Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



ઈલેક્ટ્રોનીક,કેરેક્ટર્સની રાખડીઓથી બાળકોની રક્ષાબંધન રમકડાબંધન બની

-ઈલેક્ટ્રોનીક, કેરેક્ટર્સની રાખડીઓ:રક્ષાબંધન કે રમકડાબંધન?
-બ્રાહ્મણોએ એક મહિનામાં ત્રણ વખત જનોઈ બદલવાનો ઘાટ સર્જાયો છે
-આનંદીબહેન પટેલ સહિતની ભાજપની મહિલા કાર્યકરોએ મોદીને રાખડી બાંધી
-પશ્ચિમ અમદાવાદમાં મિઠાઈ અને ફરસાણની દુકાને લાઈનો લાગી


આ વખતે રક્ષાબંધન પ્રસંગે બાળકોમાં ઈલેક્ટ્રોનીક ચાઈનીસ રાખડીઓનું ચલણ એવું તો વધ્યું હતું કે રક્ષાબંધન તેમના માટે રમકડા બંધન જેવી બની ગઈ હતી.

રક્ષાબંધનની મૂળભૂત વિભાવના એ છે કે બહેન ભાઈને જમણા હાથે સૂતરનો દોરો બાંધે અને તેના માટે શુભકામનાઓ વ્યક્ત કરે. પરંતુ આ રક્ષાબંધનથી કમસેકમ બાળકો માટે તો રક્ષાબંધનની જુદીજ વિભાવના થઈ છે.

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા દસ વર્ષના યશની બહેન ગાયત્રીએ યશને કઈ રાખડી બાંધવી એ યશે નક્કી કરવાનું હતું. યશ અને ગાયત્રી બંને મમ્મી સાથે બજારમાં ગયા જ્યાં યશે લાઈટો ઝબૂક ઝબૂક થાય તેવી મોટી સાઈઝની ઈલેક્ટ્રોનીક રાખડી પસંદ કરી જેની કિંમત ૨૮ રૂપિયા હતી. આ જ સમયે દુકાન પર કિર્તન નામનો અન્ય એક બાળક પણ આવ્યો હતો જેણે સુપરમેનની રાખડી પસંદ કરી તો ધવલ નામના અન્ય બાળકે માતા પિતા સમક્ષ જીદ કરી હતી કે તેના માટે તેની બહેન નેહા લાઈટની સાથે મ્યુઝીક પણ વાગે એવી જ રાખડી પસંદ કરે. માતા પિતાએ નેહાને લાઈટ અને મ્યુઝીક વાળી રાખડી અપાવી દીધી.

પ્લાસ્ટિક, રબર જેવી ચીજોથી બનેલી સ્પાઈડરમેન, બેટમેન, સુપરમેન, અને કાર્ટૂન કેરેક્ટર્સની રાખડીઓ મોટી હોય છે અને રક્ષાબંધનનો આખો દિવસ પણ પહેરી શકાતી નથી. બહેન આવી રાખડી બાંધે એના કલાકમાં જ ભાઈ આવી રાખડી કાંડા પરથી ઉતારી લે છે. આવી કેટલીક રાખડીઓમાં તો હૂક આપેલું હોય છે કે જેથી રાખડી ઉતારીને કેરેક્ટરને કીચેન બનાવીને વાપરી શકાય છે. તો લાઈટ અને મ્યુઝીકવાળી રાખડીમાં વપરાતા ઘડિયાળના સેલ એટલા નબળા હોય છે કે એક દિવસમાં તો ઉતરી જાય છે. આ સાથે જ ભાઈ માટે આવી રાખડીનું રમકડા તરીકે પણ કોઈ મહત્વ રહી જતું નથી અને તે રાખડીને ફગાવી દે છે. કેટલીક બહેનો નાના ભાઈને આવી ઈલેક્ટ્રોનીક કે કેરેક્ટરવાળી મોટી સાઈઝની રાખડી બાંધવાની સાથે સાદી ગોટા જેવી રાખડી પણ બાંધી દે છે. બાળક ભાઈ રમકડાવાળી રાખડી ભલે ઉતારી લે પણ સાદી રાખડી કમસેકમ રક્ષાબંધનના દિવસ પૂરતીતો બાંધી રાખી શકે છે.

આજે રક્ષાબંધનના દિવસે જ સાંજથી ગ્રહણ શરૂ થતું હોવાથી મોટાભાગની બહેનોએ ગ્રહણ શરૂ થવાના સમય અગાઉ જ રાખડીઓ બાંધવાનું કામ તમામ કરી લીધું હતું. ગુજરાતના અંબાજી સહિતના તમામ મુખ્ય મંદિરો ગ્રહણના કારણે રક્ષાબંધનની બપોર પછી બંધ રહ્યા હતા તથા રક્ષાબંધનના બીજા દિવસની સવારની આરતી પણ મોડી અયોજિત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો રક્ષાબંધન સમારંભ ગાંધીનગરમાં યોજાયો હતો જ્યાં ભાજપના મહિલા મોરચાની બહેનો, કચ્છની ભૂકંપ ગ્રસ્ત પરિવારોની બહેનો, બ્રહ્માકુમારીઝની બહેનો વગેરેએ સ્ટેજ પર બેઠેલા મોદીને લાઈન લગાવીને રાખડી બાંધી હતી. આમાં આનંદીબહેન પટેલે પણ દર વર્ષની માફક નરેન્દ્રભાઈને રાખડી બાંધી.

અમદાવાદના શાહપુરમાં હિંદુઓ મુસ્લિમોને અને મુસ્લિકો હિંદુઓને રાખડી બાંધે તેવો સમારંભ યોજાયો હતો. અમદાવાદની સાબરમતી જેલમાં રાખડીઓ બાંધવા માટે કેદીઓની બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. બ્રાહ્મણો રક્ષાબંધનની પૂનમે જનોઈ બદલવાનો સામૂહિક કાર્યક્રમ આયોજિત કરતા હોય છે પરંતુ આ વખતે ગ્રહણના કારણે આવા કાર્યક્રમો વહેલી સવારે યોજાઈ ગયા હતા. પાછુ બ્રાહ્મણોની જનોઈનું એવું હોય છે કે ગ્રહણ થાય એટલે ગ્રહણનું સૂતક લાગ્યું કહેવાય તેથી ગ્રહણ પછી જનોઈ બદલવી પડે. તાજેતરમાં સૂર્યગ્રહણ હતું ત્યારે બ્રાહ્મણોએ જનોઈ બદલી. પછી રક્ષાબંધનની પૂનમ આવી એટલે બ્રાહ્મણોએ ફરીથી જનોઈ બદલી. પછી રક્ષાબંધનની રાત્રે ચંદ્રગ્રહણ થયું એટલે બીજા દિવસે બ્રાહ્મણોએ ફરીથી જનોઈ બદલવાનો કાર્યક્ર્મ હાથ ધરવો પડે એવો ઘાટ સર્જાયો

રક્ષાબંધનને કારણે આજે મિઠાઈ અને ફરસાણની દુકાનોમાં ખૂબ જ લાંબી કતારો જોવા મળતી હતી. ક્યાંક કતાર સો-સો વ્યક્તિઓની પણ હતી. આ વખતે બહેનો પેંડા કે કાજુકતરીના સ્થાને ભાઈનું મોઢું ગળ્યું કરાવવા માટે કેક અને પેસ્ટ્રી પણ ખરીદતી જોવા મળતી હતી.

ગુજરાતમાં પંદરમી ઓગસ્ટ અને રક્ષાબંધનની બે સળંગ રજાઓ બાદ તુરંત જ શનિવાર આવે છે અને પછી રવિવાર છે. પછી પાછી મંગળવારે પારસીઓના તહેવાર પતેતીની જાહેર રજા છે. એટલે ટૂંકમાં સોમવારને બાદ કરીએ તો ચાર રજાઓ છે. ઘણી સ્કૂલો અને ઓફિસોમાં સોમવારે પણ રજા જાહેર કરી દેવાઈ છે જેના કારણે તેવા લોકોને પાંચ સળંગ રજાઓ મળી ગઈ છે.

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World