Andar Bahar Gujarat: April+May+June+July 2008 Archives
DeshGujarat.Com/ABG ( Collection of April – May )
માત્ર દેશગુજરાત.કોમ પર
_______________________________________________________________________________
![]() |
‘મેરા પતિ નિર્દોષ હૈ’ વાળું પત્રકારત્વ
15-08-2008
એક નવા પ્રકારનું પત્રકારત્વ ઉભું થયું છે આજકાલ. પોલીસ કોઈને પકડે એટલે પત્રકારો પકડાયેલી વ્યક્તિની પત્ની પાસે પહોંચી જાય છે. પત્ની કહે છે કે મારો પતિ તો નિર્દોષ છે. એટલે પત્રકારો ડાયરી પેન કાઢીને લખી નાખે છે અને પછી પહોંચી જાય છે અખબારી ઓફિસે કે જ્યાં એ લખાણ તંત્રી મંજૂર કરી દે છે અને પછી એ છપાઈ જાય છે. હું કહું છું મને એક પત્ની એવી બતાવો કે જે આવા સંજોગોમાં એમ કહે કે મારો પતિ દોષિત છે. પત્ની એમ કહે કે પતિ નિર્દોષ છે એ શું ન્યૂઝ છે? કે જાંબાઝીથી કામ કરતી પોલીસને ડરાવવાનો, ઢીલી કરવાનો અને લોકોને ભ્રમિત કરવાનો પેંતરો છે?
અમદાવાદના બોમ્બ ધડાકા બાદ ક્રાઈમ બ્રાન્ચના વીર પોલીસ કર્મચારી તરૂણ બારોટે અમદાવાદના દાણીલીમડામાં હલીમના ઘરે જઈને તેને ઉઠાવી લીધો. હલીમ અહેલે હદીસી નામના ઈસ્લામિક પંથમાં કાર્યરત છે. દાણીલીમડા વિસ્તારમાં એહલે હદીસીની મદરેસા, મસ્જીદ અને ઓફિસ છે. આની બિલકુલ પાછળ હિંદુઓની ચાલીઓ છે. ત્રણ વર્ષ પહેલા આ ચાલીમાં એક છોકરો ઉંધી હથેળીથી ઈંડા ફોડી બતાવતો હતો એની સ્ટોરી કરવા હું ગયો હતો ત્યારે ચાલીવાળાઓએ મને કહ્યું હતું કે તેમના ઘરથી એક જ દિવાલના અંતરે આવેલી અહેલે હદીસીની ઈમારતમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલે છે અને તેમની તકરીરો વાંધાજનક હોય છે… ખૈર હલીમ પકડાયો પછી એહલે હદીસીની ઈમારતમાં એક પણ પત્રકાર એ પૂછવા, ફંફોસવા કે ઈન્વેસ્ટીગેશન કરવા જવાની હિંમત બતાવી શક્યો નથી કે એહલે હદીસી શું છે. તેના વિશેની વાતો મિથ્યા છે કે હકીકત…અમદાવાદમાં એહલે હદીસીની પ્રવૃત્તિ શું છે…. પત્રકારો આસારામ બાપુના આશ્રમમાં ઘૂસીને તો પત્રકારત્વ કરી આવે છે અને થોકબંધ લખાણો છાપે છે પરંતુ પત્રકારોને કહેશો કે જાઓ એહલે હદીસીની હકીકત જાણી લાવો તો તેઓ ત્યાં જવાની અને લખવાની હિંમત બતાવી નથી શકતા. એ જ રીતે આસારામ આશ્રમના બે બાળકોના શંકાસ્પદ મોત થયા તો આસારામના પંથ વિશે ઝીણી ઝીણી દરેક વિગતો વિસ્તારથી લખાય છે અને બધા પાછળ પડી જાય છે પરંતુ એહલે હદીસીના હલીમ મિંયા ગુજરાતના યુવકોને પાકિસ્તાન ટ્રેનીંગ માટે મોકલવાના આરોપસર પકડાય તો તેમના પંથ વિશે પત્રકારો ન તો ઈન્વેસ્ટીગેશન કરવાની હિંમત બતાવી શકે છે અને ન જ લખવાની કે પાછળ પડી જવાની. કેટલાક દિવસો પહેલા સૌરાષ્ટ્રની માંગરોળની મદ્રેસાની એક છોકરી બળી ગઈ અને તેણે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દમ તોડી દીધો. આ સ્ત્રીના મોત પછી મિડિયાએ મદ્રેસાની પાછળ પડી જવાનું હતું પણ મિડિયાને વાત મુસ્લિમો અંગેની હોવાથી ડર લાગ્યો. જો આ જ પ્રસંગ ત્યાંના આસારામ આશ્રમમાં બન્યો હોત તો ભારતભરનું મિડિયા ત્યાં પહોંચી જાત અને દિવસો સુધી ન્યૂઝ પ્રકાશિત કર્યા હોત.
પાછો મૂળ વાત પર આવું તો હલીમ પકડાયો એટલે બીજા જ દિવસે પત્રકારો એહલે હદીસીની મદ્રેસાના બદલે હલીમની પત્નીને ઘરે પહોંચી ગયા અને તેનું નિવેદન છાપી દીધું કે ‘મારા પતિ નિર્દોષ છે.’ હમણાં સીમીનો સાત વર્ષથી ભાગતો ફરતો સાજીદ મન્સૂરી ભરૂચમાંથી ઝડપાયો એટલે પત્રકારોએ એની પત્નીને સુરતમાંથી શોધી કાઢી અને તેનું નિવેદન લઈ લીધું ‘મારો પતિ નિર્દોષ છે’. સાજીદની પત્નીએ કીધું કે ‘અમે મુસ્લિમ છીએ એ જ અમારો વાંક છે?’ એ પણ છાપ્યું પેલા અખબારે. આવા ન્યૂઝમાં આરોપી પરત્વે કઈ રીતે વાંચકોની વધુને વધુ સહાનૂભૂતિ ખેંચી લાવી શકાય એના કિમિયારૂપે આરોપીની પત્નીની સાથે સાથે તેના નાના બાળકોના ફોટા પણ છાપવામાં આવે છે. સાજીદની પત્નીની સ્ટોરી સાથે પત્ની અને બાળકોના ફોટા હતા!
આવામાં મને યાદ આવતો કેટલાક વર્ષો પહેલાનો અમદાવાદની એક કોર્ટનો પ્રસંગ અહીં ટાંકી દઉં. અમદાવાદની કોર્ટમાં મુસ્લિમ આરોપીઓને લાવવામાં આવ્યા હતા. આરોપીઓ બોમ્બ ધડાકાના આરોપસર પકડાયેલા હતા. આરોપીઓ કોર્ટમાં બેઠેલા અને કેસ શરૂ થવાની વાર હતી. આવામાં એક આરોપી રડવા જેવો થઈ ગયો હતો. તેની પત્ની કોર્ટમાં તેને મળવા આવી હતી એ તેની નજીક ગઈ. બીબીએ એના આરોપી મિંયાને કહ્યું કે ‘તુ ક્યું ટેન્શન લેતા હૈ, તુને કહાં કુછ કીયા હૈ, તુ તો નિર્દોષ હૈ..’ હવે મજાની વાત એ છે કે નજીકમાં જ બે કોન્સ્ટેબલો ઉભા હતા જેમણે આ આરોપીનું ઈન્ટરોગેશ કર્યું હતું. તેમણે પેલાને કીધું કે ‘બતા તેરી બીબીકો તુ કૈસા નિર્દોષ હૈ, ક્યા ગુલ ખિલાયા હૈ તુને, તુને કૈસે બોમ્બ બનાયા થા, બતા ઉસકો..’ પેલા આરોપીએ મોઢું ઉંચુ કર્યું અને એની બીબીને કહ્યું કે ‘મૈંને બનાયાથા બોમ્બ’…
કોર્ટમાં આ પ્રસંગે પત્રકાર તરીકે હું હાજર હતો એટલે મેં આ પ્રસંગ નજરે જોયેલો છે.
આપણા પત્રકારો જ્યારે પોલીસ વધુ પડતી સિક્યુરિટી દાખવે ત્યારે લખે છે કે ‘પોલીસની હેરાનગતિ’ પછી જ્યારે ધડાકા થાય છે ત્યારે લખે છે ‘પોલીસની ચૂક’ પછી પોલીસ ધડાકાની પૂછપરછ માટે મુસ્લિમ વિસ્તારોમાંથી શકમંદ કટ્ટરવાદીઓને પકડી લાવે છે ત્યારે આપણા ચાંપલા પત્રકારો લખે છે ‘મુસ્લિમોને હેરાનગતિ, પોલીસનો અત્યાચાર’ પછી જ્યારે પોલીસ માહિતિ મળતા કોઈકની ધરપકડ કરે છે ત્યારે આપણા પત્રકારો લખે છે ‘પોલીસ સાચાને પકડી શકતી નથી અને નિર્દોષોને ફીટ કરી રહી છે, આ ધરપકડથી અનેક પ્રશ્નો ઉભા થાય છે…અનેક પ્રશ્નો અનુત્તરિત છે…’ પછી પત્રકારો પકડાયેલાની પત્ની પાસે પહોચી જાય છે અને તેનું નિવેદન છાપે છે ‘મારો પતિ નિર્દોષ છે’ આમાં પછી કોર્ટમાં અપીલ ફાઈલ કરીને એનજીઓ કૂદી પડે છે … આ બધું ચાલ્યા કરે છે.
સારું છે કે ગુજરાતની સરકાર કે પોલીસ મિડિયાથી દૂર જ રહે છે અને તેને અવગણે છે. નહીંતો કશું કામ જ ન થઈ શકે.
મિડિયાનું કામ વોચ ડોગ તરીકે હોય ત્યાં સુધી ઠીક છે પણ જવાબદારી બતાવવાની હોય ત્યારે મિડિયા વોચડોગના બદલે માત્ર ભસતા કૂતરાની અને તેથીય વિશેષ હડકાયા કૂતરાની પ્રવૃત્તિમાં આવી જાય છે. ખોટી માહિતી, અવિચારી, અપરિપક્વ, બેજવાબદાર, અધકચરું અને ભ્રમણા ફેલાવનારું રિપોર્ટીંગ કરીને અસત્યનો હડકવા ફેલાવે છે. પાછલા ઘણા સમયથી મને તો મિડિયાની એક સારા કામમાં નિમિત્ત બનવાની ભૂમિકા નજરે ચડતી નથી.
****
![]() |
બોમ્બ ધડાકા:પ્રજા માટે સમસ્યા છે
પણ પોલીસ માટે તક છે
અમદાવાદ અને સુરતના બોમ્બચાળાની ઘટનામાં ગુજરાતની જનતાએ સમસ્યાના દર્શન કર્યા. પણ પોલીસે હવે આમાં તકના દર્શન કરવા જોઈએ. દરેક સમસ્યા તેની સાથે સાથે તક પણ લઈને આવતી હોય છે. ગુજરાત કે જેની સરકાર આતંકવાદની ઘોર વિરોધી રહી છે અને આતંકવાદને કડકમાં કડક પગલાં લઈને નેસ્તનાબૂદ કરવાનો મનસૂબો ધરાવે છે તેની પાસે હવે અમદાવાદ-સુરતના બોમ્બ પ્રકરણ બાદ તક આવી પડી છે આતંકવાદીઓને ઝબ્બે કરવાની. ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાને તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે બોમ્બ પ્રકરણમાં ગુજરાત પોલીસ છેક મૂળિયા સુધી જઈને આતંકવાદીઓનું નેટવર્ક શોધી કાઢશે અને ભારતને અવારનવાર અલગ અલગ શહેરોમાં થઈ રહેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓમાંથી છુટકારો અપાવશે.
ગૃહ રાજ્યમંત્રીની આ સ્પીરીટ સાચી દિશાની છે. ગુજરાત પાસે તક છે કે તે હવે બોમ્બ ધડાકાના આરોપીઓને શોધી કાઢે, તેમના નેટવર્કના એક એક માણસને ઝબ્બે કરે, તેમને જેલ ભેગા કરે, સજા અપાવે અને તેમની પ્રવૃત્તિઓને નેસ્તોનાબૂદ કરે. તે રીતે ભારતનું રક્ષણ કરવામાં પોતાનું પ્રદાર્પણ આપે.
બોમ્બ ધડાકા થયા ત્યાર પછી મને મળેલી પાંચથી સાત અલગ અલગ વ્યક્તિઓએ એક જ પ્રશ્ન ઉઠાવ્યો કે ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ ડીજી વણઝારા કરતા હતા એમાં શું ખોટું હતું? વણઝારાએ ગુનેગારોના એન્કાઉન્ટર દ્વારા રાક્ષસોમાં એક પ્રકારનો ભય ઉભો કર્યો હતો. માનવાધિકારને ધંધો બનાવી બેઠેલા આતંકવાદ પરસ્ત બદમાશોએ વણઝારા જેવા વીરોને જેલમાં નંખાવી દીધા છે. અન્ય પોલીસ ઓફિસરો વણઝારાના પ્રકરણને જોયા પછી કઈ રીતે શૂરવીરતા દેખાડી શકે? કઈ રીતે આતંકવાદીઓમાં આતંક ફેલાવી શકે?
ગુજરાતના સ્થાનિક મુસ્લિમો પૈકીના કટ્ટરવાદી તત્વોની ભાગીદારી વગર બોમ્બ ધડાકા થઈ શકે નહીં. સ્થાનિક ગદ્દારો સામે લોકોમાં ભયંકર રોષ છે. એ રોષ સામાન્ય મુસ્લિમ સામે પ્રગટ ન થઈ જાય એ માટે કેન્દ્ર સરકારના મંત્રીઓ ગુજરાત દોડી આવ્યા અને એવું ચલાવ્યું કે આ હિંદુ-મુસ્લિમોને ઝઘડાવી નાંખવાનું કોઈ ત્રીજાનું જ કાવતરું છે. મોદીને પણ આમાં જ રાજકીય અને પ્રજાકીય હિત દેખાયું એટલે એમણે પણ આ જ ચલાવ્યું. હકીકતમાં તો જો આવું કાવતરું હોય તો દસ બોમ્બ મુસ્લિમ વિસ્તારમાં પણ ફૂટે ને? કે જેથી મુસ્લિમો પણ હિંદુઓ સાથે ઝઘડે. અહીંતો તમામ બોમ્બ હિંદુ વિસ્તારમાં ફૂટ્યા છે. મિડિયાએ મુસ્લિમોને બચાવવા માટે સરખેજના હિંદુ વિસ્તારમાં થયેલો વિસ્ફોટ જુહાપુરામાં મુસ્લિમ વિસ્તારમાં થયો છે એવું ધુપ્પલ ચલાવ્યું. તિસ્તા સેતલવાડ અને રાહુલ બોઝ મુસ્લિમોને બચાવવા અમદાવાદ આવી ગયા. કેન્દ્ર સરકારે મુસ્લિમો પર હિંદુઓ બોમ્બ ધડાકા બાદ હુમલો ન કરી દે એ માટે આર્મી, સીઆરપીએફ અને આરએએફના જવાનો ઠાલવી દીધા. ઈતિહાસ ગવાહ છે કે અક્ષરધામ પછી પણ ગુજરાતના હિંદુઓએ મુસ્લિમોને કશું જ કર્યું ન હતું. સામાન્ય રીતે બોમ્બ ધડાકાનો કે ‘આતંકવાદી’ ગણાયેલી પ્રવૃત્તિનો પ્રતિસાદ હિંદુ પ્રજા કોમી રમખાણથી આપતી નથી.
હકીકત એ છે કે અક્ષરધામ હોય કે બોમ્બ ધડાકા, હુમલા હિંદુઓ પર થાય છે. ટાર્ગેટ હિંદુઓ જ બને છે. હિંદુઓ કંઈ કતલના બકરા છે? કે આમ કપાયા જ કરશે.. બોમ્બ ધડાકા પછી ગુજરાતના હિંદુઓમાં મુસ્લિમો પરત્વે નફરત અતિશય વધી છે એ હું વિવિધ લોકોને મળું છું ત્યારે માલૂમ પડે છે.હિંદુઓ અત્યારે ચૂપ છે પણ તેમનો ઉભરો ક્યારેક તો ઠલવાવાનો છે. શક્ય છે કે કેટલાક વર્ષો પછી કે કેટલાક દસકાઓમાં. એકતાના ઉપદેશોથી એકતા વધતી નથી. બનાવોના ઘા ભયંકર હોય છે. અલગ પાકિસ્તાન પણ આપ્યું અને પાછું અહીં હિંદુસ્તાનમાં પણ આ ઉધઈ જેવા આતંકી લોકોનું બોમ્બ સામ્રાજ્ય ચાલે એ ચલાવી લેવાય એવી વાત નથી.
ફરીથી, ગુજરાત પાસે તક છે હોસ્પિટલ જેવા સ્થળે બોમ્બ ધડાકો કરનારા મલેચ્છ રાક્ષસોને ઝબ્બે કરવાની અને નશ્યત કરવાની. ગુજરાત આ તક જવા ન દે.
*****
![]() |
સંસદમાં ઘાંટા પાડીને હરિન પાઠકનું ગળું બેસી ગયું
પેલા અમદાવાદના ભાજપના લોકસભાના સાંસદ લાલકૃષ્ણ અડવાણીને દાદા-દાદા કહીને બોલાવતા હરિન પાઠકનું લોકસભામાં ઘાંટા ઘાંટ કરતા ગળુ બેસી ગયું છે. લોકસભાનું હમણા મનમોહનસિંઘ સરકારને ઉથલાવવા માટેનુ બે દિવસનું વિશેષ સત્ર યોજાયું તેમાં હરિન પાઠક ભાજપની સીટીંગ વ્યવસ્થામાં બીજી જ હરોળમાં બેઠા હતા અને કોઈ જલદ ચર્ચા થાય કે તુરંત જ ઉભા થઈને ઘાંટા પાડીને પોતાની દલીલ કરી દેતા હતા. હરિનભાઈએ કેટલાક વર્ષો પહેલા બાયપાસ સર્જરી કરાવી છે અને પછી પોતે પોતાના આરોગ્યનું એટલું તો ધ્યાન રાખે છે કે તેમનાજ કહેવા અનુસાર સવારના જાજરૂ અર્ધો કલાક મોડો થાય તો પણ ડોક્ટરને ફોન કરી દે છે. ઉંમરના સાહીઠના દસકામાં પહોંચેલા આ સાંસદ લોકસભાના વિશ્વાસના મતના સત્રમાં હાજરી આપવા ગયા ત્યારે જ તેમના પરિવારે તેમને કહ્યું હતું કે ‘સાચવજો’ પણ આપણા હરિનભાઈ કશ્મીરના મામલે બે વખત સંસામાં ઉશ્કેરાઈ ગયા અને એ એમના ગળાને બહુ ભારે પડ્યું. લોકસભામાં જ્યારે ભાજપના વિજય મલહોત્રા પોતાનું ભાષણ આપતા હતા ત્યારે વિજયજીએ અમરનાથની જમીનના વિવાદ અંગે બોલવાનું શરૂ કર્યું કે એટલે કશ્મીરની મહેબૂબા મુફતી બેન્ચ પર પોતનાઅ સાંસદો સાથે ઉભી થઈ ગઈ અને સામી દલીલો કરવા લાગી. આ વખતે હરિન પાઠક પોતાની સીટ પર ઉભા થઈ ગયા અને મોટે મોટેથી લગભગ ડઝન વખત સતત બોલ્યા કે જમીન દે દો , જમીન દે દો … આ પછી થોડી જ ક્ષણોમાં બીજા પ્રસંગે ફરીથી વિજયકુમાર મલહોત્રાએ કશ્મીરનો મુદ્દો ઉખાળ્યો એટલે મહેબૂબા મુફતી ઉભી થઈ અને હરિનભાઈ સામે ઉભા થયા અને પછી હરિનભાઈ લગાતાર બોલતા રહ્યા કે ‘રહેવા દે, મહેબૂબા તારી બહેનને છોડાવા માટે આતંકવાદીઓને છોડી મૂક્યા હતા એ તારો ઈતિહાસ છે’ હરિનભાઈને ઘાંટા પાડી પાડીને ઉગ્રતાથી આમ બોલતા જોઈને મને થયું કે આ હરિનભાઈ ક્યાંક ફસડાઈ ના પડે. આમે ય હાર્ટ પેશન્ટ છે. પણ સંસદ પત્યા પછી મે મારા દિલ્હીના સોર્સ પાસેથી જાણ્યું કે હરિનભાઈના હાર્ટને કશું નથી થયું પણ તેમનું ગળું બેસી ગયું છે. તો મેં કીધું ચાલો ચિંતાનો વિષય નથી, ગળું તો સરખું થઈ જશે. પણ કશ્મીર મામલે હરિન પાઠકે જે રીતે મહેબૂબા મુફતી સામે ઘાંટા ઘાંટાઘાંટ કરી એ યાદગાર રહી જશે.બોલો જય ગુજરાત અને જય બાબા અમરનાથ કી
***
![]() |
આરોગ્યમંત્રીના આયુર્વેદના નુસખા
પાછલા અઠવાડિયે ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે એમનો બ્લડ ટેસ્ટ કરાવ્યો. વ્યાસે બ્લડ ટેસ્ટનો રિપોર્ટ તેમના ડોક્ટરને બતાવ્યો. ડોક્ટર તો ચોંક્યા અને જયનારાયણભાઈને ફરીથી રિપોર્ટ કઢાવવાનો કહ્યો કારણકે આ રિપોર્ટ ડોક્ટરને ખોટો લાગ્યો. ડોક્ટરને આ રિપોર્ટ ખોટો એટલા માટે લાગ્યો કારણકે આ ટેસ્ટ રિપોર્ટ અનુસાર જયનારાયણભાઈનું આયર્ન ત્રણ જ મહિનામાં અઢી ગ્રામ જેટલું વધી ગયું હતુ. સામાન્ય રીતે આટલું જલ્દી આટલું બધું હિમોગ્લોબીન વધે નહીં તેથી ડોક્ટરને આ રિપોર્ટ ખોટો નીકળ્યો હોવાની શંકા ગઈ. પરંતુ જયનારાયણભાઈને આ રિપોર્ટ પર જરા પણ શંકા ન હતી. તેમણે કહ્યું કે આયુર્વેદિક ગળોસવા લેવાના કારણે આયર્ન આટલું બધું વધ્યું છે.
જયનારાયણભાઈએ આ પ્રસંગ આમદાવાદમાં આયુર્વેદના પરિસંવાદમાં મંચ પરથી કહ્યો અને મેં આ પ્રસંગ પછી અમારા એક સિનિયર પત્રકારબંધુને કહ્યો તો સિનીયર પત્રકારબંધુએ આ વાત આગળ ધપાવતા મને કહ્યું કે મંત્રીમંડળના મંત્રીઓને આ ગળોનો આસવ ડબ્બીમાં વજુભાઈ વાળા વહેંચે છે. સિનિયર પત્રકારબંધુએ કહ્યું કે ગળાથી આયર્ન વધે છે. ગળાને વ્યવસ્થિત રીતે લઈ શકાય એ માટે તેને આધુનિક રીતે ડબ્બીમાં ભરીને વેચવામાં આવે છે. નાણા મંત્રી આના કિમિયાગર છે અને રાજકોટથી આની ડબ્બીઓ મંગાવીને વહેંચતા હોય છે. કેટલાક પત્રકારો આ વાત જાણે છે અને તેમણે પણ વજુભાઈ પાસે આ ડબ્બીઓ મંગાવી છે પણ પછી જ્યારે વજુભાઈ પાસે ડબ્બી માંગો ત્યારે એમ જ કહે છે કે લાવ્યો તો પણ લોકોને વહેંચવામાં ખલાસ થઈ ગઈ.
બાય ધ વે, ફરીથી જયનારાયણભાઈની વાત પર પાછા આવીએ તો તેમણે મંચ પરથી બીજા પણ એક આયુર્વેદના કિમિયાની વાત કરી. તેમણે કહ્યું કે તેમના પૌત્રને ખાંસી સાથેનો કફ હતો અને ત્રણ ચાર દિવસ આમ રહ્યું. પછી જયનારાયણભાઈએ પોતે અરડૂસી, તુલસી, નાગરવેલના પાન કેળના પાનમાં વીંટાળી ઓવનમાં શેકી, ઠંડુ પડતા લૂગદીમાંથી રસ કાઢી સવાર સાંજ એક એક ચમચી પાયો અને ત્રણ દિવસમાં કોઈ એન્ટીબાયોટીક વગર કફ-ઉધરસ મટી ગયા. તેમણે મોઢામાં ચાંદા હોય તો ચણોઠીના પાન મોંમાં મૂકવાના જાત અનુભવ વિશે પણ વાત કરી અને પછી દુ:ખ પ્રગટ કર્યું કે શંખપુષ્પી, સાટોડી ખેતરોમાં નીંદણ નાથવા વપરાતી કેમિકલ યુક્ત દવાઓને કારણે અદ્રશ્ય થતી જાય છે જ્યારે વજ્રદંતી જંગલમાં દેખાતી નથી. તેમણે કહ્યું કે આયુર્વેદિક વનસ્પતિઓના નાના નાના નહીં પણ વીસ વીસ એકરના ફાર્મ ઉભા કરવા જોઈએ.
તો જયનારાયણભાઈને કહેવાનું મન થાય છે કે ભાઈ તમે આરોગ્ય મંત્રી છો તો કરોને આવા ફાર્મ ઉભા? તમે નહીં કરો તો કોણ કરશે હવે? ગુજરાતની આયુર્વેદિક કોલેજોમાં બે એકરનો આયુર્વેદિક ઔષધિ ઉત્પાદનનો બગીચો હોવો જોઈએ એવો કાઉન્સીલ ઓફ ઈન્ડિયન મેડિસીનનો કાયદો છે તો કમસેકમ ગુજરાત સરકાર સંચાલિત આયુર્વેદિક કોલેજોમાં એટલો બગીચો તો ઉભો કરાવો? કોઈ આયુર્વેદ કોલેજમાં આવો બગીચો નથી. અમદાવાદની આયુર્વેદ કોલેજ માટે દિલ્હીથી પાંચ કરોડ ફાળવાયા છે પણ તમારી સરકાર એ માટે જમીન પણ ફાળવતી નથી અને આથી તેની તથા બીજી ચાર સરકારી આયુર્વેદ કોલેજોની માન્યતા રદ થવામાં છે, નવા એડમીશન પર પ્રતિબંધ મૂકાયો છે એ માટે તો કશું કરો? ફાળવો જમીન અને બનાવો તેમાં બગીચો જયનારાયણભાઈ … માત્ર આયુર્વેદ પ્રત્યેની સારી નિયત, સારા અનુભવો અને સારા વક્તવ્ય પછી કર્મમાં પણ ધગશ બતાવો જયનારાયણ ભાઈ.
![]() |
એલોપથીના ડોક્ટરો આયુર્વેદ તરફ વળે છે એવી છે ક્ષારસૂત્ર ચિકિત્સા
કેટલાક રોગોમાં આયુર્વેદની ઉપચાર પદ્ધતિ એવી તો સફળ નીવડે છે કે એલોપથી હારી જાય છે. હમણા અમદાવાદમાં ભારત સરકારના આરોગ્ય વિભાગની આયુર્વેદ પાંખ તરફથી ક્ષાર સૂત્ર ચિકિત્સા અંગે વર્કશોપ યોજાયો હતો. ક્ષાર સૂત્ર ભગંદર મટાડવા માટેની આયુર્વેદીક વિધિ છે. એલોપથીના મુકાબલે દસ ટકા ખર્ચમાં ક્ષારસૂત્રથી ભગંદર અને મસા મટાડી શકાય છે. કોઈ એન્ટીબાયોટીક લેવી પડતી નથી, કોઈ એનેસ્થેશ્યા લેવો પડતો નથી અને થોડી મિનીટોની વિધિ બાદ દવાખાનેથી પાછા કામ પર ફરી શકાય છે. ક્ષાર સૂત્રની વિધિ ઉપચારમાં એવી તો ચડિયાતી છે કે અમદાવાદની એનએચએલના ડો.પરીખ જેવા અનેક ડોક્ટરો એલોપથીના ડોક્ટર હોવા છતા મસા-ભગંદરનો ઉપચાર આયુર્વેદની ક્ષારસૂત્ર પદ્ધતિથી કરે છે. ક્ષાર સૂત્રની વિધિમાં આલ્કલી ખાર ધરાવતો દોરો થોરના દૂધ અને હળદર તથા અન્ય આયુર્વેદીક દવાઓનો લેપ લગાવી ને સ્ટરીલાઈઝડ ટ્યુબમાં તૈયાર કરવામાં આવે છે જે મસા પર બાંધી દેવામાં આવે તો મસો બળી જાય છે અને ભગંદરના પોલાણમાં નાખવામાં આવે તો પોલાણ સંધાઈ જાય છે. કેન્દ્ર સરકારને લાગ્યું કે આ વિધિ એલોપથી કરતા વધુ સારી છે એટલે કેન્દ્ર સરકારે બનારસમાં આ માટે ડોક્ટરોને ટ્રેનીંગ આપવા તથા ઓથેન્ટિક ક્ષાર સૂત્રની વિધિ તૈયાર કરવા ખાસ સેન્ટર સ્થાપ્યું છે. અહીં એલોપથીના ડોક્ટરો જઈને ક્ષારસૂત્રની આયુર્વેદિક સારવારની તાલીમ લે છે. આ સેન્ટરના એસકે ગુપ્તા સાથે મારે પરિસંવાદ વચ્ચેના બ્રેકમાં વાતચીત થઈ તો તેમણે કહ્યું કે તેઓ પ્રત્યેક રાજ્યમાં ક્ષાર સૂત્ર ચિકિત્સાના પ્રચાર માટે વર્કશોપ કરી રહ્યા છે. અમદાવાદમાં ક્ષાર સૂત્રનું કેન્દ્ર સ્થાપવાની પણ તેમની ભાવિ યોજના છે. આ કેન્દ્ર કોમ્પ્યુટર દ્વારા બનારસના ક્ષારસૂત્રના મુખ્ય કેન્દ્ર સાથે જોડાયેલું રહેશે. ક્ષારસૂત્રનો સફળતાનો રેશિયો ૯૭ ટકા જેટલો છે. એલોપથી એટલેકે મોડર્ન પશ્ચિમિ ચિકિત્સા પદ્ધતિ વાળાઓ આપણા દેશની આ હજારો વર્ષ જૂની ચિકિત્ર્સા પદ્ધતિ તરફ શંકાની નજરે જોતા હતા. પછી દિલ્હીની એઈમ્સ, ચેન્નઈની મદ્રાસ મેડિકલ કોલેજ, પીજીઆઈ ચંદીગઢ સહિતની ચાર ખ્યાતનામ મેડિકલ સંસ્થાઓએ ક્ષારસૂત્રની સારવાર લેનારા સાતસો દર્દીઓની વૈજ્ઞાનિક તપાસ કરી તો તેમને તેમાં ૯૫ ટકા સફળતાનો રેશિયો જણાયો. શ્રી એસકે શર્માએ કહ્યું કે સામાન્ય રીતે આયુર્વેદનું ભણનારા વિદ્યાર્થીઓ આગળ જતા એલોપથીની પ્રેક્ટીસ શરૂ કરી દેતા હોય છે. પરંતુ ક્ષારસૂત્ર એવી સફળ આયુર્વેદિક ચિકિત્સા છે કે જે એલોપથીના ડોક્ટરો એલોપથી છોડીને કરે છે.
****
![]() |
ખૈરનાર કહે છે:મારા જેવી ભૂલ બીજા કોઈએ ન કરવી જોઈએ
ગોવિંદ રાધો ખૈરનાર યાદ છે? જી આર ખેરનાર?
મુંબઈના એક સમયના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હતા ખૈરનાર. ખૈરનારે આ પદ પર રહેતા ધમકીઓ સહન કરીને પણ દાઉદ ઈબ્રાહીમના ગેરકાયદે મકાનને તોડ્યું હતું. દાઉદની જૂની મિલકતોની જપ્તી બાદ મુંબઈ પોલીસ તેની હરાજી કરે છે તો કોઈ દાઉદના ભયથી એ હરાજીમાં ભાગ લેવા પણ નથી આવતું એવામાં ખૈરનાર તેની ગેરકાયદે મિલકતોને તોડતા પણ અચકાતા ન હતા. ખૈરનાર એ દિવસોમાં ભારતના હીરો બની ગયા હતા. અમદાવાદ આવ્યા હતા તો ખીચોખીચ હોલમાં ભાષણ થયું હતું અને ખૈરનારને જોવા અગાશીઓમાં, રસ્તાની બંને તરફ લોકો ઉમટ્યા હતા. પછી તો ખૈરનારે તત્કાલીન મુખ્યમંત્રી શરદ પવાર વિરૂદ્ધ થોડા ઉચ્ચારણો કર્યા અને ભાજપ-શિવસેના દ્વારા શાસિત મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર વિશે પણ ખુલીને બોલ્યા. ખૈરનાર સસ્પેન્ડ થયા. પછી હાઈકોર્ટ દ્વારા રાહત મળી અને પાછા ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટીના પદ પર નોકરીમાં લેવાયા તો મુસ્લિમોનું એક ગેરકાયદે બાંધકામ તોડ્યું અને મુસ્લિમોએ મસ્જીદ તોડી હોવાની અફવા ફેલાવી. તોફાન થઈ ગયું. એક જણ પોલીસ ફાયરીંગમાં મૃત્યુ પામ્યો…
પણ આ બધી વાતો ભૂતકાળની છે.
ડિસેમ્બર ૨૦૦૦ના વર્ષમાં ખૈરનાર નિવૃત્ત થયા ત્યાર પછીની કહાની રોચક છે. ખૈરનાર હોદ્દા પર હતા ત્યારે તેમણે પોતાના પરિવાર માટે ઝાઝું વિચાર્યું ન હતું અને કામની ધૂનમાં મસ્ત હતા. વળી પૂરી પ્રામાણિકતા તો ખરી જ. આવામાં તેમણે મ્યુનિસિપાલિટીના આપેલા નોકરીના ઘરમાં રહેતા રહેતા એવું ક્યારેય વિચાર્યું નહીં કે પોતાનું એક ઘર પણ હોવું જોઈએ. મુંબઈના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોવ તો તમારે પોતાનું ઘર ખરીદવાના પૈસાની કોઈ ચિંતા રહે નહીં. પણ ખૈરનાર પ્રામાણિક હતા. નિવૃત્તિ બાદ તેમનું મ્યુનિસસિપાલિટીનું આપેલું નોકરીનું ઘર ગયું અને પોતે ઘરવિહોણા થઈ ગયા.
આવામાં પત્ની અને પુત્રી સાથે ક્યાં જવું એની મથામણ ચાલતી હતી ત્યારે ખૈરનારનો હાથ પકડ્યો એક ગુજરાતીએ. અમેરિકાના કેલિફોર્નીયા સ્થિત બિનનિવાસી ગુજરાતી પ્રકાશભાઈ શાહે ખૈરનારનો સંપર્ક સાધ્યો અને પોતાની સ્વૈચ્છિક સંસ્થા કેકે ચેરિટેબલ ટ્રસ્ટ માટે કામ કરવાની ઓફર મૂકી. ખૈરનારે આ ઓફર સ્વીકારીને કચ્છના ભૂકંપ બાદ કચ્છમાં છ મહિના કામ કર્યું. આ પછી દોઢ વર્ષ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં ગરીબીની રેખા નીચે જીવનારાઓ માટે કામ કર્યું જેમાં કેટલાક ચેકડેમ પણ બનાવ્યા. આ પછી રાજકોટ નજીકના ગામમાં જાગૃતિનું કામ કર્યું. દરમિયાન પ્રકાશભાઈ શાહે જ ખૈરનારના પરિવારને મુંબઈમાં રહેવા માટે પોતાનો ફ્લેટ પણ આપ્યો હતો. ગુજરાતમાં કેકે ટ્રસ્ટના પ્રોજેક્ટ પૂરા થયા પછી પણ હાલ પોતાનું ઘર ન ધરાવતા ખૈરનાર પ્રકાશભાઈના ખાલી ઘરમાં જ પોતાની પત્ની આશાલતા અને એરલાઈન્સ કંપનીમાં કામ કરતી પુત્રી સંગીતા સાથે રહે છે.
જ્યાં પ્રકાશભાઈ નામના ગુજરાતીના કેકે ચેરિટેબલ ટ્રસ્ટનું કામ પૂરું થયું છે ત્યાં ખૈરનારનો હાથ બીજા બે ગુજરાતી એનઆરઆઈઓએ ઝાલ્યો છે. ચન્દ્ર પટેલ અને હેમાંશુ શુક્લ નામના બે ગુજરાતી એનઆરઆઈ ગુજરાતીઓએ પોતાની એરિયા ઈન્વેસ્ટમેન્ટ સર્વીસીસ પ્રાઈવેટ લિમીટેડમાં પનવેલ-ઉરણ વચ્ચેની જમીન પર ટાઉનશીપ બનાવવાના પ્રોજેક્ટમાં પાછલા સાત મહિનાથી ખૈરનારને સલાહકાર તરીકે રાખ્યા છે. ખૈરનારે પાછલા મહિને આમાંથી ઉંમર અને અશક્તિને કારણે રાજીનામું આપ્યું તો ગુજરાતી ભાઈઓએ તે સ્વીકાર્યું ન હતું અને કહ્યું હતું કે જેટલું કામ થાય એટલું જ કરો. કોઈ પ્રશ્ન નથી. ખૈરનારને કંપની તરફથી ઘરે લેવા મૂકવા ગાડી પણ આપવામાં આવી છે.
ખૈરનાર કહે છે કે એક વર્ષ પહેલા તેઓ કમરની તકલીફથી સાયન હોસ્પિટલમાં ભર્તી હતા અને ઓપરેશન બાદ પથારીવશ રહેવું પડ્યું હતું. પરિસ્થિતિ એવી હતી કે બસમાં સફર કરવાનું બનતું હતું. ત્યારે બસના કંડક્ટરો પૂછતા કે અરે ખૈરનાર સાહેબ આપ? શાક લેવા જાઉં તો શાકવાળા પૂછે, અરે ખૈરનાર સાહેબ? પછી એમ પણ કહે કે સાહેબ આપ ડેપ્યુટી કમિશનર હતા ત્યારે પરિસ્થિતિ થોડી સારી હતી. આવી ન હતી….
ખૈરનાર કહે છે કે પોતે કામમાં વ્યસ્ત હતા ત્યારે કુટુંબ માટે વિચારવાનો સમય મળ્યો ન હતો. કુટુંબના દ્રષ્ટિકોણથી એ મોટી ભૂલ છે. આવી ભૂલ બીજા કોઈએ ન કરવી જોઈએ. પોતે મ્યુનિસિપલ કોર્પોરેશનના નોકરીના લીધે મળેલા ઘરમાં રહેતા હતા ત્યારે પોતાના ઘર વિશે વિચાર્યું જ ન હતું અને એવું સૂઝ્યું પણ ન હતું. પોતાની ગામની જમીન ભાઈને આપી દીધી હતી. ગામમાં કોઈની સાથે બહુ સંપર્ક રાખવાનો અને સંબંધોમાં,વ્યવહારમાં રહેવાની દરકાર પણ રાખી ન હતી તેથી ગામમાં પણ કોઈની સાથે ખાસ સંબંધ નથી…
છાસઠ વર્ષના ગોવિંદ રાધો ખૈરનારના દિમાગમાં આજે પણ એક પ્રશ્ન ઘૂમરાય છે. હાલ તો પ્રકાશ શાહ નામના ઉદાર એનઆરઆઈ ગુજરાતીએ રહેવા માટે આઈડીયલ એપાર્ટમેન્ટ, સૌરાષ્ટ્ર સોસાયટી સામે, ગુલમહોર રોડ, જુહૂનો ફ્લેટ આપ્યો છે. પણ પોતાનું કોઈ ઘર નથી. કાલે શું થશે દિકરી, પત્ની અને પોતાનું કોઈ અલગ સંજોગોનું નિર્માણ થાય તો?
****
![]() |
માણેકશાના નિધન પર દિલ્હીની ગાફેલગીરી,ગુજરાતની ટોકનગીરી
07-07-2008
ફિલ્ડ માર્શલ સામ માણેકશાનું નિધન થયું પછી ખરેખર તો ભારતનો ધ્વજ અર્ધી કાંઠી ફરકાવવાની કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની સૂચના જારી થવી જોઈતી હતી પરંતુ તે થઈ નહીં. ફિલ્ડ માર્શલના અંતિમ સંસ્કાર સમયે ભારતના સંરક્ષણ પ્રધાને તો કમસેકમ હાજર રહેવું જ જોઈતું હતું પરંતુ એકે એન્ટોનીને એની બુદ્ધિ સૂઝી નહીં કે સમય મળ્યો નહીં એ પ્રભુ ઈસુ જાણે. લાલ કૃષ્ણ અડવાણીએ આ મામલે પોતાનો વિરોધ નોંધાવવા અને નિસ્બત દર્શાવવા પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંઘને ફોન કર્યો હતો પરંતુ અહીં મારે વાત એ કરવી છે કે અડવાણીના પટ્ટશિષ્ય નરેન્દ્ર દામોદરદાસ મોદીએ શું કર્યું અને શું કરવું જોઈએ એની.
ગુજરાતમાં વીરત્વના આઈકોન્સની કમી છે. ફિલ્ડ માર્શલ સામ માણેકશા મૂળ ગુજરાતના વલસાડના પારસી પરિવારના હતા. માણેકશાના નેતૃત્વ હેઠળ ૧૯૭૧નું જે યુદ્ધ લડાયું એમાં ગુજરાત સેક્ટરમાં પણ ભારતીય સેનાએ જબરજસ્ત મોટી જીત મેળવીને પાકિસ્તાનના સિંધનું નગરપારકર કબજે કરી લીધું હતું. નગરપારકર વિસ્તારના હિંદુઓ તો આનાથી ગેલમાં આવી ગયા હતા. નગરપારકર ૧૯૭૧ની જીત પછી સિમલા કરાર થયા ત્યાં સુધી એક વર્ષ સુધી ગુજરાતના શાસન તળે રહ્યું હતું. એક વર્ષ સુધી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો બનાસકાંઠાથી નગરપારકર જતી હતી. નગરપારકરની જીલ્લા ઓફિસ પર ભારતનો ધ્વજ ફરકેલો રહ્યો હતો અને બનાસકાંઠાના કલેક્ટર નગરપારકર જીલ્લાનો વહીવટ કરતા હતા. સામ માણેકશાએ યુદ્ધમાં જે જીત મેળવી એ અફસોસ કે ઈન્દિરાએ મંત્રણાના ટેબલ પર એક એવી નબળી સમજૂતીમાં પલટી નાંખી કે આપણે પાકિસ્તાનના હજારો યુદ્ધ કેદીઓને તો છોડી મૂકવા પડ્યા હતા. આ ઉપરાંત નગરપારકર અને થરપારકરના પાકિસ્તાનના જીતેલા મુલ્ક પણ પાછા આપી દેવા પડ્યા હતા. નગરપારકરના ઘણા હિંદુઓ તો નગરપારકર પાકિસ્તાનને પાછું મળે એ પહેલા ગુજરાતમાં આવી ગયા હતા જ્યારે જે ત્યાં હજુ રહ્યા છે તેમાંના ઘણાને મુસ્લિમ બનાવી દેવાયાં છે.
સામ માણેકશાના અવસાન પછી ગુજરાતના મુખ્યમંત્રીએ માફક ટોકન શ્રદ્ધાંજલિ સંદેશો પ્રસારિત કરી દીધો છે જે કોઈ ખડ્ડૂસ જૂનો રાજકારણી ગુજરાતી મરે તો પણ મુખ્યમંત્રીની ઓફિસ કરે જ છે એવું રૂટિન કામ છે. ખરેખર તો ફિલ્ડ માર્શલ સામ માણેકશાનું શાનદાર પૂતળું અમદાવાદ, વલસાડ કે ભુજમાં મૂકવાનો અને તેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે એનો કેબીનેટમાં નિર્ણય થવો જોઈએ. અમદાવાદના એરપોર્ટથી શાહીબાગ આવતા લશ્કરી કેન્ટોન્ટમેન્ટવાળા રસ્તાને ફિલ્ડ માર્શલ સામ માણેકશાનું નામ આપી શકાય, આ રોડ પર કેન્ટોન્ટમેન્ટના પ્રવેશદ્વાર આગળ પાકિસ્તાન સાથેના ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનની જે ટેન્કો ભારતની સેનાએ પડાવી લીધી હતી એ મૂકેલી છે. ફિલ્ડ માર્શલનું પૂતળું આ ટેન્ક પર બેઠેલું હોય કે તેનો ટેકો દઈને ઉભું હોય એવું ક્રિએટીવ રીતે પણ સ્થાપી શકાય. પાકિસ્તાન સરહદને અડીને આવેલા ક્ચ્છમાં ભુજથી ખાવડા થઈને આગળ ઈન્ડિયા બ્રીજ વટાવો એટલે પાકિસ્તાન તરફ જતો રોડ શરૂ થાય છે જે સામાન્ય જનતા માટે પ્રતિબંધિત છે. આ રોડની શરૂઆતે ઈન્ડિયા બ્રીજની પેલી તરફ પણ સામ માણેકશાનું પૂતળું સ્થાપિત કરી શકાય છે અથવા આ પથને સામ માણેકશા રોડ નામ આપી શકાય છે. સરકાર રાજ્ય શાળાઓમાં ફિલ્ડ માર્શલ સામ માણેકશાના વીરત્વની ઝાંખી કરાવતો પાઠ પણ પાઠ્યપુસ્તકમાં દાખલ કરાવી શકે છે.
આપણે ત્યાં ચીમનભાઈ પટેલ જેવો ભ્રષ્ટ અને ગુનેગારો સાથે સાંઠગાંઠ કરીને રાજ્યનું ધનોતપનોત કાઢનારો નેતા મરે તો ગાંધીનગર જવાના મુખ્ય ઓવરબ્રિજ જવાના મહત્વના માર્ગ પર એનું પૂતળું ગોઠવાઈ જાય છે. જવાહરલાલ નહેરૂના પત્ની કમલા નહેરૂનું નામ કોઈ લાયકાત વગર કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયને આપી દેવામાં આવે છે. હવે થોડા સમકાલીન, નોનપોલીટીકલ આઈકોન્સ ઝંખે છે ગુજરાત. ગુજરાત સરકાર માત્ર ટોકન શ્રદ્ધાંજલિની પ્રેસનોંધ લખીને છટકી જઈ શકે એવું સામ માણેકશાનું પ્રદાન ન હતું. તેમનું પ્રદાન મોટું હતું, તેને પ્રતિસાદ પણ મોટો આપવો પડે. આમ કરવાથી ગુજરાતનું ગૌરવ વધશે.
***
![]() |
Fake ટેકનોક્રેટની વાત
આજે વાત કરવી છે fake એટલેકે નકલી ટેકનોક્રેટની. આજના શનિવારના દિવ્ય ભાસ્કરમાં તંત્રી લેખના પાને નિરમા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એનવી વસાણીનો મસ મોટો લેખ છપાયો છે. આ લેખનું સબ ટાઈટલ વાંચતા જ મને કેટલાક શબ્દો નજરે પડ્યા… ક્રિએટીવ ઈકોનોમી, ટેલેન્ટ, ટોલરન્સ અને ટેકનોલોજી … આ શબ્દો મેં કેટલાક વર્ષો પહેલા અમેરિકાના વિદ્વાન લેખક રિચર્ડ ફ્લોરિડાના પુસ્તકમાં વાંચ્યા હતા એટલે વસાણીનો લેખ વાંચતા પહેલા જ મને માલૂમ પડી ગયું કે લેખમાં રિચર્ડ ફ્લોરિડાની થીયરીની વાતો હશે. અને હું સાચો હતો. લેખ વાંચતા લીટીએ લીટીએ રિચર્ડ ફ્લોરિડાની થીયરીનું પ્રતિબિંબ હતું. ફ્લોરિડાની થીયરી એવી છે કે કોઈ પણ શહેરે વિકાસ પામવું હોય તો ટેલેન્ટ, ટેકનોલોજી અને ટોલરન્સ એ ત્રણ પરિબળો હોવા જરૂરી છે. વસાણીના લેખમાં ફ્લોરિડાની આ થીયરી શરૂથી અંત સુધી વાંચવા મળી, એટલે સુધી કે ફ્લોરિડાએ તેના પુસ્તકમાં આપેલા ઉદાહરણો પણ વસાણીએ એમના એમ લખ્યા છે.
પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે વસાણીએ આખા લેખમાં રિચર્ડ ફ્લોરિડાના નામનો કે આ થીયરી રિચર્ડ ફ્લોરિડાની છે એવો ઉલ્લેખ સુદ્ધા કર્યો નથી. ઉલટુ વસાણીએ આ લેખમાં એક સ્થાને લખ્યું છે કે ‘હું સ્પષ્ટપણે માનું છું કે ક્રિએટીવ સેક્ટર માટે સજ્જ થવાના આયોજનમાં સૌથી અગત્યના પરિબળો એ ત્રણ ‘ટી’-ટેકનોલોજી, ટેલેન્ટ અને ટોલરન્સ છે…’ એટલે કે રિચર્ડ ફ્લોરિડાના ત્રણ ટીના સિદ્ધાંતને વસાણીએ પોતાની માન્યતા તરીકે ખપાવી દીધા છે!!
હવે મજાની વાત એ છે કે આ એનવી વસાણી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂકેલા છે જ્યાં પીએચડીની થીસીસની ઉઠાંતરી કરીને લોકો ડોક્ટરેટ મેળવે છે એ જાણીતી વાત છે. કદાચ વસાણીના કાર્યકાળમાં જ આ પ્રથા શરૂ થઈ હશે. ઓકે વસાણી ખુદ કઈ રીતે તેમના નામ આગળ ડોક્ટર લગાવતા થયા એ પણ રસપ્રદ વાત છે. વસાણી નિરમા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર છે અને આ પદે રહેતા જ તેમણે નિરમા યુનિવર્સિટીનો અમેરિકાની ફ્લોરિડા સ્થિત યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યો કે જેના અંતર્ગત નિરમાના વિદ્યાર્થીઓ શરૂઆતના બે વર્ષ નિરમામાં ભણે અને ત્રીજું વર્ષ ફ્લોરિડાની યુનિવર્સિટીમાં ભણે. આ સ્કીમ પછી બંધ કરવી પડી કારણકે વિઝા ન મેળવી શકેલા વિદ્યાર્થીઓનું ભણવાનું રખડી પડ્યું હતું. પરંતુ ફ્લોરિડા યુનિવર્સિટી સાથે કરાર કરીને એનવી વસાણી અને નિરમાના માલિક કરસનભાઈ પટેલ બેઉએ એ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની માનદ પદવી મેળવી લીધી. આજે કરસનભાઈ અને એનવી વસાણી બેઉ પોતાના નામ આગળ ડોક્ટરની પદવી લગાવે છે.
વસાણી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે હરેન પંડ્યાની ઓળખાણથી ગુજરાતના ટેકનોલોજીકલ બાબતોના સલાહકાર બની ગયા હતા. એ ગાળો મહત્વનો હતો કારણકે એ વખતે ભારતમાં આઈ.ટીનો કાળ શરૂ થયો હતો. વસાણી સરકારી ગાડીમાં ગાંધીનગર જાય, ત્યાં એમની સચિવાલયમાં ઓફિસ હોય, વસાણી કેશુભાઈ પટેલ સાથે હાઈપ્રોફાઈલ અમેરિકા પ્રવાસમાં પણ જોડાય અને આઈટીની ખેરખાં કંપનીઓ સાથે ચર્ચા ચાલી હોવાની અમેરિકાથી અમારા પત્રકારો પર પ્રેસનોટ મોકલવામાં આવે …કેશુભાઈ અને હરેન પંડ્યા માને કે ગુજરાતમાં આઈટી લાવવા બાબતે વસાણી પર ભરોસો કરવો પૂરતો છે પણ સમ ખાવા પૂરતુ આઈટી ડેવલપમેન્ટ ગુજરાતમાં થયું નહીં. છેવટે મોદી મુખ્યમંત્રી બન્યા એટલે કાઢ્યા વસાણીને. ગુજરાતના આઈટી લાવવા માટેના અત્યંત મહત્વના શરૂઆતના વર્ષો આપણે આ બધાના કારણે ગુમાવ્યા હતા અને હૈદરાબાદ ને બેંગલોર આગળ નીકળી ગયા હતા.
આ વાત લખવામાં મને સહેજ પણ આનંદ આવ્યો નથી પણ લખ્યા વગર રહી શકાયું નહીં.
***
![]() |
તેલિયા રાજાઓને ઘૂંટણિયે પાડવા સરકારની મોદીગીરી શરૂો
સત્તાધીશોએ જરૂર પડે ત્યારે પ્રજાહિતમાં શામ દામ દંડ ભેદ અપનાવવા પડે છે. કેટલાક સમય પહેલા ગુજરાત સરકારે નફાખોરી કરતી બિયારણ કંપનીઓને ભાવ વ્યાજબી રાખવાની વિનંતી કરી હતી. કંપનીઓ તાબે થઈ નહી એટલે એમના પર રેડ પડવાની શરૂ થઈ હતી. પછીથી અભૂતપૂર્વ હુકમ કરીને સરકારે બીટી કપાસના બિયારણના ભાવ નક્કી કરીને બિયારણ કંપનીઓને એ ભાવે બિયારણ વેચવાની ફરજ પાડી દીધી છે.
બિયારણની વાત પૂરી થઈ તો હવે ગુજરાત સરકારે ગુજરાતની ગૃહિણીઓને સીંગતેલનો મોંધો ડબ્બો આપનાર સૌરાષ્ટ્રના તેલિયા રાજાઓનું તેલ કાઢવા મોદીગીરી શરૂ કરી દીધી છે. તેલના વધતા જતા ભાવને કાબૂમાં લાવવા કેટલાક સમય પહેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુરવઠા પ્રધાન નરોત્તમ પટેલને સૂચના આપી હતી કે તેલમીલરો સાથે મિટીંગ કરીને તેમને કડક ભાષામાં ચેતવણી આપો કે તેલના ભાવ નહીં ઘટાડો તો સરકાર મોદીગીરી બતાવશે. તેલમિલરોએ એ સમયે પુરવઠા પ્રધાનને કહી દીધું હતું કે આ વર્ષે મગફળીનો પાક જ ઓછો થયો હોવાથી તેલના ભાવ વધારે છે. એમાં અમે તેલમિલરો કશું જ કરી શકીએ એમ નથી. સરકારે ચેક કરવો હોય તો આવીને અમારો તેલનો સ્ટોક ચેક કરી લે.
આ પછી હવે સરકારે મોદીગીરી શરૂ કરતા અભૂતપૂર્વ કદમમાં સરકારના ચાર વિભાગો જેવા કે પુરવઠા વિભાગ, તોલ-માપ વિભાગ, ફૂડ કંટ્રોલ વિભાગ અને વેચાણવેરા વિભાગના માણસોની પંદર સરકારી માણસોની સંયુક્ત વિજીલન્સ સ્ક્વોડ બનાવીને સૌરાષ્ટ્રની તેલમિલો પર રેડ પાડવાની શરૂ કરી છે. આ ચાર વિભાગોની સંયુક્ત ટીમ એટલા માટે બનાવી છે કે તેલમીલર ચારમાંથી એકાદા વાંકમાં તો પકડાઈજ જાય તેમ હોય છે. જેમ કે માનો કે વેચાણવેરાની ચોરી કરતો હોય અથવા તો માનો કે તેલની ગુણવત્તા ધોરણો મુજબની ન હોય અથવા માનો કે સ્ટોકમાં ફેરફાર હોય કંઈક તો ફોલ્ટ મળી જ જાય.
રેડ દરમિયાન હજુ તો પ્રારંભિક તબક્કામાં જ તેલિયા રાજાઓની વેચાણવેરાની દસ લાખની ચોરી પકડવામાં આવી છે, ચાર લાખનો તેલનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત તેલના નમૂના ચકાસણી અર્થે જપ્ત લેવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના જામખંભાળીયા અને રાજકોટ નજીકની ઓઈલમિલો પરના દરોડા બાદ હજુ બીજે પણ વધુ દરોડા પડવાની શક્યતા છે. ભૂતકાળમાં રાજ્ય સરકારો સૌરાષ્ટ્રના મગફળીનું તેલ કાઢતા ઓઈલ મીલર તેલિયા રાજાઓ સામે ઝૂકી જતી હતી પરંતુ મોદીએ ત્રીજુ નેત્ર ખોલ્યું છે. સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસોસીએશન(સોમા)નું ઓઈલ કાઢવામાં એટલેકે તેલ કાઢવામાં અને ઘૂંટણિયે પાડી દઈને તેની વર્ષોથી ચાલતી આવતી ન્યુસન્સ વેલ્યુ ખતમ કરવામાં મોદીને કેટલી સફળતા મળે છે એ જોવાનું રસપ્રદ રહેશે.
***
શાહબુદ્દીન રાઠોડે જોક સંભળાવીને અમેરિકાનો વીઝા મેળવ્યો
અમદાવાદમાં ચાલો ગુજરાત નામની ગુજરાતીઓની આંતરરાષ્ટ્રિય કોન્ફરન્સની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તેમાં હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે મજા કરાવી. શાહબુદ્દીનભાઈએ કહ્યું કે તેઓ ૨૦૦૬ના વર્ષની આવી જ ગુજરાતી કોન્ફરન્સનો વીઝા લેવા મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટની ઓફિસે ગયા તો વીઝા આપનારે પૂછ્યું કે આપ શું કરો છો અને આપ અમેરિકા કેમ જવા ઈચ્છો છો. શાહબુદ્દીનભાઈએ જવાબ આપ્યો કે તેઓ હાસ્યકલાકાર છે અને હસાવવા માટે અમેરિકા જવા ઈચ્છે છે. વીઝા આપનાર ધોળીયણે શાહબુદ્દીનભાઈને કહ્યું કે ચાલો મને હસાવો. શાહબુદ્દીનભાઈ આમતો સૌરાષ્ટ્રની ઝાલાવાડી લઢણમાં બોલીને હસાવતા હોય છે પણ અહીં ધોળિયણ હતી એટલે તેમણે અંગ્રેજીમાં જ કીધું કે એક જેન્ટલમેને બીજાને પૂછ્યું કે મગજ વગર માણસ કેટલુ લાંબુ જીવી શકે. બીજા જેન્ટલમેને જવાબ આપ્યો કે મને ખબર નથી કે તમારી ઉંમર શું છે. શાહબુદ્દીનભાઈએ કહ્યું કે આ જોક સાંભળીને વીઝા ઓફિસરે હસીને વીઝા આપી દીધો અને પછી પોતે વીઝા મેળવવાનો આ કિમિયો પ્રફુલ દવેને સંભળાવ્યો. પ્રફુલ દવેએ પણ પછી તો વીઝા સેન્ટરમાં જઈને મણિયારો ગીત ગાઈ બતાવ્યું અને તેમને વીઝા મળી ગયો.
શાહબુદ્દીનભાઈએ કહ્યું કે વિદેશમાં તમે તમારે આવડી મોટી ગાડીમાં એકલા બેસીને રમરમાઈને જતા હોવ અને અહીં ભારતમાં અમે એક ગાડીમાં તેર તેર જણા બેસતા હોઈએ. સંપત્તિ હોય તો સ્વદેશ ભલો નહીં તો ભલો પરદેશ. તેમણે કહ્યું કે સ્વદેશની મહત્તા સમજવી હોય તો પરદેશ જાઓ અને કુટુંબની મહત્તા સમજવી હોય તો કુટુંબથી દૂર જાઓ એ ઉક્તિ સાચી છે. પરદેશમાં જઈને વસેલાઓ તો મૂળમાંથી ઉખાડીને ઝાડવું અન્યત્રે રોપ્યું હોય એવા બની રહે છે.
***
![]() |
અમદાવાદનું રોક મ્યુઝીક કલ્ચર કેવું છે?
અમદાવાદનું રોક કલ્ચર કેવું છે? અરે ભઈ હું રોક એટલે પથ્થરોની વાત નથી કરતો. હું રોક મ્યુઝીકની વાત કરું છું. હમણા આલીયાન્સ ફ્રોન્સેમાં ડબ્લાકડોટસના ચક્રમ અને ઓરીજીનલ ઈન્સાન એવા રોક આર્ટીસ્ટ ઓલીવમેન અને વેંસો સાથે અમારી પત્રકારોની મુલાકાત થઈ. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ફોટા સાથે કવરેજ કર્યું, ડીએનએમા પણ કવરેજ છપાયું અને ગુજરાત સમાચારમાં ફોટા સાથે મોટી સ્ટોરી છપાઈ જેમાં સબહેડીંગમાં લખ્યુ હતુ કે ‘આજે સાંજે આલીયાન્સ ફ્રોન્સે તરફથી સ્પોર્ટસ ક્લબમાં ડબ્લાકડોટસનું પરફોર્મન્સ થશે’
પરંતુ આટલી પ્રેસ પબ્લીસીટી અને ફ્રાન્સથી આવેલા રોક બેન્ડની હાજરી છતા સ્પોર્ટસ ક્લબમાં આ બેન્ડને સાંભળવા પૂરા બસો માણસો પણ ન હતા. વરસાદના બહાને બેન્ડનો પરફોર્મન્સ સ્પોર્ટસ ક્લબમાં ઈન્ડોર એટલેકે અંદરના હોલમાં રાખવામાં આવ્યો હતો તેમ છતા આ રૂમ પણ પૂરો ભરાયો ન હતો. કેટલાક ચિમ્પુકો રોક બેન્ડ સાથે ઝૂમવાના બદલે બેસણામાં આવ્યા હોય એમ ઉભા હતા અને કેટલાક બીજા મોબાઈલ કેમેરાથી રોક બેન્ડનો વિડિયો જ ઉતાર્યે જતા હતા. રોક મ્યુઝીક સાંભળનારા જેન્યુઈન થોડા યંગસ્ટર્સ અફકોર્સ હતા કે જેમના પગ, કમર થીરકતા હતા અને ક્યારેક માથા પણ ધૂણતા હતા. ડબ્લાકડોટસની વિશેષતા એ છે કે તે બે જ વ્યક્તિનું બનેલુ બેન્ડ છે. ઓલીવમેન ત્રણ તારનું સિતાર પણ વાગી શકે એવું ગીટાર વગાડે છે અને પગેથી કોર્ડસ સેટ કરે છે તથા સાથે સાથે ગાય છે પણ ખરો જ્યારે વેંસો ડ્રમ વગાડે છે.
કેટલાક સમય પહેલા આલીયાન્સ ફ્રોન્સે તરફથી જ અમદાવાદના દર્પણા થિયેટરમાં એક્સમકીનાની હીપહોપ નાઈટ હતી. એક્સમકીનાનું પરફોર્મન્સ સખત એન્ટરટેઈનીંગ અને ઈનોવેટીવ હતું પણ તેને માણવા માટે બસો લોકો પણ હાજર ન હતા.
જો કે અમદાવાદના રોક ક્લ્ચરની બાબતમાં સાવ નાહી નાખવા જેવું નથી. કેટલાક સમય પહેલા આઈઆઈએમના કેઓસની રોક નાઈટમાં હું ગયો હતો તો અંદર પેસવા માટે પડાપડી થઈ રહી હતી. આખુ રવિમથાઈ ઓડિટોરિયમ હકડઠેઠ ભરાઈ ગયું હતુ. ઓડિટોરિયમ એવુ તો ભરાયુ હતુ કે જેવુ મેં જિંદગીમાં ક્યારેય ભરાયેલું જોયુ નથી. આઈઆઈએમના કેઓસમાં રોક બેન્ડની કોમ્પીટીશન હોય છે જેમાં ભાગ લેવા વડોદરા, અમદાવાદના ગ્રુપો આખુ વર્ષ રાહ જોતા હોય છે. આઈઆઈએમની કેઓસ રોકનાઈટ આખી રાત ચાલતી હોય છે અને છતા હોલ ખાલી થતો નથી. અમદાવાદના રોક કલ્ચરની બીજી ઉજળી બાબત છે અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલા સિટીપલ્સ મલ્ટીપ્લેક્સમાં દરેક શનિ-રવિવારે સાંજે ચાલતો પર્પલ ફ્લાવર ગ્રુપનો રોકનાઈટનો જલસો. અમદાવાદમાં ડીએનએ અખબારમાં પત્રકાર તરીકે કામ કરતી હાર્મની સિગનપોરીયા પારસી છોકરી છે જે આ રોક બેંડમાં પરફોર્મ કરે છે. હાર્મનીના પિતા પણ આ રોકબેંડમાં છે. મેં બહુ પહેલા અમદાવાદમાં વેંગાબોય્ઝ ગ્રુપનુ પરફોર્મન્સ હતુ ત્યારે તેની શરૂઆતમાં હાર્મનીને પરફોર્મ કરતા જોઈ હતી હવે હાર્મની પ્રેસ કોન્ફરન્સોમાં દેખાય છે.જોકે તેણી કન્સીસ્ટન્ટલી તેનું પોપ પેશન આગળ ધપાવી જ રહી છે અને ટકાવી રહી છે. સિટી પલ્સમાં શનિ-રવિની સાંજે પર્પલ ફ્લાવરનું પરફોર્મન્સ જોવા આસપાસની નોન ગુજરાતીઓના વર્ચસ્વવાળી ધીરૂભાઈ અંબાણી આઈટી યુનિવર્સિટી, ઈન્ફોસીટી, હોટેલ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, એનઆઈએફટીની પ્રજા પહોંચી જાય છે. (તસવીરમાં:ડબ્લાકડોટસનો ઓલીવમેન)
***
![]() |
મંત્રીઓ સુપ્પરમેન હોય છે
ગુજરાત સરકારના પ્રધાનોને સારી એવી દોડધામ રહેતી લાગે છે. હમણા કડી નજીક નર્મદા કેનાલમાં ચાલીસ ફૂટનું ગાબડુ પડ્યું એટલે કડીના ધારાસભ્ય અને જળસંપત્તિ પ્રધાન એવા નિતીન પટેલ સવારથી દોડાદોડમાં હતા. રાત્રે મેં તેમના ઘરે ફોન કર્યો તો તેમના પત્નીએ ઉપાડ્યો. નિતીનભાઈના પત્ની ફરિયાદના સૂરમાં કહેતા હતા કે નિતીનભાઈ સવારથી કેનાલના પૂરમાં હતા અને હવે રાત્રે ઘરેથી જમીને કન્યા કેળવણી યાત્રાના આવતીકાલ સવારથી શરૂ થનારા કાર્યક્રમ માટે ભરૂચ જવા નીકળી ગયા છે.
ગઈકાલે રવિવારે અમદાવાદની ઈન્ડર રેસીડન્સી હોટેલમાં બે દિવસના સેક્સોલોજીસ્ટ સાયકાટ્રીસ્ટો અને યુરોલોજીસ્ટોની કોન્ફરન્સ હતી એમાં આરોગ્યપ્રધાન જયનારાયણ વ્યાસનો સવારના અગિયાર વાગ્યે આવવાનો કાર્યક્રમ હતો. પરંતુ જયનારાયણભાઈ વહેલા જ આવી ગયા અને અર્ધો કલાકમાં રવાના થઈ ગયા. જયનારાયણભાઈ દરઅસલ સીધા કચ્છથી કન્યાકેળવણી, શાળા પ્રવેશોત્સ્વ અને માંડવીના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને રાતની મુસાફરી કરીને બાય રોડ અમદાવાદ આવ્યા હતા અને નાહ્યા વિના જ આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. અહીંથી તેઓ સીધા સુરત જવા રવાના થઈ ગયા હતા કારણકે સુરતમાં સાંજે દક્ષિણ ગુજરાતમાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાનો ઉદઘાટનનો કાર્યક્રમ હતો જેમાં મુખ્યમંત્રી પણ હાજર રહેવાના હતા.
કેટલાક મહિનાઓ પહેલા ખાડિયાના ધારાસભ્ય અશોક ભટ્ટના સુપુત્ર ભૂષણ ભટ્ટ મળ્યા હતા. અશોક ભટ્ટ એ વખતે આરોગ્ય અને ન્યાય મંત્રી હતા. ભૂષણલાલને મેં અમથાજ તેમના પપ્પાજી શું કરે છે એમ પૂછ્યું તો જવાબ મળ્યો કે ગઈ કાલે સુરત હતા. સવારે અમદાવાદ આવ્યા, ફ્લાઈટમાં મુંબઈ ગયા, હમણા સાંજે મુંબઈથી આવ્યા છે અને હવે બાય રોડ અંબાજી જઈ રહ્યા છે. કાલે સવારે અંબાજીનો કાર્યક્રમ પતાવીને બપોરે બાય રોડ ગાંધીનગર જશે ત્યાંથી અમદાવાદ આવશે…ઓહોહોહો મેં કહ્યું કે તમારા પપ્પાજીને બાયપાસ સર્જરી કરાઈ છે અને એ તો ઘરડી ઉંમરે સુપ્પરમેનની માફક ફરે છે. ભૂષણલાલે કહ્યું કે મંત્રી આખા ગુજરાત રાજ્યના હોય એટલે સ્વાભાવિક છે કે આખા ગુજરાતમાં ફરવાનુ થયા કરે… ખૈર પછી તો વિધાનસભાની ચૂંટણીઓ આવી અને અશોક ભટ્ટને મોદીએ વિધાનસભા અધ્યક્ષ બનાવીને આરામની વ્યવસ્થા કરી આપી.
મંત્રી બન્યા પછી મંત્રી પદનો નશો એવો હોય છે કે થાક લાગતો નથી. મંત્રીઓ સુપરમેન બની જાય છે અને ટોં..ટોં…સાયરન વગાડતી લાલ લાઈટ વાળી ધોળા બગલા જેવી શેવરોલેટ કારમાં ગુજરાતભરમાં રમણભમણ કરતા રહે છે.
***
![]() |
અમદાવાદમાં ડોક્ટરોના સેક્સ અંગેના સેમીનારમાં …
અમદાવાદમાં સેક્સની સારવાર સાથે સંકળાયેલા સાયકાટ્રીસ્ટ અને યુરોલોજીસ્ટ ડોક્ટરોના તાલીમ શિબિરનો એક દિવસ આજે પૂરો થયો. આ તાલીમ શિબિરમાં ભારતભરમાંથી બસોથી વધુ જેન્યુઈન સેક્સોલોજીસ્ટો આવ્યા છે. આમાં કેટલાક ડોક્ટરોએ રસપ્રદ વાતો કરી. ટાઈમ્સ જૂથના મીરર ટેબ્લોઈડમાં સેક્સની સલાહોની રોજિંદી કોલમ લખતા ૮૪ વર્ષના ડોક્ટર વત્સે અમને પત્રકારોને વાતચીતમાં જણાવ્યું કે આજે સરેરાશ શહેરી પુરૂષ સીત્તેર ટકા સમય કામકાજમાં આપે છે અને માત્ર અઢાર ટકા પોતાના ફેમીલીને આપે છે. આવામાં પતિ પત્ની વચ્ચેના બોંડીંગની આશા ક્યાંથી રાખી શકાય? મુંબઈથી આવેલા રાજ બ્રહ્મભટ્ટ નામના ડૉક્ટરે કહ્યું કે ધનાઢ્ય ગુજરાતીઓ મોરેશ્યસ અને સિંગાપુર હનીમૂન કરવા જાય છે પણ તેમાં ખરેખર શું થાય છે એ તો તેઓ અમને તેમની સમસ્યાઓ કહે ત્યારે જ માલૂમ પડતુ હોય છે. ત્રીસ ટકા કિસ્સાઓમાં પરણ્યા પછી તુરંત સંપૂર્ણ સફળ સેક્સ થઈ શકતું હોતું નથી પરંતુ યુવાનો સમજતા નથી કે પિયાનો શીખતા કે સાઈકલ શીખતા જેમ કેટલોક સમય જાય જ તેમ જ સંપૂર્ણ સફળ સમાગમ કરવો હોય તો તેમાં કેટલોક સમય જાય જ. ધીરજ રાખવી પડે. આજે યુવાન પરણે એટલે એકાદ વર્ષ પૂરુ થાય કે તુરંત જ ખાસ કરીને મહિલાઓ નવી વહુને કહેવા માંડે છે કે હવે પેંડા ક્યારે ખવડાવો છો? આવામાં નવા પરણેલાઓની હાલત ખરાબ થાય છે કારણકે સેક્સ સફળ રીતે થઈ શકતું હોતું નથી અને બીજી બાજુ સમાજ સંતાનની અપેક્ષાઓ રાખીને બેસે છે. અહીં જે કેટલાક કપલ અમારા સેક્સોલોજીસ્ટો પાસે આવે છે તો કેટલાક મૂંઝાતા જ રહે છે, કેટલાક આપબળે રસ્તો કાઢે છે તો કેટલાક છૂટાછેડા કે આપઘાત કે વેરવિખેર લગ્નજીવનના માર્ગે જાય છે. ડો. રાજ બ્રહ્મભટ્ટે કહ્યું કે તેમણે તેમની ડોક્ટરી કારકીર્દીના ત્રીસ વર્ષોમાં પાછલા છ વર્ષમાં છૂટાછેડાના જેટલા કિસ્સા જોયા છે એટલા અગાઉ ક્યારેય જોયા ન હતા. અને છૂટાછેડાઓમાં સેક્સની સમસ્યાઓ પોતાનો ભાગ ભજવતી જ હોય છે. તેમણે કહ્યું કે મુંબઈ જેવા શહેરમાં કે જ્યાં માણસ કોલાબાથી વિરાર સુધી દરરોજ ટ્રેનમાં મુસાફરી કરીન કમાવા જાય છે ત્યાં તમે કઈ રીતે આશા રાખી શકો કે એ માણસ રાત્રે પાછો ઘરે આવીને સેક્સ માણશે? એ માણસે તો ઘરે આવીને ચોક્કસ ઉંઘવું જ જોઈએ. એક સમય હતો કે પુરૂષ સાંજે ઘરે પાછો ફરે ત્યારે વેણી લાવતો હતો. આજે પુરૂષ સ્ટ્રેસ અને ટેન્શન લઈને પાછો ઘરે આવે છે. ડો. વત્સે કહ્યું કે પુરૂષે કમાવુ તો પડે જ અને એમાં સ્ટ્રેસ અને ટેન્શન પણ થાય પરંતુ રાત્રે ભલે સૂઈ જાય વહેલી સવારે પુરૂષ સેક્સ કરી શકે છે. આ સમયે હોર્મોન્સ પણ તેમની શ્રેષ્ઠ અવસ્થામાં હોય છે.
તાલીમ શિબિરમાં એક વાતનો ઉલ્લેખ કરતા ડો. રાજે કહ્યું કે એક ડોક્ટર પાસે એવા અનેક પેશન્ટ આવતા હતા કે જેઓ પોતાની જનનઈન્દ્રિય નાની હોવાની ફરિયાદ કરતા હતા. અવારનવાર આવા વાહિયાત કારણોસર આવતા પેશન્ટને પછી તો આ ડોક્ટરે પોતાનું જ પેન્ટ ઉતારીને પોતાની નાની ઈન્દ્રિય બતાવીને કહેવાનું શરૂ કર્યું કે જુઓ મારી પણ નાની છે. ઈન્દ્રિયની સાઈઝથી કોઈ ફર્ક પડતો નથી. સેક્સોલોજીસ્ટોના આ અખિલ ભારતીય કાર્યક્રમમાં શરૂઆતમાં એનાઉન્સર એવું બોલી હતી કે પ્લીઝ મોબાઈલ ફોન વાઈબ્રેટર મોડ પર રાખો અને છતા આવે તો બહાર જવુ. આ વાતનો ડબલ મીનીંગ કરીને એક ડોક્ટરે એવી કોમેન્ટ કરીકે કાર્યક્રમમાં મહિલાઓ પણ બેઠી છે અને કાર્યક્રમ સેક્સ અંગેનો છે માટે વાઈબ્રેટર રાખવાની અને ન રહી શકાતુ હોય તો બહાર જવાની વાતનો બીજો પણ મતલબ થાય છે. ડૉ. રાજે એક અન્ય રિયલ રમૂજમાં કહ્યું કે તેમણે બાંગ્લાદેશમાં ડોક્ટરોને સેક્સ ના પેશન્ટની હિસ્ટ્રી કઈ રીતે લેવી એ બાબતે માર્ગદર્શન આપવાનું હતુ. આથી વર્કશોપમાં તેમણે બાંગ્લા ડોક્ટરોને હોમવર્ક આપ્યું કે આવતીકાલે પાછા આવો ત્યારે કમસેકમ એક વ્યક્તિ સાથે સેક્સ અંગે ચર્ચા કરીને આવજો કે જેથી તમારી પેશન્ટ સાથે સેક્સ વિશે વાત કરવાની શરમ ભાંગે. બીજા દિવસે એક યુવાન ડોક્ટર આવ્યો અને કહ્યું કે સાહેબ આ તો તમે વળી કેવું હોમવર્ક આપ્યું? કાલે હું અહીંથી બહાર નીકળીને રિક્ષામાં બેઠો અને રિક્ષાવાળાને કહ્યું કે મારે તમારી સાથે સેક્સની વાત કરવી છે તો રિક્ષાવાળાએ રિક્ષાને બ્રેક મારીને કહ્યું કે તુ ગંદી વાતો કરવા માંગે છે મારી સાથે? બદમાશ!! ઉતરી જા રિક્ષામાંથી.
સેમીનારમાં એક રસપ્રદ વાત એ હતી કે બસોથી વધુ દવાઓ એવી છે કે જે નપુંસકતા લાવી શકે છે. એન્ટીહારપરટેન્સીવ્સ, એન્ટીડીપ્રેશન, એન્ટીકોલાનેર્જીક્સ, એન્ટીએંડ્રોજન્સ પ્રકારની દવાઓ આવી અસર લાવી શકે છે.બીજી એક રસપ્રદ વાત મુંબઈથી જ આવેલા ડો. શાસ્ત્રીએ કરી. તેમણે કહ્યું કે ઘણા પુરૂષોને એક સ્ત્રી સાથે સેક્સની ફીલીંગ પેદા થાય છે અને સંપૂર્ણ સફળ સેક્સ કરી શકે છે જ્યારે અન્ય સ્ત્રી સાથે સેક્સ કરી શકતા નથી અને નપુંસક પુરવાર થાય છે. આ વાત અનોખી છે. તેમણે એક પેશન્ટની વાત કરતા કહ્યું કે ફેમીનીસ્ટ પ્રકારની પત્ની સાથે આ પેશન્ટ સેક્સ નથી કરી શકતો જ્યારે શરમાળ સીધી ગર્લફ્રેન્ડ સાથે આ જ પેશન્ટ ઈઝીલી સેક્સ કરી શકે છે.
અન્ય એક ડોક્ટરે કહ્યું કે એક કરતા વધુ સ્ત્રીઓ સાથે સેક્સ કરવાથી કમ્પેરીઝન એટલેકે સરખામણીનું દૂષણ પેદા થાય છે. તમે તુરંત જ એક સ્ત્રીની બીજી સાથે સરખામણી કરવા માંડો છો અને સેક્સ સમયે મગજમાં આ બધું ચાલતું હોય તો પરફોર્મન્સ નથી થઈ શકતો. મૈસૂરથી આવેલા ડૉકટર રાવે કહ્યું કે સેક્સ અંગેની સૌથી મોટી જરૂરિયાત પ્રેમાળ અને સપોર્ટીવ પાર્ટનરની છે. જો પાર્ટનર સહકાર ન આપતુ હોય તો કોઈ ડોક્ટર કશું જ ન કરી શકે.
બાય ધી વે, સેમીનારમાં ઉદઘાટક તરીકે મેયર કાનાજી ઠાકોર આવ્યા હતા. આવ્યા પછી તેમને ખબર પડી કે આ તો સેક્સોલોજીસ્ટોનો સેમીનાર છે એટલે તેઓ તો ઉતાવળે ભાષણ કરીને ભાગ્યા. અને ભાષણમાંય કશી સ્પેસીફીક વાત નહીં. ચાર લાઈનનો ઉચ્ચક શુભેચ્છા સંદેશો માત્ર. જ્યારે સ્ટેજ પરથી સેક્સોલોજીસ્ટે મેયરનું શાબ્દિક સ્વાગત કર્યું ત્યારે શબ્દ વાપર્યો કે ‘સેક્સી સેટર્ડે મોર્નિંગ’ અને આ વખતે કાનાજી ઠાકોરના ગાલમાં શરમના શેરડા પડ્યા એ જોવા જેવા હતા. મજાની વાત એ છે કે કાનાજી ઠાકોરને આ સેમીનારમાં લાવવા માટે એલિસબ્રીજના ભૂતપૂર્વ ધારાસભ્ય ભાવિન શેઠ મધ્યસ્થી હતા એટલે ભાવિન શેઠ પણ સેક્સના આ સેમીનારમાં દેખાયા. હકીકત એ છે કે ભાવિન શેઠ કટ્ટર જૈન છે અને જૈન મહારાજ સાહેબના કહેવાથી તેમણે બે વર્ષ પહેલા જાહેરમાં બ્રહ્મચર્યનું વ્રત લીધું છે એના ફોટા પણ છાપાઓમાં મોટા ઉપાડે છપાયા હતા ત્યારે!!
****
![]() |
ગુજરાતમાં વર્ષો પછી ફરીથી દેખાશે ચિત્તા
એક સમયે ગુજરાતમાં ચિત્તા હતા. ભાવનગરના રાજવી તો ચિત્તાને પાલતુ કૂતરાની માફક રાખીને હરણાઓનો શિકાર કરાવતા હતા. કાળક્રમે ચિત્તા ન કેવળ ગુજરાતમાંથી પરંતુ આખા ભારતમાંથી અને ઈરાન સિવાય આખા એશિયામાંથી લુપ્ત થઈ ગયા. ગુજરાતમાં છેલ્લે ૧૯૬૦ના દસકામાં જુનાગઢ જીલ્લાની બોર્ડર પર આવેલા શત્રુંજ્યના પર્વતમાં ચિત્તો જોવામાં આવ્યો હતો. હવે વર્ષો બાદ ગુજરાતમાં ચિત્તાની જોડી જોવા મળશે. અલબત્ત જંગલમાં નહીં પણ ઝૂમાં. જુનાગઢનો સક્કરબાગ ઝૂ ગુજરાતનો વન વિભાગ સંભાળે છે. વન વિભાગે સિંગાપુરના ઝૂ સાથે પ્રાણીઓના આદાનપ્રદાનનો કરાર કર્યો છે. આ મુજબ સક્કરબાગ ઝૂના અધિકારીઓની એક ટીમ ટૂંક સમયમાં સિંગાપુર રવાના થવાની છે. સિંગાપુરના ઝૂ તરફથી સક્કરબાગ ઝૂને ચિત્તાની જોડ મળવાની છે એની છેવટની જરૂરી વિધિઓ પતાવવાનું કામ આ ટીમ પૂરુ કરશે. જુનાગઢનું સક્કરબાગ ઝૂ સિંગાપુર ઝૂ પાસેથી ચિત્તા મેળવવાના બદલામાં પોતાને ત્યાંથી એશિયાટીક ગીર લાયનની એટલેકે આપણ ગીરના જંગલના સિંહની જોડી સિંગાપુરને આપશે. સિંગાપુરના ઝૂમાં હાલ એશિયાટીક લાયન છે નહી.
હવે એક રમૂજની વાત કરી દઉ. ગુજરાતમાં પાછલા લગભગ પાંચ દસકાથી એક પણ ચિત્તો છે જ નહી તેમ છતા અખબારોમાં અવારનવાર સમાચારો છપાય છે કે ‘ચિત્તાએ ગામની ગાયો પર હુમલો કર્યો’, ‘ચિત્તો નાની બાળકીને ઉઠાવી ગયો’ વગેરે વગેરે. હવે હકીકતમાં ગુજરાતમાં દીપડા ઘણા છે અને દીપડાના સંદર્ભમાં આવા બધા બનાવો બને છે પરંતુ પત્રકારો દીપડા અને ચિત્તાને એક જ માને છે અને માટે પરાક્રમ દીપડો કરે અને બીજા દિવસે છાપાઓમાં ચિત્તો ગુનેગાર ઠરે છે.
દીપડા અને ચિત્તામાં દેખીતો ફર્ક એ છે કે દીપડાના શરીર પર પાંચ આંગળી ભેગી કરીને કાળુ ધબ્બુ મારો એવા રોઝેટસ જેવા નિશાન હોય છે. જ્યારે ચિત્તાના શરીર પર પ્યોર ટપકા હોય છે. ચિત્તાની આંખોની બાજુમાં કાળી લીટી ઉભી હોય છે. અલબત્ત પાછલા કેટલાક વર્ષોથી પત્રકારો ડિસ્ક્વરી ચેનલ જોતા થયા હોવાથી દીપડા અને ચિત્તામાં ફર્ક છે અને ગુજરાતમાં છે એ દીપડા છે ચિત્તા નહીં એ વાત કંઈક અંશે સમજતા થયા છે. જે કોઈ નથી સમજ્યા એ સક્કરબાગમાં ચિત્તાની જોડ આવ્યા પછી સમજી જશે.
***
![]() |
નર્મદા કેનાલનું ગાબડુ નિવારી શકાયુ હોત
છેવટે જે થવાનુ હતુ એ થઈ જ ગયું. રાજ્ય સરકાર કડી નજીક નર્મદા કેનાલમાં ગાબડા પડવાની બે વર્ષ પહેલાની ઘટનાને બહુ જ લાઈટલી લઈ રહી હતી. એ વખતે કડી નજીક વીડજ પુલ પાસે દસ ફૂટનું ગાબડું પડ્યું હતુ. સદભાગ્યે એ વખતે કેનાલમાં બહુ પાણી ન હતુ એટલે પ્રેશર ઓછુ હોવાથી કેનાલ વધુ તૂટી ન હતી અને તેના પાણી ત્રણ ગામની સીમમાં જ ભરાયા હતા. એ વખતે લહેરી સાહેબ નર્મદા નિગમ સંભાળતા હતા. તેમણે કેનાલનો કડી તરફનો બાર કિલોમીટરનો ભાગ બાંધનાર સત્યમ શંકર નારાયણ જે.વી નામની કંપની પાસેથી જ આ સમારકામનો ખર્ચો વસૂલ્યો હતો. સમારકામમાં બેન્ટોનાઈટ વાપરવામાં આવ્યુ હતુ કે જેથી કેનાલના પાળાના પોલાણમાં બેન્ટોનાઈટ પેસી જાય અને કેવીટી ભરી દે. આ પછી સરકાર આ મામલો પતી ગયો છે એવા ખયાલોમાં આ બનાવને ભૂલી ગઈ.
હવે ફરીથી કડી નજીક જ કેનાલમાં ફરી ગાબડું પડ્યુ કે જે પાણી સખત રીતે ભરાયેલુ હોવાના કારણે વધુ ને વધુ પ્રેશર મળતા મોટું થતું ગયુ અને આજે બુધવારે સવારે તો એટલુ મોટુ થયુ કે ચાલીસ ફૂટનું થઈ ગયું. પાણી દસથી પંદર ગામોમાં તમામ ખેતરોને ડૂબાડતુ લગભગ પંદર કિલોમીટરના વિસ્તારમાં એવુ તો ભરાઈ ગયું કે મુખ્યમંત્રીએ દોડી આવવુ પડ્યું અને ગામો ખાલી કરાવવા પડ્યા.
કડી નજીકના દેવગઢ ગામના ખેડૂત સાથે મારે વાત થઈ. તેમનું કહેવું છે કે કડી પાસેની ચાર કિલોમીટરની કેનાલ એવી છે કે જે જમીનના સ્તર પર માટી પાથરીને બનાવાયેલી છે. એટલેકે સામાન્ય રીતે અન્યત્રે નર્મદાની કેનાલનું તળિયુ જમીનથી નીચાણમાં હોય છે પણ અહીં ચાર કિલોમીટરની કેનાલની પટ્ટીમાં જમીનના સ્તર કરતા કેનાલનું તળિયું ઉંચુ છે એના કારણે આ ચાર કિલોમીટરના વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડવાની સમસ્યા સર્જાય છે.
મારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડના મારા સોર્સ સાહેબ સાથે વાત થઈ. તેમણે કહ્યું કે કડી નજીકનો બાર કિલોમીટરનો મુખ્ય કેનાલનો કોંટ્રેક્ટ બેંગલોર સ્થિત કંસ્ટ્રકશન કંપની સત્યમ શંકરનારાયણ જેવી નામની કંપનીને સોંપાયો હતો. આ કંપનીએ ૨૦૦૩માં કેનાલ બાંધીને આપી હતી ત્યાર પછી એના સ્ટ્રેચમાં કેનાલમાં આ બીજી વખત ગાબડું પડ્યું છે. આ જ કંપની હાલમાં કચ્છમાં બ્રાન્ચ કેનાલ બાંધી રહી છે. એના કામના ડિપોઝીટના રૂપિયા નિગમ પાસે પડ્યા છે. નિગમ એમાંથી કડી કેનાલના ગાબડાને રીપેર કરવાનો ખર્ચ કાઢી લેશે. કંપની કચ્છનું કેનાલનું જે કામ કરી રહી છે એ હવે પૂરુ થવામાં છે.
આજે કેનાલ તૂટવાની ઘટનાના સ્થળે જે રીતે ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ અને રાજ્યના પોલીસ વડા પીસી પાંડે, શહેરી વિકાસ અને જળસંપત્તિ પ્રધાન નિતીન પટેલ ઉપરાંત અન્ય મંત્રી નરોત્તમ પટેલ અને છેવટે તો ખુદ મુખ્યમંત્રી આવી પહોંચ્યા એ જોતા ઘટનાનું મહત્વ વધી ગયું. અન્યથા એક પણ વ્યક્તિની જાનહાનિ ન થઈ હોય એવા સ્થળે મુખ્યમંત્રી પહોંચી જતા હોતા નથી. નર્મદાની કેનાલ તૂટવાની બાબતને સરકારે ગંભીરતાથી લીધી છે એટલે મિડિયાએ પણ લીધી છે. પરંતુ જો સરકાર બે વર્ષ પહેલા કડી વિસ્તારમાં જ કેનાલમાં ગાબડુ પડ્યું ત્યારે જાગી હોત અને સમગ્ર કેનાલની ચકાસણીના હુકમો આપીને તેનું કામ શરૂ કરી દેવાયુ હોત તો આજની દુર્ઘટના સર્જાઈ હોત નહીં.
કેનાલ ફાટવાના કારણે આજે કોઈ જાનહાનિ નોંધાઈ નથી પરંતુ સેંકડો ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ હજુ તો હમણા જ બીટી કોટનનું બિયારણ વાવ્યુ હતુ એ બધુ આ પાણીએ નકામુ કરી દીધુ. હવે નવુ બિયારણ લાવવુ પડશે. અને ઓછામાં ઓછા પંદર દિવસ સુધી વરસાદ ન આવે ને તાપ રહે તો આ પાણી સૂકાશે પછી નવુ બિયારણ વાવવુ પડશે.
શું ખેડૂતોને થયેલા આ નુકસાનની રકમ પણ પેલા કોંટ્રાક્ટર સત્યમ શંકરનારાયણ જેવીની ડિપોઝીટની રકમમાંથી ભરપાઈ થઈ શકશે? આ પ્રશ્નનો મને સરકારમાંથી જવાબ મળ્યો નથી.
***
![]() |
મુકેશ અંબાણીની વાતમાં દમ છે:જામનગર રિફાઈનરીઓની રાજધાની બનશે
શુક્રવારે રિલાયન્સના જામનગર સ્થિત મોટી ખાવડી ખાતે રોકાણકારોને સંબોધતા મુકેશ અંબાણીએ જામનગર વિશ્વની ઓઈલ રિફાઈનરીઓની રાજધાની બનશે એમ કહ્યું એ વાતમાં દમ તો છે. મુકેશ અંબાણીએ આ હુંકાર રિલાયન્સની બીજી મોટી રિફાઈનરી અહીં જુલાઈ સુધીમાં તૈયાર થઈ જવાની છે એના ઉપલક્ષમાં કર્યો છે. રિલાયન્સનો પહેલો પ્લાન્ટ જામનગર રિફાઈનરીમાં ૧૯૯૯માં નંખાયો હતો. હવે બીજો પ્લાન્ટ શરૂ થશે ત્યારે જામનગર રિફાઈનરી વિશ્વની છઠ્ઠી સૌથી મોટી રિફાઈનરી હશે જે વિશ્વના પેટ્રોલ અને ડિઝલને રિફાઈન કરવાની ક્ષમતામાં એક ટકાનો વધારો કરશે અને ૨૦૦૯માં ઉભી થનારી આ ઈંધણોની વધારાની માંગનો પચાસ ટકા હિસ્સો સર કરશે. રિફાઈનરી પ્લાન્ટ એ એક એવો પ્લાન્ટ હોય છે કે જેમાં ધરતીમાંથી નીકળેલા ક્રૂડ ઓઈલને વ્યવસ્થિત કરીને પેટ્રોલ, ડિઝલ વગેરે બનાવી શકાય છે. રિલાઅયન્સની હવે તૈયાર થઈ રહેલી બીજી મોટી રિફાઈનરીનું નેવુ ટકા કામ પૂરુ થઈ ચૂક્યું છે.૫૮૦૦૦ બેરલ પ્રતિ દિવસની ક્ષમતાની આ નવી રિફાઈનરી ડિસેમ્બર પહેલા કમાવાનુ શરૂ કરી દેશે એવી મુકેશ અંબાણીએ ગઈકાલે જામનગરમાં ધોષણા કરી છે.
રિલાયન્સની આ નવી રિફાઈનરી એસઈઝેડમાં છે એટલે તે સંપૂર્ણ રીતે નિકાસ માટેની છે. રિફાઈનરી એ રીતની બનાવાઈ રહી છે કે વધુ સલ્ફરવાળુ, એસિડવાળુ કે મેટલવાળુ સસ્તામાં સસ્તુ ક્રૂડ ઓઈલ પણ રિફાઈન કરીને શ્રેષ્ઠ ઈંધણ બનાવી શકાશે. એટલેકે ઓઈલ ઉત્પાદક સ્થાનોએથી સસ્તામાં સસ્તી ક્વોલિટીનું રફ કાચુ તેલ(ક્રૂડ ઓઈલ) ખરીદીને રિફાઈન કરીને શ્રેષ્ઠ ક્વોલિટીનું ઈંધણ તૈયાર કરી ઉંચા ભાવે સારામાં સારા બજારમાં વેચીને મહત્તમ નફો કમાઈ શકાશે. આના કારણે જે હાઈ ગ્રેડનું ઈંધણ બનશે તે વિશ્વમાં ક્યાંય પણ નિકાસ કરી શકાશે. એટલેકે હાઈ ગ્રેડ ઈંધણની માંગવાળા સમૃદ્ધ રાષ્ટ્રોના બજારો પણ સર કરી શકાશે. મુકેશ અંબાણીની યોજના નવી રિફાઈનરીમાંથી તૈયાર થનાર ઈંધણ(પેટ્રોલ,ડિઝલ)વધુમાં વધુ ભાવ મળે એવા દેશોમાં વેચવાની છે. અત્યારે રિલાયન્સે ઓલરેડી યુરોપ,મેક્સિકો, પૂર્વ આફ્રિકામાં આ માટે માર્કેટીંગ શરૂ કરી દીધું છે.
જામનગરના હાલના રિફાઈનરી પ્લાન્ટ અને હવે તૈયાર થનારા પ્લાન્ટ બંનેની કુલ કેપેસીટી બાર લાખ બેરલ પ્રતિ દિવસ જેટલી થશે. ઓછામાં ઓછા એક લાખ બેરલ પ્રતિ દિવસનું ઉત્પાદન શેવરોન કંપની થકી અમેરિકા મોકલાશે. શેવરોનનો આ છ અબજના પ્લાન્ટમાં પાંચ ટકા હિસ્સો છે અને એક લાખ બેરલ પ્રતિ દિવસ એ અમેરિકાના કુલ ઈમ્પોર્ટનો એટલેકે આયાતનો દસ ટકા હિસ્સો છે.હાલ અમેરિકાનું મહત્તમ ઓઈલ ઈમ્પોર્ટ યુરોપીયન પ્લાન્ટસથી થાય છે. અમેરિકા વિશ્વનું ૪૩ ટકા પેટ્રોલ વાપરે છે અને રિફાઈનીંગ શોર્ટેજ સહન કરે છે.હાલ પણ રિલાયન્સ રિફાઈનરી જામનગરથી ચાલીસથી પચાસ લાખ ટન, પેટ્રોલ અને જેટ ફ્યુએલ અમેરિકામાં સીધી રીતે નિકાસ કરે છે. નવી રિફાઈનરી અની ગયા પછી પણ રિલાયન્સ શેવરોન થકી અને સીધી રીતે એમ બેઉ પ્રકારે અમેરિકાને ઈંધણની નિકાસ કરવાનું ચાલુ રાખશે. જો રિલાયન્સનું તમામ ૨,૩૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસ પેટ્રોલ ઉત્પાદન પશ્ચિમમાં જાય તો યુરોપના અમેરિકાને સપ્લાય થતા કુલ પેટ્રોલના ત્રીજા ભાગના પેટ્રોલ જેટલુ થાય.
પાછલા ચાર વર્ષોથી રિફાઈનીંગ કેપેસીટીની શોર્ટેજને કારણે વિશ્વની રિફાઈનરીઓના એવરેજ નફાના માર્જીન વધ્યા છે. ભારતમાં ઈંધણ સબસીડાઈઝ છે અને કેન્દ્ર સરકારના તાબા હેઠળની કંપનીઓ ખોટ ખાઈને ઈંધણ વેચે છે તેમજ વધી રહેલી જરૂરિયાતો પૂરી પાડવા એક્સ્પાન્ડ પણ નિયમિત રીતે થતી જ રહે છે. આના કારણે રિલાયન્સ ભારતમાં ઈંધણ વેચી શકે તેમ નથી. આ માટે ભૂતકાળમાં પ્રયત્ન કર્યો હતો પણ સરકારી કંપનીઓની માફક ખોટ ખાઈ શકાય નહી, સબસીડીના ચક્કરમાં બરબાદ થઈ શકાય નહી અને મોંધા ભાવે ઈંધણ વેચવું પડે એટલે રિલાયન્સે ભારતમાં તેના પેટ્રોલ-ડિઝલ પંપો બંધ કરવા પડ્યા.
રિલાયન્સની નવી રિફાઈનરીનું લક્ષ્ય એટલે જ વિશ્વના બજારો સર કરવાનું જ છે. આ માટે રિલાયન્સે નવી રિફાઈનરી શરૂ થવાની પૂર્વ તૈયારી રૂપે તાન્ઝાનીયાના અર્ધા રીટેલર અને સ્ટોરેજ ફર્મ ગલ્ફ આફ્રિકા પેટ્રોલિયમ કોર્પોરેશન ખરીદી લીધા છે જેની પાસે ૩૦૦ પંપ સ્ટેશન્સ છે.
***
![]() |
અતુલ કરવાલ એવરેસ્ટ પરથી શું લાવ્યા?
એવરેસ્ટ ચડી આવ્યા બાદ અમદાવાદ આવેલા અતુલ કરવાલનું ગુજરાત પોલીસે કરેલું સ્વાગત ભવ્ય અને અભૂતપૂર્વ હતુ. આખુ પોલીસ તંત્ર અતુલ કરવાલના સ્વાગત માટે એક દેખાતુ હતુ. એરપોર્ટ પર તેમને સત્કારવા બ્લ્યુ ટોપી અને ગોગલ્સ પહેરીને રાજ્યના પોલીસ વડા પીસી પાંડે હાજર હતા. તેઓ અને આઈએએસ ઓફિસર મીસીસ કરવાલ ઓપન જીપમાં બેઠા પછી જીપની આગળ ઘોડેસવાર, બાઈકોની હરોળ,પાછળ એવરેસ્ટના આકારનો ટેબ્લો, એરપોર્ટથી મુખ્ય રસ્તાની બંને તરફ કરાઈ પોલીસ એકેડમીના જવાનોની હરોળો હતી. એરપોર્ટ પર ભાંગડા થયુ, સીદી નૃત્ય થયુ અને તલવારબાજી પણ થઈ. એસઆરપી જવાનોએ એમની રાઈફલમાંથી હવામાં ધડાકા પણ કર્યા. બાદમાં કાફલો એન્ટીકરપ્શન બ્યુરોની રસ્તામાં જ આવતી ડફનાળા ઓફિસે ગયો. અહીં પણ ભાંગડા, સ્વાગત વગેરે થયું. પછી પોલીસ કમિશનર ઓફિસ ખાતે સ્વાગત, દિલ્હી દરવાજા બહાર કરાટે કુંગ ફૂ કરતા જવાનોનુ ડેમોસ્ટ્રેશન, કારંજ પોલીસ સ્ટેશનમાં સ્વાગત, ભદ્ર સ્થિત મહિલા પોલીસ સ્ટેશને સ્વાગત, એલિસબ્રીજ પોલીસ સ્ટેશને સ્વાગત, ઈન્કમટેક્સ ચાર રસ્તા ખાતે ગાંધીજીની પ્રતિમાને હારતોરા કરીને કરવાલ ગાંધીનગર રવાના થયા. કરવાલનો કાફલો ઓપન જીપમાં જ્યાંજ્યાંથી પસાર થયો ત્યાં ટ્રાફીક થંભાવી દેવામાં આવ્યો હતો અને રસ્તાની બંને બાજુ પોતાના અટકેલા વાહનો સાથે ઉભેલાઓ કૂતૂહલ પામતા હતા કે આ કોણ છે?
એરપોર્ટથી ડફનાળા સુધી કરવાલની સાથે ઓપન જીપમાં ગુજરાતના પોલીસ વડા પીસી પાંડે અને કરવાલની પત્ની હતા. બાદમાં પાંડે સાહેબ ઉતર્યા અને કરવાલની બે દીકરીઓ જીપમાં ચડી. ભદ્રના મહિલા પોલીસ સ્ટેશને પીસી પાંડે ફરી આવી પહોંચ્યા. અહીં પાથરણાવાળાઓથી માંડીને સ્થાનિક વેપારીઓ સૌએ સ્વાગત વિધિમાં ભાગ લીધો. અગાઉ શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસની સામે યોજાયેલા સન્માન વખતે કમિશનર ઓપી માથુરના પત્ની પણ આવ્યા હતા.
પીસી પાંડેએ કહ્યું કે તેમણે તેમની કરિયરમાં એક પોલીસ જવાનનું આવુ સ્વાગત તેમણે પ્રથમ વખત જોયું છે.આ અભૂતપૂર્વ છે.કમિશનર ઓપી માથુરે કહ્યું કે ગુજરાત પોલીસની તમામ સિદ્ધિઓમાં કરવાલની આ સિદ્ધિ ટોચ પર રહેશે. મેં કમિશનર માથુરને પૂછ્યું કે શું માઉન્ટ એવરેસ્ટ ચડવો અઘરો છે કે અમદાવાદનો ટ્રાફિક મેનેજ કરવો સહેલો છે? માથુર સાહેબે કહ્યું કે જે માણસ માઉન્ટ એવરેસ્ટ ચડી આવ્યો છે એ અમદાવાદનો ટ્રાફીક પણ મેનેજ કરી જ લેશે.
અતુલ કરવાલે પત્રકારો સાથેની વાતચીતમાં બહુજ વિનમ્રતાથી કહ્યું કે ઘણા માણસો આ કામ કરી શકે છે પણ મને તક મળી છે અને માટે હું આ સિદ્ધિનો હકદાર થયો છું. કરવાલ તેમની સાથે માઉન્ટ એવરેસ્ટ પરથી તિબેટીયનો જેનાથી સ્વાગત કરે છે એ ખતા કપડું અને થોડા પથરા લાવ્યા છે. તેમણ કહ્યું કે એવરેસ્ટ ઉતરતા જ મહત્તમ અકસ્માતો અને મોત નીપજતા હોય છે. એવરેસ્ટ ચડતા થાક એટલો બધો લાગે છે કે બીજું કશું વિચારવાનો સમય મળતો નથી. ચડાઈ વખતે રસ્તામાં ઓક્સીજન ખલાસ થઈ જવાના કારણે મૃત્યુ પામેલા લોકોને જોવાનુ સૌથી કપરું હતુ.
***
![]() |
આસુતોષ ગોવારીકરની આગામી ફિલ્મ મધુ રાયની ગુજરાતી નવલકથા પરથી
06-06-2008
મહાન ચિત્રકારોએ એમનુ આખુ જીવન ફકીરી અને નિર્ધનતામાં ગુજાર્યું અને દુનિયાએ પરવા પણ ન કરી. પણ મૃત્યુ પછી એમના ચિત્રો કરોડોમાં અને અબજોમાં વેચાયા. તમે કશીક રચના કરો પછી એના ભાવ આવશે કે નહીં આવે અને ક્યારે આવશે એનો કોઈ ખાતરીપૂર્વકનો જવાબ હોતો નથી.
આપણા સાહિત્યકાર મધુ રાયે વર્ષો પહેલા કિમ્બલ્સ રેવન્સવુડ નામની નવલકથા લખી હતી. સંભળાય છે કે હવે તેમને આ નવલકથા પરથી ફિલ્મ બનાવવાના હક આપવા પેટે સાત કે આઠ આકડામાં રૂપિયા મળ્યા છે. લગાન, સ્વદેસ અને જોધા અકબર ફિલ્મો બનાવનાર પેશનેટ ફિલ્મ ડિરેક્ટર આસુતોષ ગોવારીકરે મધુ રાયની આ ગુજરાતી નવલકથા ૧૯૯૫માં વાંચી હતી અને ખૂબ ગમી હતી. હવે તેર વર્ષ પછી આશુ એના પરથી ફિલ્મ બનાવી રહ્યો છે. હાલ તો આશુ એના વિશ્વાસુ નૌશિલ મહેતા સાથે નવલકથા પરથી સ્ક્રીનપ્લે તૈયાર કરી રહ્યો છે. વર્ષોથી અમેરિકામાં રહેતા મધુ રાય પાસેથી આશુએ કિમ્બલ્સ રેવન્સવુડના હક ખરીદી લીધા છે. અલબત્ત કેટલા રૂપિયામાં એ મધુ રાય અને આશુ વચ્ચેનો વિષય છે પરંતુ માર્કેટ રેટ પ્રમાણે એટલીસ્ટ સાત આંકડામાં હોઈ શકે છે આ રકમ.
આસુતોષ ગોવારીકરે પુસ્તકના હક ખરીદવાની સાથે જ એની તમામ કોપીઓ ખરીદી લીધી છે. ફૂટપાથ પર અને દુકાનોમાં માણસો મોકલીને એકેએક કોપી ખરીદી લીધી છે કે જેથી ફિલ્મની વાર્તા લીક ન થાય. આસુતોષે ફિલ્મનું નામ ‘વોટસ યોર રાશિ’ રાખ્યું છે અને તેમાં પ્રિયંકા ચોપરા તથા નવોદિત હરમન બાવેજાને લીડ રોલ માટે પસંદ કર્યા છે. ફિલ્મ નવેમ્બરમાં શૂટિંગ માટે ફ્લોર પર જશે. આશુ માત્ર એટલુ જ કહે છે કે કિમ્બલ્સ રેવન્સવુડ રોમેન્ટીક કોમેડી છે જેમાં એક યુગલની વાત છે.
***
![]() |
ગુજરાતમાં પ્રથમ કોન્ડોમ મેન્યુફેક્ચરીંગ યુનિટ
ગુજરાતમાં તરેહ તરેહની કંપનીઓ આવતી રહી છે એમાં હવે સૌપ્રથમ વખત વડોદરા નજીક સાવલીમાં કોન્ડોમ બનાવવાની ફેક્ટરી આવી રહી છે. અહીં ગુજરાતનું સર્વપ્રથમ કોન્ડોમ મેન્યુફેક્ચરીંગ યુનિટ સ્થપાવાનું છે. પ્રિસિલ સિલિકોન્સ લિમીટેડ ગ્રુપની કંપની સિક્યોર પર્સનલ કેર લિમિટેડ દસ કરોડના મૂડીરોકાણ સાથે અઢાર કરોડ નંગ કોન્ડોમની વાર્ષિક ક્ષમતાવાળુ યુનિટ નાખી રહ્યુ છે. આ કંપનીની પિતૃ કંપની લેટેક્સ કોન્ડોમ માટે જરૂરી બેન્ઝોકેનનું ઉત્પાદન કરે છે તેથી કંપનીને કોન્ડોમનું ઉત્પાદન સસ્તુ પડશે.કંપનીએ ગુજરાતમાં પ્લાન્ટ એટલા માટે નાખ્યો છે કારણકે બંદરો અને બંદર સુધીના રસ્તા ખૂબજ સારા તથા નજીક હોવાના કારણે નિકાસ કરવામાં સુગમતા રહે એમ છે. અલબત્ત કંપનીનો ગુજરાત સ્થિત પ્લાન્ટ માત્ર નિકાસ માટે નથી. તે ભારતના ત્રણ અબજ કોન્ડોમના વાર્ષિક વપરાશના માર્કેટમાં પણ પોતાનો ફાળો નોંધાવશે.
***
![]() |
આઈઆઈએમ અને ઔડામાં:ઈન્ડિયાથી ભારત તરફ
બુધવારે(૪ જુન, ૨૦૦૮)આઈઆઈએમ અમદાવાદના પ્રોફેસર અજય પાંડેને મળવાનું થયું. શ્રી પાંડે જેમાં પ્રવેશ લેવો સૌથી અઘરો છે એવા આઈઆઈએમ અમદાવાદના પીજીપી કોર્સના ચેરપર્સન છે. મારે તેમને મળવુ હતુ આઈઆઈએમે પહેલા વર્ષમાં ચાલુ વર્ષથી ફરજીયાત રીતે નિતી શિક્ષણનો કોર્સ દાખલ કરવામાં આવ્યો છે તેની માહિતી લેવા.
આઈઆઈએમમાં ચાલુ વર્ષે જાન્યુઆરીમાં દલાઈલામાનું બિઝનેસ એન્ડ એથીક્સ વિષય પર અત્યંત મનનીય પ્રવચન યોજાયું હતુ. આ પછી મેનેજમેન્ટમાં અને ખાસ કરીને તો મેનેજમેન્ટ શિક્ષણમાં નીતિ,મૂલ્યો અને સિદ્ધાંતોના મહત્વ વિશે સારી એવી ચર્ચા ચાલી હતી જેના પરિપાકરૂપે હવે આઈઆઈએમ નીતિના પાઠ ભણાવવાનું છે ભવિષ્યના મેનેજમેન્ટ લીડરોને.
ખૈર આ આખી વાત મૂળ તો બેક ટુ ધી બેઝીક્સ વાળી છે. આપ જાણો છો ગુજરાતીમાં સ્કૂલ માટે નિશાળ શબ્દ વપરાય છે એનો અર્થ શું છે? નીશાળ શબ્દ નીતિ શાળા શબ્દનું અપભ્રંશ છે. નીતિ શાળા પરથી નિશાળ શબ્દ અવતર્યો છે. આપણી શાળાઓ એક સમયે નીતિનું શિક્ષણ આપતી હતી. બલકે શિક્ષણ નહીં પણ કેળવણી આપતી હતી. આજે આઈઆઈએમે ફરીથી આપણી જ સંસ્કૃતિ પર રિટર્ન થઈને નીતિનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે.
પ્રોફેસર અજય પાંડે સાથે મારે જે થોડી ચર્ચા થઈ તેમાં મેં તેમને પૂછ્યું કે શું દરેક કોલેજ અને સ્કૂલમાં નીતિનું શિક્ષણ ફરજીયાત ન હોવું જોઈએ? મારો પોઈન્ટ એ છે કે એક સિવિલ એન્જીનીયરીંગના વિદ્યાર્થીને ઈન્જીનીયરીંગ કોલેજમાં એ તો શીખવવામાં આવે છે કે પુલ કઈ રીતે બાંધવો. પણ સાથે એ પણ શીખવવામાં આવે કે પ્રામાણિક રહેવુ કેટલું મહત્વનું અને ખુમારીવાળુ છે તો કેવું સારુ? સો વિદ્યાર્થીમાંથી પચાસને કાને આ વાત પડે અને પાંચને હ્દયસ્થ પણ થાય તો કેવુ અદભૂત?
પ્રોફેસર અજય પાંડેએ કહ્યું કે અમે નીતિનું શિક્ષણ આપીશું એટલે અમારા બધા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં નીતિ અને મૂલ્યોને અનુસરશે જ એ તો અમે કઈ રીતે કહી શકીએ? એ તો એમના પર જ આધારિત રહેશે. પરંતુ કમસેકમ અમે તેમને નીતિ અને મૂલ્યોનું જગત કેવું છે એનો પરિચય તો આપી જ શકીએ એટલા માટે નીતિનું શિક્ષણ લાગુ કરી રહ્યા છીએ.
તો અત્યાધુનિક અને ભારતના શિક્ષણ જગતમાં બેન્ચમાર્ક કહેવાતી આઈઆઈએમ અમદાવાદ ફરીથી નીતિશાળા એટલેકે નિશાળના કોન્સેપ્ટ પર આવી ગઈ છે. કેટલાક સમય પહેલા મેં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(ઔડા) દ્વારા અમદાવાદમાં પચાસ તળાવોને ઈન્ટરલીંક કરવા અંગેનો લેખ લખ્યો હતો. આ માટે ઔડાના સર્વોચ્ચ અધિકારી જેજી પંડ્યા સાથે વાત થઈ હતી. શ્રી પંડ્યાએ કહ્યું કે ઔડાએ વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદના દસ તળાવોને ઈન્ટર્લીંક કર્યા છે એટલેકે એક બીજા સાથે જોડ્યા છે. હવે વધુ દસના કામ હાથ પર લેવાશે. અને આ ઉપરાંત બીજા ચાલીસ તળાવોને ઈન્ટરલીંક કરવાની દરખાસ્ત નાણાકિય ફંડીંગ માટે દિલ્હી મોકલી છે.
હવે આમાં પણ બેક ટુ ધી બેઝીક્સની વાત છે. આપણે ત્યાં તમામ તળાવો કુદરતી રીતે જ ઈન્ટરલીંક હતા અને વરસાદી પાણીનો નિકાલ ઓટોમેટીક રીતે થઈ જતો હતો. એક વિસ્તારનું પાણી એ વિસ્તારના તળાવમાં જાય પછી એ તળાવ છલકાય એટલે એનું પાણી કુદરતી ઢોળાવ પરથી સરકતુ સરકતુ બીજા તળાવમાં જાય અને બીજુ તળાવ ભરાય તો એનું પાણી ત્રીજા તળાવમાં જાય છેલ્લે નદીની નજીકનું તળાવ હોય એનું પાણી નદીમાં જાય. આ વ્યવસ્થા આપણે ત્યાં કુદરતી રીતે જ હતી. લોકો દરેક વર્ષે તળાવનો કાંપ કાઢી લેતા હતા અને એનો ખાતરમાં ઉપયોગ કરતા હતા. આને કારણે તળાવો પણ ઉંડા થતા રહેતા હતા અને પાણી તેમાં પૂરતુ ભરાઈ રહેતુ હતુ જે આખુ વર્ષ ચાલે અને નજીકના કૂવાના જળ સ્તર ઉંચા રાખે.
પછી પાઈપલાઈન આવી. નળ ખોલોને પાણી આવે. તળાવનું મહત્વ વીસરાયુ. બિલ્ડરોએ શહેરોમાં તળાવોની જમીન પર બાંધકામ કરી દીધા. તલાટીઓ પૈસા ખાઈ ગયા ને મંજૂરી આપી દીધી. વરસાદી પાણી ઠેર ઠેર ભરાવવા લાગ્યા અને કરોડોના ખર્ચે સ્ટોર્મ વોટરની વ્યવસ્થા ઉભી કરતી પાઈપલાઈનો નાખવી પડી.
છેવટે કેટલાક વર્ષો પહેલા શાણપણભર્યા કદમમાં ઔડાએ તળાવોના ઈન્ટરલીંકીંગની જૂની સંકૃતિ ફરી જીવતી કરી. બે તળાવો વચ્ચેના કુદરતી વહેણવાળા કાંસ માર્ગ પર રસ્તાઓ બની ગયા હોવાથી અને અંતરાયો આવી ગયા હોવાથી ભૂગર્ભ પાઈપ લાઈન નાખીને તળાવો જોડ્યા. અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવ છીછરુ હતુ, આસપાસ ઝૂંપડપટ્ટી હતી અને અંદર પુષ્કળ ગંદકી હતી. આ બધુ હટાવીને તેને ઉંડુ કરી સુંદર બનાવવામાં આવ્યું અને તેને પ્રહલાદનગર ગાર્ડન સાથે ઈન્ટરલીંક કરવામાં આવ્યું. આજે ઔડાના દસ તળાવ ઈન્ટરલીંક છે અને વરસાદનું પાણી ભરાવાની સમસ્યામાંથી છૂટકારો મળ્યો છે. તળાવોમાં પાણી ભરાઈ રહેવાના કારણે આસપાસના વિસ્તારોમાં ઠંડક અને ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવવાનું પણ બન્યું છે. તળાવો ફરવાના સ્થાન બન્યા છે. ખાનગી કોંટ્રેક્ટર સામેથી પૈસા આપી જઈને બોટીંગ કરાવે છે અને તળાવ ચોખ્ખા રાખે છે.
અહીં પણ બેક ટુ ધી બેઝીક્સ છે. ફરી ફરીને છેવટે આપણે જૂનુ જે સારુ હતુ એ જ કરવું પડશે. ભલે નવી રીતે.
****
***
![]() |
ગુજરાતમાં ચોવીસ કલાકની બીજી એક ન્યુઝ ચેનલ આવી રહી છે
એક સમય હતો કે જ્યારે ગુજરાતનું મિડિયા વર્ષો સુધી બે અખબારોમાં જ આવી જતુ હતુ. પછી ગુજરાતના મિડિયામાં કોણ જાણે લોકોને એવી તો બરકત દેખાઈ રહી છે કે એક પછી એક કશું ને કશું નવુ આવતુ જ રહે છે અને થતું જ રહે છે. ઈલેક્ટ્રોનિક મિડીયાની વાત કરુ તો સૌ પ્રથમ યસ ટીવી આવ્યુ હતુ જે ઈન્ફો કરતા એન્ટરટેન્મેન્ટ પર વધુ પડતુ આધારિત હતુ અને પ્રોડક્શનના બદલે માત્ર ગુજરાતી ફિલ્મો દેખાડતુ હતુ. ક્વોલિટી પણ ઘટિયા હતી એટલે યસ ટીવી ન ચાલ્યુ. પછી ગુર્જરી આવ્યુ એ પણ આ જ રાહે રહ્યું અને ન ચાલ્યુ. પછી તારા ટીવી આવ્યુ જે સ્ટાર ટીવીના એક વખતના સીઈઓ આર.બસુએ શરૂ કર્યુ હતુ પણ બધુ કામ મલ્લિકા સારાભાઈને સોંપ્યુ હતુ એટલે એ પણ ન ચાલ્યુ અને બહુ ખરાબ રીતે પીટાયુ. બસુ સાહેબ પ્રાપત માહિતી અનુસાર હાલ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં કોફી શોપ ચલાવે છે. પછી ઈ ટીવી ગુજરાતી અને આલ્ફા ટીવી ગુજરાતી આવ્યા. આલ્ફા ટીવી ગુજરાતીનું નામકરણ બાદમાં ઝીટીવી ગુજરાતી થયું. ઝીટીવી ગુજરાતી જેમ તેમ ચાલી રહ્યુ છે કારણકે ન્યુઝ ટીમ કરવા ખાતર કામ કરતી હોય એવી લાગે છે જ્યારે મનોરંજનનું કન્ટેન્ટ દમદાર નથી. જ્યારે ઈ ટીવી ખૂબ જ સારુ ચાલે છે અને કમાય છે પણ ખરુ.એના દર કલાકના હેડલાઈન્સ સમાચાર અને સાત વાગ્યાના સાંજના સમાચાર હીટ છે. ઉપરાંત રસોઈ અને સંગીતના શો હીટ છે. વચમાં આર્થિક કૌભાંડકાર અમદાવાદના જુહાપુરાના જહીર રાણાએ રેમો ચેનલ નામની ગુજરાતી-હિંદે મીક્સ ચેનલ પણ શરૂ કરી હતી. જે થોડો સમય ચાલી અને જહીર રાણા જેલમાં ગયો પછી બંધ થઈ ગઈ.આ બધી ચેનલો ન્યુઝ વત્તા મનોરંજનનુ મીક્સ્ચર હતી/છે. પણ પછી ગુજરાતીમાં ચોવીસ કલાકની ન્યુઝ ચેનલો પણ આવવાની શરૂ થઈ છે. જેમ કે સત્યમ કોમ્પ્યુટર્સ વાળાઓની ટીવી નાઈન હાલ ગુજરાતની એક માત્ર ચોવીસ કલાકની ન્યુઝ ચેનલ છે. ટીવી નાઈનને શરૂઆતમાં ગુજરાતમાં ખાસ્સો સંઘર્ષ કરવો પડ્યો કારણકે ચેનલ તો શરૂ થઈ ગઈ પરંતુ બે મોટા કેબલ નેટવર્ક સીટી કેબલ અને ઈન કેબલ તેને દેખાડતા જ ન હતા. કહેવાય છે કે કરોડો આપ્યા પછી સીટી કેબલે તે દેખાડવાનું શરૂ કર્યું છે પણ ઈન કેબલના ગ્રાહકોને હજુ પણ ટીવી નાઈન દેખાતુ નથી. ટીવી નાઈન ટેકનીકલ ક્વોલિટીમાં સુપર્બ રિઝલ્ટ આપી રહ્યું છે પરંતુ એડિટોરીયલી એટલું જ સારુ નથી. તેમ છતા ગુજરાતી ચોવીસ કલાકની તે એકમાત્ર ન્યુઝ ચેનલ છે કે જે ઓબી વાનનો પણ ભરપૂર ઉપયોગ કરે છે અને નરેન્દ્ર મોદીના વક્તવ્યો પણ લાઈવ બતાવે છે.
હવે ગુજરાતીમાં વધુ એક ચોવીસ કલાકની નવી ન્યુઝ ચેનલ આવી રહી છે. અગાઉ વિનોદ દુઆના પરખમાં અને બાદમાં રજત શર્માના આજકી બાત તથા ઈન્ડિયા ટીવીમાં કામ કરી ચૂકેલા નિર્ણય કપૂરના વડપણ હેઠળ ગુજરાતી ભાષાની ચોવીસ કલાકની ન્યુઝ ચેનલ વોઈઝ ઓફ ગુજરાત દિવાળી પહેલા લોંચ થાય એવી શક્યતા છે. દિલ્હીના ત્રિવેણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડે એપ્રિલથી તેમની હિંદી ચોવીસ કલાકની ન્યૂઝ ચેનલ વોઈઝ ઓફ ઈન્ડિયાનો ટેસ્ટ રન શરૂ કર્યો હતો અને પહેલી જૂને ચેનલ લોંચ પણ થઈ ગઈ છે. હવે આ જ ગ્રુપની લક્ઝરી ચેનલ અને પછી વોઈઝ ઓફ ગુજરાત ગુજરાતી ચેનલનો વારો છે એમ હિંદી ચેનલના સીઈઓએ પત્રકારો સમક્ષ ઘોષણા પણ કરી દીધી છે.
બાય ધી વે ગુજરાતી પત્રકારત્વમાં પ્રિન્ટ ક્ષેત્રે પણ ઘણું બધું નવુ નવુ થયુ છે અને થઈ રહ્યું છે. બિઝનસ સ્ટાન્ડર્ડે અને ઈકોનોમિક ટાઈમ્સે અમદાવાદથી ગુજરાતી દૈનિક આવૃત્તિઓ શરૂ કરી પછી હવે દિવ્યભાસ્કર ગોલ્ડ નામનુ અમદાવાદથી પ્રસિદ્ધ થનારુ બપોરનુ છાપુ આવી રહ્યું છે ઉપરાંત દૈનિક જાગરણ ગ્રુપનું આર્થિક દૈનિક અને પછી પૂર્ણ કક્ષાનું દૈનિક પણ આવી રહ્યું છે.
****
***
![]() |
કોંગ્રેસની મંથન શિબિર પર પોલીટીકલ હ્યુમરનો પીસ
ગુજરાતમાં હાર બાદ મંથન કરી રહેલા કોંગ્રેસીઓની દ્વારકા મંથન શિબિર સ્વપ્નમાં આવી એની થોડી ઝલક અહીં પ્રસ્તુત કરું છું.
શિબિરનું દ્રશ્ય:
એક યુવા નેતાએ કહ્યું કે નરેન્દ્ર મોદીની માફક આપણેે ઈન્ફર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.
બીજા નેતાએ પૂછ્યું એ કઈ રીતે? માંડીને સમજાવો.
યુવા નેતાએ કહ્યું કે આવતી લોકસભાની ચૂંટણીમાં આપણે આપણુંું પંજાનું ચૂંટણી નિશાન એનિમેટેડ રાખીશું. એનિમેશનમાં કોંગ્રેસનુ નિશાન પંજો ‘બાય બાય’ કરતું હોય એમ ડાબે ને જમણે ઝૂકીને હલશે. ગુજરાત વિધાનસભાની પાછલી ચૂંટણીઓમાં લોકોએ આપણને ફરી એક વખત બાય બાય કરી દીધું હવે લોકસભા લડીને આપણે લોકોને બાય બાય કરી દઈશું. એ માટે એનિમેટેડ સિમ્બોલ ઉત્તમ ઉપાય છે.
બીજા એક નેતાએ કહ્યું કે મોદી જેવા અત્યાધુનિક પ્રચારમાં આપણે સારામાં સારા ડીરેક્ટર પાસે ‘ધી લાસ્ટ કોંગ્રેસી’ નામની ફિલ્મ બનાવડાવીએ. જે રીતે પારસીઓની વસ્તી દિવસે દિવસે ઘટી રહી છે એ રીતે કોંગ્રેસીઓની વસ્તી ગુજરાતમાં દિવસે દિવસે ઘટતી રહી છે અને હવે તો લુપ્ત થવાના આરે છે. પારસીઓને ટકાવી રાખવા યુનેસ્કોનું ફંડીંગ મળે છે. આપણે ગુજરાતમાં કોંગ્રેસી લુપ્ત ન થઈ જાય એ માટેનો પ્રોજેક્ટ ઘડી કાઢીએ અને યુનેસ્કો સમક્ષ માંગણી મૂકીએ કે પારસીઓની તર્જ પર અમને પણ ફંડીંગ આપો. એ ફંડીંગમાંથી લોકોને અપીલ કરનારી ‘ધી લાસ્ટ કોંગ્રેસી ઈન ગુજરાત’ નામની ફિલ્મ પણ બની જશે.
દિલ્હીથી આવેલા ગુજરાતના કોંગ્રેસી નેતાએ કીધુ કે અમદાવાદના પાલડી ચાર રસ્તા પર સરદાર પટેલના પૂતળાના અનાવરણ વખતે તેઓએ ભાષણમાં કહ્યું હતું કે સરદાર પટેલ સાદગીથી રહેતા હતા અને અત્યારે ખુદને સરદાર સરીખા કહેવડાવતા નરેન્દ્ર મોદી પાંચસો જોડ કપડાની ધરાવે છે. હવે આપણે આ જ તર્જ પર નરેન્દ્ર મોદીની વધુ બુરાઈઓ ખુલ્લી પાડવી જોઈએ. જેમ કે નરેન્દ્ર મોદી કેટલી જોડ જૂતા ધરાવે છે, એક જૂતુ કેટલો સમય ચલાવે છે, કેટલી જોડ ચશ્મા ધરાવે છે, કેટલા હાથરૂમાલ વાપરે છે, ઘરમાં કેટલા બલ્બ ધરાવે છે, દરરોજ કેટલી પેનો વાપરે છે, મોદી મંચ પર બેઠા હોય ને પાયજામા અને સેંડલ વચ્ચે ગેપ દેખાય તો એ પણ જોઈ લેવાનું કે કેટલી જોડ મોજા વાપરે છે વગેરે વગેરે. કોંગ્રેસીઓએ આ સરકારનું આવુ બધુ સત્ય લોકો સુધી પહોંચાડવું જોઈએ. અને આ બધુ ગણવા કામે લાગી જવુ જોઈએ.
દક્ષિણ ગુજરાતના એક નેતાએ કહ્યું કે કોંગ્રેસને ગુજરાતમાં હિંદુત્વ વગર ચાલવાનું નથી એટલે સોફ્ટ હિંદુત્વ બતાવવા દ્વારકામાં બેઠક રાખી છે. પરંતુ આનાથી કોંગ્રેસની કમીટેડ સેક્યુલર ઈમેજને ફટકો પડશે અને આવતી ચૂંટણીમાં આપણે મુસ્લિમોના તથા ખ્રિસ્તિઓના મતો ગુમાવવા પડશે. આ માટે હવે પછી આપણે લોકસભાની ચૂંટણીઓ આવે ને આપણે ફરી હારીએ તે પછીની બીજી મંથન શિબિર મક્કા કે વેટીકનમાં રાખવી જોઈએ.
આ સાંભળી સૌ કોંગ્રેસીઓએ તાલીઓ વગાડી. જો કે દિલ્હીથી આવેલા એક કોંગ્રેસી નિરીક્ષક ગુસ્સે ભરાયા. તેમણે આ નેતાની ઝાટકણી કાઢતા કહ્યું કે વિધાનસભાની ચૂંટણીઓ જીતી બતાવીશું એમ કહીને તમે ગુજરાતના કોંગ્રેસીઓ દિલ્હી પાસેથી ઢગલો રૂપિયા લઈ ગયા અને ચકદે ચકદે કરતા હારી ગયા.તમને મક્કા અને વેટિકનમાં મંથન શિબિર કરવા જવા અમે ફંડીંગ નહી આપીએ. અહીં ગુજરાતમાં કચ્છના સરહદી ગામોમાં મુસ્લિમ વસ્તીની બહુમતિ થઈ ગઈ છે ત્યાં મક્કાના બદલે અને દક્ષિણ ગુજરાતમા વ્યારામાં ખ્રિસ્તિઓની વસ્તી બહુમતિ થઈ ગઈ છે ત્યાં વેટિકનના બદલે મંથન શિબિર યોજશો તો ખર્ચ નહીં થાય.
એક અન્ય કોંગ્રેસીએ સુઝાવ આપ્યો કે ગુજરાતની જનતા તો આપણને કેમેય કરીને વોટ આપતી નથી. શું આપણે ગુજરાત બહારથી કોંગ્રેસીઓને ગુજરાતમાં વસાવીને અહીં કોંગ્રેસીઓની નવી વસ્તી ઉભી કરીને કોંગ્રેસને ન જીતાડી શકીએ? દિલ્હીથી આવેલા નેતા આ સુઝાવ પર તાડૂક્યા. તેમણે કહ્યું કે બધા રાજ્યોમાં કોંગ્રેસ હારી રહી છે. કોંગ્રેસીઓ લાવશો ક્યાંથી?
એક યુવા નેતાએ હિંમત કરીને દિલ્હીથી આવેલા નિરીક્ષક નેતાને કહ્યું કે ‘તમે વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી માટે એવુ બોલ્યા હતા કે યે નરેન્દ્ર મોદી કોનસી ગટર સે પેદા હુવા હે, અપને બાપકા નામ જાનતા નહીં… તમારા આવા ફાલતુ નિવેદનને કારણે સંસ્કારી ગુજરાતી પ્રજાએ કોંગ્રેસના થોડાઘણા મતોમાં ય કાતર ચલાવી દીધી.’
પેલા કોંગ્રેસી નિરીક્ષક નેતા અકળાયા અને બોલવા માંડ્યા ‘તુમ કોનસી ગટરસે પેદા હુવે તુમ જાનતે નહીં… મેરે પે ઈલ્જામ લગાતે હો? મેં હાઈ કમાન્ડ હું …’
મામલો એવો ઉકળ્યો અને પેલા ગટર ફેમ નેતા એવુ એવુ બોલ્યા કે શિબિરની આ દિવસની કાર્યવાહીની પૂર્ણાહૂતિ કરવી પડી.
(એપિસોડ પોલીટીકલ હ્યુમરનો કાલ્પનિક પીસ છે)
****
***
![]() |
અમદાવાદમાં મુસ્લિમ અનામત, મુસ્લિમ લીગનો ધ્વજ અને સરદાર પટેલનું પુલને નામ આપવાનો વિરોધ!!
ગોધરા કાંડ પછીના સમયગાળામાં એક સમયે જ્યારે હું અને વરિષ્ઠ પોલીટીકલ રિપોર્ટર મહેશભાઈ ઠાકર બે જણા અખબારી ઓફિસમાં બેઠા હતા ત્યારે ગુજરાત બહારથી કોઈ ફિલ્મ મેકર આવી પહોંચ્યો હતો. તે ગોધરા કાંડમાં મુસ્લિમો પર થયેલા જુલ્મો વિશે ફિલ્મ બનાવવા માંગતો હતો અને તેણે મહેશભાઈની મદદ માંગી. એણે થોડા અખબારી કટીંગ્સ જોઈતા હતા અને થોડી માહિતી પણ જોઈતી હતી. હુ ત્યાં જ બેઠો હતો એટલે મારાથી કહેવાઈ ગયું કે ‘ભાઈ ગોધરા કાંડ પછીના તોફાનો વિશે તો ઘણી ડોક્યુમેન્ટરીઓ બનશે પણ તમે એ એંગલ પકડો કે શાંત ગણાતા ગુજરાતી હિંદુઓનો મુસ્લિમો પ્રતિ આટલો બધો આક્રોશ કેમ પ્રગટ થઈ નીકળ્યો? કેમ? એનું રિસર્ચ કરો અને એના પર ફિલ્મ બનાવો. કોમી તોફાનોની ગર્ભાવસ્થા સતત ચાલતુ હોય છે અને પછી પ્રગટીકરણ થાય છે. એ ગર્ભધારણની અવસ્થાના ડાયમેન્શન્સ પર ફિલ્મ બનાવો.મુસ્લિમો એક એક હિંદુના મનમાં કેમ ધિક્કારને પાત્ર બની ગયા એ ખોજો.’
અમદાવાદની ખાડિયા ઈતિહાસ સમિતિના આસુતોષભાઈ ભટ્ટે ‘અમદાવાદ મ્યુનિસીપાલટી બરોથી કોર્પોરેશનની યાત્રાના ૧૭૫ વર્ષ’ પુસ્તક લખ્યું છે જેમાં તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં મુસ્લિમોએ કેવુ કોમવાદી વલણ દાખવ્યું હતુ એનું એક ચેપ્ટર પણ મૂક્યું છે. આમાંની ઘણી બધી વિગતો તો મેં પહેલી જ વખત જાણી જે આપને અહીં જણાવવી છે. આમાં મેં ઉપર જે ઉપર ડાયમેન્શન્સની વાત કરી છે એના ગઈ સદીની શરૂઆતથી મધ્યાહન સુધીના મૂળિયાની વિગતો છે. પુસ્તક કહે છે કે…
અમદાવાદના જમાલપુર દરવાજા બહારના એટલેકે અત્યારે સંસ્કાર કેન્દ્ર અને જમાલપુર શાક માર્કેટને જોડે છે એ નદી પરના પુલનું નામ જ્યારે સરદાર પટેલના નામ પરથી સરદાર પુલ રાખવાની અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં દરખાસ્ત આવી હતી ત્યારે સરકારની આ દરખાસ્તમાં મુસ્લિમ કોર્પોરેટરો સુધારો લાવ્યા હતા કે પુલનું નામ જમાલપુર પુલ જ રાખવુ અને સરદાર પટેલનું નામ ન આપવુ. પુલનું નામ સરદાર પટેલના નામ પરથી ન રાખીને જમાલપુર પુલ રાખવા માટે આઠ સભ્યોએ મતદાન કર્યું હતુ અને આ આઠેય મુસ્લિમ હતા જો કે ઓછા સમર્થનને કારણે મુસ્લિમોની દરખાસ્ત ઉડી ગઈ હતી.
શાહપુર દરવાજા બહાર બાંધેલા એટલેકે અત્યારના ઈન્કમટેક્સ ચાર રસ્તાને પૂર્વ અમદાવાદ સાથે જોડતા પુલને ગાંધી પુલ નામ આપવા માટે જ્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ દરખાસ્ત કરી ત્યારે મુસ્લિમોએ એનો પણ વિરોધ કર્યો હતો અને દસ મુસ્લિમ કોર્પોરેટરોએ ગાંધી પુલ નામની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતુ પણ બહુમતિથી તેમની આ દરખાસ્ત પણ ઉડી ગઈ હતી.
અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં એક મુસ્લિમ સભ્યે એક સમયે એવી પણ દરખાસ્ત મૂકી હતી કે મ્યુનિ.ના નોકરવર્ગમાં મુસ્લિમોનું પ્રમાણ એમની વસ્તીના પ્રમાણમાં ઓછુ હોવાથી મુસ્લિમોને નોકરીમાં બરાબરીની સંખ્યા ન મળે ત્યાં સુધી હવેથી નવા લેવાનારા કર્મચારીઓમાં પાંચ ટકા મુસ્લિમો જ લેવા અને આવુ બરાબર રીતે થાય તે માટે પાંચ સભ્યોની એક કમિટી નીમવી. મુસ્લિમોની આ દરખાસ્તની તરફેણમાં બાર મુસ્લિમ, એ પારસી અને એક હિંદુ સભ્યે મતદાન કર્યું હતુ.
મ્યુ.નો પ્રમુખ પણ કોમી ધોરણે ચૂંટાવો જોઈએ એટલેકે દરેક કોમનો માણસ વારાફરથી ચૂંટાય એવી પણ દર્ખાસ્ત આવી હતી જે નામંજૂર થઈ હતી.
મુસ્લિમોને ગાંધીજી સામે એવો તો વાંધો હતો કે ગાંધીજીના જન્મ દિવસે સ્કૂલોમાં સમૂહ કવાયત રાખવામાં આવતી હતી તે કવાયત ગાંધીજીના જન્મ દિવસના સ્થાને બીજા કોઈ દિવસે રાખવાની મુસ્લિમ સભ્યોએ માંગણી કરી હતી. મુસ્લિમ સભ્યોની માંગણી હતી કે જો અન્ય દિવસે રાખવામાં આવે તો જ દરેક કોમનો સભ્ય તેમાં ભાગ લઈ શકશે. ગાંધીજી આખા હિંદના નેતા નથી. જોકે મુસ્લિમોની આ દરખાસ્ત પણ ઉડી ગઈ હતી.
એક દરખાસ્ત અમદાવાદ મ્યુનિ.માં એવી પણ આવી હતી કે મ્યુ.ના મકાનો પર રાષ્ટ્રિય મહાસભાના ધ્વજની સાથે સાથે મુસ્લિમ લીગનો ધ્વજ પણ ફરકાવવો જોઈએ.
એક બીજી દરખાસ્ત મુસ્લિમો એવી પણ લાવ્યા હતા કે જે શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ કે શિક્ષક હોય ત્યાં વંદેમાતરમ ગાવાનું બંધ કરાવવું. આ કામ મ્યુનિ.ના બોર્ડ સમક્ષ આવ્યું ત્યારે કોઈએ દરખાસ્ત રજૂ કરી નહીં. તેમ છતા આ જ દરખાસ્ત ફરી આવતા એ વિશે વિચાર કરીને ઘટતુ કરવા કાગળો સ્ટેન્ડિંગ કમિટી તરફ મોકલી આપવાનો સુધારો પસાર થયો હતો.
****
![]() |
મુખ્યમંત્રીશ્રી … રોકસ્ટારશ્રી
31-05-2008
અમદાવાદના પત્રકારોને મજા પડી જાય છે. ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ આવ્યું એટલે પરંપરા મુજબ અમદાવાદના બાર સાયન્સના ટોપર્સને પત્રકારો અને ફોટોગ્રાફરોએ પાલડી સ્થિત સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમના પટાંગણમાં ઈન્ટર્વ્યૂ અને ફોટો સેશન માટે બોલાવી લીધા. પછી પ્રત્યેક વિદ્યાર્થીને બીજા પ્રશ્નોની સાથે એ પણ પૂછી લેવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી વિશે આપ શું અભિપ્રાય ધરાવો છો? આહહા !! હમણા દિલ્હીના મેગેઝીને કર્ણાટકના નવા મુખ્યપ્રધાન યેડ્ડીનો ઈન્ટર્વ્યૂ લીધો તો તેમાં લગભગ પાંચ પ્રશ્નો તો નરેન્દ્ર મોદી વિશેના હતા. અચ્છા પાછલા નવેમ્બરમાં અમદાવાદમાં કોંગ્રેસી ટિકીટ ઈચ્છુક રોહિત ઠાકોરે અમદાવાદના બોપલમાં પોતાના નવા મકાનનું વાસ્તુ રાખ્યુ હતુ એમાં રાખી સાવંતને મુંબઈથી ખાસ બોલાવી હતી. કહેવા પૂરતુ તો આ મકાનના વાસ્તાનો એટલેકે નવા ગૃહપ્રવેશનો સમારંભ હતો પણ હકીકતમાં અહીં પાંચ હજાર માણસોને અને કોંગ્રેસી નેતાઓને હાજર રાખીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ કે જેથી દસક્રોઈ વિસ્તારમાંથી કોંગ્રેસની વિધાનસભાની ટિકીટ મેળવી શકાય. આકર્ષણ માટે બોલાવેલી રાખી સાવંતે અહીં હાજર રહેવાના સાડા ચાર લાખ રૂપિયા લીધા હતા.
રાખી આવી તો ખરી પણ તેને માલૂમ ન હતુ કે આ યજમાન કોંગ્રેસી નેતા છે અને તખતો કોંગ્રેસની ટિકીટ મેળવવા ગોઠવાયો છે. એટલે તેણે તો હાજર પત્રકારો સહિતના સૌ સામે કહ્યું કે આ વખતે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને સૌએ નરેન્દ્ર મોદીને મત આપવો જોઈએ. રાખીએ કહ્યું કે પોતે એક જ ગુજરાતીની ફેન છે અને તે છે નરેન્દ્ર મોદી. કારણકે નરેન્દ્ર મોદી સિંહ છે, મરદ માણસ છે. પોતે તો નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે. રાખીએ એમ પણ કહ્યું કે તેણીની મમ્મી ભાવનગરની હોવાથી તે અર્ધી ગુજરાતણ છે અને ગુજરાતણ હોવાના નાતે તેણી નરેન્દ્ર મોદી વિશે પેશનેટ છે.
રાખીએ નરેન્દ્ર મોદીના બેફામ વખાણ કર્યા અને હાજર સૌ કોંગ્રેસીઓ તથા યજમાન કોંગ્રેસના ટીકીટ વાંચ્છુ રોહિત ઠાકોર ભારે વિમાસણમાં મૂકાઈ ગયા. બીજા દિવસે રાખીના નરેન્દ્ર મોદીના વખાણ કરતા કથનો છાપામાં છપાઈ ગયા. રોહિત ઠાકોરથી કોંગ્રેસ નારાજ થઈ અને તેમની ટિકીટ કપાઈ ગઈ. બાદમાં તેમણે છાપામાં ખુલાસો છપાવવો પડ્યો હતો કે રાખી આવુ નથી બોલી!!
હવે શુક્રવારે પેરિઝાદ ઝોરાબિયન નામની પારસી હિરોઈન અમદાવાદ આવી અને પત્રકારોએ ફરીથી પૂછી કાઢ્યું કે નરેન્દ્ર મોદી વિશે શું કહો છો? પેલી હિરોઈને કહ્યું કે એ તો રોકસ્ટાર છે. અને હેડલાઈન બની ગઈ …
તો મોદી ખરેખર જ રોકસ્ટાર જ છે. રોક મ્યુઝિક જેમને ગમે છે એમને ખૂબ જ ગમે છે અને જેમને નથી ગમતુ તેઓ એને ઘોંઘાટ માને છે અને નફરત કરે છે. રોકસ્ટાર મોદીનું આવુ જ છે. બહારથી જે પણ ગુજરાતમાં ધરતી પર ઉતરે છે એ ક્યાં તો રોકસ્ટાર મોદીને ભાંડે છે અને ક્યાં તો ઈશ્ક લડાવે છે. લોકોને પણ જાણવુ હોય છે કે કોણ મોદી વિશે શું કહે છે? કોણ મોદી વિશે શું માને છે? જે મોદી વિશે સારુ બોલે એ ગુજરાતીઓની ગુડ બુકમાં આવી જાય છે અને ખરાબ બોલે એને લોકો ગુજરાત વિરોધીઓના લીસ્ટમાં ઉમેરીને નાત બહાર મૂકી દે છે. ગાંધી તેરા ગુજરાત દિવાના … હાયે રામ મોદી કા હે જમાના ….
****
![]() |
અમદાવાદના સૌથી મોંઘા મૂવી થિયેટર્સ વિશે
અમદાવાદમાં મોંઘામાં મોંઘુ મલ્ટીપ્લેક્સ કયુ છે? વેલ્લ, અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પર હિમાલયા મોલમાં છેક ઉપરના માળે આવેલા અનિલ ધીરુભાઈ અંબાણીના એડલેબ્સ મલ્ટીપ્લેક્સમાંનુ એબોની લોંજ નામનું થિયેટર અમદાવાદનું સૌથી મોંધુ થિયેટર છે. અહીં માત્ર છેંતાલીસ જ ખુરશીઓ છે. બલકે ખુરશીઓ કહેવુ અન્યાય છે. પ્રત્યેલ ખુરશી એ અત્યંત વ્યવસ્થિત રીતે કુશન કરેલો સોફાસેટ છે જે બટન દબાવતા જ પલંગ જેવો બની જાય છે અને તમે ઈચ્છો એ રીતે એડજસ્ટ કરીને ફિલ્મ જોઈ શકો છો. ચીલ્ડ એસી મહીં બ્લેન્કેટ પણ જોઈતો હોય તો આપવામાં આવે છે. ફિલ્મમાં કોઈ પણ ગીત શરૂ થાય એટલે એક્સ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ ઓન કરવામાં આવે છે જેના કારણે અવાજ બહુજ પ્રભાવી હોય છે. પણ એબોની લોંજમાં એક વ્યક્તિની ટિકીટનો ભાવ જાણો છો? પૂરા ચારસો રૂપિયા!! જી હા, વીકએન્ડ સિવાય દરરોજ પ્રથમ શોના દોઢસો રૂપિયા ચાર્જ છે પણ બાકીના બધા જ શો ચારસો રૂપિયા વ્યક્તિદીઠ ટિકીટના ભાવે!! વળી આટલી ટિકીટ ખર્ચીને જાઓ એટલે અંદર નાસ્તાનું, પોપકોર્નનું જે કાઉન્ટર હોય છે એમાં પણ જોરદાર ઉંચા ભાવ હોય છે.
ઈન્ડીવીજ્યુઅલ સોફા જેવી બટન દબાવતા જ પલંગ બની જાય એવી સીટ પર બેઠા બેઠા કે સૂતા સૂતા ફિલ્મ જોવી હોય તો એડલેબ્સના મુકાબલે સસ્તો વિકલ્પ એસજી હાઈવે પર દેવ-આર્ક મોલમાં આવેલુ સિનેમેક્સનું રેડ લોંજ થિયેટર છે. રેડ લોંજમાં વીકએન્ડ સિવાયના દિવસોએ સવારના પહેલા શોની એક વ્યક્તિની ટિકીટ પ્રાઈઝ ૮૦ અને ૧૦૦ રૂપિયાની છે. એટલેકે ૮૦ રૂપિયા ગોલ્ડ ક્લાસના અને ૧૦૦ રૂપિયા પાછળની સીટોના પ્લેટિનમ ક્લાસના. જો કે રેડ લોંજ એવુ બનાવાયુ છે કે ગોલ્ડ ક્લાસમાં એટલેકે આગળની સીટોમાં બેસો તો પણ સૂતા સૂતા ફિલ્મ જોવાની હોવાથી કશો વાંધો આવતો નથી. તો પહેલા શોના ભાવ ૮૦ અને ૧૦૦ પછી બાકીના દરેક શોમાં ભાવ વીસ વીસ રૂપિયા વધતા જાય છે. એટલેકે બીજા શોના ૧૦૦ અને ૧૨૦, ત્રીજા શોના ૧૨૦ અને ૧૪૦ એ રીતે દિવસના સાત શો હોય છે. રાતના છેલ્લા શોનો ભાવ દેખીતી જ રીતે વધુ હોય છે. આ તો થઈ વીક ડેઝની વાત પણ જો વાત વીક એન્ડની કરીએ તો શનિ રવિમાં સવારનો પહેલો શો એટલેકે દસ વાગ્યાનો શો ૧૦૦ અને ૧૨૦ રૂપિયાના ભાવે શરૂ થાય છે. પછીનો પ્રત્યેક શો વીસ વીસ રૂપિયા ઉમેરતા મોંઘો પડતો જાય છે. શનિ રવિનો છેલ્લો શો એ સિનેમેક્સનો સૌથી મોંઘો શો હોય છે જેમાં પ્લેટિનમ ક્લાસની એક ટિકીટ ૨૪૦ રૂપિયાની પડે છે. સિનેમેક્સમાં કમ્ફર્ટ, ઈન્ટીરીયર અને ક્વોલિટી બધુ જ એબોની લોંજની બરાબરીનું જ છે અને ટિકીટ સસ્તી છે. વળી પાર્કિંગ મફત છે. ટિકીટના ભાવમાં બ્લેન્કેટ સિવાય બીજુ કશું મળતુ નથી. નાસ્તાના ભાવ ઓછામાં ઓછા ત્રીસ રૂપિયાના બે સમોસાથી શરૂ થાય છે. મારા મતે બહુજ સારી ફિલ્મ હોય તો સૂતા સૂતા જોવાની મજા આવે એ માટે સિનેમેક્સની રેડ લોંજમાં જવુ બહેતર છે. ખિસ્સા માટે પણ અને મજા માટે પણ. બાકી એવરેજ અને ઘટિયા ફિલ્મો તો લારી પરથી ત્રીસ રૂપિયાની પાંચ ફિલ્મો વાળી ડીવીડી લઈને ઘરે બારી બારણા બંધ કરી, વોલ્યુમ મોટો કરી સૂતા સૂતા જોઈ લેવામાં જ શાણપણ છે. હાઈ પ્રાઈઝ માર્કેટમાં અમદાવાદમાં એબોની લોંજ અને રેડ લોંજને હરિફાઈ આપવા માટે બીજા પણ આવી રહ્યા છે. અત્યારે હયાત મલ્ટીપ્લેક્સ વાઈડ એન્ગલ પણ આ તરેહનું હાઈ ગ્રેડ થિયેટર તૈયાર કરી રહ્યું છે.
***
![]() |
-અમદાવાદમાં હિંદી હાસ્ય કવિ સુરેન્દ્ર શર્માના અટકચાળા
-જે તાલીઓ નહી પાડે એ આવતા જન્મે ઘરે ઘરે તાલીઓ પાડશે
બુધવારે રાત્રે અમદાવાદમાં ‘ઘરાલી’ ફેઈમ હિંદીના સૌથી પ્રસિદ્ધ હાસ્યકવિ સુરેન્દ્ર શર્માનો શો હતો. વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપક્રમે આયોજીત થયેલા આ શોમાં સુરેન્દ્ર શર્માની સાથે બીજા પણ બે હિંદી હાસ્યકવિઓ હતા. આજકાલ કોઈ હાસ્યકલાકાર આપબળે એકલો ત્રણ કલાકનો શો ખેંચી શકતો નથી. શાહબુદ્દીન રાઠોડના શોમાં જાઓ તો શાહબુદ્દીન રાઠોડ થોડી વાર હસાવે અને પછી માઈક તેમની સાથે આવેલા બીજા હાસ્યકલાકારને અર્ધા કલાક માટે સોંપી દે….
સુરેન્દ્ર શર્માની કેટલીક સ્પોન્ટેનીયસ કોમેડીની લોકોએ મજા લીધી. કાર્યક્રમમાં મોડે મોડેથી આવનારાઓ બાબતે શર્માએ કીધું કે “આવો આવો, તમે તો ભારતના સંસ્કૃતિના રક્ષક છો. કાર્યક્રમમાં મોડુ આવવુ એ તો ભારતીયતાનું લક્ષણ છે. આપ જ સાચા ભારતીય છો. અમારે કલકત્તામાં શો હોય તો ત્યાં કાર્યક્રમ શરૂ થાય એટલે તુરંત જ દરવાજો બંધ થઈ જાય. ચોકીદાર ધરાર દરવાજો ન ખોલે. એક વખત ચોકીદારને આનું કારણ પૂછ્યું તો ચોકીદાર કહે કે રખેને દરવાજો ખોલીએ ને અંદર માંડ માંડ ભરાયેલુ ઓડિયન્સ દરવાજો ખુલેલો ભાળીને બધુ બહાર જતુ રહે એટલે દરવાજો ખોલતા નથી…”
સુરેન્દ્ર શર્મા માઈક પર કવિતા પઠન કરતા હતા ત્યારે પાછળ કવિઓના મંચ પરના ટેબલ પર એક સ્વયંસેવક પાણીની બાટલીઓ મૂકવા આવ્યો કે જેથી તરસ્યા કવિ પાણી પી શકે. સુરેન્દ્ર શર્મા આનાથી ડિસ્ટર્બ થયા અને કહ્યું “અરે ક્યા નહાને કે લિયે પાની રખ રહે હો? ઈતને પાની સે તો નહા લેંગે ભઈ”
ઓડિયન્સમાં એક ભાઈ તેમની પત્ની સાથે બેઠા હતા અને તેમના મોબાઈલ ફોન પર કોલ આવ્યો. સુરેન્દ્ર શર્માએ સ્ટેજ પરથી આ જોયું અને એ ભાઈને સંબોધીને કહ્યું કે “અરે પત્ની બાજુમેં બેઠી હે તો તુમ પર ફોન કીસકા આયા હે?” આખા ઓડિયન્સમાં હસાહસ મચી ગઈ.
હાસ્યકલાકારો દરેક કાર્યક્રમમાં મોટાભાગે રીપીટ જોક મારતા હોય છે કેટલીક જોક તો એટલી જૂની હોય છે કે અપ્રસ્તુત લાગે. જેમ કે મોટાભાગના હિંદી કવિ સંમેલનોમાં હજુ બેનઝીર ભુટ્ટોના જોક કહેવાય છે કે જે બેનઝીર વર્ષો પહેલા પાકિસ્તાનની વડાપ્રધાન હતી એ સમયે બનાવેલા હોય છે અને કહેવામાં આવતા હોય છે.
આના કારણે હાસ્યકવિઓ પસંદ નથી કરતા કે તેમના કવિ સંમેલનનો વિડિયો ઉતરે. સુરેન્દ્ર શર્માએ કાર્યક્રમના આયોજકોને વિડિયોની મનાઈ કરી દીધી હતી. તેમ છતા એક ભાઈ વિડિયો ઉતારતા હોય એવું લાગ્યું એટલે સુરેન્દ્ર શર્માએ સ્ટેજ પરથી તેમને કહ્યું કે “ભાઈસાહબ યે સ્ટીંગ ઓપરેશન બંધ કર દીજીયે. મેરી ઘરાલી(પત્ની)ને ભેજા હે ક્યા આપકો? આપ મુઝે ડેન્જરમેં ડાલ દેંગે” પેલા ભાઈએ વિડિયો બંધ કરી દીધો.
ઓડિયન્સ તાલીઓ ન પાડે કે ઓછી પાડે એ આ હાસ્ય કવિઓને જચતુ ન હતુ. સુરેન્દ્ર શર્માએ કટ મારી “જે લોકો અહીં તાલીઓ નહીં પાડે એ લોકો પર ભગવાનનો એવો આશિર્વાદ ઉતરશે કે આવતા જન્મે ઘરે ઘરે જઈને તાલીઓ પાડશે(વ્યંઢળ બનશે).”
કાર્યક્રમમાં ગાદી તકિયા પર બેસવાની વ્યવસ્થા હતી એટલે ઘણા જોનારાઓ આડા પડ્યા પડ્યા પડખા પર કાર્યક્રમ માણી રહ્યા હતા. સુરેન્દ્ર શર્માએ કહ્યું કે અહીં તો બધા જૂના જમાનાના બાદશાહોની માફક કાર્યક્રમ માણી રહ્યા છે. અને પાછી આ અકબરોની બાજુમાં જોધાઓ (એમની પત્નીઓ)પણ બેઠી છે.”
એક ફોટોગ્રાફર ફોટો પાડવા સ્ટેજ પર સુરેન્દ્ર શર્માની નજીક આવ્યો એટલે શર્માએ કટ મારી ” આ ફોટોગ્રાફરો એ લોકો છે કે જેમણે લોકોના લગ્નોના આલ્બમ બગાડ્યા છે. વર અને વહુ વરમાળા પહેરાવતી વખતે એકબીજા સામુ ન જુવે પણ ફોટોગ્રાફરો સામે જ જુએ અને ફોટોગ્રાફર ફોટો પાડે એવુ બને છે. આ ફોટોગ્રાફર સામુ જોઈને વરમાળા પહેરાવવામાં ને પહેરાવવામાં એક જગ્યાએ તો એવી મિસ્ટેક થઈ ગઈ કે વરરાજાએ વહુના બદલે સાસુને વરમાળા પહેરાવી દીધી… અને આમાં ખુશ થયા વરના સસરા કે હાંશ સસ્તામાં ગઈ આ તો…
****
![]() |
કૃષિપ્રધાનના રીંગટોન
મંગળવારે સવારે અમદાવાદ રેલવેસ્ટેશન પર પોણા આઠ વાગ્યે જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનમાં પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા ગુજરાતના માછીમારો આવવાના હતા. ખેર ટ્રેન તો લેટ પડી અને નવ વાગ્યે આવવાની છે એવી જાહેરાત થઈ. પરંતુ માછીમારોનું રાજ્ય સરકાર તરફથી સ્વાગત કરવા માટે મત્સ્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ સોલંકી અને કૃષિમંત્રી દિલીપભાઈ સાંઘાણી રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. સમય પસાર કરવા તેઓ સ્ટેશન સુપરિટેન્ડેન્ટની એન્ટીચેમ્બરમાં આવ્યા જ્યાં અમે કેટલાક પત્રકારો પણ માછીમારોવાળી ટ્રેનની રાહ જોતા બેઠા હતા.
પુરૂષોત્તમભાઈ મૂડમાં હતા એટલે મને વાતો કરવાની મજા આવી. ગુજરાત સરકાર પાકિસ્તાનવાળાઓ આપણા માછીમારોને ઉપાડી ન જાય એ માટે શું કરે છે? કેન્દ્ર સરકારે તાજેતરમાં આવા માછીમારોના પરિવારજનો માટે મદદની યોજના જાહેર કરી છે એનું શું સ્ટેટસ અને યથાર્થતા છે? એ બે પ્રશ્નો પર મુખ્ય ચર્ચા થઈ.
વેલ, પણ આ ચર્ચાઓ ચાલતી હતી ત્યારે જ કૃષિ મંત્રી દિલીપભાઈ સાંઘાણીનો મોબાઈલ ફોન રણક્યો. અને આ રીંગટોનમાં ગીત વાગ્યું “મારા ગુજરાતની હરિયાળી ક્રાન્તિ, કૃષિરથ વહેલો આવ્યો મારા મહેરબાન, રાખો સલામત ગુજરાતને…”(જાણીતા ગીત “આપણા મલકના માયાળુ માનવી”ના રાગમાં) બધાનું ધ્યાન આ રીંગટોનમાં વાગતા ગીત પર ગયું એટલે સાંઘાણીજીએ રીંગટોન વાગવા જ દીધો અને અમને સંભળાવ્યો. પછી તેમણે કોલ ઉપાડ્યો અને વાતો પત્યા પછી કીધુ કે આ ગીત રઘુવીર કુંચાલાએ ગાયું છે. હમણા કૃષિ મહોત્સવ નિમિત્તે રાજ્ય સરકારે કૃષિરથો કાઢ્યા એના પરનું આ સોંગ છે.
પછી ઈટીવીના પત્રકારે કૃષિમંત્રીને પ્રશ્ન પૂછ્યો કે દિલીપભાઈ થોડા સમય પહેલા તમારા મોબાઈલના રીંગટોનમાં અમરેલી, અમારુ અમરેલી એવુ ગીત વાગતુ હતુ એનુ શું થયું? કૃષિમંત્રીએ તુરંત જ તેમના મોબાઈલ ફોનના કેટલાક બટન દબાવીને ‘અમરેલી અમારૂ અમરેલી’ વાળુ ગીત વગાડી બતાવ્યું. તેમણે કહ્યું કે અમરેલીમાં ગુજરાત દિવસ ઉજવવામાં આવ્યો ત્યારે પ્રત્યેક વ્યક્તિના મોબાઈલમાં ત્યાં આ જ રીંગટોન વાગતો હતો. મેં કહ્યું કે આ ગીત રાજકોટના સંગીતકાર શૈલેષ-ઉત્પલની જોડીએ બનાવ્યુ છે(કે જેમણે શકીરાનું ગુજરાતી ગીત ખંભો પણ બનાવ્યું હતુ). ગુજરાત દિવસની અમરેલીની ઉજવણી સમયે કૃષિમંત્રીના મોબાઈલમાં અમરેલીનું ગીત, કૃષિ મહોત્સવ વખતે કૃષિમહોત્સવનું ગીત તો હવે પછી રાજ્યસરકારનો મોટો કાર્યક્રમ શાળા પ્રવેશોત્સવનો થવાનો છે ત્યારે કૃષિમંત્રીના મોબાઈલમાં જરૂર અટલ બિહારી વાજપેયીની કવિતા પરથી રચવામાં આવેલા ગીત ‘સ્કૂલ ચલે હમ’નો રીંગટોન હશે. ખેર, પુરૂષોત્તમ સોલંકીને પત્રકારોએ પૂછ્યું કે તમારો રીંગટોન કયો છે? તો તેમણે કહ્યું કે તેમના મોબાઈલમાં તો નોકિયાનો સાદો બાય ડીફોલ્ટ આવેલો રીંગટોન છે. આવામાં વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનનો રીંગટોન સંભળાયો(હોર્ન સંભળાયું) અને અમે સૌ દોડ્યા પાકિસ્તાનથી બે વર્ષ પછી જેલમાંથી છૂટેલા માછીમારોને મળવાની અધીરાઈમાં.
***
![]() |
ગુજરાતના ભાજપી સપોર્ટર પૈસાદારોમાં ઈન્કમટેક્સનો ટેરર!!
શનિવારે સવારે મારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ વિશેના મારા આગામી આર્ટીકલ બાબતે ગુજરાતના એક સાંસદને ઘરે જવાનુ થયુ તો સાંસદને મળવા એ સમયે ઈન્કમટેક્સ કન્સલ્ટન્ટ બેઠા હતા. સાંસદ તેમની પાસેથી સલાહ મશવિરો કરી રહ્યા હતા કે પોતાના ઈન્ક્મટેક્સ સંબંધી બધા રેકોર્ડ ચોખ્ખા તો છે ને? ક્યાંય પોતે ફોલ્ટમાં તો આવતા નથીને ? આમ તો પોતે બધી કાળજી લીધી છે પણ કાંઈ ભૂલ થતી હોય તો કહો. ખેર ઈન્કમટેક્સ વાળા તો ગયા અને પછી મળવાનો વારો મારો હતો. સાંસદજીએ કહ્યું કે જુઓ પહેલા મુખ્યમંત્રીનું બ્રાન્ડીંગનું કામકાજ કરનારી બ્રાન્ડ એડ નામની કંપનીના પરાગ શાહની ઓફિસે રેડ પડી પછી હમણા રાઈટ વીંગ સપોર્ટર કહેવાતા અને ભૂતકાળમાં એલિસબ્રીજ તથા સાબરમતીની ભાજપની ટિકીટ માંગનાર ઉત્કર્ષ શાહના હેરિટેજ જૂથ પર રેડ પડી છે એટલે મેં તો ઈન્કમટેક્સ કન્સલ્ટન્ટને બોલાવીને બધુ ક્લીયર છે કે નહી એ જાણી લીધું!! જુઓ આ સેમસંગનું ટીવી છે એનું પણ બિલ છે, આ હિટાચીનું એસી છે એ પણ બિલથી જ લીધું છે….
વિચાર કરો લગભગ બે દસકાથી ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ પ્રધાન છે એવા મહાશયની આ હાલત છે તો ભાજપને સપોર્ટ કરનારા નાના મોટા બિઝનસમેનોની શું હાલત હશે અત્યારે ગુજરાતમાં? નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમદાવાદના મરક્યુરી ફાર્મમાં ગુજરાત ગૌરવ ફેન ક્લબ આયોજીત સમારંભમાં ભાષણ કર્યું એનો વિડિયો દેશગુજરાત પર મોજૂદ છે. આમાં નરેન્દ્ર મોદી કંઈક આવુ બોલ્યા હતા કે તમે બધા ધંધાર્થીઓએ વિધાનસભાની ચૂંટણીમાં અમને જે સહ્યોગ આપ્યો એ બદલ આભાર. ખાસ કરીને જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોય અને એ તમારા પર જાત જાતના ટેક્સના દરોડા પાડીને તમને હેરાન પણ કરી શકે તેમ હોય ત્યારે તમે ચૂંટણીમાં જે રીતે ભાજપ માટે કામ કર્યું એ આભારને પાત્ર છે. નરેન્દ્રભાઈની વાત સાચી પડતી હોય એવુ હમણાના ઈન્કમટેક્સના દરોડા પરથી લાગે છે.
ગુજરાતમાં ભાજપી સપોર્ટરો પર રેડ પડી રહી હોવાની વાતની ખરાઈ કરવા ઈન્કમટેક્સના મારા સોર્સને ફોન લગાવ્યો. તેણે કીધું કે ભાજપી ઉત્કર્ષ શાહના હેરિટેજ ગ્રુપ અગાઉ અમે હિમાલયા કન્સ્ટ્રક્શનવાળાઓ પર રેડ પાડી હતી ત્યારે તો આવી કોઈ વાત થઈ ન હતી? એ પહેલા પણ અમે બિલ્ડરો પર રેડ પાડતા જ રહ્યા છીએ. અમારે અમારા ટાર્ગેટ પૂરા કરવાના હોય છે. ગયા વર્ષે અમે બિલ્ડરો પાસેથી ૧૮૦ કરોડની કરચોરી ગુજરાતમાં પકડી છે. અમે ક્યાં જોવા ગયા હતા કે કોણ ભાજપી છે અને કોણ કોંગ્રેસી?
ખેર મને આ જવાબ સરકારી લાગ્યો (કદાચ વાત સાચી પણ હોય). મારા સોર્સે મારી મિત્રતા નિભાવી નહી અને સરકારી જવાબ જ આપ્યો એટલે મેં એક કોંગ્રેસી જવાબદાર નેતાનો સોર્સ લગાવ્યો અને તેમને કહ્યું કે સેન્ટ્રલ ગવર્મેન્ટે પાવર બતાવ્યો બાપુ, ભાજપને સપોર્ટ કરનારાઓ પર રેડો પડે છે. એ નેતાએ પોરસાઈને કહ્યું કે હવે એક હોટેલ માલિક ભાજપી પર પણ રેડ પડશે. લોકસભા ચૂંટણી આવી રહી છે એટલે દૂરદર્શન હોય કે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, બધુ કોંગ્રેસને જીતાડવની દિશામાં હાંકવાનો પ્રયત્ન કરીએ છીએ. આ નેતાએ પછી અચાનક જ અટકતા કહ્યું કે દૂરદર્શન ઓન કરો, જુઓ હું દેખાઈ રહ્યો છું, પછી વાત કરીએ? મેં કીધુ, હા સાંજના સાત વાગ્યાના દૂરદર્શનના ગુજરાતી સમાચાર સમયે કોઈ પણ કોંગ્રેસીને ફોન કરવાનું અમારા પત્રકારો માટે દુષ્કર જ હોય છે કારણકે દૂરદર્શન સમાચારમાં કોંગ્રેસીઓ જ દેખાય છે અને કોંગ્રેસીઓ ગુજરાતમાં માત્ર દૂરદર્શનના સમાચારમાં જ દેખાય છે. દૂરદર્શન કેન્દ્ર સરકાર ચલાવે છે એટલે….અને ગુજરાતના ભાજપી પૈસાદારોને હવે સારી પેઠે માલૂમ છે કે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ કેન્દ્ર સરકાર ચલાવે છે.
***
![]() |
ચિદમ્બરમે કેમ ગુજરાતને પથદર્શક કહેવુ પડ્યું?
તહેલકા મેગેઝીનના ચાલુ અંક માટે કેન્દ્રિય નાણાપ્રધાન પી ચિદમ્બરમે આપેલા ઈન્ટર્વ્યૂમાં ચિદમ્બરમે એક પ્રશ્નના જવાબમાં ગુજરાત વિશે બે શબ્દો સારા કહ્યા છે. ચિદમ્બરમે કહ્યું છે કે “અમે વીજળીના મામલે સારા એવા નિષ્ફળ ગયા છીએ પણ ગુજરાતે અમને રસ્તો બતાવ્યો છે કે કૃષિ માટેની વીજળી કઈ રીતે આપવી.”
ચિદમ્બરમે ગુજરાતની કૃષિ ક્ષેત્રે વીજળી આપવાની જે રીત પસંદ પડી ગઈ છે અને ગુજરાત જે બાબતમાં રાહબર બન્યુ છે તે બાબતના વિષે વિસ્તૃત રીતે ૧૧મેના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં ભારતના જાણીતા અર્થશાસ્ત્રી સ્વામીનાથન અંકલેશ્વરીયાએ લખ્યું છે. સ્વામીનાથન, ચિદમ્બરમ બધા મોડે મોડેય ગુજરાતની કામગીરી સમજી રહ્યા છે અને વખાણી રહ્યા છે એ આનંદની વાત છે. એક દિવસ સોનિયા ગાંધી પણ મોદીગીરીના વખાણ કરશે એવું લાગે છે. ખેર ચિદમ્બરમે કેમ ઈન્ટર્વ્યૂમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રના વીજળીના જે સિનારીયોના વખાણ કર્યા છે એ પથદર્શક સિનારીયોને સ્પષ્ટ કરતા લેખમાં સ્વામીનોમીક્સ વાળા સ્વામીનાથન લખે છે કે ” પોલીટીકલ પાર્ટીઓની હરિફાઈને કારણે ગ્રામીણ વીજળી મફતના દરે પહોંચી ગઈ છે. ચંદ્રાબાબુ નાયડુ ૨૦૦૪માં હાર્યા ત્યારે મોટાભાગના લોકો એમ જ કહેતા હતા કે ખેડૂતોને મફત વીજળી બંધ કરી અને વીજળીના પૈસા લેવાના ચાલુ કર્યા એટલે ચંદ્રાબાબુ હાર્યા છે. પણ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેડૂતો પાસેથી વીજળીના પૈસા પણ લીધા અને બીલ ન ચૂકવનારા ખેડૂતોના કનેક્શન પણ કાપી નાખ્યા અને છતા નરેન્દ્ર મોદી ૨૦૦૭માં જબરજસ્ત રીતે વિજયી થયા. વીજક્ષેત્રે સુધારાવાદી વલણ અપનાવો અને તેને વ્યવસ્થિત રીતે ડિઝાઈન કરો તો એ જ બાબત જીત લાવી શકે છે.
જ્યાં વીજળી મફત છે ત્યાં રાજ્યના વીજળી બોર્ડો મફત આપવાના નિર્ણયને રાજકીય ગતકડુ ગણે છે અને ખોટનો સોદો ગણે છે. એટલે તેઓ ગામડાના વીજ ડિસ્ટ્રીબ્યુશનને અવગણવાનું અને તેની ઉપેક્ષા કરવાનું શરૂ કરે છે. લો વોલ્ટેજમાં વીજળી સપ્લાય કરે છે કે જેનાથી ખેડૂતના પમ્પ અને રાજ્ય વિદ્યુત બોર્ડના ટ્રાન્સ્ફોર્મર બળી જાય છે(જે પાછા મહિનાઓ સુધી ઠીક થતા નથી અને તેથી ગામડા અંધારામાં રહે છે). વીજળી કેટલાક જ કલાકો માટે સપ્લાય કરવામાં આવે છે અને મોટાભાગે તો રાત્રે જ સપ્લ્યાય થાય છે. આના કારણે ગામડાઓ મેન્યુફેક્ચરીંગ કે સર્વિસ ઈન્ડસ્ટ્રીઓ વિકસાવી શકતા નથી. કારણકે મેન્યુફેક્ચરીંગ કે સર્વિસ ઈન્ડસ્ટ્રી માટે દિવસના સમયે વીજ પુરવઠો જરૂરી હોય છે. એટલે કે કૃષિની અને બિન કૃષિની એમ બેઉ પ્રવૃત્તિઓ ગામડામાં ઓછી ઉત્પાદકતાની ટ્રેપમાં ફસાયેલી રહે છે.
ગુજરાતની જ્યોતિગ્રામ યોજનામાં દરેક ગામની ઈલેક્ટ્રીક ફીડર લાઈનો બે પ્રકારની અલગ અલગ છે. હેવી ડ્યૂટી લાઈન ટ્યુબવેલો માટે અને લાઈટ ડ્યુટી લાઈન ઘરઘથ્થુ ઉપયોગો માટે અને સ્મોલ સ્કેલ મેન્યુફેક્ચરીંગ તથા સર્વિસ સેક્ટર પ્રકારના કામકાજ માટે અલગ અલગ હોય છે. આ બે ફીડરની સિસ્ટમ માટે શરૂઆતનું વન ટાઈમ મૂડી રોકાણ વિપુલ પ્રમાણમાં જરૂરી હોય છે. પણ આના કારણે ઈલેક્ટ્રીસીટી બોર્ડને વીજળીનું હોંશિયારીપૂર્વકનું રેશનીંગ કરવાનું અનૂકૂળ થાય છે. ગામડાઓને ખેતી સિવાયની ચીજો માટે ચોવીસ કલાક સાતેય દિવસ હરહંમેશા વીજળી મળે છે અને તેથી ઘરગથ્થુ આર્થિક પ્રવૃત્તિઓ પણ થઈ શકે છે. પરંતુ ટ્યુબવેલ માટે વીજળીનું આઠ કલાકનું રેશનીંગ હોય છે. આટલા કલાકની વીજળી પાક માટે જરૂરી થઈ રહે છે અને ભૂગર્ભ જળનું વધુ પડતુ દોહન પણ અટકાવી શકે છે. ગામડાના લોકો હોંશે હોંશે બીલ ચૂકવે છે અને તેથી ગુજરાતનું વિદ્યુત બોર્ડ ભારતના ગણ્યાગાંઠ્યા નફા કરનારા બોર્ડ પૈકીનું છે.
વીજળીનો સ્પ્લાય સીઝનલ જરૂરિયાતો મુજબ એડજસ્ટ કરવો જોઈએ. ભેજનું પ્રમાણ અત્યંત ઓછુ હોય ત્યારે ૩૦-૪૦ દિવસ સળંગ વીજળી આપી શકાય છે પણ બાકીના દિવસોએ માત્ર ત્રણ ચાર કલાક રાત્રે જ આપી શકાય ચઃએ.
વીજ મથકોની આદર્શ ક્ષમતા રાત્રે જોવા મળે છે. આવા સમયે વીજ ઉત્પાદનની કિંમત માત્ર બળતણ બળે એટલીજ પડે છે. એટલે ગુજરાતમાં વીજળીના ગામડામાં ઓછા ભાવ છે તેમ છતા ગુજરાતના વીજળી બોર્ડને તે આર્થિક રીતે પરવડે છે. ગુજરાતનું વીજળી બોર્ડ હવે ગામડાના વીજક્ષેત્રને નફાકારક માનવા માંડ્યુ છે એ પરિસ્થિતિ સુદ્ધા સર્જાઈ છે. ગુજરાત પૂરતા તો એ દિવસો ગયા છે કે જ્યારે ગ્રામીણ વીજળીને ખોટનો સોદો માનવામાં આવતો હતો. એક વખત ગ્રામીણ વીજળીના ક્ષેત્રને નફો રળી આપનાર તરીકે જોતુ થાય પછી તો વીજળી બોર્ડ ગ્રામીણ વીજ નેટવર્કનું મેન્ટેનન્સ અને વિસ્તરણ પણ ગંભીરતાથી લેવા જ માંડે એ દેખીતું છે. આનાથી વિપરિત જે રાજ્યોમાં વીજ બોર્ડૉ (રાજકીય કારણોસર) ખેડૂતોને મફત વીજળી આપે છે તેઓ ગ્રામીણ વીજળીની ઉપેક્ષા કર્યા કરે છે.
ભૂગર્ભમાંથી મળતું પાણી કેનાલોના પાણીના મુકાબલે ત્રણ ચાર ગણી જમીનની ખેતીને પાણી પૂરુ પાડે છે તેમ છતા રાજ્યોના વીજળી બોર્ડોને ખેતી વિશે બહુ પડી નથી હોતી.તેઓ ઈન્ડસ્ટ્રીની જરૂરિયાતો પ્રમાણે જ વર્તે છે(કારણકે ખેતીની વીજળીમાં આવક નથી હોતી અને ઈન્ડસ્ટ્રીની આવકથી જ આવા વીજબોર્ડો ચાલતા હોય છે).જ્યોતિગ્રામે બતાવ્યુ છે કે સુધારાઓથી વીજળી ક્ષેત્રે કામ કરનારા ઈજનેરોને કઈ રીતે ખેતી તરફ વધુ ધ્યાન આપતા કરી શકાય છે અને ખેતીની જરૂરિયાતો પરત્વે વધુ જવાબદાર બનાવી શકાય છે.”
****
![]() |
અને મોરારી બાપુએ દીકરાને ભણવામાંથી ઉઠાવી લીધો…
અમદાવાદમાં ગુજરાતી મમ્મીઓના સંતાનો ઈંગ્લીશ મિડિયમમાં દાખલ થવાના પગલે આજકાલ એવુ વાતાવરણ સર્જાયું છે કે કોઈ માતા તેના સંતાનને ભણાવતી હોય અને તમે એ જ વખતે એમના ઘરે પહોંચી જાઓ તો તમને યુદ્ધભૂમિ જેવો અનુભવ થાય. માતા સંતાનને ભણાવવા, યાદ રખાવવા, પહેલો નંબર લાવે એ માટે છણકા કરે, ઘાંટા પાડે અને પછી આપણી સમક્ષ નિસાસા નાખે કે “હોંશિયાર તો બહુ જ છે પણ ભણવુ નથી …” ખેર હમણા બારમાના રિઝલ્ટની મોસમ છે અને અમદાવાદના કાંકરિયા તળાવ તથા નર્મદા કેનાલની આસપાસ પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનો ખાસ ડ્યૂટી પર તૈનાત કરવામાં આવ્યા છે. આ ખાસ ડ્યૂટી એ છે કે દસમા બારમાના બોર્ડના નબળા પરિણામને કારણે આપઘાત કરવા આવનારા વિદ્યાર્થીઓને રોકવા અને બચાવી લેવા…
અને આ બધા માહોલમાં હમણા મોરારી બાપુનો લેટેસ્ટ ઈન્ટરવ્યૂ વાંચ્યો ત્યારે એમના વિચારો જાણીને અને ખરેખર તો એમણે જે કરી બતાવ્યું છે એ જાણીને આનંદ થયો. મોરારી બાપુ ઈન્ટર્વ્યૂમાં કહે છે કે તેઓ પોતે ત્રણ વખત મેટ્રિક નાપાસ થયેલા છે. આગળ વાલીઓને સંબોધીને તેઓ કહે છે કે “વાલીઓએ વિદ્યાર્થીઓ પર આટલું બધું દબાણ ન કરવુ જોઈએ…. વાસ્તવમાં જીવનને મહત્વ અપાવું જોઈએ. એજ્યુકેશન એ કાંઈ ઈંજેક્શન નથી. હું તો ત્યાં સુધી કહું છું કે ભણતર ભાર વિનાનું હોવું જોઈએ અને ભગવાન પણ ભાર વિનાના હોવા જોઈએ.”
પણ રસપ્રદ વાત તો હવે આવે છે. મોરારીબાપુને પૂછવામાં આવ્યું કે “તમે તમારા દીકરાને શું બનાવવા માંગો છો?” તો તેમનો જવાબ આ હતો: “મારા દીકરાએ મને બહુ નાની ઉંમરે એક બાજુ બોલાવીને કહ્યું કે, “મોટાભાઈ(અમારે ત્યાં પિતા માટે વપરાતો શબ્દ), મારી ભણવાની કોઈ ઈચ્છા નથી. એ જ ક્ષણે તે આમ ગયો અને હું આમ ગયો… નક્કી થઈ ગયું કે તેણે ભણવાનું નથી. હું ધારત તો રામાયણની કૃપાથી તેને જે ભણવું હોત તે ભણાવી શક્યો હોત… પણ એક જ મિનિટની ઘટનામાં હું સમજી ગયો કે તેને રસ નથી તો કાંઈ નહીં, નથી ભણવું….અને મારા કરતા પણ આજે સારું કામ કરે છે.”
આગળના પ્રશ્ન “જીવનમાં સફળ થવા વિષે આજના વિદ્યાર્થીઓને તમારો કોઈ ગુરૂમંત્ર?”ના જવાબમાં મોરારીબાપુએ કહ્યું “વિદ્યાર્થી બળવાન હોવો જોઈએ… શારીરિક રીતે બળવાન, માનસિક રીતે બુદ્ધિવાન હોવો જોઈએ અને આ બળ અને બુદ્ધિ તેના માટે અવરોધો ઉભા ન કરે માટે તે વિદ્યાવાન હોવો જોઈએ. એટલા માટે જ હું વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસાનો પાઠ કરવા કહું છું જેથી સાધકને બળ, બુદ્ધિ અને વિદ્યા મળે. નિર્માણ કરતા કરતા નિર્વાણ માટે બળ અને બુદ્ધિની સાથે વિદ્યા પણ અનિવાર્ય છે.
****
![]() |
અમેરિકાના વીઝા ઓફિસર સાથે કોફી ટેબલ પર શું વાતો થઈ?
23-05-2008
મુંબઈમાં અમેરિકાના વીઝા લેવા જાઓ અને ભૂલાભાઈ દેસાઈ રોડ પર અમેરિકન કોન્સ્યુલેટની સામેની ફૂટપાથ પર ઉભા રહેવુ પડે એવો અનુભવ તમારામાંના ઘણાએ કર્યો હશે. ગુરૂવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં આવેલા મુંબઈના અમેરિકન કોન્સ્યુલેટના વાઈઝ કોન્સ્યુલ સુશ્રી સુઝાન મેકફીને સામસામા ટેબલ પર કોફીની ચુસકી સાથે મળવાનુ થયુ ત્યારે તેમને મેં આ અંગે પૂછ્યું અને કહ્યું કે શું અમેરિકન કોન્સ્યુલેટે વીઝાની ફી હમણા વધારી છે તો તે બદલામાં કેટલીક વધુ સારી સુવિધા પણ ન આપી શકે ? સુઝાને કહ્યું કે અત્યારે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં અમેરિકાના નવા કોન્સ્યુલેટનું બાંધકામ ચાલુ છે. એક વર્ષમાંં તે પૂરુ થઈ જશે. આ વિશેની વધુ માહિતી તમેન અમેરિકન કોન્સ્યુલેટના પ્રેસ ઓફિસર આપશે. મને ક્વોટ ન કરતા પણ નવી વીઝા ઓફિસમાં ત્રણ ગણી બારીઓ હશે, મોટો હોલ હશે, સાઉન્ડ સિસ્ટમ બહેતર હશે અને વિશાલ હોલ હશે. વીઝા લેવા આવનારાઓને કોઈ તકલીફ નહી પડે….
સુઝાને કહ્યું કે અત્યારે અમે મુંબઈની જે કોન્સ્યુલેટ ઓફિસમાં કાર્યરત છીએ એ હકીકતમાં તો… અને હું વચ્ચે જ બોલી ગયો કે વાંકાનેરના રાજાનો અમેરિકાએ પચાસ વર્ષ પહેલા ખરીદેલો સમર પેલેસ છે. સુઝાને કહ્યું એક્ઝેક્ટલી, અમે હમણા જ હાલની ઈમારતના પચાસ વર્ષ ઉજવ્યા અને તેમાં વાંકાનેરના હાલના રાજવી દિગ્વીજયસિંહને પણ બોલાવ્યા હતા.
ખેર સુઝાનને મેં કહ્યું કે શું આપ જાણો છો અમદાવાદના ખાડિયામાં એક એવુ હનુમાનજીનું મંદિર છે કે જ્યાં બાધા રાખવાથી વીઝા મળી જાય છે એવી માન્યતા છે? સુઝાને ભમ્મરો પહોળી કરીને જ આ વાતનો મૌન જવાબ આપી દીધો. મેં કહ્યું કે આ મંદિર વિશે જ્યારથી એવી માન્યતા ફેલાઈ છે કે તેમાં બાધા રાખવાથી અમેરિકાનો વીઝા મળી જાય છે ત્યારથી મંદિર કમાવા માંડ્યુ છે. મેં કહ્યું કે આ આઈડિયા મૂળ હૈદરાબાદ નજીકના વીઝા બાલાજી તરીકે ઓળખાતા મંદિરનો છે કે જ્યાં વીઝા ઈચ્છુકો મંદિરની ફરતે સાત પરિક્રમ કરવાની બાધા રાખે છે અને તેમને વીઝા મળી જાય છે. સુઝાને કહ્યું કે આ વીઝા બાલાજી વિશે તેમણે સાંભળ્યુ છે. મેં હસતા હસતા પૂછ્યું કે વીઝા બાલાજી અને વીઝા હનુમાન એ બેઉમાંથી ક્યાં બાધા રાખવાથી અમેરિકાના વીઝા મળવાનો ચાન્સ વધારે રહે છે? સુઝાને કહ્યું કે અમેરિકાના વીઝા મળવાના ચાન્સ તમારી લાયકાત હોય તો તમે ઈન્ટર્વ્યૂમાં શું જણાવો છો એના પર રહે છે અને આ માટે અમારી વેબસાઈટ પર આપેલી સૂચનાઓ તથા માર્ગદર્શનનું પાલન કરો તો તેનાથી વધારે રહે છે.
અમારી સાથે સેમ ટેબલ પર ચાના કપ સાથે હાજર બધા હસી પડ્યા.
***
![]() |
માઉન્ટ એવરેસ્ટ પર…અમેઝીંગ અતુલ કરવાલ
લચી પડેલી ફાંદવાળા પોલીસ અધિકારીઓ વચ્ચે ફીટનેસવાળા અતુલ કરવાલ અલગ તરી આવે છે. ગુજરાતના આઈપીએસ અને આઈએએસ બેડામાં બે કપલ પ્રખ્યાત છે. એક તો છે અજય તોમર અને સુનયના તોમરનું કપલ. અજય તોમર આઈપીએસ છે અને સુનયના તોમર આઈએએસ. બીજુ કપલ છે અતુલ કરવાલ અને અનિતા કરવાલનુ. અતુલ કરવાલ આઈપીએસ છે અને અનિતા કરવાલ આઈએએસ છે. ખૈર અતુલ કરવાલે ગુરૂવારે સવાર આઠ વાગ્યાના ભારતીય સમય મુજબ વિશ્વનું સૌથી ઉંચુ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરી લીધુ છે. તેમણે અહીં ભારતનો રાષ્ટ્રધ્વજ પણ ફરકાવ્યો અને સેટેલાઈટ ફોન જોડીને ટૂંકી વાતચીતમાં આ સમાચાર ગાંધીનગર પણ પહોચાડ્યા.
મારે આજે અતુલ કરવાલના પત્ની અનિતા કરવાલ સાથે ટેલિફોન પર વાતચીત થઈ. વાતચીતની શરૂઆત દેખીતી જ રીતે અભિનંદન આપવાથી થઈ. અને પછી મેં પૂછ્યું કે અતુલજી સાથે છેલ્લે ક્યારે વાત થઈ? અનિતા કરવાલે કહ્યું કે આજે સવારે એવરેસ્ટ પરથી જ તેમણે સેટેલાઈટ ફોન કર્યો હતો. કેમ કે આ સેટેલાઈટ ફોનનો કોલ હતો એટલે વાતચીત માત્ર ત્રીસ સેકન્ડની જ થઈ. અને વાતચીત શું થઈ એ નહીં કહું કારણકે એ અંગત વાતચીત હતી. વધુ વાતચીતમાં અનિતા કરવાલે જણાવ્યું કે અતુલ કરવાલે એવરેસ્ટ માટે સિલેક્ટ થવાની ટ્રેનીંગ જાતે જ લીધી હતી. ભારતના વીસ પોલીસ જવાનોમાં તે સિલેક્ટ થયા. પાછલી પહેલી એપ્રિલે ગુજરાત છોડીને આરોહણ માટે નીકળ્યા હતા. આ પછી બેઝ કેમ્પમાં પડાવ કર્યો. બેઝ કેમ્પથી એવરેસ્ટ પૂરેપૂરો ચડતા પહેલા ટ્રાયલ રનમાં થોડો થોડો ચડીને ત્રણેક વખત પાછા આવવાનું હોય છે કે જેથી તેની આબોહવા અને મૂશ્કેલીઓથી પરિચિત થવાય. અવા ત્રણેક ચડાણ ઉતરાણ કરીને સારા સાનૂકૂળ મોસમની રાહ જોવાની હતી. સાનૂકૂળ મોસમ મળતા જ દસ પોલીસ જવાનોએ એવરેસ્ટનું આરોહણ કર્યું. જેમાં સફળતા મળી હોવાનો ગુરૂવારે સવારે સેટેલાઈટ ફોનથી સંદેશો આવ્યો. અનિતા કરવાલે કહ્યું કે એવરેસ્ટનું ચડાણ એ મૂશ્કેલીભર્યું અને અત્યંત પડકારજનક છે એટલે અમને ચિંતા તો રહેતી જ હતી.
ખેર ગુજરાતના મુખ્યમંત્રીએ અતુલ કરવાલની સફળતા બદલ કરવાલ પાછા ગુજરાત આવે ત્યારે તેમનું જાહેર સન્માન યોજવાની જાહેરાત કરી છે. તો અતુલજી ક્યારે પાછા આવશે? એમ પૂછતા અનિતા કરવાલે કહ્યું કે હજુ તો માઉન્ટ એવરેસ્ટ ચડ્યા છે. હવે ઉતરશે અને પછી બેઝ કેમ્પ પર પહોંચીને જરૂરી વિધિઓ આટોપશે પછી કાઠમંડુથી ગુજરાત પાછા આવશે. આમાં સહેજ્યેય બારેક દિવસ થઈ જશે.
હવે હું અહીં અતુલ કરવાલનો મારી સ્ટાઈલમાં પરિચય આપી દઉ. અતુલ કરવાલ કેટલાક સમય પહેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાના વડા હતા. આ પછી તેમને ગાંધીનગર સ્થિત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતનો હવાલો સોંપાયો. આમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા તેમણે ડીસામાં હેલિકોપ્ટરમાથી પેરેશૂટ દ્વારા જમ્પ મારવાનો સામાન્ય જનતા માટેનો કેમ્પ આયોજીત કર્યો. ડુંગરે ડુંગરે ફરીને સારી હવા અને શેપવાળા એવા સ્થાનો શોધ્યા કે જ્યાંથી પેરાગ્લાઈડીંગ અને પેરાસેલીંગ થઈ શકે. કરવાલ સાહેબે ગુજરાત સરકારના વાઈબ્રન્ટ ગુજરાત ઉત્સવોમાં સાહસના પેવેલિયન શરૂ કર્યા કે જેમાં બાળકોને ખરેખર મજા આવે અને સાહસની પ્રવૃત્તિ થાય. કરવાલે ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ સ્કૂલમાં રોક ક્લાઈમ્બીંગનો કોર્સ કર્યો હતો. તરણેતરના મેળા વખતે તેમણે સ્કાય ડાઈવીંગ ઓર્ગેનાઈઝ કર્યું હતુ. ગોવાના સમુદ્રી તટ પર તેમણે સ્કુબા ડાઈવીંગ પણ કરેલુ છે. નેશનલ રીવર રાફ્ટીંગ કોમ્પીટીશનમાં ભાગ લીધેલો છે. નેશનલ સિક્યોરિટી ગાર્ડમાં કમાન્ડો ટ્રેનીંગ લીધેલી છે. માર્શલ આર્ટની કળા વીંગ ત્સુનમાં તેમની માસ્ટરી છે અને તેમાં તેઓ બ્લેક બેલ્ટ છે. ડોનાલ્ડ મેલ્વીલ પાસેથી વીંગ ત્સુન શીખ્યા પછી તેઓ એના હાયર ડીગ્રી બેલ્ટ માટે હોંગકોંગ ગયા હતા જ્યાં તેઓ બ્રુસલીની સાથે માર્શલ આર્ટ શીખેલા બ્લેક બેલ્ટ લીઉન સિંગ પાસેથી શીખ્યા હતા. કરવાલ અચ્છા હોર્સ રાઈડર પણ છે અને ૧૯૯૭માં નેશનલ પોલીસ એક્વેસ્ટ્રીઅન મીટમાં સીલ્વર મેડલ જીતી ચૂક્યા છે. કરવાલજીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની નર્મદા કેનાલમાં વોટરસ્પોર્ટસ શરૂ કરવાનો કે જેમાં વોટર સ્કૂટર હોય, હાઈસ્પીડ બોટ હોય, તરતી રેસ્ટોરન્ટ હોય વગેરે રમતો હોય. પરંતુ આ ડ્રીમ પ્રોજેક્ટ અમલમાં મૂકાય એ પહેલા તેમને એન્ટી ટેરેરીસ્ટ સ્ક્વોડનો અને પછી હમણા હમણા અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર(ટ્રાફીક)નો હવાલો સોંપાયો છે.
અતુલ કરવાલ સાથેનો એક અંગત અનુભવ કહું તો પાછલી ઉતરાણના વાઈબ્રન્ટ ગુજરાત મેળામાં હું તેમને દિલ્હીથી આવેલી એક મહિલા પત્રકાર સાથે મળ્યો હતો. અતુલ કરવાલે અમારી સાથે ખૂબ જ સરસ રીતે વાત કરી હતી અને બધી જ માહિતી આપી હતી. પેલી દિલ્હીથી આવેલી અંગ્રેજી પત્રકારા કરવાલ પર ફીદા થઈ ગઈ હતી અને મને પછીથી પૂછ્યું હતુ કે યાર યે આદમી ગુજરાતી નહી હો સકતા. ઉસકી સ્ટઈલ, ઉસકી ફીટનેસ, ઉસકી પર્સનાલીટી નોર્થ ઈન્ડિયન્સ જેસી ઈમ્પ્રેસીવ થી. મેં તેને કહ્યું હતુ કે વાત સાચી છે, કરવાલ ગુજરાતી નથી ચંદીગઢના છે. આ પછી પેલી દિલ્હીવાળી પત્રકારાનો લગભગ પંદર દિવસ પછી દિલ્હીથી ફોન આવ્યો. અતુલ કરવાલનો મોબાઈલ નંબર મેળવવા માટે. અતુલ કરવાલથી ઈમ્પ્રેસ થઈને એ ટ્રાવેલ રિપોર્ટર છોકરીએ ગુજરાતના ટૂરિઝમના વખાણ કરતા પાંચ છ રિપોર્ટ કરવાલ પાસેથી ફોન પર માહિતી મેળવીને લખી નાખ્યા હતા.
****
![]() |
૩૯૯ની એરટિકીટ ખરેખર કેટલાની પડે છે?
એરલાઈન્સોના ટિકીટ ભાડાનું જગત ઈન્ટરેસ્ટીંગ છે. છાપામાં જાહેરખબર આવે કે અમદાવાદથી બેંગલોરની માત્ર ‘૩૯૯ રૂપિયામાં એર ટિકિટ’ તો એમ નહીં માની લેવાનું કે ૩૯૯ આપતા વિમાનની યાત્રા થઈ જશે અને બેંગલોર પહોંચી જવાશે. આ ૩૯૯ માત્ર બેઝીક ભાડુ છે. એની ઉપર ૧૫૦ રૂપિયા કન્જેશન ચાર્જ લાગે છે, ૨૨૫ રૂપિયા પીએસએફ(પેસેન્જર સર્વિસ ફી) ટુ એરપોર્ટનો ચાર્જ લાગે છે, ૫૦ રૂપિયા વેબ ટ્રાન્ઝેક્શન ફી હોય છે અને ૨,૩૫૦ રૂપિયા ફ્યુએલ ચાર્જ હોય છે જે એરલાઈન્સવાળા લઈ લે છે. એટલે જાહેરખબરમાં ટિકીટનો ભાવ ૩૯૯ લખ્યો હોય પરંતુ ટિકીટ લેવા જાવ ત્યારે ૩૧૭૪ રૂપિયા ભરવાના આવે છે. મોટાભાગે લોકો એવું માને છે કે ૩૯૯ રૂપિયાની ઉપરના જેટલા પ્રકારના વધારાના આંકડા ઉમેરાયા એ બધા ટેક્સ છે અને એના રૂપિયા સરકારમાં જમા થવાના છે પરંતુ હકીકતમાં માત્ર પીએસએફ એટલેકે પેસેન્જર સર્વિસ ફીના ઉપર ગણાવેલા ૨૨૫ રૂપિયા જ વિમાની કંપનીએ એરપોર્ટને ચૂકવવાના હોય છે. બાકીના તમામ રૂપિયા એટલેકે કન્જેશન ચાર્જ, વેબ ટ્રાન્ઝેક્શન ફી અને ફ્યુએલ ચાર્જ તો એરલાઈન્સ વાળા જ કમાય છે. તો પછી ૩૯૯ રૂપિયામાં ઉડો વાળી ગેરમાર્ગે દોરતી જાહેરખબરો પર કેમ અંકુશ નથી આવતો? એટલા માટે કારણકે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલે દરેક કાર્યક્રમમાં, ભાષણમાં અને પ્રેસ કોન્ફરન્સોમાં છાતી ફુલાવીને કહેવુ હોય છે કે જુઓ મારા રાજમાં વિમાનના ભાડા કેટલા સસ્તા થઈ ગયા ? સામાન્ય માણસ કેવો વિમાનમાં ફરતો થઈ ગયો? એટલે ઓછા ભાડાની ભ્રમણા ચાલુ જ રહેવા દેવાય છે.
****
![]() |
ધીરૂભાઈ અંબાણીની દીકરી વિશે શું જાણો છો?
ધીરૂભાઈ અંબાણીની પરિણિત દીકરીની મહારાષ્ટ્રીયન અટક જોઈને હંમેશા પ્રશ્ન થાય કે ધીરૂભાઈએ દીકરી ગુજરાતીમાં ન પરણાવી એમાં શું સંજોગો હશે? હમણા દીકરી દીપ્તિ સલગાંઓકરે અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં આ વાત પરથી પર્દો ઉઠાવ્યો છે અને બીજી પણ ઘણી રસપ્રદ વાતો કરી છે. દિપ્તીનું સાસરૂ ગોવામાં છે. ગોવાના હોટેલ અને ખાણ બિઝનસમાં આપબળે આગળ આવેલા સલગાંવકર પરિવારના વિશાળ વિલામાં તે પોતાના પતિ રાજ સલગાંવકર સાથે રહે છે. રાજ સલગાંવકરનું અસલનામ દત્તરાજ છે. તેમના પિતા વીએમ સલગાંવકર ધીરૂભાઈ અંબાણીની માફક જ આપબળે ઉંચા આવ્યા હતા. રાજ યુવાનીમાં ગોવા છોડીને મુંબઈ ભણવા આવ્યો ત્યારે તેનું રહેવાનું ઉષાકિરણ એપાર્ટમેન્ટમાં થયું હતુ. આ જ એપાર્ટમેન્ટમાં ધીરૂભાઈ અંબાણી પરિવાર પણ રહેતો હતો. અને એ સિલસિલામાં ધીરૂભાઈની દીકરી દિપ્તી અને રાજ વચ્ચે પ્રેમ પાંગર્યો. રાજ અને મુકેશ અંબાણી સરખી ઉંમરના છે અને તેમની વચ્ચે પણ એ વખતે મિત્રતા કેળવાઈ ગઈ હતી. અનિલ અંબાણી રાજ કરતા બે વર્ષ નાના થાય. રાજ અને દિપ્તીએ પરિવાર સમક્ષ પ્રેમનો એકરાર કર્યો ત્યારે પરિવારજનો તુરંતજ તે માટે રાજી થઈ ગયા. ધીરૂભાઈના કુટુંબમાં આ પહેલો લગ્ન પ્રસંગ હોવાનો હતો જ્યારે રાજના પરિવારમાં આ સૌથી છેલ્લો પ્રસંગ હોવાનો હતો કારણકે વીએમ સલગાંવકરના સાત બાળકોમાં રાજ સૌથી નાનો છે.
દિપ્તી કહે છે કે પોતે પાકી મુંબઈગરી હતી અને તેથી પરણીને ગોવામાં આવીને સેટ થવાનું તેના માટે થોડુ અઘરૂ હતુ. ગોવા આવતા જ તેણે જ્યારે સલગાંવકર પરિવારનું એસ્ટેટ જોયું ત્યારે તે આશ્ચર્ય પામી ગઈ કારણ કે મુંબઈમાં તો એપાર્ટમેન્ટમાં રહેતી હતી પણ અહીં તો હેંગીંગ ગાર્ડન જેવુ મોટુ સલગાંવકર પરિવારનું ઘર હતુ. દિપ્તી કહે છે કે તેણીને શરૂઆતમાં કોંકણી ભાષા ન આવડતી હોવાના કારણે સાસુમા સાથે વાત કરવામાં અગવડ પડતી હતી પરંતુ પછી કોકણી શીખી લીધી. ૧૯૮૩માં જ્યારે લગ્ન થયા ત્યારે ગોવામાં કશું જ ન હતુ. દિપ્તીએ પિતા ધીરૂભાઈને આની ફરિયાદ કરી તો ધીરૂભાઈ એવો જવાબ આપ્યો હતો કે તો પછી ગોવાની પરિસ્થિતિ બદલવા તમારાથી જે થાય એ કરો ત્યાં. ધીરૂભાઈએ એ વખતે ડીશ એન્ટેના નખાવી આપી હતી કે જેથી તેમાં સીએનએન જોઈ શકાય. ઉપરાંત તેમણે એ વખતે દિપ્તીને ફેક્સ મશીન ભેટ આપ્યુ હતુ. એ વખતે ફેક્સ મશીન ભાગ્યે જ જોવા મળતા હતા. આ ફેક્સ મશીન પર ધીરૂભાઈ દરરોજ દીકરી દિપ્તીને પત્ર મોકલતા હતા. ધીરૂભાઈ દિપ્તીના બાળકો વિક્રમ અને ઈશીતાને પણ ફેક્સ દ્વારા પત્રો મોકલી સંવાદ કરતા હતા. વિક્રમ હાલ વ્હોર્ટન સ્કૂલ ઓફ બિઝનસમાંથી અભ્યાસ પૂરો કરીને અમેરિકામાં કામ કરે છે જ્યારે ઈશિતા પણ અમેરિકામાં ભણી રહી છે. આ બંને ભાણિયાઓ નાનાજી ધીરૂભાઈના પ્રથમ પૌત્ર-પૌત્રી હોવાથી તેઓ ધીરૂભાઈની ખૂબ જ નજીક રહ્યા હતા અને તેથી તેમને અંબાણી ફેમીલીમાં ચિડવવામાં આવે છે કે તેઓ ધીરૂભાઈ અંબાણી યુનિવર્સિટીમાં ભણેલા છે.
મજાની વાત એ છે કે જ્યાં ધીરૂભાઈનો એક ભાણિયો વિક્રમ સળગાંવકર અનિલ અંબાણી ભણ્યા હતા એ વ્હોર્ટનમાં ભણ્યો છે તો ધીરૂભાઈની નાની દીકરી નીના કોઠારીની દીકરી નયનતારા ભદ્રશ્યામ કોઠારી મુકેશ અંબાણી ભણ્યા હતા એ સ્ટેન્ફર્ડમાં ભણી છે. નીના કોઠારી દક્ષિણ ભારતમાં વસતા કોઠારી પરિવારમાં પરણી છે જેમનો જાવાગ્રીન કોફીનો બિઝનસ છે.
****
![]() |
વડોદરામાં નવી બસ સેવા:બે રૂપિયામાં ગમે ત્યાં જાઓ …
ગુજરાતના વડોદરા જેવા શહેર પાસે પોતાની સારી શહેરી બસ સેવા ન હોય એવી સ્થિતિ હતી હજુ અઠવાડિયા પહેલા સુધી. વિચાર તો કરો, વડોદરા જેવા દરજ્જાના શહેર પાસે પોતાનું વ્યવસ્થિત પબ્લીક ટ્રાન્સ્પોર્ટ પણ ન હોય એ કેવી બેદરકારી કહેવાય? ઘણા વર્ષો સુધીતો રાજ્યના એસટી તંત્રે વડોદરાની લોકલ બસો દોડાવ્યે રાખી હતી.
હવે ચાર વર્ષના ગાળા બાદ ગઈકાલથી વડોદરામાં વ્યવસ્થિત શહેરી લોકલ બસો દોડવા લાગી છે. ભાવનગર સ્થિત વલભીપુર ટ્રાન્સ્પોર્ટેશન કોપરેટિવ સોસાયટી(વીટકોસ)એ ટેન્ડરમાં સૌથી આગળ રહીને શહેરી બસોનો કોંટ્રેક્ટ મેળવ્યો છે. વીટકો વાળા અગાઉ ભાવનગર અને આણંદમાં લોકલ બસો ચલાવી રહ્યા છે અને તેનો અનુભવ વડોદરામાં કામે લગાડી રહ્યા છે. ૩૫ સીટની સીએનજી ચાલિત સ્વરાજ માઝદા મીની બસો હાલ માત્ર ૨૫ની સંખ્યામાં રસ્તા પર દોડાવવામાં આવી છે. પણ બસ સેવાના ઉદઘાટનના પ્રથમ જ દિવસે ૨૫૦૦૦ લોકોએ આ ૨૫ બસમાં મુસાફરી કરતા વીટકોનો ઉત્સાહ વધ્યો છે અને ઓગસ્ટમાં બીજી ૭૫ બસો દોડાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. અગાઉ બીજી ૭૫ બસો ડિસેમ્બરમાં ઉમેરવાનો પ્લાન હતો. એવુ નથી કે વડોદરામાં માત્ર મીની બસ જેવી સ્વરાજ માઝદા જ દોડશે. અશોક લેલેન્ડમાંથી મુંબઈમાં બેસ્ટની દોડે છે એવી યુરો થ્રી પ્રકારની બસો પણ દોડતી થશે.
વડોદરાની આ નવી બસ સેવાનું ઉદઘાટન મુખ્યમંત્રી કરવાના હતા પણ તેઓ કર્ણાટકના ચૂંટણી પ્રવાસના કારણે તારીખો ફાળવી ન શક્યા અને બસની શરૂઆત મોડી પડી છેવટે મુખ્યમંત્રીએ નક્કી કર્યું કે શહેરી વિકાસ મંત્રી અને વાહન વ્યવહાર મંત્રી એ બેઉ જઈને ઉદઘાટન કરી આવે. અને ઉદઘાટન થઈ ગયું.
વડોદરાની આ લોકલ બસ સર્વિસમાં ૩૧ મે સુધી ક્યાંય પણ જવુ હોય તો માત્ર બે રૂપિયા ભાડુ રખાયુ છે આના કારણે જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. પહેલી તારીખથી બે રૂપિયા વાળી સ્કીમ પૂરી થાય છે. અત્યારે તો વડોદરાના રિક્ષાવાળાઓ નિસાસા નાખી રહ્યા છે. એમનો મોટો ધંધો આ બસો છીનવી ગઈ છે.
****
![]() |
ગુજરાત:કપાસ ઉત્પાદનમાં સરતાજ
ભારતની કુલ કપાસની ખેતી હેઠળની જમીન પૈકીની ત્રણ જ ટકા જમીન ગુજરાતમાં છે પરંતુ ભારતના કુલ કપાસ ઉત્પાદનના ૩૫ ટકા ઉત્પાદન ગુજરાતે મેળવ્યું છે અને ભારતનું સૌથી વધુ કપાસ ઉત્પાદક રાજય બન્યું છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર છે જેનું ઉત્પાદન ગુજરાત કરતા લગભગ અર્ધુ છે જ્યાર ત્રીજા ક્ર્મે પંજાબ છે કે જેનું ઉત્પાદન ગુજરાત કરતા પાંચમા ભાગનું છે. ગુજરાતમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટેનો કાચો માલ એવુ કપાસ ઘરઆંગણે ઉપલબ્ધ હોવાથી ટ્રાન્સ્પોર્ટેશનનો ખર્ચ બચે તેમ છે અને તેથી મોટી ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઓ ગુજરાતમાં લગાતાર આવી રહી છે. જમકે હાલમાં જ ભરૂચના ઝઘડિયામાં સાડા દસ અબજ રૂપિયાના બે ટેક્સ્ટાઈલ પ્રોજેક્ટો આવી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યત્વે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, મહેસાણા અને ભાવનગર જિલ્લાઓમાં કપાસનું મબલખ ઉત્પાદન થાય છે. જ્યાં ૨૦૦૨-૦૩માં ગુજરાતમાં કપાસનું ૬૦ કરોડ કિલો ઉત્પાદન થયુ હતુ ત્યાં ૨૦૦૫-૨૦૦૬ના વર્ષમાં આ ઉત્પાદન દોઢ અબજ કિલોએ પહોંચ્યું હતુ અને ૨૦૦૬-૨૦૦૭ના વર્ષમાં તો કપાસનું ઉત્પાદન પોણા બે અબજ કિલોએ આંબી ગયુ હતુ. હવે ૨૦૦૭-૨૦૦૮ના આંકડા અનુસાર ગુજરાતનું કપાસ ઉત્પાદન એક અબજ ચોરાણુ કરોડ કિલોએ પહોંચ્યું છે.
પાછલા છ-સાત વર્ષથી સતત સારા વરસાદ, નર્મદાની નહેરો અને ચેકડેમથી વધુ સરફેસ વોટરની પ્રાપ્તિ અને તે આધારે સિંચાઈ તથા લીલી ઈયળ સામે પ્રતિરોધ આપતા બીટી કોટનના બિયારણને કારણે ગુજરાતમાં કપાસનું આ બમ્પર ઉત્પાદન થઈ શક્યું છે.
****
![]() |
અમદાવાદના ઓએનજીસી હોલમાં વિજય તેંડુલકર રડવા જેવા થઈ ગયા હતા!!
મહારાષ્ટ્રના નાટ્યલેખક વિજય તેંડુલકરનું નિધન થયું પછી ગુજરાતના અખબારોમાં તેમની આગળ ‘મહાન’નું વિશેષણ છપાયું છે. હકીકતમાં આ વિજય તેંડુલકર ગુજરાતના નંબર વન દુશ્મનોની હરોળમાં આવે છે. એ વળી મહાન શાનો?
આ વિજય તેંડુલકરે એક સમયે કહ્યું હતુ કે ‘જો મને બંદૂક અને તક મળે તો હું નરેન્દ્ર મોદીનુ ખૂન કરી દઉ’ આ વિજય તેંડુલકરે અમદાવાદના તેમના ઓએનજીસી હોલમાં યોજાયેલા વક્તવ્યમાં નકસલવાદીઓને સાચા અને સારા કહ્યા હતા. આ વિજય તેંડુલકરે નર્મદા યોજનાના વિરોધમાં મેઘા પાટકર સાથે મળીને મહારાષ્ટ્રમાં કાર્યક્રમો આપ્યા હતા. આ વિજય તેંડુલકરે તીસ્તા સેતલવાડ સાથે મળીને ગોધરા પછીના કાંડોની પ્રેસ કોન્ફરન્સો ભરી હતી અને ગુજરાત સામે આજીવન ઝેર ઓક્યું હતુ. આ વિજય તેંડુલકરે ગાંધીજી અહિંસક નહીં પણ હિંસક હતા એવુ નિવેદન કર્યું હતુ.
આ લેખક-નાટકકારનું બે વર્ષ પહેલા અમદાવાદના ઓએનજીસીમાં પ્રવચન હતું. તહેલકા મેગેઝીન કાઢતા તરૂણ તેજપાલે ઓએનજીસી સાથે મળીને પ્રવચન રાખ્યુ હતુ. વિજય તેંડુલકરની સાથે અનુપમ ખેરનું પણ પ્રવચન હતુ. આમાં મારે બીજા કેટલાક પત્રકાર મિત્રો સાથે રીપોર્ટીંગમાં જવાનું થયુ હતુ.
વિજય તેંડુલકરે આ પ્રવચનમાં એવુ કહ્યુ હતુ કે તેઓ સિકંદરાબાદના જેલરને ઓળખતા હતા અને તેની મદદથી જેલની અંદર નકસલવાદીઓને મળવા ગયા હતા. કેટલાક નકસલવાદીઓને મળી શકાયુ. તેઓ બધા ખૂબ સારા માણસો હતા. તેઓ એક એવા નકસલવાદીને પણ મળ્યા કે જેણે બાર મર્ડર કર્યા હતા પણ એની પહેલા એ ગાંધીવાદી હતો. એક વધુ નકસલવાદીને મળી શકાયું કે જે ગાયક હતો. વિજય તેંડુલકરે કહ્યું કે એ નકસલને તેમણે ગાવાનું કીધુ તો નકસલે એમ કહ્યું કે અત્યારે રાત છે અને બાજુના બેરેકમાં સાથીઓ ઉંઘી ગયા છે તેઓ ડિસ્ટર્બ થાય તેથી અત્યારે તો નહી ગાઉ. નકસલવાદીઓ આવા સંવેદનશીલ હતા!!
વિજય તેંડુકલરની સ્પીચ પૂરી થઈ પછી પ્રશ્નોત્તરીનો રાઉન્ડ હતો. ઓએનજીસીના પૂરેપૂરા ભરાયેલા ઓડિટોરિયમમાં મેં માઈક હાથમાં લઈને તેંડુકરને પૂછ્યું કે શું આપ નકસલવાદ જેવી ભયંકર પ્રવૃત્તિઓ કરનારા પરત્વે હમદર્દી ધરાવો છો? આપના વક્તવ્યમાં તો આપે નકસલવાદીઓના ભરપૂર વખાણ કર્યા છે. અને વિજય તેંડુલકરે જવાબ આપ્યો કે ના તેઓ હત્યાના કોઈ પંથને(કલ્ટ ઓફ કીલીંગ) સમર્થન આપતા નથી. પરંતુ નકસલો ખૂબ જ સારા માણસો હતા જ, એમનું માનસ ક્રીમીનલ હતુ પણ હદયના સારા માણસો હતા એ વાતને પોતે વળગી રહે છે.
મેં પૂછ્યું કે તેંડુલકરજી તમે હત્યાના પંથનું સમર્શન નથી કરતા તો કેટલાક સમય પહેલા તમે એવુ નિવેદન શા માટે કર્યું હતુ કે બંદૂક અને તક મળે તો મોદીને મારી નાખુ? શું તમે આજે પણ આ નિવેદનને વળગી રહો છો?
ઓએનજીસી હોલમ ગણગણાટ થયો અને વાતાવરણ બદલાઈ ગયું.
તેંડુલકરે કહ્યું કે હા પોતે આજે પણ પોતાના એ નિવેદનને વળગી રહે છે.જો કે બંદૂક અને તક મળે તો મોદીને મારી નાખવાના પોતાના નિવેદનમાં મોદીને ખરેખર ફીઝીકલી મારી નાખવાનો પોતાનો મતલબ ન હતો પરંતુ મોદી પરત્વે પોતાની ઘૃણાની હદ બતાવવાનો મતલબ હતો એમ તેંડુલકર મહાશયે સ્પષ્ટ કર્યું.
વિજય તેંડુલકર હવે ડિફેન્સીવમાં આવી ગયા. તેમને એમ કે હું હવે છેડો છોડીશ. પણ મારા સવાલો પૂરા થયા ન હતા. મેં પૂછ્યું કે થોડા સમય પહેલા તમે ગાંધીજી અહિંસક નહીં પણ ભારે હિંસક વ્યક્તિ હતા એવું નિવેદન કર્યું હતુ એને વળગી રહો છો? તેડુલકરે કહ્યું કે હા હું વળગી રહુ છું.
ઓડિયન્સમાં તેંડુલકર હવે તેમના વિચિત્ર વિચારોથી પૂરેપૂરા બેનકાબ થઈ રહ્યા હતા. મેં સંવાદ આગળ ચલાવ્યો. અને પૂછ્યું કે તમે ગોધરા પછીના જન આક્રોશ તોફાનો મામલે તીસ્તા સેતલવાડ સાથે મળીને માત્ર જે મુસ્લિમો મર્યા એની સામે લડત ચલાવી રહ્યા છો અને કોર્ટમાં પણ ગયા છો પણ કશ્મીરના ડોડામાં(એ વખતે ડોડાનો ઈશ્યૂ તાજો હતો)હિંદુઓની હત્યા થાય છે તેની સામે કેમ હરફ સુદ્ધા ઉચ્ચારતા નથી? કારણકે પેલુ કશ્મીર છે ત્યાં બીક લાગે છે અને અહીં ગુજરાત ફટકારવા માટે સીધો સાદો પ્રદેશ છે એટલે? ત્યાં હિંદુઓ મરે છે અને અહીં મુસ્લિમો મર્યા છે એટલે? મુસ્લિમો માટેની ફાઈટ ફેશનેબલ ગણાય છે અને તમારા જેવાઓના પ્રતાપે હિંદુઓ માટેની ફાઈટ ફાસીસ્ટ, કોમવાદી અને બિનસેક્યુલર ગણાય છે એટલે ? તમારા ઓર્ગેનાઈઝેશન સીટીઝન ફોર પીસ એન્ડ જસ્ટીસને સાઉદી અરેબિયાથી ફંડીંગ મળે છે એટલે?
ઓડિટોરિયમમાં તાલીઓના ગડગડાટ થયા. વિજય તેંડુલકરનુ મોઢુ જોઈને હવે મને દયા આવતી હતી કારણકે એ લગભગ રડવા જેવા થઈ ગયા હતા. મને તો એમ કે સામે ઉશ્કેરાશે અને એલફેલ બોલશે પણ એમની તો બોલતી બંધ થઈ ગઈ હતી.
અહીં માઈક અનુપમ ખેરે હાથમાં લીધું. ખેરે કશ્મીરી પંડિતોની વાત ઉઠાવવા માટે મને થેંક્યુ કીધુ. અને કહ્યું કે કે કશ્મીરી પંડિતોએ હિંસાનો સહારો નથી લીધો એટલે કોઈ તેમના પ્રશ્નોની ચિંતા નથી કરતુ. જમ્મુમાં ત્રણ લાખ કશ્મીરી પંડિતો છે. કોઈ રાજકારણીએ ક્યારેય તેમની મુલાકાત લેવાની તસ્દી નથી લીધી. અર્ધા કશ્મીરી પંડિતો સંઘર્ષ અને બેવતનીને કારણ માનસિક પ્રોબ્લેમ ભોગવી રહ્યા છે. કેટલીક છોકરીઓ વૈશ્યાવૃત્તિમાં ધકેલાઈ ગઈ છે. કેટલાકને મુરાદાબાદમાં ચાલી જેવી જગ્યાઓ આપી દીધી છે. વડાપ્રધાન મનમોહનસિંઘ હુરિયતના નેતાઓ સાથે હાથ મિલાવે છે અને અમે બેવતન થયેલા કશ્મીરી પંડિતો બીજા દિવસે અખબારમાં તેની તસવીર જોઈએ છીએ. કોઈએ વિચાર્યું છે કે અમે શું ભોગવતા હઈશું એવા વખતે ?
મેં માઈક લઈને કીધું કે હા, આ વિજય તેંડુલકર જેવાઓ ગોધરા પછીના જન આક્રોશ તોફાનોમાં મુસ્લિમો માટે પાંડરવાડા અને સરદારપુર પહોંચી જાય છે પણ કશ્મીરી પંડિતો બાબતે શું થાય છે તેમની સંવેદનાઓને? મીસ્ટર તેંડુલકર જેવાઓનો એજન્ડા શું છે એ જાહેર છે.
હવે તરૂણ તેજપાલે માઈક હાથમાં લીધું અને મને કહ્યું કે વિજય તેંડુલકર પંડિતોની હાલની પરિસ્થિતિ માટે જવાબદાર નથી પણ સિસ્ટમ જવાબદાર છે. મેં સામે જવાબ આપતા કહ્યું કે તરૂણજી વિજય તેંડુલકર પંડિતોની સમસ્યા વિશે ચૂપ રહે છે, નકસલોના આતંક બાબતે પણ ચૂપ રહે છે પણ માત્ર ગોધરા પછીના તોફાનો વિશે ઉહાપોહ મચાવે છે માટે મેં ઉપરનો મુદ્દો છેડ્યો છે જે અસ્થાને નથી.
મારી વાત મેં પૂરી કરી. વિજય તેંડુકલરને કોઈક વખત તો સામસામે બેટીંગમાં લેવા જ હતા. ઓએનજીસી ઓડિટોરિયમમાં આ ચાન્સ મળ્યો હતો. મારી પત્રકારત્વની કારકીર્દીમાં સૌથી મજા પડી હોય એવી ક્ષણો પૈકીની આ ક્ષણો હતી.
હવે વિજય તેંડુકલરના નિધન પર ગુજરાતના જ અખબારો તેમને મહાન કહે છે ત્યારે શું કહેવું? આ માણસ તો આખી જિંદગી ગુજરાત વિરોધી રહ્યો હતો. એ શાના મહાન? (ઉપર છે તે અમદાવાદના ઓએનજીસીના હોલમાં વિજય તેંડુલકરનો પાડેલો ફોટો છે)
****
![]() |
દાણીલીમડા પોલીસ સ્ટેશનનું ઉદઘાટન …
કોણ ઈચ્છતું હતુ કે કાર્યક્રમ જલદી પતે ?
ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ કહે છે કે એમના ખાતાને જશ નથી મળતો …
19-05-2008
સોમવારે(૧૯ મે ૨૦૦૮)સવારે અમદાવાદના દાણીલીમડા વિસ્તારના પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું ઉદઘાટન હતુ. ઉદઘાટનમાં જે મંડપ બાંધ્યો હતો એ પવનને કારણે એવો ઉડવા લાગ્યો કે એના ટેકાના બામ્બુ પકડીને મંડપને કાબૂમાં લેવો પડ્યો. દરઅસલ સ્ટેજ પર હોમ મિનિસ્ટર અમિત શાહ, ગુજરાતના પોલીસ વડા પીસી પાન્ડે, અમદાવાદના પોલીસ કમિશનર વગેરે બેઠા હતા ત્યારે તેમના સ્વાગત માટે સ્થાનિક સ્કૂલની બે છોકરીઓ સ્વાગત નૃત્ય કરી રહી હતી. ત્યારે જ જોરથી વાયરો ફૂંકાયો અને મંડપ લાગ્યો ડિસ્કો કરવા. મંડપ જેના ટેકે હતો એ બામ્બુ એવા હલ્યા કે પોલીસ જવાનોએ બામ્બુ પકડી રાખ્યા. ખેર આ ધમાલમાં ટેપ રેકોર્ડર બંધ કરીને સ્વાગત નૃત્ય તો અધવચ્ચે જ બંધ કરાયુ પણ પછી ભાષણ પર ભાષણ ચાલ્યા અને એ બધા દરમિયાન પોલીસના જવાનોએ મંડપના બામ્બુ પકડીને બેસી રહેવુ પડ્યુ કે ઉભા રહેવુ પડ્યુ. આ બામ્બુ પકડનારાઓના મોઢા પર સ્પષ્ટ ભાવ વાંચી શકાતો હતો કે કાર્યક્રમ ઝટ પતે તો સારુ.
કાર્યક્રમ દરમિયાન લોકોની મોટી ભીડ પોલીસ સ્ટેશન કેવું હોય એ જોવા માટે ઉમટી હતી. આશ્ચર્ય કે કેટલાક લોકો તો લોકઅપમાં જઈને મિત્રો થકી મોબાઈલ કેમેરા વડે ફોટા પડાવતા હતા!!
દાણીલીમડા પોલીસ સ્ટેશનના ઉદઘાટનના ભાષણોમાં પોલીસ વડા પીસી પાન્ડેએ કહ્યું કે પોલીસ સ્ટેશનો લોકો આવીને ફરિયાદ નોંધાવે એ માટેના નહી પણ લોકો આવીને મદદ મેળવે એ માટેના સ્થાન બનવા જોઈએ. તેમણે શેખાદમ આબુવાલાનો એક શેર પણ કીધો અને કહ્યું કે ૯૯ ટકા લોકો શાંતિપ્રિય હોય છે જેની સાથે પોલીસનો ક્યારેય પનારો પડતો નથી પણ એક ટકો લોકો કે જે ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય છે તેમની સાથે તો કડકમાં કડક રીતે વર્તવું જોઈએ એવા મતનો હું છુ. અને આવા એક ટકો લોકોને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે. પાન્ડેએ કહ્યું કે પોલીસ સ્ટેશનનું નવુ બિલ્ડિંગ બન્યું તેથી પોલીસની સુવિધા વધી એ તો સારુ છે પણ પબ્લીકની સુવિધા પણ વધવી જોઈએ.
ગૃહરાજ્યમંત્રી અમિત શાહે કહ્યું કે પોતાનો વિભાગ એવો છે કે ના તો પ્રજામાંથી જશ મળે અને ન જ પ્રેસમાંથી. પોલીસ કડક હાથે ગુનેગારો સાથે કામ લે પછી તેની માનસિકતા એવી બની જાય છે કે નિર્દોષ સાથે પણ એમ જ વર્તી કાઢે. આવુ ન થાય એ માટે ધીમે ધીમે પ્રયત્નો ચાલે છે. અમિત શાહે કહ્યું કે દાણીલીમડા પોલીસ મથકનો વિસ્તાર પચાસ ટકા હિંદુ અને પચાસ ટકા મુસ્લિમની મીક્સ વસ્તીવાળો છે તેથી તેના સેન્ટરમાં આ નવુ પોલીસ મથક બિલ્ડિંગ બનાવી આપ્યું છે અને ઉપરાંત ત્રણસો પોલીસ આવાસ બાંધી દીધા છે કે જેથી પોલીસની પુષ્કળ પ્રેઝન્સ રહે અને ગુનાખોરો ફફડે. તેમણે કહ્યું કે લોકોમાં ભલે પોલીસ પ્રિય ન હોય પણ આ ખાખી વર્દીવાળા માનો કે બે દિવસ ના હોય તો શું થાય એ કલ્પી જુઓ. ભૂતકાળમાં પોલીસની થોડા કલાકો માટે હડતાલ પડી હતી તો હું તો નારણપુરા જેવા વિસ્તારમાં રહેતો હતો તેમ છતા યાદ છે કે હલચલ મચી ગઈ હતી અને અરાજકતા ફેલાઈ ગઈ હતી.
****
![]() |
અમદાવાદમાં ૩૨ અફઘાની મહિલાઓ શું કરે છે?
અમદાવાદની ઈલાબહેન ભટ્ટવાળી સેવા સંસ્થા તો જાણીતી છે. નેલ્સન મંડેલાથી માંડીને હિલેરી અને ચેલ્સિયા ક્લીન્ટન અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમનો એક પ્રોગ્રામ સેવા સંસ્થાની મુલાકાતનો પણ રહ્યો હતો. સોમવારે(૧૯ મે ૨૦૦૮) અમદાવાદના સરસપુર વિસ્તારમાં રાયપુર મિલ કંપાઉન્ડના શ્રીનાથ એસ્ટેટમાં સેવા સંસ્થાની પ્રેસ કોન્ફરન્સ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો મોટી સંખ્યામાં પહોંચી એટલા માટે ગયા કારણકે વિષય બહુ જ સરસ હતો. અફઘાનિસ્તાનથી અમદાવાદમાં સ્વરોજગારીની ટ્રેનીંગ લેવા માટે ૩૨ અફઘાન સ્ત્રીઓ આવી છે તેમને મળવાનો અને વાતચીત કરવાનો મોકો હતો. આ સૌ અફઘાન સ્ત્રીઓમાંની કેટલીક એવી વિધવાઓ છે કે જેમણે યુદ્ધમાં પતિ ગુમાવ્યા છે. સેવાના નેક્સ્ટ ટુ ઈલાબહેન ભટ્ટ રીમાબહેન નાણાવટીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને પછી અમે તેમની સાથે અને અફઘાન સ્ત્રીઓ સાથે વાતચીત કરી. અફઘાન સ્ત્રીઓએ કહ્યું કે અહીં હિંદુસ્તાન(અફઘાનો ભારતને હિન્દુસ્તાન તરીકે જ ઓળખે છે)માં સ્ત્રીઓની સ્વતંત્રતા જોઈને બહુજ આનંદ થયો. અફઘાનિસ્તાનમાં કાબુલમાં સ્ત્રીઓ માટે હજુ થોડી સ્વતંત્રતા છે પણ કાબુલ છોડો એટલે એવી સ્વતંત્રતા નથી. અફઘાન સ્ત્રીઓએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં સાસ ભી કભી બહુ થી, કુમકુમ, હીના, કહાની ઘર ઘર કી એમ તમામ સિરીયલો આવે છે પણ તેમને અફઘાનિસ્તાનની ભાષામાં ડબ કરી હોય છે. આ સિરિયલોમાં અમે ગુજરાતનો દબદબો જોયો છે. હવે અહીં ગુજરાતમાં આવીને રૂબરૂમાં દબદબો જોયો. અફઘાનિસ્તાનમાં બાગ-એ-જનાના નામનો એક બગીચો છે કે જેમાં માત્ર સ્ત્રીઓ જ જઈ શકે છે. શુક્રવારે બગીચામાં મફત પ્રવેશ હોય છે. અહીં અમદાવાદમાં બગીચામાં સ્ત્રીઓની સાથે પુરૂષોને પણ જોઈને અફઘાન સ્ત્રીઓને આશ્ચર્ય થયું. સેવા સંસ્થા અફઘાન સ્ત્રીઓને સંસ્થાના નિયમો મુજબ વેજીટેરીયન ખોરાક જ પીરસે છે જો કે ખાવાનામાં ભાત હોવાથી બહુ વાંધો નથી આવતો. અફઘાન ખોરાકમાં ભાત અને મીટ પુષ્કળ હોય છે. અમદાવાદમાં મીટ તો નહીં પણ ભાત મળતો હોવાથી ગુજરબસર નીકળી જાય છે. અફઘાન મહિલાઓ અહીં ફૂડ પ્રોસેસીંગ, સોર્ટીંગ, બાગકામ, સીવણકામ વગેરે શીખી રહી છે. જે શીખીને તેઓ અફઘાનિસ્તાન જશે જ્યાં બાગ-એ-જનાના બગીચામાં બનાવેલા કેન્દ્રમાં જઈને બીજી મહિલાઓને પણ શીખવશે. અફઘાનિસ્તાનમાં યુદ્ધને કારણે ૭૭૦૦૦ વિધવાઓ છે. ઘણા ખરા ઘરોમાં યુદ્ધને કારણે અશક્ત અને અપંગ પુરૂષો છે કે જેઓ ઘર ચલાવવા સક્ષમ નથી.પરિવારના સભ્યોની સંખ્યા ત્યાં સહેજ્યે દસથી તેર જણાની હોય છે. આવામાં સ્ત્રીઓ સ્વરોજગાર પ્રાપ્ત કરે એ જરૂરી બની જાય છે.
અફઘાનીસ્તાન વિષે ત્યાં જઈ આવેલા રીમાબહેન અને પંડ્યાબહેને કહ્યું કે આપણે ત્યાં કચ્છ ભૂકંપ પછી ખંડેર જેવા મકાનો પાડી દઈને નવા મકાનો બનાવી દેવાયા હતા પણ અફઘાનિસ્તાનમાં યુદ્ધ પછીનું રીકંસ્ટ્રક્શન થયું નથી. હજુ યુદ્ધથી તૂટેલા ઘરો એમના એમ પડ્યા છે. એવા ઘરોના એકાદા ઓરડાનો ઉપયોગ કરીને બાર તેર જણાનું પરિવાર રહે. કાબુલમાં દરરોજનો કામકાજનો સમય સવારના આઠથી સાંજના ચારનો હોય છે. ગુરૂવારે અર્ધો દિવસ કામકાજ ચાલે છે. કાબુલમાં તમે ભારતીય હોવ તો બહુ જ માન મળે છે. આપ હિંદુસ્તાની હૈ ? એમ કહીને તમારી સાથે સસ્મિત અને માનભર્યું વર્તન થાય છે. બજારમાં મોટાભાગે ભારતનો અને મીડલ ઈસ્ટનો માલ વેચાતો જોવા મળે. કાબુલની આસપાસ દ્રાક્ષના બગીચે બગીચા છે પણ ત્યાં સડક સારી ન હોવાના કારણે કૃષિ પેદાશ બહોળા માર્કેટ સુધી પહોચી શકતી નથી એ સમસ્યા છે. ગુજરાતમાં કે ભારતમાં મહિલાઓના ક્ષેત્રે કામ કરવુ હોય તો એનજીઓ સીધુ ગામમાં કોઈ પણ ઘરના દરવાજા ખખડાવીને મહિલા સાથે વાત કરી શકે છે પણ અફઘાનિસ્તાનમાં પહેલા તે વિસ્તારની ઈસ્લામિક સામાજીક ઓથોરિટી શૂરાના પુરૂષોનો સંપર્ક કરવો પડે છે અને તેઓ રજા આપે તો જ મહિલાઓ સાથે કામ કરી શકાય છે. રીમાબહેને કહ્યું કે સેવા સંસ્થાને કહેવામાં આવ્યું હતું કે જયારે તમે અફઘાન મહિલાઓને સ્વરોજગારની તાલીમ આપવાની વાત કરો ત્યારે સામાજીક ઉત્થાનની વાત નહી જ કરવાની પણ આર્થિક ઉન્નતિની જ વાત કરવાની તો જ વિના વિરોધે આગળ વધી શકાશે.
સેવા સંસ્થા તરફથી રીમાબહેન તાજેતરમાં ભારતના રાષ્ટ્રપ્રમુખ સાથે લેટિન અમેરિકાની યાત્રાએ ગયા હતા તેમાં મેક્સિકોમાં ફળદાયી વાતચીત થઈ જેનો નતીજો એ નીકળશે કે મેક્સિકોની મહિલાઓના ક્રાફ્ટ ભારતમાં સેવા વેચશે અને ભારતની મહિલાઓના ક્રાફ્ટ મેક્સિકોમાં ત્યાંની આવુ જ કામ કરતી સંસ્થા વેચશે. હાલ તો સેવાએ અફઘાનિસ્તાનના કાજુ દ્રાક્ષ વગેરેની પ્રોડક્ટ વિકસાવીને રૂડીના બ્રાન્ડ નેમ હેઠળ માર્કેટ કરવાનું શરૂ કર્યું છે.
****
![]() |
ગુજરાતના અલંગમાં દાઉદ ઈબ્રાહીમનો ધંધો?
શું ગુજરાતના ભાવનગર નજીકના અલંગ શીપયાર્ડમાં વહાણો ભાંગવાના ધંધામાં દાઉદ ઈબ્રાહીમે ઝંપલાવ્યું છે? મુંબઈ પોલીસને આવી માહિતી મળી છે. મુંબઈ મીરર(૧૭ મે ૨૦૦૮) સાથેની વાતચીતમાં મુંબઈના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ(ક્રાઈમ) રાકેશ મારીયાએ આમ કહ્યું છે. તેમણે કહ્યું છે કે મુંબઈ પોલીસ આ મામલે તપાસ પણ કરી રહી છે.
મુંબઈ પોલીસ પાસે જે અહેવાલ છે તે મુજબ દાઉદ કઈ રીતે અને કોના થકી અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં પોતાનો ધંધો કરી રહ્યો છે એ હજુ સ્પષ્ટ નથી પણ એ સ્પષ્ટ છે કે અહીંના ઘણા કોંટ્રેક્ટરો દાઉદના બદલામાં વહાણ ભાંગવાનું કામ કરે છે. એક વહાણ ભાંગવુ હોય તો વહાણ માલિકને તેના પેટે કરોડો રૂપિયા આપવાના થાય છે. અલંગમાં ઘણા મુસ્લિમો કરોડો આપીને વહાણો ખરીદે છે તેમના નાણાકિય વ્યવહાર હવે પોલીસ તપાસ હેઠળ છે. પોલીસ માટે ચિંતાની વાત એ છે કે આખી વાતમાં દરિયા કિનારો સંડોવાયેલો છે અને તેથી દાઉદ દ્વારા તેનો દુરૂપયોગ થવાની સંભાવના રહે છે.
ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડ પછીની રમખાણોમાં અમદાવાદના કુખ્યાત જુહાપુરા વિસ્તારમાંથી મુસ્લિમો વહાણમાથી આવેલા રોકેટની માફક વછૂટતા અને આગ લગાવતા સિગ્નલો હિંદુઓના ઘરો પર છોડતા હતા. આવા સિગ્નલો મેં ત્યાર નજરે જોયા હતા અને એનુ પગેરૂ શોધ્યું હતુ તો તે અલંગથી આવ્યા હોવાનું ફલિત થતુ હતુ. સિગ્નલો વહાણ આપત્તિમાં હોય ત્યારે હવામાં છોડવા માટે હોય છે કે જેથી દૂરના અન્ય કોઈ વહાણને તે દેખાય અને બચાવમાં આવી શકે. અલંગમાં વહાણો ભાંગવા માટે આવે ત્યારે જર્જરિત અવસ્થામાં હોય છે તેથી પુષ્કળ સિગ્નલો અંદર રાખેલા હોય છે. વહાણ અલંગમાં વેચી દેવાય પછી સિગ્નલો ત્યાંના મુસ્લિમ ખરીદદારો કોમી તોફાનો સમયે કામ લાગે એ માટે જુહાપુરા જેવા વિસ્તારોમાં ખડકી દે છે. ખેર આ તો સિગ્નલોની મામૂલી વાત છે પણ જો મુંબઈ પોલીસની માહિતી સાચી હોય અને દાઉદ ઈબ્રાહીમના વચેટિયાઓ અલંગમાં કાર્યરત હોય તો બીજું પણ ઘણું આવી શકે છે. અલંગ અને દાઉદવાળી વાત ગુજરાત સરકાર બહુજ સિરીયસલી લે એ જરૂરી છે.
****
![]() |
કરેક્ટ જયનારાયણ વ્યાસ ……
… આનંદીબહેન અને બીજા પ્રધાનો શીખે જરા આ
કેટલાક સમય પહેલા ગુજરાત ટૂરિઝમની ગુજરાતી ભાષાની વેબસાઈટ પર કન્ટેન્ટમાંની ભૂલો વિશે એક લેખ લખ્યો હતો જે ગુજરાતના ટોચના અખબારમાં છપાયો હતો. સામાન્ય રીતે ગુજરાત સરકારનું ખરાબ દેખાય અથવા ગુજરાત સરકાર દ્વારા ક્યાંક ભૂલ થઈ હોય અને આપણે છાપે ચડાવીએ ત્યારે માહિતી ખાતામાંથી અચૂક રદિયો આવે અને સ્પષ્ટીકરણ કરવામાં આવે કે વિગતો ખોટી છે. માહિતી ખાતુ અક્કર ચક્કરમાંથી પુરવાર કરી બતાવે કે વિગતો ખોટી કે એકપક્ષીય છે. હું પંદર મે ને ગુરૂવારની સાંજે અખબારી ઓફિસમાં હતો ત્યારે ડેસ્ક પરના સાથી પત્રકારે ધ્યાન દોર્યું કે ગુજરાત ટૂરિઝમની સાઈટ પરના માહિતીદોષ અંગે મેં લખેલા લેખ અંગે માહિતી ખાતામાંથી ખુલાસો આવ્યો છે. મને આશ્ચર્ય થયું કારણકે જે લખ્યું હતુ એ સાચુ જ હતુ તો ખુલાસો શાનો આવે? જ્યારે ‘ખુલાસા’નું કાગળિયુ હાથમાં લીધું ત્યારે આશ્ચર્ય થયું કારણકે આમાં તો ખુલાસો ન હતો પરંતુ વખાણ હતા. ટૂરિઝમ વિભાગે એવો પત્ર મોકલ્યો હતો કે આપના અખબારે અમારી વેબસાઈટમાં જે ક્ષતિઓ અંગે ધ્યાન દોર્યું છે તે બદલ તેનો આભાર માનીએ છીએ. ક્ષતિઓ સુધારી લેવામાં આવી છે અને વેબસાઈટ તેથી બહેતર તથા માહિતીદોષ વગરની બની છે તે બદલ આપના યોગદાનની કદર કરતા અમે આભાર માનીએ છીએ.
અગાઉ પત્રકારની વાત સાચી હોય તેમ છતા રદિયો ને ખુલાસો મોકલતી ગુજરાત સરકારના આવા પોઝીટીવ વલણને જોઈને મને અને મારા સાથી પત્રકારોને આશ્ચર્ય અને આનંદની લાગણી થઈ.દરઅસલ આ કમાલ પ્રવાસન વિભાગ જેમના હસ્તક છે એ જયનારાયણભાઈ વ્યાસની છે. શહેરી, ટેકનોક્રેટ અને એજ્યુકેટેડ એવા જયનારાયણભાઈ પોતાના તાબા હેઠળના પ્રવાસન તથા આરોગ્ય વિભાગના કોઈ પણ ખરાબ સમાચાર અખબારમાં છપાય તો તેને ગંભીરતાથી લે છે અને તેના પર એક્શન લે છે. તથા અખબાર પર દોષારોપણ નથી કરતા પણ આભાર માને છે અને પોતાનું તંત્ર બહેતર બનાવવા માટે અખબારી અહેવાલને નિમીત બનાવે છે. કેટકલાક સમય પહેલા અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં દાખલ થવા માટે ગરીબોએ કેવા ટાઉટસ એટલેક વચેટિયાઓને વચ્ચે રાખવા પડે છે એનો અહેવાલ અખબારમાં છપાયો હતો. સિવીલના અશોક ભટ્ટે નીમેલા બોગસ ફાંકાબાજ સુપરિટેન્ડેન્ટ પ્રભાકરે આના બચાવમાં કહ્યું હતું કે આવું થતું જ નથી. પણ જયનારાયણ વ્યાસ તો પોતે જ સિવીલ પહોંચી ગયા અને તપાસ કરીને યોગ્ય પગલા લીધા તથા વધુમાં સુપરિટેન્ડેન્ટની બદલી પણ કરીને નવા સુપરિટેન્ડેન્ટ તરીકે એમએમ આંચલિયાને નીમી દીધા છે( આ કાર્યવાહી પ્રોસેસમાં છે). વ્યાસે ટાઉટનો અહેવાલ પ્રકાશિત કરવા બદલ અને જનતાનું તેમજ સરકારનું ધ્યાન દોરવા બદલ અખબારનો આભાર પણ માન્યો.
જ્યારે સરકાર પત્રકારોને સીરીયસલી લે છે ત્યારે પત્રકારોમાં વધુ ગંભીરતા અને પરિપક્વતા તથા જવાબદારીનો અહેસાસ જન્મતો હોય છે કારણકે પોતે જે લખશે એના પર સરકારનું ધ્યાન પડવાનુ છે એના પ્રત્યાઘાતો પડવાના છે. જયનારાયણભાઈ વ્યાસને અભિનંદન. પત્રકારોનો સરકારમાં સૌથી ખરાબ અનુભવ આનંદીબહેન પટેલનો હોય છે. તેઓ અગાઉ શિક્ષણમંત્રી હતા ત્યારે શિક્ષણ વિભાગ વિરૂદ્ધ ફકરો પણ છપાય તો અકળાઈ જતા હતા. તંત્રીને ફોન કરી દેતા હતા અને ગાંડા ઘેલા રદિયા મોકલાવતા હતા. આનંદીબહેન વર્ષમાં એક વખત બારમાના રિઝલ્ટ જાહેર કરતી પત્રકાર પરિષદમાં હાજર થાય ત્યારે પત્રકારોના હાથમાં આવતા હતા અને પછી પત્રકારો બે કે ત્રણ પ્રશ્નો પૂછે એટલે છંછેડાયેલી વાઘણની માફક અકળાઈને ગુસ્સો કરતા હતા. મોદીએ પછીતો આનંદીબહેનને પબ્લીક રીલેશનમાં આવવુ પડે કે પત્રકારો સાથે વાત કરવાની આવે તેનાથી દૂર રહેવાનું (પણ તેમનો દીકરો પૈસા બનાવવાનુ ચાલુ રાખી શકે) એવુ ખાતુ સોંપી દીધું. એટલે પ્રજા અને પત્રકારોને હાંશ થઈ છે. જયનારાયણભાઈ પાસેથી આનંદીબહેન અને પત્રકારોને જોઈને સૂગિયુ મોઢુ ચડાવીને ફરતા બીજા પ્રધાનો શીખે કે પત્રકારો સાથે કેમ વર્તાય.
****
![]() |
પ્રાઈવેટ લક્ઝરી બસોમાં વોલ્વો,વોશરૂમ,સ્લીપીંગ,એસી …
…. એસટી બસોની વહી રફ્તાર
ગુજરાતમાં પ્રાઈવેટ લકઝરી બસોએ પાછલા બે વર્ષમાં જબ્બર સુવિધાઓ વધારી છે. ભલે ટિકીટના ભાવ પણ વધ્યા હોય પણ પ્રાઈવેટ બસોની કોમ્પીટીશનમાં જે રીતે સુવિધાઓ વધી છે એના કારણે ગુજરાતમાં એક શહેરથી બીજા શહેરમાં આરામદાયક રીતે મુસાફરી કરી શકાય છે. અમદાવાદથી રાજકોટની ચાર કલાકની મુસાફરી કરવી હોય અને તમે પ્રાઈવેટ ટ્રાવેલ્સની વોલ્વો બસમાં બેસો તો જલસા પડી જાય. બસમાં બેઠા હોવ ત્યાં સુધી તો એમ જ લાગે કે તાજ હોટેલમાં બેઠા છો. કાચ ચપોચપ બંધ હોય, એન્જીનનો અવાજ આવતો ન હોય, રસ્તાના ખાડા ટેકરા અંદર સીટ પર વર્તાય જ નહીં, એરકંડીશનનો ઠંડો પવન આવતો હોય, પગ પહોળા કરવાની વ્યવસ્થિત સ્પેસ હોય અને સામે સ્ક્રીન પર કાચ જેવી પ્રિન્ટ વાળી ડીવીડી ચાલતી હોય. વોલ્વોની બસો ગુજરાતમાં એટલી લોકપ્રિય થઈ છે કે વોલ્વોએ હવે ભારતમાં(અફસોસ કે ગુજરાતમાં નહીં પણ ચેન્નઈમાં)પોતાનું યુનિટ સ્થાપી દીધું છે. ચાઈના વાળા વિદેશની કોઈ પણ સારી ચાલતી ચીજની ઉઠાંતરી કરીને સસ્તી નકલ કરવામાં પાવરધા હોય છે એ ન્યાયે ચાઈના મોડેલની વોલ્વો જેવી બસો પણ હવે ગુજરાતમાં ફરતી થઈ ગઈ છે કે જે ઓરીજીનલ વોલ્વો કરતા સસ્તી છે. આ તો કરી સીટીંગ વોલ્વોની વાત પણ પ્રાઈવેટ લક્ઝરી બસોમાં સ્લીપીંગ બસોની ભારે બોલબાલા છે. રાતની સફર હોય અને ઉંઘતા ઉંઘતા જવું હોય તો સ્લીપીંગની સુવિધાવાળી લક્ઝરી બસ જ લોકો પસંદ કરે છે. હવે તો લક્ઝરી બસમાં વોશરૂમ પણ હોય છે એવી બસો દોડવા લાગી છે. આવી બસો નોનસ્ટોપ દોડે છે. કોઈને પેશાબ લાગ્યો હોય તો અંદર જ આની સુવિધા હોવાથી બસ રોકવાનું કોઈ કારણ નથી હોતું. પાણી અંદર જ વહેંચી દેવામાં આવતું હોય છે અને નાસ્તો પણ આપવામાં આવે છે.
હવે આ બધામાં આપણી સરકારી સ્ટેટ ટ્રાન્સ્પોર્ટની બસો ક્યાં છે? ગરીબો, ગ્રામીણ લોકો, અંતરિયાળ રૂટવાળાઓ ના છૂટકે એસટી બસમાં મુસાફરી કરે છે તો ખરા પણ પૈસાદાર લોકો અને વધુ સુવિધા માંગતા લોકો એસટીમાં મુસાફરી કરી શકતા નથી કારણકે એસટી પાસે એસી બસો નથી, સ્લીપીંગ બસો નથી, વોલ્વોની તો ક્યાંથી આશા જ રાખી શકાય ? ગુજરાતના એસટી નિગમના વડા શ્રી જી આર અલોરિયા સાહેબ સાથે કેટલાક સમય પહેલા વાત થઈ હતી. તેમણે કહ્યું કે એસટીએ કેટલાક શહેરી રૂટો પર મુસાફરોની સંખ્યા ઓછી મળતી હોવાથી તેનો અભ્યાસ કરાવ્યો તો માલૂમ પડ્યું કે મુસાફરો મળતા નથી તેનું કારણ ઓછી સુવિધાઓ છે. જેમ કે સુરત અમદાવાદના રૂટ પર કે સૌરાષ્ટ્રના મુખ્ય શહેરો અને અમદાવાદ વચ્ચેના રૂટ પર મુસાફરો એસી, સ્લીપીંગની સુવિધા ઈચ્છતા હોય છે જે એસટીની બસો પાસે નથી. શ્રી અલોરિયાએ કહ્યું કે તેમણે રાજ્ય સરકાર પાસે વીસ એસી બસો, પચાસ સ્લીપીંગ કોચ, પચાસ લોફ્લોર બસો(હાલ બે છે) અને સો મીની બસો ખરીદવાની સૈદ્ધાંતિક મંજૂરી માંગી છે. આ મંજૂરી મળતા જ ત્રણથી છ મહિનામાં આ પ્રકારની બસો રસ્તા પર મૂકીને પ્રાઈવેટ લક્ઝરી બસોની હરિફાઈમાં ટકી શકાશે. હાલ અમદાવાદના નરોડા વર્કશોપમાં એસટીએ એક નમૂનાની સ્લીપીંગ બસ તૈયાર કરાવી છે જે રસ્તા પર જોકે ઉતારવામાં આવી નથી.
****
![]() |
ગુજરાત ભાજપની કારોબારી બેઠકમાં નિષ્ફળ બંધના એલાન અને આવનારી લોકસભાની ચૂંટણીના ઓછાયા છવાયેલા રહ્યા
05-05-2008
રવિવારે સાયન્સ સિટી રોડ પર આરકે રોયલ હોલ ખાતે યોજાયેલી ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક પર બે પ્રસંગોની છાયા જોઈ શકાતી હતી. એક પ્રસંગ એ હતો કે હમણા ભાજપે મોંઘવારી સામે આપેલુ બંધનું એલાન ગુજરાતમાં સોએ સો ટકા સફળ રહ્યું નથી. ભૂતકાળમાં ભાજપે કે કોઈ પણ ભગવા સંગઠને બંધનું એલાન આપ્યું હોય તો ગુજરાતમં તેની જડબેસલાક અસર થઈ છે. આ વખતે અર્ધા ગુજરાતને તો માલૂમ જ ન હતુ કે આજે બંધનું એલાન છે. નરેન્દ્ર મોદીએ આ વાતને બહુ ગંભીરતાથી લીધી છે એ તેમના કારોબારીના વક્તવ્ય પરથી સમજાતુ હતુ. બીજી જે પ્રસંગ કે ઈવેન્ટની છાયા કારોબારી બેઠક પર છવાયેલી હતી એ પ્રસંગ હતો આવનારી લોકસભાની ચૂંટણીનો.
કારોબારી બેઠકમાં અમિત શાહે લોકસભાની બેઠકોના નવા સીમાંકન અંગે વિસ્તૃત સમજણ આપી જે ઘણાને બોરીંગ લાગી. મોદીએ તેમના વક્તવ્યમાં સંસદ સભ્યો બહાર નીકળતા નથી. સક્રિય થતા નથી. ગુજરાતનો યુવામોર્ચો સક્ષમ નથી, તેનું કશું જોર નથી, સરકારના કાર્યક્રમોનો પાર્ટીની કેડર પક્ષની તરફેણમાં લાભ ઉઠાવી શકી નથી રહી, બુથ લેવલે કાર્યક્રમમાં સક્રિયતા નથી, ઉત્સાહ નથી એ બધી બાબતો પર ઈશારા કરતા કરતા આવનારા લોકસભા ઈલેક્શનના પરિપ્રેક્ષ્યમાં ચિંતન પ્રસ્તુત કર્યું. મોદીએ કહ્યું કે રાજ્ય સરકારનો હમણા યોજાયેલો ગુજરાત દિવસનો અમરેલીનો કાર્યક્રમ હોય કે અખાત્રીજથી યોજાનાર કૃષિ મહોત્સવ, કે પછી ગુજરાતના પચાસ વર્ષ નિમિત્તે દરેક મથકે બે બે વખત આવનારી સંકલ્પ યાત્રા હોય, તેનો ભાજપ બુથ લેવલે સક્રિય થઈને જેટલો ફાયદો ઉઠાવી શકાય એટલો ઉઠાવે. મોદીએ કહ્યું કે સ્થાનિક એકમોની ચૂંટણીઓ અને વિધાનસભા જીત્યા પછી હવે લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરવાની આપણી જવાબદારી વધે છે.
કારોબારીમાં ભાગ લેનાર ભાજપના મારા સોર્સ નેતાએ મને આ બધી વાતો કરી. તેમણે મારી સાથેની વાતચીતમાં કહ્યું કે “નરેન્દ્રભાઈ કારોબારીની બેઠકમાં ગુજરાતમાં ભાજપના સંગઠનની સક્રિયતાના મુદ્દે ચિંતા કરતા હોય એવું લાગતુ હતુ પણ ગુજરાતમાં ભાજપનું સંગઠન લેપ્સ થયું હોય તો એ નરેન્દ્રભાઈને કારણે જ થયું છે. નરેન્દ્રભાઈ જેવા સક્ષમ નેતાની આજે જરૂર છે અને એમના વન મેન શોમાં કશું ખોટું નથી એમાં પણ બેમત નથી પણ એમના આ વન મેન શોને પબ્લીકને સંગઠનમાં જોડવા અને સંગઠનને બુથ લેવલે સક્રિય રાખવા જે રીતે એન્કેશ કરવો પડે એ થયુ નથી. એટલા પૂરતા નરેન્દ્રભાઈ કાચા કહી શકાય. નરેન્દ્રભાઈની સાથે મતદારો છે એ વાત સાચી પણ મતદારોને પક્ષના કાર્યકર બનાવવાના લેવલનું કામ, કાર્યકરોને ઉત્સાહિત અને સક્રિય રાખવાનું કામ નથી થતું.
ખેર કારોબારીમાં અડવાણી પણ હાજર હતા અને એમણે પણ એ વાત પર ઈશારો કર્યો કે પાછલી લોકસભાની ચૂંટણીમાં પણ ગુજરાતમાં ભાજપની સરકાર હતી અને દબદબો હતો તેમ છતા સીટો ઘટી ગઈ હતી અને કોંગ્રેસ વધુ સીટો જીતી ગઈ હતી. આ વખતે આપણે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહીને એ ભૂલ દોહરાવવાની નથી.
****
![]() |
ભાષાંતરની ભૂલો મનોરંજક હોય છે ભાઈ …
જરા આ જોઈ લો ……
આ વાત મજેદાર છે. ગુજરાત ટૂરિઝમની વેબસાઈટની આ વાત છે દોસ્તો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું કે ગુજરાત ટૂરિઝમની વેબસાઈટ માત્ર અંગ્રેજી ભાષામાં ન હોવી જોઈએ પરંતુ અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેવી જોઈએ કે જેથી તે ભાષાના ટૂરિસ્ટને આકર્ષી શકાય. આ ન્યાયે ટૂરિઝમની વેબસાઈટનું વિવિધ ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું. બીજી વિદેશી ભાષામાં તો ટ્રાન્સ્લેશન કેવું થયું એ તો હું કહી શકતો નથી કારણકે એ ભાષાઓ હું જાણતો નથી. પણ ગુજરાતી ભાષામાં કેટલાક રમૂજી ગોટાળાઓ જાણવા મળ્યા છે. મારા મિત્ર ગૌરવે મને આ ગોટાળાઓ વિશે માહિતી આપી. ગૌરવને આ માહિતી તેના મિત્ર અજીતસિંહ નામના ઈતિહાસરસિક ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીએ આપી હતી.
ખેર ગુજરાત ટૂરિઝમની મૂળ વેબસાઈટના અંગ્રેજી કન્ટેન્ટમાં લખ્યું હતું કે તરણેતરના મેળામાં વિવિધ ટ્રાઈબ્સ આવે છે અને તેમના નૃત્યો જોવા જેવા હોય છે. આ ટ્રાઈબ શબ્દ અંગેજીમાં જનસમૂહો માટે વપરાય છે. પરંતુ ગુજરાત ટૂરિઝમના ભાષાંતરકર્તાએ આનુ ભાષાંતર ટ્રાઈબ એટલે આદિવાસી એવું કરી નાખ્યું કારણકે આદિવાસીઓ માટે ભારતમાં ટ્રાઈબલ શબ્દ પ્રચલિત રીતે વપરાય છે.
હવે આના લીધે ગોટાળો એવો થયો છે કે તરણેતરના મેળા વિશેના વિભાગમાં ગુજરાતી લખાણમાં ગુજરાત ટૂરિઝમની વેબસાઈટ એમ કહે છે કે તરણેતરનો મેળો આદિવાસીઓનો મેળો છે. આદિવાસી યુવાનો તેમાં બની ઠનીને આવે છે અને આદિવાસી નૃત્યો જોવા એ લહાવાની વાત છે આ મેળામાં. લો કર લો બાત!! અર્થનો અનર્થ થઈ ગયો ને? તરણેતરના મેળામાં હકીકતમાં તો આદિવાસીઓ હોતા જ નથી. આ મેળો તો ભરવાડ સમાજના યુવાનો માટે જાણીતો છે જેઓ તેમનું આદિવાસી નૃત્ય નહી પણ હૂડો, બેસણી અને રાહડાના નૃત્યો અહીં કરતા હોય છે. તો ગુજરાત ટૂરિઝમના નબળા અને બુદ્ધિ વિનાના ભાષાંતરે તરણેતરનો મેળો આદિવાસીઓનો મેળો બનાવી દીધો. અને હુડા, બેસણીના નૃત્યોને આદિવાસી નૃત્યો બનાવી દીધા. વાહ ભઈ વાહ.
હવે બીજી એક મજેદાર ભૂલ. રક્ષાબંધનના તહેવાર વિશે ગુજરાત ટૂરિઝમની વેબસાઈટનું ગુજરાતી લખાણ એમ કહે છે કે આ તહેવારે માતા કુંતાએ તેમના મોટા પુત્ર અભિમન્યુને રાખડી બાંધી હતી. હકીકત એ છે કે અભિમન્યુ એ કુંતા માતાનો મોટો દીકરો નહી પણ પૌત્ર છે. તો પછી ગુજરાત ટૂરિઝમે મોટો પુત્ર કઈ રીતે બનાવી દીધો અભિમન્યુને ? દરઅસલ આ પણ ભાષાંતરનો ગોટાળો છે. અંગ્રેજી કન્ટેન્ટમાં લખેલું હતું કે અભિમન્યુ કુંતાનો ગ્રાન્ડ સન(પૌત્ર) હતો. આ ગ્રાન્ડનુ ભાષાંતર ગુજરાત ટૂરિઝમના ભાષાંતરકર્તાએ ‘મોટો’ એવુ કર્યુ અને સનનુ ભાષાંતર ‘પુત્ર’ એવુ કર્યુ એટલે ગ્રાન્ડ સન એટલે બની ગયો ને મોટો પુત્ર?
હા હા હા કમાલ છે ને ? શનિવારે અખબાર માટે આ લેખ લખતા મને તો લાગ્યુ કે કમાલ છે ભઈ કમાલ છે. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ટ્રાન્સ્લેશન થાય એટલે આવી કમાલો સર્જાતી રહે છે. એક વખત પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાન્તના બલોચ જનસમૂહના નેતા બુખ્તીને મુશરફના વિમાનોના હવાઈ હુમલાથી મારી નાખવામાં આવ્યો ત્યારે તેના અંગ્રેજી એજન્સીઓના અહેવાલમાં બુખ્તીને ટ્રાઈબલ લીડર કહેવામાં આવ્યો હતો. અહીં ટ્રાઈબલનો મતલબ જનસમૂહોના અર્થમાં હતો પરંતુ તેનું ભાષાંતર ગુજરાતના તમામ ડેસ્ક પત્રકારોએ ટ્રાઈબલ એટલે આદિવાસી એમ કરી નાખ્યુ હતુ. આના કારણે બુખ્તી સાહેબ બિચારા ગુજરાતભરમાં આદિવાસી નેતા તરીકે છપાઈ ગયા. લંડનમાં ભણેલા અને સૂટ બૂટમાં સજ્જ રહેતા આ બલોચ જનાબને ગુજરાતે આદિવાસી બનાવી દીધા. વર્ષો અગાઉ મેં ગુજરાત ટૂરિઝમના એક લીટરેચરમાં અડાલજની વાવના સ્થાને ભુજના રામકુંડનો ફોટો છપાઈ ગયો હતો અને નીચે અડાલજની વાવ એમ લખેલુ હતુ ત્યારે અખબારમાં તે વિશે એક લેખ લખ્યો હતો જેનું ટાઈટલ એવુ આપ્યુ હતુ કે ‘ચોકસાઈ અને કસાઈમાં માત્ર એક અક્ષરનો ફર્ક હોય છે!’
****
![]() |
આઈડિયાની કિંમત છે: પૂછો એનઆઈડી અમદાવાદના સ્ટુડન્ટ દેવેશ મિસ્ત્રીને.
03-05-2008
અમદાવાદની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનના વિદ્યાર્થી દેવેશ મિસ્ત્રીને માત્ર તેણે તૈયાર કરેલી ડિઝાઈનના જોરે જેકપોટ લાગ્યો છે. દરઅસલ ભારતમાં અત્યારે અનેક નવા મોલ ખુલી ગયા છે અને બીજા અનેક ખુલી રહ્યા છે. મોટાભાગના મોલમાં મુખ્ય સેક્શન કપડાની ખરીદી માટેનું હોય છે. કપડા હેંગર પર એવી રીતે લટકાવેલા હોય છે કે કપડુ જોવુ હોય તો હેંગર કાઢવુ પડે ને એના પરથી કપડુ કાઢીને જોઈને પાછુ હેંગર પર લટકાવવુ પડે. આ કામ અટપટુ અને થોડો સમય માંગીલે એવુ હોય છે. આમાં સરળીકરણ ન થઈ શકે એવો વિચાર આવ્યો અમદાવાદની એનઆઈડીના વિદ્યાર્થી દેવેશ મિસ્ત્રીને. દેવેશલાલે પછી તો એવુ હેંગર બનાવી કાઢ્યુ કે જેના પરથી આસાનીથી કપડુ સરકાવીને કાઢી શકાય અને પાછુ ભરાવી શકાય. દેવેશે આને કોલપ્સિબલ હેંગર નામ આપ્યું અને બેંગલોરમાં યોજાયેલા ડિઝાઈન આઈડિયા ફેરમાં પ્રદર્શિત કર્યું. અહીં એક કંપનીએ દેવેશનું ડિઝાઈન કરેલુ કોલપ્સિબલ હેંગર જોયુ. કંપનીને આ માલ પસંદ પડી જતા તેણે પાંચ લાખ રૂપિયામાં દેવેશની ડિઝાઈન ખરીદી છે. ઉપરાંત હવે આ કંપની દેવેશની ડિઝાઈનને આધારે જેટલા પણ હેંગર બનાવશે તેમાં હેંગર દીઠ એક રૂપિયાની રોયલ્ટી પણ દેવેશને મળશે. એનઆઈડી અમદાવાદે તેનું ઈન્ક્યુબેશન સેન્ટર બનાવ્યુ છે કે જેમાં વિદ્યાર્થીઓના ડિઝાઈનના આઈડિયા પેટન્ટ કરવામાં આવે છે. ડિઝાઈનને માર્કેટ કરવામાં આવે છે અને અનાધિકૃત ડુપ્લિકેશન ન થાય એનુ વિજિલન્સ રખાય છે.
****
![]() |
મોદીનું લોકસભા રોલર ફર્યું જ છે:અમરેલીમાં કોંગ્રેસનું જે કાંઈ જોર છે તે ખતમ થઈ જશે
શું ચૂંટણી પ્રચાર કરવા માટે ચૂંટણી હોવી જરૂરી છે? નરેન્દ્ર મોદીની સ્ટ્રેટેજી એવી છે કે શાસન કરતા કરતા જ ચૂંટણી પ્રચાર કરી લે છે અને ચૂંટણી સાવ નજીક હોય ત્યારે થોડો એક્સ્ટ્રા પ્રચાર કરી લે છે. પ્રચાર+એક્સ્ટ્રા પ્રચાર = ભવ્ય જીત.
અમરેલીમાં પાછલી લોકસભા બેઠક ભાજપ હાર્યુ હતુ. ઉપરાંત પાછલી વિધાનસભામાં ભલે ભાજપ જીતી ગયું પણ એ પહેલાની વિધાનસભામાં અમરેલીની બેઠક પરથી કોંગ્રેસના વીસીના જુવાનિયાએ પુરૂષોત્તમ રૂપાલાને હરાવ્યા હતા. અમરેલીની સ્થાનિક બોડી એટલેકે મ્યુનિસિપાલિટી પણ કોંગ્રેસ પાસે છે. નરેન્દ્રભાઈના ધ્યાનમાં ભાજપનો સૌરાષ્ટ્રનો આ વીક એરિયા બરાબર છે. લોકસભાની ચૂંટણી હવે એક વર્ષ જેટલી કે તેથી પણ ઓછી દૂર છે. આવામાં નરેન્દ્રભાઈ આજકાલ લોકસભાની તૈયારીમાં છે. જુઓ, ઠાકોર સમાજના વોટને કારણે પાછલી વખતે ભાજપે મહેસાણાની સીટ ગુમાવી હતી. હવે નરેન્દ્રભાઈએ એક ઠાકોરને અમદાવાદના મેયર બનાવ્યા છે અને બીજાને કડી નજીકના ગામડામાંથી સીધો રાજ્યસભામાં મોકલ્યો છે ત્યારે ઠાકોર નેતૃત્વ ઉભુ કરીને ઠાકોર સમાજને ખુશ કરી આવતી લોકસભામાં સીટ મેળવવાની નરેન્દ્રભાઈની ગણતરી છે. અમરેલી નબળુ પડતુ હતુ તો રૂપાલાને રાજ્યસભા આપી, દિલીપ સાંઘાણીને અમરેલીનો મુખ્ય ધંધો એવી ખેતીવાડીના ખાતાના મંત્રી બનાવ્યા અને હવે ગુજરાતનો સ્થાપના દિવસ અમરેલીમાં ઉજવીને અમરેલી શહેરને દરરોજનું પીવાનુ પાણી, જબરજસ્ત સફાઈ અને બીજી ઢગલાબંધ યોજનાઓ આપીને ઠેર ઠેર મોદી મોદી કરી દઈને મોદી આ નબળા વિસ્તારને ભાજપની વીનીંગ બેઠકોની તાસક પર મૂકી રહ્યા છે. તમે જોજો નબળા તો નબળા માર્જીનથી પણ મોદી અમરેલીની બેઠક ભાજપની કરી દેશે આવનારા લોકસભાના ઈલેક્શનમાં. અને ભલુ પૂછવુ કે મહેસાણાની બેઠક પણ ભાજપની કરી દેશે.
મોદી ચૂંટણીની તૈયારી કે પ્રચાર ચૂંટણી ટાણે નહી પણ હરહંમેશા કરતા હોય છે. સ્ટ્રેટેજી મુજબ આગળ વધે છે. પાછલી વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે એક આંતરિક સમિતિ નીમી હતી કે જેનું કામ હતુ વિધાનસભા ઈલેક્શનમાં ભાજપ ક્યાં અત્યંત નબળુ છે ક્યાં પ્રગતિમાં છે ક્યાં બિન્દાસ્ત રીતે વિજયી છે વગેરે નક્કી કરવાનું. આ સમિતિએ બુથ લેવલના નબળા એરિયા શોધી કાઢ્યા છે. જે એરિયામાં થોડી મહેનત કરવાથી સીટ મેળવી શકાય છે એમને પણ અલગ તારવી લીધા છે. મોદી આવનારી લોકસભાની ચૂંટણીમાં પોપ જ્હોન પોલના રોમ – ઈટલીની પેદાઈશ સોનિયા ગાંધીના શાસન તળેની કોંગ્રેસ-યુપીએ સરકારને ઉખાડી ફેંકવા માંગે છે. અમરેલીમાં ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી એ આ જ મનસૂબા પાછળની મહેનતનો એક ભાગ છે.
****
![]() |
-ટ્રેન પર જ રહેતા અમદાવાદના આઠ જુવાનિયાઓનો ભારત ભ્રમણનો અનુભવ
-બિહારમાં લાલુના ‘સગા’એ એલસીડી ટીવી આપવાની જીદ પકડી
-નાગાલેન્ડના માર્કેટમાં દાદાગીરીનો અનુભવ થયો
-શિક્ષિત ત્રિવેન્દ્રમમાં એક દિવસના ૬૦ મુલાકાતીઓ જ આવ્યા
સાયન્સ એક્સપ્રેસને આખા ભારતના ચૌદ રાજ્યોના કોઈ પણ શહેરથી વધુ પ્રતિસાદ અમદાવાદમાં મળ્યો છે. અગાઉ ધનબાદમાં ચાલીસ હજારથી વધુ મુલાકાતીઓ એક જ દિવસે સાયન્સ એક્સપ્રેસની મુલાકાતે આવ્યા એ તેનો સૌથી વધુ ભીડ જમાવનારો દિવસ હતો. હવે અમદાવાદમાં એક દિવસના ત્રેંસઠ હજાર લોકોએ મુલાકાત લઈને ધનબાદનો રેકોર્ડ તોડ્યો છે.
સાયન્સ એક્સપ્રેસમાં કુલ ૩૮ યુવાન સાયન્સ કમ્યુનિકેટર કામ કરે છે. તેઓ આ રેલગાડીમાં જ રહે છે અને આખુ ભારત આ રેલગાડીની જોડે જોડે ફરીને જુદા જુદા શહેરો જુએ છે. આ જુવાનિયાઓમાં ચાર છોકરીઓ છે. ૩૮માં સૌથી વધુ આઠ છોકરા અમદાવાદના છે. અમદાવાદનો એક છોકરો કુલદીપ શર્મા મને સાયન્સ એક્સપ્રેસની મારી બીજી મુલાકાત દરમિયાન મળી ગયો. કુલદીપ અગાઉ અમદાવાદની સાયન્સ સિટીમાં સાયન્સ કમ્યુનિકેટર હતો. ત્યારે હું અનેક વખત તેને મળ્યો હતો અને ઓળખાણ થઈ હતી.
ખેર,મેં કુલદીપને સાયન્સ એક્સપ્રેસના અનુભવો પૂછ્યા. કુલદીપે કહ્યું કે નાગાલેન્ડના દીમાપુરમાં ટ્રેન ઉભી રહી ત્યારે અમને થયું કે આ શહેર વિશે બહુ ખરાબ સાંભળ્યું છે. જોઈએ શું થાય છે. શરૂઆતમાં તો બધુ બરાબર જ ચાલ્યું પણ જ્યારે સાંજે અમે દીમાપુરના હોંગકોંગ માર્કેટમાં ખરીદી કરવા ગયા ત્યારે ગુજરાત અને નાગાલેન્ડ વચ્ચેનો ભેદ સમજાયો. માર્કેટમાં અમે એક બે ચીજોના ભાવતાલ કરાવી રહ્યા હતા તો દુકાનદાર ભાવ નીચો કરતો ન હતો. અમે છેવટે કંટાળીને ત્યાંથી આગળ વધવા ગયા તો દુકાનદારે દાદાગીરી કરવા લાગી કે માલ તો ખરીદવો જ પડશે. એ વગર નહી જવા દઈએ. અમારો આટલો સમય કેમ બગાડ્યો? તેના પૈસા લાવ અથવા માલ ખરીદો. હવે અમને સમજાયુ કે દીમાપુર શું છે.
બિહારના કટિહારમાં અમે જાણે લાલુપ્રસાદ યાદવના ખોળામાં હોઈએ એમ અનુભવતા હતા કારણકે છાશવારે કોઈને કોઈ મુલાકાતી સાયન્સ એક્સપ્રેસમાં ચડે અને એમ કહે કે હું લાલુનો પાડોશી છું ને હું રબડીદેવીનો ફલાણી રીતે સગો થાઉ ને હું લાલુના ભાઈનો આ થાઉ વગેરે વગેરે. પણ એક મુલાકાતીએ તો હદ જ કરી નાખી. એણે કહ્યું કે હું લાલુનો નજીકનો સગો થાઉ છું અને મને આ ટ્રેનમાંથી એલસીડી ટીવી આપી દો. ઉલ્લેખનીય છે કે સાયન્સ એક્સપ્રેસમાં સાડા ત્રણસોથી વધુ એલસીડી સ્ક્રીન છે. આ બિહારી જીદે ચડ્યો હતો કે એક એલસીડી તેને આપવામાં આવે જ કારણકે તે રેલમંત્રીનો સગો છે. તે એવી તો જીદે ચડ્યો હતો કે ટ્રેનમાંથી નીચે ઉતરવાની જ ના પાડતો હતો. છેવટે રેલવે પોલીસને બોલાવવામાં આવી. રેલવે પોલીસે તપાસ કરી તો આ માણસ માનસિક અસ્થિર જણાયો એટલે તેને પ્લેટફોર્મની બહાર મૂકી આવવામાં આવ્યો.
ટ્રેનમાં સૌથી વધુ એકદિવસીય ભીડ ધનબાદમાં હતી પરંતુ સૌથી વધુ કૂતૂહલવૃત્તિ ધરાવનારાઓ હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગલોરમાં જોવા મળ્યા. અહીંના બાળકો ખૂબ જ શાર્પ સવાલો પૂછતા હતા અને સાયન્સ કમ્યુનિકેટર્સનો કસ કાઢતા હતા. સૌથી ઓછા લોકો એક દિવસમા માત્ર સાહીઠ લોકો ત્રિવેન્દ્રમમાં ટ્રેનને જોવા આવ્યા. કેરળ સૌથી વધુ લીટરસી ધરાવતુ રાજ્ય હોવા છતા આમ થયુ એ સૌ માટે આશ્રર્યની વાત હતી. ટ્રેન કોઈમ્બતુર પહોંચી ત્યારે તેને જોવા સંખ્યાબંધ ગુજરાતીઓ આવ્યા. આ ગુજરાતીઓએ કહ્યું કે કોઈમ્બતુરમાં ગુજરાતીઓની ખાસ્સી વસ્તી છે. સાંજે જ્યારે ગુજરાતી સાયન્સ કમ્યુનિકેટર્સ ભેગા થઈને ગુજરાતી મહોલ્લામાં ગયા તો ત્યાં દુકાનોના બોર્ડ પણ ગુજરાતી ભાષામાં લખેલા હતા. એવુ જ લાગે કે જાણે કોઈમ્બતુરમાં ગુજરાત વસે છે.મુંબઈમાં બાળકો કરતા વાલીઓ વધુ સંખ્યામાં આવ્યા. બાળકો નવા જમાનાના ઉડાઉ અને વેસ્ટર્ન લાગ્યા પણ વાલીઓ તેમને સમજાવવાના પ્રયત્નો કરતા લાગ્યા.
સાયન્સ એક્સપ્રેસની અંદર જ સાયન્સ કમ્યુનિકેટર્સની રહેવાની વ્યવસ્થા એક કમ્પાર્ટમેન્ટમાં કરવામાં આવી છે. આ ટ્રેન ભારતભરના રાજ્યોના મુખ્ય શહેરોમાં પાંચ દિવસ માટે રોકાય છે ત્યારે સાયન્સ કમ્યુનિકેટર જુવાનિયાઓને રહેવા માટે નજીકની હોટેલમાં વ્યવસ્થા કરી આપવામાં આવે છે. અન્યથા સાયન્સ કોમ્યુનિકેટર્સ ટ્રેનમાં જ રહે છે. ટ્રેન એક ઠેકાણે પાંચ દિવસ ઉભી રહે એટલે દસથી ચાર વાગ્યામાં મુલાકાતીઓ આવે છે. સાંજે સાયન્સ કમ્યુનિકેટર્સ નવરા પડે એટલે શહેરની લટારે નીકળે છે. ટ્રેનમાં દસથી ચાર એરકન્ડીશન ચાલે છે તેમાં ચાલીસ લિટર ડીઝલ બળે છે. ટ્રેનનો પોતાનો સિક્યોરિટી સ્ટાફ પણ છે જેમના સહિત ટ્રેન પર કાયમ રહેનારાઓની સંખ્યા ૫૫ થાય છે. ઓક્ટોબરમાં દિલ્હીથી નીકળેલી આ ટ્રેન જુનમાં પોતાની ભારત યાત્રા પૂરી કરશે પછી તેનો બીજો રાઉન્ડ કદાચ આ જ વર્ષના અંતમાં ફરીથી મધ્યમ કક્ષાના શહેરો માટે શરૂ કરાશે કે જેમાં પ્લેટફોર્મની લંબાઈ અનુસાર પહેલા રાઉન્ડમાં સમાવિષ્ટ ન થયા હોય એવા મધ્યમ કક્ષાના શહેરોની પસંદગી થશે. (ફોટામાં:સાયન્સ એક્સપ્રેસના ૩૮ સાયન્સ કોમ્યુનિકેટર જુવાનિયાઓ)
****
![]() |
જુઓ તો ખરા જરા !! પરીક્ષામાં ચોરી કોણે કરી …
શુક્રવારે સાંજે અમદાવાદની અખબારી ઓફિસોમાં રજનીશ રાયના નામની જ ચર્ચા હતી. પત્રકારો માંહે માંહે તેની ચર્ચા કરતા હતા. દરઅસલ આ રજનીશ રાય એ આઈપીએસ ઓફિસર છે કે જેણે વણઝારા, પાંડિયનની ધરપકડ કરી લીધી હતી. ઓફિસમાં મળવા બોલાવ્યા બાદ પોતાના જ મિત્રો અને સિનિયર કે જેમણે પોતાને સારુ પોસ્ટીંગ આપ્યુ હતુ તેમની રજનીશ રાયે ધરપકડ કરી લેતા સરકારમાં અને પોલીસ બેડામાં રજનીશ રાય થૂંથૂં થઈ ગયા હતા. હજુ પણ રજનીશ રાયની આબરૂનું એ જ સ્ટેટસ છે. રજનીશ રાય જ્યારે ગુજરાતની સીબીઆઈમાં હતા ત્યારે પણ બહુ જોશ પૂર્વક રેડ પાડતા હતા. જેપીના લખેલા અખબારી અહેવાલ પર એક્શન લઈને એમણે અમદાવાદ એરપોર્ટ પર રાત્રે કસ્ટમના લાંચિયા ઓફિસરો પર રેડ પાડી હતી અને ધબડાટી બોલાવી હતી.
ખેર શુક્રવારે સાંજે આ રજનીશ રાયની ચર્ચા અખબારી ઓફિસોમાં એટલા માટે હતી કારણકે આવા હાઈ પ્રોફાઈલ પોલીસ ઓફિસર પરીક્ષા આપતી વખતે તેમાં ચોરી કરતા પકડાયા હતા એવી પત્રકારો પાસે માહિતી આવી હતી. આ ઓફિસર ગાધીનગરના સેક્ટર ચારમાં આવેલી સિદ્ધાર્થ લો કોલેજમાં લેવાઈ રહેલી યુનિવર્સિટીની ફર્સ્ટ એલએલબીની પરિક્ષામાં બિલકુલ દસમા ધોરણના ઠોઠ વિદ્યાર્થીની સ્ટાઈલથી તેઓ લેખિત પરીક્ષામાં ફૂટપટ્ટી પર જવાબો લખીને લાવ્યા હતા. જો કે આ વાત નિરીક્ષકના ધ્યાનમાં આવતા અર્ધો કલાક માટે પેપર લઈ લેવાયુ હતુ અને બાદમાં ફૂટપટ્ટી પરનું લખાણ ચેકાવડાવીને તેમને પરીક્ષા આપવા દેવામાં આવી હતી.
આવી માહિતી આવી હતી લગભગ દરેક છાપાના પત્રકારો પાસે.
પત્રકારોમાં તીવ્ર વેગે વાત ફેલાઈ હતી કે ચોરી કરતા પકડાયેલા ઓફિસર બીજુ કોઈ નહી પણ હાઈ પ્રોફાઈલ રજનીશ રાય છે. પત્રકારો સમક્ષ આ ઘટનાના સાક્ષીઓએ પણ આ વાત દબાતા સૂરે ખાનગીમાં સ્વીકારી હતી. જોકે કશો કોંક્રીટ, લેખિત, કે કાર્યવાહી થઈ હોય તેવો આધાર ન મળતા પત્રકારોએ રજનીશ રાયના નામ વગર જ સ્ટોરીઓ ફાઈલ કરી હતી. અમારા પત્રકારો વચ્ચે શુક્રવારે સાંજે હસી મજાકમાં આઈપીએસ અધિકારી ચોરી કરતા પકડાયાની વાત ચાલતી હતી ત્યારે ક્રાઈમ રિપોર્ટીંગમાં વર્ષોનો અનુભવ ધરાવતા સાથી પત્રકાર મિત્રે કહ્યું કે આઈપીએસ અધિકારીઓ ચોરી જ કરતા હોય છે એમાં શું નવું છે? મેં કહ્યું ચોરી કરતા પકડાય એ નવુ છે. એસા ભી હોતા હે.
****
![]() |
અમદાવાદના નવા મેયર ચૂંટાવા પ્રસંગે થોડુંક
23-04-2008છેવટે કાનાજી ઠાકોર અમદાવાદના નવા મેયર થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ વાત સૌ કોઈ જાણે છે કે આ નરેન્દ્ર મોદીની ડાયરેક્ટ પસંદ છે. કાનાજી જનસંઘના સમયના જૂના કાર્યકર છે. તેઓ રેલવેમાં ઈલેક્ટ્રીશીયનનું કામ વર્ષો પહેલા કરતા હતા. પછી તો રાજકારણમાં જ પ્રવૃત્ત હતા. આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓબીસી(અધર બેકવર્ડ ક્લાસ એટલેકે બક્ષીપંચ)ની અનામત હોવાના કારણે તેવી લાયકાત ધરાવતા માત્ર સત્તર કોર્પોરેટરોમાંથી જ એકની મેયર તરીકે પસંદગી કરવાની હતી. એવામાં કાનાજીની પસંદગી મોદીને યોગ્ય લાગી છે. મોદીની પાછલી મેયર તરીકેની પસંદગી વાસણાના કોર્પોરેટર અમિત શાહ હતા. મોદી આ પસંદગીમાં થાપ ખાઈ ગયા એવુ ખુદ મોદીને લાગ્યુ હશે એટલેજ અમિત શાહે જ્યારે એલિસબ્રીજના ધારાસભ્ય પદે ટિકીટ માંગી ત્યારે મોદીએ મેયર બન્યા પછી પુષ્કળ પૈસાદાર થઈ ગયેલા અને બોલવામાં છુટ્ટા અમિતના નામનો છેદ ઉડાડી દઈને રાકેશ શાહ નામના અમિત શાહના જુનિયર કોર્પોરેટરને ટિકીટ આપી હતી. આજે અમિત શાહ માત્ર કોર્પોરેટર રહ્યા છે જ્યારે જુનિયર રાકેશ શાહ ધારાસભ્ય પદે છે. આ વાતનો અમિત શાહને એટલો રંજ છે કે ખાનગી બેઠકમાં કહે છે કે મોદીએ ખંજર ભોંક્યુ. મને ટિકીટ ન આપીને રાકેશને આપી?
અગાઉના વર્ષોમાં મેયરની મુદ્દત એક વર્ષની હતી પણ તેનું પાલન કરાતુ ન હતુ. મેયર પદે એવા દિગ્ગજ નેતાઓ આવતા હતા કે પક્ષ એક જ વ્યક્તિને પાંચ પાંચ વર્ષ મેયર રાખતી હતી. પછી મેયરપદની મુદ્દત અઢી વર્ષની થઈ. અને એમાં મહિલા, ઓબીસી વગેરે અનામત આવી. પક્ષોના ગોડફાધરોએ એમની પસંદગીના વ્યક્તિને મેયર બનાવવા માંડ્યા. કોર્પોરેટરોનું સ્તર એવુ થવા લાગ્યું કે મોટાભાગના કોર્પોરેટરો પાનના ગલ્લે ઉભા હોય છે. અમદાવાદના મેયર કોણ છે એ હજુ કોઈ નાગરિક જાણતો થાય ત્યાં સુધીમાં તો મેયર બદલાઈ જાય. મહોલ્લે મહોલ્લે એક્સ મેયરના પાટિયા મકાનની બહાર ઝુલતા જોવા મળે…વાસણાના કોર્પોરેટર અમિત શાહના ઘર બહાર પણ આવુ પાટિયુ ઝુલવા લાગશે આજથી …
ખેર મેયરો બદલાયા કરે છે એનો કોઈ ખાસ ફર્ક આ શહેરને પડતો નથી(કોંગ્રેસના મેયરોના કિસ્સામાં શહેરને ફર્ક પડે છે. વિકાસ અટકી જાય છે. માત્ર ભ્રષ્ટાચાર થાય છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતી દરેક કચેરીમાં મુસ્લિમો જ જોવા મળે છે)બધા મેયર એકસરખા જેવા હોય છે. દરેક મેયર વિદેશ પ્રવાસો કરે છે. અને પાછા આવીને તેનુ કોઈ રીફ્લેક્શન અહીં શહેરના વિકાસમાં દેખાતુ નથી. દરેક મેયર મુખ્યમંત્રી અમદાવાદમાં હોય ત્યારે તેમની કુર્નિશ બજાવવા તેમને મોઢુ દેખાડવા પાછળ પાછળ ફરે છે, દરેક મેયર પત્રકારોને દિવાળી પર ભેટ અને અન્યથા પાંચસોની નોટો વાળા કવર વહેંચે છે, દરેક મેયર ટેન્ડરોમાં વિશેષ રસ લે છે, દરેક મેયર ધારાસભ્ય બનવા માટે પ્રદેશ કક્ષાએ જેનુ પણ જોર ચાલતુ હોય તેને વ્હાલા થાય છે, દરેક મેયર અમદાવાદમાં મોટી દુર્ઘટનાના સમયે સ્થળ પર મુલાકાત લેવા પહોંચે છે, દરેક મેયર મ્યુનિસિપલ કોર્પોરેશનના નાની નાની યોજનાઓના ઉદઘાટન જાતે કરે છે, દરેક મેયર મોટી યોજનાના ઉદઘાટન અને ખાતમૂર્હૂત માટે રાજ્ય સરકારમાંથી કે પક્ષમાંથી નેતા બોલાવીને જોડે ઉભા રહે છે, રીબીન કપાય ત્યારે તાલીઓ વગાડે છે, દરેક મેયર સ્ટેજ પર ગંભીર થઈને બેસે છે, દરેક મેયર ગટર-પાણી-કચરો-જન્મ-મરણના સર્ટીફીકેટ-ટેક્સ અને ટેક્સ ના ભર્યાના સીલ-દબાણ-કપાત વગેરે વગેરે બાબતોમાં પોતાની પાસે આવતા પ્રશ્નો સાંભળે છે અને પક્ષના, કોર્પોરેટરના, પોતાના વિસ્તારના, કુટુંબના સગા સંબંધીઓના પ્રશ્નોના નિકાલ કરવા ફોનો કરે છે. દરેક મેયર કેટલાક સગાઓને મ્યુનિસિપાલિટીમાં નોકરી અપાવે છે, દરેક મેયર પોતાના પક્ષના જ પોતાથી ઈર્ષ્યાથી પીડાતા અને બેક બાર્કીંગ કરતા કોર્પોરેટરો વિરૂદ્ધ ખાનગીમાં ઘસાતુ બોલવામાં પોતાનો ફેવરીટ ટાઈમ પાસ કરે છે, દરેક મેયરના પસંદગીના કોંટ્રેક્ટરો હોય છે જેમના થકી થતો લાભ એવો હોય છે કે કાર્યકરો કે કોર્પોરેટરો કરતા કોંટ્રેક્ટરોના ફોન વધુ ઉમળકાથી એટેન્ડ થાય છે, અને હમણાથી તો અમદાવાદ મ્યુનિસ્પિપલ કોર્પોરેશનનો દરેક મેયર વિરોધ પક્ષના નેતા સાથે ફીક્સીંગ કરી લે છે. તુમ ભે ખુશ રહોંગે ઓર મુઝે ખુશ રહેને દો……ન્યૂયોર્કના રુડોલ્ફ જ્યુલિયાની(જેમનું લીડરશીપ પરનું પુસ્તક મારા સૌથી પ્રિય પુસ્તકો પૈકીનું એક છે)જેવા મેયરની તો આશા રાખીએ તો નિરાશ જ થઈએ. કાનાજી ઠાકોર નિશ્ચિતપણે વધુ એક મેયર છે.(ફોટામાં:અમદાવાદના આજે ચૂંટાયેલા નવા મેયર કાનાજી ઠાકોર અને ડેપ્યુટી મેયર કલ્પના ભટ્ટ)
******
એચસીક્યુ:હાઈડ્રોક્લોરોક્વીન
દવાની આડઅસરથી હેતલની આંખો જતી રહી
એચસીક્યુ: હેતલ્સ ક્રાઈંગ ક્વેશ્ચન
અમદાવાદના વસ્ત્રાપુર અંધજન મંડળમાં હું ગયો તો હતો મેડિકલ ટ્રાન્સ્ક્રીપ્શનની ટ્રેનીંગ લઈ રહેલા અંધ જુવાનિયાઓને મળવા માટે. તેમનો ઈન્ટરવ્યૂ કરવા માટે. પણ ત્યાં અંધજન મંડળના જશુભાઈ કવિ અને રણછોડભાઈ સોની સાથે વાતચીતની ગોઠડી જામી એટલે મેં તેમને વાત વાતમાં પૂછી લીધુ કે હમણા દિલ્હીમાં મીનોસીન નામની એન્ટીબાયોટીક દવા લઈને ખીલની સારવાર કરતી યુવતીની આ દવાના ડોઝને કારણે આંખો ગઈ છે એવો કોઈ કિસ્સો તમારે ત્યાં જોવા મળ્યો છે કે જેમાં દવાની આડ અસરથી આંખો જતી રહી હોય ? જશુભાઈએ કહ્યું કે હમણા અમારે ત્યાં હેતલ નામની સોળ વર્ષની છોકરી કોમ્પ્યુટર શીખવા આવે છે. આ હેતલ નવ ધોરણ સુધી તો આરઆર ત્રિવેદી નામની વેજલપુર વિસ્તારમાં આવેલી નોર્મલ સ્કૂલમાં ભણી પણ પછી દવાની આડ અસરથી તેની આંખો જતી રહી છે અને પછી તે અહીં અંધજન મંડળમાં કોમ્પ્યુટર શીખવા આવે છે. આવતા જૂનની ટર્મથી હેતલ અહીં અંધ વિદ્યાર્થીઓની સાથે જ દસમા ધોરણનો અભ્યાસ કરશે.
રણછોડભાઈ સોની સાથે હું હેતલને મળ્યો. અંધજનો ટોકીંગ કોમ્પ્યુટર પર કામ કરતા હોય છે. જેમ કે ‘એન્ટર’ દબાવે એટલે કોમ્પ્યુટર બોલે કે ‘એન્ટર’. અંધજનો કોમ્પ્યુટર પર માઉસનો નહી પણ કીબોર્ડ શોર્ટકટસનો ઉપયોગ કરતા હોય છે. આપણે સદા માઉસ વાપરીએ છીએ એટલે જાણતા નથી કે જે માઉસથી થઈ શકે છે એ બધુ જ કી બોર્ડ શોર્ટ કટસથી થઈ શકતુ હોય છે. ખેર હેતલને મળીને તેના ઘરનો ફોન નંબર લીધો અને સાંજે હું હેતલને મળવા પહોંચ્યો તેના ઘરે. હેતલના મમ્મી સિવીલ હોસ્પિટલમાં નર્સ છે. તેમણે કહ્યું કે હેતલને હાથ બ્લ્યુ પડી જવાની અને ઠંડા પડી જવાની સાયનોસીસની બિમારી હતી જેના ઈલાજ માટે વિવિધ ડોક્ટરોને બતાવતા છેવટે રૂમેટોલોજીસ્ટને બતાવવાની સલાહ આપવામાં આવી હતી. ગુજરાતમાં એક જ રૂમેટોલોજીસ્ટ છે જેમનું નામ સપન પંડ્યા છે અને તે નવરંગપુરાની વેદાંત હોસ્પિટલમાં બેસે છે. તેઓ એટલા બીઝી હોય છે કે ખાસ કેસ સિવાય તો મહિનાઓ પછી એપોઈન્ટમેન્ટ મળે છે. આ ડોક્ટરે હેતલને એચસીક્યુ તત્વ ધરાવતી રોજની દોઢ ગોળી લેવાનુ કહ્યુ અને તેના પ્રતાપે હેતલની દ્રષ્ટિ જતી રહી એવુ હવે આંખના અને ન્યુરોફીઝીશીયન એમ તમામ ડોક્ટરો કહે છે.
મેં પૂછ્યુ કે જ્યારે હેતલની દ્રષ્ટિ જતી રહી ત્યારે પેલા એચસીક્યુ પ્રિસ્કાઈબ કરનાર રૂમેટોલોજીસ્ટને તમે ખખડાવવા, બોચી પકડવા ન ગયા ? તો પરિવારવાળા કહે કે તેમને આ ડોક્ટરને મળવા જ ન દેવાયા. તેમના ઓપરેટરે તો કહી દીધુ કે હવેની ડોક્ટર સાહેબની એપોઈન્ટમેન્ટ તમને બે મહિના પછીની જ મળી શકશે. વળી બીજા ડોક્ટરો એમ તો કહે છે કે એચસીક્યુના લીધે આંખો ગઈ છે પણ તેઓ આવુ લખીને આપવા તૈયાર નથી એટલે અમારે આ રૂમેટોલોજીસ્ટ સાથે કઈ રીતે કામ લેવુ ? આખા ગુજરાતમાં આ એક જ રૂમેટોલોજીસ્ટ છે અને ભવિષ્યમાં બેબીને પાછી રૂમેટાઈડ આર્થાઈટીસની જૂની તકલીફ ફરી થાય તો જવુ તો એ જ ડોક્ટર પાસે પડે ને ? આવામાં અમે ડોક્ટર સામે બાંયો કઈ રીતે ચડાવીએ? અમે તો એમનો રસ્તો જ મૂક્યો છે અને હવે હેતલની આંખો અને મગજ વચ્ચેની નસ સૂકાઈ હોવાથી ન્યુરોફીઝીશીયનની સારવાર કરાવી રહ્યા છીએ.
મને આ કેસમાં રસ પડ્યો એટલે મેં ગૂગલ પર સારામાં સારી મેડીસીનને લગતી અધિકૃત સાઈટો ફંફોસી. સ્પષ્ટ લખેલુ છે કે એચસીક્યુના તત્વવાળી દવા જુવેનાઈલને એટલેકે પુખ્ત ન હોય તેમને આપી શકાય નહી. એચસીક્યુથી લાંબા ગાળે આંખોનું વીઝન જઈ શકે છે. એચસીક્યુનો ડોઝ દર્દીને આપો તો તેનું પંદર દિવસે મોનીટરીંગ કરી લેવુ જ જોઈએ વગેરે.
આ બધી હકીકતો છતા પેલા રૂમેટોલોજીસ્ટે હેતલને સોળ વર્ષની જ હોવા છતા રોજની દોઢ ગોળીનો કોર્સ આપ્યો અને તે પણ પાંચ-છ મહિના માટે!! એ તો હેતલની મમ્મી સિવીલ હોસ્પિટલની નર્સ છે એટલે ત્યાંના પરિચિત ડોક્ટરોએ આ દવા બંધ કરાવી. પરંતુ ત્યારે પણ બહુ મોડુ થઈ ગયુ હતુ. હેતલની આંખો દવા બંધ કર્યાના પાંચેક દિવસમાં જ જતી રહી.
પત્રકારત્વમાં આવી ટચી સ્ટોરીઓ કરવાનુ આવે ત્યારે રિપોર્ટીગ કરતા કરતા , લખતા લખતા બહુ દુ:ખ થતુ હોય છે.આક્રોશ પણ આવે છે. પણ અમે પત્રકારો લખવાથી વિશેષ કશું કરી શકતા નથી. અખબાર એક દિવસમાં પસ્તી થઈ જાય છે. હેતલે આખી જિંદગી જીવવાની છે અને પેલા રૂમેટોલોજીસ્ટ ડોક્ટર દરરોજ દર્દીને ચકાસીને પાંચસોથી હજાર રૂપિયા દર્દીદીઠ કમાવાનુ, બે બે ને ત્રણ ત્રણ મહિના સુધી ડેટ ન આપવાનુ, વેકેશનમાં હોનોલૂલૂ અને હવાઈ ફરવાનુ પોતાનુ વ્યસ્ત જીવન ચાલુ રાખશે.
વેલ અને એચસીક્યુ દવા એટલે હાઈડ્રોક્લોરોક્વીન પરંતુ મેં એચસીક્યુનું ફુલ ફોર્મ બનાવ્યુ છે આમ:હેતલ્સ ક્રાઈંગ ક્વેશ્ચન… હેતલનો ક્રાઈંગ ક્વેશ્ચન એ છે કે એની સાથે આવુ કેમ થયું?એના અજવાળા કેમ પૂરા થયા?
******
![]() |
સાયન્સ સિટીના હોલ ઓફ સ્પેસ-હોલ ઓફ સાયન્સ મ્યુઝિયમની લટાર
14-04-2008ખેર જેપી તો રવિવારે ઉદઘાટન પહેલા જ અંદર જઈને આખુ પ્રદર્શન ઈસરોના વૈજ્ઞાનિક નવલગુડ સાહેબ સાથે જોઈ આવ્યો. બે માળનું આ પ્રદર્શન અદભૂત છે. સામાન્ય રીતે મ્યુઝિયમોમાં ઠેર ઠેર “ડુ નોટ ટચ”ના સૂચના બોર્ડ લાગેલા હોય છે પણ અહીં “ડુ નોટ ટચ”થી ઉલટો સિદ્ધાંત અપનાવવામાં આવ્યો છે અને તે છે ટચ ટચ એન્ડ ટચ એટલેકે દરેક ચીજમાં બટન દબાવો અને જુઓ કે શું થાય છે. ભોંયતળિયા પર હોલ ઓફ સ્પેસનું પ્રદર્શન છે તેમાં કમ્યુનિકેશન્સ, ચંદ્રયાન, કેમેરા સાથેનો સ્ટુડિયો, ઈન્ટરનેટ, વિડિયોગેમ જેવી સુવિધાઓ છે. અહીં એક ખૂણે ભારતીય અવકાશયાત્રીઓ કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ અને રાકેશ શર્માના મેન સાઈઝ કટઆઊટસ મૂકેલા છે જેમની સાથે વધુ એક મોઢા વગરના અવકાશયાત્રીનું કટઆઊટ પણ છે જેની પાછળ ઉભા રહીને ત્યાં તમે તમારુ મોઢુ લાવી શકો છો અને ફોટો પડાવી શકો છો. અહી એક નાનુ થિયેટર પણ છે જેમાં પપેટ તમને સાયન્સની વાતો સમજાવે છે. થિયેટરમાં પાછળથી ધુમાડા(ફોગ) પણ છૂટે છે.
ઉપરાંત એક વર્ચ્યુઅલ રિયાલીટી થિયેટર છે જે અવકાશયાનના આકારનું છે. તમે અંદર બેસી જાવ પછી સામેના સ્ક્રીન પર તમને સાયન્સ સિટીથી અવકાશની ઉડાન કરાવાય છે. હાઈડ્રોલીક પ્લેટફોર્મ પર હોવાના કારણે યાન અવકાશમાં આગળ વધતુ હોય તેવું લાગે છે. ખાસ કરીને જ્યારે યાન અવકાશના બ્લેક હોલમાંથી પસાર થાય છે ત્યારે તો ખૂબ જ રોમાંચ અનુભવાય છે. યાત્રા પૂરી થાય એટલે યાનનો બીજી તરફનો દરવાજો ખુલે છે જ્યાંથી તમે ટનલમાં થઈને મંગળના ગ્રહ પર પહોંચો છો. અહીં મંગળના ગ્રહ જેવી સરફેસ બનાવવામાં આવી છે જેમાં થઈને તમે મંગળ ગ્રહને લગતુ પ્રદર્શન જોઈ બહાર નીકળી શકો છો.
લીફ્ટમાં પહેલે માળે જાવ એટલે એક એવો રૂમ છે કે જેમાં તમે દિવાલને અડીને ઉભા રહો અને ચાંપ દબાવો એટલે તમારો પડછાયો રેકોર્ડ થઈ જાય છે. એટલેકે તમે હટો પછી પણ ભીંત પર તમારો પડછાયો દેખાય છે. અહીં મિકેનીક્સના, અવાજને લગતા, જુદી જુદી ફ્રિકવન્સીના ઈંડાકાર પોલાણોમાં બેસીને તેના અનુભવ કરવાના પ્રયોગો પણ મૂકેલા છે. ઉપરના માળે એક અન્ય થિયેટર બની રહ્યુ છે જેનુ કામ હજુ મે મહિનામાં પૂરુ થશે.
હોલ ઓફ સાયન્સ અને હોલ ઓફ સ્પેસના ઉપર નીચેના માળે ગોઠવાયેલા બેઉ પ્રદર્શન સુપર્બ છે અને આંતરરાષ્ટ્રિય સ્તરના છે. આપણા બાળકો આનો બરાબર ઉપયોગ કરે તે માટે સાયન્સ સિટીએ ખૂબ બધા સારા ગાઈડ મૂકવા પડશે કે જે બાળકોની મજા પણ ન બગડે અને સાધનો પણ ન બગડે એનું ધ્યાન રાખે.
******
આઈઆઈએમ અમદાવાદમાં બંગાળી ડિરેક્ટરનું બંગાળી રાજ:બંગાળીઓને બઢતી,
બંગાળીની નિમણૂક અને બંગાળીઓ કમિટીઓના ચેરમેન
લગભગ ૧૯૯૮માં હું બીએસએનએલના ગુજરાત સર્કલના ચીફ જનરલ મેનેજરની ઓફિસ બહાર તેઓ મને અંદર બોલાવે એની પ્રતીક્ષા કરી રહ્યો હતો ત્યારે બહાર તેમના પર્સનલ આસિસ્ટન્ટ બહેન સાથે ટાઈમપાસ વાતચીત કરી હતી. આ બહેન સાઉથ ઈન્ડિયન હતા અને તેમણે કહ્યું કે તેમની ભરતી ઓફિસમાં જે સાઉથ ઈન્ડિયન સાહેબ બેઠા છે તેમણે કરી હતી. બહેન વાત વાતમાં એમ પણ બોલી ગયા હતા કે ‘અમારે સાબને પ્યુન સે લેકી ડ્રાઈવર તક સબ સાઉથ ઈન્ડિયન ભર્તી કિયા’
હમણા હું આઈઆઈએમ અમદાવાદમાં હતો ત્યારે મારા સોર્સીસ સાહેબો પાસેથી એ સાંભળીને ચોંકી ગયો કે અહીંના નવા સવા ડિરેક્ટર એસકે બરૂઆ ડીરેક્ટરની પોસ્ટ પર આવતા જ પોતે બંગાળી હોવાથી આઈઆઈએમમાં બંગાળી રાજ ગોઠવી રહ્યા છે. મેં મારા સોર્સ સાહેબને કહ્યું કે આવી મોઘમ વાતો તો થાય છે પણ તમે મને સ્પેસીફીક પીન પોઈન્ટીંગ ઉદાહરણ આપો તો જ હું માનુ કે એસકે બરૂઆ દ્વારા આઈઆઈએમ અમદાવાદમાં બંગાળી રાજ ગોઠવાઈ રહ્યુ હોવાની વાત સાચી છે. આ પછી જે રીતે મારા સોર્સ સાહેબે ઉદાહરણો આપ્યા એ સાંભળીને હું તો ચોંકી ગયો. તેમણે કહ્યું કે જુઓ ડીરેક્ટર પદે આવતા જ એસકે બરૂઆએ બે ટીચીંગ સ્ટાફને બઢતી આપી દીધી છે એ બેઉ બંગાળીઓ છે. પ્રોફેસર તથાગત બંદોપાધ્યાયને પ્રોફેસર તરીકે બઢતી અપાઈ છે જ્યારે સરલ મુખ્યર્જીને એસોસીએટ પ્રોફેસર તરીકે બઢતી અપાઈ છે. બીઝનસ પોલીસી વિષયમાં એક નવા ઓનરરી વીઝીટીંગ પ્રોફેસર જોડાયા છે એ શ્રીમાન અતનુ ઘોષ પણ બંગાળી છે. આઈઆઈએમની સૌથી મોભાભરી અને ક્રિટીકલ જવાબદારી વાળી પ્લેસમેન્ટ કમિટીમાં ચેરમેન તરીકે પ્રોફેસર સરલ મુખર્જીની નિમણૂક થઈ છે એ પણ બંગાળી છે. સેન્ટર ફોર મેનેજમેન્ટ ઈન એગ્રીકલ્ચર જેવા આઈઆઈએમના અતિ મહત્વના એકમના ચેરમેન પ્રોફેસર સમર દત્તાને નીમવામાં આવ્યા છે એ પણ બંગાળી છે અને કલકત્તા યુનિવર્સિટીનું ફરજંદ છે. પ્રોડક્શન એન્ડ ક્વોન્ટીટેટીવ મેથડ ગ્રુપ એરિયાના ચેરમેન પદે એસકે બરૂઆ દ્વારા જ હમણ પ્રોફેસર તરીકે પ્રમોટ કરાયેલા તથાગત બંદોપાદ્યાયને નીમવામાં આવ્યા છે.
પોતાના સસરા સામ્યવાદી નેતા એબી બર્ધનની લાગવગથી વડાપ્રધાન ઓફિસ દ્વારા પોતાનુ નામ ક્લીયર કરાવીને આઈઆઈએમ અમદાવાદના ડિરેક્ટર બની ગયેલા એસકે બરૂઆ તેમની અગાઉના ડીરેક્ટર બકુલ ધોળકિયાના નામ માત્રથી ચિડાય છે. ડીરેક્ટર બન્યા પછી જ્યાં જાય ત્યાં બરૂઆ એમ કહેતા હતા કે હમણા તો નવો જ ડિરેક્ટર બન્યો છુ અને ઘણા બધા લેગસી પ્રોબ્લેમ ક્લીયર કરવામાં જ સમય જાય છે(એટલેકે અગાઉના ડિરેક્ટર બકુલભાઈ જે પ્રશ્નો છોડીને ગયા છે એ સાફ કરવામાં જ હજુ સમય જાય છે.) આઈઆઈએમના તાજેતરમાં યોજાઈ ગયેલા કોન્વોકેશનમાં એસકે બરૂઆ તેમના વક્તવ્યમાં એવુ બોલ્યા હતા કે ઈન્સ્ટિટ્યુટના ટોપમાં સત્તાની ફેરબદલી થઈ હોવા છતા(એટલેકે બકુલભાઈના સ્થાને હું ડિરેક્ટર બન્યો હોવા છતા) ઈન્સ્ટિટ્યુટના કામકાજમાં કોઈ ફેર પડ્યો નથી અને પ્લેસમેન્ટ વગેરે બધુ વધુ સારો થયુ છે(જે ખરેખર હકીકત નથી). આ સમયે બકુલભાઈ કોન્વોકેશન સમારંભમાં જ બેઠા હતા અને તેમનુ મોઢુ આ સાંભળીને પડી ગયુ હતુ.
બરૂઆ બકુલભાઈએ ગોઠવેલા તમામ મહત્વની પોઝીશનના માણસોને બદલીને બંગાળીઓને પ્રમોટ કરી રહ્યા છે. કારણકે એક બંગાળી બીજા બંગાળીનો સાથ હરહંમેશ નિભાવશે જ એની તેમને ખાતરી છે. જ્યાં બંગાળીને કોઈપણ રીતે ન ગોઠવી શકાતો હોય ત્યાં બરૂઆ સમાન વિચારધારા ધરાવતા સોશ્યાલીસ્ટ વ્યક્તિની પસંદગી કરે છે અને રહ્યા સહ્યામાં પોતાને ભરોસો પડે એવા અન્ય બેકગ્રાઉન્ડના વ્યક્તિને પસંદ કરે છે.
આઈઆઈએમ અમદાવાદ આ રીતે ચાલશે તો ક્રમશ: તેની પડતી થશે એ હું જોઈ રહ્યો છું. અલબત્ત એવુ ન થાય એવી આશા અને કામના સાથે.
(તસવીરમાં:એસકે બરૂઆ)
******
પોરબંદરમાં આવ્યુ ‘ધ વર્લ્ડ’ નામનુ ક્રૂઝ વહાણ ને ૧૦૫ વિદેશી પ્રવાસીઓ…
… તેમની સાથે ગાંધીજીના જન્મસ્થળે શું બન્યુ ?
સોમવારે સાંજે પોરબંદરથી મારા ગુજરાતની ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીના સિપાહી ભોમિયા જેવા મિત્ર-સોર્સનો ફોન કોલ આવ્યો અને તેણે જે વાત કીધી એ સાંભળવા જેવી છે. વાત એમ હતી કે સોમવારે પોરબંદરના પોર્ટ પર ‘ધ વર્લ્ડ‘ નામનુ વિદેશી ક્રૂઝ વહાણ આવ્યુ કે જેમાં ૧૦૫ વિદેશી ટૂરિસ્ટ હતા. આ ક્રૂઝ અમેરિકા અને સાઉથ આફ્રિકા થઈને અબુધાબીથી ત્રણ દિવસ પહેલા ઉપડ્યુ હતુ. આ પછી તેનો મુકામ પોરંદર હતો.
વિદેશીઓ આવ્યા પછી તેમનો શિડ્યુલ વિવિધ ગ્રુપોમાં વહેંચાઈને સૌરાષ્ટ્રના જોવા લાયક સ્થળોની મુલાકાતનો હતો. આ અનુસાર એક ગ્રુપે પહેલા પોરબંદરના ગાંધીજીના જન્મસ્થાનની મુલાકાત લીધી. કિર્તી મંદિર તરીકે ઓળખાતુ ગાંધીજીનું જન્મ સ્થાન બે ભાગમાં વહેંચાયેલુ છે. બારણામાં પ્રવેશો એટલે પહેલા ગાંધીજીની સ્મૃતિમાં બનાવેલુ કિર્તીમંદિર આવે છે અને તેના જ ચોગાનમાંથી ગાંધીજી જન્મ્યા હતા એ ઘરમાં જવાય છે. હવે એક વિચિત્ર નિયમ એવો છે કે ગાંધીજીના જન્મસ્થળનો ફોટો લેવાની મનાઈ છે. કિર્તીમંદિરમાં ફોટો લઈ શકો પણ ગાંધીજીના જન્મના ઘરના આંગણમાં ઘૂસો એટલે ફોટો પાડવા પર પ્રતિબંધ શરૂ થઈ જાય છે. અમેરિકાથી આવેલા પ્રવાસીઓના ગ્રુપમાં દરેકે દરેક પ્રવાસી પાસે સ્ટીલ અને વિડિયો કેમેરા હતા. તેમણે ગાંધીજીના ઘરના ફોટા ક્લીક કરવાના શરૂ કર્યા એટલે અહીંનો ભારતના પુરાતત્વ ખાતાનો કર્મચારી મોહન તેમના પર તાડૂક્યો અને કહ્યું કે અહીં ફોટો પાડવાની મનાઈ છે. આ પછી મોહને ગાંધીજીના ઘરમાં ઘૂસનારા દરેક વિદેશીને કેમેરા બહાર છોડી દેવાનો હુકમ કર્યો. વિદેશી પ્રવાસીઓએ કહ્યુ કે તેમના ખૂબ જ મોંધા કેમેરા તેઓ બહાર છોડી શકે તેમ નથી કારણકે બહાર તેને સાચવવા માટે કાઉન્ટરની કે ટોકનની સિસ્ટમ છે જ નહી. આ મામલે મોહન અને પ્રવાસીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને છેવટે તો મોહને ધક્કા મારીને વિદેશી પ્રવાસીને ગાંધીજીના ઘરમાંથી બહાર કાઢ્યો.
આ પછી અમેરિકાથી આવેલા એક પ્રવાસીએ કહ્યું કે શું ગાંધીજીના જન્મસ્થાનમાં ભારતના પરમાણુ રહસ્યો છુપાવેલા છે તો ત્યાંનો ફોટો લેવા દેવામાં આવતો નથી ? બીજા એક યુરોપીયન ટૂરિસ્ટે કહ્યું કે આટલે દૂરથી આવીએ અને અહીં કોઈ જ કારણ વગર ફોટો લેવા દેવામાં ન આવી એ આશ્ચર્યજનક છે. આનુ કારણ કોઈ સમજાવી શકશે ? ત્રીજા હબસી ટૂરિસ્ટે કહ્યું કે ગેરવ્યાજબી તો ગેરવ્યાજબી પણ ચલો નિયમ છે તો અમે પાલન પણ કરવા તૈયાર છીએ પરંતુ બહાર કેમેરા મૂકવાનુ ટોકન મળે એવુ સ્ટેન્ડ તો હોવુ જોઈએ ને ?
આપણે ત્યાં ટૂરિસ્ટ સાથે ખરેખર શું શું બનતુ હોય છે એ કોઈ ગોરા ટૂરિસ્ટ સાથે બેસીને તેને નિરાતે પૂછવા જેવુ હોય છે. ગાંધીજીના જન્મસ્થાને ફોટો કેમ નથી લેવા દેવાતો એ પ્રશ્નનો જવાબ હું પણ ભૂતકાળમાં પોરબંદર ગયો હતો ત્યારે મેં પૂછેલો પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ગાંધીજી પાસેથી જ શીખીને મેં એ મુલાકાતમાં સવિનય કાનૂન ભંગ કર્યો હતો અને ફોટા પાડ્યા હતા જે હજુ મારી પાસે છે. હું મૂકીશ એમને દેશગુજરાત.કોમ પર.
(તસવીરમાં:ધ વર્લ્ડ ક્રૂઝ શીપ)
******
![]() |
આટલા રૂપિયા મળતા હોય તો અમે ય દત્તક થવા તૈયાર છીએ
06-04-2008શનિવારે(૫ એપ્રિલે) બપોરે સાડા ત્રણ વાગ્યે અમદાવાદના પરેશભાઈ જાનીએ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની હાથણી રાધાને દત્તક લીધી ત્યારે અમે પત્રકારો પરેશભાઈને મળવા ઉત્સુક હતા. પરેશભાઈએ કાંકરિયા ઝૂને વાર્ષિક રૂપિયા બે લાખ અઠ્ઠાવન હજારનો ચેક આપીને હાથણીને એક વર્ષ માટે દત્તક લીધી છે. આના બદલામાં તેમના નામની તકતી હાથણના પાંજરાની બહાર લાગશે. હાથીનો કોઈ માલિકી હક કે ઘરે લઈ જવાનો હક તેમનો નહી રહે.અમદાવાદના કાંકરિયા ઝૂ તરફથી હમણા તેના તમામ અઢી હજાર પ્રાણી-પક્ષી-સરિસૃપ માટે દત્તક યોજના બહાર પાડવામાં આવી છે. આપ કોઈ પણ પ્રાણીનો ખોરાકનો વત્તા નિભાવનો ખર્ચો ઉઠાવો અને તે પ્રાણીના પાંજરા બહાર આપની સ્પોન્સરશીપની નેમ પ્લેટ લાગી જાય. ઉપરાંત ઝૂમાં વાર્ષિક મફત આગમન માટેના આઠ પાસ મળે અને બીજુ શું શું મળી શકે એ માટે કાંકરિયા ઝૂ અત્યારે આવી જ યોજના કરનાર અન્ય ઝૂનો અભ્યાસ કરી રહ્યુ છે.
પરેશભાઈએ દત્તક લેવા માટે દાંતવાળા હાથીની પસંદ કરી પણ તેમના પત્નીએ કહ્યું કે ના હાથણી જ દત્તક લઈએ એટલે છેવટે હાથણીની પસંદગી થઈ. દંપતિએ પરિવાર સહિત હાથણીને ચારો ખવડાવીને ફોટો પડાવીને અને મિઠાઈ વહેંચીને દત્તક લીધી.
મારા સાથી એવા કેટલાક અત્યંત ઓછો પગાર મેળવતા પત્રકારોએ કહ્યું કે આટલા રૂપિયા મને આપે તો હું દત્તક થવા તૈયાર છું. ત્યાં ઝૂના સુપરિટેન્ડેન્ટ સાહૂ સાહેબ આવ્યા અને અમને કહ્યું કે … તો તમારા પહેલા અમારા સરકારી સફેદ હાથીઓનો પહેલા નંબર લાગશે.
ઉલ્લેખનીય છે કે ઝૂની દત્તક યોજનામાં અત્યાર સુધી અજગર, દીપડો અને મોર દત્તક લેવાયા છે. હાથીની કિંમત દત્તકના ભાવપત્રકમાં સૌથી ઉંચી હતી એટલે તેને દત્તક લેવાતા ઝૂને હાંશ થઈ છે. હાથણ દત્તક લેવાઈ ગઈ પણ હજુ હાથી બાકી છે. વાઘને દત્તક લેવા માટે મુંબઈની અભિનેત્રી આયેશા ટકીયાએ ઈરાદો જણાવ્યો છે. જો તે સિરીયસ હશે તો કેટલાક જ દિવસોમાં આ માટે અમદાવાદ આવી પહોંચશે.
******
![]() |
અમદાવાદમાં નવુ મલ્ટીપ્લેક્સ સિનેમેક્સ અને
કાજોલની અમદાવાદની પત્રકાર પરિષદ…
આહહા!! અમદાવાદમાં વધુ એક મલ્ટીપ્લેક્સ ખુલી ગયુ છે. સિનેમેક્સ નામનુ ચાર સ્ક્રીન વાળુ આ મલ્ટીપ્લેક્સ એસજી હાઈવે પર દેવઆર્ક મોલમાં ઉપરના માળે ખુલ્યુ છે. હવે તમે પૂછશો કે આ દેવઆર્ક મોલ ક્યાં આવ્યો? દરઅસલ મેં પણ જ્યારે મને આ મલ્ટીપ્લેક્સના ઉદઘાટનનું ઈન્વીટેશન મળ્યુ ત્યારે આ જ પ્રશ્ન ફોન કરીને ઓર્ગેનાઈઝરને પૂછ્યો હતો. દેવ આર્ક મોલ નવો ખૂલેલો મોલ છે જે વાઈડ એન્ગલ અને ફન રિપબ્લીકની વચ્ચે આડો વિશાળ પથરાયેલો છે.
સિનેમેક્સ મલ્ટીપ્લેક્સમાં ચાર સ્ક્રીન છે. ઉદઘાટન રેડ લોંજ નામના સ્ક્રીનમાં હતો એટલે મેં તો માત્ર રેડ લોંજ જોઈ છે. રેડ લોંગ એ રેડ કાર્પેટ વાળી અને લાલ કુશન વાળી સોફા સીટ ધરાવતી લોંજ છે. પોચી પોચી લાલ સોફા જેવી સીટની સામે પગ રાખવાની જગ્યા ખૂબ જ વધુ સારી છે. ઉપરાંત બે સીટ દીઠ સામેની લેગ સ્પેસમાં પેપ્સી કે પોપકોર્ન રાખી શકાય એ માટેનું લોખંડનું સ્ટેન્ડ છે. લાલ સીટમાં જમણી બાજુએ એક કાળુ બટન છે જે દબાવો એટલે તમારા પગ નીચેનું કુશન ઉંચુ થાય છે અને પીઠ પાછળનું કુશન પાછળ નીચે ઝુકે છે. લગભગ ૧૩૦ અંશ જેટલુ સૂતા સૂતા તમે ફિલ્મ માણી શકો છો. અમદાવાદમાં આવી વ્યવસ્થા અગાઉ ડ્રાઈવ ઈન રોડ પર આવેલા હિમાલયા મોલના એડલેબ્સ થિયેટરમાં એબોની લોંજના નામે શરૂ થયેલી છે.
સિનેમેક્સનું ઉદઘાટન કર્યું અભિનેત્રી કાજોલે. આમ તો ઉદઘાટનમાં અજય દેવગન અને કાજોલ બેઉ સજોડે આવવાના હતા પરંતુ એકમાત્ર કાજોલ જ આવી. અલબત્ત કાજોલનો હેતુ સિનેમેક્સના ઉદઘાટન કરતા વધુ તો તેની આ શુક્રવારે રીલીઝ થનારી ફિલ્મ યુ મી ઓર હમની પબ્લિસીટી કરવાનો જ હતો. યુ મી ઓર હમના કેટલાક નવોદિત કલાકારો પણ તેની સાથે હાજર હતા.
અમદાવાદમાં આજકાલ પ્રેસ કોન્ફરન્સનું કોઈ સ્તર રહ્યુ નથી. પબ્લીકેશન્સ વધ્યા છે એટલે પત્રકારો પણ વધ્યા છે અને નાના છાપાઓની સ્સ્તા પગાર આપવા પડે એ માટે કોઈ પણ ફ્રેશ છોકરા-છોકરીને ભરતી કરી દેવાની પોલીસીને કારણે પત્રકારીતાનુ સ્તર નીચે ને નીચે જઈ રહ્યું છે. એક પત્રકારે કાજોલને પૂછ્યું કે શું તમારો પતિ(અજય દેવગન) રોમેન્ટીક છે? તો બીજી ચીબાવલીએ પૂછ્યું કે તમારી દીકરી નાયસા શું કરે છે? એક પત્રકારે એમ પૂછ્યુ કે કાજોલજી તમારા આ કમબેક પર તમને કેવુ લાગે છે? અને કાજોલે કહ્યું કે મારી બે વર્ષ પહેલા અને તેથી પણ બે વર્ષ પહેલા ફિલ્મો આવી ગઈ છે અને હવે હું કોઈ પણ ફિલ્મ કરુ એટલે પત્રકારો કહે છે કે કમબેક …અને એક પત્રકારાએ એમ પણ પૂછ્યુ કે શું લગ્ન બાદ તમારી એક્ટીંગમાં કોઈ ફર્ક પડ્યો છે …… અન તમે કેવુ મેહસૂસ કરો છો ? એવો પ્રીન્ટેડ સ્ટીરીયોટાઈપ સવાલ પૂછ્યો ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની અમદાવાદ મીરરની પત્રકારાએ. આ પત્રકારા સાહીબા પત્રકાર પરિષદમાં આગળ બેસવાના મામલે ઓર્ગેનાઈઝર જોડે મોટા ઘાંટા પાડીને ઝગડતી હતી. હું જસ્ટ એની પાછળની સીટ પર હતો એટલે આ ખેલ જોતો હતો. એક ત્રીજી જ વ્યક્તિ તરીકે જોઈને આ ઝઘડો મને બીલો ડિગ્નીટી અને ભદ્દો લાગતો હતો. હું પાછળ બેસવા નથી આવી એમ કહીને પત્રકારા સાહેબા ઝઘડી રહ્યા હતા. તેમનુ કહેવુ હતુ કે પાછળથી પ્રશ્ન પૂછવામાં તકલીફ પડશે માટે આગળ જ બેસવુ છે. હકીકત એ છે કે કોડલેસ માઈક હોય પછી પાછળ કે આગળ ક્યાંય પણ બેસીને પ્રશ્ન પૂછી શકાતો હોય છે. અને આ પત્રકારાએ વારો આવ્યો ત્યારે પ્રશ્ન પૂછ્યો… કેવુ મહેસૂસ કરો છો એટલેકે આપકી ફીલીંગ્ઝ ક્યા હે? હા હા … અંગ્રેજી છાપાઓનું સરક્યુલેશન ઓછુ હોય છે અને ઈગો મોટો હોય છે એવી ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં કામ કરી ચૂકેલા અને હાલ ગુજરાત સમાચારમાં કામ કરી રહેલા ફોટોગ્રાફર ગૌતમ મહેતાએ તેમના અંગ્રેજી જર્નાલીઝમ સાથેના અનુભવના નિચોડમાં કરેલી વાત મને યાદ આવી ગઈ.
મેં કાજોલને ત્રણ પ્રશ્નો પૂછ્યા. ૧. ફના ફિલ્મ ગુજરાતમાં રીલીઝ ન થઈ શકી એ વિશે ફનાનો હીરો આમીર ખાન તો ઘણુ બોલ્યો પણ ફિલ્મની અભિનેત્રી તરીકે આપ હજુ સુધી કશું બોલ્યા નથી અને ચૂપ છો. આજે કશું કહેશો એ વિશે ? કાજોલે જવાબ આપ્યો કે ના હું આજે પણ ચૂપ જ રહીશ કારણકે મારે આવતા શુક્રવારે ગુજરાતમાં મારી ફિલ્મ યુ મી ઓર હમ રિલીઝ કરવી છે ભાઈ !! આખો હોલ કાજોલના આ હાજર જવાબ પર ખૂબ હસ્યો હતો. મારો બીજો પ્રશ્ન ૨. અજય દેવગનનો હમણા ડાઉન કર્વ(પડતીનો કાળ) આવ્યો ત્યારે અજય કેવી મનોસ્થિતિમાં હતો. ઘરે શું ચર્ચા થતી હતી તમારી વચ્ચે? કાજોલે આ પ્રશ્નનો જવાબ એવો આપ્યો કે આપ કદાચ હલ્લાબોલ વિશે વાત કરો છો. હલ્લાબોલમાં અજયની એક્ટીંગ તો ક્રિટીક્સે વખાણી જ છે. એક્ટરનું કામ તો પોતાનુ સો ટકા પ્રદાન આપવાનું છે પછી ફિલ્મ ચાલે કે ન ચાલે. મને કાજોલને કહેવાનુ મન તો થઈ ગયુ કે હલ્લાબોલ જ નહી, રામ ગોપાલ વર્માની અજય દેવગન વાળી ફિલ્મો અને કેશ પણ ઉપરાઉપરી ફલોપ ગઈ છે એ સંદર્ભમાં મારો પ્રશ્ન હતો… ખેર પણ હું ત્રીજા પ્રશ્ન તરફ વળ્યો ૩. કરણ જોહર સાથે ફિલ્મ સાઈન થઈ ગઈ છે? મિડિયામાં સ્ટ્રોંગ વાત છે.. કાજોલ ઉછળી પડી કે ના મારે સ્પષ્ટ કરવું છે કે હજુ મેં કેજોની ફિલ્મ સાઈન નથી કરી. એની સ્ક્રીપ્ટ રેડી નથી અને હું સ્ક્રીપ્ટ જોઈને જ ફિલ્મ સાઈન કરવાનુ પસંદ કરૂ છુ. કાજોલે કહ્યું કે મિત્રતામાં કે ગીલ્ટ ફીલ ન થાય એ માટે જો હું ફિલ્મ સાઈન કરી દઉ તો મારા કામ સાથે મેં દગો કર્યો ગણાય.
કાજોલે એક બહુ સરસ વાત કહી જેણે મને વિચારતો કરી મૂક્યો. તેની આગામી ફિલ્મ યુ મી ઓર હમનો સંદેશ એટલેકે મેસેજ બયાન કરતા તેણે કહ્યું કે આ ફિલ્મનો સંદેશ એ છે કે તમારે તમારા માણસ સાથે કોઈ સમસ્યા હોય તો યાદ રહે કે સમસ્યા કરતા માણસ વધુ મહત્વનો છે. સમસ્યા ગમે તેટલી મોટી હોય. એ તમારા માણસથી મોટી તો નથીજ. તમે એને માણસ કરતા મોટી બનાવશો પણ નહી.
છેલ્લે એક વાત કરી દઉ. યુમી ઓર હમ ફિલ્મના લેખક રોબીન ભટ્ટ ગુજરાતી છે. પત્રકાર પરિષદમાં માઈક પકડવાની સાથે જ જ્યાં કાજોલે કહી દીધુ કે તેને ગુજરાતી નથી આવડતુ એ માટે માફ કરશો કે પોતે હિંદીમાં બોલશે ત્યાં રોબીન ભટ્ટે માઈક પકડતા જ કહ્યું કે મને તો માત્ર ગુજરાતી જ આવડે છે માટે બાકીનાઓ મને માફ કરશો.

Bollywood Actress Kajol in Ahmedabad
****
![]() |
માઈકાનો પદવીદાન સમારંભ: ગુજરાતી માત્ર એક …
02-04-2008થોડાક વર્ષો પહેલા ગુજરાત સરકારે કોફીટેબલ બુક બહાર પાડી હતી જેમાં ગુજરાતની રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સ્તરની શૈક્ષણિક સંસ્થાઓની વિશાળ ફોટોગ્રાફ સાથે વિગતો હતી. કોઈપણ ગુજરાતી આ બુક જુએ તો તેને અહેસાસ થાય કે ખરેખર આમાંની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ તો એવી છે કે જેના વિશે આપણે જાણતા જ નથી.
ખેર, હું આપને પ્રશ્ન પૂછીશ કે માઈકા ઈન્સ્ટિટ્યુટ વિશે તમે જાણો છો ? તો તમારો જવાબ મોટેભાગે ‘ના’ મા હોવાનો.
અમદાવાદથી સાણંદ જતા હાઈવેથી દોઢ કિલોમીટર દૂર શેલા ગામમાં આવેલી મુદ્રા ઈન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનિકેશન એટલેકે શોર્ટફોર્મમાં માઈકા એ આ ક્ષેત્રની ભારતની સૌથી પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટ્યુટ છે.
મારે હમણા માઈકાના વાર્ષિક પદવીદાન સમારંભમાં જવાનુ થયુ.ડો. એપીજે અબ્દુલ કલામ આ સમારંભના મુખ્ય અતિથિ વક્તા હતા. ડો. કલામે આ પ્રસંગે શું કહ્યું અને શું બોલ્યા એ વિશે હું અહીં લખતો નથી કારણકે એમની વેબસાઈટ પર એમનું એ આખુ વક્તવ્ય આપેલું જ છે(અહીં ક્લીક કરો). દરઅસલ મારે તો વાત કરવી છે ગુજરાતમાં આવેલી માઈકામાં ગુજરાતીઓના પ્રતિનિધિત્વની.
તમને જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદની પાડોશમાં આવેલી માઈકામાં ૯૪ વિદ્યાર્થીઓએ પાસ થઈને પદવી લીધી પરંતુ તેમાં ગુજરાતી માત્ર એક જ !! જીહા માત્ર એક ગુજરાતી. ખ્યાતિ સારંગ નામની આ છોકરી અમદાવાદના મણિનગરની છે. મેં તેને પૂછ્યું કે કેમ અહીં માત્ર એક જ ગુજરાતી? તેણે જવાબ આપ્યો કે અહીં કેટની પરીક્ષા આપીને દાખલ થવાનું હોય છે કેટ પછી માયકેટ નામની આ સંસ્થાની ઈન્ટર્નલ પ્રવેશ પરીક્ષા હોય છે એ પણ પાસ કરવાની હોય છે. ગુજરાતીઓ અન્ય રાજ્યોની તુલનામાં કેટની પરીક્ષામાં ઓછા બેસતા હોય છે. જે ગુજરાતીઓ કેટની પરીક્ષામાં બેસે છે તેઓ પણ માત્ર એમબીએમાં એડમીશન લેવા માટે બેસે છે. માઈકામાં ક્રિએટીવ તરેહનું ભણવાનુ હોય છે. ઘણા ગુજરાતીઓને તો તેના કોર્સની માહિતી જ નથી હોતી અને બાકીના ઘણાને તે તરફ રૂચિ ન હોય એવુ પણ બને.
ખ્યાતિ સારંગની આ વાત સાંભળીને મને કેટલાક વર્ષો પહેલાનો મારો આઈઆઈએમ અમદાવાદમાં ગુજરાતી છોકરાઓ નથી હોતા એ વિશેનો લેખ યાદ આવી ગયો. એ વખતે આઈઆઈએમ અમદાવાદના ડિરેક્ટર બકુલ ધોળકિયા હતા. એમણે મને કહ્યું હતુ કે અહીં ગુજરાતી છોકરો એક પણ નથી દાખલ થતો. મેં તેમની પાસે દાખલ થયેલા છોકરાઓની વિગત માંગી તો એક અટક જાદવ જોવા મળી અને ત્રણ છોકરાઓ અમદાવાદના સરનામાવાળા જોવા મળ્યા. મેં બકુલભાઈને કહ્યું કે ચાર છોકરા ગુજરાતી છે. તેમણે મને કહ્યું કે આ ચારેયને મળ અને નક્કી કર કે તે ગુજરાતી છે કે કેમ? હું જાદવને મળ્યો તો તે મહારાષ્ટ્રનો હતો. તેણે કહ્યું કે જાદવ અટક મહારાષ્ટ્રમાં હોય છે. હું બાકીના અમદાવાદનુ સરનામુ ધરાવનારા છોકરાઓને મળ્યો તો તે તમામ બિનગુજરાતી હતા અને અમદાવાદમાં માત્ર રહેતા હતા એટલુજ!!
આઈઆઈએમ, એનઆઈડી, માઈકા અને ઈવન આઈએએસ, આઈપીએસ આ બધામાં ગુજરાતીઓ કેમ નથી હોતા? અથવા નહીવત કેમ હોય છે? એ પ્રશ્નના વિવિધ લોકો વિવિધ જવાબ આપે છે. મને લાગે છે કે કોમ્પીટીટીવ એક્ઝામની તૈયારી માટે સરકારે એક ઈન્સ્ટિટ્યુટ ઉભી કરવી જોઈએ કે જેમાં હોંશિયાર વિદ્યાર્થીઓ દાખલ થઈને તૈયાર થઈ શકે. ગુજરાતીઓ આઈએએસની પરીક્ષામાં ઓછા પાસ થતા હોવાથી સરકારે અમદાવાદની સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન(સ્પીપા)માં તે અંગેનો તાલીમનો કોર્સ રાખ્યો છે અને તેના ઘણા સારા પરિણામો પણ મળે છે.
સાથે સાથે એ વાતની પણ તપાસ થવી જોઈએ કે ગુજરાતી વિદ્યાર્થીને પ્રવેશ માટે આવી સંસ્થાઓના પ્રવેશ ઈન્ટર્વ્યૂમાં ભેદભાવનો અનુભવ તો નથી કરવો પડતો ને ? આ મુદ્દો હું એટલા માટે ઉપસ્થિત કરુ છુ કારણકે મેં સાંભળ્યું છે કે આવી સંસ્થાઓ(ખાસ કરીને માઈકા અને એનઆઈડી) ગુજરાતી સ્થાનિક વિદ્યાર્થીને એટલા માટે પસંદ નથી કરતી કારણકે ગુજરાતીઓ કન્ઝરવેટીવ માઈન્ડના ગણાય છે અને આ બધા લીબરલ કેમ્પસ છે જેમાં એવુ ઘણુ બધુ ચાલતુ હોય છે કે જેની વિગતો સ્થાનિક ગુજરાતી વિદ્યાર્થી હોય તો ઝડપથી બહાર પડી જઈ શકે છે અને સંસ્થાઓ મૂશ્કેલીમાં મૂકાઈ શકે છે.
******
![]() |
કચ્છ સરહદના મુસ્લિમ ગામોમાં દેશભક્ત થોડા પણ દેશદ્રોહીઓની આખી જમાત …
01-04-2008મિત્રો દેશગુજરાત પર ફ્રન્ટ પેજની ડાબી બાજુએ(તમારા જમણા હાથે) ગુજરાતના વિવિધ સમાચાર સ્ત્રોતોની વિગત એટલા માટે મૂકી છે કે જેથી તમે સતત ગુજરાતની જુદી જુદી વાતોના સંપર્કમાં રહી શકો. પહેલી એપ્રિલે મારા વાંચવામાં કચ્છમિત્રનો એક ચોંકાવનારો અહેવાલ આવ્યો છે જેને ખૂબ જ ગંભીરતાથી લેવો પડે.
આ અહેવાલની વિગત એવી છે કે પાછલા વર્ષે ૨૦૦૭ની નવરાત્રિ વખતે પાકિસ્તાનીઓ નખત્રાણા વિસ્તારના ગામમાં ઘૂસી આવ્યા હતા. રણ કાંધીએ આવેલા ભમભારાવાંઢ ગામના નીવસાયા જત નામના કચ્છી મુસ્લિમ નાગરિકે દેશભક્ત બનીને આ મામલે રણ કિનારાના નરાની પોલીસને જાણ કરી દીધી હતી. જોકે જે પાકિસ્તાનીઓ આ બાતમીના આધારે પકડાયા હતા તેઓ સૌ પાસપોર્ટથી ભારતમાં આવ્યા હતા. પરંતુ જરૂરી પરવાનગી વગર તેમનું કચ્છમાં આવવાનુ ગેરકાયદેસર હતુ. પાકિસ્તાનીઓ તેમના કચ્છમાં રહેતા મુસ્લિમ સગાને મળવા આવ્યા હતા. આ સગાઓએ તેમને ગેરકાયદે રીતે રાખ્યા પણ હતા અને જમાડ્યા પણ હતા.પાકિસ્તાનીઓ ભાગડિયા પહોંચ્યા ત્યારે પોલીસને બાતમી મળી જતા પોલીસે તેમને પક્ડીને જરૂરી કાર્યવાહી કરી હતી.
પાકિસ્તાનીઓના કચ્છી સગા અને ગામની મુસ્લિમ જમાતે પોલીસને બાતમી આપનાર નિવસાયા બેગમ જતને બાતમી આપવા બદલ સજા ફટકારવા માટે આ પછી જમાત બોલાવી હતી અને પોલીસને બાતમી આપવા બદલ નિવસાયા બેગમ જતને કુરાનના સોગંદ લેવડાવીને એકાવન હજારનો દંડ ફટકાર્યો હતો.
નિવસાયા બેગમ જતે તેના ગામની મુસ્લિમ જમાત સમક્ષ એક જ રટણ ચાલુ રાખ્યુ કે પોતે બાતમી નથી આપી અને દંડ પણ ન ભર્યો. સામે પક્ષે જેના ઘરે પાકિસ્તાનીઓ સગા તરીકે આવ્યા હતા તે અને તેના સાથીદારો તથા સ્થાનિક મુસ્લિમ જમાતના આગેવાનો ભમભારાવાંઢના ખુદાના હાજી મીઠુ જત, મામ વલીદાન જત, લુડબાયના મજીદ હાજી મીઠુ જત, વાહબ હાજી મજીદ જત અને મામદ હનીફ જતે નિવસાયા જતને દંડ ન ભરે તો ગાયબ કરી દેવાની ધમકી આપી હતી.
આ પછી નિવસાયે આ મામલે હમણા નખત્રાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ખુદાના હાજી, વાહબ મજીદ અને મામદ વલીદાની ધરપકડ પણ કરી લીધી છે.
કચ્છમિત્ર નોંધે છે કે ભૂતકાળમાં રણ કિનારાના હાજીપીરમાં લશ્કરે તૈયબાનો તાલીમ લીધેલો આતંકવાદી એકે-૫૬ રાયફલ સાથે પકડાયો હતો ત્યારે પણ તેનો યશ સ્થાનિક બાતમીદારને જતો હતો. સ્થાનિક દેશભક્ત બાતમીદારે જ પોલીસને આ અંગે જણાવ્યુ હતુ. પરંતુ આ બાતમીદારને તેની જમાતે પાણી પણ ન મળે એવી સજા કરી હતી અને છ મહિના સુધી તેણે દેશભક્તિ દાખવવા બદલ સજા ભોગવવી પડી હતી.
કચ્છ સરહદે દેશભક્ત બાતમીદાર મુસ્લિમોને પરેશાન કરતા દેશદ્રોહીઓને પોલીસ દાખલો બેસે એવી કડક સજા કરે અને ફરીથી આવુ કરવાની કોઈની હિંમત ન થાય એવુ વાતાવરણ બનાવે એ જરૂરી છે.
કેટલાક સમય પહેલા આરએસએસના વડા શ્રી સુદર્શનજીએ કહ્યું હતુ કે ભારતના જે જે ભાગમાં હિંદુઓ લઘુમતિમાં મૂકાયા છે ત્યાં ત્યાં ભારતે અશાંતિ, આતંકવાદ કે વિભાજન ભોગવવુ પડ્યુ છે. મારો ઈશારો કચ્છના સરહદી ગામોમાં મુસ્લિમ વસ્તીની બહુમતિ હોવા તરફ અને સતત વધતી તેમની વસ્તીની તરફ છે. આપણે આને નજરઅંદાજ કરીશું તો ભવિષ્યમાં માઠા પરિણામ ભોગવીશું.
Note:Gujarati fonts can be read clearly only in Internet Explorer and not in Firefox browser
Click here for January+February+March 2008’s articles
જાન્યુઆરી+ફેબ્રુઆરી+માર્ચ ૨૦૦૮ના લેખો પર પહોંચો
Click here for December 2007’s articles
ડિસેમ્બર ૨૦૦૭ના લેખો પર પહોંચો
Click here for November 2007’s articles
નવેમ્બર ૨૦૦૭ મહિનાના લેખો પર પહોંચો
Click here for October 2007’s articles
ઓક્ટોબર ૨૦૦૭ મહિનાના લેખો પર પહોંચો






















.jpg)









































