરિમલ નથવાણી કોણ છે ?


૧૪ માર્ચ ૨૦૦૮

પરિમલ નાથવાણી ગુજરાતમાં રિલાયન્સના-મુકેશ અંબાણીના મુખ્ય માણસ છે(વધુ સ્પષ્ટ ભાષામાં કહીએ તો સર્વે સર્વા છે.). ગુજરાતની જામનગરની રિફાઈનરી હોય કે રિટેલ બિઝનસ, સરકાર સાથેનું લાયઝન હોય કે મિડિયા સાથેનો વ્યવહાર… મુકેશ અંબાણીના આ અંગેના ટેન્શન, વહીવટ અને પડકારોનું તમામ કામ સંભાળે છે કરોડો રૂપિયાના પગારદાર શ્રીમાન પરિમલ નાથવાણી. નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ માટે રિલાયન્સનું એરોપ્લેન મેનેજ કરવાનુ હોય તો મુખ્યમંત્રીની ઓફિસ પણ પરિમલ નથવાણીનો નંબર લગાવે છે. પરિમલ નાથવાણી હમણા ન્યુઝમા તેમના ઝારખંડ રાજ્યમાંથી રાજ્યસભાના નોમીનેશનને લઈને છે. પરિમલ નાથવાણીની રિલાયન્સમાં જોડાવા સુધીની અને ત્યાર પછીના પ્રારંભિક ગાળાની સફર વિશેની સ્ટોરી બહુ ઓછી જાણીતી છે જે તેમના રાજ્યસભા નોમીનેશનના અવસરે નીચે પ્રસ્તુત છે.

***

મૂળ મુંબઈયા ગુજરાતી

પરિમલ નાથવાણીનો જન્મ મુંબઈ થયો હતો. કોલેજ પણ મુંબઈમાં જ કરી પરંતુ આ બધા સમય દરમિયાન તેઓ જામનગર સાથે સતત સંપર્કમાં હતા.

પરિમલભાઈનું મૂળ વતન જામનગર જિલ્લાનું જામખંભાળિયા ગામ. દાદા જામખંભાળિયામાં રહેતા હતા એટલે મુંબઈમાં ભણતા ભણતા પરિમલકુમારને જામખંભાળિયા દાદાના ઘરે વેકેશનમાં આવવાનું થતુ હતુ. પરિમલભાઈના મામાને જામનગરમાં એક્સ્પોર્ટ હાઉસ હતુ એટલે દાદાને ત્યાં કંટાળે કે મામાને ત્યાં પહોંચી જતા. મામાનો બિઝનસ જોઈને તેમને મનોમન થતું હતુ કે એક દિવસ મામાની માફક મોટા ઉદ્યોગપતિ થવું છે.

પરિમલભાઈના મામા મધુભાઈ કોટકની કોટક એન્ડ કંપની ત્યારે દેશભરમાં આ વ્યવસાયમાં જાણીતી હતી. ભારતના છ શહેર ઉપરાંત જાપાન, સિંગાપુર, પોલેન્ડ, શાંઘાઈ, કોલંબો અને લંડનમાં પણ મામા મધુભાઈની કંપનીની ઓફિસો હતી. મામાને કામ કરતા જોઈને પરિમલભાઈએ વિચાર્યુ તો ઉદ્યોગપતિ બનવાનું પણ કોલેજના દિવસોમાં તેમને તક મળી ગઈ ક્રિકેટર બનવાની!

આંખ પર બોલ વાગ્યો ને ક્રિકેટ છોડ્યુ …

કોલેજમાં તેઓ સારામાં સારા બેટસમેન ગણાતા હતા. તેમની કોલેજે કેટલીય ટુર્નામેન્ટ તેમની બેટીંગને કારણે જીતી લીધી હતી. પરિમલભાઈને ત્યારે એમ જ લાગતુ કે પોતે સુનીલ ગાવસ્કર છે. પણ એક મેચમાં બોલ બરાબર આંખની ઉપર વાગ્યો. અને ક્રિકેટ રમવાનું છોડવું પડ્યું. પરિમલભાઈએ બોલ વાગવાથી ઘાયલ થયેલી આંખનું ઓપરેશન કરાવવું પડ્યું. ડોક્ટરે કડક સૂચના આપી હતી કે આ આંખમાં જો બીજી વખત બોલ વાગ્યો તો આંખ કાયમ માટે ગુમાવવી પડશે. ડોક્ટરની આ વાતને ગંભીરતાથી લઈને સુનીલ ગાવસ્કર બનવાનો વિચાર છોડી પરિમલભાઈએ ઉદ્યોગપતિ બનવાનું નક્કી કરી લીધુ. પરિમલભાઈના પિતા ધીરજલાલ અને પરિમલભાઈની બેઉ બહેનો પણ આમ જ ઈચ્છતી હતી.

સાબુનો ધંધો કર્યો: પહેલા કમાયા ને પછી ગુમાવ્યા …

અને પરિમલભાઈને બિઝનસ કરવાની તક મળી પણ ખરી. સિત્તેરના દશકમાં ભારત સરકારે કોકા કોલા પર પ્રતિબંધ મૂક્યો અને પાર્લે સોફ્ટ ડ્રિંક્સે થમ્ઝ અપ લોંચ કરી. થમ્ઝ અપ્ને યુવાન ડિસ્ટ્રિબ્યુટર જોઈતા હતા. પરિમલ નથવાણીને તેની મુંબઈની ડિસ્ટ્રિબ્યુટરશીપ મળી.પરિમલભાઈ મહેનત કરવા લાગી ગયા અને થમ્ઝ અપનું કામ ગોઠવાયા પચઃઈ તેમણે સૌરાષ્ટ્રમાં પહેલવહેલી વખત નહાવાના પીયુ સાબુની એજન્સી લીધી.

બન્યુ એવુ કે પીયુ સાબુ મેનેજમેન્ટના આંતરિક વિખવાદને કારણે બજારમાં આવતા બંધ થઈ ગયા. પીયુના બે ડિરેક્ટરોએ પરિમલભાઈને કહ્યું કે જો તમે આવતા હોવ તો આપણે સાથે મળીને સાબુ બનાવવાની ફેક્ટરી શરૂ કરીએ. પરિમલભાઈએ આ ઓફર ખુશી સાથે સ્વીકારી કારણકે તેમને લાગ્યું કે ખરેખર ઉદ્યોગપતિ બનવાની તક હવે મળી રહી છે. તુરંત તેમણે મુંબઈમાંથી પોતાનો મુકામ સમેટીને રાજકોટ આવવાનુ નક્કી કર્યું. સાથે મળીને ટેનિક્સ સોપ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી. જયપુરની એક સાબુ બનાવવાની ફેક્ટરી ભાડે રાખી હતી તેમાં ઉત્પાદન શરૂ કર્યું.સાબુની સારા એવા પ્રમાણમાં માંગ પણ ઉભી થઈ. ૧૯૮૨ના અંત ભાગમાં પરિમલભાઈ અત્યંત ખુશ હતા. સાબુમાં ત્રણ બ્રાન્ડ હતી: ડોના, સનમ અને ફેડ. દોઢેક વર્ષ પછી બીજા ડાયરેક્ટરો પરિમલભાઈને વધુ નવુ મૂડીરોકાણ લાવવાનો આગ્રહ કરવા લાગ્યા. પરિમલભાઈ પાસે કોઈ મૂડી હતી નહીં તેથી તેમણે આ માટે અશક્તિ દર્શાવી. આ પછી બીજા ડીરેક્ટરોએ કાવાદાવા શરૂ કરવા માંડ્યા અને છેલ્લે તો પરિમલભાઈને એટલુ સુદ્ધા કહી દીધુ કે દસેક લાખ રૂપિયા લઈ આવો અથવા કંપની છોડી દો. પરિમલભાઈએ કંપની છોડી દીધી. કંપનીની સાથે સાથે પરિમલભાઈના વ્યાજે લાવેલા આઠેક લાખ રૂપિયા પણ ગયા.

આર્થિક નાદારીના દિવસો નહી વર્ષો …

સૌરાષ્ટ્રમાં બિઝનસ શરૂ કર્યે બે જ વર્ષ થયા હતા. હવે શું કરવું? જે થોડીઘણી મૂડી હતી એ તો સાબુની ફેક્ટરીમાં જતી રહી. વધુમાં જે કરજ કર્યું હતુ એ પૈસાનું પણ હવે નાહી નાખવાનું હતુ અને વ્યાજનું મીટર ફરતુ હતુ.

તો હવે પાછા બિસ્તરા પોટલા બાંધીને મુંબઈ ચાલ્યા જવું કે સૌરાષ્ટ્રમાં જ નવેસરથી નસીબ અજમાવવાનું સાહસ કરવું? પરિમલ નથવાણીએ સૌરાષ્ટ્રમાં જ રહેવાનું અને રાજકોટ છોડી દઈને ખંભાળિયા સ્થાયી થવાનું નક્કી કર્યું.

જામખંભાળિયામાં આવક માટે નાનામોટા કામો કર્યા. નાના કામોમાં જરાય આવક મળતી ન હતી અને મોટા કામ કરવા જતા કરજ વધતુ જતુ હતુ. દિવસે દિવસે આર્થિક મૂશ્કેલી વધતી ગઈ. છેવટે તો દિવસો કાઢવા પર વાત આવી ગઈ. દિવસ પૂરો થાય એટલે હાશ થાય. લગભગ ૧૯૯૨-૯૩ સુધી આમ ચાલ્યુ. એવામાં વડોદરામાં આશાનું કિરણ દેખાયું.

વડોદરામાં એસટીડી-પીસીઓનું બુથ ચલાવ્યું …

એસટીડી-પીસીઓ પબ્લીક ફોનનું બજાર એ વખતે નવુસવુ અને ઉભરતુ હતુ. પરિમલભાઈએ પીસીઓ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા અને તેમનો પીસીઓ મંજૂર પણ થયો. જો કે તેના માટે તેમણે વડોદરા જવુ પડે તેમ હતુ. વડોદરા સ્ટોક એક્ષચેંજના બિલ્ડીંગમાં જ પીસીઓ મળ્યો હોવાથી ખંભાળિયા છોડીને વડોદરા જવાનું નક્કી કર્યું. પીસીઓથી ઘરના નિયમિત ખર્ચા નીકળતા થયા અને ફરી સારો સમય આવ્યો હોવાની રાહત થઈ.

પીસીઓનું બજાર નવુ હોવાથી તેની પબ્લીસીટી કરવી જોઈએ એમ લાગ્યું પરંતુ પૈસા ન હતા તેથી જાતે બોર્ડ ચીતર્યા. પૂંઠાના હોર્ડિંગ્ઝ બનાવીને શહેર આખાના થાંભલાઓ પર માર્યા. સાવ સસ્તા ચોપાનિયા બનાવીને વડોદરાના ચોકમાં વહેંચ્યા. ધારા એસટીડી પીસીઓ આખા શહેરમાં જાણીતુ થવુ જોઈએ એવી ધૂન સાથે આ બધુ કરતા હતા.

મહેનત ફળી. એકાદ વર્ષના ગાળામાં ગાડી દોડવા માંડી. નિશ્ચિત આવક શરૂ થતા પરિમલભાઈએ શેરબજાર પર હાથ અજમાવ્યો. ભૂતકાળનો અનુભવ સારો ન હતો. છતા એ દિવસોમાં કંપનીઓના શેરનું પ્રાઈવેટ પ્લેસમેન્ટ બહુજ થતુ. પરિમલ નાથવાણીએ પ્રાઈવેટ પ્લેસમેન્ટનું કામ શરૂ કર્યું. આમાં સફળતા મળી. પ્રાઈવેટ પ્લેસમેન્ટનું કામ વ્યવસ્થિત થયું એટલે શેરદલાલ તરીકે વડોદરા શેરબજારનું કાર્ડ લઈને જયપુર, અમદાવાદ અને લુધિયાણા શેરબજાર સાથે બિઝનેસલાઈન શરૂ કરી. સટ્ટાખોર સ્વભાવ હોવાથી શેરબજાર સદવા લાગ્યું.થોડી આવક થાય એટલે અમુક રકમ અગાઉના લેણદારોને ચૂકવી દે. બાકીની રકમ હાથ પર રાખે.


ધીરુભાઈ અંબાણીને મળવાની તક ઉભી થઈ અને …

૧૯૯૪-૯૫ની શરૂઆતના દિવસો હતા. રિલાયન્સ જૂથ જામનગરમાં રિફાઈનરી કરવા માંગતુ હતુ. રિફાઈનરીના આ પ્રોજેક્ટમાં પ્રારંભિક અડચણ વિશાળ જમીન મેળવવા અંગેની હતી. કંપની ખેડૂતો પાસેથી જમીન સંપાદિત કરવા માંગતી હતી પરંતુ છેલ્લી ઘડીએ હાઈકોર્ટે જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયા રદબાતલ કરી નાખી હતી. શેરબજાર સાથે સંકળાયેલા હોવાથી અને જામનગર પોતાનુ વતન હોવાથી પરિમલભાઈને રિલાયન્સના પ્રોજેક્ટની પ્રગતિ જાણવામાં રસ પડતો હતો. એક વખત તો તેમને સાંભળવા મળ્યુ કે રિલાયન્સ જમીન સંપાદનના મામલે કંટાળીને રિફાઈનરીનિ આખો પ્રોજેક્ટ રાયગઢ-મહારાષ્ટ્ર લઈ જશે. આ સાંભળીને પરિમલભાઈને ભારે દુ:ખ પહોંચ્યું હતુ કારણકે જામનગર તેમનુ વતન હતુ અને તેનો વિકાસ અટકતો હતો.

જો કે પછી પરિમલભાઈ પોતાના કામોમાં વ્યસ્ત રહેવા લાગ્યા અને એક દિવસ તેમના ભત્રીજા મનોજનો મુંબઈથી ફોન આવ્યો કે આવતીકાલે બધા કામો પડતા મૂકીને મુંબઈ પહોંચી જાઓ. ધીરુભાઈ અંબાણી સાથે તમારી મિટીંગ ગોઠવી છે. મનોજ રિલાયન્સમાં નોકરી કરતો હતો. પરિમલભાઈએ મિટીંગનું કારણ પૂછ્યું તો મનોજે કહ્યું કે પહેલા અહીં આવી જાઓ પછી બીજી બધી વાત થશે.

પરિમલભાઈને મિટીંગનું કારણ જાણવા કરતા વધુ રસ ધીરુભાઈને નજીકથી જોવાનો હતો. પરિમલભાઈ શેરબજારમાં હતા એટલે ધીરુભાઈની વાતો અવારનવાર થતી હતી. ધીરુભાઈના ફોટા છાપામાં જોયા હતા. પરિમલભાઈની ઈચ્છા ધીરુભાઈને મળવા, જોવાની અને તક મળે તો અડવાની હતી.

બીજા દિવસે સવારે પરિમલભાઈ મુંબઈ જવા ઉપડ્યા. સવારે પોણા બાર વાગ્યે એમણે મેકર ચેમ્બર્સ પહોંચવાનુ હતુ.

ધીરુભાઈ અંબાણીને પરિમલ નથવાણીનો આત્મવિશ્વાસ ગમી ગયો …

મેકર ચેમ્બર્સમાં ધીરુભાઈ સાથેની મિટીંગમાં પરિમલભાઈ કહ્યું ” સોરી સર પણ મને લાગે છે કે આપણે જામનગર રિફાઈનરીના જમીન સંપાદન માટે સામાન્ય ખરીદદારની માફકજ ખેડૂતો પાસે જવુ જોઈતુ હતુ. જમીન સંપાદનના કામમાં રહેલી કેટલીક ખામીઓને કારણેજ હાઈકોર્ટે કંપની વિરૂદ્ધ જજમેન્ટ આપ્યુ છે. જે ખેડૂતોને ખબર છે કે તેમની જમીનના દસગણા ભાવ મળવાના છે એ ખેડૂતો તો ઘણા લાંબા સમયથી કોર્ટના પોઝીટીવ હુકમની રાહ જોતા જ હતા. કોર્ટમાં આપણે બે વર્ષ બગાડ્યા છે પણ જો આટલો જ સમય આપણે સીધો ખેડૂતોને કન્વીન્સ કરવામાં વાપર્યો હતો તો શક્ય છે કે અત્યારે એંશી ટકા જમીન આપણે મેળવી લીધી હોત.

ધીરુભાઈએ સામે પૂછ્યું ” તમને ખબર છે, રિલાયન્સને જામનગરમાં કેટલી જમીન જોઈએ છે?”

પરિમલભાઈએ કહ્યું ” હા, લગભગ સાત હજાર એકર અને આટલી જમીન લગભગ ૧૧૦૦ ખેડૂતો વચ્ચે આવેલી છે.”

પરિમલભાઈએ ધીરુભાઈ અંબાણી સમક્ષ આત્મવિશ્વાસથી વાત કરી હતી એનાથી માહોલ જામ્યો હતો. ધીરુભાઈએ સીધા ખરીદાર બનીને જમીન ખરીદવાની તૈયારી મૂકી પણ એ પહેલા પેપરવર્કની ચકાસણી કરવાનુ કહ્યુ. પરિમલભાઈએ એક અઠવાડિયાનો સમય માંગ્યો.

ધીરુભાઈ પાસેથી છૂટા પડીને પરિમલભાઈએ સીધો જામનગરનો રસ્તો પકડ્યો.જામનગર પહોંચીને વડોદરા ફોન કરી કહી દીધુ કે પોતે હવે દસ દિવસ સુધી વડોદરા આવી શકશે નહીં. કામ જબરજસ્ત ચેલેંજીંગ હતુ અને સારા એવા પૈસા પણ મળે એમ હતા જો કે જામનગર આવતી વખતે પૈસાની વાત જરા પણ મનમાં ન હતી. રિલાયન્સને કશુંક કરી દેખાડવાની તમન્ના હતી.

જામનગર આવીને પરિમલભાઈએ પહેલુ કામ અગિયારસો ખેડૂતોના સરનામા મેળવવાનું કર્યું. આ અગિયારસો ખેડૂતોની જમીન રિલાયન્સના પ્રોજેક્ટ માટે જરૂરી હતી. રિલાયન્સ આ ખેડૂતોને એક વીઘાના બે હજારના ભાવ સામે વીસ હજારનો ભાવ આપવાની હતી. પરિમલભાઈએ એ જાણવું હતુ કે દસગણા ભાવ મળતા હોવા છતા ખેડૂતોને આ સોદામાં વાંધો શું હતો? તપાસ કરતા માલૂમ પડ્યું કે ખેડૂતો તો વીધા દીઠ એક લાખ રૂપિયાનો ભાવ માંગતા હતા. એટલેકે બે હજારની જમીનના મળતા હતા વીસ હજાર પણ જોઈતા હતા એક લાખ. પરિમલભાઈએ એ જાણવાનુ હતુ કે ખેડૂતોને ભડકાવે છે કોણ? ભડકાવવાનું કારણ શું? આ બધી તપાસ પૂરી કરીને તેઓ પરત મુંબઈ ગયા.

જ્યારે એક એક ક્ષણ એક એક ભવ જેવી લાગી હતી …

આ વખતે ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી અને પરિમલ નથવાણી વચ્ચે ફરીથી એક વખત મિટીંગ થઈ. તમામ ચર્ચાવિચારણા પછી ધીરુભાઈએ પરિમલ નથવાણીને પૂછ્યું કે “જમીન સંપાદનની જવાબદારી તમને સોંપી દઈએ તો તમે એ કામ કેટલા સમયમાં પૂરુ કરી શકો? પરિમલભાઈએ ફટ દઈને જવાબ આપ્યો – છ મહિનામાં.

અર્ધી મિનીટ માટે મેકર ચેમ્બર્સની એ ઓફિસમાં ચુપકિદી છવાઈ ગઈ. પરિમલભાઈને એક એક ક્ષણ એક ભવ જેવી લાગવા માંડી. ધીરુભાઈ અને મુકેશ અંબાણીને શાંત બેઠેલા જોઈને પરિમલભાઈને લાગ્યું કે આ બંને હમણા મારા પર ખડખડાટ હસી પડશે. પણે એવું કશું થયું નહીં અને અર્ધી મિનીટની શાંતિ પછી ધીરુભાઈએ કહ્યું કે “પરિમલ તમે કામે લાગી જાઓ.પણ તમને હું છ નહિ ત્રણ જ મહિના આપુ છું. મારે ત્રણ મહિનામાં રિફાઈનરીનું કામ પૂરુ જોઈએ.” પરિમલભાઈ રિલાયન્સનું કામ મળ્યુ એનાથી જેટલા ખુશ હતા એટલાજ ત્રણ મહિનામાં આ ચેલેંજ પૂરી કરવાની છે એ વિચારે ટેન્શનમાં પણ આવી ગયા હતા. સાંજે જ તેઓ ફ્લાઈટમાં જામનગર પહોંચ્યા. તેમણે વિચાર્યું કે કામ આજે જ શરૂ કરી દૌ અને આજે ને આજે રાત્ર કમસેકમ ત્રણ ખેડૂતોને તો મળી જ લેવુ.

ચેલેંજ જામનગર …

૭૦૦૦ એકરની રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ જામનગર જિલ્લાના સિક્કા, નાની ખાવડી, મેઘપર, પડાળા, ગાગવા, પીપળી અને મોટી ખાવડી ગામો વચ્ચે આવેલી છે. એકતરફ હિંદ મહાસાગર, બીજી તરફ કાનાલૂસની રેલવેલાઈન અને ત્રીજી તરફ જામનગર આવેલુ છે.

રિફાઈનરી માટે જમીન ખરીદવા પરિમલભાઈએ હવે એક એક ખેડૂતને ઘરે જવાનુ હતુ. ઈન્ડસ્ટ્રી વિરોધીઓ, પર્યાવરણવાદીઓ, સ્થાનિક વિધ્નસંતોષીઓને ઠારવાના હતા. ખેડૂતો સાથે મિટીંગ શરૂ થવા લાગી.

“મોટા ભાઈ આવે ત્યારે આવજો .. નાનો બહાર ગયો છે … બાપુનો જીવ જમીનમાં છે … બાજુના શેઢાવાળા ગીગાભાઈ શું કરવાના છે? … તમારો ભાવ ખોટો છે … જમીન વેચ્યા પછી અમારુ શું … માગો તો જીવ દઈશું, પણ જમીન ભૂલી જાવ … ગામમાં આવ્યા છો તો ટાંટિયા ભાંગી નાખીશું” એવા જવાબો સાંભળ્યા પછી પણ પરિમલભાઈ લાગેલા રહ્યા. કોઈ રાત્રે બાર વાગ્યે બોલાવે તો કોઈ ખેડૂતને મળવા બપોરે ત્રણ વાગ્યે જવુ પડે. કોઈના ઘરે અંતિમ નિર્ણય બાપુજી લેતા હોય તો વળી કોઈ પરિવારમાં બનેવીનું જ ચાલતુ હોય. પરિમલભાઈએ બે મહિનામાં એક એક ખેડૂતને મળી લીધુ. એમની જ બોલી બોલવાની અને એમની રીતભાત સાથે એમને મળવાનુ.

કંપની આવવાથી શું ફાયદા થશે, ખેતર વેચાણથી શું લાભ થશે એ બધું ગામલોકોને સમજાવતા. ગામવાળા શરત મૂકે કે ગામમાં દવાખાનુ બનાવડાવવુ પડશે કે ગૌશાળા બનાવવી પડશે, પાણીના ટાંકા, સમાજની વાડી, ડામરના રસ્તા, તો બધી માંગ સ્વીકારી લેતા. ક્યારેક બીજી સવારે ખબર પડે કે જે જમીનનો સોદો થવાનો હતો ત્યાં મંદિર કે કબર બની ગઈ છે. ભારે હાડમારી વચ્ચે ત્રણ મહિના પૂરા થયા.

બરાબર ત્રણ મહિના વચ્ચે પરિમલભાઈ અને ધીરુભાઈ અંબાણી વચ્ચે મિટીંગ થઈ. જરૂર કરતા માત્ર ત્રીસ ટકા જમીન મેળવી શકાઈ હતી. મિટીંગ માંડ દસ મિનીટ ચાલી. કામગીરીનો રિપોર્ટ જાણીને ધીરુભાઈએ પૂછ્યું કે બાકીની જમીનને કેટલી વાર લાગશે ? પરિમલભાઈએ બીજા ત્રણ મહિનાની મુદ્દત માંગી. ધીરુભાઈએ તે સ્વીકાર્યું. આ નવી મુદત સાથે પરિમલભાઈને સમજાઈ ગયું કે જો તેમને પહેલી જ મિટીંગમાં છ મહિના અપાઈ ગયા હોત તો શક્ય છે કે થોડી આળસ થઈ જાત. ધીરુભાઈએ બહુ સૂઝબૂઝથી જ બે કટકામાં ત્રણ મહિનાનો ગાળો આપ્યો.


પરિમલ ‘ભાઈ’ ને પરિમલ ‘શેઠ’…

નવા ત્રણ મહિનામાં બીજી ચાલીસ ટકા જમીન મેળવી લીધી. કુલ જમીન સિત્તેર ટકા થઈ ગઈ. આ પછી પરિમલભાઈએ મુકેશ અંબાણીને કહ્યું કે પોતાનું મોટાભાગનું કામ પૂરુ થયું છે. બાકીની જમીનનું સંપાદન કામ હવે સ્વ.કેબી સુરતી કરશે.

પરિમલભાઈની વાત સાંભળીને મુકેશભાઈએ તેમને પરત વડોદરા જવાની ના પાડી દીધી. રિફાઈનરીના ક્ન્સ્ટ્રક્શન માટે હજારો લોકો જામનગર આવવાના હતા એમને રહેવાની તથા જામવગરથી મોટી ખાવડી લાવવા લઈ જવાની વ્યવસ્થા સોંપી. પરિમલભાઈની ખોડિયાર એસ્ટેટ એજન્સીએ જામનગરમાં ત્રણસો વાહન ખરીધ્યા. બારસો ફ્લેટ ભાડે લીધા. જામનગર-મોટી ખાવડીના અપડાઉન માટે કુલ સત્તરસો વાહનો લીઝ પર રાખી લીધા.

આ જાયજેન્ટીક કામોને લીધે આખા જામનગર જિલ્લામાં પરિમલ નાથવાણીનું નામ ગાજી ઉઠ્યુ હતુ. પરિમલ ‘ભાઈ’ને પરિમલ ‘શેઠ’ની નજર પડી જાય એ માટે ધંધાર્થીઓ બેતાબ રહેતા. પરિમલ નાથવાણી રિફાઈનરીની સ્થાપના થતા સુધીમાં તો અંબાણી પરિવારની બહુજ નજદીક આવી ગયા.

ગુજરાતમાં ‘તાકતવર’ ગણાય છે પરિમલ નથવાણી …

ત્યારથી તે આજ લગી ગુજરાતમાં મુકેશ અંબાણીનો હાથ છે પરિમલ નથવાણી. આજે ગુજરાતમાં એ પરિસ્થિતિ છે કે નેતાઓ, અધિકારીઓ, મિડિયાનવેશો, કોઈ પરિમલભાઈની વાત ટાળતા નથી. ચિક્કાર પૈસો વેરીને સરકારમાં ધાર્યુ કામ પાર પાડે છે પરિમલ નથવાણી.

અંબાણી પરિવાર જેમં ખૂબ જ આસ્થા ધરાવે છે એ દ્વારકાધીશ અને શ્રીનાથજીના મંદિરોમાં અંબાણી પરિવારે પોતાના નોમીની ટ્રસ્ટી તરીકે પણ પરિમન નથવાણીની નિયુક્તિ કરી છે.

પરિમલ નથવાણી હવે ઝારખંડમાંથી અપક્ષ રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે. ભૂતકાળમાં ઘણા બિનગુજરાતીઓ ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં જીતીને સંસદમાં ગયા પરંતુ આ એક વિરલ કિસ્સો છ કે જેમાં એક ગુજરાતી ગુજરાતની બહારથી રાજ્યસભાની ચૂંટણીમાં ઉભો રહ્યો છે અને ઘણુ કરીને જીતશે. પરિમલભાઈની ઉમેદવારીને ઝારખંડના બાર ધારાસભ્યોનો ટેકો તો મળી ગયો છે બાવીસ ધારાસભ્યો તેમની તરફમાં મત આપશે તો તેઓ જીતી પણ જશે. આ બાવીસ ધારાસભ્યોને કેટલા નગદ શિરપાવ મળશે એ આપણી કલ્પના બહારનો વિષય છે.(સંપૂર્ણ)

*********************************************

પાંચ પગ વાળી આ ગાય કસાઈઓ પાસેથી ભાગી છૂટી …


dakor.jpg

૩ માર્ચ ૨૦૦૮ સોમવાર,
અમદાવાદમાં ૧ માર્ચને શનિવારે મોડી રાત્રે બાબુરાવ નામના મરાઠી ગૌભક્તની બળદની જોડી અને એક પાંચ પગ વાળી ગાય એમ ત્રણ નંગ ગૌધન કસાઈઓ ચોરી ગયા. કસાઈઓ બે બળદને લઈ જવામાં તો કામિયાબ રહ્યા પરંતુ બાબુરાવની નસીબવંતી, લાડકી અને નટખટ પાંચ પગ વાળી ગાય કસાઈઓ સામે શિંગડા ભરાવીને ચાલાકીથી ભાગી નીકળીને બાબુરાવ પાસે પાછી આવી ગઈ. ફોટામાં આપ બાબુરાવની સાથે તેમની આ પાંચ પગ વાળી નટખટ ગાય સીતાને જોઈ શકો છો.

મહારાષ્ટ્રમાં ગૌભક્તોનો એક ગ્રામીણ સમુદાય વસે છે. આ સમુદાયના લોકો ઓરિસ્સાથી પાંચ પગ વાળી ગાય લઈ આવતા હોય છે. ઓરિસ્સામાં જીનેટીક ડિસઓર્ડરને કારણે ગાયોનો એક આખો વંશ જ એવો છે કે જેમાં પાંચ પગ વાળી ગાયો જન્મે છે. કોઈક ગાયને પાંચમો પગ પાછલા બે પગની વચ્ચે હોય છે તો કોઈક ગાયને પાંચમો પગ પીઠ પરથી લટકતો હોય છે. મરાઠી ગૌભક્તો આવી ગાયને લઈને પછી ગામ ગામ ફરતા રહે છે. પાંચ પગ વાળી ગાયને શુકનવંતી અને કમાલની ગણીને લોકો દક્ષિણા આપે છે એનાથી પરિવાર પોતાનું ગુજરાત ચલાવે છે. આખુ પરિવાર જ્યારે પાંચ પગવાળી ગાયને લઈને ગામેગામ અને શહેરે શહેર ફરતું હોય ત્યારે પરિવાર માટે બે ગાડાની વ્યવસ્થા હોય છે.ગાડામાં મંદિર જેવુ પણ બનાવવામાં આવે છે. આ બે ગાડા-મંદિર માટે બાબુરાવે કુલ પચાસ હજારની કિંમતના ઉંચા શિંગડાવાળા બે મહારાષ્ટ્રીયન ઓલાદના બળદ રાખ્યા હતા જે અમદાવાદના વટવામાં બાબુરા તંબુ તાણીને વિસામો કરી રહ્યા હતા ત્યારે કસાઈઓ ઉઠાવી ગયા.

બાબુરાવે સોમવારે બપોરે દેશગુજરાત સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ રાજસ્થાનના રણુજામાં રામદેવ પીરના તીર્થમાં દર્શન કરીને મહારાષ્ટ્ર પોતાના વતન તરફ જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં વટવાના ગુજરાત ઓફસેટની બાજુના મેદાનમાં વિસામો લીધો. આ દરમિયાન રાત્રે ત્રણ વાગ્યા સુધીતો પરિવારનું કોઈકનું કોઈક જાગતુ હતુ પરંતુ બાદમાં સૌ પોઢી ગયા અને ચાર વાગ્યે પોતે પેશાબ જવા ઉભા થયા ત્યારે જોયું તો પાંચ પગ વાળી ગાય સીતા અને પ્રહલાદ તથા શંકર નામના બે બળદ ગુમ હતા અને તેમને જે દોરીથી બાંધ્યા હતા તે દોરી તૂટેલી હતી. આ સાથેજ તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી તથા સવારના સાડા પાંચ વાગ્યે વટવા પોલીસ સ્ટેશનમાં પણ પહોંચી ગયા. પાછા આવ્યા ત્યારે પાંચ પગ વાળી ગાય તો કસાઈઓના હાથમાંથી છૂટીને ભાગીને પાછી તંબુએ આવી ગઈ હતી પરંતુ બળદ ગુમ જ હતા.

આ પછી સ્થાનિક મુસ્લિમ વિસ્તારમાં તપાસ કરતા અને શોધખોળ આદરતા આકાશમાં એક મકાન પર સમડીઓ ફરતી દેખાઈ તથા નીચે કૂતરા પણ જમા થયા હતા. પોલીસે આ ઓરડીમાં તપાસ કરતા ત્યાંથી બળદ કપાયા હોવાના સ્પષ્ટ અવશેષો મળી આવ્યા. આ વાતને સ્થાનિક લોકોએ પણ અનુમોદન આપ્યું. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સવારે આ ઓરડી આગળ પેશાબ-જાજરૂ કરવા આવતા હોય છે.

પોલીસે ઓરડીની તપાસ કરીને તેમાંથી આરોપી કસાઈને પકડી લીધો છે. આ ઓરડીમાં બીજી પણ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની માહિતી મળ્યા પછી પોલીસે આ ઓરડી તોડી નાખી છે. સ્થાનિક શિવસેનાના કાર્યકરોએ વટવામાં ગૌવંશ હત્યા વિરૂદ્ધ આશ્રમ રોડ પર ઈન્કમટેક્સ સર્કલથી કલેક્ટર ઓફિસ સુધીની રેલી પણ સોમવારે સાંજે કાઢી હતી. તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપીને સુપ્રીમ કોર્ટના તાજેતરના ગૌવંશ હત્યા પરના પ્રતિબંધનો કડક અમલ કરાવવાની માંગણી કરી હતી.

બીજી તરફ બાબુરાવનું કહેવું છે કે તેના બે ભારેખમ વજન વાળા ગાડા તેમાંના મંદિર સહિત મેદાનમાં પડ્યા છે. મહારાષ્ટ્રમાં પોતાના વતન પહોંચવાનો રસ્તો ગાડા દ્વારા જતા અઢી મહિના લાંબો છે. આવામાં બળદ નથી ત્યારે પોતે હવે આ ગાડાને શેની સાથે જોતરીને વતન પાછા જાય? આખુ ગરીબ ગૌભક્ત પરિવાર અત્યારે તો વટવાના ગુજરાત ઓફસેટની બાજુના મેદાનમાં એજ વિચારી રહ્યું છે કે બળદ ચોરાઈને કતલ થઈ ગયા પછી હવે આ બે ગાડા સાથે જોતરવા નવા બળદ તો આ અજાણ્યા શહેરમાં લાવવા ક્યાંથી? અને બળદ વગર વતન જવુ ક્યાંથી?

દેશગુજરાતે બાબુરાવને મદદ કરવાના હેતુથી જીવદયાનું કામ કરતા જૈન કાર્યકરને આ વાત પહોંચાડી છે. જેમના થકી શક્ય છે કે આગામી એક બે દિવસોમાં બાબુરાવને કોઈક પાંજરાપોળમાંથી નિરાશ્રિત બળદની ફાળવણી કરવામાં આવે. પાંજરાપોળમાં આમેય પુષ્કળ બળદો આવેલા હોય છે જેમના નિભાવની મૂશ્કેલી હોય છે. બીજી તરફ બાબુરાવે વતન પહોંચવા બળદની જરૂર છે. જોઈએ છીએ શું થાય છે આગળ.

dakor.jpg

નોંધ:દેશગુજરાતે કેટલાક સમય પહેલા પાછલા બે પગની વચ્ચે વધારાનો પાંચમો પગ હોય એવી પાંચ પગવાળી ગાયનો વિડિયો પબ્લીશ કર્યો હતો. આપ આ લીંક પર એ વિડિયો માણી શકશો.

smalldeshsong.jpg

*************************************************************

અમદાવાદનો કાંકરિયા લેક ફ્રન્ટ પ્રોજેક્ટ વિલંબમાં: સાઈનબોર્ડની કહાની

dakor.jpg


1-03-2008
અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટનો પ્રોજેક્ટ જ્યારે શરૂ કરવામાં આવ્યો ત્યારે તેમાં સૌથી સારી બાબત એ જોવા મળી હતી કે કંસ્ટ્રક્શનની સાઈટ પર સાઈન બોર્ડ મૂકવામાં આવ્યુ હતુ જેમાં એ દર્શાવેલું હતું કે કાંકરિયા લેક ફ્ર્ન્ટનો પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે.સાઈન બોર્ડમાં લખ્યા પ્રમાણે કામકાજ ૬ ડિસેમ્બર ૨૦૦૭ના દિવસે પૂરુ થવાનુ હતું. ૨૬ કરોડના ખર્ચે પૂરુ થવાનુ હતુ અને બાર મહિનાના સમયગાળામાં પૂરુ થવાનું હતુ.

પરંતુ કામકાજ પૂરુ થવાની તારીખ છ ડિસેમ્બર ૨૦૦૭ને હવે ત્રણ મહિના વીત્યા છે અને કાંકરિયા લેક ફ્રન્ટનું કામ પૂરુ થયુ નથી. આ કામ હજુ તો બીજુ એક વર્ષ ચાલે તેમ છે(હમણાં જ કાંકરિયાની ફરતે ફરનારી ટ્રેનનો ઓર્ડર બ્રિટિશ કંપનીને આપવામાં આવ્યો છે અને ટ્રેન આવતા ને ઈરેક્ટ થતા એક વર્ષ થાય તેમ છે). ઉપરાંત યોજનાનો ખર્ચ સાઈન બોર્ડ લગાવ્યુ હતુ તેમાં ૨૬ કરોડ લખ્યો હતો તે હાલના તબક્કે અંદાજીત ૩૫ કરોડે પહોંચ્યો છે.

ચાલો આ તો વાત થઈ કે પ્રોજેક્ટનું શું થયું ? પરંતુ જો વાત કરીએ કે પેલા સાઈન બોર્ડનું શું થયું ? તો મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની આબરૂ ન જાય તે માટે સાઈન બોર્ડને સાઈટ પરથી ખસેડી લીધું છે. સાઈન બોર્ડ આજ કાલમાં નહીં પણ ૬ ડિસેમ્બર ૨૦૦૭ની ડેડલાઈન ન સચવાઈ એટલે એની આસપાસના દિવસોમાં ખસેડી લેવામાં આવ્યું છે. ભગવાન જાણે કે એ સાઈન બોર્ડની દશા અત્યારે શું છે(અને પ્રોજેક્ટની દશાનું પણ એવું જ છે)! ઉપર આપ એ સાઈન બોર્ડની તસવીર જોઈ શકો છો. દેશગુજરાત.કોમના કેમેરાએ આ તસવીર સાઈન બોર્ડ હટાવી લેવામાં આવ્યું એ પહેલા પાડી લીધી હતી.

આપણા નેતાઓ, મેયર, અધિકારીઓ વિકાસના કામોમાં વિદેશની બરાબરી કરવાની વાતો કરીને એની આડશમાં માત્ર વિદેશના લખ્ઝુરિયસ-એક્ઝોટિક ટૂર કરી આવે છે. હકીકતમાં આપણી સિસ્ટમ, આપણા વિકાસના કામો એની ઝડપ એની એ જ કાચબા જેવી મંથર ગતિની રહે છે. પ્રોજેક્ટ પૂરો થવાની તારીખના સાઈનબોર્ડ લગાવવાનું વિદેશના વાદે આપણે અપનાવીએ છીએ પરંતુ પછી એ તારીખે પ્રોજેક્ટ પૂરો ન થાય એટલે અસ્સલ આપણી સ્ટાઈલમાં આપણે સાઈનબોર્ડ ગાયબ કરી દઈએ છીએ. અને આપણે ચીનને માત આપવી છે!!

*********************************************************

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ગૌવંશ હત્યાબંધીના કાયદા પર પોતાની મહોર મારી

dakor.jpg

29-02-2008
ગુજરાત સરકારે ગૌવંશના આખલા અને બળદોને કતલ કરવા પર ૧૯૮૯માં મૂકેલા પ્રતિબંધ સામે અમદાવાદની કુરેશી જમાતના કસાઈ અબ્દુલ સત્તાર યુસુફભાઈ કુરેશી અને તેમના સાથી કસાઈઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. કસાઈઓનું કહેવું હતુ કે બંધારણ પ્રમાણેના જીવન ચલાવવાના તેમના મૂળભૂત હક પર તરાપ મારવામાં આવી છે. અગાઉ કસાઈઓએ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ અરજી રદ કરી હતી. આની સામે કસાઈઓ સુપ્રીમમાં ગયા હતા પરંતુ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરિજિત પસાયત અને પી સદાશિવમે ૨૮ ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકારના ગૌવંશની કતલ પરના નિર્ણયને બંધારણીય અને કાયદેસરનો ઠેરવ્યો છે.

સુપ્રીમ કોર્ટ તેના આ ચુકાદા બદલ અભિનંદનને પાત્ર છે. અલબત્ત એ નોંધવુ ઘટે કે ગુજરાત સરકારનું પોલીસ તંત્ર ગૌવંશ હત્યાને રોકવાના તેના કામમાં હજુ વધુ તેજી બતાવે એ જરૂરી છે કારણકે ગુજરાતમાં ગૌવંશ હત્યા બંધીનો કાયદો તો છે પરંતુ તેમ છતા દરરોજ અર્ધી રાત્રે આયશર મોટરટ્રકોમાં અને દૂધ વાહનની બંધ બોડીમાં સેંકડો ગાયો કપાવા માટે હેરફેર થાય છે. ગાયોને અત્યંત કષ્ટ પડે એ હાલતમાં બાંધીને કોમોડિટીની માફક એક પર એક નાખીને બંધ બોડીની ટ્રકોમાં ભરવામાં આવે છે અને કતલખાનામાં લાવવામાં આવે છે. મોટેભાગે પોલીસ કશું કરતી નથી.

ગુજરાત સરકારે હવે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવી ગયા બાદ ગૌવંશની હેરફેર અને હત્યા રોકવા કડક ડ્રાઈવ ચલાવવી જોઈએ. એક સમયે જ્યારે સ્વ. હરેન પંડ્યા ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હતા ત્યારે તેમણે કસાઈઓ સાથે મિટીંગ કરી હતી અને તેમને વિનંતી સાથે ચીમકી આપી હતી કે તમે ગૌવંશની કતલ કરશો એ રાજ્ય સરકાર કોઈ પણ રીતે ચલાવી લેવાની નથી. હરેને એવો પણ હુકમ કર્યો હતો કે કતલ માટે ગૌવંશને લઈ જતી ટ્રક પકડાય તો તે ટ્રક છૂટે નહીં અને પોલીસના કબજામાં જ વર્ષો સુધી રહે એનું ખાસ ધ્યાન રાખવું. જો કે હરેનભાઈના શાસનકાળમાં અને તે પછી પણ આનો અમલ થયો નથી. એક ટ્રક જો ગાયોની કતલ માટે થતી હેરફેરમાં પકડાય તો થોડા જ દિવસોમાં ટ્રક છૂટી જાય છે અને પછી એ જ ટ્રકમાં ફરીથી હેરફેર ચાલુ રહે છે.

અમદાવાદનું ઉદાહરણ લઈએ તો સરખેજ પોલીસ સ્ટેશન, વેજલપુર પોલીસ સ્ટેશન, એલિસબ્રીજ પોલીસ સ્ટેશનની સામેથી થઈને દરરોજ અર્ધી રાત વીતી ગયા પછી ગાયો ભરેલી આયશર ટ્રકો પસાર થાય છે અને મિરઝાપુર કતલખાને ગાયોને કપાવા માટે પહોંચાડે છે. એ જ રીતે કુરેશી જમાતનું વિશાલ કતલખાનું દાણીલીમડા વિસ્તારમાં રામ રહીમના ટેકરા પાસે આવેલું છે તેમાં પણ બિન્દાસ્ત કતલ થાય છે. ગુજરાતનું પોલીસ તંત્ર સવારે સાડા ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન આવી ટ્રકો પકડીને ઉંઘ ખરાબ કરવા માંગતુ નથી હોતુ એટલે આ બધુ બેરોકટોક ચાલ્યા જ કરે છે.

નીચેના વિડિયોમાં આપ જોઈ શકશો કે ગાય/બળદને કઈ રીતે તેના માંસ માટે કાપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટને ગુજરાતમાં આ ક્રૂરતાને કાયદેસરતા ન આપવા બદલ લાખ લાખ અભિનંદન. જે લોકો માંસાહાર કરતા હોય એ જરા નીચેના વિડિયોમાં એ જોઈ લે કે તેમના જીભને ચટાકા આપતી માંસાહારી વાનગી પાછળની હકીકત શું છે.

Watch the Cruel process of Cow/Bulls/Bullocks Slaughtering

કસાઈઓ દ્વારા ગૌવંશની કતલ કઈ રીતે કરવામાં આવે છે એ જુઓ નીચેના વિડિયોમાં



****************************************
નરેન્દ્રભાઈ કચ્છના રણમાં એકલ સહેલગાહે નીકળ્યા અને પછી ?

dakor.jpg 24-2-2008
કચ્છના રણ ઉત્સવ ૨૦૦૮ના બીજા દિવસે સાંજે જ્યારે રણની અંદર ગીત સંગીત નાટક નૃત્યનો કાર્યક્રમ પૂરો થયો પછી નરેન્દ્ર મોદીએ તેમના અંગત સલામતી અધિકારીને સૂચના આપી કે તેમણે એકાંત જોઈએ છે. કોઈ આસપાસ ન હોવુ જોઈએ. સિક્યુરિટીવાળા પણ દૂર રહે. આ પછી કચ્છના મોટા રણના સપાટ ખારાપાટ પર નરેન્દ્રભાઈ રાતની પૂનમની ચાંદનીમાં એકલા એકલા ચાલતા હતા ત્યારે જ દેશગુજરાતના કેમેરાએ તેમને ઝડપી લીધા અને ક્લીક થઈ ગઈ. અંધારામાં ક્લીકની સાથે ફ્લેશ તો કરવી જ પડે ? ફ્લેશ થતા જ નરેન્દ્રભાઈ તાડૂક્યા ” કોઈ ફોટો નહીં” અને દૂરથી નરેન્દ્રભાઈના સલામતી ગાર્ડ સાહેબને તાકીદની જરૂર પડી છે એમ કળીને દોડતા આવી ગયા. નરેન્દ્રભાઈનો એકલા ટહેલવાનો પ્લાન અમારા કેમેરાએ ડિસ્ટર્બ કરી નાખ્યો અને અમારા વધુ વિરલ ક્લીકના પ્લાન નરેન્દ્રભાઈએ અને એમના સલામતી ગાર્ડોએ ડિસ્ટર્બ કરી નાખ્યા. આપ માણો વગર ડિસ્ટર્બન્સે અમારી ક્લીક.
******************************************

-સાબરકાંઠાના પોળોનાં જંગલોમાં નકસલવાદના ઓછાયા
-ગુજરાતમાં નકસલવાદનું ગ્રહણ નહી નહી ને નહીજ …
-સાબરકાંઠાના કોંગ્રેસના નકસલ સ્ટાઈલ સાંસદ મધૂસૂદન મિસ્ત્રી આવતી ચૂંટણીમાં હારે તો સારુ
-પીપલ્સ વોર ગ્રુપ હથિયારો મોકલશે તો ગુજરાતની આદિવાસી પટ્ટીનું સત્યનાશ વળશે
-ગુજરાત સરકાર આદિવાસીઓ મહીં જબરજસ્ત જાસૂસી તંત્ર ગોઠવે એની તાત્કાલિક જરૂર છે
-સોનિયા ગાંધીએ બનાવેલા આદિવાસી બાબતોના ખ્રિસ્તિ કેન્દ્રિય પ્રધાનના ફોરેસ્ટ એક્ટની મોકાણ

13-02-2008

હીં એક માઠી વાત લખવાની છે. ગુજરાતમાં નક્સલ પ્રવૃત્તિના પ્રવેશનો તખતો તૈયાર થઈ ગયો છે. બલકે કહી શકાય કે નકસલવાદ લગભગ પ્રવેશી ચૂક્યો છે. બધાની ધારણા એ હતી કે નકસલવાદના ગુજરાતમાં પગરવ દક્ષિણ ગુજરાતમાં થશે પરંતુ નકસલવાદનો અંદેશો આપતી નકસલવાદ જેવી પહેલી મોટી ધટના ઉત્તર ગુજરાતમાં બની છે.

ઉત્તર ગુજરાતના ઈડરથી રાજસ્થાન તરફ જવાના રસ્તે પોળો અને વિજયનગરના ગીચ જંગલો આવેલા છે. અહીં નવ ફેબ્રુઆરીએ આદિવાસીઓના એક ટોળાએ ગુજરાત રાજ્યના વનવિભાગ હસ્તકના જંગલમાં પ્રવેશીને ત્યાંના વૃક્ષો કાપી દીધા. સમથળ થયેલી જગ્યા પર વાંસનુ છાપરાવાળુ ઝુંપડુ બાંધી દીધુ. ટોળા પાસે ચપ્પા, ધારિયા, તલવાર, લાઠીઓ, ફરસી જેવા હથિયારો હતા.

તેર ફેબ્રુઆરીએ આદિવાસીઓએ જંગલ ખાતાની ઓફિસ પર હુમલો કર્યો છે. જેમાં વળતા ફાયરીંગમાં બે આદિવાસીઓના મોત નીપજ્યા છે. સામે જંગલખાતાના ચાર માણસો ઘાયલ થયા છે.

***

આદિવાસીઓના હિંસક અતિક્રમણ અને હુમલાનું નેતૃત્વ બામસેફ નામની સંસ્થા દ્વારા થઈ રહ્યુ છે. બામસેફનું પૂરુ નામ ‘બેકવર્ડ એન્ડ માઈનોરીટી કોમ્યુનીટીસ એમ્પ્લોઈઝ ફેડરેશન’ છે. આમ તો બામસેફ એ માયાવતીવાળી બહુજન સમાજ પાર્ટીનું મજદૂર યુનિયન છે પરંતુ તેનું એક યુનિટ ચાલે છે જેનું નામ છે મૂળનિવાસી સેના. આ મૂળનિવાસી સેનાની વિભાવના એવી છે કે ભારતમાં વસતા દલિત, આદિવાસીઓ, વટલાયેલા આદિવાસીઓ એ બધા ભારતના મૂળ નિવાસીઓ છે અને બાકીના બધા આર્યો છે કે જે બહારથી ચડી આવ્યા હતા.

આવી વિચારધારા સાથે કામ કરતી બામસેફનું ગુજરાતના આદિવાસીઓ વચ્ચે સૂત્ર છે શિક્ષણ, સંગઠન અને સંઘર્ષ. બામસેફ આદિવાસીઓમાં બાબાસાહેબ આંબેડકર, પેરીયાર, ઈવી રમાસ્વામી, બીરસા મુંડા, છત્રપતિ શાહુજી અને જ્યોતિરાવ ફૂલેની વિચારધારાના પુસ્તકો, ભારતકો ગુલામ બનાનેકા કાર્યક્રમ, પુના પેક્ટ; ૧૯૩૨કે દુષ્કર્મ જેવા પુસ્તકો વહેંચે છે. જંગલમાં બામસેફની છાની છપની ભરાતી નિયમિત મિટંગોમાં બિનઆદિવાસીને પ્રવેશ નથી મળતો. ભડકાઉ ભાષણો કરવામાં આવે છે કે જંગલની જમીન જંગલ ખાતાની નહી પણ આદિવાસીઓની છે. મૂળ આદિવાસીઓ આ જંગલના હકદાર છે બીજા નહી. ગોળી ખાઈશું, મરી જાશું ને મારશું પણ જંગલનો કબજો લઈને જ રહીશું.

madhumistry

નવમી ફેબ્રુઆરીના હુમલા પહેલા કોંગ્રેસી સાંસદ મધૂસૂદન મિસ્ત્રી અને બામસેફના સ્થાનિક નેતા ખેરવાડા ગામના રમેશ નિનામાએ વિજયનગર આર્ટસ કોલેજમાં સાંજે જંગલની જમીન લઈ લેવા અંગે મિટીંગ ભરી હતી જેમાં ભડકાઉ અને ઉશ્કેરણીજનક વાતો થઈ હતી. આ સાબરકાંઠાનો કોંગ્રેસી સાંસદ મધૂસૂદન મિસ્ત્રી નકસલી ટાઈપ છે. હવેની લોકસભાની ચૂંટણીમાં જીતવુ હોવાથી ઠેર ઠેર આદિવાસીઓને ભડકાવનારી મિટીંગો કરે છે. એમને ખબર પડી ગઈ છે કે વિધાનસભાના ઈલેક્શન રિઝલ્ટને જોતા એ હવે લોકસભાની બેઠક પર હારે એમ છે એટલે આદિવાસીઓની ઠેર ઠેર મિટંગો ભરીને તેમને શાસન સામે ઉશ્કેરી શાસન અને આદિવાસીઓને સામસામી લાવી દેવાનો ખેલ ખેલી રહ્યા છે. ખ્રિસ્તી મિશનરી સાથે છે.

***

આદિવાસીઓના જંગલની જમીન પરના હુમલાની આખી ઘટનાનું બેકડ્રોપ સમજીએ તો ભારત સરકારના આદિવાસી મામલાઓના મંત્રી એક ખ્રિસ્તિ વ્યક્તિ છે. પી આર કીન્ડીઆહ નામથી ઓળખાતા આ ભારતના આદિવાસી બાબતોના મંત્રીનું પૂરુ નામ પેટી રીપલ કીન્ડીઆહ છે. સોનિયા ગાંધીએ પોતે તેમને કેન્દ્રના આદિવાસી બાબતોના મંત્રી બનાવ્યા છે એવું તેમણે રીડીફ.કોમના ઈન્ટરવ્યૂમાં પોતે જ કીધુ છે. સોનિયા ગાંધીને શું રસ પડ્યો કે વાયએસઆર રેડ્ડીને(યેસુ સેમ્યુઅલ રાજશેખર રેડ્ડી) આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ જીતીતો મુખ્યમંત્રી બનાવ્યા, એકે એન્ટની(અરકાપરમ્બીલ કુરિયન એન્ટની)ને સંરક્ષણ મંત્રી બનાવ્યા કે પેટી રીપક કીન્ડીઆહને ભારતના આદિવાસી વિકાસ મંત્રી બનાવ્યા? તમે વિચારો, કે આખા ભારતમાં આદિવાસી વિસ્તારોમાં જબરજસ્ત ખ્રિસ્તીકરણ ચાલી રહ્યું છે ત્યારે ભારતના આદિવાસી બાબતોના મંત્રી કેમ સોનિયા ગાંધીએ એક ખ્રિસ્તિને બનાવ્યા છે? એજન્ડા બહુજ સાફ છે.

સોનિયા નિયુક્ત કેન્દ્ર સરકારના ખ્રિસ્તિ આદિવાસી બાબતોના પ્રધાને આદિવાસીઓને જંગલની જમીન આપવા માટે ફોરેસ્ટ એક્ટ પસાર કર્યો છે જે અનુસાર ૨૦૦૫ ડિસેમ્બર પહેલા જે આદિવાસી જંગલની જમીન પર ખેતી કરતો હોય તેને તે જમીન આપી દેવાની રહે છે. અગાઉ આવો જ કાયદો ૧૯૮૦ પહેલા આદિવાસીઓ જંગલની જમીન પર ખેતી કરતા હોય તો તેમને જમીન આપી દેવાનો થયો હતો હવે ફરીથી ૨૦૦૫ સુધીની જમીનોનો કાયદો આવતા જંગલ નાના ને નાના થતા રહે અને આદિવાસીને જમીનો મળતી જ રહે એવા રાજકીય લાભ માટેના કાયદા આવતા રહે છે. ૨૦૦૫ સુધીની ખેડાતી રહેલી જમીન આદિવાસીઓને કાયદેસર ખેતી માટે આપી દેવાનો કાયદો થતા આદિવાસીઓ હવે એવુ ઈચ્છે છે કે તેઓ જંગલની જે જમીન ૨૦૦૫ પહેલા ખેડતા હતા પણ પછી જંગલ ખાતાએ તે ગેરકાયદે હોવાથી તેમની પાસેથી લઈ લીધી અને ત્યાં નર્સરી કે વૃક્ષારોપણ કે એવું જે પણ કર્યું તેને ખેદાન મેદાન કરીને જમીન પાછી લઈ લેવી અને ૨૦૦૫ પહેલા ખેડાતીજ હતી એમ ઠેરવીને એ જમીન કાયદેસર રીતે મેળવી લેવી.

અલબત્ત અહીં નોંધવુ ઘટે કે આદિવાસીઓને નવા કાયદા મુજબ જંગલની જમીન માત્ર તેઓ ૨૦૦૫ પહેલા ખેડતા હતા એટલા માત્રથી નથી મળી જતી. તેમણે બે ડોક્યુમેન્ટ આપીને પુરવાર કરવુ પડે છે કે તેઓ ખેડતા હતા. અથવા તો પછી ગામનો કોઈ વડીલ વ્યક્તિ કહે કે ખેડતા હતા તો જમીન મળે. જમીન મળતા પહેલા ગ્રામસભાએ જમીન આપવાની મંજૂરી આપવી પડે. ગ્રામસભાનું કોરમ થયેલું હોવુ જોઈએ. ગ્રામસભાની મંજૂરી બાદ પણ જમીન આપવાની પ્રક્રિયા ત્રણ કમિટીઓમાંથી પસાર થાય છે. હજુ આ કમિટીઓ બની ન હોવાથી ગુજરાતમાં ફોરેસ્ટ એક્ટ ૨૦૦૬નો ભારતની કોંગ્રેસ સરકારે કરેલો ફતવો અમલી થયો નથી.

***

હવે સૌથી મહત્વની વાત. આદિવાસીઓના બામસેફના ગ્રુપે કરેલા હુમલામાં તીર, તલવાર, ધારિયા, ફરસી, ડંડા જેવા હાથવગા હથિયારોનોજ ઉપયોગ થયો છે.અહીં બંદૂક, ડીટોનેટર, બોમ્બ, ડાયનેમાઈટ, લેન્ડમાઈનનો ઉપયોગ થયો નથી. પરંતુ મિશનરીઓ અને લેફટીસ્ટ ઉદ્દામવાદીઓના નેટવર્કથી જો ઝડપથી જ તેમની પાસે આ પ્રકારના હથિયારો આવી જશે તો પછી ગુજરાતમાં નકસલવાદ ઓફિશીયલી શરૂ થઈ જશે.

પૂર્વ ભારતના પીપલ્સ વોર ગ્રુપ જેવા નકસલી સંગઠનો ગુજરાતમાં નકસલવાદ વિસ્તરે એ માટે ક્યારનાય તલપાપડ છે. પાછલા વર્ષે પૂના સ્થિત ભારતીય સેનાના સધર્ન કમાન્ડે સરકારને જે ઈન્ટેલીજન્સ રિપોર્ટ સોંપ્યો હતો એમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે નકસલવાદીઓએ હવે તેમની પ્રવૃત્તિ ગુજરાતમાં વિસ્તારવી છે. આ વિગત ત્યારે મુંબઈના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થઈ હતી. એ જ રીતે તાજેતરમાં ઈન્ડિયન એક્સપ્રેસ તથા તહેલકા મેગેઝીનોએ નકસલવાદના આગામી સંભવિત નવા ક્ષેત્રોનો નકશો પ્રકાશિત કર્યો હતો એમાં ગુજરાતનો સમાવેશ થતો હતો. ભારતનો ત્રીસ ટકા વિસ્તાર નકસલવાદથી પ્રભાવિત છે. પૂર્વ ભારતના બસ્તર વિસ્તારમાં આઠ હજાર નકસલી હથિયારબંધ સેનાનીઓ થઈ ચૂક્યા છે. કિલોમીટરોના ક્ષેત્રોમાં સરકારી વ્યક્તિ જઈ શકતી નથી. નકસલવાદીઓ પોતાના સમાંતર ટેક્સ ઉઘરાવે છે. બસ્તરમા નકસલવાદીઓને ફાયરીંગની અને રસ્તેથી જતા વાહન ઉડાડવાની ટ્રેનીંગ આપવામાં આવે ત્યારે કોઈ પૂંઠાનુ પૂતળુ મૂકીને નહી પણ સરકારી અધિકારીને ઉભો રાખીને તેને ગોળી મારીને લાઈવ ટાર્ગેટથી ટ્રેનીંગ આપવામાં આવે છે. (ગુજરાતના પોળોનો ઘટનાક્રમ પૂર્વ ભારતના નકસલવાદની માફક લેફ્ટીસ્ટ માઓવાદીઓ પ્રેરિત નહી પરંતુ બહુજન સમાજ પાર્ટીના મજદૂર સંઘ બામસેફ પ્રેરિત છે. જોકે માત્ર આટલા ફર્ક સિવાય અમલના સ્તરે બધુ માઓવાદીઓ જેવુ જ છે.ગુજરાતના પોળોના પ્રશ્નમાં જો લેફ્ટીસ્ટ પરિબળો હોત તો ભયંકર ચિંતાની વાત હોત કારણકે લેફ્ટીસ્ટ ઉદ્દામવાદીઓનું નેટવર્કીંગ બહુજ જબરજસ્ત છે એટલે અન્ય ઠેકાણે ચાલતી માઓવાદી મૂવમેન્ટનો સરંજામ તુરંત ગુજરાતમાં આવી પહોંચત. જો કે હાલ ભલે ગુજરાતના પોળોનો આદિવાસી ઉદ્દામવાદ બામસેફનો છે પરંતુ હવે અહીં પોલુ ભાળતા તુરંત લેફ્ટીસ્ટ માઓવાદીઓના દૂત આવી પહોંચે એવી શક્યતાઓ તો છે જ.)

હાલ તો વિજયનગર-પોળોના જંગલમાં એસઆરપી ખડકી દેવામાં આવી છે. જંગલખાતાના અને પોલીસના ઉચ્ચાધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે. ઉદ્દામવાદી આદિવાસીઓના જૂથ હુમલા કરવા માટે એકબીજાનો સંપર્ક ન કરી શકે તે માટે મોબાઈલ ફોન બંધ કરવામાં આવ્યા છે એવો પણ અહેવાલ છે.ગુજરાત સરકારે આદિવાસીઓ વચ્ચે પોતાનું જબરજસ્ત જાસૂસી તંત્ર ગોઠવવાની જરૂર છે. ગુજરાતમાં આ અમંગળ થઈ રહ્યું છે.

***

તા.ક. પોળોના જંગલ નજીક પોલીસ ગોળીબારમાં ઘાયલ થયેલા ત્રણ આદિવાસીઓ કે જે અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં ભરતી છે તેમની મુલાકાત લેતા તેમણે કહ્યું કે તેમના બામસેફના નેતા ભીલોડા તાલુકાના ચિત્રોડી ગામના બીએમ લટ્ટા છે. આ બીએમ લટ્ટા જામનગરમાં ગુજરાત સરકારની સેલ્ટેક્સની નોકરી કરે છે. બીએમ લટ્ટા દરેક અઠવાડિયે પોળોના જંગલના આદિવાસી વિસ્તારમાં આવીને મિટીંગો લે છે. એ ઉપરાંત અવારનવાર આદિવાસીઓની મિટીંગ લેવા ગુજરાત બહારથી બામસેફના દસેક અલગ અલગ માણસો આવે છે.

ઘાયલો સાથે વાતચીતમાં જાણ્યુ કે પોલીસે/જંગલ ખાતાએ બળાત્કાર ગુજાર્યો હોવાની વાત સદંતર જૂઠ્ઠી છે. ત્રણ ઘાયલ પૈકી એક નરેશ નામના આદિવાસીને પૂછ્યું કે શું શું થયુ હતુ તો તેણે કહ્યું કે બળાત્કાર થયો હતો. જ્યારે પૂછ્યું કે બળાત્કારમાં શું થયુ હતું તો તેણે કહ્યું કે પોલીસનો વિરોધ કરતી આદિવાસી મહિલાઓને પોલીસે રાયફલનો ગોદો બતાવ્યો હતો. પૂછયું કે શું આને બળાત્કાર કહેવાય? તો નરેશ કહે કે હા. બીજા બે ઘાયલ આદિવાસીઓને પણ પૂછયું કે તમે કહો છો કે આદિવાસી મહિલાનો પોલીસે બળાત્કાર કર્યો હતો તો એ મહિલા કોણ અને શું કર્યું હતુ પોલીસે એની સાથે તો આ બે આદિવાસીઓ પણ આનો જવાબ આપી શક્યા ન હતા અને ચૂપ રહ્યા હતા. આદિવાસીઓના આ નિવેદનો ઓડિયો રેકોર્ડિંગમાં છે. પોલીસ-જંગલખાતાવાળા એક અઠવાડિયાથી આદિવાસીઓ સાથે રીતસર ધીંગાણુ ચાલતુ હોય અને આઈજીપી, ડીએસપી, એસીએફ કક્ષાના અધિકારીઓ હાજર હોય ત્યારે બળાત્કાર કરે એ વાત બિલકુલ હંબગ છે. આવી બિનપાયાદાર વાતો ઉછાળીને નકસલવાદના અંગારાને પવન આપવાનું કામ કરનારાઓ પણ છે આપણે ત્યાં.

-બીજી વાત એ લખવાની કે ઉપર લેખમાં આંધ્રપ્રદેશમાં સોનિયા ગાંધીએ બનાવેલા ખ્રિસ્તિ મુખ્યમંત્રીની વાતનો ઉલ્લેખ કર્યો છે. આ મુખ્યમંત્રીએ તાજેતરમાં વિધાનસભામાં રાજ્યપાલના ઉદબોધનનો ઉપયોગ કરીને એવી વાત જાહેર કરી છે કે આંધ્રપ્રદેશ સરકાર હવેથી અહીંના ખ્રિસ્તિઓને પણ મધ્યપૂર્વના ખ્રિસ્તિ ધર્મસ્થાનની જાત્રા કરવા માટે સબસીડી આપશે. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં બે ટકા કરતા પણ ઓછી વસ્તી ખ્રિસ્તિ છે અને તેમ છતા સોનિયા ગાંધીએ ખ્રિસ્તિ મુખ્યમંત્રી મૂક્યા છે. ચાલો માનીએ કે એ તો બંધારણ પ્રમાણેની પ્રોસેસથી જ મુખ્યમંત્રી બન્યા છે પણ જુઓ હવે તે ખ્રિસ્તિ જાત્રાના સ્થળોએ જવા માટે લોકોના ટેક્સના રૂપિયે સબસીડી આપવાની જાહેરાત કરી ચૂક્યા છે.

ફોટામાં: પોળોના જંગલમાં હથિયારધારી વિદ્રોહે ચડેલા આદિવાસીઓ(તસવીર સૌજન્ય:ટાઈમ્સ ઓફ ઈન્ડિયા) અને બીજી તસવીરમાં કોંગ્રેસી સાંસદ મધૂસૂદન મિસ્ત્રી.

ઉગતો જ પછાડજો: રાજ ઠાકરે ગુજરાતીઓ માટે સારો લાગતો નથી
-મુંબઈને સીટી સ્ટેટ બનાવી દેવુ જોઈએ

9-02-2008

રાજ ઠાકરેના મહારાષ્ટ્રપ્રેમમાં અને નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રેમમાં શું ફર્ક છે? ફર્ક એ છે કે જ્યાં રાજ ઠાકરેનો મહારાષ્ટ્રપ્રેમ નેગેટીવ કર્તુત્વ પર ઉતરી આવે છે ત્યાં મોદીનો ગુજરાતપ્રેમ હંમેશા પોઝીટીવ રહ્યો છે. મોદીનું વિઝન રહ્યું છે કે ગુજરાતનો વિકાસ કરવો અને તે દ્વારા ભારતનો વિકાસ. એક મુખ્યમંત્રી તરીકે મોદી, અને એમની ટીમ તરીકે પ્રત્યેક ગુજરાતી ગુજરાતના વિકાસ તરફ જોઈને પોતપોતાનુ કામ કરે એ પોઝીટીવ દેશપ્રેમ છે. જ્યારે રાજ ઠાકરે મુંબઈમાં વસતા ઉત્તર ભારતીયો સામે નિવેદનો અને મારામારી સુદ્ધા પર ઉતરી આવીને બહુજ નેગેટીવ અને નાની કક્ષાના મહારાષ્ટ્રીયન દેશપ્રેમના ટ્રેક પર છે. રાજ ઠાકરે સ્ટાઈલની વિચારનીતિથી મુંબઈમાં મરાઠીઓ સિવાયનાનો વિરોધ એ મહારાષ્ટ્રપ્રેમનું સમાનાર્થી થઈ ગયુ છે.

અને યાદ રહે કે મહારાષ્ટ્રના અને ખાસ કરીને તો મુંબઈના બિનમરાઠીઓની ઠાકરે પરિવારની યાદીમાં ગુજરાતીઓ પણ આવી જાય છે.રાજ ઠાકરેએ તેમના અમિતાભ બચ્ચન વિરૂદ્ધના બયાનમાં એ વાત પર ગુસ્સો પ્રગટ કર્યો છે કે મુંબઈમાં રહેતા અમિતાભે પોતાની પુત્રવધુના નામે કોલેજ ઉત્તરપ્રદેશમાં કેમ ખોલાવી? વિચાર કરો, આ માનસિકતા ધરાવતો રાજ ઠાકરે જાહેરમાં નહી તો કમસેકમ મનોમન એવા ગુજરાતીઓ માટે કેટલો ગુસ્સો ધરાવતો હશે કે જેમણે મુંબઈમાં રહીને ગુજરાતમાં સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે? ગુજરાતની પાંજરાપોળોથી માંડીને કોલેજો, આરોગ્યની સુવિધાઓ વગેરે ઉભી કરવામાં અને ચાલતી રાખવામાં મુંબઈ સ્થિત ગુજરાતીઓનું બહુજ મોટુ પ્રમાણ છે. ઉદાહરણ તરીકે જુઓ તો મુંબઈના ગુજરાતીઓ સી.યુ.શાહ, દિપચંદ ગાર્ડીએ ગુજરાતમાં દર્જનો શિક્ષણ સંસ્થાઓ ખોલાવી છે. ભાવનગરમાં હમણા સાયન્સ સિટિ બની રહી છે જેના માટેનું દાન મુંબઈના ફેવિકોલ કંપનીવાળા ગુજરાતી શેઠે આપ્યું છે. કચ્છીઓ તો મુંબઈથી ફ્લાઈટ પકડીને દરરોજ ભુજ ઉતરે છે અને ગામમાં જઈને સંસ્થાનું કામકાજ જોઈ વળતી ફ્લાઈટે પાછા જાય છે. મુંબઈના ગિરીશભાઈ શાહ સાથે હું સૌરાષ્ટ્રમાં ખૂબ ફર્યો છું. ગિરીશભાઈ મુંબઈથી કરોડોનું દાન લાવીને ગુજરાતની પાંજરાપોળોના ગોચર-તળાવ નવસાધ્ય કરવાનું કામ કરે છે. આ માટે વારંવાર ગુજરાત આવે છે. આવો રાજ ઠાકરે ભૂલેચૂકે ક્યારેક મહારાષ્ટ્રમાં સત્તા પર આવે તો ગુજરાતીઓને ચોક્કસ ફટકો પડે.

ભૂતકાળમાં રેલવેની ભરતીની મુંબઈમાં પરીક્ષા હતી ત્યારે શિવસૈનિકોએ પરીક્ષા આપવા આવેલા બિનમરાઠીઓને રેલવે સ્ટેશનો પર પકડી પકડીને મારીને પાછા મોકલી દીધા હતા. આમાં ગુજરાતી છોકરાઓએ પણ માર ખાધેલા છે. શિવસૈનિકોએ આ મારામારી એટલા માટે કરી હતી કારણકે રેલવેમાં મરાઠીઓને જ નોકરી મળવી જોઈએ એવુ તેમનુ માનવુ હતુ. મુંબઈમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ હોય તો તેનો ફાળો ઉઘરાવવા નીકળેલા શિવસૈનિકો પહેલ્લા ગુજરાતીઓના ઘરમાં જાય છે અને ખંડણી વસૂલતા હોય એમ વધુ ફાળો લઈ લે છે. જ્યારે બાલાસાહેબ ઠાકરેના પત્નીની પ્રતિમા પર કોઈએ કાદવ લગાવ્યો હતો ત્યારે શિવસૈનિકોએ ગુજરાતના સુરતની બસ સળગાવી નાખી હતી. હમણા તો બાલાસાહેબ ઠાકરેને ગુજરાતના નરેન્દ્ર મોદીની પ્રગતિની ઈર્ષ્યા આવે છે એ શિવસેનાના તેમના મુખપત્ર સામનામાં જાહેર પણ થયું.

રાજ ઠાકરે બ્રાન્ડ પોલીટીક્સથી આજે જે રીતે ઉત્તર ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, ઉત્તર ભારતથી આવેલા ટેક્સી ચાલકો ને ફેરિયાઓને પકડી પકડીને મારવામાં આવ્યા છે તેમ ભવિષ્યમાં ગુજરાતીઓને પણ ટાર્ગેટ કરવામાં આવે એની પૂરી શક્યતા છે. ઠાકરે પરિવાર ગુજરાતના હિતમાં નથી.

મને યાદ છે કે વર્ષો પહેલા, ૧૯૯૦ના દશકમાં મેં ગુજરાતી ઈન્ડિયા ટુડેમાં બાલાસાહેબ ઠાકરેનો ઈન્ટરવ્યૂ વાંચ્યો હતો જેમાં બાલાસાહેબે કહ્યુ હતુ કે તેમણે એક ઠેકાણે ગુજરાતીની મિલકત પર બોર્ડ લાગેલુ જોયુ હતુ જેમાં લખેલુ હતુ કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ બાલાસાહેબે આને અનુલક્ષીને ઈન્ટરવ્યૂમાં આશ્ચર્ય અને નારાજગી વ્યકત કરી હતી અને કહ્યું હતુ કે અમારા મુંબઈમાં ગુજરાતીઓ રહે છે એટલે શું તે ગુજરાત છે? ના મહારાષ્ટ્ર જ છે. બાલાસાહેબ ઠાકરેએ ગોડસે મહારાષ્ટ્રીયન હતો માટે તેની તરફદારી કરવામાં અને મોરારજી દેસાઈ, ગાંધીજી ગુજરાતી હતા માટે તેમનો વિરોધ કરવામાં કશું બાકી રાખ્યુ ન હતુ. ઠાકરેનો મત એવો છે કે આઝાદીનું ખરુ કાર્ય ગુજરાતના ગાંધીએ નહીં પણ મહારાષ્ટ્રના લોકમાન્ય તિલક અને વીર સાવરકરે કર્યુ હતુ. ઠાકરેએ ભારતના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં પણ કોંગ્રેસના કૌભાંડી ઉમેદવાર પ્રતિભા પાટીલનું માત્ર એ કારણસર સમર્થન કર્યુ હતુ કારણકે તેઓ મહારાષ્ટ્રના છે. ઠાકરેએ આ નિર્ણય લેતી વખતે એ ન જોયુ કે પ્રતિભા પાટીલ રાજસ્થાનના ગવર્નર હતા ત્યારે તેમણે ભાજપની રાજ્ય સરકારે પસાર કરેલો ધર્મંતર વિરોધી કાયદો અમલી બનવા દીધો ન હતો અને પાછો મોકલ્યો હતો. ઠાકરે માટે હિંદુત્વ કરતા પણ મરાઠીવાદ વધુ અહેમિયત રાખે છે એનું આ ઉદાહરણ છે.

હકીકતમાં જે મુંબઈને ઠાકરે પરિવર પોતાના બાપાજીની જાગીર સમજી બેઠુ છે એ મુબઈને સીટી સ્ટેટ બનાવી દેવાની જરૂર છે. મુંબઈ સિવાયનો બાકીનો ભાગ મહારાષ્ટ્રમાં રહે અને મુંબઈ પોતે ગોવા કે દિલ્હીની માફક એક રાજ્ય અથવા કેન્દ્રશાષિત પ્રદેશ રહે એ પરફેક્ટ રેસીપી છે. અમદાવાદ માટે કહી શકાય કે અમદાવાદ ગુજરાતમાં છે, ગુજરાતનુ છે અને ગુજરાતીઓનું છે. પણ મુંબઈની વસ્તી જુઓ તો સ્પષ્ટ થાય છે કે મુંબઈ મહારાષ્ટ્રમાં ચોક્કસ છે પણ મહારાષ્ટ્રનું નથી અને માત્ર મરાઠીઓનું તો નથી જ. રાજ ઠાકરેને જો મહારાષ્ટ્રની બહુજ ચિંતા થતી હોય તો તેમણે વિદર્ભના આત્મહત્યા કરનારા મરાઠી ખેડૂતોની સાથે જઈને રહેવુ જોઈએ અને એમના ઉત્થાનનું કાર્ય કરવુ જોઈએ. બેઠા બેઠા નિવેદનો આપવાનું અને ગુંડા કાર્યકરોને મરાઠીયતનો નશો ચડાવીને મારામારી કરવા રખડતા મૂકવાનું તો બહુજ સરળ છે મીસ્ટર ઠાકરે.


બળાત્કારનું પ્રકરણ ચગે પછીની વાત …
(JP’s View Point on Patan Rap Case)

7-02-2008

ક પત્રકાર તરીકે પાટણની બળાત્કાર પિડિત વિદ્યાર્થીનીનો આખો ઘટનાક્રમ હું સોમવારથી જોઈ રહ્યો છું. અગાઉ બે દિવસ શકુંત હોટેલની દુર્ઘટનાનો પીછો કરવામાં ગયા અને પછી તુરંત હું પાટણ બળાત્કાર કેસ ક્વર કરવામાં વ્યસ્ત થઈ ગયો. હવે આવુ કશુંક ત્રીજું બની ન જાય તો સારુ એવી હું અને મારા જેવા કેટલાક દોડવાવાળા રિપોર્ટરો પ્રાર્થના કરી રહ્યા છીએ. આખરે અમારે પત્રકારોએ ઘરને પણ ન્યાય આપવાનો હોય છે. શકુંત હોટેલ અને પાટણ બળાત્કારની પિડિત વિદ્યાર્થીનીનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આગમન આ બે ઘટનાક્રમોના કારણે અમે અમદાવાદના કેટલાક દોડધામ કરનારા પત્રકારોએ ઘરમાં ઓછો અને સિવિલ હોસ્પિટલમાં વધુ સમય ગાળ્યો છે.

પાટણ બળાત્કાર કેસની વાત. મને લાગે છે કે આપણે ત્યાં સિસ્ટમ એવી ભંગાર છે કે બળાત્કારના આરોપીઓ તો સજા થાય ત્યારે સજા ભોગવે છે પણ બળાત્કારની પિડિત સ્ત્રીનુ એવુ હોય છે કે એ તો બિચારી પોલીસ ફરિયાદ કરે ત્યારથીજ એને સજા મળી જાય છે. પાછલા વર્ષે અમદાવાદની વિકાસગૃહ સંસ્થામાં એક નાનકડી છોકરી પર સફાઈ કામદારે બળાત્કાર કર્યો હતો. અર્ધી રાત્રે હુ એક બીજા સાથી રિપોર્ટર સાથે વિકાસગૃહમાં તેના ટ્રસ્ટી સાથે પહોંચ્યા હતા. છોકરીનું કેન્ડીડ નિવેદન લીધુ હતુ જે આજે પણ મારા ડિજીટલ રેકોર્ડરમાં છે. પોલીસને રાત્રે જ ફોન કર્યો હતો. સફાઈ કામદારને પોલીસ સાથે જઈને ઘરેથી ઉઠાવી લાવ્યા હતા. સફાઈ કામદારને તેના કુકર્મ બદલ સજા મળે એ માટે પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે અમને કશુંક સારુ કર્યાનો અહેસાસ હતો પરંતુ પછી પેલી નાનકડી છોકરી સાથે શું થયું જાણો છો? શૂર્પણખાના અવતાર સમી ગાળાગાળી કરતી મહિલા કોન્સ્ટેબલ સાથે પોલીસની વાયરલેસના અવાજ વાળી જીપમાં છોકરીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ. અહીં તેના તરેહ તરેહના ટેસ્ટ થયા. બે દિવસ સુધી. આ પછી છોકરી વિકાસગૃહમાં પાછી આવી ત્યારે તે કોઈ વિશિષ્ટ વ્યક્તિત્વ હોય એવો તેની સાથે બીજી છોકરીઓ દ્વારા વર્તાવ થવા લાગ્યો.

મારા મતે બળાત્કારની ફરિયાદ પછી પોલીસની જીપ અને સિવિલ હોસ્પિટલનો ચેકઅપ એ બે ભયંકર પરિસ્થિતિઓ છે. આપ જાણો છો? પાટણની પિડિત વિદ્યાર્થીનીને સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડના જે ખૂણામાં રાખવામાં આવી હતી ત્યાં સુધી જવા અને તેને જોવા વોર્ડ બહાર ભીડ જામતી હતી. આ છોકરીને સિવિલ હોસ્પિટલમાં ખાવાનુ સુદ્ધા આપવાની દરકાર લેવાઈ ન હતી. પાટણથી અમદાવાદ સિવીલ વિદ્યાર્થીનીને પોલીસ જીપમાં લાવવામાં આવી હતી. વિદ્યાર્થીનીને સ્ટ્રેચર પર મોઢા પર શાલ ઓઢાડીને રીતસર સ્ટ્રેચર ધકેલતા પોલીસે દોડવુ પડતુ હતુ એવી ભીડ પાછળ તેને જોવા માટે થતી હતી.

પોલીસ અને સિવિલની દાક્તરી તપાસ મહીં પાછુ મિડિયા અને એનજીઓ પણ ભળ્યુ. પહેલા મિડિયાની વાત કરીએ તો ટીવી મિડિયાએ તેના પિતાને વોર્ડ બહાર ઝડપી લીધા અને ઈન્ટરવ્યૂ લીધો. પછી આ ઈન્ટરવ્યૂ ટીવી પર બતાવ્યો પણ ખરો. મેં વિદ્યાર્થીનીના પિતાનો ઈન્ટરવ્યૂ નામ વગર અખબારમાં સુપરત કર્યો પણ ફોટોગ્રાફર દ્વારા પિતાનો ફોટો છાપામાં છપાઈ ગયો અને નીચે નામ પણ છપાયુ. બીજા એક અંગ્રેજી છાપામાં અને બુધવારે એક બપોરના છાપામાં પણ પિતાનો ફોટો અને નામ છપાયુ. વિદ્યાર્થીની બિચારી સવારે જ કહી ચૂકી હતી કે જો તેણીની ઓળખ છતી થશે તો તેણી આત્મહત્યા કરશે. અગાઉ અમદાવાદમાં બીજલ જોષી નામની બળાત્કાર પિડિત છોકરીએ મિડિયામાં પિડિત તરીકે ચગી ગયા બાદ ગણતરીના કલ્લાકોમાં આત્મહત્યા કરી લીધી હતી એ આખા પ્રકરણનો હું પત્રકાર તરીકે સાક્ષી છું. પાટણની વિદ્યાર્થીનીના પિતાને ટીવી પર બતાવવાની કે છાપામાં તેમનો ફોટો અને નામ લખવાની કોઈ જરૂર ન હતી. બુધવારે સવારે તો વિદ્યાર્થીનીના પિતાએ પત્રકારોને કહી દીધુ કે તમે હવે કશું વધારે પૂછશો તો હું અને મારું પરિવાર આત્મવિલોપન કરીશું. તમારે કોઈ મદદ કરવી હોય તો બસ મને ઝેર લાવી આપો. વિદ્યાર્થીનીના પિતા એટલા અપસેટ હતા કે મંગળવારે રાત્રે દારૂ પીને દીકરી પાસે આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલ, પોલીસ, મિડિયાની સાથે આ મામલામાં એનજીઓએ પણ ઝુકાવી દીધુ છે. અમદાવાદ સ્થિત એનજીઓ નવસર્જનના કાર્યકર પુષ્પાબહેન સતત પિડિત વિદ્યાર્થીનીની જોડે રહ્યા હતા. સિવીલમાં પણ તેઓ જોડે હતા અને તે અગાઉ પાટણમાં પણ. પુષ્પાબહેન કેમ જોડે ને જોડે રહે છે એ વાતે શંકા જતા પિડીત વિદ્યાર્થીનીના પિતાએ તેમને ચાલ્યા જવાનું કહ્યુ હતુ અને ભારત સરકારના મહિલા આયોગે પણ પોલીસને સૂચના આપી હતી કે પિડિતને પાછી પાટણ લઈ જાવો ત્યારે સાથે આ એનજીઓ ન જોઈએ. સાંજે નવસર્જનના કાર્યાલય પર પુષ્પાબહેન અને વિવિધ એનજીઓના પ્રતિનિધિઓની મિટીંગ મળી તેમાં હું પત્રકાર તરીકે સાક્ષીભાવે હાજર હતો.

શીબા જ્યોર્જ નામના મુસ્લિમ એક્ટીવીસ્ટ લાકડાવાલાના પત્ની સતત કહેતા હતા કે બળાત્કારના આ મામલે આપણને રાજ્ય સરકારની મશીનરી પર વિશ્વાસ નથી એ ટ્રેક પર આગળ વધવુ જોઈએ. બીજાઓની લાગણી હતી કે પિડિત વિદ્યાર્થીનીના પિતા પૈસા લઈને કેસમાંથી ફરી જાય કે સમય જતા ઢીલા પડી જાય એવું શક્ય છે. પિડિત છોકરી હાલ તો મક્કમ છે પણ જો તેના ઘરના બધા જ એકતરફી થઈ જાય તો તેણી પણ તેની મક્કમતામાંથી ખસી જશે. આપણી સંસ્થાની કે કોઈ અન્ય સોશ્યલ વર્કર તેણીની સાથે હોય એ જરૂરી છે. પુષ્પાબહેને તેઓ પિડિત છોકરીની સાથે રહ્યા એ દરમિયાનના અનુભવો કહ્યા. આમાં એક અનુભવ એવો પણ છે કે પોલીસે પંચનામામાં રાખેલા પ્રવીણ નામના ભાઈ પિડિત છોકરીના પિતાને એમ કહેતા હતા કે તેમને એક આરોપી મનીષભાઈ ઓળખે છે. બોલો એક લાખમાં સમાધાન કરવું છે? પુષ્પાબહેને કહ્યું કે પિડિત વિદ્યાર્થીનીને છેલ્લા પચ્ચીસ જાન્યુઆરીના બળાત્કાર સમયે માસિક આવતુ હતુ તેથી તેણીને ચિંતા છે કે શું મારા ટેસ્ટમાં બળાત્કાર સાબિત થશે ? આરોપીઓ ટેસ્ટને આધારે નિર્દોષ છૂટી જશે અને મને માનસિક બિમાર તો નહી ઠેરવે ને?

પિડિત વિદ્યાર્થીનીએ તેણીની પોલીસ ફરિયાદમાં લખ્યુ છે કે એક આરોપી કિરણ પટેલ કે જે ક્લાસ ટીચર હતો તેણે બળાત્કાર નહતો કર્યો કારણકે તે ઠીંગણો અને અપંગ છે તથા સંભોગ કરવા શક્તિમાન ન હતો તેવુ મારુ માનવુ છે તેથી તે માત્ર અડપલા અને ચેષ્ટાઓ જ કરતો હતો. પુષ્પાબહેને કહ્યું કે આ કિરણ પટેલ ભલે સંભોગ નહતો કરી શકતો પણ જે અડપલા કરતો હતો તે એવા વિકૃત હતા કે પિડિત છોકરીના સ્તન પર ગાંઠો ઉપસી આવી છે. સિવીલ હોસ્પિટલની તપાસમાં આના ફોટોગ્રાફ લેવામાં આવ્યા નથી. પુષ્પાબહેને કહ્યું કે છોકરી જ્યારે મને કહેતી હતી કે તેને કઈ રીતે પ્રયોગશાળામાં લઈ જઈને અદ્યાપકે બળાત્કાર ગુજાર્યો ત્યારે છોકરીની માતા આવી અને છોકરીને લડી કે તારે શું જરૂર હતી અદ્યાપક બોલાવે ત્યાં જવાની? પુષ્પાબહેને કહ્યું કે ત્યારે મેં છોકરીની માતાને કહ્યું કે તમારી છોકરીએ મોઢુ ખોલીને હિંમત બતાવી છે ને તમે એને લડો છો?

ખૈર આ મિટીંગમાં તો ઘણુ બધુ સાંભળ્યુ પરંતુ હવે સરકારની કાર્યવાહીના વિષય પર મારા મંતવ્યો કહું તો.

૧. મેજિસ્ટ્રેટ તપાસ એટલે શું? એ મને સમજાતુ નથી. આ મામલે ગુજરાત સમાચારનું લખાણ બિલકુલ ઉચિત છે. આ કિસ્સામાં મેજિસ્ટ્રેટ તપાસ શેની કરવાની છે? કઈ વાતની? જેઓ આરોપી છે તેઓ છે. મેજિસ્ટ્રેટ શું કરશે? આ વળી કોનો તુક્કો છે?

૨. આનંદીબહેન મળે, માયાબહેન કોડનાની મળે, પોલીસ મળે, મનોચિકિત્સક મળે, એનજીઓ વાળા મળે, મેજિસ્ટ્રેટ મળશે, રાજ્યના મહિલા આયોગ વાળા મળે, કેન્દ્રના મહિલા આયોગ વાળા મળે, વકીલ મળે, પત્રકારો મળે અને પિડીત છોકરીને એની એ વાતો પૂછે એના કારણે તેણીને પહોંચતો ત્રાસ કોઈ કલ્પી શકે છે? શું સિવિલ હોસ્પિટલમાં પિડીત છોકરીના પિતાને કોઈએ એ પૂછ્યું કે તમને તાવ આવે છે તો લાવો મેટાસીન લાવી આપીએ. હોસ્પિટલના વોર્ડમાં ભયંકર ઠંડી અને તૂટેલી બારીઓ છે તો ચાલો કઈક વ્યવસ્થા કરી આપીએ?

૩. રાજ્ય સરકાર દ્વારા પિડિત વિદ્યર્થીનીને એક લાખ રૂપિયાની જાહેર કરાયેલી રાશિ શું છે? સરકાર કદાચ એમ વિચારતી હશે કે વધુ રાશિ જાહેર કરીએ તો ભવિષ્યમાં આવા બીજા કિસ્સાઓમાં પણ રાહત જાહેર કરવી પડે અને સરકાર એમાંથીજ ઉંચી ન આવે. પણ મારો પ્રશ્ન એ છે કે તો પછી સરકારે આરએસએસની મહિલા પાંખ કે ભાજપ મહિલા મોરચા દ્વારા કે અન્ય માર્ગે છોકરીને વધુ રૂપિયાની મદદ બિનસરકારી રીતે પહોંચાડવી જોઈએ. છોકરીને તાત્કાલિક તેણીની ઈચ્છા હોય તો બીજા જ વિસ્તારમાં માતા પિતા સાથે રહી શકે એવુ ઘર અને નવી કોલેજમાં એડમીશન અપાવી દેવુ જોઈએ કે જ્યાં તેણીની ઓળખ બળાત્કાર પિડિત વિદ્યાર્થીની તરીકે ન હોય અને તેણી નોર્મલ જિંદગી ગુજારી શકે.
આ શ્રેષ્ઠ કામ છે જે સરકાર બિનસરકારી રાહે કરાવી શકે અથવા ઈચ્છાશક્તિ હોય તો જાતે કરી શકે. બીજુ કે મુખ્યમંત્રી રાહત ફંડ એટલુ નબળુ છે કે આવા કિસ્સામાં માત્ર એક લાખ આપીને છૂટી જાય? અરે કરોડોમાં આળોટતા ક્રિકેટરોને આનાથી પાંચગણી રકમ આપવામાં આવ્યા છે. આ ગરીબ ખેતમજૂરની ભણવામાં તેજસ્વી રહેલી દીકરીને આફત સમયે એક લાખની સહાય? સહાય કરી એ સારુ છે પણ ઓછી જ છે.

૪. મિડિયા જ્યાં સુધી બીજો સોલ્લીડ ટોપિક નહી મળે ત્યાં સુધી પાટણ પ્રકરણમાં રસ લેશે. અને પાટણના લોકો પણ બીજુ કંઈ સૂઝશે એટલે પાછા આ વાત વિસરવા માંડશે. પણ પેલા કુટુંબનું શું? પિડિત દીકરીનું શું? સરકારે એક મહિલા ધારાસભ્યને, સરકારી તંત્રના એક મહિલા કર્મચારીને આ કિસ્સામાં લાંબા ગાળાનું મોનીટરીંગ સોંપીને તેનુ સુપરવીઝન સીધુ મુખ્યમંત્રી સ્તરે કરાવવુ પડે.

૫. આરોપીઓને સજા થાય એ તરફ લોકોનો અને મિડિયાનો વધુ ઝોક છે. પણ સમાંતર ઝોક પિડિત દીકરીના રીહેબીલીટેશન પર હોવો અનિવાર્ય છે.હાલ તો આ દીકરીએ હોસ્પિટલના બિછાનેથી એમ કહ્યાના સમાચાર છે કે ભવિષ્યમાં તેણીએ પરણવુ નથી. પરણે પણ કોણ? ભવિષ્યમાં તેણીએ પીટીસી પૂરુ કરીને શિક્ષક થઈને પગભર થવુ છે. અઢાર વર્ષની ઉત્તર ગુજરાતના ગામડાની ખેતમજૂર પિતાના પાંચ સંતાનો પૈકીની ચોથા નંબરની એક પછાત વર્ગની છોકરી કે જેણે દસમા ધોરણ સુધી હંમેશા નેવુ ટકા માર્ક મેળવ્યા છે, દસમામાં નેવ્યાશી ટકા અને બાર સાયન્સમાં સીત્તેર ટકા માર્ક મેળવ્યા છે તેણીને તેના આપત્તિના સમયે બેસ્ટ ઓફ લક. હું પત્રકાર તરીકે તો લખવા અને મને લાગે એ વાતની અહલેક જગાવ્યા સિવાય બીજું કશું કરી શકતો નથી.


પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારતરત્ન …
લીસ્ટમાં વફાદારશ્રીઓ, ગમતાભૂષણો, રેકેમેન્ડેડવિભૂષણો ને ટોળીરરત્નો પણ હોય છે…

27-01-2008

દેશમાં જો તીસ્તા સેતલવાડને, બરખા દત્ત, વિઓદ દુઆ અને રાજદીપ સરદેસાઈને પદ્મશ્રી એવોર્ડ અપાતા હોય તો પછી મારા મતે મનમોહન સિંઘ સરકાર દ્વારા અપાતા પદ્મશ્રી એવોર્ડનું કોઈ મહત્વ રહી જતુ નથી. દિલ્હીમાં મનમોહનસિંઘની સરકાર આવ્યા પછી એવોર્ડ ગાંધી પરિવાર અને કોંગ્રેસ તરફથી વફાદારોને વહેંચવામાં આવતી દક્ષિણા બની ગઈ છે.

પદ્મ એવોર્ડના નામોમાં આ પત્રકારો અને તીસ્તા સેતલવાડ(પાછલા વર્ષે પદ્મશ્રી મળ્યો હતો)ને જોઈને તેમની અને કેન્દ્રની કોંગ્રેસ સરકાર વચ્ચેની મિત્રાચારીની વાત ખુલ્લી પડી જાય છે. શું રાજદીપ,બરખા અને વિનોદ દુવાની અને તેમના ટીવી નેટવર્કનીતમને એક પણ એવી ન્યુઝ આઈટમ યાદ છે કે જે ભારતના મિડિયાના કોઈ પણ ખૂણેથી ગાંધી પરિવાર સામે તકાઈ હોય ? જવાબ ચોક્કસ ‘ના’ માં આવશે.

૨૦૦૬માં રાજદીપ સરદેસાઈની સીએનએન-આઈબીએને ઈન્ડિયન ઓફ ધી યરની પોલીટીકલ કેટેગરીમાં નરેન્દ્ર મોદીનું નામ વિકલ્પ તરીકે રાખ્યુ હતુ અને એસએમએસ વોટીંગ તથા ઓન્લાઈન વોટીંગ રાખ્યુ હતુ. આમાં નરેન્દ્ર મોદીને ૬૭ ટકા મતો મળ્યા હતા. વિકલ્પ તરીકે પ્રસ્તુત અન્ય નામો જેમ કે મનમોહનસિંઘ અને નિતીશકુમાર વગેરે તો ૧૦ ટકા વોટ પણ મેળવી શક્યા ન હતા. સીએનએન-આઈબીએનને માલૂમ પડ્યુ એટલે તેણે વોટીંગ પર્સન્ટેજ દેખાડવાનુ બંધ કરી દીધુ અને પછી વોટીંગ બાદના પેનલ સિલેક્શનમાં નરેન્દ્ર મોદીનો છેદ ઉડાડીને મનમોહનસિંઘને ઈન્ડિયન ઓફ ધી યર ૨૦૦૬ નો ખિતાબ અર્પણ કરી દીધો. સીએનએન-આઈબીએને દરેકે દરેક ચૂંટણીમાં ભાજપ વિરોધી સ્ટેન્ડ લીધુ. ભાજપના નેતાઓને જાણે કોર્ટના કઠેડામાં ઉભા હોય અને વિરોધી પક્ષનો વકીલ પ્રશ્નો પૂછતો હોય તેમ પ્રશ્નો પૂછવામાં આવે. કોંગ્રેસની સરકાર વિરૂદ્ધ જાય એવી એક પણ સ્ટોરી નહી ! ગુજરાતમાં ભાજપની સરકારની પાછળ પડી જાય. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા જ અર્ધા કલાકના રિઝલ્ટમાં કોંગ્રેસ હાઉસ દોડી જાય અને ભરતસિંહ સોલંકીને પૂછે કે હવે આપ મુખ્યમંત્રી બનશો તો કેવુ લાગશે ? …તો રાજદીપ સરદેસાઈને કોંગ્રેસની, વડાપ્રધાનની અને સોનિયા ગાંધીની ડ્યૂટી બજાવવા બદલ પદ્મશ્રી મળી ગયો છે.

અને વાત કરીએ એનડીટીવીની તો એનડીટીવીએ ૨૦૦૫માં સોનિયા ગાંધીને ઈન્ડિયન ઓફ ધ યર જાહેર કરી દીધા અને પ્રનોય રોયે ૧૦ જનપથમાં સોનિયાના ઘરે જઈને તેને આ એવોર્ડ આપ્યો. એનડીટીવી હંમેશા ૧૦ જનપથનુ વફાદાર રહ્યુ છે એ જાણીતુ છે. બરખા દત્ત અને વિનોદ દુવાના રાજનીતીક ખયાલો અને ઝુકાવ આખુ ભારત જાણે છે. તો એનડીટીવીના બરખા દત્ત અને વિનોદ દુવાને પણ પદ્મશ્રી મળી ગયા.

આ વિનોદ દુવાએ ગુજરાત ચૂંટણી પહેલા ગુજરાતમાં પ્રવાસ કર્યો હતો એનું ટેલીકાસ્ટ જોવાનો મને એકાદ બે વખત મોકો મળ્યો હતો. વિનોદ દુવા રીતસરનો ભાજપ વિરોધી, હિંદુત્વ વિરોધી એજન્ડા લઈને આવ્યો હોય એ એની વાતચીત પરથી બિલકુલ સ્પષ્ટ થતુ હતુ. કેટલેક ઠેકાણે તો કેમેરા પર વિનોદ દુવા કોંગ્રેસી સ્થાનિક આગેવાનોને ખખડાવી નાખતો હતો કે તમે કેમ મહેનત કરતા નથી તમારા લીધે મોદી જીતી જશે!! વિનોદ દુવા એનડીટીવી પર ભારતના વિવિધ વિસ્તારોની પ્રસિદ્ધ વાનગીઓનો શો પણ કરે છે. અમદાવાદ આવીને વિનોદ દુવાએ ગુજરાતી શાકાહારી સંસ્કૃતિને મહેણુ મારવા માટે ભઠિયાર ગલીમાં જઈને બીફ(ગાયનું માસ) ખાધુ, તેના વખાણ કર્યા, આને તેણે અમદાવાદનું પ્રસિદ્ધ ફૂડ કીધુ, વિનોદ દુવાએ ગુજરાતી હિંદુઓને જાણીજોઈને મહેણુ મારવા ખાસ બીફ ખાતા ખાતા બતાવ્યુ કે પાડોશના ટેબલ પર હિંદુ છોકરાઓ નોનવેજ ખાઈ રહ્યા છે. આ એપિસોડ જોતા બહુ જ સ્પષ્ટ થતુ હતુ કે કેવા એજન્ડા સાથે અને મનમા કેટલી ભડાસ સાથે આ માણસ ગુજરાતમાં આવ્યો છે. તો વિનોદ દુવાને પણ તેની કોંગ્રેસની ડ્યૂટી બદલ, એન્ટી ગુજરાત અને એન્ટી બીજેપી ડ્યૂટી બદલ પદ્મશ્રી મળી ગયો છે.

ફરીથી એ જ વાત. પદ્મશ્રી એવોર્ડ એ દિલ્હીનશીન કોંગ્રેસી સરકારની પસંદગીના લોકોને ખેરાતની ચીજ બની ગઈ છે. થોડા ક્વોલીટેબલ, અનક્વેશ્ચનેબલ લોકોને રેપર તરીકે, એવોર્ડના સન્માન તરીકે અને થોડા વફાદારોને કોર એજન્ડા તરીકે-એવોર્ડ દ્વારા સન્માનિત તરીકે આ એવોર્ડ જાહેર થઈ જાય છે… ને ફોટા ખેંચાય છે, તાલીઓ વાગે છે, કોંગ્રેસ્ચ્યુલેશન કહેવાય છે, વફાદારીની તૂતી બજાવવાનુ પહેલા અને પછી ચાલુ રહે છે.

યાદ રહે, આ દેશમાં રાજીવ ગાંધીને પહેલા ભારત રત્ન આપવામાં આવ્યો હતો અનેે અને સરદાર પટેલને પછી. અને સરદાર પટેલના વારસદારો એટલા નપાણિયા હતા કે હોંશે હોંશે આ ભારત રત્ન લેવા દિલ્હી દરબારમાં પણ પહોંચી ગયા. આનાથી વિપરિત જ્યારે સુભાષ ચન્દ્ર બોઝને આવી જ રીતે ભારત રત્ન એવોર્ડ આપવાનુ જાહેર કરાયુ ત્યારે તેમના પરિવારે એવોર્ડ સ્વીકારવાનો ગૌરવભેર ઈનકાર કરી દીધો હતો. આ દેશમાં તમિલનાડુની સીમામાં બંધ રહેલા તમિલ રાજકારણી એમજીઆરને લોબીંગના અને રાજનીતીક વગના પ્રતાપે ૧૯૮૮માં ભારત રત્ન મળે છે અને સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર અને સુભાષચંદ્ર બોઝને ભારત રત્ન આપવો જોઈએ એવુ સરકારને ત્યાર પછી અનુક્રમે એના ૩,૨ અને ૪ વર્ષ બાદ યાદ આવે છે.

દિલ્હીમાં લોબીંગ કરીને ગુજરાતમાં પદ્મશ્રી મેળવનારા એક અમદાવાદ સ્થિત સાહિત્યકારને હું ઓળખુ છું. આ ભાઈના નામ આગળ પદ્મશ્રી ન લખો તો તેઓ ગુસ્સે થઈ જાય છે. કોઈ કાર્યક્રમમાં મંચ લેવાનો હોય તો આમંત્રણમાં ખાસ નામ આગળ પદ્મશ્રી છપાવે છે નહીતો કાર્ડ ફરીથી છપાવવાનો રીઓર્ડર કરે છે. એવોર્ડ લેનારાઓની આવી જમાત હોય છે. એવોર્ડ આપનારાઓની જમાત વિશે હું ઉપર લખી ગયો.

અને આપણા બધાની ત્રીજી જમાત છે. આને પદ્મશ્રી મળ્યો અને આને પદ્મભૂષણ એવુ અખબારમાં વાંચનારાઓની આપણી ત્રીજી જમાત.તો આપણે અખબાર વાંચીને સમજી જવાનુ કે આ પદ્મભૂષણ,વિભૂષણ, શ્રીના નામોનું લીસ્ટ એ હાલની કેન્દ્ર સરકારના વફાદારોનું કે વફાદારો દ્વારા રેકમેન્ડ થયેલાઓનુ લીસ્ટ છે અને પાનુ ફેરવી દેવાનુ. બીજા સેન્સીબલ સમાચારો વાંચવા માટે. અને જો કોઈ અખબારને ખરેખર પત્રકાર ધર્મ સૂઝ્યો હોય અને સેનાના શહીદ જવાનોને દરેક વર્ષે જાહેર થતા મેડલ વિશે કદાચ ક્યાંક કોઈક સમાચાર પ્રગટ કર્યા હોય, એ વીરોની શહીદીની ગાથા લખી હોય, તો તેના જેવુ ઉત્તમ વાંચન બીજુ એકેય નહીં.


અમદાવાદમાં એનડીટીવીની ઓફિસ પર થયેલા હુમલાનું અથથી ઈતિ..

20-01-2007

મદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બાજુની ગલીમાં બંગલામા ઉપરના માળે ચાલતી એનડીટીવીની ઓફિસ પર શનિવારે સવારે સાડા દસ વાગ્યે હુમલો થયો. હુમલાખોરોએ હુમલો કરવાની સાથે ઓફિસમાં ઉપર અને નીચે ઝાંપાની બાજુમાં કોટ પર હિંદુ સામ્રાજ્ય સેનાનું બેનર પણ લગાવ્યું. બેનર પર લખ્યુ હતુ કે ભારત માતાને નગ્ન ચીતરનાર એમએફ હુસેનને ભારત રત્નના ઉમેદવાર તરીકે દર્શાવનાર એનડીટીવી દેશની માફી માંગે. હુમલામાં એનડીટીવીના ડ્રાઈવર સલીમભાઈને પગ પર હોકીનો ફટકો મારવામાં આવ્યો હતો જેને વીએસ હોસ્પિટલમાં સારવાર અપાઈ. હુમલાના પગલે અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર સતીશ શર્મા આવી પહોંચ્યા અને કડક પગલા લેવાની ખાતરી આપી. એનડીટીવીના જોયદીપ રે નામના પત્રકારે કહ્યું કે પોલીસ એક કલાક મોડી આવી હતી. હુમલાખોરોએ ઓફિસમાં ખાસ્સી દસથી વધારે મિનીટ તોડફોડ ચલાવી હતી.

સાંજે હિંદુ સામ્રાજ્ય સેનાના વડા અશોક શર્માની સહી સાથે લેટરપેડ પર પ્રેસનોટ પ્રેસ કાર્યાલય પર પહોંચાડવામાં આવી. અશોક શર્માએ તેમના સેનાનીઓએ કરેલા એનડીટીવી ઓફિસ પરના હુમલાને આ પ્રેસનોટમાં બિરદાવ્યો હતો. અશોક શર્માએ આ પ્રેસનોટમાં એમ પણ લખ્યુ કે તેમણે અગાઉ એનડીટીવીને અપીલ કરતો પત્ર મોકલ્યો હતો કે જેના પર ભારતમાં અનેક કેસો છે અને જે દેશ છોડીને નાસતો ફરે છે એ સરસ્વતી અને ભારત માતાના નગ્ન ચિત્રો દોરનાર એમએફ હુસેનને ભારત રત્ન કોને મળવો જોઈએ એના એસએમએસ પોલમાં ન દર્શાવો. મિડિયા સ્વતંત્ર અભિવ્યક્તિનો અધિકાર ભલે ભોગવે પણ પોતાની હદ પણ નિર્ધારિત કરે. કાલે દાઉદ ઈબ્રાહિમને ભારત રત્નની વાત કરે અને કહે કે અમને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તો એવુ તો ના ચાલે ને ?

હું હુમલા પછી એનડીટીવીની ઓફિસનો હાલ જોવા ગયો હતો. ઓફિસ સોસાયટીના બંગલાના ઉપરના માળે છે. ઉપરના માળે ચાર જેટલા રૂમ છે. એમાંના એડીટીંગ રૂમમાં સૌથી કિંમતી સામાન હોય છે પણ ત્યાં ખાસ તોડફોડ નથી થઈ. તોડફોડ વચ્ચેના રૂમમાં લાકડાના બારણાની, કાચની અને સ્પ્લીટ એસીની થઈ છે અને બેઠક રૂમમાં તો બિન્ધાસ્ત બધુ રફે દફે કરવામાં આવ્યુ છે.

હિંદુ સામ્રાજ્ય સેનાવાળા બે દિવસ પહેલા એનડીટીવીની ઓફિસે ગયા હતા અને એમએફ હુસેનનું નામ ભારત રત્નના એસએમએસ પોલમાં રાખવા બદલ વિરોધ દર્શાવ્યો હતો. આ વખતે એનડીટીવીના બે રિપોર્ટર રાજીવ પાઠક અને રોહિત ભાણ દિલ્હી ગયા હતા અને જોયદીપ રે હાજર હતો જેણે વાતને લાઈટલી લીધી હતી. આજે હિંદુ સામ્રાજ્ય સેના વાળા એક મારૂતિ વાન અને કેટલાક દ્વિચક્રી પર આવીને કરવાનુ હતુ તે કરીને ગયા. એનડીટીવીએ આખો દિવસ દેખીતીજ રીતે આ સમાચાર બતાવ્યા. એનડીટીવીની દલીલ હતી કે જ્યારે રાજકિય પક્ષના નેતાઓ પોતાના પક્ષીય માણસોને ભારતરત્ન માટે આગળ કરવા માંડ્યા ત્યારે એનડીટીવીએ નોનપોલીટીકલ માણસો જેમ કે રાજેન્દ્ર પચૌરી, અમિતાભ બચ્ચન, સચિત તેંડુલકર, રતન ટાટા, એમ એફ હુસૈનના નામ જાહેર કર્યા અને તેમાંથી કોને ભારત રત્ન આપવો જોઈએ એના માટે એસએમએસ પોલ આયોજિત કર્યો આમાં ભગવી બ્રીગેડને એમએફ હુસૈન સામે વાંધો પડી ગયો ને હિંદુ ગુંડાઓએ આ હુમલો કર્યો.

તૂટેલી ફૂટેલી ઓફિસના એનડીટીવીના રિપોર્ટરો આ ઘટના પછી તુરંત ગુજરાતમાં ખ્રિસ્તિ ધર્મપ્રચારનુ કામ કરતી સંસ્થાઓના હિતરક્ષક મૂળ મેંગલોરના અને ગુજરાતમાં એનજીઓ ચલાવનારા ફાધર સેડ્રીક પ્રકાશ પાસે હુમલાને વખોડતુ નિવેદન લેવા પહોંચી ગયા. આ સેડ્રીક પ્રકાશ એ જ છે કે જે તિસ્તા સેતલવાડ અમદાવાદમાં હોય ત્યારે તેને ઉતારો આપે છે, ખ્રિસ્તિ ધર્માંતરણ કરી રહેલાઓ પર આદિવાસીઓ હુમલો કરે ત્યારે તેની સામે નિવેદનો આપે છે, ગોધરા પછીના રમખાણોમાં જુહાપુરામાં પહોંચી જાય છે, મોદીને અમેરિકાનો વીઝા ન મળે એ માટે અમેરિકાના ખ્રિસ્તિ લોબીંગ કરનારાઓ સાથે ફોનો પર વાતો કરે છે અને ઈમેલો કરે છે. આ સેડ્રીક પ્રકાશે એનડીટીવીને આપેલા નિવેદનમાં કહ્યું કે ગુજરાતમાં આતંકવાદ નથી એવી રાજ્ય સરકારની વાત ખોટી છે. એનડીટીવીની ઓફિસ પર થયેલો હુમલો એ આતંકવાદ જ છે. જો ગુજરાતમાં આતંકવાદ હોય તો સેડ્રીક પ્રકાશે તુરંત ગુજરાત છોડી જવુ જોઈએ અને એમની માનવાધિકારની એનજીઓ કશ્મીરમાં જઈને ચલાવવી જોઈએ. ત્યાં કશ્મીરી પંડિતોને હ્યુમન રાઈટ વાળાઓની ખરેખર જરૂર છે. અને ત્યાં જ સેડ્રીકને સાન આવશે કે આતંકવાદ કોને કહેવાય.

શનિવારે બપોરે હું ગુજરાત વિદ્યાપીઠમાં દલાઈલામાનું લેક્ચર એટેન્ડ કરી રહ્યો હતો ત્યારે સાથે કેટલાક બીજા પણ પત્રકારો હતા. મેં એ બધાને એનડીટીવી પર હુમલા અંગે પ્રતિક્રિયાઓ પૂછી. એક ચેનલના ગુજરાતી પ્રતિનિધિએ કહ્યું કે મજા પડી બાપુ .. પણ જેમને ફટકારવાના હતા એ બચી ગયા ને બિચારો ગરીબ ડ્રાઈવર સલીમ હોકી ખાઈ ગયો … બીજા પત્રકારે કહ્યું કે એમએફ હુસેનને ભારત રત્ન આપવાની વાતો કરે તો માર જ પડેને … કોઈ એનડીટીવી પર થયેલા હુમલાથી નારાજ દેખાતા ન હતા. સાંજે બીજા એક ગુજરાતી પત્રકાર સાથે વાત થઈ. એ તો ખુશ થઈ ગયો, પણ પાછો તુરંત એનડીટીવીના રિપોર્ટરને ફોન કરીને તેને દિલાસો પણ આપી દીધો.

હવે પ્રશ્ન એ થાય કે આ હિંદુ સામ્રાજ્ય સેના વાળો અશોક શર્મા છે કોણ? આ અશોક શર્મા હેન્ડસમ યુવાન છે. બોચી સુધી વાળ રાખે છે, સરસ કુર્તા પાયજામો પહેરે છે(મેં અશોક શર્માને ડઝન વાર જોયો છે પણ ક્યારેય પેન્ટ શર્ટમાં નથી હોતો). ગોરો ચહેરો અને ફાંકડી મૂછો. અશોક શર્મ એક સમયે અમદાવાદનો બજરંગ દળનો પ્રમુખ હતો. લગભગ ૧૯૯૭માં તેણે અમદાવાદની હુસેન દોશી ગુફામાં એમએસ હુસેનના ચિત્રોનો કચ્ચરઘાણ વાળ્યો હતો. આ પછી ત્યાં ચિત્ર પ્રદર્શન કાયમ માટે બંધ કરવામાં આવ્યુ હતુ. અશોક શર્માને આ બાબતે પ્રવીણ તોગડિયાએ ઠપકો આપ્યો હતો. ખુદ અશોક શર્માએ મને કેટલાક વર્ષો પહેલા વાત કરી હતી તે અનુસાર, પ્રવીણ તોગડિયાએ કહ્યુ હતુ કે સંગઠનની પરવાનગી વગર આ કામ કેમ કર્યું? કોને પૂછીને ત્યાં હુમલો કરવા ગયા હતા વગેરે વગેરે … આ પછી અશોક શર્મા અને પ્રવીણ તોગડિયા વચ્ચે બોલાચાલી થઈ હતી અને અશોક શર્મા સાબરમતી ડીકેબીન વિસ્તારના તેના હિંદુ છોકરાઓના ગ્રુપ સાથે બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદમાંથી છૂટો થઈ ગયો હતો. અશોક શર્મા આ પછી દુ:ખી હતો. તે અમને એકલ દોકલ જાણીતા પત્રકારોને મળે ત્યારે કહેતો કે પ્રવીણ તોગડિયાએ આ ખોટુ કર્યુ ને તે ખોટુ કર્યુ છે. વિશ્વ હિંદુ પરિષદ ખરી રીતે હિંદુઓ માટે જે કરવુ જોઈએ તે નથી કરી રહ્યુ વગેરે … ૧૯૯૮માં રાજસ્થાનથી આણંદ ૧૭૦૦ વાછરડાને ભરીને કતલખાને સપ્લાય કરવા નીકળેલી ટ્રેન પકડાઈ એને પકડવામાં પણ અશોક શર્માએ ભાગ લીધો હતો. આ વખતે તેણે અમદાવાદના સાબરમતી સ્થિત પોતાના ગ્રુપ સાથે હિંદુ સામ્રાજ્ય સેના રચી દીધી હતી.(એનડીટીવી હિંદુ સામ્રાજ્ય સેનાને નવુ સંગઠન કહે છે એ ભૂલ ભરેલુ છે. અશોક શર્માએ બજરંગ દળ-વિશ્વ હિંદુ પરિષદ છોડવુ પડ્યુ પછી તુરંત ૧૯૯૮માં હિંદુ સામ્રાજ્ય સેના રચી દીધી હતી).

ડિસેમ્બર ૨૦૦૦માં અશોક શર્માએ મેજર પરાક્રમ કર્યુ હતુ. એમએફ હુસેનની ગજગામિની ફિલ્મ આવવાની હતી તેના બે દિવસ પહેલા પ્રિમીયર ટાણે શર્માની હિંદુ સામ્રાજ્ય સેનાના કાર્યકરોએ અમદાવાદ-ગાંધીનગર હાઈવે પરના સિટીપલ્સ થિયેટરમાં જઈને હુસેનના ચિત્રો, ગજગામિનીના હોર્ડીંગ્ઝ, પોસ્ટર્સ તોડ્યા ફોડ્યા હતા. આ પછી તે સૌ બીજા કે ત્રીજા દિવસે પોલીસ સમક્ષ સામેથી હાજર થઈ ગયા હતા. છેલ્લે પાછલી છ જુલાઈએ અશોક શર્મા અને તેમની હિંદુ સામ્રાજ્ય સેનાએ સેંટ ઝેવિયર્સના ઝાંપે વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફાઈન આર્ટસ કોલેજના વિવાદાસ્પદ પ્રોફેસર પાનીકર પર હુમલો કર્યો હતો. પાનીકર જોકે ભાગી નીકળ્યા હતા પણ તેમની કારનો કાચ ફૂટ્યો હતો.

શર્મા જ્યારે વીએચપી-બજરંગ દળમાં હતો ત્યારે તેના માથે મોટા સંગઠનનુ છત્ર હતુ પણ છત્ર વિહોણો અશોક શર્મા થોડો નબળો પડ્યો હતો. પણ વાત એમએફ હુસેનની આવે તો તુરંત સક્રિય થઈ જતો. શર્માનો ટર્નીંગ પોઈન્ટ આવ્યો તોગડિયા વર્સીસ મોદીના રાજકારણથી. તોગડિયા વર્સીસ મોદીના રાજકારણમાં વિશ્વ હિંદુ પરિષદના જયદીપ પટેલ(નરોડા) વીએચપીમાંથી ભાજપ તરફે ઢળ્યા. આ દરમિયાન રાજસ્થાનના ધર્મેન્દ્ર મહારાજ મોદીના સમર્થનમાં આવ્યા. અશોક શર્માએ ધર્મેન્દ્ર મહારાજ અને જયદીપ પટેલ વાળી ટ્રેન પકડી લીધી. ધર્મેન્દ્ર મહારાજની સભાઓનું ચૂંટણી પૂર્વે ઠેકઠેકાણે નોનબીજેપી, નોનવીએચપી લેવલે આયોજન કરવાનુ હતુ એટલે કાર્યકર્તાઓની જરૂર હતી જ. અને અશોક શર્મા જૂનો જાણીતો, થોડુ ગ્રુપ ધરાવતો અને કટ્ટર હિંદુવાદી યુવાન. આથી એકબીજાની ગરજે અને વિચારધારાના તાતણે અશોક શર્મા અને ધર્મેન્દ્ર મહારાજ ભેગા થયા અને અશોક શર્માને લાંબા સમય પછી છત્ર મળ્યુ, ગોડફાધર મળ્યા. મેં જોયુ હતુ કે અશોક શર્મા ધર્મેન્દ્ર મહારાજની શાહપુર ખાતે યોજાયેલી ગુજરાત ચૂંટણી ૨૦૦૭ની પ્રથમ જાહેરસભાના અયોજનમાં સ્ટેજની આસપાસ કેવો વ્યસ્ત હતો. અને ચૂંટણી પછી જ્યારે અમદાવાદના ટાઉન હોલમાં ધર્મેન્દ્ર મહારાજનું નરેન્દ્ર મોદીની હાજરીમાં કટ્ટૃર હિંદુ પ્રવચન થયુ ત્યારે તો અશોક શર્મા સ્વયંસેવક તરીકે સ્ટેજ પર જ સતત ખડેપગે ઉભેલો જોઈ શકાતો હતો. ધર્મેન્દ્ર મહારાજને કશુંક કામ હોય તો સ્ટેજ પર અશોક શર્માને બોલાવતા હતા અને તેમની કાનાફૂસી જોઈ શકાતી હતી. ભાજપના ચૂંટણી વિજય પછી ભાજપની ખાનપુર સ્થિત વડી ઓફિસમાં નરેન્દ્રભાઈ હાજર હતા ત્યારે અશોક શર્મા નીચે તેમની ગાડી પાસે ઉભો હતો અને નરેન્દ્રભાઈને મળવા ઉત્સુક હતો ત્યારે પણ શર્માજી સાથે મારી મુલાકાત થઈ હતી.

મને અશોક શર્મામાં એક રસપ્રદ વાત એ લાગે છે કે માનો કે હું પત્રકાર છુ તો વધુમાં વધુ લખુ છુ. તમે વાંચક છો તો તમે વાંચીને ચિંતા કરો છો કે ચર્ચા કરો છો. પણ આ અશોક શર્મા છે કે જે કરવાનુ કરી નાખે છે પછી ભલે પોલીસનો માર પડે કે કોર્ટનો ધક્કો થાય.

મારા મનમાં એક પ્રશ્ન એ છે કે શું અશોક શર્મા પકડાશે ત્યારે પોલીસ તેને મારશે ? મેં અમદાવાદના ગાંધી આશ્રમમાં મેઘા પાટકરની ઉપસ્થિતિ સામે વિરોધ વ્યકત કરી રહેલા ભાજપના અમિત ઠાકરને નરેન્દ્ર મોદી સરકારની પોલીસને હાથે અતિબેરહમ રીતે માર ખાતા ૨૦૦૨માં જોયા છે.(એ વખતે પત્રકારોએ પણ પોલીસે ફટકાર્યા હતા અને સરકારે પંચ બેસાડેલુ જેમાં જુબાની આપવા હું પણ પત્રકાર તરીકે ગયો હતો પણ એ અલગ વિષય છે) અશોક શર્માને પોલીસ મારશે કે અમિત શાહ માર ખાતા બચાવી લેશે ? એ પ્રશ્ન પર મારુ ધ્યાન છે. મારી માહિતી પ્રમાણે પોલીસ અશોક શર્મા પકડાય એટલે તેન બરાબરનો માર મારવા ઈચ્છે છે પણ સાથે પોલીસ ગાંધીનગરનું આ બાબતે શું વલણ છે એ જાણવા પણ ઉત્સુક છે. જો ગાંધીનગર સિગ્નલ ન આપે તો પોલીસ અશોક શર્મા આણિ કાર્યકરોને માર્યા વગર પકડીને જામીન અપાવી દેશે.

મુંબઈમાં બાલાસાહેબ ઠાકરે ખુલ્લેઆમ મિડિયા ઓફિસ પર હુમલો કરાવતા હતા અને તેનું સમર્થન કરતા હતા. આજે ઠાકરે વિરૂદ્ધ લખવાની મુંબઈમાં કોઈ હિંમત નથી કરતું. નરેન્દ્ર મોદી સરકાર એનડીટીવી ઓફિસ પરના હુમલાનુ ખુલ્લેઆમ સમર્થન ન જ કરે પણ કમસેકમ અશોક શર્માને પોલીસનો માર ન પડે અને પકડાય કે તુરંત જામીન મળી જાય એવો રસ્તો કરી આપીને સાયલન્ટ મેસેજ આપી શકે.

અશોક શર્મા માટે મારે પ્રાર્થના કરવાની કે હિંદુત્વના ખભે ઉભા થયેલા બીજા જાણીતા નામોની માફક તે પૈસા બનાવવામાં, નામ થઈ ગયુ એટલે સ્થાનિક વિસ્તારમાં બીજી દાદાગીરીઓ કરવામાં ન પડી જાય. તથા એમએફ હુસેન સિવાયના બીજા હિંદુત્વના મુદ્દાઓને પણ હાથમાં લે. અશોકના આ કૃત્યની સ્ટાઈલ એવી છે કે પબ્લીસીટીનો હેતુ હિંદુત્વના હેતુની સાથે ભળેલો છે. મોટા કટ્ટૃર હિંદુ નેતા બનવાની મહાત્વાકાંક્ષા, પોતાના સંગઠન હિંદુ સામ્રાજ્ય સેનાને વિરાટ જહાલ હિંદુ સંગઠન તરીકે જોવાની અભિપ્સા મને અશોક શર્મા સાથે વાત કરતા તેનામાં હંમેશા દેખાઈ છે. ગુજરાતમાં હિંદુત્વની વાત કરનારા ચહેરાઓ સતત મારી ટેસ્ટીંગ લેબોરેટરીમાં ટેસ્ટ કરતો રહુ છુ. અશોક શર્મા આમાંનો એક છે અને ટેસ્ટ હજુ ચાલુ છે.

-પક્ષીઓના તાત્કાલિક સારવાર કેન્દ્રમાં વોર જેવી પરિસ્થિતિ હતી
-અમદાવાદની હોસ્પિટલોમાં એક પછી એક ગળુ કપાયેલા દર્દીઓ સ્ટ્રેચર પર આવતા હતા
-આપણે ત્યાં સેફટી સ્ટાન્ડર્ડ નામની કોઈ ચીજ છે કે કેમ ? દુનિયાના કોઈ દેશમાં આવુ ન હોઈ શકે!!
-કાચ, હીરાકણી, કેમિકલ મિશ્રીત પાકા દોરા, ચાઈનીસ દોરાના ઉતરાણમાં વેચાણ – ઉપયોગ પર કડક પ્રતિબંધ લાવો
-ઉતરાણ પક્ષીઓની બકરીઈદ બની ગઈ છે, આપણને ગુજરાતી હિંદુઓને આ શોભે એવી વાત છે ?

16-01-2008

તરાણના દિવસે બપોરે મેં અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત વન ચેતના કેન્દ્રમાં જોયેલુ દ્રશ્ય યુદ્ધ જેવુ હતુ. જેમ યુદ્ધ સમયે કાર્યરત હોસ્પિટલમાં એક પછી એક ઘવાયેલા દર્દીઓ આવતા જ રહેતા હોય છે અને ઓપરેશન થિયેટર ધમધમતા હોય છે, બિલકુલ એવી જ પરિસ્થિતિ અહીં હતી. જો કે ફર્ક એટલો માત્ર હતો કે ઘવાઈને નિરંતર આવતા રહેતા દર્દીઓ તરીકે અહીં માણસો નહીં પણ પક્ષીઓ હતા.

ઉતરાણમાં દોરાથી કપાઈને હજારો પક્ષીઓ અપંગ થાય છે અને મોતને ભેટે છે એ વાત સૌથી પહેલા મેં મારા પાડોશમાં એક ગીધ દોરાથી કપાઈને પડ્યુ હતુ ત્યારે ગુજરાત સમાચારમાં લખી હતી. ઉતરાણ અને પક્ષીઓને ઈજા એ વિષય ત્યારે સૌપ્રથમ વખત પ્રકાશમાં આવ્યો હતો. પછી તો બીજા વર્ષે જીવદયા મંડળીઓ દ્વારા આ માટે કામ શરૂ થયુ હતુ અને પછીતો ઉતરાણ પર અમદાવાદની એનિમલ હેલ્પ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ખાસ વિદેશથી ડોક્ટરોની ટીમ આવીને પક્ષીઓ માટે તાત્કાલિક સારવાર કેન્દ્ર ચલાવતી હતી. એનિમલ હેલ્પ ફાઉન્ડેશન હમણા બંધ પડ્યુ છે તેથી આ વર્ષે જંગલ ખાતાએ પાંચ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને અમદાવાદના વસ્ત્રાપુરમાં પક્ષીઓ માટે તાત્કાલિક સારવાર કેન્દ્ર ઉભુ કર્યુ. આમાં સેવા આપવા શ્રીલંકા અને સિંગાપુરથી મહિલા ડોક્ટરો આવ્યા. આ ઉપરાંત અમદાવાદના વેટરનરી ડોક્ટરો પણ આમાં જોડાયા. તો સોથી વધુ યુવાનોએ ઉતરાણની મસ્તી છોડીને અહીં પક્ષીઓની સેવામાં વોલન્ટીયરીંગ કરીને સેવા બજાવી. જૈન ભાઈઓ પણ આ કામમાં ખડે પગે જોડાયા હતા.

પતંગથી કપાયેલા પક્ષીઓ અહીં નિરંતર આવતા રહેતા હતા. કોઈક એને બૂટના ખોખામાં લઈને આવે, કોઈક પક્ષીઓને થેલીમાં લઈને આવે. આવનાર પક્ષીની અહીં રજિસ્ટરમાં નોંધ થાય. તેને ટેગ લગાવવામાં આવે. અને પછી બાસ્કેટમાં મૂકવામાં આવે. ઓપરેશનમાં જવા માટે ઘાયલ પક્ષીઓની કતાર એટલી મોટી હતી કે અનેક ઘાયલ પક્ષીઓએ વેઈટીંગમાં રહેવુ પડતુ હતુ. ઓપરેશન થિયેટર ઉતરાણ અને આસપાસના દિવસોએ રાતના બે વાગ્યા સુધી બીઝી રહ્યુ હતુ. ઘાયલ પક્ષીની પાંખ ના છૂટકે કાપી નાખવી પડે એમ હોય ત્યારે ડોક્ટરોની આંખમાં ઝળઝળિયા આવી જતા હતા.

ખાસ કરીને કબૂતરો તથા સમડીઓ ઘવાઈને આવી હતી. એ ઉપરાંત મોર, ચામાચિડીયા, બ્લેક આઈબીસ, ઘુવડ જેવા પક્ષીઓ પણ આવ્યા હતા.પક્ષીઓને સારવાર બાદ લોનમાં પાંજરા મૂકીને બનાવવામાં આવેલા આઈસીયુમાં દાખલ કરવામાં આવતા હતા. આઈસીયુ મંડપમાં ભુ કરવામં આવ્યુ હતુ. કૂતરા બિલાડી ન પહોંચી જાયે તે માટે ચોકીદાર બેસાડવામાં આવ્યા હતા. જે પક્ષીઓ સંપૂર્ણ નોર્મલ થઈ જાય એમને જે વિસ્તારમાંથી લાવવામાં આવ્યા હતા ત્યાં જ છોડી મૂકાશે જ્યારે અપંગ પક્ષીઓને કાગડા, બિલાડી ખાઈ ન જાય એ માટે તેમને ગાંધીનગરના ઈન્દ્રોડા ઉદ્યાનમાં અપંગ પક્ષીઓ માટેના સુરક્ષિત પિંજરામાં લઈ જવામાં આવશે. વડોદરામાં ઉતરાણ નિમીત્તે પક્ષીઓને બચાવવા મુંબઈની કરૂણા સંસ્થાની ટીમ એમ્બ્યુલન્સ સહિત આવી હતી. વડોદરામાં પતંગના દોરાથી કપાયેલા પક્ષીઓની ખાસ સ્મશાનયાત્રા કાઢવામાં આવી અને તેમને ચિતા પર સંપૂર્ણ વિધિ પ્રમાણે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા. આવુ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યુ.

મુસ્લિમોમાં બકરઈદનો તહેવાર એવો છે કે લાખો જીવોની બેરોકટોક ઓફિશીયલ અને ગૌરવભેર કતલ થાય છે. આપણો ધર્મ હિંદુ છે. આપણે બેરહમ અને સંસ્કારનિર્લજ્જ બની શકીએ નહી. આપણે આપણા તહેવાર દ્વારા જો આ રીતે નિર્દોષ પક્ષીઓની સામૂહિક કતલ થતી હોય તો તે મામલે કોઈક રસ્તો ચોક્કસ વિચારવો જોઈએ અને આવતી ઉતરાણ પહેલા તેનો અમલ પણ કરી દેવો જોઈએ. સૌથી પહેલુ કામ તો એ છે કે સરકારે કાચવાળી, હીરાકણી વાળી, કેમીકલ વાળી પાકી માંજા દોરી પર પ્રતિબંધ લાદવો જોઈએ. કાચ અને કેમીકલ મિશ્રીત દોરી તથા આ વખતે બજારમાં આવેલી અસ્ત્રા જેવી ચાઈનીસ દોરી માત્ર પક્ષીઓ માટે જ નહી પરંતુ માણસો માટે પણ ખતરનાક છે તેના પર કડક પ્રતિબંધ મૂકવાનુ શૌર્ય સરકારે બતાવવુ જોઈએ. કોઈ પણ સુધરેલા દેશમાં આવા ખતરનાક ખેલ ચાલી શકેં.સેફટી સ્ટાન્ડર્ડ નામની ચીજ તો હોવી જોઈએ ને?

બે પૈડાના વાહનો ચલાવનારાઓ માટે ઉતરાણના ગાળામાં વાહન લઈને નીકળવુ ખતરનાક નીવડતુ હોય છે( આ વખતે ઉતરાણ પર સુરતના વરાછા ઓવરબ્રીજ પર બે પૈડાના વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણકે ઓવરબ્રીજ હાઈટ પર હોવાથી ઘણા લોકોના પતંગની દોરીથી ગળા કપાતા હોય છે). આવામાં ઘાતક દોરી પર સરકારે આવતી ઉતરાણની સીઝનથી લાગુ પડે એ રીતે પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. એક માત્ર આપણી જ સરકાર આ રીતે લોકોના ગળા કપાતા હોય ને જોયા કરે એવી હોઈ શકે. વિચારો અમેરિકામાં ડઝન માણસો પતંગની દોરીથી મરે તો શું કરે ત્યાંની સરકાર ? તાત્કાલિક પગલા લે, બાન મૂકે અને ઘાતક દોરી બનાવવાનુ કામ કડક રીતે બંધ કરે. અમેરિકાના પ્રોડક્ટ સેફટી સ્ટાન્ડર્ડ અદભૂત છે. કાચી દોરીથી પતંગ ચગાવવાથી કોઈની ઉતરાણની મજા બગડવાની નથી. સરકાર ઘાતક દોરી પર પ્રતિબંધ મૂકે તો ગુજરાતીઓ તેને ચોક્કસ આવકારશે. કારણકે ગુજરાતીઓ સાઉદી અરેબીયન નથી, ઉતરાણ એ પક્ષીઓની બકરઈદ નથી. ઉતરાણનું પર્વ ગાયોને ચારો ખવડાવવાનું પર્વ છે એ રીતે જીવદયાનું પર્વ છે, ઉતરાણનું પર્વ મકર રાશિમાં પ્રવેશેલા સૂર્યને માણવા છત પર ચડવાનુ છે એ રીતે પર્યાવરણનું મિત્ર પર્વ છે. પક્�%A

*****


-બેનઝીર ભુટ્ટો અને ગુજરાત:નરેન્દ્ર મોદીનો નો બોલ
-મોદીની બેનઝીરના મોત પર સહાનૂભૂતિ અડવાણીના જિન્નાહની દરગાહ પર સજદા જેટલીજ વાંધાજનક
-બેનઝીરના પરિવારનો ગુજરાત સાથે નાતો ગૌરવવંતો ન હતો
-બેનઝીરના દાદા જુનાગઢને પાકિસ્તાન સાથે જોડી ચૂક્યા હતા
-જે બેનઝીરે કહ્યું કે કશ્મીર મામલે પાકિસ્તાન સાતસો વર્ષની લડાઈ લડશે
-જે બેનઝીરે કશ્મીરના આતંકવાદ માટે ઉશ્કેરણી ને મદદ કરી એના મોત પર સહાનૂભૂતિ શાની?

11-01-2008

રેન્દ્રભાઈ મોદી હમણા હમણા દિલ્હી જાય ત્યારે ટીવી પત્રકારોને નેશનલ અથવા ઈન્ટરનેશનલ જે પણ ટોપીક હોટ ચાલતો હોય તેના પર પોતાની ટિપ્પણી આપી દે છે. હમણા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટર હરભજનસિંઘ પર રેસીઝમનો આરોપ આવ્યો અને નરેન્દ્રભાઈએ આ અંગે ટીવી કેમેરાઓને નિવેદન આપ્યું કે ભારતે આ કિસ્સામાં પોતાના સ્વાભિમાનનું રક્ષણ કરવું જોઈએ.

પરંતુ જેપીએ અહીં વાત કરવી છે નરેન્દ્રભાઈએ આ પહેલા આપેલા અન્ય એક વિષય પરના આંતરરાષ્ટ્રિય મામલા વિષયક નિવેદનની. દર અસલ જ્યારે પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટોની હત્યાનો મામલો જોરમાં ચાલી રહ્યો હતો ત્યારે નરેન્દ્રભાઈએ બેનઝીરની હત્યા પર દુ:ખ પ્રગટ કરતા કહ્યું કે ભુટ્ટો પરિવાર સાથે ગુજરાતને તો ખાસ નાતો હતો. અને ગુજરાતને ભુટ્ટો માટે વિશેષ પ્રેમ હતો કારણકે ભુટ્ટોના કુટુંબીજનોનો જુનાગઢ સાથે નાતો રહ્યો છે. તેઓ ત્યાં રહી ચૂક્યા છે… વગેરે વગેરે

મારા મતે આ નરેન્દ્ર મોદી દ્વારા ફેંકાઈ ગયેલો ‘નો બોલ’ હતો. એવો જ ‘નો બોલ’ જેવો ‘નો બોલ’ અડવાણીએ તેમના પાકિસ્તાન પ્રવાસ વખતે મહંમદ અલી જિન્નાહની દરગાહ પર સજદો કરીને ફટકાર્યો હતો.

નરેન્દ્રભાઈએ બેનઝીર ભુટ્ટોના ગુજરાત કનેક્શનને લઈને સહાનૂભૂતિની વાત કરી એનુ બેકગ્રાઉન્ડ એવુ છે કે બેનઝીર ભુટ્ટોના દાદા શાહનવાઝ ભુટ્ટો પાંચ મહિના અને અગિયાર દિવસ માટે ગુજરાતના જુનાગઢના આખરી નવાબના દિવાન હતા. પરંતુ જેઓ ઈતિહાસ જાણે છે તેઓને સારી રીતે ખબર છે કે શાહનવાઝ ભુટ્ટો કઈ બલા હતી. શાહનવાઝ ભુટ્ટો કટ્ટર મુસ્લિમ હતા. જુનાગઢ પાકિસ્તાનથી માઈલો દૂર હોવા છતા તેમણે જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવુ હતુ. તેમણે જ નવાબને જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવા ઉશ્કેર્યા હતા અને સલાહ આપી હતી. એ તો સરદાર પટેલે આરઝી હકૂમત નામની જનતા સેના બનાવી અને મુંબઈમાં વંદેમાતરમ અખબાર ચલાવનાર ગુજરાતી શામળદાસ ગાંધીને તેનુ કામ સોંપ્યુ પછી તેના થકી નવાબ અને ભુટ્ટોએ નાછૂટકે પાકિસ્તાન ભાગી જવુ પડ્યુ હતુ અને જુનાગઢ ભારતમાં જોડાઈ શક્યુ હતુ. શાહનવાઝે જુનાગઢને હિંદુ બહુમતિ હોવા છતા, જુનાગઢ રાજ્યમાં સોમનાથનું મંદિર હોવા છતા અને જુનાગઢ-પાકિસ્તાન વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છનો મોટો પ્રદેશ આવતો હોવા છતા પાકિસ્તાન સાથે જોડવુ હતુ. ૧૯ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે શાહનવાઝ ભુટ્ટોએ તત્કાલીન પાકિસ્તાની વડાપ્રધાન લિયાકતખાનને પત્ર લખ્યો હતો કે જુનાગઢે પાકિસ્તાન સાથે જોડાવવુ છે.અમે તમારા ઉત્તરની રાહ જોઈએ છીએ…જલ્દીથી જવાબ મોકલાવો. જ્યારે સપ્ટેમ્બર ૧૯૪૭માં જુનાગઢનો કબજો લેવા સરદાર પટેલ પ્રેરિત આરઝી હકૂમતન ફોજ જુનાગઢ તરફ ધસી રહી હતી ત્યારે ૧૬ સપ્ટેમ્બરે શાહનવાઝ ભુટ્ટોએ પાકિસ્તાનને લખ્યુ હતુ કે ‘અમને જણાવો કે પાકિસ્તાન જુનાગઢને શું મદદ પહોંચાડવાનુ છે. અમને આગળનુ કદમ લેવામાં સમજ પડે…

શાહનવાઝ ભુટ્ટોએ હિંદુ સ્ત્રી લખમીબાઈને વટલાવીને ધર્માંતર કરી મુસ્લિમ કરી તેની સાથે નિકાહ કર્યા હતા.અને જુનાગઢનું પાકિસ્તાન સાથેના જોડાણનુ સ્વપ્ન તૂટી જતા તથા જુનાગઢ ભારતનુજ અંગ રહેવાનુ છે એવી ખાતરી થતા પાકિસ્તાન ભાગી ગયા હતા.

આ શાહનવાઝ ભુટ્ટોની જુનાગઢ લેગસી તેમની પૌત્રી બેનઝીર ભુટ્ટોના નિધન ટાણે મિડિયાએ તો ખાસ્સી ચગાવી પરંતુ નરેન્દ્ર મોદી પણ એમાં શામિલ થઈ ગયા એ જાણીને આશ્ચર્ય થયુ. ગુજરાત સાથેનો ભુટ્ટો પરિવારનો નાતો શું ગૌરવવંતો હતો તો ગુજરાતી લોકોને ભુટ્ટો પરિવાર માટે કોઈ વિશેષ હમદર્દી હોય ?

બેનઝીર ભુટ્ટોની ખુદની જ વાત કરીએ તો તેમણે તેમના સમયમાં અફઘાનિસ્તાનની તાલિબાનને સપોર્ટ કર્યો હતો. કશ્મીર માટે પાકિસ્તાન સાતસો વર્ષ સુધી લડશે એવુ નિવેદન કર્યુ હતુ. ૧૯૮૮થી ૧૯૯૦ અને ૧૯૯૩થી ૧૯૯૬માં બેનઝીર પાકિસ્તાનની વડાપ્રધાન હતી ત્યારે બૂમો પાડી પાડીને કશ્મીરની સ્વતંત્રતા વિશે ભાષણ આપતી હતી. કશ્મીરના અને તાલીબાનના આતંકવાદીઓને બેનઝીર ઉશ્કેરણીજનક ભાષણો આપીને લડવા તૈયાર કરતી હતી એવા ઢગલાબંધ વિડિયો એ સમયે ટીવીમાં જોઈ શકાતા હતા.બેનઝીર ભુટ્ટોએ વડાપ્રધાન પદે હતા ત્યારે પાકિસ્તાનની ગરીબ પ્રજાને શોષીને કરપ્શન કરવામાં પણ કશું જ બાકી નહતુ રાખ્યું. પાકિસ્તાન જવાથી જિંદગીને ખતરો હોવા છતા સત્તા માટે પાકિસ્તાન પહોંચી ગયેલા બેનઝીર ભુટ્ટોને તેમણે જ એંશી-નેવુના દશકમાં જેમને તૈયાર કર્યા હતા એવા ઉગ્રવાદીઓએ મારી નાખ્યા તો એમાં નરેન્દ્ર મોદીએ સહાનૂભૂતિ વ્યક્ત કરવાની ક્યાં જરૂર હતી? નરેન્દ્ર મોદીએ બેનઝીરની હત્યાના મામલે આતંકવાદને વખોડવો હતો તો કહેવુ જોઈતુ હતુ કે જે આતંકવાદને પાકિસ્તાન પોષી રહ્યું છે એ ખુદ પાકિસ્તાનને જ નડશે અને નડી રહ્યો છે. બેનઝીરે કશ્મીરની લડાઈ માટે આતંકવાદ પોષ્યો પણ કશ્મીર ભારતમાં જ છે અને રહેશે, બેનઝીર ખુદ મરાઈ ગઈ. મુશર્રફ પણ આતંકવાદીઓના કેમ્પ બંધ નહી કરે તો કશ્મીર તો ભારતનુ છે અને રહેશે પણ મુશર્રફનુ ઢીમ તેણે જ તૈયાર કરેલા આતંકવાદીઓ ઢાળશે …મોદી કહી શક્યા હોત કે બેનઝીરની ઉશ્કેરણી અને મદદથી કશ્મીરમાં એંશી-નેવુના દશકમાં જે કશ્મીરી પંડિતો બેઘર, બેવતન થયા, મરાયા, કપાયા એનુ કર્મનું ફળ બેનઝીરને મળ્યુ …અને આ બધુ કહેવાની અનૂકૂળતા ન હોય તો મોદીએ બેનઝીર મામલે કોઈ નિવેદન કરવાનુ જ ટાળવુ જોઈતુ હતુ.

*******

બોમન ઈરાની મસ્ત ગુજરાતી છે

05-01-2008

બોમન ઈરાની મારો ફેવરીટ એક્ટર છે. આજે અમદાવાદમાં એને મળવાનુ થઈ ગયુ એ વાત મારા માટે અત્યંત આનંદની હતી. બોમન જેટલો સારો એક્ટર છે એટલો જ સારો માણસ પણ છે એનો અનુભવ થયો. દર અસલ બોમનની આજની પ્રેસ કોન્ફરન્સ સહારા ફિલ્મી ચેનલ પર તેના શરૂ થઈ રહેલા ફિલ્મી ક્વીઝ પ્રોગ્રામની પબ્લીસીટી માટે હતી. હોટેલ ફોર્ચ્યુન લેન્ડમાર્કના પહેલા માળે પ્રેસ કોન્ફરન્સ હતી અને છટ્ઠા માળે બોમનનો રૂમ હતો. પત્રકારોને સાડા બારનો ટાઈમ આપવામાં આવ્યો હતો પણ સવા એક સુધી બોમન મહારાજ દેખાયા નહી. અને આ જ સમયે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અમદાવાદ મીરરનો ફોટોગ્રાફર પણ ગુમ હતો એટલે રાહ જોઈ રહેલા પત્રકારોમાં એવી વાત ફેલાઈ કે બધા પત્રકારોને રાહ જોવડાવીને બોમન છઠ્ઠા માળે રૂમમાં એક જ પત્રકાર ફોટોગ્રાફરને ઈન્ટર્વ્યુ આપી રહ્યો છે ને ફોટા પડાવી રહ્યો છે. સહારા ટીવીના કોર્પોરેટ કમ્યુનિકેશન કર્મચારી મલ્હારે પત્રકારો આગળ ચોખવટ કરવી પડી કે બોમન નહાવા ગયો છે એટલે મોડી થઈ રહ્યુ છે. બોમન આવે ત્યારે તમને સાબુની સુગંધ પણ સૂંઘવા મળશે.

ખેર બોમન આવ્યો અને તેની સાથે લીફ્ટમાં ટાઈમ્સનો ફોટોગ્રાફર પણ આવ્યો કે જે છઠ્ઠા માળે બોમનના રૂમની બહાર ફિલ્ડીંગ ભરી રહ્યો હતો અને લીફ્ટમાં પણ ક્લીક કરતો રહ્યો હતો. બોમને પ્રેસ કોન્ફરન્સમાં આવતા જ કેમ છો કહ્યું અને એની સ્પોન્ટેનીયસ અદાથી એના શોની વાતો કરી. દરમિયાન ટાઈમ્સનો ફોટોગ્રાફર બોમનના પગની પાસે બેસી ગયો અને ફોટા ખેંચતો જ રહ્યો, ખેંચતો જ રહ્યો. પ્રેસ કોન્ફરન્સ પતી ત્યારે બોમને ફોટોગ્રાફરને કહ્યું કે હવે કોઈ અદામાં ફોટો બાકી રહ્યો હોય તો કરી બતાઉ!! અને બોમને ઉભા થઈને દસ બાર જાતની અદાઓ કરી પણ બતાવી.બોમને કહ્યું કે હવે ડિજીટલ કેમેરા આવી ગયા છે એટલે તમે પત્રકારો ક્લીકો કર્યા જ કરો છો કર્યા જ કરો છો કારણકે કોઈ રોલ નથી વપરાતો. પણ જ્યારે રોલ વાળા કેમેરા હતા ત્યારે માનો કે હું તમને ફોટોગ્રાફરોને કહું કે યાર જરા આવા પોઝમાં પણે એક ફોટો ખેંચી દે ને ? તો તમે ના પાડતા હતા.રોલ બગાડવો ન હતો એટલે કહેતા હતા કે ના ના હજુ આ રોલ પર આગળ ફ્લાણો ફોટો પાડવાનો છે ને ઢીકણો પાડવાનો છે.

બોમને કહ્યું કે તે પણ એક સમયે ફોટોગ્રાફર હતો એટલે જાણે છે કે ફોટોગ્રાફરોનું કામ કેવુ ચેલેજીંગ હોય છે. જેપી સાથેની વાતચીતમાં બોમને કહ્યું કે તે અગાઉ જ્યારે એક્ટર ન હતો અને ફોટોગ્રાફર હતો ત્યારે અમદાવાદના બંધેજ સ્ટોરના મોડેલના ફોટા લેવા આવતો હતો અને અમદાવાદ નજીક એક દરગાહ કેમ્પસ છે ત્યાં ફોટો પાડતો હતો. પછી બોમને દરગાહનું નામ યાદ કર્યું અને કહ્યું કે નામ જવા દો યાર, કદાચ કોઈ વાંધો લે!! મેં કહ્યું કે એ સરખેજની દરગાહ હશે અને એ લોકો તો સામેથી ફોટોગ્રાફરોનું સ્વાગત કરે છે. કોઈ પ્રોબ્લેમ નથી.

બોમનને મેં પૂછ્યુ કે તેને ફિલ્મમાં એક્ટિંગ કરતો જોતા હોઈએ તો એવુ જ લાગે કે બોમનને નહી પણ પેલા પાત્રને જોઈ રહ્યા છીએ. આવી સરસ એક્ટંગ તે કઈ રીતે કરી શકે છે? બોમને કહ્યું કે એક એક પાત્ર પર રિસર્ચ કરવો પડે છે. લગે રહો મુન્નાભાઈ માટે સરદારજી કેવી રીતે વિચારે છે ત્યાં સુદ્ધાનું લેસન કર્યું હતુ. બોમને મને પૂછ્યું કે તમે તમારી જાત વિશે ઘણુ બધુ જાણૉ છો ને? એવી જ રીતે હું મારા વિશે ઘણુ બધુ જાણુ છુ. પણ મારે કોઈ પાત્ર નિભાવવાનુ હોય ત્યારે હું જેટલુ મારા વિશે જાણુ છુ એટલું જ પાત્ર વિશે જાણી લઉ છુ. એટલે પાત્ર જીવી જાઉ છું.

બોમને કહ્યું કે તે સતત નિરીક્ષણ કરતો રહે છે. સામાન્ય માણસ જોડે ઘુલતો મિલતો રહે છે. કોઈ બોલતુ હોય ત્યારે તેની સ્ટાઈલ જુવે છે, બોડી લેંગ્વેજ જુવે છે. કોઈને સાંભળો તો માત્ર કાનથી નહી પણ કાનની સાથે સાથે આંખથી પણ સાંભળો તો બહેતર સાંભળી શકાતુ હોય છે. બોમને તેના નિરીક્ષણનો દાખલો આપતા ખુરશી પરથી ઉભા થઈને બાજુમાં ઉભેલા સહારા ટીવીના એક્ઝીક્યુટીવની અદ્દલ સ્ટાઈલ કરીને બતાવી. એવા જ પહોળા પગ, એવુ જ ઈમ્પેશન્ટ શરીર અને એવા જ ફેસીયલ હાવભાવ.

બોમને કહ્યું કે એ તો ફોટોગ્રાફી અને થિયેટર કરવામાં મસ્ત હતો એવામાં મિત્રોએ લેટસ ટોક નામની ડિજીટલ કેમેરાથીજ ફિલ્મ બનાવી અને તેમાં પોતે કામ કર્યું. આ ફિલ્મ વિધુ વિનોદ ચોપ્રાના જોવામાં આવી અને એમણે મને મુન્નાભાઈ એમબીબીએસમાં ડોક્ટર ખુરાનાના પાત્રમાં લઈ લીધો અને પછી મારી ફિલ્મી સફર ચાલુ થઈ ગઈ. બોલીવુડમાં આજે મારી ઉંમરના કલાકારો અનુપમ ખેર, પરેશ રાવલ, ઓમ પુરી, નસીરૂદ્દીન શાહ છીએ અને અમારી ઉંમરના રોલ એટલા બધા છે કે સખત કામ રહે છે.

મેં બોમન સાથે માત્ર ગુજરાતીમાં વાત કરી અને બોમન સુપર્બ ગુજરાતી બોલે છે. બોમને કહ્યું કે હજુ આગલી રાત્રેજ પરેશ રાવલ સાથે વાત થઈ હતી અને તે પણ ગુજરાતીમાં. બોમને કહ્યું કે તે, પરેશ રાવલ અને જેકી શ્રોફ એક બીજા સાથે ગુજરાતીમાં જ વાત કરતા હોય છે.

મેં પૂછ્યું કે બોમન તમે આટલા સક્ષમ ગુજરાતીઓ મુંબઈમાં છો તો ગુજરાતની ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે કેમ કશું નથી કરતા? ગુજરાતની ફિલ્મ ઈન્ડસ્ટ્રી સદાકાળ ઓક્સીજન પર ચાલી રહી છે. બોમને કહ્યું કે આવુ કેમ છે? મારી સાથે બેઠેલા પત્રકાર મિત્રે કહ્યું કે ગુજરાતી ફિલ્મો ટ્રેડીશનલ થીમ પર જ બન્યા કરે છે એટલે. બોમને કહ્યું સાચી વાત. આજે તો કન્ટેન્ટ કીંગ છે. અપડેટેડ સ્ટોરી લાવો. ખોસલા કા ઘોંસલા સફળ થઈ એમાં શું હતું? કન્ટેન્ટ હતો બસ.

બોમને જેપી પછી બીજા ત્રણ પત્રકારોને વન ટુ વન અલગ અલગ ઈન્ટર્વ્યુ આપ્યા. તે થાકતો ન હતો. કેટલીક શિખાઉ છોકરી પત્રકારોના સાવ સ્ટુપીડ પ્રશ્નો સામે જવાબ આપવામાં નિખાલસ અને ખેલદિલ હતો, સ્પોર્ટી, એનર્જેટીક, સાચો, પારદર્શક અને ડાઉન ટુ અર્થ હતો.

હવે આની સામે અન્ય એક ગુજરાતી કલાકારની વાત કરુ. શર્મન જોષી નામનો આ કલાકાર આપે મસ્તી, રંગ દે બસંતી, ગોલમાલ જેવી ફિલ્મોમાં જોયો હશે. જેપી અને આ શર્મન જોષી હમણા અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં નાટ્ય સ્પર્ધાની ફાઈનલમાં એક જ રોમાં બેઠા હતા. શર્મન જોષીનો સ્ટેજ પર બોલવાનો વારો આવ્યો એટલે ચાંપલા અંગ્રેજીમાં થોડાક શબ્દો બોલ્યો. તદ્દન આઈ એમ સમથીંગ સ્ટાઈલમાં અને મને ગુજરાતી નથી ફાવતુ વાળી મુંબઈની વ્હેમુ અદામાં. ખેર થોડુ બોલીને તે બેસી ગયો એટલે થોડી વાર પછી તેને પ્રવક્તાએ ફરીથી ઉભો કર્યો. આ વખતે લોકો બૂમો પાડવા માંડ્યા કે ગુજરાતીમાં બોલજે , ગુજરાતીમાં બોલજે. શર્મને માઈક પર આવીને કહી દીધુ કે પોતે અંગ્રેજી મિડિયમમાં ભણે છે અને ગુજરાતી નથી ફાવતુ.

મજાની વાત એ છે કે આ શર્મન મહાશયે અનેક ગુજરાતી ડ્રામાઓ કરેલા છે અને જેપીના સોર્સ કહે છે કે તે ગુજરાતી કડકડાટ બોલે જ છે પણ અહીં જાહેરમાં પોતે સ્ટાર હોવાથી ગુજરાતી બોલતા શરમાય છે અને સ્ટેટસ અનુસાર અંગ્રેજી બોલી રહ્યો છે.. આના ખુલાસામાં તેણે પોતાની જ રીતે કહ્યું કે તે ડ્રામા વખતે ગુજરાતી ડાયલોગો ગોખી જાય છે એટલે બોલી શકે છે. શર્મને ગુજરાતી અને અંગ્રેજીની ભેળપુરી કરીને શરૂઆત કરી અને છેવટે અંગ્રેજીમાં જ તેનું ભંગાર વક્તવ્ય પૂરૂ કર્યું.

બહારથી મહાન બનવા માટે અંદરથી મહાન હોવુ જરૂરી છે. મેં ત્રણ જ દિવસના ટૂંકા ગાળામાં બોમન ઈરાની નામનો અંદરથી મહાન માણસ અને તેથી બહારથી મહાન કલાકાર એવો ગુજરાતી શખ્સ જોયો અને શર્મન જોષી નામનો ન અંદરથી અને ન બહારથી મહાન એવો ગુજરાતી કલાકાર પણ જોયો.

*******

અમદાવાદની ૩૧ ડિસેમ્બર:વર્ષની સૌથી અનસેફ રાત

January 01, 2008

રીથી ૩૧ ડિસેમ્બરની રાત આવી અને ફરીથી અમદાવાદીઓમાં ઘેલપણ છવાયુ. આખા સીજી રોડ પર દરેક વર્ષની માફક લોકો ચાલતા નીકળી પડ્યા. રોડ વાહનોના ટ્રાફીક માટે બંધ કરી દેવાયો હતો. જોવાની વાત એ છે કે સીજી રોડ પર આતશબાજીનો કોઈ પ્રોગ્રામ ન હતો, તમામ દુકાનો પોલીસે પહેલેથી જ બંધ કરાવી દીધી હતી, ખાણીપીણીની રેસ્ટોરન્ટો અને મ્યુનિસિપલ માર્કેટ પણ પોલીસે બંધ કરાવ્યુ હતુ, મ્યુઝીકનો પણ કોઈ પ્રોગ્રામ ન હતો. પરંતુ તેમ છતા પબ્લીક સીજીરોડ પર બસ ચાલવા નીકળી પડી હતી. આમથી તેમ ચાલે ને તેમથી આમ ચાલે, લો કરો વાત, આ ઉજવણી.બીજી તરફ સરખેજ ગાંધીનગર હાઈવે પર દારૂ પીને કાર ચલાવનારાઓ, સ્ટંટ બાઈકીંગ કરનારાઓ, અને ૧૨ વાગ્યા પછી વાહનો પર નીકળીને બૂમબરાડા પાડનારાઓનો આતંક હતો.

૩૧મી ડિસેમ્બરે વસ્ત્રાપુરની પ્રાઈડ હોટેલમાં ઈરાનની ડાન્સર અને બોલીવૂડ ડાન્સરના નામે મુંબઈની બાર ડાન્સરોનો નાચ થયો.અહીં અંદર ઘૂસવાનો કપલ પાસ ૩૫૦૦ રૂપિયાનો અને સીંગલ ૨૫૦૦ રૂપિયાનો હતો. તો સાયન્સ સીટી સામેના પ્લોટમાં રશિયન ડાન્સર્સનો લગભગ અન્ડરગારમેન્ટ કહી શકાય એવા કપડામાં ડાન્સ થયો. બોલ ડાન્સ તો બહુ જૂની વાત છે, પોલ ડાન્સ પણ થયો. કોઈએ મુંબઈથી બાર ટેન્ડર બોલાવ્યા તો કોઈએ કોલગર્લ બોલાવીને બીયર સાથે ઈસુનુ નવુ વર્ષ ઉજવ્યુ. કોઈએ બપોરથી બીજા દિવસની સવાર સુધીની પાર્ટી કરી તો કોઈએ અનલિમિટેડ દારૂ સાથેની પાર્ટી કરી.દારૂના ભાવ ૩૧ ડિસેમ્બરની રાત્રે જેમ જેમ રાત વધતી જાય તેમ તેમ વધતા જાય છે અને દોઢાથી બમણા થઈ જાય છે.માણસ એક વાર નશામાં આવે અને વધુ દારૂ માંગે ત્યારે સપ્લાયર મ્હોં માંગ્યા દામ માંગી શકે છે.

મેં રિપોર્ટીંગ દરમિયાન અલગ અલગ ડઝન ઠેકાણે ઉજવણીના રંગ અને ઢંગ જોયા. ત્રણ વર્ષ પહેલા ૩૧મી ડિસેમ્બરની રાત્રે અમદાવાદમાં બીજલ જોષી નામની એક છોકરી પર તેના બોયફ્રેન્ડ અને મિત્રોએ બળાત્કાર કર્યો હતો પછી બીજલ મોડી રાત્રે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચી હતી અને ત્રીજા દિવસે તેણે આત્મહત્યા કરી હતી. હકીકત એ છે કે અનેક બીજલો આબરૂની બીકે પોલીસમાં ફરિયાદ કરવા પહોંચતી નથી. ૩૧ ડિસેમ્બરે બોયફ્રેન્ડસ સાથે રખડતી અનેક જનચંપાઓ પહેલી જાન્યુઆરીની સવારે રડતી હોય છે.તેમની વાત તેમની ખાસ બહેનપણીઓના સર્કલથી આગળ વધતી નથી હોતી. ૩૧ની રાત્રે વિવિધ ઠેકાણે સાક્ષીસ્વરૂપ હાજરી આપીને છેલ્લે હું ફરિયાદોનો આલમ જોવા સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં બેઠો હતો, એક છોકરો દારૂડિયા કાર ચાલકે તેનુ બાઈક ઠોકી નાખ્યુ એની ફરિયાદ કરવા આવ્યો હતો. બીજો છોકરો બાઈકની ઉઠાંતરી થઈ હતી એની ફરિયાદ માટે આવ્યો હતો…અમદાવાદમાં ૩૧ ડિસેમ્બરની રાત સૌથી અનસેફ હોય છે.

દરઅસલ ૨૫ ડિસેમ્બર પહેલાથી જ નાતાલનું નાટક શરૂ થઈ જાય છે. નહેરૂ બ્રીજ પર મુફલિસો થોડા થોડા અંતરે ફૂટપાથ પર બેસીને લાલ રંગની સાન્તા ટોપી વહેંચતા હતા ત્યારથી માલૂમ પડ્યુ કે નાતાલ આવી રહી છે. પછી તો નાના નાના સ્ટોર પર સાંતાક્લોસનો ડ્રેસ સજીને સૂકલકડીઓ બેઠા હોય અને જોવાની ગમ્મત પડે એ નજારા દેખાયા. અને પછી અખબારોમા હોટેલો અને પાર્ટીપ્લોટોની જાહેર ડાન્સ પાર્ટીઓની જાહેરખબરો આવવા લાગી…

મારે આ વચ્ચે અહીં અમદાવાદના ગુજરાતી દૈનિકમાં વાચકોના પત્રોના વિભાગમાં પ્રકાશિત થયેલા ફાધર વિલિયમના પત્રનો ખાસ ઉલ્લેખ કરવો છે(પત્રકારો અને કોલમીસ્ટો કરતા વાંચક વધુ સેન્સીબલ વાત કરતો હોય છે) ફાધર વિલિયમ લખે છે કે “ન્યૂ યરની ઉજવણી કરવા હોટેલો, પાર્ટી પ્લોટો વગેરેએ તૈયારીઓ કરી લીધી છે અને ખાણીપીણી, ડાન્સપાર્ટીઓ પણ ગોઠવવામાં આવે છે, જેમાં મોટેભાગે સંપન્ન વર્ગના અને તે પણ બિનખ્રિસ્તી પરિવારો અને તેમના યુવાન સંતાનો ભાગ લેતા હોય છે. મધરાતે નવા વર્ષને આવકારવા અને તેમાં ઈશ્વરના આશીર્વાદ યાચવા નગરના ખ્રિસ્તીઓ રાત્રે ૧૧ વાગ્યે તેમનાં ઉપાસના સ્થળોએ પ્રાર્થનાસભા યોજી શાંતિ અને શિસ્તમય ભજનકીર્તન કરતા હોય છે. આ જ સમયે મુખ્ય રોડ અને વિસ્તારોમાં યુવા વર્ગ ફટાકડાનો ઘોંઘાટ તથા બૂમરાણ મચાવે છે. સી.જી. રોડ પર સમી સાંજે ટ્રાફિક બંધ કરી દેવાતો હોય છે. વિનમ્ર વિનંતી કે નાતાલ-નૂતન વર્ષની આ પ્રકારની ઊજવણી બંધ કરવામાં આવે અને એ માટે સહુ સહકાર આપે. આવી ઉજવણીઓને નાતાલ તથા નૂતનવર્ષના પવિત્ર પર્વો સાથે બિલકુલ લેવાદેવા નથી. આ પ્રકારની ઉજવણીને કારણે ખ્રિસ્તી ધર્મ અને તેના પર્વો વિશે પ્રજામાં ખાસ કરીને તો યુવાવર્ગમાં ખોડી સમજ ઉભી થાય છે જે બિલકુલ યોગ્ય નથી, અલબત્ત અપમાનજનક લાગે છે.”

હવે જરા ૩૧ ડિસેમ્બરની રાત્રિ કેવી હતી એનો ચિતાર આપતુ અખબારોમાંથી કરેલુ આ ચયન જોઈ જાઓ. યાદ રાખો કે કુલ કુપ્રવૃત્તિની પાંચ જ ટકા હકીકત પોલીસ ચોપડે પહોંચતી હોય છે અને એમાંની ત્રણ જ ટકા પત્રકારોને મળતી હોય છે જે છાપામાં છપાતી હોય છે.

-૩૧ ડિસેમ્બરની રાત્રે ગુજરાતમાં ૭૦થી વધુ વાહન અકસ્માત સર્જાયા. ૨૩ અકસ્માતો રાતના ૧૦થી ૪ના ગાળામાં હતા.
-અમદાવાદના અમરાઈવાડી-ખોખરામાં ચર્ચની ઉજવણીમાં ઘૂસેલા દારૂડિયાઓને પોલીસે બહાર કાઢતા તેમણે પોલીસનું બાઈક સળગાવ્યું
-સેટેલાઈટ પોલીસે બાઈકસવારને ટક્કર મારી પાડી દેનાર ફરાર કારચાલક સામે કેસ નોંધ્યો છે.
-નવા વાડજમાં પોલીસે આઠ બોટલ સાથે બે દારૂડિયાઓની ધરપકડ કરી.
-વીએસ હોસ્પિટલના ઝાંપા પાસેથી હોન્ડા સીટી કારમાં દારૂ પી રહેલાઓ પકડાયા.
-પરિમલ ગાર્ડન પાસેની બેંક પર ત્રણ જણાએ દારૂ પીને પથ્થરમારો કર્યો ને બેંકના કાચ તોડી નાખ્યા.
-૩૧ ડિસેમ્બરે અમદાવાદમાં દારૂનો નશો કરી વાહન ચલાવતા ૧૬ જણાની પોલીસે ધરપકડ કરી.
-૩૧ ડિસેમ્બરની રાત્ર પોલીસે અમદાવાદના કાંકરીયા, સીજી રોડ, એસજી હાઈવે પર લાઠીઓ ચલાવવી પડી.
-સુરતમાં પોલીસે ૩૧ ડિસેમ્બરની રાત્રે ૫૫ દારૂડિયાઓ પકડ્યા.
-સુરતમાં પોલીસે દારૂડિયાઓનું ચેકીંગ કરતા ડુમસની ઝાડીમાં દારૂડિયાઓએ આખી રાત વીતાવવી પડી.
-રાજકોટની એક પાર્ટીમાં ડાન્સ કરવામાં એક યુવાન એવો તો મશગૂલ થઈ ગયો કે ડાન્સફ્લોર પર જ મૃત્યુ પામ્યો.
-રાજકોટ પોલીસે ૩૧ ડિસેમ્બરની રાત્રે ૧૦૦ દારૂડિયાઓ પકડ્યા.લોકઅપમાં દારૂડિયાઓનો ઢગલો થતા જગ્યા ખૂટી.
-કચ્છમાં ૩૧ ડિસેમ્બરની રાત્રે ૫૫ દારૂડિયાઓ ઝડપાયા.કંડલા સંકુલમાંથી ૨૯ દારૂડિયાઓ પકડાયા.
-મુંબઈમાં સત્તરથી વીસ વર્ષની ઉંમરના છ ગુજરાતી મિત્રોની કારને ૩૧ ડિસેમ્બરની રાત્રે અકસ્માત થતા તમામ મૃત્યુ પામ્યા.

Note:Gujarati fonts can be read clearly only in Internet Explorer and not in Firefox browser

Click here for December 2007’s articles
ડિસેમ્બર ૨૦૦૭ના લેખો પર પહોંચો


Click here for November 2007’s articles
નવેમ્બર ૨૦૦૭ મહિનાના લેખો પર પહોંચો


Click here for October 2007’s articles
ઓક્ટોબર ૨૦૦૭ મહિનાના લેખો પર પહોંચો

(required)
(required)
(required)

 

Comments are closed.


Recipe


Religious


Music


Video


Audio


Text


Gujarati

About Desh Gujarat | Contact Us | | Home | Gujarat Money | Twitter updates
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World