Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism



Andar Bahar Gujarat Archive:October, November 2008

Andar Bahar Gujarat Archive:October, November 2008
****


અશોક સિંઘલનો મોદીને પ્રશ્ન શું હતો?

23-11-08



કોઈએ લખ્યું કે અશોક સિંઘલે નરેન્દ્ર મોદીને ગઝની સાથે સરખાવ્યા તો કોલકતાના ટેલિગ્રાફે તો લખી નાખ્યું કે અશોક સિંઘલે નરેન્દ્ર મોદીને ઔરંગઝેબ સાથે સરખાવ્યા. પણ હકીકતમાં આ બધું મીસ રિપોર્ટીંગ અને ખોટું અર્થઘટન હતું. અશોક સિંઘલે ગઝનીની વાત કરી હતી પણ તે અલગ રેફરન્સમાં કરી હતી. મારું આ લખાણ વાંચશો અને ઉપર આપેલી વિડિયો ક્લીપ જોશો એટલે આપના મનમાં પણ વાત સ્પષ્ટ થઈ જશે. વાત એ સ્પષ્ટ થશે કે અશોક સિંઘલ શું બોલ્યા અને શું કહેવા માંગતા હતા અને વાત એ પણ સ્પષ્ટ થશે કે અખબારો કેવું મીસ રિપોર્ટીંગ કરતા હોય છે.

અશોક સિંઘલે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ગઝનીએ મંદિરો તોડ્યા તો તે ઈસ્લામનો ફેલાવો કરવા ઈચ્છતો હતો તેથી તોડ્યા. પણ તેમણે એ જાણવું છે કે અત્યારે મંદિરો કેમ તોડવામાં આવી રહ્યા છે. આની પાછળની ઈચ્છા શું છે?(ગઝનીએ ઈસ્લામ ફેલાવવો હતો તેને એ લાભ થયો હતો પણ મોદીને મંદિરો તોડીને કયો લાભ જોઈએ છે?) આ મંદિરો તો ચાલીસ વર્ષથી છે. અત્યારે કેમ તોડવામાં આવી રહ્યા છે?

એટલેકે અશોક સિંઘલનો પ્રશ્ન આ મંદિરો તોડવાથી શું લાભ લણવાની ગણતરી મંડાઈ રહી છે એના વિશેનો હતો. આનો અખબારોએ ‘મોદીને ગઝની સાથે સરખાવ્યા’ અને ‘ઔરંગઝેબ સાથે સરખાવ્યા’ એવો મતલબ લઈ લીધો. મંદિરો તોડવાની વાત હોય કે અશ્વિન પટેલની ધરપકડની વાત હોય. મોદીની મહેચ્છા શું હોઈ શકે છે એ વિશે અંદર બહાર ગુજરાત કોલમમાં હું અગાઉ લખી જ ગયો છું. જે પ્રશ્ન મેં ઉઠાવ્યો હતો એ જ અશોક સિંઘલે ગાંધીનગરમાં ડેમોલીશન થયેલા ત્રણ મંદિરોના સ્થળે જઈને ઉઠાવ્યો કે (મોદીની) ઈચ્છા શું છે, લાભ શું છે અને આ જ ટાઈમીંગ કેમ?.

વાત હવે પ્યોરલી મંદિરોના તૂટવાની કરીએ તો ફૂટપાથ પર ને સરકારી પ્લોટ પર બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા મંદિરો અને મંદિરની ઓથે ઉભા થતા રૂમો ને રૂમમાં પાછું એરકન્ડીશન ને લાખોના દાનની કમાણી આ બધું તરકટ ચાલતું હતું તેના પર ડેમોલીશનની સરકારી તવાઈ યોગ્ય હતી. પરંતુ આની સાથે એ વાત પણ કરવાની કે ગેરકાયદે ર્રીતે ઉભી થયેલી મુસ્લિમ દરગાહો, ધાર્મિક સ્થાનો તોડવાનું કૌવત સરકાર હાલ બતાવી રહી નથી. અમદાવાદના આસ્ટોડિયા રોડ પર એક જૂની પુરાતન મસ્જિદને બચાવવા પુરાતત્વખાતાની દખલથી લાઈનદોરી બદલવી પડી એ તો બરાબર પણ એક નવી સિમેન્ટની મસ્જીદ હટાવી શકાઈ નથી જેના કારણે લાઈન દોરી બદલાઈ છે.દાણીલીમડાથી કાંકરિયાની ડ્રેનેજ લાઈન પર એક જાજરૂ જેટલી સાઈઝની દરગાહ વચ્ચે આવે છે ને કામ રોકાયેલું પડ્યું છે. ત્યાં પણ કૌવત બતાવો.
******


ઓરેટના હાડપિંજરો

15-11-2008

ગાંધીનગરમાં પોલીસે હમણા ફીલીપ્સ કંપની સામે કેસ ફાઈલ કર્યો. ફીલીપ્સ કંપનીએ ગુજરાતમાં ૧૦૮ સીટીસ્કેન અને એક્સરે મશીનો સપ્લાય કર્યા પરંતુ તેના રેડિએશનનું એટોમીક એનર્જી વિભાગનું સર્ટીફીકેટ લીધા વગર જ. જો એક્સ રે મશીનમાંથી નીકળતા ક્ષકિરણો એપ્રૂવ્ડ કરતા વધુ માત્રામાં હોય તો કેન્સર અને ચામડીના રોગો પેદા કરી શકે એવી તેમનામાં તાકાત હોય છે. ફીલીપ્સે આ મશીનો ગુજરાતની વિવિધ હોસ્પિટલોને દસ વર્ષ પહેલા ૧૯૯૮માં સપ્લાય કર્યા હતા અને સરકારને હમણાં જ માલૂમ પડ્યું કે તેના રેડિયેશન ક્લીયરન્સના સર્ટીફીકેટ ફીલીપ્સે લીધા જ ન હતા.

આ ચોંકાવનારા સમાચાર વાંચીને ચાલુ અઠવાડિયે મને દસ વર્ષ પહેલાનો સમય યાદ આવી ગયો. દસ વર્ષ પહેલા જ્યારે પત્રકારત્વમાં મારું એક વર્ષ પણ પૂરું નહીં થયું હોય ત્યારે મેં તત્કાલીન આરોગ્યમંત્રી અશોક ભટ્ટનું ઓરેટ કૌભાંડ લગાતાર ત્રણ સ્ટોરી કરીને ચમકાવ્યું હતું. ફીલીપ્સના જે મશીનો વિશે પોલીસ કેસ થયો છે એ મશીનો ઓરેટ પ્રોજેક્ટ હેઠળ ખરીદવામાં આવ્યા હતા. અને આ ઓરેટ પ્રોજેક્ટ કેવું કૌભાંડ હતું એ વિશે મને અત્યારે યાદ છે એટલી વિગતો હું તમારી સાથે વહેંચીશ.

નેવુના દસકાની આખરમાં ફીલીપ્સ કંપની ભારતની વિવિધ રાજ્ય સરકારો સમક્ષ ઓરેટ પ્રોજેક્ટની દરખાસ્ત લઈને ફરતી હતી. ઓરેટ પ્રોજેક્ટ એ એવો પ્રોજેક્ટ હતો કે જેમાં ફીલીપ્સ કંપની અઢીસો કરોડના મેડિકલ સાધનો રાજ્ય સરકારને પૂરા પાડે અને તેના બદલામાં રાજ્ય સરકારે પહેલા થોડું અને બાદમાં વ્યાજ સાથેની લોનના હપ્તા ચૂકવીને તેનું ચૂકવણું કરવાનું. આ પ્રોજેક્ટ એ વખતે ચાર અલગ અલગ રાજ્યોની સરકારોએ ઠુકરાવ્યો હતો પરંતુ ગુજરાતની તત્કાલીન સરકારે તેને સ્વીકારી લીધો હતો. પ્રોજેક્ટમાં ફીલીપ્સ કંપનીને ઘી-કેળા હતા કારણકે અઢીસો કરોડના મેડિકલ સાધનોનો ઓર્ડર મળે. રાજ્ય સરકારે કોઈ ટેન્ડર વગર આટલા રૂપિયાના સાધનો ખરીદી લેવાના. અને પછી વ્યાજ સાથે લોન ચૂકવીને પૈસા ભરવાના. ફિલીપ્સે ઉતરતી ક્વોલિટીના મેડિકલ સાધનો કે જે પાછલી જનરેશનના હોય તેને ત્રણ ત્રણ ને ચાર ચારગણા ભાવે રાજ્ય સરકારને ખપાવી દેવાના હતા.

એ વખતે અશોક ભટ્ટ વિરોધ પક્ષમાં હતા અને તેમણે ત્યારની સરકાર દ્વારા ઓરેટ પ્રોજેક્ટને મંજૂરી આપવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ મામલે તેમણે કેટલીક પ્રેસનોધ તો પ્રસિદ્ધ કરી જ હતી પરંતુ સાથે સાથે ઓરેટ પ્રોજેક્ટ સામે કોર્ટ કેસ પણ કર્યો હતો. અશોક ભટ્ટના આવા વિરોધપક્ષીયા નિવેદનો એ વખતે મોટા અખબારો છાપતા ન હતા પરંતુ જનસત્તામાં છપાયા હતા. વિવિધ અખબારો વાંચવાની ટેવને કારણે મારા ધ્યાન પર આ નિવેદનો આવ્યા હતા.

હવે મજાની અને અતિશય ચોંકાવનારી વાત એ બની કે પછી ભાજપની સરકાર આવી ને અશોક ભટ્ટ આરોગ્ય મંત્રી બન્યા ત્યારે અશોક ભટ્ટે તુરંત જ એક કામ એ કર્યું કે ઓરેટ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી. જ્યારે મેં આ જાણ્યુ ત્યારે હું તો ચોંકી જ ગયો. આમાં મને જાણકારી મળી કે ફિલીપ્સ ગુજરાત સરકારને ઓરેટ હેઠળ સીટી સ્કેન, એમઆરઆઈ મશીન સપ્લાય કરવાનું છે. એટલે મેં અમદાવાદના જાણીતા પ્રાઈવેટ એમઆરઆઈ સંચાલકોને મળીને જાણ્યું કે ફીલીપ્સની કઈ હરીફ કંપની આવા જ સાધન બનાવે છે. મને સીમેન્સનું પગેરું મળ્યું. સીમેન્સની અમદાવાદ ઓફિસના કર્મચારી દેશમુખના ફ્લેટ પર અને ઓફિસ પર પહોંચીને મેં તેમની પાસેથી ચોંકાવનારી વિગતો જાણી. દેશમુખે કહ્યું કે ફિલીપ્સ ઓરેટ હેઠળ જે સાધનો ગુજરાત સરકારને સપ્લાય કરી રહી છે એ કોઈ પણ ટેકનીકલ કે ફાયનાન્સીયલ ટેન્ડર વગર કરી રહી છે. ફીલીપ્સ જે મશીનો જે ભાવ ક્વોટ કરીને સપ્લાય કરી રહી છે તેનાથી ચોથા ભાગની કિંમતે આનાથી નેક્સ્ટ જનરેશનના મશીનો સિમેન્સ સપ્લાય કરવા તૈયાર છે. ફીલીપ્સે ભાવ વધુ ચાર્જ કર્યા છે. તેમણે વધુમાં કહ્યું કે અશોક ભટ્ટ આગળ આ રજૂઆત સિમેન્સે કરી છે પરંતુ અશોકભાઈ ફીલીપ્સના ઓરેટ પ્રોજેક્ટ સિવાય બીજા કશામાં રસ જ લઈ નથી રહ્યા ને અમારી વાત સાંભળતા નથી. ફીલીપ્સના ઓરેટ પ્રોજેક્ટના ગેમાવત અને અશોકભાઈ ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટેલમાં મિત્રોની માફક ને પાર્ટનરની માફક મળે છે.

આખો દિવસ રખડપટ્ટી કરીને પેપર્સ ભેગા કરું અને કૌભાંડનું લોજીકલ રીઝનીંગ ઉભું કરતો હોઉં પછી થાકીને મોડી રાત્રે ટીવી ઓન કરૂં તો ફિલીપ્સની એ સમયે આવતી એડવર્ટાઈઝ દેખાતી હતી જેમાં કાળા સૂટ પહેરેલા ત્રણ જેન્ટલમેન સ્ક્રીન પર સહેજ નાચતા હોય એવું દ્રશ્ય દર્શાવાતું હતું અને ઉપર કેચલાઈન લખેલી આવતી હતી કે ‘ફિલીપ્સ, લેટસ મેક થીંગ્સ બેટર’ મને આ ત્રણ સૂટધારીઓમાં એક ફિલીપ્સના ઓરેટ પ્રોજેક્ટના ગુજરાતના વડા ગેમાવત બીજો તત્કાલીન આરોગ્યમંત્રી અશોક ભટ્ટ અને ત્રીજો તેમનો દીકરો ભૂષણ ભટ્ટ દેખાતો હતો અને હસવું આવી જતું હતું ‘ફિલીપ્સ, લેટસ મેક થીંગ્સ બેટર’

મેં સિમેન્સ કંપની પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવ્યા. ઉપરાંત અશોક ભટ્ટે થોડા જ મહિના અગાઉ ઓરેટ સામે કેસ કર્યો હતો એમાં તેમની એફીડીવેટો લેવા એડવોકેટ સીસી ગાંધીની ઓફિસે પણ જઈ આવ્યો ને યતીન ઓઝાનો પણ સંપર્ક સાધ્યો. બધા દસ્તાવેજો મળ્યા પછી મેં ઓરેટ પ્રોજેક્ટના ભ્રષ્ટાચાર વિશે બે હપ્તામાં સ્ટોરી પ્રસિદ્ધ કરી હતી. સ્ટોરી પછી પણ ઓરેટ પ્રોજેક્ટતો બેશર્મીથી આગળ વધ્યો. અશોક ભટ્ટ ભાષણોમાં કહેતા હતા કે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં હોય તેવ સાધનો ઓરેટ હેઠળ ગુજરાતના આદિવાસી વિસ્તાર પંચમહાલની હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે.

ઓરેટ પ્રોજેક્ટના ભ્રષ્ટાચારની વિગતો તત્કાલીન મુખ્યપ્રધાન કેશુભાઈએ સાચી માની હતી. ફીલીપ્સ હોલેન્ડની કંપની છે એટલે ઓરેટ હેઠળના અમદાવાદની સિવિલ હોસ્પિટલના સાધનોનું ઉદઘાટન કરવા હોલેન્ડના વડાપ્રધાન સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા ત્યારે પ્રોટોકોલ પ્રમાણે મુખ્યમંત્રીએ હાજર રહેવું જોઈએ પરંતુ કેશુભાઈ હાજર રહ્યા ન હતા અને માંડ અર્ધો કિલોમીટર દૂર રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ પોતાની પત્ની પાસે બેસી રહ્યા હતા.

ઓરેટ પ્રોજેક્ટના ભૂતોને હાડપિંજરો ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં આજે પણ વિદ્યમાન છે. ગુજરાત સરકાર ફીલીપ્સની લોનના હપ્તા ભરી રહી હશે.અશોક ભટ્ટ હવે વિધાનસભાના અદ્યક્ષ છે ને ચકચકાટ ગાડીમાં બગલા જેવા સફેદ કપડા પહેરીને ફરે છે. અને ગરીબ દર્દીઓની વાત જવા દો.

મને મારા એ સમયના પત્રકારત્વ પર ગૌરવ છે. મારા આજના પત્રકારત્વ પર હું દસ વર્ષ પછી આવું જ ગૌરવ લઈ શકું એવા કામ ભગવાન મારી પાસે કરાવે એવી પ્રાર્થના કરું છું.

******


નરેન્દ્ર મોદીના જમણવારમાં

13-11-2008

નરેન્દ્ર મોદીનો નવા હિંદુ વર્ષનો જમણવાર અને મિલન સમારંભ એકંદરે ફિક્કો પણ ખાટ્ટૉ મીઠો રહ્યો. પ્રસંગ સ્નેહ મિલનનો હોય તો સ્નેહ મિલનનો જ રહેતો હોય છે પરંતુ મોદીએ સિફતતાથી સ્નેહ મિલનને બાકાયદા પત્રકાર પરિષદમાં પલટી દીધી. મોદીએ સ્ટેજ પર આવીને માઈક હાથમાં લઈ અમદાવાદની સિવિલ હોસ્પિટલની કાયાપલટની જાહેરાત કરી દીધી અને તેની પ્રેસનોંધ પણ સ્નેહ મિલનના અંતે મુખ્યમંત્રી નિવાસની બહાર નીકળતા સૌ પત્રકારોને વહેંચવામાં આવી. સિવિલ હોસ્પિટલની કાયાપલટ, નવીનીકરણ અને રિસ્ટ્રક્ચરીંગની જે સ્ટોરી નરેન્દ્રભાઈએ ‘ખુશખબર’ કહીને આપી એ સ્ટોરી દિવસો અગાઉ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ફ્રન્ટ પેજ પર છપાઈ ચૂકી છે. તેથી એ પણ વાસી સ્ટોરી. મોદીએ આનો ઉલ્લેખ માઈક પર એમ કહીને કર્યો પણ હતો કે સ્ટોરી લીક થઈ ચૂકી છે એમ કરીને ન છાપો એવું ન કરતા.

મોદીનો જમણવાર અમદાવાદના ગોરધનથાળવાળા ગોરધન કેટરર્સને સોંપવામાં આવ્યો હતો. શેરડીનો રસ, મોસંબીનો જ્યુસ, આઈસક્રીમ, છાશ અને પાન આટલી ચીજો એસેસરીઝ હતી. ભોજનની ડીશમાં ગુજરાતી ખાંડવી, ઉંધિયું, રશિયન સલાડ, વેજીટેબલ મેક્રોની, બાસુદી, નાન, બિરયાની, મોળી ગ્રેવીમાં બટાકાના મોટા ટુકડા વગેરે હતું. પીરસવા માટે ગોરધન કેટરર્સની ચુની ચુનીને પસંદ કરવામાં આવી હોય તેવી સુંદર પરિચારિકાઓ હતી. કેટલાક મંત્રીઓ પત્રકારો સાથે જ થાળી લેવાની કતારમાં ઉભા હતા તો કેટલાક થોડો વટ રાખતા હતા. કેટલાક મંત્રીઓને નાના છાપાના તંત્રીઓ પોતાના વિઝીટીંગ કાર્ડ આપતા હતા તો બીજા કેટલાક નાના છાપાવાળાઓ મંત્રીઓને પોતાનું જે નક્કી કરીને આવ્યા હોય તેવું કામ બયાન કરવાની વેતરણમાં હતા.

સ્નેહ મિલન દરમિયાન એક પત્રકાર મંત્રીશ્રીને પગે લાગ્યો એ વાત કેટલાક પત્રકારોમાં ચર્ચાસ્પદ બની હતી. મને આમાં કશું ખોટું દેખાયું નહી અલબત્ત એ શર્તે કે પેલો પત્રકાર કાલે પેલા મંત્રી ગુજરાતનું અહિત કરતા હોય તો તેમની બોચી પણ પોતાની કલમ ચલાવીને પકડી શકવાની જીગર રાખતો હોય. પત્રકારની ઉંમર નાની છે ને તે જેમને પગે લાગ્યો એ મંત્રીની ઉંમર મોટી છે. વળી એ પત્રકાર અને પેલા મંત્રી બેઉ વચ્ચે પત્રકારત્વથી વિશેષ કુદરતી સંબંધ છે. એટલે પગે લાગે એમાં કોઈ ચર્ચાનો વિષય ન હતો.

આનંદીબહેન, માયાબહેન, ફકીરભાઈ, મંગુભાઈ, નરોત્તમભાઈ, દિલીપ સાંઘાણી, સૌરભ પટેલ, આઈકે જાડેજા આ બધા પત્રકારોને કેમ છો પૂછતા હતા. મોદી રાજમાં મંત્રીઓ અને પત્રકારો વચ્ચે ફેસ ટુ ફેસ રેપો કે ઓળખાણ બહુજ ઓછા રહ્યા છે એટલે ક્યારેક તો આ મંત્રીઓ પત્રકારો વચ્ચે મીસફીટ અનુભવીને બાઘે ચડતા હતા.

અગાઉ કાર્યક્રમની શરૂઆત અગાઉ સ્ટેજ પર બે ખુરશી મૂકવામાં આવી હતી ત્યારે મારી સાથે બેઠેલા ફોટોગ્રાફર ઝવેરીલાલ મહેતાનું નિરીક્ષણ હતું કે સ્ટેજ તો રિસેપ્શન સ્ટેજ જેવું લાગે છે. તુરંત જ મારી પાછળ બેઠેલા એક પત્રકારે ટીખળ કરી કે તો પછી તો આજે મોદી સાથે બીજી ખુરશીમાં —– બેસશે. ત્યાં તો સ્ટેજ પર એક ખુરશી થઈ ગઈ. પણ થોડી વારમાં સ્ટેજ પર વધારાની ખુરશી લાવીને ત્રણ ખુરશી ગોઠવી દેવાઈ. બધું કૈલાશનાથનને ફોન પર સૂચના મળે તેના ઈશારે થતું હતું. ત્રણમાંથી બે ખુરશી પર પુરૂષોત્તમ રૂપાલા અને મોદી બેઠા પણ ત્રીજી ખુરશી ખાલી જ રહી. સ્ટેજ પરનું મોદીનું સંબોધન પત્યું એની કેટલીક વાર પછી વજુભાઈ વાળા સ્થળ પર આવ્યા ત્યારે મોદીએ હસીને કહ્યું કે તમે મોડા આવ્યા ને તમારી ખુરશી ખાલી રહી સ્ટેજ પર. આ પછી અમને સમજાયું કે ત્રીજી ખુરશી વજુભાઈ માટે હતી.

મોદી આજે સફેદ સફારી પહેરીને આવ્યા હતા એ જોઈને હિંદુસ્તાન ટાઈમ્સના ગુજરાત ખાતેના કોરસ્પોન્ડન્ટ રથીનદાએ કહ્યું કે ‘કેમ મોદીજી આજે કુર્તામાં નથી?’ મોદીએ તેમની હાજરજવાબીની જાણીતી સ્ટ્રાઈકીંગ સ્ટાઈલમાં તુરંત જવાબ આપ્યો કે ‘ભઈ એમનેમ થોડો આવ્યો છું?’

સ્ટોરી લેવાના મૂડમાં કોઈ ન હતું પણ કેમેરામેનોએ જયનારાયણ વ્યાસને ઉભા રાખીને કરંટલી ચાલી રહેલા નેનો પ્રોજેક્ટને રાહતો અંગેના કોંગ્રેસના આક્ષેપો અંગે પૂછી જ લીધું. વ્યાસે કહ્યું કે કોંગ્રેસ ૩૧૦૦૦ કરોડના લાભ આપ્યાની વાત કરે છે પણ નેનો પ્રોજેક્ટ જ ત્રણ-પાંચહજાર કરોડનો છે. કોંગ્રેસનો બેહૂદો આક્ષેપ સમજાય નહીં તેવો છે.

મોદીના જમણના ટેબલ પર મંત્રીઓ તો હતા જ પરંતુ તે સિવાય હંમેશા સચિવાલયમાં ફરતા રહેતા ગુજરાત સમાચારના કટાર લેખક વૃદ્ધ દોલત ભટ્ટ , દિવ્યભાસ્કરના ગુજરાતના તંત્રી અજય ઉમટ તથા ઈન્ડિયા ટુડેના ગુજરાત ખાતેના કોરસ્પોન્ડન્ટ ઉદય મહુરકર પણ હતા. આ ત્રણમાંથી બે રીતસર ઘૂસ મારીને મોદીના ટેબલે ગોઠવાયા હતા અને એકે ડિગ્નીફાય રીતે મોદીના ટેબલ પર સ્થાન મેળવ્યું હતું એવું આવી બધી બાબતોમાં સેકંડે સેકંડની ખાસ નજર રાખનાર પત્રકાર મિત્રનું નિરીક્ષણ હતું.

એક વાત કરવાની રહી ગઈ. સ્નેહ મિલન સમારંભ મુખ્યમંત્રીના નિવાસસ્થાનની લોનમાં રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી નિવાસમાં પ્રવેશતા અગાઉ તમામ પત્રકારો પર બહુજ સાધારણ રીતે મેટલ ડિટેક્ટર ફેરવવામાં આવતું હતું જે સમજી શકાય તેવી બાબત છે. પરંતુ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અમદાવાદ સંસ્કરણના એક વરિષ્ઠ પત્રકાર સિક્યોરિટી સ્ટાફ સાથે એવી દલીલમાં ઉતર્યા હતા કે જો મેટલ ડિટેક્ટરથી તપાસ થવાની હોય તો તેઓ અંદર નહીં જાય અને સ્નેહમિલન કાર્યક્રમમાં ભાગ ન લઈને તેનો બહિષ્કાર કરશે. આ પત્રકારનું કહેવું હતું કે ‘મોદીએ બોલાવ્યા છે ને આવ્યો છું. હું મેટલ ડિટેક્ટરથી તપાસ થતી હોય તો અંદર નહીં જઉં’. થોડીવાર થઈને નેચરલ ક્રમમાં જ કારમાં માહિતી વિભાગના ઉચ્ચાધિકારી ભાગ્યેશ જહા આવ્યા ને આ પત્રકારને તપાસમાંથી એક્ઝેમ્શન આપીને અંદર લઈ ગયા. પેલા પત્રકારે મને કહ્યું કે ‘સ્વમાન જેવું તો હોવું જોઈએ ને?’ મેં મનમાં કીધું કે ‘સિક્યોરિટી જેવું પણ કંઈ હોવું જોઈએ ને?’
******


નેનો ફેમીલી!

9-11-2008

જુદા જુદા અખબારો કે ટેલીવીઝન મિડિયા છાશવારે જુદા જુદા સબ્જેક્ટથી ગ્રસ્ત થઈ જતા હોય છે. બોરવેલમાં પડી ગયેલા બાળક અને આરૂષિ હત્યાકાંડથી ટેલીવીઝન ચેનલો કેવી અસરગ્રસ્ત થઈ ગઈ હતી એ યાદ છે ને? મુસ્લિમ કે ખ્રિસ્તિ હિત ધરાવતી વિદેશના મૂડીરોકાણકારોના પૈસે ચાલતી ટીવી ન્યૂઝ ચેનલો ગોધરા અને એન્ટી-મોદી સ્ટેન્ડથી કેવી ગ્રસ્ત થઈ ગઈ હતી એ યાદ છે ને?

ચાલો હવે થોડી લોકલ વાત કરીએ.

આજકાલ સંદેશ અખબાર એન્ટી-આસારામ ગ્રસ્ત છે તો ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની અમદાવાદ એડિશન નેનો-ગ્રસ્ત છે.

ટાઈમ્સના સુરતના ફોટોગ્રાફરે આ ફોટો ઝડપ્યો ને તે ટાઈમ્સમાં છપાયો. ફોટો પર હેડિંગ હતું ‘નેનો ફેમીલી’.

હવે સુરતના આ ટુ વ્હીલર પર જતા પરિવારને નેનો સાથે શું લેવા દેવા? એનો જવાબ ફોટાની ક્રિએટીવ ફોટોલાઈનમાં લખ્યો હતો. તે એ કે એક વખત નેનો આવી જશે પછી આ પરિવારે ટ્રાફીકનો ભંગ કરવાની(ફાઈવ સવારીમાં હેલ્મેટ વગર નીકળવાની) જરૂર નહીં પડે!

ફોટો જોઈને રમૂજ પડી અને વહેંચવાનું મન થઈ આવ્યું માટે અહીં પ્રસ્તુત છે.

બાય ધી વે, અમદાવાદનું ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જેને મહોબ્બત કરે એને પૂરા દિલથી કરે છે અને ધિક્કારે એને પણ પૂરા દિલથી ધિક્કારે છે એ એની ખાસિયત છે. એનું સ્ટેન્ડ જે પણ હોય એ દિલદાર અને દિલફેંક હોય છે. જરા પણ કંજૂસી હોતી નથી.

ગીરમાં સિંહોનો શિકાર થયો પછી લગભગ મહિના સુધી ટાઈમ્સે આ ઈશ્યૂનું એક-એક એંગલ કવર કર્યું હતું અને તેને જીવતો રાખ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગુજરાતમાં દારૂબંધીનો વિરોધ કરતું હતું ત્યારે પણ તેણે આ કામ એગ્રેસીવલી કર્યું હતું(યાદ છે જ્યારે શંકરસિંહ વાઘેલા દારૂબંધીની તરફેણમાં અમદાવાદમાં ઉપવાસ પર બેઠા હતા અને તેમને જઈને પૂછ્યું હતું કે તમે પોતે દારૂ પીવો છો?)ટાઈમ્સ જ્યારે અમદાવાદના નવા પોલીસ કમિશનરની નિયુક્તિની પાછળ પડ્યું હતું ત્યારે તે કામ પણ તેણે દરરોજ ફ્રન્ટ પેજ ભરી દઈને એટલું તો એગ્રેસીવલી કર્યું હતું કે કમિશનરે રાજદ્રોહની ફરિયાદો દાખલ કરવી પડી હતી. હમણા નેનો ગુજરાતમાં આવ્યું તેને ટાઈમ્સે એટલી મહોબ્બત કરી છે કે લગભગ મહિના સુધી એક એક પાનાનું રોજિંદુ કવરેજ આપ્યું છે જેમાં સાણંદના પાળિયાને દેરીથી માંડીને જૂના રાજવી અને નવા જુવાનિયાઓ જે મળ્યું એ બધું જ સ્ટોરી બની ગયું હતું.

***


ઘોડો ઘાસ પર દયા ખાય તો ભૂખે મરે

8-11-2008

ઘોડો ઘાસ પર દયા ખાઈને એને ન ખાય તો ભૂખે મરે આ કહેવત આપે સાંભળી હશે પરંતુ ગુજરાતના દરિયા કિનારે કાર્યરત કોસ્ટ ગાર્ડની ટીમે સાંભળી લાગતી નથી. કોસ્ટ ગાર્ડવાળાઓએ ભારતની દરિયાઈ હદમાં ઘૂસેલી આઠ પાકિસ્તાની બોટ અને તેમાંના છપ્પન પાકિસ્તાની માછીમારોને પકડી તો લીધા પણ પછી છોડી મૂક્યા અને પાકિસ્તાન પરત જવા દીધા છે. કોસ્ટગાર્ડના પ્રવક્તાએ એક સમાચારસંસ્થા સાથે વાત કરતા એમ કહ્યું કે માછીમારોની પૂછપરછમાં જણાયું કે તેઓ ભૂલથી દરિયાઈ સીમા ઓળંગીની ભારતના દરિયામાં આવી ગયા હતા. આ જાણીને માનવતાના દાવે તેમને જવા દેવામાં આવ્યા.

આ ચોંકાવનારું તથ્ય છે. ગરીબ માછીમારોને માનવતાના ધોરણે જવા દીધા એ ક્દાચ માનવતાની દ્રષ્ટિએ બરાબર હોઈ પણ શકે પરંતુ કૂટનીતિક દ્રષ્ટિએ ભારે ભૂલભરેલું કૃત્ય છે.

પાકિસ્તાનની મરીન સિક્યોરિટી એજન્સીવાળાઓ ભારતના માછીમારોને છાશવારે જખૌ નજીકના દરિયામાંથી ઉઠાવી જાય છે અને ક્યારેય પણ આવું માનવતાસભર પગલું લેતા નથી. આજે પાકિસ્તાનની જેલોમાં ગુજરાતના માછીમારોનો ખડકલો થયેલો છે અને જાણે પાકિસ્તાન કૃપા કરતું હોય તેમ દરેક વર્ષે થોડા થોડા માછીમારોને છોડે છે. આપણા માછીમારોની કરોડો રૂપિયાની બોટ તો પાકિસ્તાનના કરાંચી બંદરે ધૂળ ખાય છે અને કેટલીક બોટોની તો પાકિસ્તાન હરાજી કરી રહ્યું છે તો કેટલીક બોટ પાકિસ્તાને પોતાના દરિયાઈ પેટ્રોલીંગ માટે વાપરવાની શરૂઆત કરી દીધી છે.

આવા સમયે આપણે પાકિસ્તાન પર આપણા માછીમારો અને હોડીઓને છોડવા માટે પ્રેશર લાવવું હોય તો એક જ ઉપાય રહે છે અને તે છે વધુમાં વધુ પાકિસ્તાની માછીમારોને પણ પકડીને ગુજરાતની જેલો ભરવાનો. જો આપણા ૪૦૦ માછીમારો પાકિસ્તાનની જેલમાં હોય અને પાકિસ્તાનના હજાર માછીમારો આપણી જેલમાં હોય તો પાકિસ્તાન સામેથી ઘૂંટણિયે પડીને વાતચીત માટે આવશે અને આપણે વાતચીત આપણી શરતોએ કરી શકીશું. જો પાકિસ્તાનના કરાચી બંદરે પડેલી કરોડો રૂપિયાની બોટો પાછી લાવવી હોય, ગુજરાતના માછીમાર સમાજની બહેન દીકરીઓના રતનોને કોટ લખપત જેલમાંથી પાછા લાવવા હોય તો એક ને માત્ર એક ઉપાય એ જ છે કે વધુમાં વધુ સંખ્યામાં પાકિસ્તાની માછીમારો આપણી જેલમાં હોય.

મારું તો માનવું છે કે એક સમયે એકથી બે હજાર પાકિસ્તાની માછીમારોને ગુજરાતની જેલમાં નાખી દઈને અને તે દરમિયાન ગુજરાતનો એક પણ માછીમાર જખૌથી આગળ માછીમારી કરવા ન જાય અને પાકિસ્તાનના હાથે ન ઝડપાય તેનું ચુસ્ત ધ્યાન રાખીને આપણું પલ્લું ભારે કરીને પાકિસ્તાનને દોડતું કરી માછીમારોનો પ્રશ્ન કાયમ માટે સુલઝાવવા માટેનો બોઈલીંગ પોઈન્ટ તૈયાર કરી દેવો જોઈએ.

એક સમયે વાજપેઈ અને મુશર્રફના શાસન વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે એવી મૌખિક સમજૂતી થઈ હતી કે બેઉ દેશોએ એકબીજાની હદમાં ઘૂસી આવતા એકબીજાના માછીમારોને પકડવા નહીં પરંતુ માત્ર ખદેડી દેવા એટલેકે ચેતવણી આપીને ભગાડીને સામી હદમાં પહોંચાડી દેવા. ભારતીય કોસ્ટગાર્ડે તો આનું પાલન કર્યું પરંતુ પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સીએ ગુજરાતના માછીમારોને પકડવાનું ચાલુ જ રાખ્યું તેથી આ સમજૂતીનો કોઈ અર્થ રહ્યો નહીં.

ભૂતકાળમાં ભારતના ચારસો માછીમારો પાકિસ્તાનની જેલમાં હોય તો પાકિસ્તાનના પણ એટલા જ કે તેથી વધુ માછીમારો ભારતની જેલમાં હાજર હોતાતા. પરંતુ કોસ્ટગાર્ડ કોણ જાણે કેમ પાછલા કેટલાક વર્ષોથી જવાહરલાલ નહેરૂની માફક કબૂતરો ઉડાડવામાં પડ્યું લાગે છે. જ્યાં ગુજરાતના ચારસોથી પાંચસો માછીમારો નિયમિતપણે પાકિસ્તાનની જેલમાં હોય છે(હાલ ૪૦૦) ત્યાં પાકિસ્તાનના પૂરા સો માછીમારો ય ભારતની જેલમાં નથી હોતા(હાલ માત્ર ૯૦). આવામાં પાછું કોસ્ટગાર્ડ છપ્પન પાકિસ્તાની માછીમારોને પકડીને છોડી મૂકે એ કેમેય કરીને યોગ્ય લાગતું નથી.
******


સિદ્ધાર્થ પટેલનો જમણવાર

6-11-08

કેટલાક સમય પહેલા મેં અહીં જ અંદર બહાર ગુજરાતમાં એક હેડિંગ માર્યુ હતું ‘સિદ્ધાર્થ પટેલ સાવધાન’. હેડિંગ નીચે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલના પત્રકારોમાં ચર્ચાએ ચડેલા બેએક ગુસ્તાખીના પ્રસંગ વિશે લખ્યું હતું.

એ પીસનો સૂર એ હતો કે ગુજરાતમાં કોંગ્રેસ પરંપરાગત રીતે પત્રકારોને સાચવાનારી પાર્ટી ગણાય છે પરંતુ સિદ્ધાર્થ પટેલ ઝડપથી ગુસ્સે થઈ જાય છે એનો એક-બે પ્રસંગોએ પત્રકારોને કડવો અનુભવ થયો છે જેના કારણ પત્રકારો સિદ્ધાર્થની અવળી છાપ બાંધીને બેઠા છે.

હવે કેટલા સમય પછી આજે એ જ પત્રકારોએ સિદ્ધાર્થ પટેલ વિશેનો પોતાનો જૂનો અભિપ્રાય એમેન્ડ કર્યો છે. પત્રકારોનું કહેવું છે કે સિદ્ધાર્થ પટેલ હવે કર્ટસીયસ અને સુઘડ રીતે વર્તી રહ્યા છે.

સિદ્ધાર્થ પટેલે ગઈકાલે તેમના ફાર્મ હાઉસ પર પત્રકારોને જમાડ્યા હતા. મિત્ર પત્રકારોએ આજે મને આ જમણવારનો અહેવાલ સંભળાવતા કહ્યું કે સિદ્ધાર્થનું રોડ ટચ ફાર્મ તેમના લેટ ફાધર અને ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની રીચ લેગસીના ઘણા ઉદાહરણો પૈકીનું એક હોય તેવું ભવ્ય હતું. ફાર્મમાં આરસીસીની ત્રણ કુટિયા છે, તળાવ અને સ્વીમીંગ પુલ છે અને અંડરલાઈન કરો કે તળાવમાં કમળ પણ ખીલેલા છે(ભાજપનું ચૂંટણી નિશાન કમળ હોય તો શું કોંગ્રેસ પ્રમુખના ફાર્મમાં કમળ ન ઉગાડાય?)

સિદ્ધાર્થ પટેલે પત્રકારો સાથે ઓવર ધી ડીનર ડીશ કરેલી વાતચીતમાં સંકેત આપ્યો કે કોંગ્રેસ ગુજરાતમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં કેટલાક સંસદ સભ્યોની બાબતમાં (મોદીની) નો રિપીટ થીયરી અપનાવશે. જમણવારમાં અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલ પણ હતા.

તો ચાલો પત્રકારોના તો સિદ્ધાર્થ પટેલ સાથે સંબંધ પણ સુધર્યા અને સાંજનું જમવાનું પણ સુધર્યું. પણ સિદ્ધાર્થની નો રિપીટવાળી વાતથી કોનું જમવાનું બગડ્યું? એની ચર્ચા ચૂંટણી થોડી નજીક આવે એટલે અહીં જ કરીશું.
******


ઈસરોનો ભુવન પ્રોજેક્ટ ભારત માટે ગુગલ અર્થ ને વિકિમેપિઆને ટક્કર મારે તેવો

05-11-2008

આહા! મંગળવારે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રિય કાર્ટોગ્રાફીની કોન્ફરન્સમાં ઈસરોના વડા જી માધવાન નાયરે ઈસરોના આગામી ભુવન પ્રોજેક્ટની અદભૂત વાત કરી.ભુવનનો મતલબ ‘પૃથ્વી’ એવો થાય છે.

ભુવન પ્રોજેક્ટ અંતર્ગત સેટેલાઈટથી ગુગલ અર્થ કે વિકિમેપિઆ કરતા પણ વધુ સ્પષ્ટ રીતે પૃથ્વી પરની ચીજોને જોઈ શકાશે. ગુગલ અર્થ હાલ ધરતીની સપાટીથી બસો મીટર ઉંચેથી જોઈ શકાય એટલું નજીકમાં નજીકમાંનું દ્રશ્ય દર્શાવે છે તો વિકિમેપિઆની આ રેન્જ પચાસ મીટરની છે. પરંતુ ઈસરોનું ભારતીય સેટેલાઈટના ડેટા આધારિત ભુવન માત્ર દસ મીટરની ઉંચાઈએથી પૃથ્વીની સપાટી પરની ચીજો બતાવશે. અલબત્ત જ્યાં ગુગલ અર્થ અને વિકિમેપિઆ સમગ્ર વિશ્વનું દર્શન કરાવે છે ત્યાં આપણો ભુવન પ્રોજેક્ટ માત્ર ભારતીય ઉપખંડ પૂરતો સિમિત રહેશે. ઈસરોના વડા જી માધવનના જણાવ્યા અનુસાર ભુવન આવનારા નવેમ્બરમાં તૈયાર થશે અને આવતા વર્ષે માર્ચમાં અવકાશમાં છોડવામાં આવશે. જ્યાં ગુગલ અર્થ કે વિકિમેપિઆ ચાર વર્ષે તેમનો ડેટા બદલે છે ત્યાં ભુવન દરેક વર્ષે અપડેટ થશે.

હું પત્રકારત્વમાં વીસ વર્ષની ઉંમરે પ્રવેશ્યો ને પહેલા જ ત્રીસ દિવસોની અંદર અંદર દલાઈલામાનો ઈન્ટર્વ્યૂ લેવાનો આવ્યો હતો. દલાઈલામાએ એક વાત કહી હતી જે બરાબર યાદ છે. તેમણે કહ્યું હતું કે ભારત એક વિરાટ દેશ છે અને તેણે વિચારવું પણ વિરાટ જોઈએ. દુનિયામાં પોતાનો કિરદાર પણ વિરાટ રીતે અદા કરવો જોઈએ.

માધવન નાયર અને ઈસરો વિરાટ વિચારે છે અને વિરાટ કરે છે. મૂન મિશન બાદ ભુવન એની પ્રતિતી કરાવે છે.

ચંદ્રયાન મિશન પછી ઘણા લોકો પૂછે છે કે આ મિશનથી લોકોને શું ફાયદો? પાછલા વર્ષે આઈઆઈએમના પ્રોફેસર ડો. અનિલ ગુપ્તાએ મને એક મુલાકાતમાં કહ્યું હતું કે અમદાવાદ મેગાસિટી બને તો બને પણ એ પહેલા લોકોએ મેગાસીટીના નાગરિક તરીકે વિચારતા થવું પડશે. આપણે વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો વિકસિત રાષ્ટ્રની માફક પહેલા વિચારતા થવું પડશે.

જે લોકો ચંદ્રયાન મિશન પર આપણને શું ફાયદો એનો બકવાસ કરતા હોય છે તેમને મારે એમ જ કહેવાનું કે વિરાટ વિચારતા થાઓ.વિક્રમ સારાભાઈ વિરાટ વિચારતા હતા તો ભારતને ઈસરો અને અબ્દુલ કલામ મળ્યા ને અમદાવાદને આઈઆઈએમ, પીઆરએલ મળ્યા. ટાટા ગ્રુપ વિરાટ વિચારે છે અને તેની દર્જનો કંપનીઓની વિશ્વ આખામાં પેઠ છે.સરકાર તળે કાર્યરત સંસ્થાઓમાં ઈસરો એક મિસાલ છે કે જે વિરાટ વિચારે છે. ગો અહેડ મીસ્ટર માધવન. વી આર પ્રાઉડ ઓફ યુ. ભુવન પ્રોજેક્ટ રાષ્ટ્રની રક્ષા, વ્યવસ્થાપન, આફત નિવારણ દરેક ક્ષેત્રે અદભૂત સફળતા અપાવશે.

******


લગે રહો કે.લાલ

05-11-2008


ગુજરાતના સુપ્રસિદ્ધ જાદુગર કેલાલ સાહેબની તબિયત હવે ખાસ્સી સારી છે. જાદુ જેવા વિશિષ્ટ પ્રોફેશનમાં કાઠુ કાઢનાર આ ૮૪ વર્ષીય ગુજરાતી પણ ગુજરાતી સાહસિકતાનો નમૂનો છે કે જેઓ ગલીમાં ચાલતી ચીજને વિશ્વના સ્ટેજ પર લઈ ગયા અને પ્રોફેશનલી લઈ ગયા.

કેલાલ સાહેબને પાછલા મહિને અચાનકજ ચક્કર આવ્યા હતા અને પડી ગયા હતા. તેમનો દીકરો જુનિયર કેલાલ બેંગલોર હતો. પરંતુ કેલાલ સાહેબનો પૌત્ર હાજર હતો જેણે દાદાને તુરંત જ સાલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. અહીં કેલાલ પર મગજનો ક્લોટ કાઢવાનું બહુ જ ક્રિટીકલ ઓપરેશન હાથ ધરાયું જેના અંતે તેઓને રજા અપાઈ. ડોક્ટરોનું કહેવું છે કે કેલાલે જે રીતે મૃત્યુના સમીપ જેવી પરિસ્થિતિ ટાણે મોત સામે મક્કમ મનોબળ સાથે બાથ ભીડી તે પણ કોઈ જાદુથી ઓછી વાત નથી. હાલ તો કેલાલ એટલે કે સુરેન્દ્રનગરના કાંતિલાલ અમદાવાદની સાબરમતી નદીના કિનારે દિનેશ હોલ પાછળ આવેલા રિવર વ્યૂ ખાતેના તેમના નિવાસસ્થાને આરામ ફરમાવી રહ્યા છે.

તો મને તો લાગ્યું કે કે.લાલ સાહેબ હવે શોમાં નહીં દેખાય અને હવે આરામ જ કરશે પણ આજના અખબારમાં આવેલી એડવર્ટાઈઝ અનુસાર કેલાલ ફરીથી ધૂમ મચાવવા આવી રહ્યા છે તેમનો શો લઈને અમદાવાદમાં.

એડવર્ટાઈઝમાં લખ્યું છે:”લગે રહો કેલાલ…નિકોલ ગામમાં ધૂમ મચાવવા આવી રહ્યાં છે વિશ્વ વિખ્યાત જાદુગર કે.લાલ. પૂજ્ય ગાંધીબાપુના આત્માને જીવંત કરી તેમના આદર્શ્નોને જાદુમાં વણીને એવો અદભૂત શો બતાવશે કે તમો મુન્નાભાઈને ભૂલી જશો. અમેરીકન સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ગાયબ કરીને ઈતિહાસ સર્જશે. અગાઉ કેટલી પણ વાર કે.લાલને જોયા હોય પણ આ વખતનો શો જોઈને તમો દંગ રહી જશો. કે.લાલમાં પ્રભુની ઉર્જા આવેલી છે. ચેરીટી શો તથા ગ્રુપ બુકીંગ માટે સંપર્ક: ૯૮૨૫૪૨૪૩૦૬”

એડવર્ટાઈઝમાં લખ્યું છે એ જ કહેવાનું કે લગે રહો કે.લાલ.

***********************


મોદી vs વિહિપની ગેમ
ન્યાયગત,સ્વભાવગત કે વ્યૂહગત?
પરિવારગત કે અંગત?

03-11-2008

વિશ્વ હિંદુ પરિષદ સામે નરેન્દ્ર મોદીએ તાણેલું નાળચું એ માત્ર વધુ એક પોલીસ કેસ છે કે પછી નરેન્દ્રભાઈના અંટસવાળા સ્વભાવનું એક્સ્પ્રેશન છે કે રાષ્ટ્રિય રાજનીતિમાં સ્વીકાર્ય બનવાનું પા પા પગલી પ્રયાણ છે?

ન્યાયગત

પહેલો ઓપ્શન:સરકારને વાંધાજનક લાગતા એસએમએસ ફરતા હશે. ગાંધીનગરમાં ફરતા હશે એટલે વગદાર વ્યક્તિઓ સુધી પણ પહોંચ્યા હશે. એટલે તપાસ શરૂ થઈ હશે અને પગેરું વિશ્વ હિંદુ પરિષદના મહામંત્રી અશ્વિન પટેલના મોબાઈલ ફોન સુધી પહોંચતું હશે. પોલીસે તેની ચેનલ મારફતે છેક ઉપર પૂછી લીધું હશે. ઉપરથી એટલેકે ગુજરાતની સર્વોચ્ચ ઓફિસથી વાયા ચેનલ ‘યેસ’ આવી ગયું હશે એટલે પોલીસે શાનથી અશ્વિન પટેલને ફ્રેમ કરી દીધો હશે.

ઉપરના ઓપ્શનમાં પ્યોરલી ન્યાયી પ્રક્રિયાની એટલેકે ન્યાયસંગત વાત છે તો હવે બીજો ઓપ્શન વિચારીએ તો વાત સ્વભાવગત હોઈ શકે છે.

સ્વભાવગત

નરેન્દ્રભાઈએ તેમના અંટસવાળા સ્વભાવથી આ એક્શન લીધું હોય અથવા એપ્રૂવ કર્યું હોય તેવી શક્યતા હોઈ શકે.

નરેન્દ્રભાઈને એક સમયે સ્વ.હરેન પંડ્યા સાથે અંટસ પડી ગઈ હતી અને હરેનને તેમણે એલિસબ્રીજ વિધાનસભામાંથી નહતો જ લડવા દેવો. પરંતુ હરેનને અડવાણી સાથે ડાયરેક્ટ કનેક્શન હતું. અડવાણીજીએ હરેનની ટિકીટને ગ્રીન સિગ્નલ આપી દીધું તો નરેન્દ્રભાઈ વહેલી સવારે છાતીમાં દુ:ખાવો છે એમ કહીને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. ગાંધીનગર અને અમદાવાદમાં સૌ કોઈ જાણતું હતું કે હરેનને ટિકીટ આપો તો પોતે ચૂંટણી જંગમાંથી જ ખસી જાય અને તબિયતના બહાને ગ્રાઉન્ડ થઈ જાય તેવુ આ ત્રાગુ હતુ. હરેન પંડ્યા તો નરેન્દ્રભાઈને હોસ્પિટલમાં મળવા પણ ગયા હતા અને પછી જાતે જ પક્ષના હિતમાં એલિસબ્રીજની બેઠકની દાવેદારી છોડી દીધી હતી. નરેન્દ્રભાઈ હોસ્પિટલમાંથી છૂટીને પ્રથમ વખત ખોખરાની જાહેરસભામાં દેખાયા હતા અને એક પત્રકાર તરીકે મેં એમને સ્ટેજ પાસે જઈને બીજા પત્રકારો સાથે ઉભા રહી પૂછ્યું હતું કે તબિયત કેવી છે? નરેન્દ્રભાઈ આનો જવાબ આપ્યો ન હતો અને હસીને વાત જવાદો એવો ઈશારો કર્યો હતો.

આ પ્રસંગ મેં એટલા માટે લખ્યો છે કે નરેન્દ્રભાઈને જો કોઈની સાથ અંટસ પડી જાય તો સંઘ શું ને અડવાણી શું? બધાએ હાથ જોડવા પડે ને તોય નરેન્દ્રભાઈ કરે તો પોતાનું ધારેલુંજ. વાત એક્સ્ટ્રીમ પર પહોંચી જાય. નરેન્દ્રભાઈની વિશ્વ હિંદુ પરિષદ સાથેની અંટસ એવી ગહેરી લાગે છે કે વિહિપએ અમરનાથ મામલે આખા ભારતમાં બંધ આપ્યો તો ભાજપે તેને સમર્થન આપ્યું પણ ગુજરાતમાં નરેન્દ્રભાઈએ પુરૂષોત્તમ રૂપાલાને કામે લગાડી દીધા. રૂપાલાએ દિલ્હી રાજનાથ સિંઘની પરવાનગી લઈને ગુજરાતમાં બંધને ભાજપનો સપોર્ટ ન હોવાનું જાહેર કરી વિહિપના બંધનું સૂરસૂરિયું કરવાનું કામ કર્યું. ગુજરાતમાં બંધ રથયાત્રા આવી રહી હોવાથી બાકાત રખાયો. વિહિપ બાબતે ભાજપના આવા તો નાના મોટા અનેક પગલાના ઉદાહરણો છે.

તો સામે પક્ષે વિહિપની મોદી તરફની અંટસના પણ આટલા જ ઉદાહરણ છે. સુરતના પાટીદાર સંમેલનમાં પ્રવીણ તોગડિયા પહોંચી ગયા હતા. આખું ગામ જાણે છે કે આ સંમેલન મોદીની વિરૂદ્ધમાં ગુજરાતના પટેલોના નેતા તરીકે કેશુભાઈ પટેલને પ્રોજેક્ટ કરવા માટેનું હતું. પ્રવિણ તોગડિયા જેમના ગોડફાધર છે એવા ગોરધન ઝડફિયા ગામે ગામ ફરીને પટેલોને ભાજપ વિરૂદ્ધ લાઈન બંધ કરવાની કોશિશો કરતા હતા, વિહિપ તરફી સાધુઓની ભાજપને હરાવવા મોટી કાર યાત્રા નીકળી હતી. કેશુભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન વીએચપીવાળાઓ પોલીસની બદલીથી માંડીને ચૂંટણીની ટિકીટ સુધીના નિર્ણયો પોતાના ભાજપને ચૂંટણી સમયે આપેલા સપોર્ટની ધાસ્તીએ દમ મારીને લેતા હતા.મોદીએ વિહિપ વગર ચૂંટણી લડીને જીતી બતાવી. વિહિપ બેકડોરમાં સામે પડ્યું હોવા છતા.

આમ મોદી વર્સીસ તોગડિયાનો મામલો પોલીટીકલ, ઈગોની, વર્તનકે વિચારની સ્ટાઈલની કે એમ્બીશનની અંટસનો કે ઘટનાઓ અને સંજોગોથી સર્જાયેલી એક્શન-રિએક્શનની હારમાળાનો હોઈ શકે છે.

વ્યૂહગત

હવે ત્રીજા અને સૌથી વધુ મહત્વના ઓપ્શનની વાત. રાષ્ટ્રિય રાજનીતિમાં વધુ સ્વીકાર્ય બનવા માટે નરેન્દ્રભાઈએ વિશ્વ હિંદુ પરિષદથી માત્ર દૂરી બનાવવાનું જ નહીં પણ પ્રોએક્ટીવલી તેની સામે પડવાનું પણ સ્ટ્રેટેજીકલી નક્કી કર્યું હોય તેવું શક્ય છે.

પણ આ ઓપ્શનમાં પણ બે સબઓપ્શન છે. એક એ કે નરેન્દ્રભાઈ રાષ્ટ્રિય રાજનીતિમાં અને ખાસ કરીને તો આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતભરમાં બહોળા સમાજમાં સ્વીકાર્ય વ્યક્તિ તરીકે પ્રચાર કરી શકે એ માટે સંઘે જ મોદી વર્સીસ વિશ્વ હિંદુ પરિષદનો આ પ્લોટ ઘડ્યો હોય જેમાં ટોપ કેડર ઈન્વોલ્વ હોય. નીચેની કેડર બૂમબરાડા કર્યા કરે. સંઘે કોઈપણ સંજોગોમાં આવનારી ચૂંટણીમાં ઈટાલીયન ખ્રિસ્તિ સોનિયા ગાંધીને ભારતની નિર્ણાયક વ્યક્તિના પદેથી દૂર કરવી છે.

મોદી આવતી ચૂંટણીમાં એક અનબાયસ્ડ, નિષ્પક્ષ અને કોઈની શરમ ન ભરનારા નેતા તરીકે બિહાર અને ઉત્તરપ્રદેશ તથા દક્ષિણ ભારત સુદ્ધામાં પ્રચાર કરી શકે એટલા માટે તેમની છબીને વળાંક આપવા પરિવારની ટોપ રેન્કની આ સ્ટ્રેટેજી હોય તેવું શક્ય છે.

ત્રીજા ઓપ્શનનો બીજો સબ ઓપ્શન એ કે પ્લોટ સંઘનો ન હોય અને મોદીએ જાતે જ નેશનલી સ્વીકાર્ય બનીને આગામી વર્ષોમાં અડવાણી પછીના નેશનલી સ્વીકાર્ય ભાજપી નેતા નંબર ટુ બનવું હોય અને વડાપ્રધાનપદ મેળવવું હોય અને આ માટે વિશ્વ હિંદુ પરિષદ મોદીના પૂતળા બાળે ને મિડિયા એને જુએ, પૂર્વ તથા દક્ષિણના બિનસાંપ્રદાયિક લીબરલ્સ તેને નિષ્પક્ષ મોદીના પરિપ્રેક્ષ્યમાં જુએ એવી તેમની અંગત એમ્બીશન ડ્રીવન ગેમ હોય.

ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન બનવું હોય તો લીબરલ હોવું ફરજીયાત છે. આખી વિદેશનીતિ ધર્મ આધારિત છે. મીડલ-ઈસ્ટના મુસ્લિમ દેશો તેલ આપે છે. યુરોપ અને અમેરિકા જેવા ખ્રિસ્તિ દેશો પૈસા આપે છે, સંરક્ષણના સાધનો આપે છે અને નાણાકિય તથા વ્યૂહાત્મક સહાય આપે છે.

ભારતમાં ઓરિસ્સામાં ખ્રિસ્તિ દેવળો પર હુમલા થાય તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ મનમોહન સિંઘની ફ્રાન્સ મુલાકાત ટાણે મનમોહનસિંઘનો આ બાબતે જવાબ માંગે છે. ભારતમાં મુસ્લિમો પર વ્યાપક હુમલા થાય તો સાઉદી અરબ અને અન્ય મુસ્લિમ દેશોના રાજદૂતો વડાપ્રધાનને મળવા પહોચીજાય છે. મોદીએ આજે કોઈ પણ ખ્રિસ્તી કે મુસ્લિમ દેશમાં જવું હોય તો પહેલાં તો વિઝાની જ ચિંતા કરવી પડે છે.

આ તો થઈ વિદેશનીતિની વાત પરંતુ સ્વદેશનીતિની વાત કરીએ તો પણ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના ઘણા ખરા સેક્યુલર મતદારો અને ખાસ કરીને તો ભાજપના સાથી સેક્યુલર ઘટક પક્ષોમાં સ્વીકાર્ય થવા માટે પણ સેન્ટ્રીસ્ટ ચહેરો હોવો હાલના સંજોગોમાં તો અનઓફિશીયલી ફરજીયાત છે. આ વિસ્તારોમાં સ્કૂલોમાં લેફ્ટીસ્ટ-સેક્યુલર અવળો ઈતિહાસ ભણનારી પેઢીઓ તૈયાર થયેલી છે ને અખબારોનો રૂખ પણ આવો જ છે એટલે લોકોમાંનો એક ક્લાસ પ્યોર રાઈટવીંગ આઈડિયોલોજી મૂશ્કેલીથી સ્વીકારે છે.

હાર્ડકોર હિંદુત્વની સામે પડીને ઈમેજ ટ્રાન્સ્ફોર્મેશન કરવાની કવાયતમાં સફળતા ન મળે તો ન ઘરના ને ન ઘાટના એવી પરિસ્થિતી ઉભી થઈ શકે. એટલે મોદી આ કવાયત ધીમા પગલે અને વ્યૂહાત્મક રીતે હાથ ધરી રહ્યા છે. જેમ કે વિહિપના ભારત બંધને સમર્થન નહીં પણ તેનું કારણ રથયાત્રા બતાવી દેવાનું. એ જ રીતે વિહિપના મહામંત્રી પર કેસ નાખી દેવાના પણ એનું કારણ વાંધાજનક એસએમએસનું બતાવવાનું કે જે કોમી શંતિને ખલેલ પહોંચાડે એવા હતા.

પરિવારગત કે અંગત?

હાલ તો વિહિપ મોદી સામે જેટલા જોરશોરથી ધમપછાડા કરે એટલો મોદીને વધુ સ્વીકાર્ય બનવામાં ફાયદો મળી રહ્યો છે. આ સ્ટ્રેટેજી મોદીની પોતાની છે કે પરિવારની છે એ પ્રશ્ન બહુ મહત્વનો છે.

કેટલાક સમય અગાઉ અમે ગણ્યાંગાંઠ્યા પત્રકારો વિહિપના વડા અશોક સિંઘલને અમદાવાદમાં મળ્યા હતા ત્યારે એક પત્રકારે મોદી અને તોગડિયાના સંબંધો વિશે પૂછ્યું હતુ તો અશોક સિંઘલે સૂચક શબ્દોમાં કહ્યું હતું કે તમે પત્રકારો અમારું કશું જાણતા નથી ને સ્પેક્યુલેશનો લગાવ્યા કરો છો. તમે જાણો છો કે તોગડિયા ને મોદી હમણાં મળ્યા હતા? અમારું અંદરખાને જે ચાલતું હોય એ તમે જાણતા નથી. (આ પછી કેટલાક દિવસો બાદ તોગડિયાને મેં પત્રકાર પરિષદમાં પોઈન્ટ બ્લેન્ક તેમના અને મોદીના સંબંધો અને છેલ્લે મોદીને ક્યારે મળ્યા હતા તે વિશે પૂછ્યું હતું તો તોગડિયાએ ઈલુ ઈલુ ચાલી રહ્યું હોવાનું અને દસ જ દિવસ પહેલા મળ્યા હોવાનું કહ્યું હતું.)

સિંઘલજીએ કરેલી વાત ત્યાં હાજર બીજા પત્રકારો બહાર નીકળતા જ ભૂલી ગયા પણ મેં યાદ રાખી છે. તમે પણ યાદ રાખજો.
****


જિંદગીનું સૌથી યાદગાર ‘સાલમુબારક’

01-11-2008


દિવાળી પૂરી થઈ અને બેસતું વર્ષ પણ ગયું. પણ હજુ પણ જેટલા લોકો નવા ગુજરાતી વર્ષમાં પહેલી વખત મળે છે એટલા સૌ કોઈ સાલમુબારક અચૂક કહે છે. નાનપણમાં આરએસએસની શાખાના મિત્રો કહેતા કે કોઈ સાલમુબારક બોલે તો ઈદ મુબારક જેવું લાગે છે એના બદલે નૂતન વર્ષના અભિનંદન કે શુભેચ્છાઓ એવું બોલે તો વધુ સારુ રહે…

પણ મારે અહીં સાલમુબારકને બદલે નૂતન વર્ષા અભિનંદન બોલવાનું એક બીજું કારણ પણ કહેવું છે. તે એ કે અમદાવાદમાં સાલ નામની અત્યંત મોંધી અને જેના વિશે તરેહ તરેહની વાતો ચર્ચાતી રહે છે એવી ફાઈવસ્ટાર હોસ્પિટલ ખૂલી છે. સાલ મુબારક કહીએ ને સામે વાળા વ્યક્તિને એ જ વર્ષે હાર્ટ એટેક આવે ને સાલ હોસ્પિટલ મુબારક થઈ જાય તો આપણું સાલ મુબારક એને કેટલું મોંઘું પડે? પેલો તો બિચારો કહે કે ભઈ સાલ મુબારકના બદલે વીએસ મુબારક કે સિવિલ મુબારક કીધું હોત તો ભલે ગમે તેવી સારવાર મળત અને જીવત કે મરત પણ આટલું બીલ તો ન ભરત?

અહીં લાગે હાથ તમને મારા જીવનના સૌથી યાદગાર સાલમુબારકની વાત કરી દઉ. અમે ચારેક મિત્રો વર્ષો પહેલા ગિરનાર પર્વત ફરવા ગયા હતા. ગિરનાર ચડતા અગાઉ આગલી રાત્રે જૂનાગઢના કાળવા ચોક નજીક પંજાબી હોટેલમાં ચાલતા જ જમવા જતા હતા ત્યારે ત્યાં ચોકમાં કેટલાક વ્યંઢળો(ફાતડાઓ) ઉભા હતા. આ ફાતડાઓ હકીકતમાં તો પોતાની સજાતીય સેક્સની ભૂખ સંતોષવા માટે શિકારની શોધમાં નાકુ ભરીને ઉભા હતા. લગભગ ફિલ્મોમાં દેખાડે છે એમ સડક છાપ કોલગર્લ નાકુ ભરતી હોય એમ.

અમને લબરમૂછિયા જુવાનિયાઓને તો એ વખતે આવી કશી ખબર પડે નહીં. એટલે અમે તો પસાર થતા હતા ને એક હટ્ટા કટ્ટા અને પાન ચાવતા ફાતડાએ અમને કુમળા ચીકણાઓને જોઈને કીધું ‘સાલમુબારક’

એ વખતે દિવાળી પસાર થઈ ચૂકી હતી અને સાલમુબારકવાલું એટમોસ્ફીયર હતું જ. એટલે મેં ભોળાભાવે પ્રત્યુત્તર આપીને સ્માઈલ કરીને પેલા વ્યંઢળને જવાબ આપ્યો ‘સાલમુબારક, થેંક્યુ.’

બસ પછી તો શું થાય? પેલો વ્યંઢળતો અમારી તરફ જ આવવા માંડ્યો. અમારા મિત્રોમાંથી એક જે અત્યારે હોલીવૂડમાં કમ્પ્યુટર પર કામ કરે છે એ હોંશિયાર હતો. એ મને લડ્યો કે તારે જવાબ આપવાની શું જરૂર હતી પેલાને? જો પાછળ આવે છે એ તો.

વ્યંઢળ પાછળ આવતો જાય ને અમે ઝડપથી ચાલતા જઈએ. રસ્તો સૂમસામ ન હતો. ભરપૂર ટ્રાફિક હતો. પણ શહેર અજાણ્યું ને અમે જોયું કે તમામ ચાર વ્યંઢળો અમારી નજીક આવતા હતા. છેવટે અમે નજીકમાં ઉભેલા પોલીસ પાસે ઉભા રહી ગયા ને કેડે હાથ દઈને ફાતડાઓ સામે કરડી નજરે જોયું. ફાતડાઓને બ્રેક વાગી ગઈને પાછા વળી ગયા.

અમે મિત્રો આજે પણ આ સાલમુબારક યાદ કરીએ ત્યારે ખડખડાટ હસીએ છીએ.

****


“ઈન્દિરાજી તમે દારૂ પીવો છો?”
માધવસિંહ સોલંકી યાદ કરે છે ઈન્દિરા ગાંધીને

01-11-2008


ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ગાંધીનગરમાં લો-પ્રોફાઈલ રિટાયર્ડ લાઈફ ગુજારી રહ્યા છે. માધવસિંહ સોલંકી પાસે ગુજરાતના કોંગ્રેસ યુગની યાદોનો ખજાનો છે. વાંચો અહીં માધવસિંહ સોલંકીએ સૌપ્રથમ વખત કોઈપણ મિડિયા સમક્ષ ખુલ્લા કરેલા ઈન્દિરા ગાંધીની યાદોના પ્રસંગો.

સભામાં ભીડથી ચૂંટણી ન જીતાય

માધવસિંહ કહે છે કે એક વખત ગુજરાતમાં બે બેઠકો પર પ્રચાર માટે ઈન્દિરા ગાંધી આવ્યા હતા. સભામાં જબરજસ્ત ભીડ થઈ હતી. ઈન્દિરા ગાંધી સભા પૂરી કરીને ગાડીમાં બેઠા અને ડ્રાઈવરને પૂછ્યું કે શું તેણે તેનું ભોજન પતાવ્યું છે? ડ્રાઈવરે હા પાડી અને ગાડી ચાલી. જ્યારે ઈન્દિરા ગાંધીને કહેવામાં આવ્યું કે સભામાં ખૂબ જ ભીડ હતી.કોંગ્રેસ આ બેઉ બેઠકો જીતી જશે ત્યારે ઈન્દિરાએ જવાબમાં કહ્યું કે આમ સભામાં ભીડના આધારે ચૂંટણી ન જીતાય. ચૂંટણી જીતવા તો હાથમાં લાલટેન લઈને રાત્રે ઘરે ઘરે ફરીને લોકોને મળવું પડે.

એ વખતે ઈન્દિરાની સાથે ગાડીમાં બેઠેલા માધવસિંહ સોલંકી આ પ્રસંગ યાદ કરતા કહે છે કે ઈન્દિરાજીની વાત સાચી પડી હતી. એ બેઉ બેઠકો કોંગ્રેસ હારી ગઈ હતી.

ઈન્દિરાજી તમે દારૂ પીવો છો?

માધવસિંહ એક અન્ય પ્રસંગ યાદ કરતા કહે છે કે ઈન્દિરાજી ગુજરાત આવ્યા હતા અને તેમની ઈચ્છા અંબાજીના દર્શન કરવાની હતી. અમદાવાદથી અંબાજી જતા ગાડીમાં આગળ ઈન્દિરાજી અને ડ્રાઈવર બેઠો હતો જ્યારે પાછળ માધવસિંહ અને ઝીણાભાઈ દરજી બેઠા હતા.

ગાડી થોડી આગળ ચાલી એટલે માધવસિંહે ઈન્દિરાને પૂછ્યું કે હેં મેડમ તમે દારૂ પીવો છો? ઝીણાભાઈ દરજીના તો મોતિયા જ મરી ગયા. તેમણે માધવસિંહને હડસેલો મારીને આંખના ઈશારાથી કહ્યું કે આવું તો પૂછાતું હશે? આ શું પૂછી બેઠા? માધવસિંહે કહ્યું અરે થવા દો ને, જુઓ શું કહે છે ઈન્દિરાજી.

ઈન્દિરાએ માધવસિંહના પ્રશ્નના જવાબમાં કહ્યું કે ના પોતે દારૂ નથી પીતા પણ કેમ આવો પ્રશ્ન થયો? તો માધવસિંહે ચોખવટ કરી કે હમણા તમે પાછા રાજકારણમાં સફળ થવા માંડ્યા છો ત્યારે ખુશવંત સિંઘે તેમના રેડ રોઝ ઈઝ રિટર્નીંગ બેક નામના લેખમાં લખ્યું છે કે ઈન્દિરાજી દારૂ પણ પીવે છે ક્યારેક ક્યારેક.

ઈન્દિરાએ માધવસિંહને જવાબ આપ્યો કે એ લેખમાં આ ખોટું છપાયું છે અને બીજું પણ ઘણું ખોટું છપાયું છે.પોતે તો દારૂ નથી પીતા પરંતુ ઘરમાં જવાહરલાલ નહેરૂ ખાસ મહેમાન આવ્યા હોય ત્યારે દારૂની બાટલી ખોલતા હતા.

હજીરાના વિકાસ માટે ઈન્દિરાની એ ‘હા’ જવાબદાર

માધવસિંહ સોલંકી યાદ કરે છે કે એ વખતે બોમ્બે હાઈનો ગેસ ક્યાં કાઢવો એની લેન્ડ ફોર પોઈન્ટની દ્વિધા ચાલતી હતી. મોરારજી દેસાઈ લેન્ડ ફોર પોઈન્ટ મુંબઈમાં સ્થાપવામાં આવે એવું ઈચ્છતા હતા જ્યારે માધવસિંહભાઈ પોતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેખીતીજ રીતે ગુજરાતના કાંઠે બોમ્બે હાઈના ગેસનો લેન્ડ ફોર પોઈન્ટ ઈચ્છતા હતા. અંબાજીના મંદિરમાં ઈન્દિરા કોકડું વળીને માતાજીને પગે લાગ્યા ને બહાર નીકળ્યા ત્યારે ઈન્દિરાએ માધવસિંહ સોલંકીને પૂછ્યું કે માધવસિંહભાઈ તમે પેલા બોમ્બે હાઈના ગેસના પોઈન્ટની વાત કરતા હતા એનું શું છે? માધવસિંહે ઈન્દિરાને કહ્યું કે મેડમ તમે ગુજરાતમાં અંબાજીના દર્શન કરીને ઉભા છો તો હવે ગુજરાતને એટલું આપી દો. અને આ સાથે જ બોમ્બે હાઈનો લેન્ડ પોઈન્ટ મુંબઈને નહીં પણ ગુજરાતના હજીરાને આપવાની ઈન્દિરાએ હા પાડી દીધી. માધવસિંહ આને યાદ કરતા કહે છે કે તેમણે એ સમયે કોઈ હોર્ડિંગ્ઝ મૂકાયા ન હતા. હજીરામાં ગેસનો પોઈન્ટ બન્યા પછી ત્યાં જબરજસ્ત વિકાસ થયો છે એ સૌ કોઈ જાણે છે.

અને ઈન્દિરાનો ફોન આવ્યો…

માધવસિંહ એક પ્રસંગને યાદ કરતા કહે છે કે એ વખતે ઈન્દિરાની સાથે દેવરાજ રસ નામના નેતા ફરતા હતા અને દેવરાજને કોઈએ ચડાવ્યા કે પ્રધાનમંત્રી તો તમે પણ બની શકો છો. આ પછી દેવરાજને પણ શૂરાતન ચડ્યું અને કોંગ્રેસમાંથી અલગ થઈને નવો પક્ષ બનાવવા મુંબઈમાં સંમેલન બોલાવ્યું.

એક દિવસ સવારે માધવસિંહના અમદાવાદના નવરંગપુરાના અર્પિતા ફ્લેટના ઘરે ઈન્દિરા ગાંધીનો ફોન આવ્યો. માધવસિંહ કહે છે કે ઈન્દિરાએ પૂછ્યું કે માધવસિંહ તમે દેવરાજના સંમેલનમાં મુંબઈ જવાના છો? માધવસિંહે ના પાડી અને પૂછ્યું કે આવું પૂછવાનું શું કારણ ઉભું થયું? તો ઈન્દિરાએ કહ્યું કે તેમને અર્જુનસિંહે કહ્યું કે દેવરાજની સાથે રજની પટેલ છે એ માધવસિંહનો નિકટતમ છે માટે માધવસિંહ દેવરાજ સાથે જશે. માધવસિંહે ઈન્દિરાને સ્પષ્ટ કરતા કહ્યું કે રજની મિત્ર છે પણ લીડર નહી લીડર તો માત્ર આપ જ છો ઈન્દિરાજી. ઈન્દિરા ગાંધીએ કહ્યું કે જે લોકો જતા હોય જવા દો. પાંચ માણસથી પણ આપણે તો કોંગ્રેસ ચલાવીશું.

ઈન્દિરાએ કહ્યું:મારા કુટુંબમાં પ્રોબ્લેમ છે

માધવસિંહે વધુ એક પ્રસંગ યાદ કરતા કહ્યું કે એક વખત મુખ્યમંત્રી હોવાના નાતે પોતે કેટલાક કાગળિયા લઈને ઈન્દિરાને મળવા દિલ્હી જવાનું થયું. ઈન્દિરાજા સચિવ એ વખતે આરકે ધવન હતા તેમણે કહ્યું કે ઈન્દિરાજી અત્યંત બીઝી છે. માધવસિંહે કહ્યું કે પોતાની બસ ચાર પાંચ મિનિટનું કામ છે. બસ થોડા કાગળિયા આપવાના છે. કાગળિયામાં બધું લખેલું જ છે. ધવને ચાર મિનિટનો ટાઈમ આપ્યો.

માધવસિંહ કહે છે કે ઈન્દિરાની ટેવ હતી કે લાંબા લાંબા લખાણવાળા કાગળો આપો તો બાજુમાં મૂકી દે પણ ટૂંકાણમાં લખેલું હોય તો તુરંત ધ્યાન આપે. આ ક્રમાનુસાર તેમણે એક પછી એક કાગળો જોયા પછી માધવસિંહ કહે છે કે ઈન્દિરાજીએ કુટુંબની વાતો શરૂ કરી. તેમણે કહ્યું% કે આજકાલ તેમના કુટુંબનું કામકાજ જે રીતે ચાલે છે એ પોતાને પસંદ નથી. માધવસિંહે બધી વાતો સાંભળીને કહ્યું કે ઘરનાને બોલાવો , બેસાડો અને તેમની સાથે નિખાલસતાથી ચર્ચા કરો તો ઉકેલ નીકળશે. તો ઈન્દિરા ગાંધીએ કહ્યું કે સંજય હતો તો ગમે ત્યારે મળવા બોલાવી શકાતો હતો પણ વહુને બોલાવો તો આવતી નથી….

માધવસિંહ કહે છે કે પૂરી પચ્ચીસ મિનીટ પછી પોતે બહાર આવ્યા ત્યારે ધવને કીધું કે તમે તો ચાર જ મિનિટ લેવાના હતા માધવસિંહ પણ કેમ પચ્ચીસ મિનિટ લીધી? માધવસિંહે જવાબ આપ્યો કે મેં તો ચાર જ મિનિટ લીધી છે. બાકીની મિનિટો તો ઈન્દિરાજીએ મારી લીધી છે. જ્યારે માધવસિંહે કહ્યું કે કુટુંબગત બાબતોની ચર્ચાના કારણે આટલો સમય ગયો ત્યારે ધવને માધવસિંહને કહ્યું કે આખા ભારતમાં પાંચ કે છ વ્યક્તિઓ એવા છે કે જેમની સામે ઈન્દિરાજી પોતાનું હ્રદય ખોલે છે તેમાંના એક તમે છો માધવસિંહ.

અને રાજીવ ગાંધી રાજકારણમાં આવ્યા

માધવસિંહ અન્ય એક પ્રસંગ યાદ કરતા કહે છે કે એક સમયે ઈન્દિરાજી અને તેમની વચ્ચે વાત ચાલતી હતી. ઈન્દિરાજી અપસેટ રહેતા હતા. માધવસિંહે તેમને સૂચન કર્યું કે સંજય નથી તો હવે રાજીવને તેમણે સેક્રેટરી બનાવવા જોઈએ કે જેથી કામનો બોજો ઓછો થાય. માધવસિંહે કહ્યું કે સરદાર પટેલની સાથે મણિબહેન રહેતા હતા, મોરારજી દેસાઈ સાથે કાન્તિ રહેતો હતો, જવાહરલાલ નહેરૂ સાથે આપ રહેતા હતા તે રીતે હવે રાજીવને પાઈલોટનું કામ છોડાવીને તમારો સેક્રેટરી બનાવવો જોઈએ. ઈન્દિરાજીએ કહ્યું રાજકારણમાં આવશે તો રાજીવ ખાશે શું? હું પગાર નહીં આપું. માધવસિંહે કહ્યું કે રાજીવ કોઈ ધંધો કરી લેશે સાઈડમાં. તો ઈન્દિરાએ ક્હ્યું કે ધંધો કરવા પૈસા ક્યાંથી લાવશે? મધવસિંહે કહ્યું કે પોતે ગુજરાતના મુખ્યમંત્રી છે. પોતે લોન આપી દેશ રાજીવને. માધવસિંહે કહ્યું કે જો તમે સંમતિ આપતા હોવ તો હું રાજીવને વાત કરું. આ પછી રાજીવ અને માધવસિંહ વચ્ચે બેઠક થઈ અને રાજીવનો રાજકારણમાં આવવાનો તખતો ઘડાયો.

*****


કચ્છમાં બેસતુ વર્ષ પડવા તરીકે ઓળખાય છે:વાળંદ અરીસો દેખાડી બક્ષિસ લે છે

31-10-2008


ગુજરાતના વાયવ્ય ખૂણાનો કચ્છ પ્રદેશ આમ તો અષાઢી સુદ બીજ એટલેકે રથયાત્રાના દિવસે પોતાનું નવું વર્ષ ઉજવે છે. દિવાળીનો બીજો દિવસ કચ્છમાં પડવો તરીકે ઓળખાય છે. આજે ય કચ્છના ગામના આગેવાનો વિતેલા વર્ષ દરમિયાન થયેલા વિખવાદો અને વિવાદો પડવાના દિવસે પતાવે છે.

કચ્છ મિત્ર અખબારમાં પ્રસિદ્ધ થયેલા ફકીરમામદ ચાકીના અહેવાલમાં કચ્છની આ પડવાની ઉજવણી વિશે પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર આ દિવસે કચ્છના ગામડાંઓમાં આજેય વાળંદ(હજામ) નવા વર્ષની સવારે ખિસ્સામાં અરીસો લઈને નીકળે છે અને જમીનદારો-શેઠિયાઓને એ અરિસો દેખાડીને બક્ષીશ લે છે. પરંપરા પકડીએ તો નવા વર્ષના દિવસે હજામના અરીસામાં મોઢું જોવાનું શુભ ગણાય છે. આ હજામ(વાળંદ)મુસ્લિમ હોય તો પણ નવા વસ્ત્રો પહેરીને ઉમંગભેર નીકળે છે અને અરીસો બતાવવાનો રિવાજ પાળે છે તથા નવા વર્ષની શુભેચ્છા આપીને બક્ષીશ મેળવે છે.

ક્ષત્રિયોની વસ્તીવાળા ગામોમાં ‘પડવા’નો પ્રારંભ પરોઢથી જ થઈ જાય છે. કચ્છી પાઘડી કે સાફા સાથે ‘રામ રામ’ કરવા નીકળતા આ ક્ષત્રિયો માતાજીના મંદિર, બ્રાહ્મણો તથા વડીલોને ઘરે જાય છે ત્યારે સવારના સુંદર દ્રશ્યો સર્જાય છે.

પટેલ ચોવીસીના ગામો નૂતનવર્ષની ઉજવણી ભુજ સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટના દર્શન કરીને કરે છે. આજે પણ કચ્છના અનેક ગામડાઓમાં નૂતન વર્ષ નિમિત્તે ઘોડા, રેંકડા, બળદગાડાની રેસ યોજાય છે.

*****


સાવરકુંડલામાં દિવાળીની ઈંગોરિયા ફેંકીને ઉજવણી

29-10-2008

દિવાળીની રાત્રે ગુજરાતમાં સૌથી જોવા જેવું દ્રશ્ય સૌરાષ્ટ્રના ભાવનગર નજીકના સાવરકુંડલાનું હોય છે. અહીં દિવાળીની રાત્રે ઈંગોરિયા નામનો તહેવાર મનાવવામાં આવે છે. આને તહેવાર કહો તો તહેવાર અને યુદ્ધ કહો તો યુદ્ધ એવો ધાટ હોય છે. રાત પડતાજ ઈંગોરિયા ખેલવા માટે બનાવવામાં આવેલા ખાસ પ્રકારના કાકડા અને ઉડતી ચકરડી રોકેટોને લોકોના ટોળા સામસામે ફેંકે છે. આપણે દિવાળીમાં જે હેન્ડ રેકેટ છોડીએ છીએ તે સીધુ વછૂટે છે. પરંતુ ઈંગોરિયા નામના ખાસ પ્રકારના બનાવવામાં આવતા ફટાકડા રોકેટની માફક વછૂટે છે ખરા પરંતુ ચકરડી ખાતા ખાતા આગળ વધતા હોય છે. સાવરકુંડલામાં ઈંગોરિયાની પ્રથા રાજાશાહી વખતથી ચાલતી આવે છે. અહીં પહેલા સાવર અને કુંડલા નામના બે ગામ હતા અને વચ્ચે નદી વહેતી હતી. બેઉ ગામના લોકો દિવાળીની રાત્રે નદીના સામસામા કિનારે એકઠા થઈને ઈંગોરિયાનો ખેલ ખેલતા હતા. પછીથી સાવરકુંડલા એક જ નગર બની ગયું પરંતુ ઈંગોરિયાની રમત ચાલુ જ રહી છે. એવુ નથી કે ઈંગોરિયાના આ ખેલમાં કોઈ ઘાયલ નથી થતું અને બધું સમૂસૂથરું જ પાર ઉતરી જાય છે. ઈગોરિયા ખેલતી વખતે સામસામી લોકો ક્યારેક દાઝે છે પણ ખરા અને ઘાયલ પણ થાય છે પરંતુ કોઈ આની પોલીસ ફરિયાદ કરતું નથી. બધા આને તહેવારની સ્પીરીટમાં જ લે છે. ઈંગોરિયાની પ્રથા જોખમી હોવાથી તેને બંધ કરવાના પણ ભૂતકાળમાં પ્રયત્નો થયા છે પરંતુ તે સફળ થયા નથી.

******

ગુજરાતની સો વર્ષ પહેલાની અસલ દિવાળી:પૂજ્ય શ્રી રવિશંકર મહારાજના શબ્દોમાં

26-10-2008


૧૯૬૦માં નવા ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરનાર સ્વ.શ્રી રવિશંકર મહારાજે તેઓ નાના હતા ત્યારે દિવાળી કઈ રીતે મનાવાતી હતી એનું શબ્દચિત્ર આપ્યું હતું. એ અહીં નીચે અક્ષરશ: પ્રસ્તુત છે. આ લખાણ પરથી આપણને દિવાળીના તહેવારની મૂળભૂત વિભાવનાનો ચિતાર મળે છે. એ વખતની દિવાળી અને આજની દિવાળીને આપણ સહેજ્યે સરખાવીએ તો આજની દિવાળીમાં ખાસ તો ભાવનાગત બાબતો અને રૂઢિમાં કેવું પરિવર્તન આવ્યું છે એનો પણ ખયાલ આવે છે. પ્રસ્તુત છે રવિશંકર મહારાજનું લગભગ સો વર્ષ જૂનું ગુજરાતની અસલ દિવાળીનું ચિત્રણ:

“દિવાળીનો તહેવાર વૈશ્યનો ગણાય. વૈશ્ય એટલે ખેડૂત અને વાણિયા મુખ્યત્વે ગણાય; એટલે તે મોટાભાગની પ્ર”જાનો તહેવાર થયો; અને તે મોટામાં મોટો તહેવાર ગણાયો.

બળી તેમાં બધા પૂરો ભાગ લેતા; કેમ કે દિવાળી આવે ત્યારે ઘરમાં અનાજ આવી ગયું હોય, એટલે ઘેર ઘેર આનંદ હોય; વળી રવિપાક પણ નંખાઈ ગયો હોય.

આ તહેવાર એક દિવસનો ન હતો, પણ પાંચ દિવસનો હતો. આ તહેવારની ઉજવણી માટે પ્રાથમિક તૈયારીરૂપે બધા પોતાનાં ઘરો લીંપતા-ગૂંપતા. ચોમાસું ગયું હોય, એટલે આઠ માસ સુધી તે બગડવાનો ભય ન હતો.

પોતાનાં આંગણાં વાળીઝુડી સાફ કરતા. વાસણકૂસણ પણ સાફ કરી ઘર શણગારાઅ.

આ તહેવારના દિવસોમાં કોઈથી ગાળ ન બોલાય, અપશબ્દ ન બોલાય, ઉઘરાણી ન કરાય અને બધા ભવિષ્ય માટે નચિંત હોય.

તે દિવસે પશુઓને નવડાવતા અને શણગારતા. શિંગડા રંગતા, માથે ચાંલ્લો કરતા. પશુધનની એ રીતે પૂજા કરતા. લક્ષ્મી એટલે પૈસા-નાણું હોય તેને પણ ધોતા અને કંકુવાળાં શુકનવાળાં કરતા. આમ ધનની પૂજા તે દિવસે થતી, એટલે ધનતેરસ બની. તહેવારનો આ પ્રથમ દિવસ હોવાથી ખોરાક પણ શુકનવાળો, કંસાર બનાવતા.

આ શુકનવાળો કેમ કહેવાય છે? તે પચવામાં અને બનાવવામાં સહેલો હોવાથી શુકનવાળો ગણાતો હશે, અથવા તહેવારોમાં ખોરાકની વિવિધતામાં આ રાષ્ટ્રીય તહેવારના પ્રથમ દિવસે અનાયાસે કંસાર થયો હશે. ગમે તેમ હો, પણ તે દિવસે સામાન્ય રીતે કંસાર જમવાનો રિવાજ છે. તે દિવસે લોકો સારાં કપડાં પહેરે, સ્ત્રી-પુરૂષો દેવદર્શને જાય, દેવોની પૂજા થાય અને છોકરાઓ આનંદમાં આવી ફટાકડા ફોડે.

કાળીચૌદશ

આ સેવકની પૂજાનો દિવસ છે. તે દિવસે લોકો હનુમાનને તેલ ચઢાવે છે. દુનિયામાં સાચા સેવકનો આદર્શ આપણી સામે હોય, તો તે હનુમાનનો છે. તેનું શરીર ખૂબ મજબૂત હતું. વૈભવમાં ન પડાય તે માટે લંગોટી જ રાખી હતી. તેણે બધી શક્તિ ભગવાનના કાર્ય માટે સમર્પણ કરી હતી. એ રીતે તેણે જ્ઞાનપૂર્વક શુદ્ધ સેવા કરી, તેથી તે વિધ્વવંદ્ય બન્યા. સેવક પણ પૂજ્ય છે, એ હિંદુ ધર્મની વિશેષ ભાવના છે. આવા જગતવંદ્ય હનુમાનની પૂજા તે દિવસે થાય છે, તેલથી તેમને નવડાવે છે અને શ્રીફળનો પ્રસાદ પણ આપે છે. એ રીતે સ્નેહ(તેલ), શક્તિ અને પ્રેમથી તેમને વધાવે છે.

આ ઉપરથી કદાચ તે દિવસે તેલની ચીજો વધારે ખાવાનો રિવાજ વધારે પડ્યો હશે. તલ પાક્યા જ હોય, એટલે તે દિવસે બધાં વડાં, પૂરી તથા ભજિયાં ખાય છે. તે દિવસે કેટલાક માતાની સાધના કરે છે; જપ-મંત્ર કરે છે. ચોર લોકો પણ સાધના કરે છે અને તે દિવસે ચોરી કરવામાં સફળતા મળે, તો આખા વર્ષમાં સફળતા મળશે એવી આશા બાંધે છે. આ દિવસ મુખ્યત્વે હનુમાનની પૂજાનો છે. આ દિવસે ગલકું ખાવાનો મહિમા વધારે છે.

દિવાળી

આ અમાવસ્યાનો દિવસ છે. આખા વર્ષનો આ છેલ્લો દિવસ છે. આખા વર્ષની રમત પૂરી થઈ, તેનો આનંદ હોય છે. આખા વર્ષનો થાક ઉતારતા હોય, તેમ આ દિવસોમાં કશું કામ ન હોય.

લોકો સારાં કપડાં પહેરી ફરે, મંદિરે જાય, સારું સારું ખાવાનું થાય. તેમાં તે દિવસે લાડુનું ભોજન સામાન્ય હોય. ગરીબ પણ તે દિવસે મિષ્ટાન્ન બનાવે.

ગામની આખી આર્થિક વ્યવસ્થા વાણિયા પાસે હતી. તે નવા વર્ષની તૈયારીરૂપે નવા ચોપડા તૈયાર કરે-તેની પૂજા કરે.

ચોપડાની કિંમત કાગળને હિસાબે કંઈ નહીં, પણ તેની પ્રતિષ્ઠા બ્રાહ્મણ પાસે કરાવે, એટલી તેની પ્રતિષ્ઠા હતી. ચોપડામાં લખેલું હોય તે ન્યાયદરબારમાં પણ સાચું મનાય.

જેમ પથ્થરની મૂર્તિની કિંમત પથ્થરની દ્રષ્ટિએ કંઈ નહિ, તેમ ચોપડાની કિંમત કાગળને હિસાબે કશી જ નહી; પણ સદાચારી બ્રાહ્મણને હાથે તેની પ્રતિષ્ઠા થતી. તે વખતે કલમ, ખડિયો, ચોપડો-ત્રણેની પ્રતિષ્ઠા થતી.

વાણિયો તે દિવસે પ્રતિજ્ઞા લેતો કે, આ કલમથી, આ શાહીથી, આ ચોપડામાં કદી ખોટો અક્ષર નહિ પાડું. જે સત્ય હશે તે જ આ કલમથી, આ શાહીથી લખાશે-આ પ્રતિષ્ઠા થઈ.

આ ચોપડા-પૂજનનો તહેવાર થયો; પણ તે દિવસે દીવા કેમ થાય છે, તે જાણો છો? ઈશ્વર જ્યોતિસ્વરૂપ છે. જ્યોતિ કોણ આપે?સૂર્ય, તેનો પ્રકાશ અગ્નિ; તેમાંથી દીવા કર્યા-આમ દિવાળીનું પર્વ પૂરું થયું.

બેસતું વર્ષ(કારતક સુદ ૧)

નવા વર્ષના આ પ્રથમ દિવસે બધા વહેલા ઉઠે, વર્ષ માટે સંકલ્પ કરે. બધા એકબીજાને સ્નેહથી હળે-મળે. જૂનું વેરઝેર ભૂલી જાય અને હેતથી ભેટી હ્રદયની એકતા સાધે. એ વખતે ભેટવામાં માત્ર હાથ અને છાતી જ ભેટે એવું નહિ, પણ અંત:કરણની શુભભાવનાઓ પણ એમાં ભળો, એવો ભાવાર્થ રહેલો છે. એ વિષે એક મંત્ર પણ છે.

સવારે સબરસની લહાણી થાય, એકબીજાને મળે, ગળ્યું મોં કરાવે- આ બધી પ્રેમની બાહ્ય નિશાનીઓ છે; જે અંતરમાં છે તેનો પડઘો છે. તે દિવસે બધા દેવદર્શને જાય. સાંજના આખું ગામ ભેગું થાય, ત્યાં બ્રાહ્મણ સારપત્રિકા વાંચે; તેમાં પાછળના વર્ષનો અનુભવ અને આવતા વર્ષની આગાહી હોય.

તે દિવસે કોઈ પણ તકરાર કે બોલાચાલી ન થાય. જૂનું વેર પણ ભૂલાઈ જવાય. આમ આખો દિવસ નવી આશાથી ભરપૂર આનંદમાં વીતે. તે દિવસે નાનાં હોય તે મોટાંની સેવા કરે; એની પાછળ એવી ભાવના હતી કે, આજે કરશે તે આખું વર્ષ થશે. જે નિત્ય મોટાંની સેવા કરે છે, તેને આયુ, વિદ્યા, બળ, યશ વગેરે મળે છે. આમ નીતિ અને ધર્મ રોજના જીવન સાથે વણાયેલાં હતાં.

ભાઈબીજ(કારતક સુદ બીજ)

આ અહેવારની ઉત્પત્તિ નીચે મુજબ થઈ કહેવાય છે. જગતમાં મનુષ્ય તરીકે જે પ્રથમ મરી ગયો, તેનું નામ ‘યમ’ પડ્યું. તે મૃત્યુનો ભોમિયો બન્યો. એ યમ યમીને(બહેનને) ત્યાં ગયો. તે ઉપરથી આ દિવસે ભાઈ બહેનને ત્યાં જાય, એવો રિવાજ શરૂ થયો. ભાઈ બહેનને ત્યાં જાય એટલે બહેન ભાઈને કંસાર જમાડે અને કંઈક આપે. એવી જ રીતે ભાઈ મોટો હોય, તો બહેનને કંઈક આપે.

પણ ભાઈ-બહેનનો સ્નેહ એટલો અપૂર્વ હતો કે, આપણા સમાજ-જીવનમાં ઉત્સવરૂપે પણે તેને સ્થાન મળ્યું છે.”

-પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ

****


અંકલ ચાંદ પે ચલ રહે હો ક્યા?

26-10-2008


ડો.જેએન ગોસ્વામીને સાત દિવસથી પણ ઓછા અંતરમાં બે વખત મળવાનું થયું. ડો. ગોસ્વામી અમદાવાદની ફીઝીકલ સાયન્સ લેબોરેટરી(પીઆરએલ)ના નિયામક છે અને ભારતના ચંદ્રયાન મૂન મિશનના પ્રિન્સિપલ સાયન્ટીસ્ટ છે. ડો. ગોસ્વામીને ચંદ્રયાનના બે દિવસ પહેલા લિમિટેડ પત્રકારો માટે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં મળવાનું થયું ત્યારે તેઓ ચંદ્રયાન વિશે ઘણું બધું બોલ્યા પણ એટલું ઝડપથી અને એવી બોડી લેંગ્વેજ સાથે બોલ્યા કે અમને પત્રકારોને ભાગ્યે જ કશું ક સમજાયું હતું. તદ્દન ધૂની સાયન્ટીસ્ટ લાગ્યા ડો.ગોસ્વામી અમને તો.

જ્યારે ગઈકાલે ડો. ગોસ્વામી અમદાવાદની આઈઆઈએમમાં ડો.અબ્દુલ કલામના લેક્ચર પછી મળી ગયા. ડો. ગોસ્વામીને અમે પત્રકારોએ મૂન મિશનની કામિયાબી બદલ અભિનંદન આપ્યા તો ડો. ગોસ્વામી એમની છળી પડવાની બોડી લેંગ્વેજમાં આવી ગયા અને બે હાથ ઉંચા કરી દીધા. તેમની ભમરો પણ ઉંચી થઈ ગઈ અને તેઓ બોલ્યા કે હજુ તો ચંદ્રયાન પૃથ્વીની આજુબાજુ જ ફરી રહ્યું છે. જ્યારે તે સફળતા પૂર્વક અહીંથી સ્પીન થઈને ચંદ્રની આસપાસની કક્ષામાં ફરતું થઈ જાય પછી જ અભિનંદન સ્વીકારીશ અને તમે પણ પછી જ અભિનંદન આપજો.મને થયું કે ગોસ્વામી સાહેબને કોન્ફીડન્સ કેમ નથી કે સફળતા મળશે જ? પણ પછી થયું કે આ સાયન્ટીસ્ટો એક્યુરસીથી વર્તનારા હોય છે એટલે કામ પૂરુ ન થાય ત્યાં સુધી અભિનંદન પણ ન સ્વીકારે એ એમની એક્યુરસીનો જ તકાજો છે.

અમદાવાદ આઈઆઈએમથી પીઆરએલના ક્વાટર્સ સાવ નજીક સામસામે જ છે. એટલે કાર્યક્રમ પત્યા પછી ડો.ગોસ્વામી ચાલતા ચાલતા જ રોડ ક્રોસ કરીને ઘરે જવાના પ્રયત્નમાં હતા પણ રોડ ક્રોસ થઈ શકતો ન હતો કારણકે ભારે ટ્રાફિક હતો. એક સામાન્ય રાહદારીની માફક ચંદ્રયાનના પ્રિન્સીપલ સાયન્ટીસ્ટ રોડ ક્રોસ કરવાના પ્રયન્તમાં હતા ત્યાં તેમની લગભગ નજીક એક બાઈક આવી ગયું અને બ્રેક વાગી ગઈ. બાઈકચાલક જુવાનિયાએ કહ્યું અંકલ ચાંદ પર ચલ રહે હો ક્યા? ચંદ્રયાનના કર્તા પર અજાણતા જ ફેંકાયેલી ચાંદ પરની આ કોમેન સાંભળીને મને તો હસુ આવી ગયું.

***


સીકે પટેલના ભાજપ પ્રવેશ વિશે

26-10-2008


એનઆરઆઈ પૈસાદાર ચંદુભાઈ પટેલ ઉર્ફે સીકે પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં મોડાસા ખાતે પુરૂષોત્તમ રૂપાલાની હાજરીમાં યોજાયેલી આતંકવાર વિરોધી રેલી પ્રસંગે જોડાયા એ વિશે કોંગ્રેસના પ્રવક્તા અર્જુન મોઢવાડિયાએ આજે એમ કહ્યું છે કે ભઈ ચંદુલાલ કોંગ્રેસની કેન્દ્ર સરકારની કોઈ કમિટીમાં સતત હોદ્દો માંગતા હતા. પરંતુ આવો હોદ્દો મળ્યો નહીં એટલે પક્ષથી નારાજ થઈને પક્ષ માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરતા હતા ને ભાજપમાં જોડાયા છે.

અર્જુનભાઈની વાત સાથે હું આંશિક રીતે સહમત છું કે સીકે પટેલ કોઈ પણ હોદ્દા માટે દિવાના ખરા. બે વર્ષ પહેલા અમદાવાદની હાઉસ ઓફ એમજી હોટેલમાં એનઆરઆઈ ગુજરાતીઓની એક પ્રેસ કોન્ફરન્સ હતી એમાં હું ગયો હતો તો બહાર લાલ લાઈટવાળી ગાડી પડી હતી. મેં કૂતૂહલવશ ડ્રાઈવરને પૂછ્યું તો તેણે કાર્ડ આપ્યું કે આ ગાડી સીકેપટેલ સાહેબની છે. મેં પૂછ્યું કે લાલ લાઈટ કેમ લગાવી છે તો તેનો તેની પાસે જવાબ ન હતો. ખરેખર તો આમ લાલ લાઈટ લગાવવી ગેરકાયદે હોય છે. પછી માલૂમ પડ્યું કે અમદાવાદના ખાનપુર સ્થિત રિમાન્ડ હોમને ડોનેશન આપીને એની કમિટીમાં બિરાજી ને તે ક્ષુલ્લક હોદ્દાની રૂએ સીકે પટેલે લાલ લાઈટ લગાવી દીધી હતી ગાડી પર.

મારે અહીં બીજી વાત એ કરવાની કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારાઓ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ, હિંદુત્વ, હેડગેવારજી દિનદયાળ ઉપાધ્યાયજીની વિચારધારા આ બધા વિશે જરા સરખું પણ જાણતા હશે ખરા? આ બધાની ગળથુથી જો કોંગ્રેસની હોય કે તકવાદીપણાની હોય તો ભાજપની મૂળભૂત વિચારધારા આમના હ્રદયમાં ધરોબાય ખરી? ગુજરાતમાં મોદીજીની ગાડીમાં જેટલા બીજા લોકો જોડાય એ બધાને તો વેલ્કમ જ હોય પણ જરા સંભલકે. વિચારધારાની સ્પષ્ટતા થઈ ગયેલી હોવી જોઈએ.ભાજપમાં એન્ટ્રી કોઈ પોતાની એમ્બીશન સંતોષવા માટે લઈલે અને ભાજપ એન્ટ્રી આપી દે એવું નહીં હોવું જોઈએ.કોઈને પણ એન્ટ્રી વિચારધારાનું ક્ષેત્ર મજબૂત કરવા માટે જ હોઈ શકે.
***


રજત શર્મા કેન્ડીડ

25-10-2008


અમદાવાદમાં ઈન્ડિયા ટીવીના માલિક રજત શર્માનો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે પ્રોગ્રામ હતો એ વિશે મોડે મોડેય અહીં કશુંક લખવાની લાલચ હું છોડી શકતો નથી.

ઈન્ડિયા ટીવી વર્ષ ૨૦૦૪માં શરૂ થયું ત્યારે આશ્રમ રોડ પર મોટા મોટા હોર્ડિંગ્ઝ લાગેલા હતા કે ‘દેશ કો બદલના હૈ તો ચેનલ બદલો’. એ વખતે લાગતું હતું કે ઈન્ડિયા ટીવી કશુંક અલગ કરશે અને આપકીઅદાલત કાર્યક્રમ ફેમ રજત શર્માની ચેનલ ઈમ્પેક્ટફુલ હશે. પરંતુ આજે ઈન્ડિયા ટીવી ચાલુ કરો એટલે નાગ દેવતા, પુન:જન્મ, મોટા ચાંદલા વાળો કાળા કપડા પહેરેલો તાંત્રિક, સાંઈબાબાનો ચમત્કાર, મિંયાઉ કરતી બિલાડી અને તેની સાથે જોડાયેલી અમંગળની કથા, જાદુ કરતો સાધુ, ગંદામાં ગંદો ક્રાઈમ આવુ બધુ જ જોવા મળે. છતા આપને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે ઈન્ડિયા ટીવી એ ભારતની સૌથી વધુ પ્રસિદ્ધ નંબર વન હિંદી ન્યુઝ ચેનલ છે. ઈન્ડિયા ટીવીએ તેના આ પ્રકારના પત્રકારત્વ દ્વારા આજતક ચેનલને પછાડીને નંબર વન મેળવ્યો છે. અને આના પગલે આજતકે પણ બદલાઈ જઈને આ બધું શરૂ કરવું પડ્યું છે.

આવા ઈન્ડિયા ટીવીના પત્રકાર ટર્ન માલિક રજત શર્માને અંગતમાં મળવાની ઓફર મને આગલા દિવસે થઈ હતી પરંતુ એ શક્ય બન્યું નહીં પરંતુ એએમએના પબ્લીક પ્રોગ્રામમાં તો હું પહોંચી જ ગયો. એએમએનું એચટી પારેખ કન્વેન્શન સેન્ટર બહુ ઓછી ક્ષમતાવાળું છે જે રજત શર્માને સાંભળવા માટે પેક્ડ ફુલ હતું.

રજત શર્માએ કહ્યું કે તેમણે ચેનલ શરૂ કરી ત્યારે પર્યાવરણ માટે મેનકા ગાંધી એક ટીમ લીડ કરે એ રીતે મહિલાઓના પ્રશ્નો માટે એક બીજી ટીમ , બાળકોના પ્રશ્નો માટે અલગ ટીમ એવી અલગ અલગ ટીમો બનાવી હતી. નક્કી એવું કર્યું હતું કે દસ મિનીટ રૂટીન ન્યુઝ બતાવવા અને વીસ મિનીટ જનતાના સરોકારની સ્ટોરીઓ બતાવવી. આવું બે વર્ષ ચાલ્યું પરંતુ ન તો જનતાએ ભાવ આપ્યો અને ન જ એડવર્ટાઈઝરોએ પ્રતિભાવ આપ્યો. ઈન્ડિયા ટીવીનું સ્થાન ટીઆરપી રેટીંગમાં સાતમા ક્રમે રહ્યું. રજત શર્માએ કહ્યું કે એમણે ભારે વ્યાજની લોનો લઈને ઈન્ડિયા ટીવી શરૂ કર્યું હતું અને આ પરિસ્થિતિમાં તેઓ પોતાના પૈસા ગુમાવીને ઈન્ડિયા ટીવી ચલાવી રહ્યા હતા. છેવટે એક દિવસ તેમણે મિટીંગ બોલાવી અને પોતાની ટીમ આગળ ચેનલની ખસ્તાહાલ પરિસ્થિતિની વાત મૂકી. એ વખતે એક ચર્ચા એવી થઈ કે અલગ અલગ ટીવી ન્યુઝ ચેનલોમાં એવા કયા કાર્યક્રમ છે કે જે ટીઆરપી લાવી આપે છે એટલેકે દર્શકોની સંખ્યા અને એડવર્ટાઈઝ લાવી આપે છે?તો જવાબમાં ત્રણ કાર્યક્રમો ઉભરીને આવ્યા જેમાં કાલસે કપાલ તક અને સનસની જેવા ક્રાઈમ અને ભૂતભરમના વિષયો હતા. રજત શર્માએ ટીમને કહ્યું કે લેટસ પ્લે ધ ગેમ, આપણે અર્ધો કલાક માટે ન્યૂઝ આપીએ અને બીજો અર્ધો કલાક ટીઆરપી રન કરે એવા કાર્યક્રમો આપીએ. આ પછી આ સ્ટ્રેટેજીથી ઈન્ડિયા ટીવી સાતમેથી છઠ્ઠે અને છઠ્ઠેથી પાંચમે ક્રમે એમ કૂદકા લગાવતું લગાવતું પાછલા વર્ષે પહેલા ક્રમે આવી ગયું.

રજત શર્માએ કબૂલ્યું કે તેમણે આમ કરવામાં ખાસ્સા સમાધાન કરવા પડ્યા છે અને એવું ઘણું બતાવવું પડ્યું છે કે જે તેઓ બતાવવા નહતા ઈચ્છતા. જો કે પોતે ક્યાંય સિદ્ધાંત સાથે સમાધાન નથી કર્યું. શર્માએ કહ્યું કે તેમના માટે પહેલો પ્રશ્ન અસ્તિત્વ ટકાવી રાખવાનો હતો. અસ્તિત્વ ટકાવી શકાય પછી જ તો બાકીનું બધું કરી શકાય.

રજત શર્માએ એક વિચિત્ર સરખામણી કરતા કહ્યું કે તેમને ઘણા લોકો પૂછે છે કે આપકી અદાલતમાં રાખી સાવંતને કેમ બોલાવી? તો તેમણે જવાબ આપ્યો કે રાખી સાવંત સામે તમને વાંધો શું છે? તો સામી વ્યક્તિએ કહ્યું કે રાખી સાવંત ઓછા કપડા પહેરે છે તો રજત શર્માએ જવાબ આપ્યો કે ઓછા કપડા તો બાબા રામદેવ પણ પહેરે છે!!

રજત શર્માએ તેમના વક્તવ્યમાં મિડિયાએ કઈ રીતે મનુ શર્મા બીએમડબલ્યૂ એક્સીડન્ટ કેસ કે આરૂષિ મર્ડર કેસમાં પોતાની સુંદર ભૂમિકા ભજવી એ વિશે શેખી હાંકી હતી જેની હવા કાઢતા એક યુવાને સંવાદના સેશનમાં તેમને એવો પ્રશ્ન પૂછ્યો કે એક તરફ લાખો બાંગ્લાદેશીઓ ભારતમાં ગેરકાયદે રીતે ઘૂસી આવે છે ને પાકિસ્તાનનો ધ્વજ ફરકાવી આસામમાં સ્થાનિકોકે વિતાડે છે ત્યારે શું એકલદોકલ ખૂનની ને એક્સીડન્ટની ઘટનાઓ ન્યૂઝ ચેનલો માટે મહત્વની છે કે દેશ સમક્ષના મોટા પ્રશ્નો? રજત શર્માએ આના જવાબમાં સ્વીકારવું પડ્યું કે હા, ઈન્ડિયા ટીવી પર આવી દેશ સમક્ષની મોટી બાબતોને જોઈએ એવી તવજ્જૂ નથી મળી રહી.
***


અમદાવાદમાં પાકિસ્તાનની મેચ અને મુસ્લિમો

25-10-2008

ઝી ટીવીવાળા સુભાષચંદ્ર દ્વારા પ્રમોટેડ અને કપિલ દેવ દ્વારા સંચાલિત ઈન્ડિયન ક્રિકેટ લીગ એટલેકે આઈસીએલની અમદાવાદના નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં લાહોર બાદશાહ તથા અમદાવાદ રોકેટસ વચ્ચે મેચ હતી તેમાં અમદાવાદના શાહપુર, મિરઝાપુરના મુસ્લિમોએ કઈ રીતે પાકિસ્તાનના ધ્વજ ફરકાવ્યા એની વાત હું આગળ લખી ગયો છું. એના જ કન્ટીન્યુએશનમાં આ બીજો એપિસોડ લખું છું. હમણા ગુરૂવારે અમદાવાદમાં એ જ સ્ટેડિયમમાં આઈસીએલની લાહોર બાદશાહ અને મુંબઈ ચેમ્પિયન્સ વચ્ચેની મેચ હતી. સાંજનો સમય હતો અને કૃત્રિમ પ્રકાશ તળે મેચ રમાઈ રહી હતી ત્યારે સ્ટેડિયમમાં મુસ્લિમોની મોટી હાજરી હતી અને પાકિસ્તાનના બેથી ત્રણ ધ્વજ અમદાવાદી મુસ્લિમો સ્ટેડિયમમાં ફરકાવી રહ્યા હતા.

આ મેચમાં લાહોર બાદશાહ વિજયી થયા ત્યારે અમદાવાદના મુસ્લિમોનો ઉત્સાહ જોવા જેવો હતો. એકાદ બે જણા તો મહોરમમાં વગાડવાનું ઢોલ લઈને આવ્યા હતા અને વગાડી વગાડીને આનંદ વ્યક્ત કરતા હતા. મેચ પૂરી થઈ પછી હું ગાંધી બ્રીજ પરથી પસાર થયો તો બ્રિજની ફૂટપાથ પર સ્ટેડિયમમાંથી પોતાના ઘરે પાછા ફરતા મુસ્લિમોના ટોળે ટોળા હતા. ખાસ કરીને દાઢીવાળા કટ્ટર મુસ્લિમો અને યુવાન છોકરાઓ મોટી સંખ્યામાં હતા. લોડિંગ રીક્ષા ભરીને અને એએમટીએસની બસોમાં ચડીને મુસ્લિમો ઘરે રવાના થઈ રહ્યા હતા. કાલુપુર-સારંગપુરની બસમાં તો મુસ્લિમો રીતસર જીંદાબાદના નારા બોલાવતા હતા. મેં આવું ‘પાકિસ્તાન જિંદાબાદ’ અમદાવાદમાં પહેલી વાર સાંભળ્યું. ઈન્કમટેક્સ ચાર રસ્તા પર ટ્રાફિક જામ હતો. સ્ટેડિયમમાં પાકિસ્તાની ક્રિકેટરોને જોવા મુસ્લિમ બાળકો અને યુવાનો હાજર હતા. મેં ચાર પાંચ અલગ અલગ મુસ્લિમ ગ્રુપોમાં ફરીને પૂછ્યું કે કોણ જીત્યું? તો દરેક ગ્રુપમાંથી મુસ્લિમોએ એટલા તો ઉત્સાહથી જવાબ આપ્યો કે લાહોર બાદશાહ જીતા …કે હું આશ્ચર્યમાં પડી ગયો કે હું ભારતમાં છું કે પાકિસ્તાનમાં?
***


અમદાવાદમાં મુસ્લિમોએ પાકિસ્તાનનો ધ્વજ ફરકાવ્યો

21-10-2008

જી હા! સરાજાહેરમાં પચાસ હજાર દર્શકોથી ખીચોખીચ ભરેલા અમદાવાદના નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં અમદાવાદના કોટ વિસ્તાર શાહપુરના મુસ્લિમોએ પાકિસ્તાનનો ધ્વજ ફરકાવ્યો હતો. રવિવારની સાંજે ઈન્ડિયન ક્રિકેટ લીગ(ઝી ગ્રુપ દ્વારા પ્રમોટેડ આઈસીએલ) દ્વારા અમદાવાદ રોકેટસ અને લાહોર બાદશાહ ટીમો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી જેમાં અમદાવાદની ટીમનું સમર્થન કરવા આપણા કોલેજીયનો ભારતનો ધ્વજ તો લાવ્યા જ હતા અને ફરકાવતા પણ હતા પરંતુ કોટ વિસ્તારના શાહપુરના મુસ્લિમ યુવાનોનું એક ટોળું એટલો જ મોટો પાકિસ્તાનનો ધ્વજ લઈને આવ્યું હતું અને તેણે મેચ દરમિયાન પાકિસ્તાનનો ધ્વજ બિન્દાસ્ત રીતે ફરકાવ્યો હતો. મુસ્લિમ ટોપી અને મુસ્લિમ સ્ટાઈલના કપડા પહેરેલું આ ટોળું પાકિસ્તાનની લાહોર બાદશાહ ટીમના દરેક શોટ પર ચિચિયારીઓ પાડતું હતું અને તેમને વધાવતું હતું. સ્ટેડિયમમાં મોજૂદ હિંદુ યુવાનોએ પાકિસ્તાનનો ધ્વજ ફરકાવતા કટ્ટરવાદીઓ પાસે પહોંચી જઈને ટંટો કર્યો પછી લઘુમતિઓની જોવા જેવી દશા થઈ હતી. ટોળામાંના મુસ્લિમ મિત્રો કોઈ અહીં દૂર ખસી ગયો ને કોઈ તહીં. જેની પાસે ધ્વજ હતો એ મિરઝાપુરનો મુસ્લિમ યુવક માર ખાય એ પહેલા જ આઈસીએલ ક્ર્યુની સિક્યોરિટી ત્યાં આવી પહોંચીને મામલો સંભાળી લીધો. નહીંતો પરિસ્થિતિ એવી હતી કે તેમને એવો માર પડત કે પાકિસ્તાનના બદલે કબરમાં પહોંચી ગયા હોત.

પાકિસ્તાનનો ધ્વજ લઈને આવેલું આ ટોળું જે શાહપુર વિસ્તારમાંથી આવ્યું હતું એ શાહપુર વિસ્તાર એક સમયે હિંદુ બહુમતિવાળો વિસ્તાર હતો પણ કોમી તોફાનો કરીને હિંદુ ઘરો પર હુમલા બોલાવીને હિંદુ ઘરો ખાલી કરાવી ધીમે ધીમે વિસ્તારમાં મુસ્લિમોએ પોતાની બહુમતિ લાવી દીધી છે. અહીં ભાજપ અત્યાર સુધી ચૂંટાતું હતું પણ પાછલી ચૂંટણીમાં કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્ય જીતી ગયા. અમદાવાદ બોમ્બ કાંડના આરોપીઓ પકડાયા પછી શાહપુરના મુસ્લિમોએ ત્રણ દિવસ સુધી થોડા થોડા સમયાંતરે હિંદુ વસ્તી પર અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને એક હિંદુ મંદિર પણ સળગાવ્યું હતું. શાહપુર વિસ્તારની એક ચોકી અંદર ચોકી નામની છે. આ ચોકી મુસ્લિમ વિસ્તારમાં આવેલી છે અને ત્યાં કોઈ પોલીસ વાળો ચોકી ચલાવવા જવાની હિંમત કરતો નથી કારણકે મુસ્લિમ ટોળા તુરંત જ ચોકીની આસપાસ ઘેરો ઘાલે છે. આ ચોકી ખાલી જ પડી રહે છે.

***


કોંગ્રેસની નેનો પ્રેસનોંધ

14-10-2008


ગુજરાતમાં નેનો કારનો પ્લાન્ટ આવ્યો પછી કોંગ્રેસવાળાઓ ઉપરા છાપરી પત્રકાર પરિષદો ભરીને નેનો પ્રોજેક્ટ પર સવાલો ઉઠાવી રહ્યા છે. સોમવારે પાલડી સ્થિત કોંગ્રેસ ભવનમાં ગુજરાત કોંગ્રેસના વડા સિદ્ધાર્થ પટેલની પ્રેસ કોન્ફરન્સ હતી. સિદ્ધાર્થલાલે ડિસ્ટ્રીબ્યુટ કરેલી પ્રેસનોટની અક્ષરશ: કોપી અહીં પ્રસ્તુત કરું છું. આમાં જ્યાં અન્ડરલાઈન કરેલી છે એ મેં નથી કરી પરંતુ પ્રેસનોટમાં જ ત્યાં અન્ડરલાઈન કરેલી આવી છે. ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ બહુ નિર્ણાયક નથી. બસ પત્રકાર પરિષદો ભર્યા કરવી અને છાપામાં તેની વિગતો છપાય એટલા પૂરતી જ કોંગ્રેસની ટોકન હાજરી છે. એટલે નેનો પ્રોજેક્ટને કશો વાંધો નથી. આ પ્રેસનોંધ વાંચ્યા બાદ આપને ગાળો લખ્યા વગરના મંતવ્યો મોકલવા હું વિનંતિ કરું છું.

પ્રેસનોટ:

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાપ્રમુખ શ્રી સિદ્ધાર્થ પટેલે જણાવ્યું છે કે નેનો કારના ટાટાના પ્રોજેક્ટના સંદર્ભમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ટાટાના નેનો પ્રોજેક્ટને જ નહીં પરંતુ કોઈ પણ નવો ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ ગુજરાતમાં આવી રહ્યો હોય અને ગુજરાતને તેનાથે લાભ થવાનો હોય તો કોંગ્રેસ પક્ષ તેને આવકારે છે. ગુજરાતના વિકાસના સંદર્ભમાં કોંગ્રેસનું વલણ સંપૂર્ણપણે વિધેયાત્મક છે. અને જ્યાં ગુજરાતના વિકાસની વાત હોય ત્યાં કોંગ્રેસ પક્ષ કોઈ રાજનીતી કરવા માંગતો નથી. અને એ દ્રષ્ટિએ કોઈપણ સારો પ્રોજેક્ટ ગુજરાતમાં આવતો હોય તો તે આવકારદાયક છે.

પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ પ્રોજેક્ટના આધારે બહુ મોટી પ્રસિદ્ધી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરણ્યા બાદ સાત આઠ વર્ષ પછી જો બાળક જન્મે અને કુટુંબમાં જેવો આનંદ થાય તેવો જ આનંદ ગુજરાતના મુખ્યમંત્રીને થઈ રહ્યો હોય તે સ્વાભાવિક છે. પણ આ આનંદનો જે રીતે અતિરેક કરવામાં આવી રહ્યો છે તે ખરેખર આઘાતજનક છે.નેનોનો પ્રોજેક્ટ એ ગુજરાતમાં આવતો કોઈ પ્રથમ પ્રોજેક્ટ નથી. આ અગાઉ કોંગ્રેસના શાસન દરમિયાન જનરલ મોટર્સનો આવો જ પ્રોજેક્ટ ગુજરાતમાં આવ્યો હતો. એટલું જ નહી પણ જીએસએફસી, જીએનએફસી, આઈપીસીએલ, રીલાયન્સ અને એસ્સારની રીફાઈનરીઓ જેવા ૩૦થી ૫૦ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણવાળા પ્રોજેક્ટો પણ ગુજરાતમાં નખાયા તેમ છતાં કોઈપણ શાસકોએ પોતાના ફોટા છપાવી આવી બીનજરૂરી પ્રસિદ્ધી કરી નથી. જે ટાટા કંપની સાથે કરાર થયો છે એ જ ટાટા કંપનીના પણ બીજા ઘણા પ્રોજેક્ટ ગુજરાતમાં ચાલી રહ્યા છે. ૨ વર્ષ અગાઉ જ કચ્છમાં રૂ. ૧૬,૦૦૦ કરોડના ખર્ચે ૪૦૦૦ મેગાવોટનો પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે ટાટા ગ્રુપની કંપનીને જ આપ્યો. ૨ વર્ષથી આ પ્રોજેક્ટનું કામ પણ ચાલી રહ્યું છે. તેમ છતા કેન્દ્ર સરકારે કે કોંગ્રેસ પક્ષે ડો. મનમોહનસિંહજી કે બીજા કોઈના ફોટા છપાવી કોઈ આવો સસ્તો પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો નથી. પરંતુ મુખ્યમંત્રી દ્વારા આ પ્રોજેક્ટના બહાને સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો તે ખરેખર દુ:ખદ અને આઘાતજનક છે.

હજી તો આ પ્રોજેક્ટના સંદર્ભમાં ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી શક્યા નથી.

૧. આ જમીન ટાટા કંપનીને શું ભાવે આપવામાં આવી અને તેની પેમેન્ટ ટર્મ્સ શું નક્કી કરવામાં આવી?
૨. આ પ્રોજેક્ટમાં ગુજરાતના યુવાનોને રોજગારી મળી રહે તે માટેની કોઈ જોગવાઈ ટાટા કંપની સાથેના એમઓયુમાં કરવામાં આવી છે કે કેમ?
૩. ઈલેક્ટ્રીસીટીના દરમાં રાહત, સેલ્સટેક્સમાં છુટછાટ જેવા કયા અને કેટલા ફાયદા ટાટા કંપનીને આપવામાં આવ્યા છે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.
૪. એન્સલરી યુનિટનું ડેવલપમેન્ટ ગુજરાતમાં થાય તે માટેલી કોઈ જોગવાઈ આ એમઓયુમાં કરવામાં આવી છે કે કેમ?
૫. ટાટા કંપનીની ઓફર મુજબ ગુજરાતની ઈન્ડસ્ટ્રીયલ પોલિસીને રાતોરાત બદલી નાખવામાં આવી તેવા આક્ષેપ થાય છે તે સંદર્ભમાં સત્ય શું છે?

આ બધી બાબતોની માહિતી ગુજરાતની પ્રજાને મળવી જોઈએ. પારદર્શકતાની વાતો કરનાર સરકાર આ માહિતીઓ પ્રકાશિત કરતા અચકાઈ છે કે કેમ? ગુજરાતની પ્રજાને આ તમામ માહિતીથી વાકેફ કરવા જોઈએ. જેથી ગુજરાતની પ્રજા નિર્ણય કરે કે આ પ્રોજેક્ટ ગુજરાતના હિતમા છે કે કેમ?

સહી
પ્રવક્તા
*******


લગ્નોત્સુક વૃદ્ધોએ હોલ ભરી દીધો:કાન્તિ ભટ્ટ પણ હતા

12-10-2008

અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા નટુભાઈ પટેલ ઉંમરલાયક લોકોને પરણાવવાનો ખાસ પ્રકારનો મેરેજ બ્યુરો કોઈ પણ પ્રકારની ફી વગર નિસ્વાર્થભાવે ચલાવે છે. વર્ષમાં એકાદી વખતે આવા વયસ્કો માટેનો જીવનસાથી પસંદગી મેળો પણ યોજે છે કે જેમાં એન્ટ્રી માટે ઉંમર ઓછામાં ઓછી પચાસ વર્ષની હોવી જરૂરી છે. નટુભાઈએ આવો પહેલો મેળો અમદાવાદના દોઢસોની કેપેસીટીવાળા મહેંદી નવાઝ જંગ હોલમાં યોજ્યો હતો પરંતુ તેમની પ્રવૃત્તિ હવે એટલી તો ફૂલી ફાલી છે કે રવિવારે તેમણે આવો મેળો અમદાવાદના ટાઉનહોલમાં યોજ્યો હતો. અને આખો ટાઉનહોલ હકડેઠઠ ભરેલો હતો.

જો કે નટુભાઈ માટે ગરબડ ત્યાં થાય છે કે વયસ્કો માટેના જીવનસાથી પસંદગી મેળામાં પુરૂષો તો ખૂબ આવી જાય છે પરંતુ સ્ત્રીઓ પ્રમાણમાં બહુજ બહુજ ઓછી આવે છે. આ વખતે તો સ્ત્રીઓ આવે એ માટે આવવા જવાનું ભાડું ઉપરાંત એક સાડી મફત આપવામાં આવી હતી તેમ છતા રવિવારે ટાઉનહોલમાં ભરાયેલા મેળામાં સાતસો પુરૂષો આવ્યા હતા તો સામે સ્ત્રીઓએ ૧૭૫ની સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આવી હતી માત્ર પંચોતેર. આમાંથીય પોતાનો સ્ટેજ પર ઈન્ટ્રોડક્શન આપવા માટે માત્ર પાંત્રીસ સ્ત્રીઓ જ આગળ આવી હતી. બાકીની સ્ત્રીઓ શરમાતી હતી, ખચકાતી હતી અને સ્ટેજ પર આવતી ન હતી. પરણવા માટે જીવનસાથી શોધતી કેટલીક વૃદ્ધાઓ માંડ માંડ બે જણાના સહારાથી સ્ટેજ પર ચડી શકી હતી. એક માજીને ચક્કર આવતા હોવાથી તેમણે સ્ટેજ પર આવવાનું ટાળ્યું હતું. જો કે વૃદ્ધ વડીલોની તો સ્ટેજ પર આવવા લાઈન લાગી ગઈ હતી. ગામેગામથી અને દેશદેશાવરથી વડીલો આવ્યા હતા. ચાર વડીલો યુકે અને અમેરિકાથી આવ્યા હતા. દસ વડીલો કે જેમાંની બે સ્ત્રીઓ હતી તે અમદાવાદના ચંદ્રનગર સ્થિત વિકાસગૃહના વૃદ્ધાશ્રમમાંથી આવ્યા હતા.

સ્ટેજ પર વડીલ આવે એટલે એમની માસિક આવક, વિધુર છે કે વાંઢા છે, સંતાનો છે કે કેમ કેટલા છે, વગેરે બાબતોનો પરિચય અપાતો હતો. ઈન્ટ્રોડક્શન પછી ટાઉનહોલની બહારના ચોગાનમાં રસ ધરાવતા પુરૂષોને સ્ત્રીઓ સિલેક્ટ કરીને મળે તેવો પ્રોગ્રામ ગોઠવાયો હતો પરંતુ અહીં અવ્યવસ્થા થઈ ગઈ. સ્ત્રીઓને પોતાની ચોઈઝના પુરૂષોને મળવા ન મળ્યું પણ પુષ્કળ પુરૂષો તેમને વીંટળાઈ ગયા અને આડેધડ ફોન નંબર માંગવા માંડયા. સાતસો વૃદ્ધોએ પાંત્રીસ મહિલાઓને હેરાન કરી દીધી. આમાં અમુક પુરૂષો તો હું જાણતો હતો કે પરિણીત હતા છતા આવ્યા હતા અને પાછા મહિલાઓના નંબર ને સરનામા પણ લેતા હતા.

હા હા મજા પડી ગઈ. હોલમાં ઉધરસના અવાજ આવ્યા કરે. એક કાકા તો ચોકઠા વગરનું દાંત ન હોય તેવું સતત ચાવતા રહેતા હોય તેવું મોઢુ લઈને આવ્યા હતા. જે ભાઈઓ કલપ કરીને આવ્યા હતા એ બધાનો કલપ આજે સવારે જ કર્યો હોય એવો તાજો હતો. ઉત્તર ગુજરાતના ગામડેથી પાઘડી પહેરીને આવેલા કાકાઓ તો જોવા જેવા હતા. ડોશીમાઓ કાગળ પેન લઈને સ્ટેજ પર આવતા મૂરતિયાઓમાંથી જે પસંદ પડે એનો નંબર કાળજીપૂર્વક ટપકાવતી હતી.

નટુભાઈની સંસ્થાએ અત્યાર સુધી આધેડ/વૃદ્ધ એવા બાવીસ જણાને ઠેકાણે પાડી દીધા છે. રવિવારના સ્વયંવરમાં દસ જોડીઓનો પ્રાથમિક સારો રિપોર્ટ બન્યો છે. થોડી વધુ મુલાકાતો પછી તેમનું પરણવાનું કે લીવ-ઈન રીલેશનશીપનું નક્કી થશે.

આ સ્વયંવરમાં એક મજા એ આવી કે ફ્રન્ટ રોમાં એક કાકા બેઠા હતા તે બિલકુલ ગુજરાત ભાજપના સાંસદ સુરેન્દ્ર પટેલ જેવા લાગતા હતા. સ્ટેજ પર બેઠેલા વૃદ્ધ આયોજકોને ઓછું દેખાતું હશે તો તેમણે તો જાહેર કરી દીધું કે સાંસદ સુરેન્દ્ર પટેલ આપણી વચ્ચે છે તે કૃપા કરીને સ્ટેજ પર આવે. પેલા હમશકલભાઈએ ચોખવટ ન કરી કે પોતે સુરેન્દ્ર પટેલ નથી પણ સાથે તેઓ સ્ટેજ પર પણ ન આવ્યા. બીજી મજા કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના વિખ્યાત કટાર લેખલ કાન્તિ ભટ્ટ સ્ટેજ પર આવ્યા એની પડી. કાન્તિ ભટ્ટ હેટ, લાલ શર્ટ અને કોટ પાટલૂનના પોષાકમાં સજ્જ થઈને સ્ટેજ નીચે ગુજરાત સમાચારના તસવીરકાર ઝવેરીલાલ મહેતા તથા તેમની સાથે આવેલી કોઈ યુવતી સાથે ઉભા હતા(બેસવા ખુરશી ખાલી ન હતી).આયોજકોને મેસેજ ગયો કે મૂરતિયાઓ વચ્ચે કાન્તિ ભટ્ટ પણ છે ત્યારે આયોજકો કાન્તિ ભટ્ટને સ્ટેજ પર લઈ ગયા અને પછી કાન્તિ ભટ્ટે કહ્યું કે પોતે દિવ્ય ભાસ્કરમાં લખે છે. પોતે આજે પણ સેક્સ કરી શકે છે. આ ઉંમરે સેક્સ થઈ શકે એનું પોતે આ ઉદાહરણ છે. કાન્તિ ભટ્ટે કહ્યું કે એક વખત ચંદ્રકાન્ત બક્ષી મળ્યા તો બક્ષીએ કહ્યું કે આપણું તો બધું પતી ગયું નહીં કાન્તિ? કાન્તિભાઈએ કહ્યું કે તેમણે બક્ષીને જવાબમાં કહી દીધું કે બક્ષી તમારું પતી ગયું હશે,મારું તો ચાલુ જ છે. ઉલ્લેખનીય છે કે કાન્તિ ભટ્ટને શીલા ભટ્ટે છોડી દીધા પછી કાન્તિ ભટ્ટે તેમના લેખોમાં સ્પષ્ટ લખ્યું છે કે પોતાને આ ઉંમરે જીવન સંગિનીની જરૂર છે. કાન્તિ ભટ્ટ આજે સરસ રીતે તૈયાર થઈને આ મેળાવડામાં આવ્યા હતા. સ્ટેજ પરથી તેમણે પોતાની વાત પણ કીધી પણ પછી બેસવાની ય જગ્યા ન હતી એવામાં તેઓ ઝવેરીલાલ અને પેલી યુવતી ત્રણેય નીકળી ગયા.

*****


ગરબામા નિર્ભય રીતે નીકળે છે લાખો ગુજરાતીઓ:ઈન્ડિયન મૂર્ખ મુજાહીદ્દીન પરાસ્ત

05-10-2008


કેવી ચાલે છે અમદાવાદની નવરાત્રિ? દરરોજ અમદાવાદમાં નવરાત્રિના સારામાં સારા ઠેકાણાઓ પર પહોંચ્યા બાદ અને રહ્યા સહ્યામાં ટીવી પર પણ ગુજરાતના વિવિધ નગરોના ગરબા લાઈવ જોયા બાદ મને લાગે છે કે આ નવરાત્રિ પહેલા જે બોમ્બ ધડાકા અને મંદીની અસરના ભય વ્યક્ત થઈ રહ્યા હતા એ બધા ખોટા ઠર્યા છે. નવરાત્રિના જે પણ મેદાનમાં જાઓ બધા હકડઠેઠ ભરેલા છે અને રાત્રિના બાર વાગ્યા પછી જ્યારે નવરાત્રિના કાર્યક્રમો પૂરા થાય છે ત્યાર પછી રસ્તાઓ પર એટલો તો ટ્રાફિક જોવા મળી રહ્યો છે કે અર્ધી રાત્રે ટ્રાફિક પોલીસે વિવિધ જંકશનો પર નવરાત્રિની એક્સ્ટ્રા ડ્યૂટી કરવી પડી રહી છે.

ગઈકાલે હું એચએલ કોલેજ એલ્યુમ્નિના ગરબામાં હતો. એચએલનું આખું ગ્રાઉન્ડ એટલું તો ભરાયેલું હતું કે ગરબા કરનારા એક બીજા સાથે રીતસર અથડાતા હતા. આ પછી હું સેન્ટ ઝેવિયર્સ કોલેજ ગ્રાઉન્ડ પરના ગરબાના સ્થળે પહોંચ્યો. અહીં પણ ગ્રાઉન્ડ હકડેઠેઠ ભરેલું હતું અને ખેલૈયાઓ એકબીજા સાથે અથડાઈને હસી પડતા હતા. એ પહેલા હું રાજપથના ગરબામાં ગયો હતો ત્યાં પણ હાલત આનાથી જુદી ન હતી.

ઈન્ડિયન ફૂલીશ(મૂર્ખ) મુજાહીદ્દીનના જેહાદી રાક્ષસોએ દિલ્હીના બોમ્બ ધડાકા કર્યા ત્યારે ઈમેલ કર્યો હતો કે હવે પછીનું લક્ષ્ય મુંબઈ છે. પરંતુ ચોવીસ કલાક કરતા પણ ઓછા સમયમાં મુંબઈમાં ગણેશ વિસર્જન હતું. ગણેશ વિસર્જનમાં મુંબઈમાં રસ્તાઓ પર વર્ષની સૌથી વધુ ભીડ ઉમટતી હોય છે. હજુ આગલે જ દિવસે જેહાદી મુસ્લિમ કટ્ટરવાદીઓની ધમકી મળી હોવા છતા ગણેશ વિસર્જનમાં મુંબઈના એટલા જ લોકો રસ્તા પર હતા જેટલા દરેક વર્ષે હોય છે. આ વખતે નવરાત્રિમાં પણ લોકો બિન્દાસ્ત રીતે ઉછળી-કૂદી રહ્યા છે અને ભીડ જમાવી રહ્યા છે. ઈન્ડિયન ફૂલીશ(મૂર્ખ) મુજાહીદીનની આ હાર છે. જો બદમાશ રાક્ષસોનો ઈરાદો બોમ્બ ધડાકા કરીને લોકોને ભયભીત કરવાનો હતો તો તેવું થયું નથી. દિલ્હી હોય કે મુંબઈ કે અમદાવાદ, બધા ભય વગર જલસા કરી રહ્યા છે. આની સામે રાક્ષસોમાંના કોઈનું એન્કાઉન્ટર થઈ ગયું છે ને કોઈ દિલ્હીમાં તો કોઈ અમદાવાદમાં પોલીસનો માર ખાઈ રહ્યા છે ને લોકપમાં સબડી રહ્યા છે.

અલબત્ત જે નિર્દોષો બોમ્બ ધડાકામાં માર્યા ગયા એમની ખોટ એમના પરિવાર માટે ક્યારેય નહીં પૂરાય. પરંતુ જેહાદી ઈસ્લામિક આતંકવાદીઓનો ઈરાદો ભય ફેલાવાનો ,ડરાવવાનો હતો તેનો કારમો રકાસ થયો છે. આ મૂર્ખાઓને કોણ સમજાવશે કે અનેક લોહિયાળ હુમલા કરવા છતા આજે ઈઝરાયલને તાબે કરી શકાયું નથી, અમેરિકા નાઈન ઈલેવન પછી આજે પણ સુપરપાવર છે , કાશ્મીરમાં વર્ષોવર્ષ એકે૪૭ ચલાવ્યા પછી પણ કશ્મીરની વધારાની એક ઈંચ જમીન મળે એવા દૂર દૂર સુધી કોઈ ચિહ્નો દેખાતા નથી, દિલ્હીમાં બોમ્બ ધડાકાના બીજા જ દિવસે બજારોમાં પગ મૂકવાની જગ્યા ન હતી અને ટ્રાફીક જામ હતો, જયપુરના ધડાકા પછી ત્યાં એક વર્ષમાં હાઈએસ્ટ વિદેશી પ્રવાસીઓ મુલાકાત લઈ ગયા છે ને હોટેલો મહિનાઓ સુધી બુક થયેલી પડી છે અને અમદાવાદમાં બોમ્બ ધડાકા કર્યા પછી લાખો લોકો અર્ધી રાત્રે ગરબામાં ઉછળી કૂદી રહ્યા છે. વિશ્વના પાછલા સાતસો વર્ષના ઈતિહાસમાં ઈસ્લામ એક પણ યુદ્ધ જીત્યું નથી એક પણ નહીં એક પણ નહીં. આ લોકો લોહિયાળ આતંક ફેલાવ્યા કરતા શાંતિથી જીવે તો દુનિયા એમને સહન કરતી રહેશે બાકી જો તેમણે ઉધઈ જ બન્યા રહેવાનું પસંદ કર્યું હોય તો સામા પક્ષે પેસ્ટ કંટ્રોલ થયા કરશે ને મર્યા કરશે મૂર્ખ મુજાહિદ્દીનો.(જેહાદીઓના રોજબરોજના ગતકડાં અને લોહિયાળ હુમલાઓની વિગત જાણવા અહીં ક્લીક કરો)

***


વાઈબ્રન્ટ નવરાત્રિની લટારે

03-10-2008


રાજ્ય સરકાર પ્રેરિત અને રાજ્યના ઉદ્યોગપતિઓના ખિસ્સા ખર્ચિત એવી અમદાવાદના જીએમડીસી-ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર ચાલી રહેલી વાઈબ્રન્ટ નવરાત્રિની લટાર કહાની બયાન કરું છું અહીં. રાત્રિના અગિયાર વાગ્યા હતા અને પાર્કિંગની નિર્ધારિત જગ્યા ફુલ થઈ ગઈ હતી. અન્યત્રે પાર્કિંગની નવી જગ્યા ઉભી કરવી પડી હતી જે પૂરતી હતી. મુખ્ય દ્વારની બહાર લગભગ ચારસોથી પાંચસો જણાની પાંચ અલગ અલગ કતારો જામી હતી. આમાં સ્ત્રીઓની કતાર જુદી હતી. કતાર એટલા માટે થઈ ગઈ હતી કારણકે અંદર પેસનારા પ્રત્યેક વ્યક્તિને મેટલ ડિટેક્ટરથી ચકાસવામાં આવતી હતી અને એમાં થોડો સમય જતો હતો.દસ મિનિટમાં લાઈન ક્લીયર કરીને અંદર પેસી શકાતુ હતુ. અંદર પેસતા જ પહેલા જ જમણા હાથે વીવીઆઈપીઓના ઉતારા માટેની વ્યવસ્થા છે તો બીજા હાથે વહીવટી વ્યવસ્થા માટેનો વિશાળ ઓરડો છે. અંદર ગુજરાત ટૂરિઝમના ફોટોગ્રાફનું એક પ્રદર્શન છે જેમાં ફોટા થ્રીડી છે એટલે તેમને જોવા માટે ચશ્મા આપવામાં આવે છે. ચશ્મા પહેરીને થ્રીડી ફોટા જોઈલો પછી એક રૂમમાં ગુજરાતના પ્રવાસનને લગતી ફિલ્મ ચાલતી હોય છે એ જોઈ શકાય છે.

આવું બીજું પ્રદર્શન અમદાવાદના ટ્રાફીક પોલીસ વડા અતુલ કરવાલના એવરેસ્ટ આરોહણ અંગેનું છે. આમાં એવરેસ્ટ ચડાણ દરમિયાન તેમણે લીધેલા ફોટોગ્રાફ્સ મોટી સાઈઝમાં સુંદર વર્ણન સાથે લગાવેલા છે. ઉપરાંત એવરેસ્ટ ચડવા માટે તેમણે ઉપયોગમાં લીધેલા સાધનો અને તેમનો ટેન્ટ સુદ્ધા પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. એક પ્રદર્શન કક્ષ એનઆઈએફટી, ખાદી ગ્રામોદ્યોગ વિભાગ વગેરેના બનાવટના નમૂનાનો છે. ગુજરાતના હેન્ડીક્રાફ્ટના ઘણા બધા સ્ટોલ્સ છે ઉપરાંત ખાણીપીણીના પણ ઘણા સ્ટોલ છે જેમાં વિવિધ આદિવાસી વિસ્તારોની વાનગીઓના સ્ટોલ પણ મોજૂદ છે. જોકે લોકોનો પ્રગવાહ મોટાભાગે ચાઈનીસ અને બીજા શહેરી ફાસ્ટફૂડના સ્ટોલ પર જ જોવા મળે છે અને આ ગ્રામીણ આદિવાસીઓના સ્ટોલ પર બહુ હાજરી જોવા મળતી નથી. ડાંગ જિલ્લાના આદિવાસીના સ્ટોલ પર ડાંગમા ઉગતા કાજુ પ્રોફેશનલ રીતે પેક થઈને વેચાણ અર્થે મૂકવામાં આવ્યા છે.વાઈબ્રન્ટના મેદાન પર આરોગ્ય અંગેની સલાહો અને પ્રચાર બાબતેનું નાનકડું પ્રદર્શન છે જેમાં મોટાભાગે તો પેનલો જ છે. એક મોટી માટલી અને તેના પર નાળિયેર તથા નગારા પર ગરબા ગાતા છોકરા છોકરીની જોડીઓના પૂતળા મૂક્યા છે.

બાળકો માટે કેટલીક સરસ એક્ટીવીટી ઉભી કરવામાં આવી છે જેમકે એક સ્થળે કીડસ ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આમાં નાનો લાયબંબો હોય છે જેમાં બાળકને ફાયર બ્રિગેડનો ડ્રેસ પહેરાવીને સાયરન સાથેના બંબામાં લઈ જવાય છે. પછી એક દુકાનનું ચિત્ર ઉભું કરેલું હોય છે તેમાં આગ લાગી હોય એવી લાઈટીંગ થાય છે. બાળકે સામે મોજૂદ હાઈડ્રન્ટમાંથી પાણી કાઢીને ઉપર છાંટવાનું હોય છે. આ સાથે જ તેમાંથી ધુમાડા છૂટે છે અને આગ બુઝાઈ ગઈ હોય તેવું દ્રશ્ય સર્જાય છે. પછી બાળકને લાયબંબામાં બેસાડીને પાછો લઈ જવાય છે. બીજા બાળકને લવાય છે.

બાળકો માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે જેના પર કીડસ ટીવી લખાયું છે. અહીં બાળકો જ કેમેરા ચલાવે છે અને એક પછી એક બાળકને સ્ટેજ પર કેમેરા સમક્ષ સમાચાર વાંચવાનો, ક્વીઝ કરવાનો, કશું પણ બોલવાનો મોકો આપવામાં આવે છે. પાછળ લટકાવેલા એલસીડી ટીવી પર તેનું પ્રસારણ લાઈવ દેખાય છે. આ ઉપરાંત પ્રત્યેક મુલાકાતી બાળક ભાગ લઈ શકે તેવા ફેશન શોનું પણ આયોજન થાય છે જેમાં એક પછી એક બાળક રેમ્પ વોકીંગ કરે છે. એક નાનું પર્વતારોહણ જેવું પણ ઉભુ કરાયું છે જેમાં દોરડા પકડીને સ્ટેપ લઈને યુવાનોએ ઉભી સપાટી ચડવાની હોય છે.

આ બધું પાર કરો એટલે ન્યૂટ્રલ ગ્રાઉન્ડ આવે છે કે જ્યાં પેન્ટ શર્ટ જીન્સ ટીશર્ટવાળા ગરબા કરતા હોય છે. એ પાર કરો એટલે કેટલીક બેઠક વ્યવસ્થા બાદ મુખ્ય ગ્રાઉન્ડ આવે છે કે જ્યાં ટ્રેડીશનલ ડ્રેસ પહેરેલાઓને જ પ્રવેશ છે. અહીં વચ્ચે અંબા માતાની તસવીરવાળો મોટો મંડપ છે કે જેની આસપાસ ગરબા થાય છે. સામે મોટો સ્ટેજ છે.

વાઈબ્રન્ટના ગરબામાં પ્રોફેશનલ ઓર્કેસ્ટ્રા અને આયોજન હોવા છતા પ્રવેશ મફત છે. સિક્યુરિટી સારી છે. પણ થોડી તકલીફ પણ છે. અહીં ખુલ્લા મેદાન પર બધું ઉભુ કરાયુ હોવાથી ફૂદા અને કાળા વંદા ઉડતા રહે છે. આ પ્રોબ્લેમ બહુ માઈન્યુટ કહી શકાય. બીજો પ્રશ્ન એ છે કે પાણી પીવું હોય કે નાસ્તો કરવો હોય તો ગરબાના મેદાનથી ખાસ્સુ ચાલીને ખાણીપીણી તરફ જઈ શકાય છે. ત્રીજો પ્રશ્ન ઈફેક્ટીવ સાઉન્ડ સિસ્ટમનો છે. મુખ્ય સ્પીકરો બે જ સ્થાને છે. એના બદલે ચાર પાંચ સ્થાને હોય તો ગ્રાઉન્ડ પર સાઉન્ડ વધુ સારી રીતે સાંભળી શકાય.

ઉદ્યોગગૃહોએ ભેગા થઈને આયોજન કર્યું છે તેમના તરફથી રિલાયન્સના પિનાકીન દિક્ષીત હાજર હોય છે. પરિમલ નાથવાણી દિલ્હીમાં વધુ સક્રિય થાય તો ગુજરાતમાં તેમનું ઈતર પ્રવૃત્તિનું કામકાજ પિનાકીન દિક્ષીત સંભાળી લેશે એમ લાગે છે. જો ચાર-પાંચ વર્ષ સુધી લગાતાર એક જ ઠેકાણે નવરાત્રિનું આ આયોજન ચાલુ રહેશે તો અમદાવાદમાં વાઈબ્રન્ટના ગરબા બાકી બધા આયોજનોથી આગળ નીકળી જશે. પાછલા વર્ષે આ આયોજન ગાંધીનગરમાં થયું હતું. આ વર્ષે અમદાવાદમાં અને આવતા વર્ષ ક્યાંક બીજે થશે તો શાખ નહીં બેસે.

Click here for August+September 2008’s articles
ઓગસ્ટ,સપ્ટેમ્બર ૨૦૦૮ના લેખો પર પહોંચો

Click here for April+May+June+July 2008’s articles
એપ્રિલ+મે+જુન+July ૨૦૦૮ના લેખો પર પહોંચો

Click here for January+February+March 2008’s articles
જાન્યુઆરી+ફેબ્રુઆરી+માર્ચ ૨૦૦૮ના લેખો પર પહોંચો

Click here for December 2007’s articles
ડિસેમ્બર ૨૦૦૭ના લેખો પર પહોંચો


Click here for November 2007’s articles
નવેમ્બર ૨૦૦૭ મહિનાના લેખો પર પહોંચો


Click here for October 2007’s articles
ઓક્ટોબર ૨૦૦૭ મહિનાના લેખો પર પહોંચો

(required)
(required)

 

Comments are closed.


Recipe


Religious


Music


Video


Audio


Text


Gujarati

About Desh Gujarat | Contact Us | | Home | Gujarat Money | Twitter updates
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World