41 Children died:Bodeli Bus Accident’s Visuals(Video)
બોડેલીની કમભાગી બસ દુર્ઘટનાએ અનેકને રોતા કરી મૂક્યા
16-04-2008
અમદાવાદ, દેશગુજરાત
ગુજરાતના પાછલા કેટલાક સમયના સૌથી ગંભીર જાનલેવા અકસ્માતો પૈકીનો એક અકસ્માત બુધવારે સવારે છ વાગ્યે વડોદરા જિલ્લાના બોડેલી નજીક બની ગયો. આદિવાસી વિસ્તારની બોડેલીની સ્કૂલમાં પરીક્ષા આપવા એસટી બસમાં સવાર થઈને આવી રહેલા બાળકો સહિત આખી બસ નર્મદા કેનાલ પરના પુલની રેલીંગ તોડીને ૬૦ ફૂટ ઉંડી કેનાલના પાણીમાં જઈ ખાબકી હતી. આ દુર્ઘટનામાં ૪૪ના મોત થયા છે જેમાંના ૪૧ તો સ્કૂલના વિદ્યાર્થી એવા બાળકો હતા.બાકીનામા ડ્રાઈવર, કન્ડક્ટર અને એક ડોશીમા હતા. વિદ્યાર્થીઓ આઠમા અને નવમા ધોરણના હતા. એક વિદ્યાર્થીની સહિત ચાર વિદ્યાર્થીઓ તરતા આવડતુ હોવાથી તરીને બહાર નીકળી ગયા હતા.
ઘટના સ્થળે રેસ્ક્યુની કાર્યવાહી માટે નર્મદા નહેરમાં છોડવામા આવતો પાણીનો પુરવઠો અટકાવી દેવામાં આવ્યો હતો. કલેક્ટર અને ડીએસપી ઉપરાંત રાજ્ય સરકારમાં વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નીતિન પટેલ અને એસટી બસ જેમના વિભાગ હેઠળ આવે છે તે વાહનવ્યવહાર મંત્રી અમિત શાહ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની કરૂણાંતિકા એ છે કે એક જ ગામના ઓગણીસ બાળકોના મોત નીપજ્યા છે.
આટલી દુ:ખદ ઘટના વચ્ચે પણ ચાર બાળકોનો કિસ્સો અનોખો છે. આ ચાર બાળકોના એસટીના રાહત દરના પાસ ઘટનાના આગલા દિવસે જ એક્સ્પાયર્ડ થયા હતા અને તેથી ઘટનાની સવારે તેમણે બસના બદલે છકડામાં બેસીને પરીક્ષા આપવા આવવુ પડ્યુ હતુ. કદાચ કુદરતનો જ સંકેત હતો જે તેમને મદદરૂપ નીવડ્યો.
રાજ્ય સરકારે મૃતક વિદ્યાર્થીદીઠ એક લાખ રૂપિયાની પરિવારોને સહાય આપવાની ઘોષણા કરી છે. આ ઉપરાંત વિદ્યાદીપ યોજના હેઠળ વિદ્યાર્થી દીઠ પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે. અકસ્માત કઈ રીતે થયો એની તપાસ માટે અગ્રસચિવ કક્ષાની એક સમિતિ નીમવામાં આવી છે. રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં મૃતક વિદ્યાર્થીઓના શોકમાં મૌન પાળવામાં આવ્યુ હતુ. બોડેલી નગરે ઘટનાના પગલે સ્વયંભૂ બંધ પાળ્યો હતો.
દરમિયાન પ્રાથમિક તપાસના તારણો અનુસાર બસ દસ વર્ષ જૂની હતી પરંતુ તેના કારણે અકસ્માત થયો નથી. અકસ્માત ડ્રાઈવરે કેનાલના પુલ પર ટ્રકનો ઓવરટેક કર્યો તેના કારણે થયો હતો. ડ્રાઈવરોને એસટી દ્વારા ટ્રેનીંગ દરમિયાન વારંવાર સૂચના આપવામાં આવે છે કે પુલ કે તેના એપ્રોચ પર ઓવરટેક કરવો નહી.
Tag Words: bus accident, bodeli, targol, vadodara, baroda, state transport, st, narmada canal, students, children
| << Previous Post |



Aa Apna Rajya Mate ghani dukhad ghatna chhe
Really sad news.