Home » More » Gujarati » Andar Bahar Gujarat:August,September 2008 Archive

Andar Bahar Gujarat:August,September 2008 Archive

Andar Bahar Gujarat:August,September 2008 Archive

For regular articles, go to http://DeshGujarat.Com/ABG


આપણા ધારાસભ્યોએ સેવા કરવા વધારે પગાર અને સુવિધાઓ જોઈએ છે

30-09-2008


ભાજપ શું ને કોંગ્રેસ શું અને હંમેશા ડાહી વાતો કરનારા આપણા નરેન્દ્ર મોદીય શું? આ બધા ભેગા થઈને વિધાનસભાના છેલ્લા દિવસે ગુજરાતના વિધાનસભ્યો, વિધાનસભાગૃહના અધ્યક્ષ તથા મંત્રીઓના પગાર અને ભથ્થા વધારાનો ચૂપચાપ લાવી દેવામાં આવેલો પ્રસ્તાવ પાસ કરવાના હતા.ચૂપચાપ શબ્દ અહીં એટલા માટે વાપરું છું કારણકે આ પ્રસ્તાવની પત્રકારોને કોઈ જાણ કરવામાં આવી ન હતી. બાકી બધી ચીજોની જાણ કરતી અખબારી યાદીઓ આવી જતી હતી પણ આ પ્રસ્તાવ વિશે બધા ચૂપ હતા. પ્રસ્તાવ પાસ થઈ શક્યો નહીં કારણકે કોંગ્રેસે છેલ્લી ઘડીએ મંત્રીઓના પગાર વધારાની વાત પર અસહમતિ દર્શાવી. એ વાત તો નિશ્ચિત છે કે આ નહીં તો આવતા સત્રમાં આ પ્રસ્તાવ થોડા સુધારા વધારા સાથે ફરી આવશે અને પાસ પણ થઈ જશે.

હવે જરા જુઓ આપણા સેવા કરવા નીકળેલા વિધાનસભ્યોએ કેવા ભથ્થા જોઈએ છે. ગુજરાતનો સામાન્ય માણસ બિચારો સિવીલ હોસ્પિટલ ભેગો થતો હોય છે ત્યારે નેતાઓએ સરકારી સિવિલમાં નહીં પણ ફાઈવ-સ્ટાર ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવી છે. અને એ પણ ટેક્સ પેયરોના ખર્ચે.વિધાનસભ્યોના ભથ્થાના પ્રસ્તાવમાં એવો ઉલ્લેખ હતો કે તમામ ધારાસભ્યો, મંત્રીઓ, તેમના આશ્રિતો, કુટુંબીજનો, ઓરસ બાળકો, ઓરમના બાળકો, માતા-પિતા, બહેનો અને સગીર ભાઈઓ આ બધાને રાજ્યની સોળ હોસ્પિટલોમાં સારવાર અને દવાનો સંપૂર્ણ ખર્ચ ટેક્સપેયરોના ખર્ચે મળે. આમાં અમદાવાદની ક્રિષ્ણા હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ, સાલ, સ્ટર્લિંગ, રાજસ્થાન હોસ્પિટલ,જીવરાજ મહેતા હોસ્પિટલ, એપોલો હોસ્પિટલ, પીઆઈ હેલ્થકેર, લલિતા રતનલાલ કાર્ડિયેલ એન્ડ રિહેબીલીટેશન સેન્ટર ઉપરાંત સુરતની મહાવીર હોસ્પિટલ, વડોદરાની ભાઈલાલભાઈ અમીન જનરલ હોસ્પિટલ, નડિયાદની સાંઈબાબા હોસ્પિટલ અને મહાગુજરાત હોસ્પિટલ, ડીડીએમએમ, મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ અને વલસાડની મોહનલાલ દયાલ, તથા રાજકોટની સૌરાષ્ટ્ર સ્ટોન ક્લીનીકનો સમાવેશ થાય છે.

ધારાસભ્યોને અત્યાર સુધી ભારતમાં માત્ર ત્રણ વખત વિમાનની મુસાફરી કરવા મળતી હતી તે હવે જરૂર મુજબ ગમે તેટલી વાર કરવા મળે એવી આ પ્રસ્તાવમાં જોગવાઈ હતી. મોબાઈલ ફોનનો ચાર્જ મહિનાના ચાર હજારના બદલે પાંચ હજાર મળવાનો હતો. મંત્રીઓ તથા અધ્યક્ષનો પગાર હજારો રૂપિયામાં વધવાનો હતો.

આપણા રાજ્યના સફાઈ કર્મચારીઓ અત્યંત દારૂણ અવસ્થામાં જીવે છે. કચરો વાળતા ઉડતી ધૂળને કારણે તેમના ફેફસા ખલાસ થઈ જાય છે.મરેલુ કૂતરું ઉપાડી જાય,ઉભરાતી ગટરમાં હાથ નાખે, સ્ટોર્મ વોટર લાઈનની અંદર ઉતરીને કચરો કાઢે,બિચારા સાવ કૂતરાની માફક જીવતા હોય છે અને કૂતરાની મોતે જ મરતા હોય છે. હજુ સુધી મેં ક્યારેય સાંભળ્યું નથી કે વિધાનસભા કે મ્યુનિસિપલ કોર્પોરેશન આ કારમી ગરીબી ભોગવતા લોકોના પગાર વધારાનો પ્રસ્તાવ લાવ્યા હોય. ધારાસભ્યો પોતાના પગાર વધારાના પ્રસ્તાવ દરેક થોડા વર્ષે લાવી દેતા હોય છે. ધારાસભ્યોની દલીલ હોય છે કે ભથ્થા અને પગાર વધે તો તેઓ પોતાનું કામ વધુ સારી રીતે કરી શકે. મારુ કહેવું છે કે આ તર્ક તો કોઈ પણ પોતાની નોકરી વિશે આપી શકે. પણ ધારાસભ્યગીરી એ કોઈ નોકરી નથી. જે ધારાસભ્યને સેવા કરવાનું ન પોસાતું હોય એણે રાજીનામું આપીને કોઈ નોકરી કે ધંધામાં પડવું જોઈએ. ચૂંટણી લડતી વખતે ખબર ન હતી કે પગાર કેટલો મળવાનો છે? જો પગાર ઓછો હતો તો ચૂંટણી જ કેમ લડ્યા? ધારાસભ્ય જ કેમ બન્યા? જે ધારાસભ્યો અત્યંત પૈસાદાર છે એનું શું? જેમની જમીનો જ જમીનો પથરાયેલી છે, જેમની પોતાની લાંબી ગાડીઓ છે, જેમના ફાર્મ હાઉસના દરવાજે ઉભા રહો તો છેડો ન દેખાય એટલા તે વિશાળ છે, જેમની લાખો અને કરોડોનું ટર્નઓવર કરતી ફર્મ આવેલી છે એ બધાને પગાર વધારાની કોઈ જરૂર છે? સરકારી હોસ્પિટલમાં નહીં ને ફાઈવ સ્ટાર હોટેલ જેવી ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે સારવાર અને દવાના ધારાસભ્યોના, તેમના ભાઈ, બહેન આ બધાના બિલ બિલ રાજ્ય શું કામ ભોગવે? જનતા શું કામ ભોગવે? આ વળી કેવી પેરવી છે? આ લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવામાં કઈ નાનપ અનુભવે છે? સરકારી હોસ્પિટલોની સ્થિતિ બહેતર બનાવવાનું કામ તો તેમનું છે. કેમ સરકારી હોસ્પિટલો બહેતર બનાવી શકતા નથી આ લોકો? ને કેમ ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવી છે આ લોકોએ આપણા ખર્ચે?
***


વાત ભાજપી મુસ્લિમોની

26-09-2008


કેટલાક સમય પહેલા દેશગુજરાત પર એક અનોખો ફોટોગ્રાફ અને સ્ટોરી પ્રસિદ્ધ થયા જેને જોઈને સૌએ આશ્ચર્ય અનુભવ્યુ. ફોટો હતો ગુજકોકના કાયદાને સમર્થન આપવા માટે ભાજપે શરૂ કરેલા સહી અભિયાનમાં સહી કરનારા મુસ્લિમોનો. આ મુસ્લિમોએ માથે તો મુસ્લિમ ટોપી પહેરી હતી પરંતુ ગળામાં ભાજપની ભગવી ખેસ પહેરી હતી. આજે કચ્છથી વાપી સુધી ભાજપમાં પાંચ હજાર મુસ્લિમો જોડાયેલા છે. હમણાં દક્ષિણ ગુજરાતના નવસારીની સ્થાનિક બોડીની ચૂંટણીમાં મુસ્લિમ બહુમતિ વિસ્તારમાંથી એક યુવાન ક્લીન શેવ્ડ મુસ્લિમ ભાજપની ટિકીટ પર ચૂંટાઈ આવ્યો છે.

ભાજપમાં મુસ્લિમોની કમાન સંભાળે છે વડોદરાના ગનીભાઈ કુરેશી. વડોદરાના મુસ્લિમ પ્રભુત્વવાળા યાકુતપુરા વિસ્તારમાં જઈને નાના છોકરાને ય પૂછો કે ગણપત કુરેશીનું મકાન ક્યાં આવ્યું તો તે ગનીભાઈ કુરેશીના ઘરે મૂકી જશે. આ ગનીભાઈ કુરેશી એ ભાજપના ગુજરાત પ્રદેશ કારોબારીના સભ્ય છે. તેઓ ભાજપમાં છે એટલે યાકુતપુરાના મુસ્લિમો મોઢા પર સ્માઈલ સાથે ટોન્ટમાં તેમને ગણપત કુરેશી તરીકે ઓળખે છે. ગનીભાઈ કુરેશી છેક ૧૯૭૦-૭૧ના ગાળામાં ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને તેમાં દાખલ થયા હતા અને કેસરી ઝભ્ભો તથા ખેસ પહેરીને મુસ્લિમ વિસ્તારમાં ફરતા હતા. તેઓ પહેલી વખત મુસ્લિમ વિસ્તારમાં કેસરી ઝભ્ભો અને ખેસ પહેરીને ગયા ત્યારે સ્થાનિક મુસ્લિમો દંગ રહી ગયા હતા. ગનીભાઈ કહે છે કે ૧૯૬૯માં કોંગ્રેસના શાસનમાં થયેલા કોમી તોફાનોના કારણે તેઓ ભાજપથી પ્રભાવિત થયા હતા. આતંકવાદીઓના કૃત્યને વખોડી નાખવા દેખાવો યોજવાના હોય કે પછી ગુજકોકને સમર્થન આપવાની માંગણીના બેનર પર સહી કરવાની હોય, આવા કોમી બનાવી દેવાયેલા ભારે પેચીદા મુદ્દાઓમાં પણ ભાજપના કાર્યક્રમોમાં મુસ્લિમ સહભાગીતા ગનીભાઈના સંગઠનબળથી જોવા મળે છે.

હવે પ્રશ્ન એ છે કે રૂઢિચુસ્ત અને કંઈક અંશે કટ્ટરવાદી મુસ્લિમ સમાજની વચ્ચે રહીને ભાજપની ખેસ પહેરનારા ભાજપી મુસ્લિમોને તેમના વિસ્તારમાં કેવા અનુભવ થતા હશે? ભાજપના લઘુમતિ સેલના અમદાવાદના પ્રમુખ રફીકભાઈ મેમણ કહે છે કે ૨૦૦૨ના કોમી તોફાનોમાં તેમના વિસ્તારના મુસ્લિમોએ તેમના જ ઘર પર હુમલો કરી દીધો હતો કારણકે પોતે ભાજપી છે. રફીકભાઈ કહે છે કે કોમી રમખાણોના આવા સમયે અમે તો મુસ્લિમ વિસ્તારમાં ય સલામત નહીં અને રમખાણો ચાલતી હોય એટલે હિંદુ વિસ્તારમાં તો જઈ પણ ન શકીએ. અમારી હાલત સૌથી ખરાબ થાય. રફીકભાઈ કહે છે કે ૧૯૯૨ના બાબરી ધ્વંસ પછીના કોમી રમખાણોમાં તેમણે પોતાનું ઘર મુસ્લિમોના આક્રોશથી બચવા માટે છોડી દેવું પડ્યું હતું. આવા વખતે તેમનો હેલ્પીંગ હેન્ડ હતો ભાજપના અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ બારોટ કે જેમની પ્રેરણાથી તેઓ ભાજપમાં જોડાયા હતા.

રફીકભાઈ હોય કે ગનીભાઈ, તેઓ મુસ્લિમ સમાજને લગતા જે કંઈ પણ પ્રશ્નો તેમની પાસે આવે એ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનું કામ કરીને મુસ્લિમ સમાજ તથા ગુજરાત સરકાર વચ્ચે બ્રીજ બને છે. અને મોટાભાગની વ્યાજબી બાબતોમાં રાજ્ય સરકારનું વલણ સહકારભર્યું હોય છે.

રફીકભાઈ અને ગનીભાઈને પૂછ્યું કે શું મુસ્લિમ હોવાના નાતે તેમણે ભાજપ કે ભાજપની રાજ્ય સરકાર તરફથી કોઈ વખત પણ કોઈ ભેદભાવનો સામનો કરવો પડ્યો છે? તો બેઉએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તુરંત જ ના પાડી.
***


અમદાવાદના પત્રકારોની લેહમેન બ્રધર્સ

19-09-2008

લેહમેન બ્રધર્સ અને મેરીલ લીંન્ચની આંતરરાષ્ટ્રિય ગોસીપ છોડો. હું તમને આપણા અમદાવાદના પત્રકારોની ‘લેહમેન બ્રધર્સ’ની વાત કહું છું અહીંયા એ સાંભળો આંખોથી.

અમદાવાદમાં બિઝનસ સ્ટાન્ડર્ડ નામના અંગ્રેજી અખબારની એડિશન નીકળતી હતી. કેટલાક સમય પહેલા બિઝનસ સ્ટાન્ડર્ડે તેની ગુજરાતી એડિશન શરૂ કરી. આ સાથેજ તેમાં દિવ્ય ભાસ્કરમાંથી પત્રકારોનું મોટું ગ્રુપ જોડાયું તથા અન્ય અખબારોમાંથી એકાદા-બે જણા જોડાયા. પરંતુ બિઝનસ સ્ટાન્ડર્ડની ગુજરાતી આવૃત્તિ હવે બંધ થઈ ગઈ છે. પત્રકારોના બેંકના ખાતામાં કંપનીએ ત્રણ ત્રણ મહિનાના પગાર જમા કરાવી દીધા છે અને તમામને છૂટા કર્યા છે. બિઝનસ સ્ટાન્ડર્ડમાંથી છૂટા થયેલા ધુરંધરો અને નહીં જાણીતા એવા પત્રકારો,ટ્રાન્સ્લેટરો વગેરે આજકાલ ઈકોનોમીક ટાઈમ્સ ગુજરાતી આવૃત્તિની ઓફિસના ચક્કર નવી નોકરી માટે કાપી રહ્યા છે.

બિઝનસ સ્ટાન્ડર્ડ ગુજરાતી કેમ ન ચાલ્યું? એક કારણ તો એ છે કે તેમાં ઓરીજનલ રીપોર્ટેડ ગુજરાત ઓરિએન્ટેડ કન્ટેન્ટ નહીંવત અને જૂજ હતું. પહેલા તો આ અખબારમાં ઓરીજીનલ ગુજરાત બેઝડ કન્ટેન્ટ શોધવું પડે એવી સ્થિતિ હતી. ક્યાંક અંદરના પાને કોઈક ખૂણે ગુજરાતના કોઈક રિપોર્ટેડ ન્યૂઝ છપાઈ જતા હતા. આ રિપોર્ટેડ ન્યુઝ એટલેકે પત્રકાર ફૂટવર્ક કરીને જે ઓરીજીનલ સ્ટોરી લઈ આવ્યો હોય એ. આવી સ્ટોરીઓ નજરે જ ન ચડતી હતી. શરૂઆતમાં આમ ચાલ્યું પછી બિઝનસ સ્ટાન્ડર્ડે છેલ્લા પાને અર્ધુ પાનુ લોકલ ગુજરાત બેઝડ ઓરીજીનલી જનરેટેડ સમાચાર મૂકવાના શરૂ કર્યા. પરંતુ અર્ધું પાનું તો બહુ જ ઓછુ કહેવાય આ બાબતમાં. વળી આ અર્ધા પાનાના કવરેજમાં પણ એક્સ્લુઝીવ કહી શકાય એવું કવરેજ બહુ જ ઓછું. મોટાભાગે જે અન્ય ઈકોનોમીક અખબારોમાં હોય તેવું જ પ્રેસ કોન્ફરન્સ અને પ્રેસ નોટ આધારિત પત્રકારત્વ હતું. ગુજરાતી બિઝનસ સ્ટાન્ડર્ડનું નેવુ ટકાથી વધુ કન્ટેન્ટ અંગ્રેજી બિઝનસ સ્ટાન્ડર્ડનું સીધે સીધું ભાષાંતર જ હતું. એડિટ પેજ પણ આખેઆખું ભાષાંતર થઈને છપાતું હતું. આમાં કશું જાનદાર લાગતું ન હતું, બધું શુષ્ક દેખાતું હતું. ગુજરાતનું, અમદાવાદનું, એના ધંધા ઉદ્યોગનું પ્રતિબિંબ, એક્સ્લુઝીવ ઠાલવી દેવાની કોશિશ, લેગવર્ક-ફૂટવર્કની ઝિંદાબાદી, લોકલ ટચ, લોકલ એક્સ્લુઝીવ, લોકલ ઈન્વોલ્વમેન્ટ, યંગ જોશ …આ બધાનો બેદરકારીભર્યો અભાવ દેખાતો હતો.

બિઝનસ સ્ટાન્ડર્ડ ગુજરાતીનો સીધો હરિફ એટલે ઈકોનોમીક ટાઈમ્સ ગુજરાતી કે જે પણ થોડા મહિનાઓ પહેલા જ શરૂ થયેલું અખબાર છે. ટાઈમ્સ ગ્રુપના આ અખબારમાં પહેલા પાને લોકલ એક્સ્લુઝીવની અવારનવાર કોશિશ, અંદરના ઉઘડતા બીજા અને ત્રીજા પાને લોકલ પોતીકા વિશેષ ગુજરાત આધારિત કન્ટેન્ટનો ઠેકઠેકાણે પથરાવ સહેલાઈથી જોવા મળી જાય..અને શરૂઆતમાં તો છેલ્લે પાને પણ લોકલ કન્ટેન્ટ રાખ્યું હતું.દેખીતીજ રીતે લોકપસંદ ઈકોનોમીક ટાઈમ્સ પર જ ઢળે.

બિઝનસ સ્ટાન્ડર્ડે યુવાન તરવરિયા રિપોર્ટરોના બદલે ટ્રાન્સ્લેટરો વધુ રાખ્યા હતા કે જે બેઠા બેઠા અંગ્રેજી અખબારનું બોરીંગ ગુજરાતી ટ્રાન્સ્લેશન કર્યા કરે અને ગુજરાતી આવૃત્તિ બહાર પાડી દે. આમાં નૈયા ડૂબી ગઈ. નવા ગુજરાતી અખબારની નવી ઉભી થયેલી તક ગુમાવી દેવાઈ.

અહીં આપને બીજા પણ એક સમાચાર આપવા છે. ઉત્તર પ્રદેશ સ્થિત ખમતીધર દૈનિક જાગરણ હિંદી અખબારે તેની અમદાવાદમાં ઓફિસ શરૂ કરી હતી. ગુજરાતી દૈનિક જાગરણ શરૂ કરવા માટેની આ કવાયત હતી. શરૂઆતમાં ગુજરાતીમાં બિઝનસનું અખબાર અને પછીથી સામાન્ય અખબાર કાઢવાની યોજના હતી જાગરણ ગ્રુપની. મોટા પગારે ગુજરાતી અખબારોમાંથી સ્ટાફની ભરતી કરવામાં પણ આવી. આવતી દિવાળી પર અખબાર લોંચ કરવાની કવાયત પણ ચાલી. પરંતુ પાછલા સપ્તાહે જાગરણે તેની અમદાવાદ ઓફિસ બંધ કરી છે. સ્ટાફ છૂટો કરી દીધો છે. જાહેર કરવામાં આવ્યું છે કે જાગરણ તેનો ગુજરાતી આવૃત્તિનો વિચાર પડતો મૂકે છે.

જાગરણ અને બિઝનસ સ્ટાન્ડર્ડે બજારમાં ત્રીસથી વધુ ગુજરાતી પત્રકારો/અનુવાદકોને નવરા ફરતા મૂકી દીધા છે. આ વાત હતી અમદાવાદી પત્રકારોની લેહમેન બ્રધર્સ અને મેરીલ લીંચની.

*****


બીઆરટીએસનો ત્રાસ

17-09-2008

આ જે હું લખી રહ્યો છું તેમાં હું ખોટો પડું તો જ સારૂ. પરંતુ હું ખોટો પડું તેવી શક્યતા ઓછી છે. કારણકે વર્તારા દેખાડી રહ્યા છે કે અમદાવાદમાં બીઆરટીએસ એટલેકે બસ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ નિષ્ફળ જશે. લોકો અત્યારથી જ ભરપૂર ગાળો દઈ રહ્યા છે બીઆરટીએસને. કારણ એ છે કે બીઆરટીએસે અમદાવાદના રસ્તાઓને સાંકડા બનાવી દીધા છે. અને તેના પરિણામે ટ્રાફીક વધી ગયો છે. વાહનોની ઝડપ ધીમી પડી ગઈ છે, એકાદુ સ્લો વ્હીકલ આખો ટ્રાફીક ચોપટ કરી દે તેવું બનવા માંડ્યું છે.

ધરણીધર ચાર રસ્તાથી શ્રેયસ ક્રોસિંગ પરનો ઓવરબ્રીજ વટાવો પછી માણેકબાગ હોલથી નહેરૂનગર ચાર રસ્તા સુધીનો રસ્તો ગજબનો સાંકડો થઈ ગયો છે. રસ્તાની એક તરફે જે દુકાનો, દેરાસર વગેરે આવેલા છે તેના વાહનો આ સાંકડા રસ્તા પર પાર્ક થતા અહીંથી પસાર થવાનું માથાના દુ:ખાવા સમું બની જાય છે. આ રસ્તો એટલો પહોળો અને વિધ્ન વગરનો હતો કે ઝડપથી મિનિટ બે મિનિટમાં પસાર થઈ શકાતું હતું. અત્યારે તો રસ્તાનો મોટો ભાગ બીઆરટીએસે રોકી લીધો છે અને લોકોને હવે બીઆરટીએસ ખર્ચાળ તરંગી તુક્કો લાગી રહ્યો છે.

સેટેલાઈટ રોડ કે જે પશ્ચિમ વિસ્તારના સૌથી મુખ્ય રસ્તાઓ પૈકીનો એક છે એ રોડ નહેરૂનગર ચાર રસ્તાથી રાણી લક્ષ્મીબાઈના પૂતળા સુધી ગળુ દબાવી દીધુ હોય એવો સાંકડો થઈ ગયો છે. આટલો મુખ્ય રસ્તો આવો સાંકડો થઈ જાય એ કલ્પના બહારની વાત છે. રસ્તા પર બીઆરટીએસની લેન ઉભી કરવાની લાયમાં આવું થયું છે. મારી તો કલ્પનામાં જ નથી આવતું કે જે રીતે વાહનો વધી રહ્યા છે અને ખાસ કરીને તો ગાડીઓ જે રીતે વધી રહી છે તે જોતા આવા સાંક્ડા રસ્તા કઈ રીતે વાયેબલ થશે.

દિલ્હીમાં પાછલા વર્ષોમાં બે પબ્લીક ટ્રાન્સ્પોર્ટેશન પ્રોજેક્ટ હાથ ધરાયા. તેમાંનો એક એટલે મેટ્રો ટ્રેન અને બીજો એટલે બીઆરટીએસ. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ જબરજસ્ત સફળ થયો કારણકે મેટ્રો ટ્રેન અંડરગ્રાઉન્ડ હોવાથી હયાત રસ્તાનો કોઈ ભાગ પચાવી પાડીને ઉભી કરાયેલ નથી એટલે આ પ્રોજેક્ટે ટ્રાફીકને ડિસ્ટર્બ કર્યો નથી. જ્યારે દિલ્હીમાં બીઆરટીએસ પ્રોજેક્ટ ભયંકર હદે નિષ્ફળ નીવડ્યો છે અને તેને ટનબંધ ગાળો પડી છે. કારણકે બીઆરટીએસે મુખ્ય રસ્તાની વચ્ચેવચ પોતાની લેન બનાવીને રસ્તા સાંકડા કરી નાખ્યા છે અને ટ્રાફીકને વકરાવ્યો છે. દિલ્હીમાં લોકો બીઆરટીએસને ગાળો દે છે અને બીઆરટીએસવાળો રસ્તો બદલી દે છે. અમદાવાદમાં પણ બધે નહીં તો સાંકડી બોટલનેક પર આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થશે એવું વર્તાઈ રહ્યું છે.

અમદાવાદને કોઈ મહાત્વાકાંક્ષી પબ્લીક ટ્રાન્સ્પોર્ટ સિસ્ટમની લાંબા સમયથી જરૂર હતી જ. બીઆરટીએસ પ્રમાણમાં સસ્તો એકમાત્ર વિકલ્પ પણ ખરો પરંતુ રસ્તા પર રિક્ષાઓ ઉભી હોય, લારીઓ ઉભી હોય, પાર્કિંગની સુવિધા વગર બિલ્ડિંગો ઉભા થઈ ગયા હોય અને તેથી રસ્તા પર જ પાર્કિંગ થતું હોય, વરઘોડાથી માંડીને પચ્ચીસ પ્રકારના ધાર્મિક, લગ્નના સરઘસો અને સ્મશાનયાત્રાઓ નીકળતી હોય, બળદગાડા, ટ્રેક્ટર, ઉંટલારી, પેસેન્જર મેળવવા ધીમી ચાલતી રીક્ષા, સ્કૂલેથી છૂટીને વાતો કરતા કરતા સાથે સાથે ધીમી સાયકલ ચલાવતા વિદ્યાર્થીઓ, પબ્લીક સેન્સ વગરના રસ્તો ક્રોસ કરવાવાળા રાહદારીઓ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થિત યોજના વગરના, રખડતા કૂતરા, ગાયો, ગધેડાવાળા અને ઓલરેડી ટૂંકા રસ્તાવાળા અમદાવાદમાં કોલમ્બિયાના બોગોટાની બીઆરટીએસ પદ્ધતિનું આંધળું અનુકરણ કરવાથી સફળતા મળશે કે કેમ એ વિચારો.

બહુ પહેલા હું અમદાવાદની પોલીસ કમિશનરની કચેરીમાં ડીસીપી ટ્રાફીકની ઓફિસમાં તેમની મુલાકાત લેવા ગયો હતો ત્યારે તેમની ખુરશી પાછળના નોટિસ બોર્ડમાં સૂચના લખી હતી કે ‘બીઆરટીએસ પદ્ધતિના નિદર્શન માટે કોલમ્બિયાના બોગોટા શહેરથી આવેલા મહેમાન સાથે મીટીંગ ગાંધીનગરમાં.’ મેં ડીસીપીને પૂછ્યું તો તેમણે કહ્યું કે આ કશુંક બીઆરટીએસ જેવું છે એની મિટીંગ છે. કોલમ્બિયાના બીઆરટીએસનું નિદર્શન કરનારે સીડી પર જે પ્રેઝન્ટેશન કર્યું હતું એ સીડી આજે પણ મારી પાસે છે.( એ વખતે મોદી તો ગુજરાતમાં જ ન હતા અને કેશુભાઈ પટેલનું રાજ હતું. ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા બીઆરટીએસની પ્રાથમિક પાયાગીરી હાથ ધરાઈ હતી. જીઆઈડીબીના વડા પદે રવિ સક્સેના નામના આઈએએસ ઓફિસર હતા જે હાઈપ્રોફાઈલ હતા અને કેશુભાઈને સમજાવે એમ કેશુભાઈ સમજી જતા હતા(મોદીએ આવતાની સાથેજ સક્સેનાની અપંગ વિકાસ કે એવા કોઈક કોર્નર્ડ સેક્શનમાં બદલી કરી દીધી હતી ત્યારે હાહાકાર મચી ગયો હતો).) ત્યારથી આજ સુધી બીઆરટીએસ પ્રોજેક્ટ ખાસ્સો આગળ વધી ગયો છે. હવે આગે આગે દેખિયે સાંકડે રસ્તો પે હોતા હે ક્યા…ફરીથી કહું છું કે આ જે મેં લખ્યું એમાં હું ખોટો જ પડું અને બીઆરટીએસ સૌના માટે સારી તથા સફળ જ નીવડે એવી હું કામના કરું છું.(તસવીરમાં દિલ્હીનો બીઆરટીએસ ત્રાસ)(ઘણા વાંચકોના ઈમેલ મળ્યા છે કે બીઆરટીએસ નિષ્ફળ તો કઈ રીતે જઈ શકે? તમે લખ્યું છે એ વિશે સ્પષ્ટતા કરો. મારે એટલું જ કહેવાનું છે કે જ્યાં રસ્તા સાંકડા થયા છે ત્યાંના બોટલનેક પર લોકો ત્રાસ અનુભવી રહ્યા છે અને દિલ્હીમાં આને કારણે બીઆરટીએસ યોજના નિષ્ફળ ગઈ છે માટે અમદાવાદમાં બીઆરટીએસ યોજના આખે આખા રૂટ પર નહીં તો અત્યંત સાંકડા કરી નંખાયેલા પેચ પર લોકો માટે ભારે પરેશની સર્જનારી બની રહેશે.)
***


સિદ્ધાર્થ પટેલ સાવધાન

8-09-2008

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ સિદ્ધાર્થ પટેલ શોર્ટ ટેમ્પર્ડ છે? કોંગ્રેસની બીટ સંભાળતા લગભગ તમામ પત્રકારોનો આવો મત છે. તાજેતરમાં કોંગ્રેસે લોકદરબારનો કાર્યક્રમ કર્યો હતો કે જેમાં સિદ્ધાર્થભાઈ બેસે અને સ્થાનિક લોકો આવીને તેમને પોતાના પ્રશ્નો સંભળાવે. અમદાવાદમાં આ કાર્યક્રમ મુસ્લિમ બહુમતિવાળા શાહપુર મત વિસ્તારમાં થયો કે જ્યાં કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્ય ચૂંટાયેલા છે. લોકદરબારમાં કેટલાક પત્રકારો પણ કૂતૂહલવશ આવ્યા હતા. ત્યારે જ લોકોનું મોટું ટોળું આવ્યું અને ભાવવધારા અંગે પોતાના પ્રશ્નો રજૂ કરવા માંડ્યું. આ લોકો એટલી મોટી સંખ્યામાં હતા કે બીજા કોઈ પ્રશ્નો દેખાતા જ ન હતા. આ કાર્યક્રમમાં કુલ લગભગ સાડા ત્રણસો લોકફરિયાદો થઈ હશે પરંતુ સાંજે પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું કે સાડા ચાર હજાર ફરિયાદો મળી છે અને તે તમામ ભાજપ શાસનની સામે છે.

દરમિયાન સવારે લોકદરબારમાં હાજર રહેલા પત્રકારે સિદ્ધાર્થ પટેલને પ્રશ્ન કર્યો કે સવારના લોકદરબારમાં મોટાભાગની ફરિયાદો તો કોંગ્રેસની કેન્દ્ર સરકાર સામેની વ્યક્ત થઈ છે એ અંગે આપનું શું કહેવું છે? તો આ પ્રશ્નના જવાબમાં સિદ્ધાર્થભાઈ ઉકળી ગયા અને રફ ભાષામાં તાડૂક્યા કે આપે સવારે પણ આ પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્ન ગોઠવાયેલો છે.. પત્રકારોમાં સોંપો પડી ગયો અને પ્રશ્ન પૂછનાર તો ડઘાઈ જ ગયા. સામાન્ય રીતે પત્રકાર પરિષદમાં નેતાઓ કર્ટસી જાળવતા હોય છે. સિદ્ધાર્થની ડીસ્કર્ટસીથી દુભાયેલા પત્રકારોના એક ગ્રુપે મોકો મળે ત્યારે તેમની સામે આજીવન કલમયુદ્ધ છેડવાનું નક્કી કરી લીધું છે.

કેટલાક સમય પહેલા સુરત કોંગ્રેસના અધ્યક્ષ કોણ એ મામલે કોંગ્રેસમાં ચર્ચાઓ ચાલી હતી જે દરમિયાન કોંગ્રેસનું એક જૂથ અમદાવાદના કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે રજૂઆત કરવા આવ્યું હતું. એક ટીવી ચેનલના પત્રકારભાઈ કેમેરામેન સાથે પહોંચી ગયા અને વિઝ્યુઅલ્સ લેવાના ચાલુ હતા ત્યારેજ સિદ્ધાર્થ પટેલ તાડૂક્યા. કેમેરો બંધ કરવાનું તોછડી ભાષામાં ફરમાન કર્યું અને નહીં તો કેસેટ કાઢી લેવાની ચીમકી આપી. પેલા ડઘાઈ ગયેલા ટીવી પત્રકારે પછી ત્રણ દિવસ સુધી કોંગ્રેસને પજવે એવી સ્ટોરીઓ ચલાવી. આજે પણ આ પત્રકાર મિત્ર સિદ્ધાર્થ પટેલનું નામ આવે એટલે દાંત ભીંસવા માંડે છે.

કોંગ્રેસમાં શક્તિસિંહ અને અર્જુન મોઢવાડિયા પત્રકારો સાથેની ખૂબ જ સારી કર્ટસી માટે જાણીતા છે. પત્રકારોમાં ભાજપ કરતા કોંગ્રેસની વર્તણૂકની અત્યાર સુધી ખૂબ જ સારી છાપ છે. પરંતુ ચીમનપુત્ર સિદ્ધાર્થ પટેલ ટેમ્પરેચર કંટ્રોલમાં નહીં રાખે તો સહન તેમણે અને કોંગ્રેસે જ કરવું પડશે. સિદ્ધાર્થકુમાર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારે પત્રકારો તેમને એરકન્ડીશન્ડ નેતા કહેતા હતા કારણકે સિદ્ધાર્થ અમીરીમાં ઉછર્યા છે. પણ હવે પત્રકારો તેમને ટેમ્પરેચર નેતા કહે છે કે જે ગમે ત્યારે ટેમ્પરેચર ગુમાવી દે છે.

***


દાઢીવાળા દેવ!!

05-09-2008


શુક્રવારે સાંજે અખબારી ઓફિસોમાં હસાહસ હતી. માહિતી ખાતાની એક પ્રેસનોટ પત્રકારો વારાફરથી હાથમાં લઈને જોતા હતા અને ખડખડાટ હસતા હતા.

માહિતી ખાતુ મુસોલિનીના માહિતી તંત્રને આંટી ગયું હોય એવી આ પ્રેસ રીલીઝ હતી.

પ્રેસ રિલીઝનું મથાળું આવું હતું “આ તો દાઢીવાળા દેવ છે”

પ્રેસ રિલીઝમાં માહિતીખાતાના પત્રકારે એવા બનાવનું વર્ણન કર્યું હતું કે નરેન્દ્ર મોદીએ તરણેતરના મેળાના છેલ્લા દિવસે મેળાની મુલાકાત લીધી ત્યારે તેઓ ત્રિનેત્રેશ્વર મંદિરે દર્શન કરીને પાછા આવતા હતા અને તે વખતે રસ્તાની બંને બાજુએ લોકોની ભીડ એકઠી થયેલી હતી. આ ભીડમાં વીજળીયા ગામના ધૂળીબહેન અને તેમનો પુત્ર ઉભા હતા.પુત્રએ પૂછ્યું કે બા આ કોણ છે? તો ધૂળીબહેને જવાબ આપ્યો કે “બેટા, એ તો દાઢીવાળા દેવ છે.”

અખબારી ઓફિસમાં આ પ્રેસનોટ પર પત્રકારો હસી રહ્યા હતા ત્યારે જ હાથમાં બીજા દાઢીવાળાની પ્રેસનોટ આવી. તે હતી દાઢીવાળા અર્જુન મોઢવાડિયાની એ દિવસની પત્રકાર પરિષદની પ્રેસનોટ. આમાં પહેલા ફકરાના આખરી વાક્યમાં અર્જુનભાઈએ નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારને સલાહો આપે છે એ વિશે એવું નિવેદન કરેલું લખ્યું હતું કે “ડાહી સાસરે ન જાય ને ગાંડીને શીખામણ આપે” હવે આ કહેવત અનુસાર ડાહી કોણ થયું ને ગાંડી કોણ થયું? ડાહ્યા નરેન્દ્ર મોદી થયા અને ગાંડી કેન્દ્ર સરકાર થઈ…

એક સાથી પત્રકારે હસવામાં કહ્યું કે મોદી દાઢીવાળા દેવ અને મોઢવડિયા આવુ ને આવુ બાફશે તો કોંગ્રેસવાળા તેમને દાઢીવાળો દાનવ કહેશે.

*****


ડાંગ હોય કે ઓરિસ્સા:ડખો ગોસ્પેલની મહાત્વાકાંક્ષાનો છે

03-09-2008


અમદાવાદમાં ગઈકાલે ખ્રિસ્તિઓની રેલી નીકળી. આ રેલી ઓરિસ્સામાં ખ્રિસ્તિઓ પર થયેલા હુમલાના વિરોધમાં હતી. ઓરિસ્સામાં ખ્રિસ્તિ મિશનરી દ્વારા ઘૂમ વટલાવ કાર્ય ચાલે છે. ગામોના ગામોને ખ્રિસ્તિ પાદરીઓ આવી આવીને વટલાવે છે અને આદિવાસીઓને ગ્રામીણોને ખ્રિસ્તિ બનાવે છે. ખ્રિસ્તિ મિશનરીઓએ આખું લેટિન અમેરિકા ખ્રિસ્તિ બનાવી દીધું. આફ્રિકાને ખ્રિસ્તિ બનાવી દીધું. મુસ્લિમ વિશ્વમાં તેમની વટાળ પ્રવૃત્તિ બહુ કસ કાઢી શકતી નથી કારણકે મુસ્લિમ રાષ્ટ્રોએ વટાળ પ્રવૃત્તિ પર કડક પ્રતિબંધ મૂકેલો છે અને વટાળ પ્રવૃત્તિ કરનારને મોતની સજા મળે છે. એટલે ખ્રિસ્તિ મિશનરીઓએ મોટી સંખ્યામાં ભારતની વાટ પકડેલી છે. ડાંગમાં ખ્રિસ્તિઓ પર હુમલા થયા ને સોનિયા ગાંધી ડાંગની મુલાકાત લેવા આવી ચડ્યા હતા. ડાંગમાં ખ્રિસ્તિઓએ હનુમાનની મૂર્તિ તોડી હતી એ વાતનો કોઈએ હરફ સુદ્ધા ન ઉચ્ચાર્યો પણ ચર્ચો બળ્યા તો બૂમરાણ થઈ ગઈ. બૂમરાણ બ્રિગેડ બહુ મોટી અને સશક્ત હોય છે. ઓરિસ્સામાં મિશનરીઓ પર હુમલા થતા હોય, ભૂતકાળમાં ગુજરાતમાં પણ આવું બન્યું હોય તો ખ્રિસ્તિ મિશનરીઓએ આત્મચિંતન કરવું જોઈએ. અરીસા સામે ઉભા રહીને પોતાના કરતૂતો પણ જોવા જોઈએ. વિશ્વમાં એક દેશ(ભારત)માં હિંદુ ધર્મ બચ્યો છે એને પણ ખતમ કરવા નીકળી છે મિશનરીઓ. એ માટેના એમના રસ્તા પણ સાફ નથી. દેશગુજરાત પર મૂકેલી આ વિડિયો જુઓ કે કઈ રીતે અંધશ્રદ્ધા દ્વારા વટલાવ પ્રવૃત્તિ આચરવામાં આવે છે. ઓરિસ્સામાં ખ્રિસ્તિ મિશનરીઓ સામે પડનાર સાધુ લક્ષમણાનંદ અને તેમના પાંચ ચેલાઓની હત્યા થઈ પછી ત્યાંના હિંદુઓ મિશનરીઓ પર તૂટી પડ્યા છે. વાત માત્ર લક્ષમણાનંદની હત્યાની નથી. ઘણા વર્ષોનો આક્રોશ જમા થતો હોય છે અને કોઈ ઘટનાના નિમિત્તે બહાર ઠલવાતો હોય છે. ઘટનાઓ માત્ર નિમિત્ત હોય છે. ખ્રિસ્તિ મિશનરીઓએ આત્મચિંતન કરવું જોઈએ કે બોઈલીંગ પોઈન્ટ કેમ આવ્યો. અને બોઈલીંગ પ્રોસેસ ક્યાં થઈ. મિશનરીઓએ મોદી નથી જોઈતા, વિશ્વ હિંદુ પરિષદ અને આરએસએસ નથી જોઈતા , બજરંગ દળ નથી જોઈતુ કારણકે આ બધા વિશ્વના એકમાત્ર હિંદુ રાષ્ટ્રને ખ્રિસ્તિ બનાવી નાંખવાના ખ્રિસ્તિ મિશનરીઓના ગોસ્પેલના ધ્યેયની સખત રીતે આડા આવે છે. મોદીને અમેરિકાના વીઝા કેમ ન મળ્યા?જે સંસ્થા કોએલીશન અગેન્સ્ટ જેનોસાઈડે મોદીને અમેરિકાના વિઝા ન મળે એનું લોબીંગ કર્યું એ કોએલીશનમાં ખ્રિસ્તિ સંસ્થાઓનું પ્રભુત્વ છે. જરા જઈને જુઓ આ કોએલીશનની વેબસાઈટ. ગુજરાતમાં જે થયું એ જેનોસાઈડ હતો નહીં પણ તેને જેનોસાઈડમાં ખપાવી દેવાનુ કાર્ય પણ ખ્રિસ્તિ મિશનરીઓના પ્રભુત્વવાળી એનજીઓ દ્વારા થયું છે. અમેરિકાના રાઈટ વીંગ પ્રો ક્રિશ્ચિયાનીટી અને ચર્ચના આદેશથી કામ કરનારા સેનેટરો અને સીસ્ટમે મોદીના વીઝા પર તરાપ મારી હતી, મોદીએ વીઝા માંગ્યો નથી છતાય વીઝ ન આપવાનો નનૈયો ભણ્યો હતો. ભારતમાં કશ્મીરમાં કોઈ ઘટના ઘટે અને પાકિસ્તાન તેની કોઈ પ્રતિક્રિયા આપે ત્યારે ભારત સરકારનો વિદેશ વિભાગ તુરંત જ નિવેદન બહાર પાડે છે કે પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરવાનો કોઈ હક નથી. જ્યારે ઓરિસ્સામાં હિંદુઓનો આક્રોશ ખ્રિસ્તિ વટલાવ પ્રવૃતિ સામે પ્રગટ થયો ત્યારે રોમથી પોપ આ અંગે નિવેદન બહાર પાડે તો ભારત સરકાર કેમ નથી કહેતી કે પોપ ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે?

ખ્રિસ્તિ મિશનરીઓ દ્વારા ચાલતા જબરજસ્ત વટલાવ કાર્ય વિશે કશુંક પણ લખું એટલે મારા પર વાંચકોના ઈમેલ આવે છે કે ‘અમે શું કરીએ?’ હું કહું છું કે સંસાર છોડીને આદિવાસી વિસ્તારોમાં જઈ હિંદુ સેવા પ્રવૃત્તિ કરવાનું જો જોમ ન હોય તો કમસેકમ એટલું તો કરો જ કે બાળકને ખ્રિસ્તિ મિશનરીની સ્કૂલમાં ભરતી ન કરો.તમારા સગા વ્હાલાઓને પણ તાકીદ કરો કે કોન્વેન્ટમાં બાળકને ભરતી ન કરે.નહીં તો તમારો બાળક તમને ફાધર કહેવાની સાથે સાથે બહારના કોઈકને પણ ફાધર કહેતો થઈ જશે. અમદાવાદમાં પૈસાદાર હિંદુઓ તેમના સંતાનોને એકથી દોઢ લાખનું ડોનેશન આપીને કોન્વેન્ટ ખ્રિસ્તિ સ્કૂલોમાં મૂકે છે. આ ડોનેશનના પૈસા પછી વટલાવ પ્રવૃત્તિમાં જાય છે. હવે હિંદુઓએ અંગ્રેજી મિડિયમની સ્કૂલો ખોલી છે. અમદાવાદના રાજા પાઠકે ખ્રિસ્તિ મિશનરીને ટક્કર મારે એવી હિંદુ અંગ્રેજી મિડિયમની સ્કૂલ ખોલી છે જેમાં હિંદુ તહેવારો મનાવાય છે જેમાં નાતાલની નહીં પરંતુ જન્માષ્ટમીના પારણાની રજા હોય છે. અમદાવાદના મુક્તકભાઈ કાપડિયાએ પણ એચબીકે સ્કૂલ દ્વારા અંગ્રેજી માધ્યમની ખ્યાતનામ સ્કૂલ ખોલી છે. હવે આ બધા ખ્રિસ્તિ મિશનરીના બેઝીક વટલાવ પ્રવૃત્તિના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે ચેલેન્જ બને છે એટલે એમને ખતમ કરવા માટે, એમની પાછળ પડવા માટે મિડિયાના ઉપયોગ દ્વારા વાંકો કાઢીને કેમ્પેન ચલાવવામાં આવે છે. આસારામ બાપુના, સ્વામિનારાયણના ગુરૂકુળો ખ્રિસ્તિ મિશનરીના વટલાવ પ્રવૃત્તિ માટેના બેઝીક ઈન્ફ્રાસ્ટક્ચર સામે આદિવાસી અને પછાત વિસ્તારોમાં નાની તો નાની ફાઈટ આપે છે અને પડકાર ઉભો કરે છે તો તેમની સામે પણ કેમ્પેન ચાલે છે.

ખ્રિસ્તિઓએ વટાળ પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ અને એકમાત્ર ભારતમાં હિંદુ ધર્મ બચ્યો છે તેને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. ઓરિસ્સા કે ડાંગ જેવી ઘટનાઓ બાબતે ખ્રિસ્તિઓ આત્મચિંતન કરે. ડખો ગોસ્પેલની મહાત્વાકાંક્ષાનો છે.
****


અમદાવાદના પત્રકારોમાં આજકાલ કયો ટોપિક હોટ છે?

3-09-2008

ભડાસફોરમિડિયા.કોમ નામની વેબસાઈટે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે એમાં મસાલેદાર વાત લખી છે. દિલ્હી સ્થિત ત્રિવેણી નામની કંપની એ મૂળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અને બિલ્ડરની ફર્મ છે. આ ચેનલે વોઈઝ ઓફ ઈન્ડિયા નામની ન્યૂઝ ચેનલ શરૂ કરી છે. આ ચેનલ શરૂ થઈ તે પહેલા જ ઈન્ડિયા ટીવીના ગુજરાત ખાતેના સંવાદદાતા નિર્ણય કપૂર તેમાં ગુજરાત બ્યુરો ચીફ તરીકે જોડાયા હતા. આ ચેનલ ભવિષ્યમાં ગુજરાતીમાં પણ આવવાની હોવાથી ગુજરાતી પત્રકારો પણ ગુજરાતી વર્ઝનની રાહ જોતા હતા અને હિંદી વર્ઝન ધ્યાનથી જોતા હતા. પરંતુ બે દિવસ પહેલા એક અણધાર્યા વળાંકમાં વોઈઝ ઓફ ઈન્ડિયાના ગુજરાત બ્યુરો ચીફ નિર્ણય કપૂરે આ ચેનલમાંથી રાજીનામું આપી દીધું અને પરત ઈન્ડિયા ટીવી જોઈન કરી દીધું.

ભડાસફોરમિડિયા.કોમમાં આવેલા અહેવાલ અનુસાર નિર્ણય કપૂરને વોઈઝ ઓફ ઈન્ડિયાની દિલ્હીની બ્યુરો ચીફની મિટિંગમાં એવું કહેવામાં આવ્યું હતું કે ચેનલ માટે ગુજરાતમાંથી મહિનાના પચાસ લાખ રૂપિયા ભેગા કરો.(પ્રાપ્ત માહિતી અનુસાર આ માટે નિર્ણય કપૂરને આસારામ પાસેથી તથા ઉદ્યોગગૃહો પાસેથી પૈસા ઉઘરાવવાનું કહેવામાં આવ્યું હતું.) જોકે નિર્ણય કપૂરે આ પ્રકારના પત્રકારત્વનો વિરોધ કરીને રાજીનામું આપી દીધું હતું. દિલ્હીમાં સાડા દસે વોઈઝ ઓફ ઈન્ડિયા છોડ્યું ને બાર વાગ્યે રજત શર્મા સાથે મિટિંગ થઈ તે સાથે જ નિર્ણય કપૂર તેમના ઈન્ડિયા ટીવીના ઘરે પાછા ફર્યા. નિર્ણય વોઈઝ ઓફ ઈન્ડિયા અગાઉ રજત શર્માની ઈન્ડિયા ટીવીમાં જ કામ કરતા હતા અને તે પહેલા પણ રજત શર્માના સ્ટાર ન્યૂઝ પર તે સમયે આવતા શો આજકી બાત માટે કામ કરતા હતા.

અમદાવાદના પત્રકાર વર્તુળમાં નિર્ણય કપૂરનો કિસ્સો પાછલા બે દિવસથી કાનોકાન સખત રીતે ફરી રહ્યો છે. ભડાસફોરમિડિયા.કોમ વેબસાઈટનો ચર્ચાસ્પદ અહેવાલ જોવા અહીં ક્લીક કરો.

***


ધડાકાના આરોપીઓ કોર્ટને સ્ટેજ બનાવે છે?

3-09-2008

તમે આખી પેટર્ન જોઈ? આખી હારમાળાનો અભ્યાસ કર્યો? અમદાવાદ બોમ્બ ધડાકાના કેસમાં સફદર નાગોરીને કોર્ટમાં લાવવામાં આવ્યો અને તેણે જજ સમક્ષ કહ્યું કે તેની તબિયત ખરાબ છે, ચક્કર આવે છે અને ધ્રૂજારી થાય છે…આ વાત અખબારોમાં છપાઈ. પછી જ્યારે સાજીદ મંસૂરીને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેણે પોતાની દીકરીને હાથમાં લીધી અને રડી પડ્યો. આ વાત પણ અખબારમાં છપાઈ છે. હવે લેટેસ્ટમાં ગઈકાલે અમદાવાદની કોર્ટમાં બોમ્બ ધડાકાના કેસના આરોપીઓએ રમઝાન મહિનો શરૂ થતો હોવાથી નમાઝ પઢવાની અને રોઝાને લગતી છૂટ કોર્ટમાં માંગી અને આ વાત પણ અખબારમાં છપાઈ છે. તમે આ બધી વાતને એક પેટર્નમાં જુઓ તો અમદાવાદ બોમ્બ ધડાકાના આરોપીઓ દરેક વખતે કોર્ટમાં આવતી વખતે એક ચીજ એવી કરે છે કે જેના પરથી બીજા દિવસે અખબારમાં જે અહેવાલ છપાય તે વાંચીને લોકોને સહાનૂભૂતિ જાગે. એમાંય હમણા છેલ્લી મુદતમાં તેમણે રમઝાનને લગતી અને રોજાને લગતી જે છૂટ માંગી છે એનાથી તો મુસ્લિમ સમાજમાં સહાનૂભૂતિ મળે તેમ જ છે. સીમીની ટ્રેનીંગમાં પકડાયા પછી કેવું વર્તન કરવું અને કયા કિમિયા અજમાવવા એ શીખવાડવામાં આવતું હતું એ પોલીસે અગાઉ જાહેર કર્યું જ છે.

****


કેત્કી દવે બીગબોસમાં તો રસિક દવે છાપામાં

30-08-2008

કેત્કી દવે અને રસિક દવેને ઓળખો છો? ગુજરાતના બહુજ જાણીતા નાટ્યકલાકારો છે અને પતિ-પત્ની છે. કેત્કી દવે એટલે કે ક્યુંકી સાસ ભી કભી બહુ થીની ક્લાકારા દક્ષા ચાચી આજકાલ કલર્સ નામની નવી એન્ટરટેઈન્મેન્ટ ચેનલ પર આવતા બીગ બોસ શોમાં ભાગ લઈ રહી છે. બીગ બોસ શો એવો છે કે સતત કેમેરાની વચ્ચે અને ગળામાં માઈક લટકાવીને ડઝન લોકોએ ત્રણ મહિના માટે એક ઘરમાં પૂરાઈ રહેવાનું હોય છે. ફોન નહીં, અખબાર નહીં, ટીવી નહીં, રેડિયો નહીં, કેલેન્ડર સુદ્ધા નહીં. ઘરમાં બધા ઝઘડે, પ્રેમ કરે, વાતો કરે, કૂથલી કરે એ બધું અઠવાડિયા દરમિયાન ટીવી શોમાં લોકોને બતાવવામાં આવે છે. દરેક અઠવાડિયે ઘરના સદસ્યો અને એસએમએસ દ્વારા જાહેર જનતા એક વ્યક્તિને વોટ-આઉટ કરીને શોની બહાર નીકાળી શકે છે. આમ જે છેલ્લે બચે એ પંચોતેર લાખ રૂપિયાનો વિજેતા બીગ બોસ બને છે. બીગ બોસના લોનાવાલાના ઘરમાં હાલ પ્રમોદ મહાજનનો દીકરો રાહુલ મહાજન, અબુ સાલેમની પ્રેમિકા મોનીક બેદી કે જે જામીન પર જેલની બહાર છે, કોમેડિયન અહેસાન કુરેશી, આપણી ગુજરાતી કેતકી દવે વગેરે હાજર છે.

અહીંયા મારે વાત કરવી છે કેત્કી દવેની. કેત્કી દવેના ત્રણ મહિનાના વિયોગમાં પતિ રસિક દવેની શું હાલત છે એ વિશે મુંબઈના ગુજરાતી અખબારોમાં ટનબંધ છપાઈ રહ્યું છે. મુંબઈના ટેબ્લોઈડ મિડ-ડે ગુજરાતી અખબારે તો રીતસર દરેક અઠવાડિયે કેતકી વગર રસિકની હાલત શું છે એના પર કોલમ શરૂ કરી છે. આ જ અખબારમાં ફુલ પેજ લેખ એ વિષય પર પણ છપાયો છે કે કેત્કી ગઈ તો તેણે એની હવે એકલી પડી ગયેલી દીકરીને શું સલાહ આપવી જોઈતી હતી. તો બીજો એક લેખ કટાક્ષનો છપાયો છે આ પતિ પત્ની પર. રસિક દવે ચોથી સપ્ટેમ્બરથી પચ્ચીસ દિવસ માટે નાટકના સિલસિલામાં અમદાવાદ આવી રહ્યા છે. તેમણે કેત્કીના નાટકના પાત્રમાં કેત્કીની ગેરહાજરી હોવાથી સેજલ શાહને રિપ્લેસ કરી છે. રસિક કહે છે કે પાંચમી સપ્ટેમ્બરે તેના અને કેત્કીના દીકરા અભિષેકનો જન્મદિવસ છે પણ બીગબોસમાં કેલેન્ડર પણ ન હોવાથી કેત્કીને એ દિવસ યાદ રહેશે કે કેમ એ ય પ્રશ્ન છે.

બીજી તરફ કેત્કી શાહ બીગબોસમાં ફરિયાદ કરતી દેખાય છે કે બીગબોસના મકાનના રસોડામાં ગુજરાતી દાળ માટે કોકમ નથી મળતું. ગોળ નાખવો હોય તો લોકો મિઠાઈ સમજીને ખાઈ જાય છે તેથી દાળ ગળી નથી બનાવી શકાતી. દૂધવાળી ચા પીવી હોય તો દૂધ નથી મળતું. ગુજરાતી ભાજી ખાવી છે પણ એ નથી મળતી… બિચારા રસિકલાલ ટીવી પર પત્નીની કમ્પ્લેનનું આ લીસ્ટ સાંભળીને ટેન્શનમાં આવી જતા હશે. બીગ બોસના એપિસોડ ઓન્લાઈન વિડિયો સ્ટ્રીમીંગમાં જોવા માટે અહીં ક્લીક કરો.

***


ભાજપનું ધરણાવાળું એક્સ ફેક્ટર

27-08-2008

ગુજરાતમાં ગુજકોકનો કાયદો લાગુ થાય એ માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. મંત્રીમંડળ દ્વારા ઠરાવ પસાર કરાયો. અડવાણી સહિતના ભાજપના સાંસદોને રજૂઆત કરવા વડાપ્રધાન પાસે મોકલ્યા અને બીજું ઘણું કર્યું પરંતુ કેન્દ્ર સરકાર ગુજકોકના કાયદાને મંજૂરી આપતી નથી. જ્યાં સુધી બિનભાજપી સરકારનું દિલ્હીમાં રાજ હશે ત્યાં સુધી ગુજરાતને ગુજકોક નથી મળવાનો એ લખીને રાખો.

ખૈર પણ અહીં મારે વાત કરવી છે ગુજકોક માટે ભાજપે યોજેલા ધરણાની. નહેરૂબ્રીજની સામે સાકાર તરફ જતો રસ્તો રોકીને મોટો શામિયાણો બાંધીને ભાજપે ગુજકોકના કાયદાને મંજૂરી આપવાની માંગણી કરવાના હેતુથી ધરણા યોજ્યા. ધરણામાં વચ્ચે વચ ગુજરાત ભાજપના અધ્યક્ષ પુરૂષોત્તમ રૂપાલા બેઠા હતા. અને ટીવી પત્રકારો ધરણાના સ્થળે પહોંચ્યા ત્યારે તેમની આજુબાજુ ભાજપનું એક્સ-ફેક્ટર બેઠું હતું. ભાજપનું આ એક્સ-ફેક્ટર જબરૂં છે ભાઈ. એમાં એક્સ એટેલેકે ભૂતપૂર્વો છે. બધી નવરા બ્રિગેડ છે. જેમ કે ધરણામાં એક હતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા જેઓ ધોળકામાં ચૂંટણી એવી બુરી રીતે હારી ગયા છે કે ફરી ત્યાંથી જીતવાના ચાન્સ નથી. બીજા મહાનુભાવ જે ધરણામાં બેઠેલા હતા એ હતા આઈકે જાડેજા કે જેઓ ધ્રાંગધ્રામાંથી ચૂંટણી હારી ગયા છે. ત્રીજા બેઠેલા હતા એ હતા જુનાગઢના પૂર્વ સાંસદ ભાવનાબહેન ચીખલીયા કે જેઓ જુનાગઢમાં પાછલું ઈલેક્શન હારી ગયા હતા. અન્ય એક મહાનુભાવ જે ધરણામાં બેઠા હતા એ હતા જયંતિભાઈ બારોટ કે જેમની રાજ્યસભાની ટર્મ હમણાં પૂરી થઈ પછી પક્ષે રીન્યુ કરી નહીં તેથી તેઓ પણ ભૂતપૂર્વ બની ગયા. બીજા એક બેઠેલા હતા એ હતા અમિત શાહ કે જે અમદાવાદના ભૂતપૂર્વ મેયર છે. તેઓ મેયર પદે હતા ત્યારે એલિસબ્રીજના ધારાસભ્ય બનવાની તેમની ગણતરી હતી પણ ટર્મ પૂરી થઈ એટલે મેયર પદ તો જવાનુ હતુ ને ગયું ને અધૂરામાં પૂરું મોદીએ એલિસબ્રીજ વિધાનસભાની ટિકીટ પણ ના આપી એનું દુ:ખ. આમ આ પણ ભૂતપૂર્વ એટલેકે એક્સ. આ બધા મહાનુભાવો ભૂતપૂર્વ બની ગયા પછી પક્ષના કાર્યક્રમોમાં ખાસ્સા ઈન્વોલ્વ દેખાય છે. બાકી ભૂપેન્દ્રસિંહ મંત્રી હતા ત્યારે તેમનો રોફ જોવા જેવો હતો. આવા કાર્યક્રમોમાં તો સમય જ ન બગાડે. સમય સમય બલવાન છે. અને ગુજરાત ભાજપના ધરણા હોય ત્યારે એક્સ ફેક્ટર બલવાન છે.

રાજકારણમાં ભૂતપૂર્વોની આર્થિક નહીં પણ માનસિક દશા બિચારી હોય છે. ચૂંટણીએ ચૂંટણીએ તેઓ કુંવારા છે. રાજ્યસભાની ચૂંટણી આવે તો વરમાળા પહેરવા તૈયાર પણ કોઈ પહેરાવે નહીં તો પાછા ઘરે..પછી બોર્ડ નિગમના ઓરતા… પછી લોકસભાની ચૂંટણી આવે છે એટલે મોઢું લાળ લાળ થાય. એય નહીં તો પાછું આગલી વિધાનસભાનું આયોજન. આ બધી પ્રોસેસ ચાલતી હોય ત્યારે તમાચો મારીને ગાલ પર લાલી બતાવવાની કે ‘ભઈ અમે તો સંગઠનમાં એક્ટીવ છીએ…રાજ્ય માટે કામ કર્યું હવે પક્ષ માટે કામ કરીશું…’ વાહ વાહ વાહ વાહ…

તો બોલો શહીદો… એટલે ગાદી પર પલાઠી વાળીને શિસ્તબદ્ધ બેઠેલું આખું એક્સ ફેક્ટર સફેદ બાંયના ઝભ્ભાવાળા હાથ ઉંચા કરીને બોલશે…અમર રહો!! બોલો શહીદો એટલે કહેશે…અમર રહો!!

****


સફદર નાગોરી ઢીલો ઢફ્ફ દેખાતો હતો

26-08-2008


અમદાવાદના બોમ્બ ધડાકાના આરોપીઓને તમે તો ટીવી પર અને અખબારોમાં મોઢા પર કાળો બુરખો ઓઢાઢી દીધો હોય તેવી પરિસ્થિતિમાં જોતા હશો. પરંતુ અમને પત્રકારોને કોર્ટની અંદર બેસીને ખૂંખાર આરોપીઓના બુરખા વગરના મોઢા જોવા મળતા હોય છે.

સીમીના વડા સફદર નાગોરીને હમણા અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે સુરક્ષાની જબરજસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નાગોરીની હાથકડી જરા જુદા પ્રકારની હતી કે જેમાં કાંડુ હલી પણ ન શકે. નાગોરીને કોર્ટમાં લાવીને તેના મોઢા પરથી બુરખો અને આંખો પરથી કાળી પટ્ટી ઉતારવામાં આવી પછી તેની હાલત બકરી બેં જેવી જણાતી હતી. જજ આવ્યા એટલે નાગોરી તેમની સામે ઉભો રહ્યો અને પછી કહ્યું કે સાહેબ મારા પગ ધ્રૂજે છે, તબિયત ઠીક નથી અને ચક્કર આવે છે. જજે કહ્યું કે એ તો તને જોઈને લાગે જ છે, જા બેસી જા. જજે પૂછ્યું કે પોલીસ તરફથી કોઈ બળપ્રયોગની ફરિયાદ છે? નાગોરીએ ના પાડી. પછી પોલીસની દલીલ પેશ થઈ અને સામે પક્ષેની દલીલ પેશ થઈ. નાગોરી આ દરમિયાન ગાયની માફક ઢીલો ઢફ્ફ બેસી રહ્યો હતો. કેસ પૂરો થયો અને નવ દિવસના રિમાન્ડ જાહેર થયા પછી નાગોરીની સહી લેવામાં આવી અને પછી પોલીસે તેને આંખે કાળી પટ્ટી પહેરાવી દીધી.ઉપર બુરખો પહેરાવી દીધો.હાથમાં હાથકડી પહેરાવી દીધી. પછી એક પોલીસવાળાએ નાગોરીને બોચીએથી પકડ્યો. બીજાએ કમરના ભાગેથી પેન્ટમાંથી પકડ્યો. બીજાએ પેન્ટના ભાગેથી જ પાછળથી પકડ્યો. નાગોરી કોર્ટ રૂમની બહાર આવ્યો એટલે પાછા મિડિયાના સંખ્યાબંધ કેમેરા અને એમાં પોલીસવાળાઓની ધક્કા મુક્કી અને નાગોરીને નાખી દીધો પોલીસના ડબ્બામાં. કેટલાક દિવસ પહેલા બોમ્બ ધડાકાના દસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓ બિન્દાસ્ત અને ગૌરવ સાથે ઉન્નત મસ્તકે ઉભા હોય તેવા દેખાતા હતા. આમની સરખામણીમાં નાગોરી ઢીલો ઢફ્ફ દેખાતો હતો.

(***ઉપરનું લખાણ વાંચ્યા બાદ એક વાંચક મિત્રે અને એક પોલીસ ઓફિસરે દેશગુજરાતને એક સરખો મત જણાવ્યો છે. તે એ છે કે સીમીની ટ્રેનીંગમાં એ પણ શીખવવામાં આવે છે કે પકડાઈ ગયા પછી કેવું વર્તન કરવું. જેમ કે કોર્ટમાં પોતે લાચાર, બકરી બેં અને દયાપાત્ર હોવાની એક્ટીંગ કરે તો આવી એક્ટીંગ, તબિયત સારી નથી એવું બહાનું એ બધાના પ્રતાપે જ ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હોય પણ નવ દિવસના જ મળે.)

Click here for April+May+June+July 2008′s articles
એપ્રિલ+મે+જુન+July ૨૦૦૮ના લેખો પર પહોંચો

Click here for January+February+March 2008′s articles
જાન્યુઆરી+ફેબ્રુઆરી+માર્ચ ૨૦૦૮ના લેખો પર પહોંચો

Click here for December 2007′s articles
ડિસેમ્બર ૨૦૦૭ના લેખો પર પહોંચો


Click here for November 2007’s articles
નવેમ્બર ૨૦૦૭ મહિનાના લેખો પર પહોંચો


Click here for October 2007’s articles
ઓક્ટોબર ૨૦૦૭ મહિનાના લેખો પર પહોંચો

(required)
(required)

 

<< Previous Post
Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo