સમાચારીયો જાન્યુઆરી – અહીંનું તહીંનું ને મનનું
સમાચારીયો જાન્યુઆરી – અહીંનું તહીંનું ને મનનું
જપન પાઠક દ્વારા
૧ ફેબ્રુઆરી, ૨૦૧૦

જાન્યુઆરી – ૨૦૧૦ ગઈકાલ સુધી વર્તમાન કાળમાં હતો હવે ભૂતકાળ બની ગયો. આજે અમસ્તાજ જાન્યુઆરીમાં શું શું કર્યું એના લેખાજોખા કર્યા તો અહેસાસ થયો કે આ તો મારે માટે ભારે સમાચારીયો અને એક્ટીવીટીયો મહિનો રહ્યો. કલમેથી પ્રગટીને દેશગુજરાત પર અને ગુજરાત સમાચારમાં સ્થાન પામતા દરેક સમાચારની અને તેની પશ્ચાદની વાત તો કરવી અશક્ય છે પણ ત્વરિત સૂઝી આવતા જાન્યુઆરીની સફરના કેટલાક અંશ:
… ખેતર
રાત્રે સાડા દસ વાગ્યે મારી પાસે બે વિકલ્પ હતા. આવતીકાલે અમિતાભ બચ્ચન આવી રહ્યો છે તેના કવરેજમાં જવું અથવા તો સાણંદ પંથકના ગામડાઓમાં ચાલી રહેલા શાંત જમીન આંદોલનનું રિપોર્ટીંગ કરવા જવું. બચ્ચનના અસાઈન્મેન્ટમાં ઈન્ટર્વ્યૂ લેવાની તક પણ ગર્ભસ્થ હતી. દલાઈલામા અને બીલ ક્લીન્ટન પછી આ ત્રીજી હાઈટવાળી(ઉંચી) શખ્સિયતને મળવાની લાલચ પણ થઈ આવી. પણ સાણંદના ખેડૂતોનું રિપોર્ટીંગ વધારે કસવાળું જણાયું અને મારી અને ફોટોગ્રાફરની ગાડી બીજા દિવસે સાણંદ પંથકે ઉપડી. કંઈક સોએક જેટલા ફળિયાવાળા ખેડૂતો સાથે વાત થઈ હશે. અંતરિયાળ ગામોની ચોખ્ખી ચણાક સ્કૂલો જોઈને હર્ષ થયો. અને નાની નાની સ્કૂલોમાં શિક્ષકોનો તથા આચાર્ય સુદ્ધાનો યુવાન સ્ટાફ જોઈને આશ્ચર્ય થયું. ચરલ ગામની સ્કૂલના આચાર્યના ટેબલ પર સાયન્સ મેગેઝીન સફારી પડ્યું હતું એ જોઈને અહોભાવ થયો. આચાર્યએ કહ્યું કે શિક્ષણ વિભાગ તરફથી આ મેગેઝિન દરેક સ્કૂલમાં મફત મોકલવામાં આવે છે. મને જાહેરખબર વિનાના આ મેગેઝીનનું અર્થતંત્ર સમજાયું. ગોકળપરાની સ્કૂલમાં પીવીસીના ઓરડા જોયા. સ્કૂલના આચાર્યનું કહેવું હતું કે ભૂકંપ પછી આવા ભૂકંપ-પ્રૂફ ઓરડા બનાવાયા હતા. પણ આ ઓરડા ગરમીમાં વાપરી શકાતા નથી કારણકે અંદર શેકાઈ જવાય છે. હીરાપુરની શાળામાંથી જાણ્યું કે આ વિસ્તારમાં ગામોની સ્કૂલો વચ્ચે શ્રેષ્ઠતાની સ્પર્ધા હંમેશા ચાલતી રહે છે. ચરલની સ્કૂલને દાતા મળી ગયા તો હમણાં મોંધામાં મોંધો રંગ કરાવ્યો છે. હવે બીજા ગામોની સ્કૂલો પણ દાતા શોધે છે. બચ્ચનનું એસાઈન્ટમેન્ટ નકારીને સાણંદ જવાનું કારણ એ હતું કે અહીંના ખેડૂતોની લડત ન્યાયી છે. એમના હરિયાળા ખેતરો પર રાજ્ય સરકારે ઔદ્યોગિક વસાહત બનાવવી છે. ખેતરો લઈ લેવા છે, ખેડૂતોએ નથી આપવા તોય. આ ગામોમાં મેં જાણ્યું કે નજીકના નેનો પ્લાન્ટમાં અહીંના એક પણ વ્યક્તિને નોકરી મળી નથી. ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીઝ આવી છે પણ લોકલ લીન્કેજીસના પ્રશ્ન છે જ. સ્થાનિક લોકોને ફરજિયાત રોજગાર આપવાના કાયદાનું ઈન્ડસ્ટ્રી પાલન કરતી નથી. નેનોના કિસ્સામાં તો સરકારે લેખિતમાં આ મામલે છૂટ જ આપી દીધી છે.અમદાવાદની નજીકમાં આટલી મોટી જમીન આપીને સરકારે સ્થાનિક રોજગારી ફરજિયાતના કાયદામાં છૂટ આપીને ગુજરાતની પ્રજાની ગદ્દારી જ કરી છે. ચરલના સરપંચ પાસેથી જાણ્યું કે રાત પડે એટલે મેઘમણીની કેમીકલ ફેક્ટરીમાંથી એવી ગંધ ને ધુમાડા છૂટે છે કે વાત ન પૂછો. મેઘમણીનું પોલ્યુશન મેં પણ ભૂતકાળમાં સુરેન્દ્રનગર અપડાઉન કરવાના કાળમાં જોયું છે. મને સાણંદના ખેડૂતોની એ વાત ગમી કે તેમણે પોતાના ખેતર આંદોલનની દોર પોતાની પાસે જ રાખી. કોંગ્રેસીઓ આવ્યા, લેફ્ટીસ્ટો આવ્યા, એનજીઓવાળા આવી ગયા, પણ ખેડૂતોએ આંદોલન બિનરાજકીય રાખ્યું, કોઈને નેતૃત્વ સોંપ્યું નહીં. ખેડૂતોએ સ્કૂલોના બહિષ્કારના અને પોલિયો રસીકરણના બહિષ્કારના જે નવતર અને વિવાદી પગલા લઈને આંદોલન કર્યું એ મને બહુજ ન્યૂઝી લાગ્યું એટલે હું ત્યાં પહોચી ગયો. અને ફેરો ફોગટ ન ગયો. કલેક્ટરે ખેડૂતો પાસે પહોંચીને તેમને ખાતરી આપી છે કે એક ડગલું જમીન પણ ખેડૂતોની ઈચ્છા વિરૂદ્ધ હસ્તગત નહીં કરાય. હું ગુજરાતનો ખૂણેખૂણો ફર્યો છું પણ મેં સાણંદ પંથકના આ ગામોમાં ચારે તરફ જે સમૃદ્ધ ખેતરો જોયા એવા મેદાની ખેતરો અગાઉ ક્યારેય નથી જોયા. એકતરફ અમદાવાદના બિલ્ડરો અને બીજી તરફ સરકારનો ઉદ્યોગ વિભાગ આ ખેતરોમાં મનીમેકિંગની તક જોઈ રહ્યા છે. થતું આવ્યું છે તેમ જ નબળા છેવટે તો હારવાના ને સબળા પોતાના મનસૂબા પૂરા કરવાના. અલબત્ત ખેડૂતો આજે નબળા પણ સંગઠિત છે એટલે હાલ તો બહુ વાંધો નથી. પણ તેમની પેઢીઓની પેઢીઓએ સંગઠિત અને સાવધાન રહેવાનું છે. નહીંતો મેં જે હરિયાળા મેદાનો જોયા એ મારા દીકરાને કે તેના દીકરાને બતાવવા નહીં લઈ જઈ શકું. ત્યારે તો ત્યાં પોલ્યુશનની ગંધ મારતી હશે.
ટિકીટવાળા પુસ્તકમેળામાં
બહુ લાંબા સમય પછી અમદાવાદમાં પુસ્તકમેળો યોજાયો. અમદાવાદનો કદાચિત આ પહેલો પુસ્તકમેળો હશે કે જેમાં એન્ટ્રી ટિકીટ હતી. પાંચ રૂપિયાની એન્ટ્રી ટિકીટ આપીને પણ મોટી સંખ્યામાં લોકો મેળામાં જતા હતા. પરિવર્તનનો નિયમ અહીં પણ જોયો. પુસ્તકોના અનુપાતમાં લગભગ વીસ ટકા જગ્યા સીડીએ રોકી હતી. કીન્ડલ અને આઈપેડ પછી તો પરિસ્થિતિ હજુ પણ વધુ બદલાશે. ગૂર્જરના સ્ટોલ પર પૂછ્યું કે કુંદનલાલ ધોળકિયાએ તેમના પુસ્તક સમયને સથવારે ગુજરાતમાં નવા અગિયાર ચેપ્ટર ઉમેર્યા છે એ પુસ્તક આવ્યું? તો ગૂર્જરવાળાને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું કે તમને કઈ રીતે ખબર પડી? પુસ્તક તો હજુ આ વર્ષના અંત સુધીમાં આવવાનું છે! મેં કીધું નહીં કે હું પત્રકાર છું. નરેન્દ્ર મોદીની હાજર જવાબીનો ફરી એક વખત પુસ્તકમેળાના ઉદઘાટન સમારંભમાં પરિચય થયો. નવજીવનવાળા જિતેન્દ્ર દેસાઈએ એમના પ્રવચનમાં કહ્યું કે પુસ્તક મેળા માટે મોદીને નિમંત્રણ આપવા ગયા તો મોદીએ કહ્યું કે સરકારની કોઈ કૃપાની આશા રાખશો નહીં. આમ કહીને મોદીએ કઠોર કૃપા કરી. મોદીએ તેમના વક્તવ્યમાં કહ્યું કે પોતાની આ કઠોર કૃપા હશે પણ પુસ્તકવાળાઓને સરકારને ભરોસે જ રાખવાની નઠોર કૃપા નથી કરી એ વધુ સારું છે. પુસ્તકમેળાના પ્રારંભના ફંક્શનમાં કોંગ્રેસી સુધીર નાણાવટીએ આવનારા પચ્ચીસ વર્ષો સુધી નરેન્દ્ર મોદીને જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોવાની જાહેરમાં વ્યક્ત કરેલી ઈચ્છા સૌ માટે આશ્ચર્યજનક હતી. મારા માટે નહીં. કારણકે મને આ મોટા માણસો કંઈ પણ કરે તો આશ્ચર્ય નથી થતું. મોટા માણસોની બાબતમાં મારું આશ્ચર્ય મરી પરવાર્યું છે. પ્રીડીક્ટેબલ તો માત્ર સામાન્ય માણસો જ હોય છે. અસામાન્ય માણસો નહીં.
યુવાનોની વચ્ચે, નાટ્યસ્પર્ધામાં
ગુજરાત સમાચાર-આઈએનટીની નાટ્યસ્પર્ધા હંમેશા વત્તે ઓછે અંશે આનંદ પમાડે છે. આ વખતે પણ અમુક નાટક જોવાની બહુ જ મજા પડી. સ્વર્ણિમ ક્ષણોની શોધમાં નાટકમાં મુખ્યમંત્રી મોદીના અહંકાર અને ‘હું’વાદ પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહના ઉદાહરણથી થતા પ્રહારો સાયલન્ટ રીતે હકીકતમાં તો મોદી પર થતા હતા. નાટકની પ્રસ્તુતિ અત્યંત ક્રિએટીવ રીતે થઈ હતી. એક કટ્ટર કોંગ્રેસી વિચાર ધરાવતા જજને જોતા મને ખાતરી થઈ ગઈ હતી કે આ નાટક પ્રથમ આવશે અને એવું જ થયું. અમદાવાદની શહેરી ગરીબ બાઈઓ વિશેના નાટકની પ્રસ્તુતિ ગજબની હતી.આખા નાટકમાં કોઈ છોકરો ન હતો કારણકે નાટક સીયુશાહ કોલેજ ઓફ ગર્લ્સ દ્વારા ભજવાયું હતું. આ નાટકને કોઈ ઈનામ ન મળ્યું એનું આશ્ચર્ય થયું. કદાચ જજોમાં આ વખતે કોઈ લેફ્ટીસ્ટ ન હતું. હશે, સારા નાટકો ઈનામ લેતા નથી પણ સૌને આનંદનું ઈનામ આપી જતા હોય છે જે આ નાટકે ચોક્કસ સૌને આપ્યું હતું. આઈએનટી સ્પર્ધાના મુખ્ય અતિથિ સિદ્ધાર્થ રાંદેરિયા પાસેથી મારે જે વિષય કઢાવવો હતો એ હું કઢાવી શક્યો. મુંબઈમાં ગુજરાતી ભાષાના પતનનો વિષય રાંદેરિયા સાથેની વાતચીતમાં ફોકસમાં રાખ્યો પછી તેમના ભાષણમાં પણ આ જ વિષય ફોકસમાં રહ્યો અને બીજે દિવસે અખબારમાં પણ. મુંબઈમાં ગુજરાતી ભાષાનો સોથ વળી ગયો છે, કચ્ચરઘાણ વળી ગયો છે. ત્યાંની સરકારે ગુજરાતી ભાષા યુનિવર્સિટીમાંથી તો કાઢી જ નાખ્યો છે, સાથે ગુજરાતી સ્કૂલો પણ બંધ થઈ ગઈ છે. હવે માત્ર બોલચાલનું ગુજરાતી બાકી રહી ગયું છે. ગુજરાતી વાંચવાનું કે લખવાનું કહો તો ન આવડે એવી ગુજરાતી પેઢી પેદા થઈ ગઈ છે. આ પેઢીની આવતી પેઢી તો સદંતર બિનગુજરાતી-ગુજરાતી થઈ જશે. વાત ભલે મુંબઈની હોય પણ ગુજરાત સરકારની કોઈ ફરજ ખરી કે નહીં? બ્રિટન આખા વિશ્વમાં બ્રિટીશ લાયબ્રેરી ખોલી શકે છે, ફ્રાન્સની ઓલિયન્સ ફ્રાન્સીસ સંસ્થા અમદાવાદમાં પણ છે. ગુજરાત સરકાર મુંબઈમાં યુવાનોને આકર્ષે એવું ગુજરાતી ભાષા કેન્દ્ર ખોલી ન શકે? ઈન્ડસ્ટ્રી ઈન્ડસ્ટ્રી ઈન્ડસ્ટ્રી કરી કરીને ગાંડાતૂર થઈને ફરતા મુખ્યમંત્રી સાંસ્કૃતિક મોરચે દરિદ્ર પુરવાર થઈ રહ્યા છે.
નદી છે, તો નદીનો ફાયદો લેવો જોઈએ
સાબરમતી નદીમાં સ્પીડબોટમાં બોટીંગ કરવાનો અનુભવ સુંદર રહ્યો. લાઈફ જેકેટને કારણે ડર લાગતો ન હતો. અન્યથા હોડી એવી બમ્પી રીતે આગળ વધતી હતી કે ઉછળીને નીચે પડાય. અમદાવાદ તેની વચ્ચેથી જનોઈની માફક પસાર થતી સાબરમતી નદીનો કોઈ ઉપયોગ નથી કરી શક્યું. રેતીવાળાઓએ રેતી ઉલેચી, ધોબીઓએ કપડા ધોયા, મ્યુનિસિપલ કોર્પોરેશને ગટર વહાવી, બહારગામથી આવેલાઓએ ઝૂંપડા બનાવ્યા, મચ્છરોએ કોલોની બનાવી ને લુખ્ખાઓએ બ્રાઉન સુગર વેચ્યું … રિવરફ્રન્ટ પછી નદી હોવી લેખે લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાની આશા જાગી છે. શું નદીમાં રિવરફ્રન્ટ પછી સ્વચ્છતા જળવાશે? પાણી વહેતું રાખી શકાશે? નદી બરાબર ઉંડી નથી થઈ, તો શું કોઈ પૂર રિવરફ્રન્ટને ધોઈ નાખશે? પ્રશ્નોના ઉત્તર ભવિષ્યના ગર્ભમાં છે.
ઉર્મિલાબેનવાળો ફિયાસ્કો
નેશનલી ઉર્મિલાબેન પટેલને હિમાચલ પ્રદેશના ભાવિ ગવર્નર તરીકે ચીતરવાનું આળ ટાઈમ્સ નાઉ ચેનલ પર આવ્યું છે અને ગુજરાત સ્તરે આ આળ દેશગુજરાત પર આવ્યું છે. બાકી બધા મિડિયાએ પછી ફોલો કર્યું. એકમાત્ર ગુજરાત સમાચાર બચી ગયું. કન્ફર્મેશન વગર કોઈ ભવિષ્યવાણી કરવાથી ગુજરાત સમાચાર દૂર જ રહ્યું. જ્યારે ઉર્મિલાબેન પટેલના બદલે ઉર્મિલા સિંઘનું નામ જાહેર થયું ત્યારે અમે તમામ પત્રકારો ખડખડાટ હસતા હતા. મારા એક પત્રકાર મિત્રે તો કહ્યું કે તે થ્રી ઈડિયટ ફિલ્મમાં ચમત્કાર-બલાત્કારવાળા ચતુરના સીનથી પણ વધુ બે ઉર્મિલાના ગોટાળા પર હસ્યો . હવે હસવાની નહી પણ અપસેટ થવાની વાત: પાછલા લગભગ ત્રીસ વર્ષથી ગુજરાતની કોઈ વ્યક્તિને દેશના કોઈપણ રાજ્યમાં ગવર્નર બનાવાયા નથી. દિલ્હીવાળાઓ ગુજરાતને જૂતા મારવાનો જ ન્યાય આપે છે. બાકી બધામાં અ-ન્યાય જ. કેન્દ્રમાં ભાજપની સરકાર હતી, ભાજપના ટેકાથી સરકાર હતી ત્યારે પણ કોઈ ગુજરાતીને ગવર્નર બનવાનો ચાન્સ ન અપાયો. કોંગ્રેસ ઈચ્છત તો બ્રહ્મકુમાર ભટ્ટને કે સનત મહેતાને ગવર્નર બનાવી શકી હોત. અહેમદ પટેલે ઈચ્છ્યું હોત તો તેમના ગુરૂ ઝીણાભાઈને ગવર્નર બનાવી શક્યા હોત. ભાજપ પાસે તો ઘણા ચહેરા હતા જ. ગવર્નરના મામલે રાજસ્થાન સહુથી કામ કઢાવી લેનાર રાજ્ય પુરવાર થાય છે. દેશમાં સૌથી વધુ ગવર્નર રાજસ્થાનના છે. ગુજરાતના ગવર્નર પણ ગવર્નરભૂમિ રાજસ્થાનના છે.
જયરામ કમાલ રમેશ
જયરામ રમેશ અલગ જ પ્રકારના મંત્રી છે. જે સિફતતાથી તેઓએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના હોલમાં છસો માણસો ને કંટ્રોલ કરીને બીટી રીંગણની સુનાવણી કરી તે કમાલનું હતું. કમાલનું એટલા માટે કારણકે બીજા કોઈ મીનીસ્ટર આવું કરી શકે એની કલ્પના કરવીય મૂશ્કેલ છે. રમેશે સાચા અર્થમાં સુનાવણીમાં લગભગ પ્રત્યેક એવી વ્યક્તિની વાત સાંભળી કે જે કશુંક કહેવા માંગતો હોય. છેલ્લે જ્યારે રમેશને પૂછ્યું કે સુનાવણી કઈ દિશામાં જતી દેખાય છે ત્યારે તેમણે કહ્યું કે ઓરિસ્સા, બંગાળ અને બિહાર દેશના કુલ રિંગણના સાહીઠ ટકા ઉગાડે છે અને ત્રણેય રાજ્ય સરકારોએ લેખિતમાં બીટી રીંગણનો વિરોધ કરતા કહ્યું છે કે તેઓ પોતાના રાજ્યમાં તેને લાદવા ઈચ્છતા નથી. બીટી રીંગણ વિશે લોકોને હજુ ભય અને શંકા છે…. જયરામના નિવેદનથી સ્પષ્ટ લાગ્યું કે તે વડાપ્રધાનને બીટી રીંગણ હાલ ન લાદવાનો અભિપ્રાય સુપરત કરશે. પછી વડાપ્રધાન પર શરદ પવારનું દબાણ ચાલે છે કે જયરામનું? સોનિયા અને રાહુલ શું કહે છે? એના પર બધો નિર્ણય લેવાશે. કદાચ હમણા બીટી રીંગણ નહીં લદાય. પણ પછી મલ્ટીનેશનલ કંપનીનું એવું પ્રેશર આવશે કે ભવિષ્યમાં અચાનક જ બીટી રીંગણ દેશમાં લાવી દેવાશે. નબળા અને સબળામાં હંમેશા સબળાની જીત થાય છે(અને પૈસા અને નીતિમાં હંમેશા પૈસાની જીત થાય છે!) માયકો મોન્સેન્ટો સબળ છે અને પૈસાદાર છે. જો બીટી રીંગણનું ચેપ્ટર પતી ગયું એમ સમજીને સૌ ઉંઘી જશે તો બીટી રીંગણ અચાનક જ બમણા જોરથી આવશે. આ મામલે સૌએ મલ્ટીનેશનલ અને શરદ પવારો સામે, કોર્ટમાં અને શેરીમાં લાંબી લડાઈ લડવાની છે.
અસલી જેવી નકલી હરિયાળી
ડિસેમ્બર-જાન્યુઆરીના મહિનામાં વાતાવરણની અનૂકૂળતાને કારણે અનેક નેશનલ અને ઈન્ટરનેશનલ કોન્ફરન્સ,સમિટ,એક્ઝીબીશન યોજાય છે. આમાંની એક મ્યુનિસિપાલિકા સમીટની મુલાકાત દરમિયાન સૌથી વધુ આનંદ એક સ્ટોલ પર આવ્યો. અહીં ટેબલ પર લોનના(ઘાસની હરિયાળીના) નમૂના મૂકેલા હતા. ચોરસ ફૂટના બસોથી સાડા ચારસો રૂપિયાના ભાવે લોનની ઓફર હતી. સ્ટોલમાં લોન પાથરવામાં પણ આવી હતી. ચંપલ કાઢીને તેના પર ચાલવાની છૂટ હતી. ચાલો તો બિલકુલ લોન જ લાગે અને અડો તો ય લોન લાગે, જોવામાં તો અસલ લોન લાગે જ. પરંતુ મજાની વાત એ હતી કે લોન પોલીમરની બનેલી હતી અને નકલી હતી. સ્ટોલ પરથી મેં જાણ્યું કે એક્ટર ચિરંજીવી અને એક્ટ્રેસ હેમામાલિનીના ઘરની અંદર, ભુવનેશ્વરના ઈન્ફોસીસના મકાનની બહારની ઢળતી સપાટી પર, ગાંધીનગરના કેમ્બેના ગોલ્ફકોર્સ પર, અમદાવાદની કર્ણાવતી ક્લબના પ્લેગ્રાઉન્ડ પર વગેરે સંખ્યાબંધ ઠેકાણે આવી નકલી લોન લાગેલી છે. કર્ણાવતી ક્લબમાં તો નકલી લોન પર બોર્ડ મારેલું છે કે આ નકલી લોન હોવાથી સિગરેટ ના ફેંકશો. આવું બોર્ડ મારવાનુ કારણ એ કે કોઈને માલૂમ જ નથી પડતું કે લોન નકલી છે. મેં સ્ટોલ પરના ફોટો આલ્બમમાં જોયું કે આખા સ્ટેડિયમો અને બગીચાઓ હવે આવી નકલી લોનથી તૈયાર થાય છે. કારણકે આ નકલી લોનમાં કોઈ મેન્ટેનન્સ નથી હોતું. પાણી મારીને સાફ કરી દઈ શકાય છે. પંદર વર્ષ સુધી એમની એમ ચાલે છે. ગજબ!
મીનીપ્લેક્સનો આઈડિયા
શાહરૂખખાને અમદાવાદમાં મીનીપ્લેક્સ ખુલ્લું મૂક્યું. આમાં શાહરૂખખાન કરતા મને મીનીપ્લેક્સમાં વધારે રસ પડ્યો. આ મીનીપ્લેક્સમાં કોઈપણ શોની ટિકીટ એંશી રૂપિયાની છે. અલબત્ત સામાન્ય થિયેટર કરતા અર્ધી સાઈઝ હોવાથી જો મિનીપ્લેક્સમાં આગળની સીટ આવી જાય તો મૂશ્કેલી(?) એવું લાગે છે. મીનીપ્લેક્સના બે સ્ક્રીન ખુલ્યા છે અમદાવાદના ફ્લોપ એવા ગેલોપ્સ મોલમાં. આ મોલ ચાલતો જ નથી. એના બહુ કારણમાંથી એક કારણ એ છે કે એન્ટ્રી એસજીહાઈવે-બોપલના મુખ્ય રસ્તાના બદલે ઈસ્કોન મંદિરની પાછળના ભાગે રાખી છે. એન્ટ્રી અને એક્સીટના ગેટ અલગ છે. લગભગ દરેક વ્યક્તિને એક્સીટ કરતી રોકવામાં આવે છે અને વધુ લાંબું ચલાવવામાં આવે છે. આ મોલમાં બધી મોંઘી બ્રાન્ડોની જ દુકાનો છે એટલે એની છાપ મોંઘા મોલ તરીકે પડી ગઈ છે. હવે જે મીનીપ્લેક્સ ખુલ્યું છે એણે અર્ધા ચોરસ કિલોમીટર વિસ્તારમાં જ બીજા ચાર ચાર મલ્ટીપ્લેક્સની સ્પર્ધા કરવાની છે. ફ્લોપ મોલમાં હીટ શરૂઆત કે ફ્લોપ મોલમાં વધુ એક ફ્લોપ ધંધો? મીનીપ્લેક્સની તકદીર શું છે?
રમેશ ઓઝા ગજબના ખીલ્યા
રમેશ ઓઝાની અમદાવાદમાં એક સપ્તાહની કથા થઈ એની નોંધ મિડિયામાં ઓછી લેવાઈ છે. પણ આ કથામાં કથાકાર ઓઝા બરાબર ખીલેલા. જો ક્વોટેશનની એક દળદાર બુક બનાવવી હોય તો રમેશભાઈજીની આ જ કથામાંથી બની જાય એટલા બધા સુપર્બ વન-લાઈનરનો રમેશભાઈજીએ વરસાદ વરસાવ્યો હતો. હવે તો ઘરે બેઠા ટીવી પર કથાનું લાઈવ ટેલિકાસ્ટ સુલભ થાય છે. બીજી બધી બકવાસ કરતા તો રિમોટ ત્યાં જ જઈને અટકતું હતું. કથામાં માત્ર ધર્મનું જ નહીં પણ જીવનનું અને સમકાલીન સમાજની વ્યથાનું એવું તો ગજબનાક ચિંતન પ્રસ્તુત થતું હોય છે કે વાહ વાહ થઈ જાય છે.
ભાષણોથી નહીં બચે ગુજરાતી ભાષા
ગુજરાતી ભાષાને બચાવવા માટે ગુજરાત સાહિત્ય પરિષદના પ્રાંગણમાં મળેલી સભામાં રઘુવીર ચૌધરીએ સ્ક્રીઝોફેનીક વિષયાંતર કરીને માથે ધોકા પછાડ્યા, વિનોદ ભટ્ટે ગંભીર ચિંતાના વિષયને વર્બલ હાસ્યલેખ બનાવી દીધો, પાર્થિવ ગોહિલે ગીતો ગાઈ લીધા, ભોળાભાઈ પટેલે તો ઉલટી જ ચિંત પ્રગટ કરી કે ગુજરાતીમાં ભણનાર છોકરો શ્રેષ્ઠ પુસ્તકો ક્યાંથી વાંચી શકે?(વિનોદ ભટ્ટે પણ પોતાના વક્તવ્યની શરૂમાં જ પોતાની પૌત્રી અંગ્રેજી માધ્યમમાં ભણતી હોવાનું કહી દીધું) ગુણવંત શાહનું વક્તવ્ય પણ કોઈ ઠોસ ઉપાય ન બતાવનારું ને સેરીમોનીયલ રહ્યું. બહુ પહેલા મેં ઢીંગલીઘર આયોજિત ‘ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમ’ વાળા સેમીનારમાં હાજરી આપી હતી(ઢીંગલીઘરે આવા બે કાર્યક્રમો યોજ્યા હતા જેમાં વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર વક્તા હતા). પછી આનંદીબેન પટેલના પતિ મફતભાઈએ યોજેલા આવા જ પરિસંવાદમાં પણ હું હાજર હતો.આમાં હિમાચલ પ્રદેશના ન બનેલા ગવર્નર ઉર્મિલાબેન પટેલ વક્તા હતા. તેમણે પોતાના પૌત્રો અંગ્રેજી માધ્યમમાં ભણતા હોવાનું અને ગુજરાતી બરાબર ન જાણતા હોવાનું કીધું હતું. આ પછી મનસુખ સલ્લાએ રતિલાલ બોરીસાગરના સહ્યોગમાં ભરેલા એક પરિસંવાદમાં જવાનું થયું હતું. આમાં નારાયણ દેસાઈ અને સુદર્શન આયંગર પણ હાજર હતા. આમાં બે કે ત્રણ યુવાનો પણ હાજર ન હતા. મારે પણ બોલવાનું થયેલું. મેં જે એક્સેલન્સવાળી મોડેલ સ્કૂલોની વાત કરી એ પછીથી વૈજ્ઞાનિક પંકજ જોષીએ ઉપાડી અને હવે ગુણવંત શાહ પણ ઉપાડે છે. પંકજ જોષી ગુજરાતી ભાષાના વિષય પર પત્રકારોને મળ્યા હતા એમાંય હું હાજર હતો. છેલ્લે આ ગુણવંત શાહની યાત્રાના ભાષણો. એ જ પ્રશ્ન, એ જ ચિંતા, એ જ લોકો, લગભગ એ જ ભાષણો આ બધાથી માત્ર સમસ્યા હોવાની અનૂભૂતિ કરાવી શકાય છે પણ તેનો ઉકેલ નથી મળતો….. સમાજ એક દિશામાં, આ થોડા બૌદ્ધિકો બીજી દિશામાં, સમાજ યુવાન, બૌદ્ધિકો વૃદ્ધ, મુખ્યમંત્રી અવઢવમાં ને મૌન, બાળકો ટવીન્કલ ટવીન્કલ લિટલ સ્ટાર ….
| << Previous Post |



Japanbhai…………
aakhre aa hakikat che ke je aapne svikar karvij pade……….
mara Vichar ma pahela pan aa badhu aavya kartu je aaje tame raju karyu….
darek lekh ma khubi e chhe ke tema rajniti athva koi ek manita varg no lagav jevu nathi……pan ek sachot rite satya darshavel chhe…
aama sanand ni vaat tatha bhasha prtye no aapna kahevata nu udaharan gujarat na pragti pachad nu ek kadvu stya chhe……
aapne ichchha evij rakhye ke aapna rajya na vikash no bhutkad ma vichar jyare aaave to vikash ma koi nu soshan jova na made…darek manav khush hovo joie…
nahhitar…….manav srajit chamtkaro na itihas no ullekh jyare thai chhe tyare teni pachhad daridrata tatha soshan najre pade………jem Taj Mahel bhale khubsurat chhe pan jyare tena vis hazar karigaro na hath kapva no kisso sambhdo to dhruna ni lagni anubhavay…….
aabhar japanbhai… tamara lekh mate..
Jai Bhole……….
ગેલોપ્સ મોલ ફ્લોપ જ છે. અમે બે-ત્રણ વાર ગયા તો કંઈક અલગ અને ઉદાસીન વાતાવરણ દેખાય છે. સારી વસ્તુઓ મળતી હોવા છતાં હવે નક્કી કર્યું કે બીજી વાર ત્યાં પગ ન મૂકવો!
Mr. Pathak,
One thing honestly, You are doing a great job for Gujarat.
Thanks for connecting us to GUJARAT…
With Best wishes…
MR. J.P. , GOOD JOB… MANY GOOD POINTS ARE TAKEN….
I LIVE IN AMERICA FOR 40 YEARS… AND IF SOME GUJARATIS THAT I KNOW TALKS TO ME IN ENGLISH, I ALWAYS ANSWER IN GUJARATI AND JUST SAY THAT WE KNOW GUJARATI, PLEASE TALK TO ME IN GUJARATI… THIS WILL KEEP MY GUJARATI GOOD….
“IF LANGUAGE IS LOST, REMEMBER CULTURE IS LOST “….THE TROUBLE IS WE DO NOT TAKE PRIDE IN OUR VALUES AND JUST RUN AFTER ONLY MONEY AND MATERIAL THINGS…. JAY SHREE KRISHNA….
DeshGujarat, you really do wonderful things for Gujarat. God bless you. I would like if you include one more topic for children with small stories of Ramayan, Mahabharat, Panchtantra, Champaks, FullVadi.. etc with animation or video … that we can show to our children..
I used to with kids.baps.org side for my son. which has 50-60 stories of Panchtantras, Eklavya, Shravan etc…. It also has link how to learn Gujarati language….
You can contact them and show that link on Deshgujarat … it may also help to save our Gujarati language. I would like for Sanskrit learning you can contact people who have very good knowledge on Sanskrit, like Rameshbhai Oza, Bhupendrabhai Pandya etc…
If you need any information or help from our viewers, you can catch us anytime with your site only..
With Best Wishes…
good article
કમનસીબે મિ. કેન્ટ જે ગુજરાતી પ્રત્યે આટલો પ્રેમ ધરાવે છે તે ગુજરાતીમાં કોમેન્ટ ઉર્ફે ટીપ્પણી લખી શકતા નથી. ગુજરાતીનું દુર્ભાગ્ય. બીજુ શું?