Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism



Andar Bahar Gujarat Archive:December 2008(Gujarati Text)

Andar Bahar Gujarat Archive:December 2008
****


સોમનાથથી સારા સમાચાર

29-12-08


જાણકારી તો અગાઉ હતી જ પરંતુ ગઈકાલે સોમનાથ ટ્રસ્ટના રાવલ સાહેબ સાથે ફોન પર વાત થઈ પછી ખાતરી થઈ ગઈ કે સોમનાથમાં હમીરસિંહજી ગોહિલનું પૂતળુ મૂકાવવાનું છે. આ પૂતળુ પૂર્ણ કદનુ શાનદાર સત્યાવીસ ફૂટ ઉચું હશે અને સોમનાથના બસસ્ટેન્ડથી મંદિર રોડ પર પડતા વળાંક પર જ સ્થાપિત કરવામાં આવશે. હું સોમનાથ મંદિર જાઉં ત્યારે હમીરસિંહજીની દેરી પર અચૂક સમય ગુજારું છું. હમીરસિંહજી ગોહિલ સૌરાષ્ટ્રના લાઠી નજીકના હતા. સોમનાથ પર મુસ્લિમ આક્રમણ સામે લડવા તેઓ પોતાના ગામેથી સોમનાથ નીકળ્યા હતા. મુસ્લિમ સેના સામે તેમણે લડાઈ કરી હતી અને મુસ્લિમ આક્રમણકારીઓની ભારે ખુવારી કરી હતી. આ બધું તેમણે કર્યું હતું સોમનાથની મૂર્તિને બચાવવા માટે. યુદ્ધમાં એકલવીર હમીરસિંહજીનો શિરચ્છેદ થયો ત્યારે હમીરસિંહજીના ધડે બે હાથ ઉંચા કરીને માથું સોમનાથ દાદાને ચડાવ્યું હતું ને પછી માથા વગરનું ધડ એકલપંડે આક્રમણકારીઓ સામે લડ્યું હતું.

ગુજરાતમાં વીરત્વના સ્થાનિક આઈકોન્સને ભારે પ્રસિદ્ધિ આપીને બાળકોને પોતાની પ્રજા વીરત્વસભર હતી અને છે એનો અહેસાસ કરાવવાની જરૂર છે. હમીરસિંહજીની પ્રતિમા આ દિશામાં થોડું કામ કરશે જ. હમીરસિંહજી ગોહિલ વિશે મારું પ્રથમ વાંચન શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તક સૌરાષ્ટ્રના ખંડેરો પુસ્તક થકી થયું હતું. નીચે એ આખું ચેપ્ટર એમનું એમ ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં પ્રસ્તુત કરું છું.(હમીરસિંહ ગોહિલનું પૂતળું સોમનાથમાં સ્થાપિત થવાનું છે એ ખુશખબર મેં ગુજરાત સમાચારમાં આ વિશે ન્યૂઝ આર્ટીકલ આપીને પ્રસિદ્ધ કર્યા છે. ન્યુઝ આઈટમ સોમવાર ૨૯ ડિસેમ્બરના છાપામાં પ્રસિદ્ધ થઈ છે.)

-ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં-

દોણ-ગઢડાનું વંકું ગીર-બિંદુ. ત્યાં મારે પાંડવ જુગના કહેવાતા દ્રોણેશ્વર મહાદેવને જોવા નહોતું જવું પણ સોમૈયા મહાદેવની મૂર્તિને તૂટતી અટકાવવા નીકળેલા એક મધ્યયુગી જુવાનનું લગ્ન-સ્થળ જોવા જવું હતું.

એ જુવાનનું નામ હમીરજી ગોહિલ. વાર્તા તો એની મશહૂર છે. સોમનાથ પર ત્રીજી વાર ઈસ્લામને ચડી આવતો સોરઠે સાંભળ્યો, ત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રના ક્ષત્રિયોનું એક પંખીડુંય ફરક્યું નહિ.

‘ધિક્કાર છે રાજપૂતોને !’ જુવાન હમીરજી, લાઠી પાસેના એક કાળના અરઠીલા ગામમાં, પોતાને ઘેરે બેઠો બેઠો ઊકળી ઊઠ્યો : ‘છતે રાજપૂતે હિંદવાણાનું નાક કપાશે ?’ મોટા બે ભાઈઓ પરદેશી સૂબાઓની ચાકરીમાં ગયા હતા. ભોજાઈ ઘેરે હતી. ભોજાઈએ બાળ દિયરને ટોણો માર્યો : “તમેય રાજપૂત છો ને ? કાં નથી જતા ?”

એવા મેંણાએ એ નમૂછિયા સોરઠી બાળને સોમનાથની દિશા પકડાવી. લડવૈયો બનીને નહિ, વ્રતધારી બનીને હમીરજી ચાલ્યો. જીવતા પાછા આવી શકાશે નહિ : મરવું જ છે : જીવતે કે મુવે, મસ્તક સોમૈયાજીને ચડાવવું છે : ભોજાઈ, તારી કૃપા, કે તેં મને સ્વધર્મ સુઝાડ્યો.

બાળ હમીરજી અવિવાહિત હતો. જગતની કશી વળગણ નહતી. બેફિકર કલેજે ઘોડેસવારે ઘોડો હાંક્યો. માર્ગે આ ઘાટી ગીર પડી હતી. તીરકામઠાંવાળા ભીલ લૂંટારાઓએ હમીરજીને ઘેરી લીધો. ભીલ સરદાર વેગડા સામે રજૂ કર્યો. કહે છે કે આ દોણ-ગઢડાની નજીક જ ભીલપતિ વેગડાનું મથક હતું. અહીં એ ભીલ સરદારે વંકા કરડા જુવાનને નિહાળ્યો, સન્માન્યો, પોતાનો જમાઈ બનાવ્યો. છેલ્લે મૃત્યુની વાટે પણ જમાઈનો સુંદર સાથ કર્યો.

મૃત્યુની વાટે નીકળેલા હમીરને લગ્નની ઈચ્છા કેમ જન્મી ? રોટલા જમતાં જમતાં એણે પોતાને પીરસનાર ભીલ-ક્ન્યાનું મોં દીઠું : મુગ્ધ થઈ ગયો – એ નારીના ચકચકતા નીરોગી કાળા રંગ ઉપર, ચહેરાની નમણાઈ ઉપર, ઘાટીલી દેહ-રચના ઉપર, દેહની મજબૂતી ઉપર.

પ્રથમ પ્રશ્ન તે સમયના પુરુષને હદયે આ હતો કે : વંશનો વેલો ચાલુ રહે, ને એ વંશમાં વીર પ્રજા પાક્યા કરે. લગ્નના ધોરણનું પહેલું પગથિયું આ હતું.

હમીરજીને નિર્વંશતાનો સંભવ ખૂંચતો હતો. આંહીં પોતાની સન્મુખ બહાદુરોની જનેતા બને તેવી તૈયાર સ્ત્રી હતી. હમીરજીને પ્રેમનો પણ હદયમાં આજ પહેલી વાર થનગનાટ જાગ્યો. પ્રેમદાત્રી સામે ખડી હતી. ભીલકુમારી મોહ પામી હતી – આવા આશાભર્યા જોબનજોધને મૃત્યુપથે પળતો દેખી.

“પણ ઓ ભીલકુમારી ! એક જ રાતના ગૃહવાસને સારુ તારો તો સમસ્ત ભવ બગાડવો ને મારે ?”

ભીલપુત્રીએ જવાબ વાળ્યો હશે તો તે આવો જ હશે ને ‘ કે ‘હે જુવાન, એક રાત્રીનો સાચો સંસાર હજારો ભંગાર જિંદગાનીઓ ન્યોછાવર કરવા જેવો નથી શું?’

રુધિર મિશ્રણ

પણ જવા દો એ બધા પ્રણય-પ્રલાપોને. સોરઠી જુવાન એક રાત્રીને માટે પરણ્યો. ગંગાજળકુળ ગણાતા ગોહિલના બાળકે અનાર્ય મનાતી શિકારી કોમની બાલાનું પાણિ-ગ્રહણ કર્યું. એક રાત્રિ – એક જ રાત્રિના એના દંપતી-સંસારને ક્યારે એક મિશ્રજાતિની વંશવેલ્ય ચડી; જેનું નામ ગોહિલ કોળી.

એવી મંગલ ઘટનાનું લીલાસ્થાન દોણ-ગઢડા મને પ્રિય છે – કલ્પનામાં પ્રિય લાગે છે. ને સોમનાથને પાદર સમરભૂમિમાં જ્યારે શત્રુની સમશેરે પડેલા મસ્તકને બે હાથમાં ઝીલી લઈ હમીરજીનું કબંધ(ધડ) સોમનાથની સન્મુખ અર્પણ કરતું ઉભું હશે, ત્યારે પેલી ચારણી ડોશીએ દૂર ઊભે ઊભે બાળુડા હમીરને મીઠા મીઠા મરશિયા સંભળાવ્યા હશે, તેની લાગટ ચિત્ર-પરંપરા મારાં કલ્પનાચક્ષુઓ સામેથી કોઈ ઝડપી ચિત્રપટની માફક પસાર થઈ રહેલ છે ”

વેલો આવ્યો વીર ! સખાતે સોમૈયા તણી;
હીલોળવા હમીર ! ભાલાંની અણીએ ભીમાઉત !
પાટણ આવ્યાં પૂર, ખળહળતાં ખાંડા તણાં;
શેલે માહી શૂર, ભેંસાસણ શો ભીમાઉત.વેળ્ય તાહરી વીર, આવીને ઉવાંટી નહિ;
હાકમ તણી, હમીર, ભેખડ આડી, ભીમાઉત !

એ ભીમ લાઠિયાના પુત્ર ! તારા શૌર્યની ભરતી ચડી આવી, પણ તે પાછી ન વળી, દરિયાની ભરતીને તો પાછો ઓટ છે, પણ વીરનો શૌર્ય-જુવાળ ચડ્યો તે પાછો ન વળ્યો. કેમ કે આડે હાકેમ કહેતાં મુસ્લિમ શત્રુની ફોજરૂપી ભેખડ બંધાઈ ગઈ હતી.

મૃત્યુના ગાન

આ મરશિયા સોરઠી જુવાને મરતે મરતે સાંભળ્યા. પોતાના જ મૃત્યુનું કીર્તિકાવ્ય પોતે સાંભળી લીધું. સાંભળવાના એને કોડ હતા. રસ્તામાં જ એ અભિલાષ એને જન્મ્યા હતા. બુઢ્ઢી ચારણીને એણે એક સંધ્યાએ રસ્તાના એક ગીર-ગામડામાં મોં ઢાંકીને રડતી સાંભળી હતી. મરનાર પાછળના સોરઠી રુદનમાં પઠાણી રુદનની પેઠે જ કાવ્ય હતું, સાહિત્ય હતું, સ્નેહના કાતિલ આર્તનાદ હતા, રડનારના કંઠની કલા હતી.

એવું મીઠું રુદન-ગાન સાંભળતા સોરઠી જુવાને બુઢ્ઢીને આંગણે ઘોડો થંભાવ્યો. પૂછ્યું : “માડી, શું કરતાં’તાં ? “બાપ, મારો જુવાન દીકરો મુવો છે એના મરશિયા ગાતી’તી.” “મા, બહુ મીઠા મરશિયા: મારાય ગાઓને ? ગાશો ? બહુ મીઠા.” “અરે બાપ ! મરશિયા તો મુવાના હોય, જીવતાના – તું સરીખા બાળના તે મરશિયા હોય ?” “અરે મા, હુંય મરી ચૂક્યો છું. મરવા ચાલ્યો છું. શીશ સોમૈયાને અર્પણ કરીને નીકળ્યો છું. ગાવ, મા, ગાવ, સુખેથી.” “બાપ, જા, હું રણખેતરને કાંઠે ઊભી ઊભી તારું શીશ કપાવાની ઘડીએ સંભળાવીશ.”

એ આ મરશિયા : એ લગ્ન : એ સ્નેહ : ને એ શોણિત-મિશ્રણના બનાવો ” ગીરના જંગલો એ બધાં સ્મરણાં જગાડે છે. સોરઠની જુવાની કેવા કેવા મસ્ત તોર સેવતી તેના વિચાર ચડી જવાય છે. હૈયા ઉપર જમાનાઓના તડકા-છાંયા રમે છે.

***
અમદાવાદમાં કોમ્પ્યુટર ક્લાસીસ પર સોફ્ટવેર કંપનીના નામે પડતી રેડ અને પોલીસની મીલીભગતથી થતી તોડબાજી વિશેનો મારો ગુજરાત સમાચારમાં પ્રકાશિત લેખ આપ આ લીંક પર વાંચી શકશો.
***


કાંકરિયા લેકફ્રન્ટ એટલે કર્ણસાગર લેકફ્રન્ટ

24-12-08


અમદાવાદ કાંકરિયામય થઈ ગયું છે ત્યારે કાંકરિયાના હિંદુ ઈતિહાસ વિશેની થોડી જાણકારી આપની સાથે વહેંચવાનો મોકો હું ઝડપી લઈશ.

અમદાવાદના કાંકરિયા તળાવ વિશે એ પ્રચલિત થઈ પડ્યું છે કે તેનો બંધાવનાર વ્યક્તિ ગુજરાતનો મધ્યકાલીન યુગનો સુલતાન કુતબુદ્દીન હતો. પરંતુ પાછલી સદીના દિગ્ગજ ઈતિહાસકારોએ કાંકરિયા તળાવનો મૂળ બાંધનાર હિંદુ રાજા કર્ણદેવ સોલંકી હોવાનું તારણ આપ્યું છે.

રાજા કર્ણદેવ સોલંકી ગુજરાતના સોલંકી વંશના રાજા હતા. તે સમયે ગુજરાતની રાજધાનીનું શહેર પાટણ હતું. કર્ણદેવ પાટણથી રાજકાજ ચલાવતા હતા. કર્ણદેવે તેમના પુત્ર સિદ્ધરાજ જયસિંહને પાટણની ગાદી સોંપી તે પછી તેઓ હાલના અમદાવાદના સ્થળે આવ્યા. અહીં તે સમયે આસાભીલનું રાજ ચાલતું હતું અને આશાપલ્લી નગર વસતું હતું. કર્ણદેવે આસા ભીલને હરાવીને કર્ણાવતી નગરીની સ્થાપના કરી. પ્રાચીન ગ્રંથ પ્રબંધ ચિંતામણી કહે છે કે કર્ણદેવ સોલંકીએ કર્ણાવતીની સ્થાપના કરતી વખતે કોછરબા દેવીનું મંદિર, જયંતિદેવીનું મંદિર, કર્ણેશ્વર મહાદેવ અને કર્ણાવતી નગરીને શોભાયમાન કરતું કર્ણસાગર તળાવ બંધાવ્યું હતું. આમાં કોછરબા દેવીનું મંદિર આજે પણ કોચરબ વિસ્તારમાં નવા સ્વરૂપે અને કૌશલ્યાદેવીના મંદિરના નામે વિદ્યમાન છે. મંદિરમાં નિયમિત પૂજા અર્ચના વગેરે થાય છે. આ મંદિરની સામેના ભાગે એક મકાનના પાયા ખોદાતા હતા ત્યારે મેં તેની મુલાકાત લઈને તેમાંથી જૂની ઈંટો વગેરે અવશેષો એકઠા કર્યા હતા અને પુરાતત્વ વિભાગની ઓફિસે જઈને તેનું પરીક્ષણ કરાવીને તે કર્ણાવતી નગરીના યુગના હોવાનું સિદ્ધ કરાવ્યું હતું તથા તેનો અહેવાલ તે સમયે ગુજરાત સમાચારમાં પ્રકાશિત થયો હતો. આજે પણ કોચરબના કોછરબા દેવીના એટલેકે કૌશલ્યા દેવીના મંદિરની આસપાસ કોઈ મકાન પડેને બીજું મકાન ઉભું કરવા માટે ખાડો ખોદવામાં આવે તો જૂના અવશેષો મળી આવે છે. કોચરબ ગામનું નામ કોછરબાદેવી પરથી પડ્યું હતું. આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો ત્યારે તેમાંની પ્રાચીન મૂર્તિઓ નદીમાં પધરાવી દેવામાં આવી હતી. હવે નવી મૂર્તિઓ વિદ્યમાન છે.

બીજું જયંતિ દેવીનું મંદિર કે જે કર્ણે બંધાવ્યું હતું તેના અવશેષો હાલ અમદાવાદનું સંસ્કાર કેન્દ્ર એટલેકે મ્યુઝિયમ છે તેનું નિર્માણકાર્ય હાથ ધરતી વખતે પાયા ખોદતા ઉંડાણમાંથી મળી આવ્યા હતા. આ અવશેષો આજે પણ સંસ્કાર કેન્દ્રની બહાર લાઈન બંધ રીતે પ્રદર્શિત કરેલા છે. કર્ણએ કર્ણાવતીની સ્થાપના સમયે ત્રીજું બાંધકામ કર્ણેશ્વર મહાદેવનું કર્યુ હતું તે હાલ અમદાવાદના સારંગપુર વિસ્તારમાં સ્થિત કર્ણમુક્તેશ્વર મહાદેવ હોવાનું પ્રસિદ્ધ છે. હવે રહ્યું કર્ણસાગર તળાવ. આ તળાવ એ આજનું કાંકરિયા તળાવ. કર્ણમુક્તેશ્વર મહાદેવ, આજનું સંસ્કાર કેન્દ્ર, કોચરબ ગામ અને કર્ણાવતી નગરીના ઉલ્લેખ વાળો શિલાલેખ જ્યાંથી મળી આવ્યો હતો એ સપ્તર્ષિ સ્મશાનો આરો આ બધું એક જ લાઈનમાં પડે છે. કર્ણસાગર તળાવ તરીકે કાંકરિયાનું લોકેશન આ રીતે ફીટ બેસે છે.

ગુજરાતના મુસ્લિમ સુલ્તાનોએ માત્ર મસ્જિદો, મહેલો અને દરગાહો જ બંધાવવાનું કામ કર્યું હતું.

સલ્તનત સમયે બંધાયેલા કહેવાતા માત્ર બે તળાવો સરખેજ રોજાનું તળાવ અને ધોળકાની ખાન મસ્જીદનું તળાવ એ મસ્જીદના ભાગ છે.

આની સામે સોલંકીકાળમાં બંધાયેલા તળાવોનો આખો ઈતિહાસ મોજૂદ છે. કર્ણદેવના પત્ની મીનળદેવીએ બંધાવેલા ધોળકાના મલાવ તળાવ અને વીરમગામના મુનસર તળાવ તથા કર્ણદેવના દીકરા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું પાટણનું સહસ્ત્રલિંગ તળાવ જાણીતા છે. તળાવની વચ્ચે ટાપુ એટલેકે બકસ્થલની રચના હિંદુ તળાવોની નિશાની છે. કાંકરિયા તળાવની વચ્ચે આવેલી નગીનાવાડી વિશે કહેવાય છે કે તે સુલતાન કુતબુદ્દીને પોતાના મહેલ માટે બંધાવી હતી પરંતુ હકીકત એ છે કે આ સોલંકીકાલીન હિંદુ તળાવ બાંધકામ શૈલી અનુસાર મંદિરની જગ્યા છે અને તેને બકસ્થલ કહેવામાં આવે છે. કાંકરિયા તળાવમાં પાણીની આવકના સ્થળે જાળીવાળી ગરનાળાની રચના પણ પાટણના સહસ્ત્રલિંગ તળાવને મળતી આવતી છે. ધોળકાના મીનળદેવીએ બંધાવેલા મલાવ તળાવમાં પણ આવી રચના છે.

કાંકરિયા તળાવ ભલે હોજ-એ-કુત્બ કહેવાતું હોય. કુતબુદ્દીને કદાચ જૂના કર્ણસાગર તળાવનું સમારકામ કે નવીનીકરણ કરાવ્યું હશે પરંતુ કાંકરિયા તળાવ અસલમાં તો ગુજરાતના સોલંકીકાલીન હિંદુ રાજવી કર્ણદેવ સોલંકીએ જ બંધાવ્યું હતું. આવું ન કેવળ પાછલી સદીના કેકા શાસ્ત્રીજી સહિતના દિગ્ગજ ઈતિહાસકારોનું માનવું છે પરંતુ તેમણે લખેલા ગુજરાતના ઈતિહાસના પુસ્તકોમાં પણ આનો ઉલ્લેખ છે.( આ સંદર્ભે મારો લેખ ગુજરાત સમાચારમાં ૨૪ ડિસેમ્બરે પ્રગટ થઈ ચૂક્યો છે)
***


નાસ્કોમનો કેમલ જોક અને ગુજરાત હોપ

19-12-08


આપે કદાચ ગણેશ નટરાજન વિશે નહીં સાંભળ્યું હોય, તેમની ઝડપથી વિકસી રહેલી પૂના સ્થિત આઈટી કંપની ઝેન્સાર વિશે પણ નહીં સાંભળ્યું હોય પરંતુ આપે કદાચ નાસ્કોમ વિશે તો સાંભળ્યું જ હશે. નાસ્કોમ એ ભારતની આઈટી કંપનીઓનું એસોસીએશન છે. ગણેશ નટરાજન નાસ્કોમના હાલના વડા છે. પોતાની કંપનીનું કામકાજ છોડીને ચાલીસ ટકા સમય આજકાલ તેઓ નાસકોમની પ્રવૃત્તિઓ પાછળ આપે છે એમ તેમનું માઈકાની એન્ટરપ્રિન્યોરશીપ કોન્ફરન્સમાં કહેવું હતું. નટરાજને બીજી તો અનેક વાતો કરી પણ અહીં મારે વાત કરવી છે તેમણે કીધેલા કેમલ જોકની. આ તેમનો કેમલ જોક બહુ જાણીતો છે કારણકે તેઓ દરેક બીજી કોન્ફરન્સમાં આ જોક સંભળાવે છે.

“ભારતને પ્રથમ આઈટીનો ઓર્ડર ક્યાંથી મળ્યો. આપ સૌ માનતા હશો કે અમેરિકામાંથી. પરંતુ આ ખોટું છે. ભારતને પ્રથમ ઓર્ડર દુબઈમાંથી મળ્યો હતો. દુબઈનો એક શેખ કે જે રણની વચ્ચે રહેતો હતો તેની પાસે સત્તર ઉંટ હતા. તેણે વસિયત બનાવડાવ્યું કે સત્તરમાંથી અર્ધા ઉંટ તેના મોટા દીકરાને મળે, ૧/૯ ઉંટ તેના વચલા દીકરાને મળે, અને ૧/૩ ઉંટ તેના સૌથી નાના દીકરાને મળે. હવે શેખ તો ગુજરી ગયો. ને પ્રશ્ન એ ઉભો થયો કે સત્તર ઉંટમાંથી વસિયત પ્રમાણેના ભાગ તો કઈ રીતે પાડવા.

તો નિર્ણય એવો થયો કે ભારતમાં આઈટી કન્સલ્ટન્સી સર્વિસીસ વિકસી છે તેઓ કોઈ ઉકેલ કાઢી આપી શકે છે. શેખ દ્વારા ટાટા કન્સલ્ટન્સીની મુંબઈ ઓફિસનો સંપર્ક સાધવામાં આવ્યો. કન્સલ્ટન્સીએ એક યુવાન પ્રોફેશનલને લેપટોપ લઈને મોકલ્યો. પ્રોફેશનલે દુબઈ પહોંચતા પહેલા ફ્લાઈટમાં જ હોમવર્ક કરી લીધું કે શું કરવું છે. દુબઈ પહોંચીને રણની વચ્ચે આવેલા શેખના ઘરે તે પોતાનું એક ઉંટ લઈને પહોંચ્યો. શેખના ત્રણેય દીકરા ભેગા થયા હતા. ભારતીય કન્સલ્ટન્ટે પોતાનું એક ઉંટ શેખના સત્તર ઉંટોના કાફલામાં ઉમેરી દીધું. હવે ઉંટોની સંખ્યા અઢાર થઈ ગઈ. એટલે વસિયત મુજબ અર્ધા(૯) ઉંટો મોટા દીકરાને આપ્યા, ૧/૯ એટલેકે ૨ ઉંટો વચલાને આપ્યા તથા ૧/૩ એટલેકે ૬ ઉંટો નાના દીકરાને આપી દીધા. સત્તર ઉંટો પૂરા થઈ ગયા. એક ઉંટ બચ્યું જે અઢારમું હતું ને કન્સલ્ટન્ટે પોતાની તરફથી ઉમેર્યું હતું એ ઉંટ લઈને કન્સલ્ટન્ટ રણ પાર કરીને દુબઈ એરપોર્ટ પાછો આવ્યો. કામ ખતમ.”

બાય ધ વે, નટરાજને ગુજરાત વિષયક મારા પ્રશ્નના જવાબમાં કહ્યું કે નાસકોમ પૂનામાં વિદ્યાર્થીઓને પાંચસો કલાકની ટ્રેનીંગ આપીને તેમને આઈટીને લાયક બનાવવાની ને નોકરી આપવાની સ્કીમ ત્યાંની સો કોલેજો સાથે મળીને ચલાવે છે એ સ્કીમ ગુજરાતમાં પણ લાવવા ઈચ્છે છે. આ માટે તેઓ નિરમા યુનિવર્સિટી સાથે વાતચીત માટે આજે જ જઈ રહ્યા છે.

મેં બીજા દિવસે અનાયાસે જ નિરમા કેમ્પસમાં નિરમા યુનિવર્સિટીના વડેરા અંબુભાઈ મળ્યા એટલે એમને આ અંગે પૂછી લીધું. તેમણે કહ્યું કે નટરાજન આવ્યા હતા અને વાતચીત થઈ છે. પરિણામ ટૂંક જ સમયમાં આવશે.

નટરાજને મને કહ્યું કે તેઓ જાન્યુઆરીમાં અમદાવાદ ખાતે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ત્રણેય દિવસ હાજર રહેવાના છે.

તો આપણે આશા રાખીએ કે નાસકોમ ગુજરાતના નોન-આઈટી વિદ્યાર્થીઓને તાલીમ આપીને આઈટી ઉદ્યોગને લાયક બનાવવાની ને નોકરી આપવાની સ્કીમની વાઈબ્રન્ટ ગુજરાત પ્રસંગે જાહેરાત કરે. અને એમાં નિરમા જ નહીં પણ ગુજરાત કોલેજ જેવી સામાન્ય કોલેજો સુદ્ધાનો સમાવેશ થયેલો હોય.
***


રીડીફની ગુજરાતી સર્વિસ આવે છે

18-12-08


રીડીફ.કોમની ગુજરાતી વેબસાઈટ ચાર વર્ષ પહેલા બંધ થઈ ગઈ હતી પરંતુ હવે રીડીફ ગુજરાતી સહિત ભારતની કુલ ૨૨ ભાષાઓમાં પોતાની સર્વિસ આગામી જાન્યુઆરી મહિનાથી શરૂ કરી રહી છે એમ તેના માલિક અને સ્થાપક શ્રી અજીત બાલાક્રિશ્નનનું કહેવું છે. અજીત બાલાક્રિશ્નન સાથે મારી મુલાકાત થઈ અમદાવાદ સાણંદ રોડ નજીક આવેલી માઈકા(મુદ્રા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન, અમદાવાદ)માં. અજીત બાલાક્રિશ્નન અહીં એન્ટરપ્રિન્યોરશીપ અંગેની આઠમી આંતરરાષ્ટ્રિય કોન્ફરન્સના ઉદઘાટન સમારંભમાં કી-નોટ વક્તા તરીકે ઉપસ્થિત હતા. અજીત બાલાક્રિશ્નનને મેં પૂછ્યું એક ભારતના ઓનલાઈન જગતમાં નેક્સ્ટ બીગ થીંગ શું છે તો તેમણે કહ્યું કે વિડિયો. તેમણે કહ્યું કે ઈન્ટરનેટ પરના કેટલાક વિડિયો ટીવી ચેનલની વ્યૂઅરશીપને પણ ઓવરટેક કરી ગયા છે. યુઝર જનરેટેડ કન્ટેન્ટ અંગેના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે એ જમાનો ગયો કે જ્યારે મનાતુ હતુ કે તંત્રીજ હોંશિયાર છે, બધુ જાણે છે અને લોકો નહીં. આજે તો લોકો વધુ જાણે છે અને વધુ માહિતી ધરાવતા હોય છે. રીડીફના ફિલ્મના રીવ્યૂ કે જે અમે પબ્લીશ કરીએ છીએ તેના કરતા પણ રીવ્યૂની નીચે લોકો જે કોમેન્ટ લખે છે એમાં ઘણી વખત વધુ સારુ વિવરણ હોય છે. અજીત બાલાક્રિશ્નને કહ્યું કે વિદેશમાં રીડીફના એંશી ટકા મુલાકાતીઓ મોબાઈલ ફોનમાં વેબસાઈટ જોઈ લે છે. મેં પૂછ્યું રીડીફનું સર્ચ એન્જીન હોય, એડ નેટવર્ક હોય એવો તેનો હોરીઝોન્ટલ વિકાસ થાય એવો કોઈ પ્લાન છે? અજીત બાલાક્રિશ્નન પાસે આનો કોઈ જવાબ ન હતો. જ્યારે મેં રીડીફની ગુજરાતી વેબસાઈટ કેવી હશે, ઓરીજીનલ કન્ટેન્ટ હશે કે કેમ, અગાઉ ગુજરાતી વેબસાઈટ બંધ કેમ કરી હતી વગેરે વગેરે પ્રશ્નો પૂછ્યા ત્યારે અજીત બાલાક્રિશ્નને આ પ્રશ્નોના જવાબ માટે મારું ઈમેલ એડ્રેસ સહિતનું વીઝીટીંગ કાર્ડ માંગ્યું. મારી પાસે કાર્ડ ન હતું. અજીત બાલાક્રિશ્નન ખંધુ હસીને બોલ્યા, “સો યુ આર એ જર્નાલીસ્ટ વિધાઉટ અ કાર્ડ.” આના થોડા જ સમય પછી મને મારા વોલેટમાં બચી ગયેલું મારું છેલ્લું વિઝીટીંગ કાર્ડ મળી ગયું ને તેમને આપીને મેં કહ્યું “આઈ એમ અ જર્નાલીસ્ટ વીથ કાર્ડ લકીલી.” અજીત બાલાક્રિશ્નને પ્રોમીસ કર્યું છે કે રીડીફ ગુજરાતી સર્વિસ (બીટા) તૈયાર થતા જ તેઓ મને એની ટેસ્ટીંગ લીંક મોકલાવશે. જો આવું થાય તો હું અહીંજ એનો રીવ્યૂ આપની સાથે વહેંચીશ.
***

***
રવિવારે અમદાવાદના મણિનગરના દક્ષિણી અંડરબ્રીજની ચૌદમાંથી તેર હેલોજન લાઈટો બ્રાઉન સુગરના બંધાણીઓ ચોરી ગયા હોવાની સ્ટોરી લખી જે સોમવારે છપાઈ. સોમવારે આના ફોલોઅપમાં હું અંડરબ્રીજની મુલાકાતે ગયો ત્યારે જ મેસેજ આવ્યો કે નજીકમાં જ ગોરના કૂવાના રોડ પર એક બહેન રસ્તે ચાલતા સૌને ઝનૂનપૂર્વક તીક્ષ્ણ રીતે બચકાં ભરી રહ્યાં છે.

હું ગોરના કૂવા રોડ પર ગયો પછીનું રિપોર્ટીંગ એક્સ્લુઝીવ રીતે ગુજરાત સમાચારમાં લખીને આપ્યું જે છપાયું છે. અહીં ક્લીક કરતા જ આપ એ લેખ વાંચી શકશો.

***


રણ ઉત્સવ અને કાંકરિયા:કોંગ્રેસ ખોટા મુદ્દા પકડે છે

15-12-08


ગુજરાતમાં કોંગ્રેસ આજકાલ ‘ખોટા મુદ્દા પકડો’ અભિયાન ચલાવી રહ્યું છે. કચ્છમાં રણ ઉત્સવ યોજવામાં આવ્યો તો કોંગ્રેસ મચી પડી કે મુંબઈના હુમલા પછીના સંજોગોમાં આખું રાષ્ટ્ર શોકમય છે ત્યારે રણ ઉત્સવ બંધ રાખવો જોઈએ. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખસ્થાને આ મામલે ધરણા યોજવાની જાહેરાત પણ થઈ હતી.

કોંગ્રેસના શ્રીમાન મોઢવડિયાને યાદ હોય કે ન હોય પરંતુ આપને સારી પેઠે યાદ હશે કે ચાલુ વર્ષે જ આતંકવાદીઓએ જયપુરમાં શ્રેણીબદ્ધ બોમ્બધડાકા કર્યા હતા અને આ ધડાકા પાછળનું મક્સદ તેમણે એવું જણાવ્યું હતું કે તેઓ જયપુરના ટૂરિઝમને હાનિ પહોંચાડવા માંગતા હતા. જયપુર એક પ્રમુખ ટૂરિઝમ કેન્દ્ર હોવાથી તેમણે ત્યાં ધડાકા કર્યા હતા….એટલેકે આતંકવાદીઓ દેશના ટૂરિઝમ સેક્ટરને પણ ટાર્ગેટ કરવા માંગે છે એ સ્પષ્ટ થયું હતું. આતંકવાદની અસરથી તમે કચ્છ ઉત્સવ બંધ કરી દો, તમારા દોડતા ટૂરિઝમ વિકાસના પગ પર હોકી સ્ટીક મારી દો તો તેમાં આતંકવાદ સફળ થયો કહેવાય. કચ્છનો રણ ઉત્સવ કેન્સલ કરીને આતંકવાદથી શું કામ પ્રભાવિત દેખાવું જોઈએ?

કચ્છમાં રણ ઉત્સવની જાહેરાત ઘણા વહેલા થઈ ગઈ હતી. તારીખો નક્કી હોય, બુકિંગ થઈ ગયા હોય ત્યારે શા માટે આતંકવાદને કે આતંકવાદીઓના મનસૂબાને વશ થઈને આપણે આ મહોત્સવ કેન્સલ કરવો જોઈએ? ટૂરિઝમ ઉદ્યોગ એ હાઈલી પ્રોફેશનલ ઉદ્યોગ છે. તેમાં તમે મહોત્સવો અતિશય અનિવાર્ય કારણ સિવાય રદ કરી શકો નહીં. તમારી છાપ ઈન્ટરનેશનલી ખરડાઈ જાય. બીજી વખત બુકિંગ મળવામાં ફાંફે ચડી જવાય. પાછલા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ ડિસેમ્બરમાં હોવાથી આચારસંહિતાને કારણે રણ ઉત્સવની તારીખો ફેબ્રુઆરીમાં ફેરવવી પડી હતી. હવે આ વર્ષે ફરીથી તમે રણ ઉત્સવ રદ કરો એટલે આવતા વર્ષથી ઈન્ટરનેશનલ ટૂરિસ્ટ એજન્ટ રણ ઉત્સવનું બ્રોશર જ હાથમાં પકડવાનું બંધ કરી દે!

મુંબઈમાં થયેલી આતંકવાદી ઘટનાના શોકથી જેમ બસો, ટ્રેન, સચિવાલય, નદીના પાણી, પવનચક્કીઓ, ટીવી, થિયેટરની ફિલ્મો એ બધું બંધ ન કરાય એ જ રીતે કચ્છ ઉત્સવ પણ બંધ ન કરાય, કેન્સલ ન કરાય.

મજાની વાત એ છે કે નરેન્દ્ર મોદી સુરક્ષાના કારણોસર રણ ઉત્સવના ટેન્ટમાં રાત્રે ન રોકાયા અને ગાંધીનગર આવી ગયા તો મોઢવાડિયાએ એવું નિવેદન કર્યું કે મોદી સરહદી વિસ્તારના ટેન્ટમાં રાત્રે રોકાયા નહીં તેથી ખોટા મેસેજ જાય છે. હવે શ્રીમાન મોઢવાડિયા એ કહે કે જો આટલા માત્રથી ખોટા મેસેજ જતા હોય તો આખો રણ ઉત્સવ જ કેન્સલ કરી દો તો કેવા ખોટા મેસેજ જાય?

કોંગ્રેસ નવરી બેઠી દરેક બાબતમાં મનધડંત વિરોધ કર્યા કરશે તો ગુજરાતમાં ૨૦૨૨માં ય ગુજરાતમાં સત્તાએ ચડવાનો વારો નહીં આવે.

હમણા કોંગ્રેસે અમદાવાદમાં કાંકરિયા તળાવ સંકુલમાં એન્ટ્રીની ટિકીટ રાખવાના ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રસ્તાવનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. આ પણ ખોટો મુદ્દો પકડ્યો છે કોંગ્રેસે.

એન્ટ્રી ફી હશે, એન્ટ્રી રીસ્ટ્રીક્ટેડ હશે તો જ કાંકરિયાનું બ્યુટીફીકેશન જળવાશે, તો જ આલતુ ફાલતુ લોકો, અસામાજિક તત્વો, ભિખારીઓ, લુખ્ખા તત્વો અહીં ભટકતા બંધ થશે, તો જ સિક્યોરીટી જળવાશે. કોંગ્રેસ નવા તૈયાર થયેલા કાંકરિયા લેકફ્રન્ટમાં એન્ટ્રીફીનો વિરોધ કરતા કહે છે કે લેકફ્રન્ટ જનતાના ટેક્સના પૈસે બન્યો છે તેથી જનતા પર એન્ટ્રીફી લાદી શકાય નહીં. હવે જો આ દલીલે ચાલીએ તો રેલવેથી માંડીને એસટી બસ બધું જ સરકાર જનતાના ટેક્સના પૈસેથી ખરીદે છે. એટલે શું એમાં બેસવાની ટિકીટ નહીં લેવાની જનતાએ? આ તો કેવો તર્ક છે કોંગ્રેસનો?

ખોટા પ્રશ્ને કાગારોળ કરતી કોંગ્રેસ મોઢું ખોલે છે તો દુર્ગંધ આવે છે. કોંગ્રેસનું કામ ભાજપ શાસનનો વિરોધ કરવાનું હોય તો ઠીક છે પણ ગુજરાતના વિકાસના કામોમાં રોડા નાખે તે બરોબર નથી. કાંકરિયા તળાવને ઉકરડાનું, ગંધાતું, જાહેર પેશાબનું, ગલ્લાં ને લારીઓનું, કચરો ફેંકવાનું, લુખ્ખાઓ , ભિખારીઓ, આપઘાત કરનારાઓ, કાનનો મેલ સાફ કરનારાઓ, ચેનચાળા કરતા ચીપ પ્રેમીઓ, બિનવારસી લાશો, ખુદાબક્ષ મસ્તફકીરો, તથા રિક્ષામાં બેસતી કોલગર્લનું સ્થાન બનાવી રાખ્યું હતું કોંગ્રેસના શાસકોએ વર્ષો સુધી. હવે ડેવલપમેન્ટ થયું છે તો કોંગ્રેસીઓએ આ બધી જાન મફતમાં લઈ જવી છે નવા લેકફ્રન્ટ પર.

સરકારે કોંગ્રેસની કાગારોળ વચ્ચે રણ ઉત્સવ કર્યો, અને લેકફ્ર્ન્ટની એન્ટ્રીફી પણ લાગુ કરે.

અક્ષરધામ સંકુલમાં છે તેવી સિક્યોરિટી વ્યવસ્થા પણ લેકફ્રન્ટમાં લાગુ થવી જોઈએ. પાન,બીડી,સિગરેટ બધું જ બહાર મૂકીને જવાનો નિયમ થવો જોઈએ. અંદર કચરો ફેંકનારને દંડની સ્લીપ પકડાવવામાં આવી જોઈએ. આપણી અશિસ્ત માટે જાણીતી પ્રજા શિસ્તના પાઠ શીખવાનું ભલે શરૂ કરે કાંકરિયા લેકફ્રન્ટથી.

વિરોધ માત્ર છાપાઓમાં ને થોડા કોંગ્રેસીઓના નિવેદનોમાં છે. જનતા ઈચ્છે છે એન્ટ્રીફી.
******


મોરારીબાપુ અને રિલાયન્સ:કથા થતી નથી,વ્યથા થાય છે

13-12-08


મોરારી બાપુની જામનગર નજીકના રિલાયન્સના મોટી ખાવડી સ્થિત કેમ્પસમાં વીસમીથી અઠ્યાવીસ ડિસેમ્બરમાં યોજાયેલી રામકથા કેન્સલ થઈ છે. તેમની વેબસાઈટ પર રિલાયન્સની મોટી ખાવડી રામકથા સામે લાલ અક્ષરે ‘કેન્સલ’ લખ્યું છે. મોરારી બાપુ અને રિલાયન્સ વચ્ચે કથા રાખવાનો અને કેન્સલ થવાનો ખેલ આ સતત ત્રીજી વખત થયો છે પહેલી વખત જ્યારે સ્વ.ધીરૂભાઈ અંબાણીના પત્ની કોકિલાબહેન મોરારીબાપુ પાસે કથાનું આમંત્રણ લઈને ગયા હતા ત્યારે ધીરૂભાઈ અંબાણી પેરેલીસીસગ્રસ્ત હતા. કોકિલાબહેને મોરારી બાપુને એવું આમંત્રણ આપ્યું હતું કે બાપુ તમે અમારા ઘરે આવીને ધીરૂભાઈ માટે કથા કરો. અમે પરિવારજનો ત્યાં બેસીશું. કોકિલાબહેનને એમ કે મોરારીબાપુ અમારા પૈસાદાર લોકોના કહ્યામાં આવી જશે અને એક્સ્લુઝીવ કથા કરવ સંમતિ આપી દેશે. પરંતુ મોરારી બાપુએ તો સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ પ્રાઈવેટ કથા કરતા નથી. જ્યાં સામાન્ય માણસને આવવાની છૂટ ન હોય તેવી કથા પોતે નહીં જ કરે. અને બાપુએ કોકિલાબહેનની ઓફર સવિનય અસ્વીકારી હતી.

બીજી વખતે કોકિલાબહેનના આગ્રહભર્યા આમંત્રણને કારણે ૨૦૦૫ના વર્ષની પહેલી જાન્યુઆરીએ રિલાયન્સના મોટી ખાવડી કેમ્પસમાં રામ કથા યોજાઈ હતી. મોરારીબાપુએ આ રામકથા માટે સંમતિ આપી હતી. તારીખ પણ નક્કી થઈ ગઈ હતી અને રિફાઈનરીમાં તૈયારીઓ પણ થવા માંડી હતી પરંતુ ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં સમાચાર આવ્યા કે અહીંની રામકથા પોસ્ટપોન થઈ છે એટલેકે મુલત્વી રહી છે. આ સમય દરમિયાન અંબાણી ભાઈઓની ટસલ સખત તીવ્ર હતી અને માનવામાં આવતું હતું કે બેઉ ભાઈઓ સાથે હાજર રહે એવું ન બનતા અને ઘરમાં જબરજસ્ત ઝઘડા હોવાથી કથા કેન્સલ થઈ હતી.

હવે કોકિલાબહેનના નિમંત્રણથી આ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં રિલાયન્સના મોટી ખાવડી કેમ્પસમાં ફરીથી કથા યોજાઈ હતી. મોરારીબાપુએ પોતાની જૂની ને જાણીતી વાત ચાલુ રાખી હતી કે કથા જન જન માટે છે. કોઈ એક પરિવાર માટે નહીં. પરંતુ મુકેશ અંબાણીએ હમણાં હમણાં એવો આગ્રહ રાખ્યો હતો કે પ્રવર્તમાન સંજોગોમાં રિલાયન્સના કેમ્પસમાં બહારના લોકો આવે તો સલામતિ ખોરવાય. તેથી માત્ર રિલાયન્સના સ્ટાફ અને નિમંત્રિતોને જ કથામાં આવવા દેવા. અને તો જ કથા કરવી. બીજું કે મુકેશકુમાર પાશ્ચાત્ય દેખાવાની બાબતમાં બહુ ઈમેજ કોન્શ્યસ છે. એમને કથા રાખવી વધુ પડતી ભારતીય ચીજ લાગે છે જ્યારે એમણે દેખાવું છે પાશ્ચાત્ય, રેશનલ, ઈંગ્લીશ, અમેરિકન, મોડર્ન. રિલાયન્સ કેમ્પસમાં યંગ પ્રેસિડેન્ટ એસોસીશનની કોન્ફરન્સ કરીને મુંબઈથી હેલિકોપ્ટર મારફતે શાહરૂખ ખાન અને કરણ જૌહરને તેડાવવાનું તેમના માટે વધુ ઈન-ફેશન ઈન-સર્કલ અને ઈમેજને અનુરૂપ છે. મોરારીબાપુની કથા છો કેન્સલ થયા કરે. તો છેવટે મોરારીબાપુ અને રિલાયન્સ પરિવાર વચ્ચે સતત ત્રીજી વખત કથા બાબતે જામ્યું નથી.

હું અમદાવાદમાં એક અતિધનાઢ્ય લત્તામાં રહું છું અને એકેએક ધનાઢ્ય પરિવારમાં કેવા પ્રોબ્લેમ ચાલતા હોય છે ને ચકચકાટ લાંબી ગાડીમાં રેશમી સાડીમાં ફરતા લોકો કેવા દુ:ખી હોય છે એનો સતત સાક્ષી બનતો હોઉં છું. કોકિલાબહેન પાસે દોમ દોમ સાહ્યબી હોય, અઢળક પૈસો હોય પણ પોતાની ઈચ્છા મુજબ મોરારીબાપુની એક કથા પણ રાખવા માટે અક્ષમ હોય તો ફિર ક્યા કહેના!

******


મમ્મી-ડેડી તમારી જનચંપા ક્યાં ફરે છે,શું કરે છે?

11-12-08


ત્રણ ચાર દિવસ પહેલા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા એક સોર્સ મિત્રનો ફોન આવ્યો જેમણે ગરમાગરમ ખબર આપી અને મેં આ ખબરને એક્સ્લુઝીવ સ્ટોરી તરીકે અખબાર માટે લખી પણ દીધી. સ્ટોરી છપાઈ ગઈ ને હોટકેક તરીકે ચાલી ગઈ.

સ્ટોરી એવી હતી કે મણિનગર પૂર્વની એક સોસાયટીમાં લગ્નપ્રસંગ હતો. આખી રાત જમણવારની તૈયારીઓ ચાલી હતી ને લગ્નપ્રસંગમાં આવનારા સાતસો માણસોની રસોઈ બની ગઈ હતી. ભાવનગરથી મૂરતિયાની જાન અમદાવાદ પહોંચી ગઈ હતી. જાનના ઉતારાના સ્થળે છોકરીવાળાઓએ ગાંઠિયાને જલેબી પણ વહેંચી દીધા હતા. પછી જાન મણિનગર પૂર્વની સોસાયટીના સ્થળે આવી ને અહીં ફટાકડા ફૂટ્યા, નાચગાન થયું, વરરાજા પણ ઘોડેથી ઉતરીને થોડું નાચ્યા વગેરે. પણ જ્યાં જાન લગ્નસ્થળે પહોંચી ત્યાં જ જેના લગ્ન થનાર હતા તે છોકરી ઘરની પાછળની દિવાલ કૂદીને ભાગી ગઈ. છોકરીવાળાઓને આની ખબર પડી એટલે તેમને તો ધ્રાસકો પડ્યો. થોડી ઘણી તપાસ જોઈ, રાહ જોઈ પણ અંતે છોકરાવાળાઓને કહી દેવું પડ્યું કે આવું થયું છે. થોડી વાર માટે છોકરાવાળાઓના પક્ષે ભારે ઉચાટ થઈ ગયો પણ પછી માલૂમ પડ્યું કે છોકરીવાળા વાલીઓનો કશો વાંક નથી. છોકરીએ અચાનક જ લીધેલું આ પગલું છે.

ખૈર જાન તો ભાવનગરથી આવી હતી ને લગ્ન વગર જ ભાવનગર પાછી ફરી. ને બીજી તરફ સાતસો માણસોની રસોઈ રેલવે ટ્રેક પર ઢોળી દેવી પડી.

હવે આ ઘટનાનો પાર્ટ ટુ વાંચો

પેલી છોકરી બીકોમ થયા બાદ એમસીએનું ભણતી હતી અને એના માટે સુરેન્દ્રનગર એડમીશન લીધું હતું. છોકરી દરબાર જ્ઞાતિની પરંતુ તેને પ્રેમ થયો સાથે જ ભણતા ભાવનગરના દરજી જ્ઞાતિના યુવક સાથે. જ્ઞાતિફેરને કારણે ઘરેથી ના પડશે એવી બીકે છોકરીએ છેક સુધી ઘરે વાત જ કરી ન હતી. લગ્નટાણે છોકરી તો ઘરેથી ભાગી નીકળી ને ભાવનગર પેલા દરજી યુવક પાસે પહોંચી ગઈ. પરંતુ દરજી યુવક આ જાણીને ગભરાયો. તેણે વકીલની સલાહ લીધી તો વકીલે કહ્યું કે આમાં તો છોકરા સામે અપહરણનો કેસ લાગુ પડી શકે છે. છોકરો અતિવ્યવહારૂ પણ માટીપગો નીકળ્યો. છોકરીએ તો છોકરી થઈને લગ્નટાણે ઘરમાંથી ભાગવાનું સાહસ કર્યું પણ છોકરાએ છોકરીને કહ્યું કે આમાં તો મારા પર કેસ થાય તેમ છે. તું આજની રાત વિકાસગૃહમાં રહી લે કાલની વાત કાલે કરીશું…

તો છોકરી ગઈ વિકાસગૃહમાં એટલેકે ટ્રબલ્ડ સ્ત્રીઓના આશ્રયસ્થાનમાં. છોકરી લગ્નના ઘરેથી ભાગી હોવાથી પોતાના ઘરે તો પાછી ફરી શકે તેમ હતું જ નહીં તેથી.

હવે અહીં ટ્રબલ્ડ સ્ત્રીઓએ છોકરીને સમજાવી કે મા-બાપના ચરણોમાં અને તેઓ કહે તથા કરે એમાં જ સાચું સુખ છે. છોકરીને લાગ્યું કે જે પ્રેમી માટે સાહસ કર્યું એ પ્રેમીની લગ્ન કરવા માટે જીગર ચાલતી નથી અને પોતે ન ઘરની કે ન ઘાટની રહી છે. છોકરીએ તેના પ્રેમીને સંભળાવી દીધું કે બાર કલાક ઘરમાં ન રાખી શક્યો તો આખી જિંદગી શું રાખી શકીશ તું? છોકરીએ મા-બાપનો સંપર્ક સાઘતા તેઓ ભાવનગર આવી પહોંચ્યા. બીજી તરફ છોકરીનો કિસ્સો અમદાવાદ પૂર્વમાં ચર્ચાએ ચડ્યો હોવાથી તેણીને વડોદરા કોઈ સગાને ત્યાં શીફ્ટ કરી દેવાઈ છે.

પાર્ટ ટુ પૂરો થાય છે.

આ સ્ટોરી છપાઈ એ પહેલા અખબારી ભવનમાં પ્રૂફ રીડરથી માંડીને કમ્પોઝર જે પણ તેમની ફરજના ભાગરૂપે આ સ્ટોરી વાંચે એ કહેવા આવતા હતા કે આ સ્ટોરી છપાશે એટલે હોટકેક થઈ જશે. કોઈના જીવનના સહન ના થાય એવા આટાપાટા અમારા માટે સમાચાર બને છે અને આવા સમાચારો હોટકેક બને છે એ મારા પ્રોફેશનની વિટંબણા છે. પણ મોઢા પર દુપટ્ટા ઓઢીને ટુ-વ્હીલર પર બોયફ્રેન્ડ સાથે રખડતી છોકરીઓના જમાનામાં આવા કિસ્સાને સમાજ સામે લાલબત્તી ધરવા છાપામાં પ્રસ્તુત કરવાની અમારી ફરજ પણ બને છે.

થોડા સમય પહેલા અમદાવાદના શીલજમાં એક્સીડન્ટ થયો હતો જેમાં ત્રણ ગ્રામીણોના મોત થયા હતા. આ કાર એક પૈસાદાર ઠક્કર નબીરો ચલાવતો હતો અને તેની સાથે તેની ગર્લફ્રેન્ડ, મિત્ર અને મિત્રની ગર્લફ્રેન્ડ હતા. આ બધા યુવક યુવતીઓને હું કેસના ઈન્વેસ્ટીગેશન પછી સરખેજ પોલીસ સ્ટેશનમાં મળ્યો હતો. પોલીસે છોકરીઓને પત્રકારો સમક્ષ વાત કરવા પ્રસ્તુત કરી ત્યારે છોકરીઓએ મા-બાપ, પોલીસ અને પત્રકારોની હાજરીમાં કહ્યું કે તેઓ તો લોંગરાઈડ પર ગઈ હતી. એનીમીયાથી પીડાતી, પાતળી, ઠીંગણી, મધ્યમવર્ગની, નોકરિયાત પિતાની આ પુત્રીઓ ઘરેથી છુપાવીને લોંગરાઈડ પર ગઈ હતી અને તેમાં આટલો ગંભીર અકસ્માત થયો એ વાત પણ ત્રણ દિવસ સુધી મા-બાપથી છુપાવી હતી ને મ્યુઝીક સાંભળતી હતીને એક્ટીવાનું પુશ બટન દબાવીને ફરવા નીકળતી હતી. પોલીસનો કોલ આવ્યો ત્યારે જ તેમનો ભાંડાફોડ થયો હતો.

એક સમયે મેં ઓઢવ નારીસંરક્ષણ ગૃહની પત્રકારની હૈસિયતથી મુલાકાત લીધી હતી ત્યારે ત્યાં ગુજરાતના જાણીતા અખબારી કાર્ટૂનીસ્ટની છોકરીનો ઈન્ટર્વ્યૂ લીધો હતો. આ છોકરી લાલદરવાજા વિસ્તારની કોલેજમાં ભણતી હતી અને બસમાં આવતા જતા એક મુસ્લિમ છોકરાએ બહુજ બધુ ખોટુ બોલીને તેને પટાવી લીધી હતી. છોકરીએ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા પછી છોકરાએ આગ્રહ રાખ્યો કે બુરખો તો પહેરવાનો જ અને માસ તો બનાવવું જ પડશે. ધીમે ધીમે સંબંધો એવા વણસ્યા કે છોકરીએ કોર્ટના હુકમથી નારી સંરક્ષણ ગૃહમાં દાખલ થવું પડ્યું. છોકરીએ મુસ્લિમ છોકરા સાથેના ઈશ્ક અને શાદીની વાત તેના મા-બાપથી છુપાવી રાખી હતી એ કહેવાની જરૂર ખરી?

મારા પત્રકારત્વની સૌથી યાદગાર સ્ટોરીઓ પૈકીની એક સ્ટોરી એ હતી કે અમદાવાદની એચકે કોલેજમાં એક છોકરી અને છોકરાને પ્રેમ થઈ ગયો. છોકરી અઢાર વર્ષ ઉપરની હતી પણ છોકરો એકવીસ વર્ષનો નહતો થયો તેથી કાયદેસર લગ્ન ન કરી શકે. છોકરી તેની વિધવા માની એકની એક દીકરી હતી અને વિધવા મા છોકરીને અન્યત્ર પરણાવવાની તજવીજમાં હતી ત્યારે જ છોકરી ભાગી નીકળી. પણ છોકરીનો દુલ્હો તો પુખ્ત ન હતો એટલે કામકાજ ગેરકાયદે ઠરે અને પોલીસ કેસ પણ થાય. આના ઉપાય તરીકે છોકરીએ પેલા છોકરાના સગા મોટા ભાઈ સાથે કોર્ટ મેરેજ કરી લીધા કે જેથી તેના નાના ભાઈ સાથે ઘરમાં રહી શકાય. નાનો ભાઈ પુખ્ત થતા જ છોકરી અને મોટોભાઈ છૂટાછેડા લઈ લે એવું નક્કી થયું હતું. મારા માટે છોકરી, મોટો ભાઈ અને નાના ભાઈના ઈન્ટરવ્યૂ કરવાનું ભારે અટપટું હતું. આ સ્ટોરી પહેલે પાને છપાઈ હતી અને પછી તો જમાલપુરની ચાલીમાં કે જ્યાં છોકરી પરણીને આવી હતી ત્યાં ટીવી ચેનલોની ઓબી વાનોના ધાડા ઉમટી પડ્યા હતા. આમાં મૂળ વાત એ છે કે છોકરીની અસારવામાં રહેતી વિધવા માતાને આખું ઓપરેશન પત્યું ત્યાં સુધી છોકરીની પ્રેમકથા વિશે કશું માલૂમ પડ્યું ન હતું.

અને પાછલા વર્ષે જ મેં પાટણની પીટીસી કોલેજની વિદ્યાર્થીની કે જેના પર કોલેજના માસ્તરોએ મહિનાઓ સુધી વારાફરથી હાથ અજમાવ્યો હતો તેના પિતાની મુલાકાત લીધી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છોકરી દાખલ હતી ને પિતા દારૂ પીને આવ્યા હતા. પિતાનું કહેવું હતું કે દીકરીએ ઘરે કશી વાત કરી જ નહીં. ઉલ્લેખનીય છે કે આ છોકરીએ અદ્યાપકો સાથેની પોતાના સેક્સ સંબંધોની વાત કોઈને કરી ન હતી. એક દિવસ પ્રેગ્નેન્ટ બનીને તેને ચક્કર આવ્યા ને કોલેજની પ્રાર્થનામાં ઢળી પડી ત્યારે જ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

આજકાલ મોટાભાગના લેથાર્જીક લીબરલ્સ મા-બાપોને માલૂમ નથી હોતું કે તેમની જનચંપા ક્યાં ફરે છે ને શું કરે છે.પછી એમને સરપ્રાઈઝ મળે છે અને અમને ન્યૂઝ.

******


સોનાની પથારી પર કોણ સૂવા પામ્યું?

10-12-08


“બોલો આખા ગુજરાતમાં કોઈ ઉંઘતું હશે સોનાની પથારી પર? અમે સૂઈએ છીએ.”

ઉત્તર ગુજરાતના મહુડીથી પાંચ કિલોમીટર દૂર આવેલા કણભા ગામના કનૈયાલાલ મેવાડા ઉર્ફે કનુભાઈ મિસ્ત્રીનું કહેવું છે આમ.

તેઓ ખરેખર સોનાની પથારી પર એક-બે નહીં પણ પચાસથી સાહીઠ રાતો ઉંઘી જવાનું ભાગ્ય પ્રાપ્ત કરી શક્યા છે. દ્વારકાધીશનું સોનાનું સિંહાસન બનાવવાનું કામ તેમના ઘરે ચાલી રહ્યું હોવાથી તેમના ઘરે લાખો રૂપિયાનું સોનાનું પતરું પડેલું છે જેના પર તેઓ અને તેઓનું પરિવાર સુરક્ષા માટે પથારી કરીને રાત્રે ઉંઘી જાય છે.

કનુભાઈ પેઢી દર પેઢી ગત રીતે મંદિરોના બાંધકામના કાર્ય સાથે સંકળાયેલા છે. તેમના દાદાના મામાએ અમદાવાદના કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર ઉપરાંત ગઢડાનું મંદિર વગેરે મંદિરો બાંધ્યા હતા. અમદાવાદનું કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર તો વિશ્વમાં જેટલા પણ સ્વામિનારાયણ મંદિરો છે તેમાંનું સૌથી પહેલું મંદિર છે જે સહજાનંદ સ્વામીએ બાંધ્યું હતું. પછી કનુભાઈના દાદા મંદિરના નિર્માણના કામકાજમાં જોડાયા અને હવે તો કનુભાઈ, તેમનો ફાઈન આર્ટસમાં ભણેલો દીકરો જીગ્નેશ તથા તેનો પણ ત્રણ વર્ષનો દીકરો પાર્થિવ બધા આ કાર્યમાં જોડાયા છે.

બે મહિના પહેલા દ્વારકાના ટેમ્પલ બોર્ડે ભગવાના દ્વારકાધીશનું સિંહાસન સોનાનું બનાવડાવવાનું નક્કી કર્યું. ઉત્તર ગુજરાતના કાંકરેજના ભાજપી ધારાસભ્ય બાબુભાઈ રબારીએ આ માટે એક કરોડ રૂપિયા આપવાનું જાહેર કર્યું. આ સાથે જ આનો ઓર્ડર અગાઉ શંકરાચાર્યની ગાદી પણ બનાવી ચૂકેલા કનુભાઈ મિસ્ત્રીને મળ્યું. તે દિવસ અને આજની ઘડી, કનુભાઈના ઘરે રાત-દિવસ સિંહાસન બનાવવાનું કાર્ય ધમધોકાર ચાલે છે. બારમી તારીખની પૂનમે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ સિંહાસનની અર્પણવિધિ થવાની છે એટલે સિંહાસન આપ આ વાંચશો ત્યારે તો તૈયાર થઈ ગયું હશે અને ભારે સુરક્ષા સાથે કણભા ગામથી દ્વારકા જવા રવાના પણ થઈ ગયું હશે.

વાત ફરી પેલી સોનાની પથારી પર લાવી દઉં તો મંગળવારે હું મારા સાથી ફોટોગ્રાફરની સાથે કણભાની મુલાકાતે ગયો ત્યારે વાતચીતમાં કનુભાઈએ કહ્યું કે એક કરોડનું સિંહાસન ક્યાં બનવાનું છે એ છેક સુધી ગુપ્ત રાખવાનું હતું કારણકે આ કણભાની આસપાસ નર્યો વગડો છે અને આટલી મોટી રકમનું કામ થવાનું હોય તો સોનું લૂંટવાના આશયથી લૂંટારાઓ ત્રાટકી શકે. પરંતુ પાછલા રવિવારથી એ જાહેર થઈ ગયું છે કે આ કામ કણભામાં ચાલે છે. એટલે હવે અમે બહુ જ સાવધ રહીએ છીએ. કનુભાઈએ મને તેમની બેગમાં રખાતી રિવોલ્વર બતાવી અને તેને ખોલીને અંદર લોડેડ કારતૂસ પણ બતાવ્યા. તેમણે કહ્યું કે સોનાની રખેવાળી માટે આ લાયસન્સ રિવોલ્વર રાખી છે. ઉપરાંત તેમના ઘરના કમ્પાઉન્ડમાં એક ડાઘિયો કૂતરો પણ રાખ્યો છે. કનુભાઈ જ્યારે તેમના ઘરેથી અમને તેમનું થોડે દૂર આવેલું વર્કશોપ જોવા લઈ ગયા ત્યારે આ કૂતરાની નજીકથી પણ પસાર થતા અમને બીક છૂટી ગઈ. કારણકે ભલે કૂતરો બાંધેલો હતો પણ એવી હાલતમાં પણ અમારી સામે ડેન્જરસ રીતે ઘૂરકિયા કરતો હતો અને ત્રાટકવા તૈયાર થતો હતો. કનુભાઈએ કહ્યું કે આ કૂતરો રાત્રે ઘરમાં છુટ્ટૉ મૂકી દઈએ છીએ અને તે ભારે ખૂંખાર છે.

કનુભાઈને હવે ઉત્તર ગુજરાતના ઉંઝા સ્થિત ઉમિયા માતાના મંદિરના ચાંદીના દરવાજાનું નિર્માણકાર્ય પણ મળ્યું છે. આવતા ઓગષ્ટ સુધીમાં તેમણે આ કામ પૂરું કરવાનું છે. આ કામમાં બેથી અઢી કરોડનો ખર્ચો થવાનો છે. પુષ્કળ કિંમતની ચાંદી વપરાવાની છે. કનુભાઈ કહે છે કે સુરક્ષાના કારણોસર તેઓ ચાંદીનું સઘળું કામ ઉમિયામાતાના મંદિરે જઈને જ પૂરું કરશે. એ પહેલા થતું લાકડાનું કામ પોતાના વર્કશોપમાં જ આટોપશે.

કનુભાઈ અને તેમના પરિવારે ન્યૂઝીલેન્ડમાં, બ્રિટન, દુબઈ, અમેરિકામાં વગેરે અનેક સ્થળે મંદિર નિર્માણના શાસ્ત્રીય કામો કરેલા છે. તેઓ કહે છે કે હિંદુ મંદિર બનાવતી વખતે બરાબર ધ્યાન રાખવું પડે કે તેમાં ક્યાંય ગ્રીક,રોમન,ઈસ્લામ જેવા અન્ય આર્કિટેક્ચર કે ડિઝાઈન એલીમેન્ટનું મિશ્રણ ન થઈ જાય. નાનકડી ડિઝાઈન પણ આમથી તેમ થઈ જાય તો હિંદુના બદલે રોમન થઈ જાય.

દ્વારકામાં આ બારમી તારીખની પૂનમે પ્રસ્થાપિત થનારા સોનાના સિંહાસન અંગે તેમનું કહેવું છે કે તે એટલું ટકાઉ બનાવ્યું છે કે સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી આ સિંહાસન ટકી રહેશે. સિંહાસનમાં સીસમના લાકડાનો ઉપયોગ થયેલો છે. સીસમના લાકડાની વિશેષતા એ છે કે તે એટલું કઠણ હોય છે કે ઉધઈ પણ તેને કોરી ખાઈ શકતી નથી. સીસમના લાકડા પર ચાંદી અને સોનાના પતરા લગાવ્યા છે. એમની વચ્ચે હવાનો ગાળો રાખીને કામ કરવામાં આવે છે કે જેથી પતરું ક્યારેય પણ ફાટે નહીં. સિંહાસનમાં પાંચ કિલો જેટલી ખીલીઓ વપરાઈ છે તે પણ ચાંદીની છે અને તેના ટોપકા સોનાના છે. સિહાસનના ચાલીસ જેટલા અલગ અલગ પૂર્જા ધોવા માટે અરીઠા વપરાય છે. કનુભાઈ કહે છે કે કેમીકલથી સોનુ પાંચ જ મિનીટથી ધોવાઈ જાય પરંતુ તે ટકાઉ પદ્ધતિ નથી અને કેટલુંક સોનું ગાયબ થઈ શકે છે. જ્યારે અરીઠાથી ધોતા સોનું કુદરતી અને ટકાઉ ચળકાટ પામે છે અને એક અંશ પણ ઓછો થતો નથી. સિંહાસનના દરેક પૂર્જા સંપૂર્ણ તૈયાર થઈ જતા તેમના પર સ્પ્રેથી લેમીનેશન કરાશે જેના કારણે સોનાને બાહરી વાતાવરણની કોઈ અસર નહીં થાય.

સિંહાસન પર ગોપીઓની પૂતળીઓ,ગાયો,હાથી,મોર,ગણેશજી ઉપરાંત સૂર્ય અને ચંદ્ર પણ અંકિત કરાયા છે. જોકે અર્ધચંદ્રાકાર ચંદ્ર પર હરણ બતાવાયું છે. આ શાસ્ત્રીય પદ્ધતિ છે. આ ચંદ્ર પર પ્રત્યેક મંદિરમાં હરણ કેમ અંકિત હોય છે એનું શાસ્ત્રીય લોજીક કનુભાઈને માલૂમ ન હતું.

દ્વારકાધીશના મંદિરમાં હવે સદીઓ સુધી સોનાનું સિંહાસન મુખ્ય ગર્બગૃહની મૂર્તિ માટે બિરાજમાન રહેશે. આ સિંહાસનના મેકિંગના સાક્ષી બનતા અને એકાદી ખીલી જાતે પણ ઠોકતા આનંદ આવ્યો.જય દ્વારકાશીશ.
WATCH related video on DeshGujarat
***


ચૂંટણી પરિણામો બહુ અપચો થાય એવા નથી

09-12-08


દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શીલા દિક્ષીતના નેતૃત્વમાં લડેલી કોંગ્રેસનો જબરજસ્ત વિજય થયો છે.શીલા આન્ટીને દિલ્હીના લોકો પ્રીટી પોલીટીશ્યન તરીકે ઓળખે છે. દિલ્હીમાં શીલા સોનિયા કરતા વધુ લોકપ્રિય ગણાય છે. શીલા શાસનમાં પરિપૂર્ણ થયેલી દિલ્હી મેટ્રો ટ્રેન યોજના સફળ થઈ છે. તો બીઆરટીએસ યોજના નિષ્ફળ ગઈ છે. જો કે જાણકારો કહે છે કે બીઆરટીએસથી તકલીફ માત્ર કારવાળાઓને પડી છે. કારણકે બીઆરટીએસને કારણે રસ્તા સાંકડા થવાથી થતા ટ્રાફીક જામમાં તેમણે ફસાવું પડે છે. પરંતુ સામા પક્ષે સાઈકલવાળાઓ ને બસમાં સફર કરનારાઓને બીઆરટીએસથી રાહત પણ વર્તાઈ છે. અને વોટ આપવાવાળા વધારે તો આ જ સાઈકલવાળા ને બસમાં સફર કરનારાઓ છે.

દાંડી યાત્રાના પંચોતેર વર્ષ નિમિત્તે ગુજરાતમાં દાંડી યાત્રાના અસલ રૂટ પર જ કોંગ્રેસ દ્વારા દાંડીયાત્રા આયોજિત થઈ હતી તેમાં ગુજરાતના ગામડા ખૂંદવા માટે એક હિસ્સામાં મેં પણ ભાગ લીધો હતો અને મધ્ય ગુજરાતના મહીસાગર નદીના વિશાળ પટને ઓળંગતી વખતે શીલા દીક્ષીત સાથે લાંબો વાર્તાલાપ થઈ શક્યો હતો(જુઓ ઉપરનો ફોટો જેમાં લીલા ખાદીના શર્ટ અને લેંઘામાં હું છું). મને આ લેડી ફ્રેન્ક,પીન્ક અને પ્રીટી દાદીમા જેવી લાગી હતી. દિલ્હીવાળાઓને પણ એમ જ લાગતું હશે.

અફઝલને ફાંસીનો નિર્ણય દિલ્હીના ગૃહ મંત્રાલયમાં અટકેલો રહ્યો, ક્રાઈમ અને અકસ્માતોમાં દિલ્હીનું નામ સતત ગાજતું રહ્યું એ બધું આ પ્રીટી પોલીટીશ્યનના રાજમાં જ થયું. પણ લોકોએ આ બધી વાતો નજરઅંદાજ કરીને મતદાન કર્યું હોય તેમ લાગે છે.

બીજી તરફ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ઘમંડી અને ઉદ્ધત વર્તન પળે પળે જેની બોડી લેંગ્વેજ, વર્તન અને વાણીમાંથી છલકે છે તેવા વસુંધરારાજેનો પરાજય થયો છે. જમણેરી વિચારધારાના ટેકેદારો પણ માને છે કે આ ઘમંડી અને અણઆવડતવાળી મહિલા કરતા તો અશોક ગહેલોત સારા. વસુંધરારાજેનું રાજસ્થાનની ગરીબ અને ગ્રામીણ જનતા જોડે કોઈ કનેક્શન જ ન સર્જાય એટલો સામંતશાહી તેમનો સ્વભાવ. આવડત, કુનેહ વગેરે વાતો છોડો. હંમેશા મળવા આવનારને નીચો માનવાનો, ગરીબને ભિખારી સમજવાનો, ગ્રામીણને મૂર્ખ સમજવાનો, ભ્રષ્ટાચારને છાવરવાનો અને ચૂંટણીને ગંભીરતાથી ન લેવાનો વસુંધરારાજેનો સ્વભાવ તેમને નડી ગયો. ભાજપે રાજસ્થાનમાં કોઈ મોદી કે શિવરાજને શોધી લીધો હોત અને વસુંધરાને હટાવીને રાજસ્થાનની ધુરા સોંપી હોત તો રાજસ્થાનનું પરિણામ જુદું હોઈ શકતું હતું.

રાણી વસુંધરારાજે સિંધિયાનું રાજકિય ગોત્ર ભાજપના એક સમયના દિગ્ગજ મહિલા રાજનેતા રાજમાતા વિજયરાજે સિંધિયાના મૂળનું છે. એક સમયે રાજમાતા વિજયરાજે સિંધિયાનું ભાજપમાં અડવાણી અને વાજપાઈની બરાબરીનું સ્થાન હતું(મને યાદ છે કે રાજમાતા સિંધિયા અમદાવાદ આવતા હતા ત્યારે તેમને અડવાણી અને વાજપાયીની કક્ષાની ટ્રીટમેન્ટ મળતી હતી. એકાદ બે પ્રસંગે હું પણ મારા નાનાજી કે જે મેયર હતા તેમની સાથે રાજમાતાને લેવા એરપોર્ટ ગયો હતો અને એક બાળક તરીકે તેમના ખોળામાં બેસવાનું પણ મળ્યું હતું)રાજમાતા જીવતા હોત તો ડો.અબ્દુલ કલામ નહીં પણ રાજમાતા વિજયરાજે સિંધિયા ભારતના રાષ્ટ્રપ્રમુખ હોત. ભાજપની એ યોજના હતી.

રાજમાતા વિજયરાજેનું રૂણ તેમની વારસદાર વસુંધરારાજેને પ્રમોટ કર્યા કરીને હવે ભાજપ ક્યાં સુધી ચૂકવશે? વસુંધરારાજેના સ્વભાવને કારણે, અણઆવડત અને ભ્રષ્ટાચારને છાવરવાની નીતિને કારણે ભાજપે શું કામ હવે વધુ સહન કરવું જોઈએ? તેમનું ફળિયાવાળા રાજસ્થાની વ્યક્તિ સાથે કોઈ કનેક્શન જ નથી. બધું કાર ટુ સ્ટેજ-સ્ટેજ ટુ ઓફિસ-ઓફિસ ટુ પેલેસ જેવું છે. શું રાજસ્થાનમાં ભાજપના વસુંધરાથી વિરાટ કે પેરેલલ કક્ષાના કોઈ નેતા ડેવલપ કરીને ઝડપથી બજારમાં મૂકવાનો સમય નથી આવી ગયો? જેમ દિલ્હીની જીત એ શીલા દિક્ષીતની જીત છે અને કોંગ્રેસની નહીં એમ ભાજપ કહે છે તેમ ભાજપ ભલે જાહેરમાં ન કહે પણ અંદરખાને તો સમજે છે ને કે રાજસ્થાનની હાર એ રાણી સિંધિયાની હાર છે ને ભાજપની નહીં?

પાછો પેલી દાંડી યાત્રા પર આવું તો તેમાં રાહુલ ગાંધીની સાથે આવેલા અશોક ગહેલોતને પણ મળવાનું થયેલું. રાહુલ ગાંધી કોઈ શેઠ હોય ને તેમની સાથે મુનીમ તરીકે આવ્યા હોય તેવા લાગતા હતા અશોક ગહેલોત. અશોક ગહેલોતને નિરાંતે નિયમિત મળનારા મારા એક પરિચિતનુ કહેવું છે કે ગહેલોત વન ટુ વન મીટમાં મળવા ગમે એવા જમીન પરના અને સુંદર સ્વભાવના માણસ છે. નિશંક રીતે વન ટુ વન કમ્યુનિકેશનમાં અશોકજી વસુંધરા કરતા બસો ટકા ચડી જાય એવા માણસ છે. અને માઈન્ડ ધેટ કે આજનું રાજકારણ ઘણું ખરું કોમ્યુનિકેશનના રૂટ પર જીતાય છે ને હરાય છે.

ઉમા ભારતીની હાર આ વિધાનસભા ચૂંટણીની એક મહત્વની ઉપલબ્ધિ છે. બહુ બોલ્યા કરવું, ખોટું બોલ્યા કરવું, અંગત ગણા અણગમા ન્યાન અન્યાય આનંદ અને રંજિશને દેશની રાજનીતિના પટલ પર લાવીને સ્ટન્ટ કર્યા કરવા એ આ માનસિક રીતે અનસ્ટેબલ સ્ત્રીના અપલક્ષણ હતા. જનતાએ તેને સારી પેઠે ઘર બતાવી દીધું. જો કે ઉમા એવી નિર્લજ્જ વ્યક્તિ છે કે હજુ બરાડ્યા કરશે. મિડિયા ગજવ્યા કરશે. સ્ટન્ટ કર્યા કરશે. બલકે હવે તો વધુ કરશે.

છત્તીસગઢની ભાજપની જીત અદભૂત છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ખ્રિસ્તિ છે અને છત્તીસગઢમાં કોંગ્રેસ જીતી હોત તો વધુ એક ખ્રિસ્તિ મુખ્યમંત્રી અજીત જોગી ભૂમિના લલાટે લખાયા હોત. આ ગરીબ પ્રદેશમાં ખ્રિસ્તિ ધર્માંતરણને રાજ્યાશ્રય મળી ગયો હોત. આવામાં રમણસિંઘની અને ભાજપની જીતથીય વધુ અજીત જોગીની હારનું આપણા માટે વિશેષ મહત્વ છે.આપને કહી દઉં કે સોનિયાએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે વાયએસઆર રેડ્ડીની પસંદગી કરી એ ખ્રિસ્તિ છે. સોનિયાના ખાસમખાસ અંબિકા સોની કે જે ભારતના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી છે એ ખ્રિસ્તિ છે, આદિવાસીઓનું ભારતમાં ધૂમ ખ્રિસ્તિકરણ થઈ રહ્યું છે ત્યારે ભારતના આદિવાસી કલ્યાણ મંત્રી ખ્રિસ્તિ છે. ભારતના સંરક્ષણ પ્રધાન એકે એન્ટની પણ ખ્રિસ્તિ છે. ભારતના લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર ઓસ્કર ફર્નાન્ડીસ ખ્રિસ્તિ છે.કહેવા પૂરતું તો બે ટકાથી પણ ઓછું પોપ્યુલેશન પણ ખ્રિસ્તિઓનો આ છે દબદબો અને વટલાવકાર્ય છે જોરમાં. એવામાં રમણસિંઘનો વિજય માથા પર ચડાવવાનો. આ નેતાએ એટલું મજબૂત થવું રહ્યું કે આવનારી વીસ ચૂંટણીઓ ભાજપ હારે નહીં.

મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણનો જ્વલંત વિજય કાબિલે દાદ છે. ખુલ્લંખુલ્લો હિંદુ-વિરોધી અને હિંદુ આતંકવાદી શબ્દનો જનક એવો નવરો બેકાર કોંગ્રેસી દિગ્વિજયસિંઘ મુખ્યમંત્રી બન્યો હોત તો ભારે આફત ઉભી થાત. નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની ચૂંટણી સભામાં વારંવાર કહ્યું હતું કે ગુજરાતમાં વિકાસ એટલા માટે થયો છે કારણકે ભાજપને લોકોએ ત્યાં વારંવાર જીતાડ્યું છે. મધ્યપ્રદેશમાં પણ વારંવાર જીતાડો ભાજપને તો જ વિકાસ કાર્યો કન્ટીન્યુ રહી શકશે ને તેના ફળ જોવા મળશે. કોંગ્રેસે એટલું બધું કામ બાકી છોડ્યું છે કે ખાડા પૂરતા પૂરતા વર્ષો જાય…

દિલ્હીમાં વીકે મલહોત્રાના નેતૃત્વમાં ભાજપ થોડી શાન રહી જાય એ રીતે પાતળા તફાવતથી હાર્યું હોત કે ભાજપ જીત્યું હોત તો આનંદ થાત. અન્યથા ચૂંટણીના પરિણામો સહેલાઈથી પચી જાય એવા છે.

(ચોખવટ:મેં ચૂંટણી પરિણામોનું અહીં કોઈ વિશ્લેષણ નથી કર્યું. મેં તો માત્ર ચૂંટણી પરિણામોની મારા મન પર જે ઈમ્પ્રેશન છે એની ફર્સ્ટ હેન્ડ વાત લખી છે.)
***


મેં અનુભવેલું સૌથી ભંગાર કોન્વોકેશન સંબોધન

07-12-08


અમદાવાદ સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન(એનઆઈડી)ના ૨૯માં પદવીદાન સમારંભમાં મોટાભાગના પત્રકારો કુમાર મંગલમ બિરલા આવવાના હોવાથી તેમને સાંભળીને કશુંક લખવા ગયા હતા અને મોટાભાગના ફોટોગ્રાફરો એનઆઈડીનું ગ્લેમર એટલેકે સુંદર છોકરીઓની તસવીર ખેંચવા ગયા હતા. ફોટોગ્રાફરોને તો મોજ પડી કે જે દર વર્ષે પડે છે પરંતુ પત્રકારો તો પદવીદાન સમારંભમાં પહોંચ્યા ત્યારેજ માલૂમ પડ્યું કે કુમારમંગલમ બિરલા સમારંભમાં ઉપસ્થિત રહી શકે તેમ નથી અને તેથી તેઓ માત્ર વિડિયો સીડી પર જ તેમનું રેકોર્ડ થયેલું વક્તવ્ય આપશે.

ચાલો રેકોર્ડેડ વિડિયોનું જ પ્રવચન જોઈ લઈશું એવી અમે ધરપરત લીધી પરંતુ જ્યારે બિરલાનું રેકોર્ડેડ ભાષણ પૂરું થયું ત્યારે કેમ્પસમાં માત્ર પત્રકારો જ નહીં પરંતુ કેટલાક ફેકલ્ટીએ પણ કહ્યું કે આટલું ભંગાર અને લો ક્વોલિટી કોન્વોકેશન એડ્રેસ ક્યારેય તેમણે જોયું નથી. બિરલાએ તેમના રેકોર્ડેડ વક્તવ્યમાં વચ્ચે વચ્ચે તેમની મોબાઈલ કંપની આઈડિયાની અભિષેક બચ્ચનવાળી અને બીજી લાઉડ એડવર્ટાઈઝ ઘૂસાડી દીધી હતી. એમ કહીને કે જુઓ અમારી એડવર્ટાઈઝની ડિઝાઈન. પછી બિરલાએ કહ્યું કે ડિઝાઈન પર્યાવરણ માટે ઉપયોગી નીવડી શકે છે. જુઓ અમારો એબીજી સિમેન્ટ પ્લાન્ટ અમે કેવો બનાવ્યો છે. અને પછી પર્યાવરણ ફ્રેન્ડલી ડિઝાઈનના નામે બિરલાએ તેમના એબીજી પ્લાન્ટની ડોક્યુમેન્ટરી બતાવી દીધી. અગાઉ બીરલાએ કહ્યું કે અમે અમારી કંપનીનો લોગો ડિઝાઈન કર્યો એનો અમને લાભ મળ્યો અને આ બોલ્યા પછી તેમણે બતાવી દીધી આદિત્ય બિરલા ગ્રુપના લોગોની વિડિયો. બિરલાએ માત્ર પોતાની કંપનીની જ વાતો કર્યા કરી. બાપરે અમે તો કંટાળી ગયા. કેટલાક એનઆઈડી સ્ટુડન્ટ બિરલાની સ્પીચની ખીલ્લી ઉડાડવા તેની ડોક્યુમેન્ટરીની ક્લીપ પછી ચીચીયારીઓ પાડીને તાલીઓ પાડતા હતા.

ડિસઅપોઈન્ટીંગ મીસ્ટર બિરલા. તમારું કોન્વોકેશન એડ્રેસ તમારી કંપનીના પ્રેઝન્ટેશન જેવું હતું. તમારી આઈડિયાની એડવર્ટાઈઝ લાઉડ અને બેડ આઈડિયાવાળી હતી અને તમારી સ્પીચ મોટીવેશનલ અને ઝુઝારુ નહીં પણ બોર કરી દે તેવી અને હતાશ કરી મૂકે તેવી હતી.જેમણે તમારી સ્પીચ લખી હોય ને વિડિયોમાં એડવર્ટાઈઝ, ડોક્યુમેન્ટરી વગેરે જોડવાનો કિમિયો કર્યો હોય એને કાઢી મૂકો નોકરીમાંથી. કોન્વોકેશનમાં જેટલા પણ લોકો હાજર હતા એમનામાં તમારી આબરૂ ધોવાઈ ગઈ છે.
***
Click here for October+November 2008’s articles
ઓક્ટોબર,નવેમ્બર 2008ના લેખો પર પહોંચો

Click here for August+September 2008’s articles
ઓગસ્ટ,સપ્ટેમ્બર ૨૦૦૮ના લેખો પર પહોંચો

Click here for April+May+June+July 2008’s articles
એપ્રિલ+મે+જુન+July ૨૦૦૮ના લેખો પર પહોંચો

Click here for January+February+March 2008’s articles
જાન્યુઆરી+ફેબ્રુઆરી+માર્ચ ૨૦૦૮ના લેખો પર પહોંચો

Click here for December 2007’s articles
ડિસેમ્બર ૨૦૦૭ના લેખો પર પહોંચો


Click here for November 2007’s articles
નવેમ્બર ૨૦૦૭ મહિનાના લેખો પર પહોંચો


Click here for October 2007’s articles
ઓક્ટોબર ૨૦૦૭ મહિનાના લેખો પર પહોંચો

(required)
(required)
(required)

 

Comments are closed.


Recipe


Religious


Music


Video


Audio


Text


Gujarati

About Desh Gujarat | Contact Us | | Home | Gujarat Money | Twitter updates
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World