| સલિલ દલાલ - ‘ફિલમની ચિલમ’ |
|
|
|
| સંસ્કાર્ | |
| द्वारा/by : Neel | |
| Thursday, 24 April 2008 | |
|
બેમાંથી શું જવાબદાર હશે ? રાકેશ રોશનની ધંધાદારી સૂઝબૂઝ કે પછી ‘રેસ’ ફિલ્મના શરૃઆતના દિવસોના બિઝનેસના આંકડા ? સૈફ અલી ખાન, અક્ષય ખન્ના, બિપાશા બાસુ વગેરેની ‘રેસ’ દેશભરમાં એટલા વિશાળ પાયે રજૂ થઈ કે રોજના ૩૬૦૦ શો યોજાતા. પરિણામે પહેલા ત્રણ જ દિવસમાં ૨૨ કરોડ રૃપિયાનો વકરો થયો અને વિદેશનો ઓવરસીઝ માર્કેટનો પ્રથમ સપ્તાહનો બિઝનેસ રૃપિયા તેર કરોડનો ! આવા રૃપિયા જ્યાં ઉલેચવાના હોય, ત્યાં ફિલ્મની રજૂઆતમાં અંતરાય ઊભો થાય એવો અદાલતી ચુકાદો નિર્માતાને કેવા ગભરાવી શકે ? રાકેશ રોશને પોતાની ૧૧મી એપ્રિલે રજૂ થનારી ફિલ્મ ‘ક્રેઝી-ફોર’ની રિલીઝ અંગેની બધી તૈયારીઓ કરી લીધી હતી. પબ્લિસિટી મોટા પાયે ઉપાડી હતી. ત્યાં જ કોર્ટનો કેસ ઊભો થયો અને ચુકાદો ચોંકાવનારો આવ્યો ! ‘ક્રેઝી-ફોર’ના આઈટમ સોંગ ‘બેક-ફ્રી’ની ધૂનની ઉઠાંતરીનો કેસ સંગીતકાર રામ સંપતે મૂકતા ઊભી થયેલી બબાલ હવે તો સૌ જાણે છે પણ સવાલ બે-ત્રણ છે. એક તો રાકેશ રોશને છાપાંમાં જાહેરાત છપાવીને કરેલા ખુલાસા મુજબ આ ટયુન ‘સોની’ મોબાઈલ ફોનની એક જાહેરાત માટે તૈયાર થઈ હતી અને રિતીક રોશને તેના ઉપર ડાન્સ કર્યો હતો. તેથી તે ધૂન વાપરવા માટેનું ‘એનઓસી’ (ના વાંધા પ્રમાણપત્ર) ‘સોની’ કંપનીએ લેખિતમાં આપ્યું હોવાથી પોતે એ તર્જ વાપરી હતી. તો પછી ફિલ્મ સાથે સંકળાયેલા સૌ ‘ક્રેઝી ફોર’ના આ આઈટમ સોંગની ‘બ્યુટીફૂલ ટયુન’ બદલ તેના સત્તાવાર સંગીતકાર રાજેશ રોશનને શા માટે ‘ક્રેડિટ’ આપતા હતા ? (‘કેશ’ નિર્માતા લેતા હતા ?) બીજું, કોર્ટમાં કોપીરાઈટનો કોઈ કાગળ રાકેશ રોશન કે રાજેશ રોશન પેશ કરી શક્યા નહીં. ત્યારે પ્રશ્ન એ થાય કે સર્જનશીલ વ્યક્તિની કૃતિ વાપરતા અગાઉ એ કલાકારનો સંપર્ક નિર્માતાઓ કેમ નહીં કરતા હોય ? જો એમ થયું હોત તો રોશન પરિવારને આટલી મોટી કટોકટીમાંથી પસાર થવું ના પડયું હોત. છેલ્લા દિવસ સુધી ફિલ્મ રજૂ થઈ શકશે કે નહીં તેની અનિશ્ચિતતા રહે. એટલું જ નહીં, હાઈકોર્ટમાં બન્ને ધૂનો સાંભળ્યા પછી જજે એમ કહ્યું કે આ બેઉ તર્જ એક જ છે ! ત્યારે ત્રીજો મુદ્દો એ પણ થાય છે કે જો રોશન પરિવારને ખબર જ હતી કે આ ધૂન અન્યત્રથી ઉઠાવેલી છે (ભલેને એ કંપનીના એન.ઓ.સી. સાથે) તો પછી અદાલતમાં એ સાબિત થવા દેવા સુધી કેસ શું કામ ચાલવા દીધો ? પ્રથમ તબક્કે જ એ હકીકતનો સ્વીકાર કરીને મૂળ સર્જક સાથે વાટાઘાટો શાથી નહીં કરી હોય ? ગમે એમ પણ “વાર્યા ના માને તો હાર્યા માને” એવી આપણી ગુજરાતી કહેવત ‘ક્રેઝી ફોર’ના આ ગીતના કિસ્સામાં ફરી એક વાર સાબિત થઈ. આ આઈટમ સોંગનું મહત્ત્વ રાકેશ રોશન બરાબર સમજતા હતા. ‘ક્રેઝી ફોર’ જોનારાઓના મતે તો શાહરૃખ અને રિતીક ઉપર ફિલ્માવાયેલું આ ગીત તેમજ રાખી સાવંતે કરેલો “દેખતા હૈ તૂ ક્યા”નો ડાન્સ એ જ આખી ફિલ્મની હાઈલાઈટ છે. જો કોર્ટના આદેશ મુજબ ‘બ્રેક ફ્રી’ વગરની ફિલ્મ રિલીઝ કરવાની થઈ હોત તો ? તો કદાચ અજય દેવગન અને કાજોલની ફિલ્મ ‘યુ, મી ઔર હમ’ સામે એ ટકી શકત ખરી ? જો કે ટિકિટબારી ઉપર એ બન્ને ફિલ્મોનો કોઈ સનસનીખેજ દેખાવ નથી. એ જ રીતે તે અગાઉના શુક્રવારે રજૂ થયેલી બેઉ ફિલ્મો ‘શૌર્ય’ અને ‘ભ્રમ’ પણ કશી શૂરવીરતા બોક્સઓફિસ ઉપર દેખાડી શકી નથી. તેથી કરોડોના સોદા કરતા કોર્પોરેટ હાઉસને ફેરવિચાર કરવો જોઈએ પણ અત્યારે જે પ્રકારનો નાણાંનો પ્રવાહ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ વળ્યો છે, એ જોતાં ભાવો કાબૂમાં તો નહીં જ આવે. કદાચ વધારે વધી શકશે. ફંડની અત્યારે ધૂમ વહી રહેલી ગંગામાં એકાદ-બે ડૂબકી મારી લેવા તમામ સ્તરના કલાકારો આતુર છે, એ પછી અક્ષય, આમિર કે સૈફની કક્ષાનો હોય કે નીલ નીતિનની કેટેગરીનો ! નીલની હજી ‘જ્હોની ગદ્દાર’ જ આવી છે. છતાં એ આઠ આંકડાથી ઓછામાં વાત નથી કરતો. ત્યારે બિચારા વિવેક ઓબેરોયનો શું વાંક ? વિવેક ઓબેરોયને પૈસાના મામલે સુનિલ શેટ્ટી સાથે ખાંચો પડી ગયો. સુનિલને ઈન્ડસ્ટ્રીમાં ‘અન્ના’ એટલે કે ‘મોટાભાઈ’ કહીને બધા બોલાવે છે. એ એકટર કદાચ એવો જબરજસ્ત નથી પણ વ્યક્તિગત રીતે ઘણા બધા સ્ટાર્સનો એ બિઝનેસ કન્સલ્ટન્ટ છે ! સંજય દત્ત સહિતના કેટલાય સ્ટાર્સ ‘અન્ના’ની સલાહ મુજબ પોતાનું ઈન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. આવા સુનિલ શેટ્ટીએ પોતાની પ્રોડક્શન કંપની ‘પોપકોર્ન’ની ફિલ્મ ‘મિશન ઈસ્તંબુલ’ માટે વિવેક ઓબેરોયને સાઈન કર્યો. તે વખતની તેની પ્રાઈસ નક્કી થઈ હતી ૪૫ લાખ રૃપિયા પણ અત્યારના માર્કેટમાં તો આ ‘બી’ ગ્રેડના હીરોની કિંમત કદાચ કહેવાય ! વિવેકને ‘શુટઆઉટ એટ લોખંડવાલા’માં ગેંગસ્ટર માયા ડોળસના રોલમાં જે સફળતા મળી તેનાથી પોતાનો ભાવ વધારવાની ઇચ્છા સ્વાભાવિક જ થાય. તેથી વિવેકના પિતાજી સુરેશ ઓબેરોયે સુનિલ શેટ્ટીને મળીને પ્રાઈસનો સુધારો સૂચવ્યો. પપ્પા ઓબેરોયે વિવેકનો નવો ભાવ પાડયો સાડા ત્રણ કરોડ ! એટલે કે નક્કી થયેલી રકમ કરતાં ૬૦૦ ટકા વધારે. ‘અન્ના’એ ૭૫ લાખ કરી આપવા સુધીની તૈયારી જરૃર બતાવી પણ સાડા ત્રણ ખોખાં ? એવો જ ભાવનો વાંધો અમિતાભની જુલાઈ મહિનાથી શરૃ થતી ‘વર્લ્ડ ટૂર’માં સ્ટાર્સને પડી રહ્યો છે. એટલે શરૃઆતની જે ટીમ એનાઉન્સ થઈ હતી તેના કરતાં છેવટે તદ્દન જુદા જ મેમ્બર્સ હોવાની શક્યતાઓ વધતી જાય છે. છેલ્લો ઉમેરો માધુરી દીક્ષિતનો થયો છે. જો માધુરી મળી જાય તો પછી બીજા કયા સ્ટારની ગરજ બચ્ચન પરિવારને રહે ? છતાં કાજોલ-અજયની જોડીનો સંપર્ક થઈ રહ્યો હતો પણ અચાનક કાજોલને પિતૃશોક આવતા વાત અટકી પડી છે. કાજોલના પિતા શોમુ મુકરજીનું ૧૦મી એપ્રિલે અવસાન થતા ફિલ્મ ઉદ્યોગના સૌથી સિનિયર પૈકીના એક પરિવારના ઓછા જાણીતા સભ્યની વિદાય થઈ. આમ તો શોમુ મુકરજી તેમના પિતા શશધર મુકરજી તથા કાકા સુબોધ મુકરજી, મામાઓ અશોકકુમાર, કિશોરકુમાર, અનુપકુમાર તથા પત્ની તનુજા અને પુત્રીઓ કાજોલ અને તનીષાના રેફરન્સથી જ વધારે ઓળખી શકાય છે. છતાં ‘૭૦ના દાયકામાં તેમની આગવી ઓળખ પણ હતી. શોમુ મુકરજી સૌથી વધુ યાદ રહ્યા હોય તો તેમની પહેલી ફિલ્મ ‘એક બાર મુસ્કુરાદો’ના સર્જક તરીકે. ૧૯૭૨માં આવેલી એ ફિલ્મનું નિર્માણ શોમુ અને તેમના ભાઈઓએ થઈને કરેલું. તેથી નિર્માણ સંસ્થાનું નામ રાખ્યું હતું... મુકરજી બ્રધર્સ ! આ ભાઈઓમાં ‘ફિર વોહી દિલ લાયા હૂં’વાળા જોય મુકરજી, શોમુ પોતે હીરો બનેલા દેબુ મુકરજી અને દિગ્દર્શક રામ મુકરજી. હીરોઈન તરીકે તનુજાને સાઈન કરી, ત્યારે શોમુએ સો રૃપિયાની એક નોટ તેને સાઈનિંગ એમાઉન્ટ તરીકે આપી હતી. ત્યારથી શરૃ થયેલો પરિણય લગ્ન સુધી પહોંચ્યો ! તનુજા ર્બોિંડગ સ્કૂલમાં ભણેલી તોફાની છોકરી અને સામે શોમુ ઓક્સફર્ડમાં ‘ઓ’ અને ‘એ’ લેવલ પાસ કરીને આવેલા ધીરગંભીર યુવાન. મેરેજનો મેળ પડી ગયો. ‘એક બાર મુસ્કુરા દો’નું સૌથી લોકપ્રિય ગીત એટલે કિશોરકુમારે ગાયેલું ‘તૂ ઔરોં કી ક્યૂં હો ગઈ ?’ હીરોને તરછોડીને હીરોઈન અન્યને પરણે, ત્યારે ગવાતા આ ગીતની ધૂન સંગીતકાર ઓ.પી. નૈયરે શરૃઆતમાં બહુ ધીમી લયવાળી બનાવી હતી. શોમુને તે પસંદ ના પડી. નવા જમાના મુજબની ‘ફાસ્ટ બીટ’વાળી તર્જ બનાવવા ‘ઓ.પી.’ને વિનંતી કરી. ઓ.પી. નૈયરે એ ગીત ધમાધમ રિધમ સાથે બનાવી અને છેવટે એ જ ગાયન ‘એકબાર મુસ્કુરા દો’ ની હાઈલાઈટ સાબિત થયું ! પણ નિર્માતા તરીકેની શોમુની ૩૫ વર્ષની કારકિર્દીમાં કુલ ૭ જ ફિલ્મો આવી છે. ‘ ૭૩મા ‘નન્હા શિકારી’, ‘૭૭માં ‘છૈલા બાબુ’, ૧૯૮૧માં ‘ફીફટી ફીફટી’ ‘૮૫માં ‘લવર બૉય’, ‘૯૧માં ‘પથ્થર કે ઈન્સાન’ અને ૯૪માં ‘સંગદિલ સનમ’. પત્ની તનુજા સાથે અમુક વર્ષો પછી ઓછું ફાવતા દંપતી અલગ થઈ ગયું હતું પણ જ્યારે તનુજા પ્રથમ વારનાં પ્રેગ્નન્ટ હતાં, ત્યારે શોમુએ સંતાનના જન્મ પહેલાં જ ભવિષ્ય ભાખ્યું હતું કે તેમને ત્યાં પુત્રી જ આવશે. (તનુજાને દીકરો જોઈતો હતો !) એટલું જ નહીં, આવનારી દીકરીનું નામ ‘કાજોલ’ પણ પિતા શોમુએ એડવાન્સમાં પાડી રાખ્યું હતું. શોમુ પોતે કાજોલને ‘કજલિમા’ કહેતા. આ દીકરી પ્રત્યે એટલો લગાવ કે તેમણે પોતાના પ્રોડક્શન હાઉસનું નામ ‘કાજલ મેગ્નમ’ રાખ્યું હતું. જો કે એ બેનરની ‘સંગદિલ સનમ’માં સલમાન સામે હીરોઈન કાજોલને નહીં પણ મનીષા કોઈરાલાને લીધી, ત્યારે ચર્ચાઓ જરૃર ઊપડી હતી કે આમ કેમ ? પણ કાજોલે ત્યારે ખુલાસો કર્યો હતો કે પોતે હજી ઈન્ડસ્ટ્રીઝમાં પગ ગોઠવી રહી છે. જ્યારે મનીષા સુભાષ ઘઈના મોટા બેનરથી કરિયર શરૃ કરી ચૂકેલી ખૂબસૂરત હીરોઈન છે. પછી તેણે ઉમેર્યું કે નિર્માતા તરીકે “પાપા નોઝ ધ બેસ્ટ” ! એટલે કે પિતાજી પ્રોડયુસર છે અને તેમને વધારે સારી સમજણ પડે છે. એવા ફિલ્મ નિર્માણ જેમનો પેઢીગત વ્યવસાય રહ્યો છે એ મુકરજી પરિવારના સર્જક સભ્ય શોમુ મુકરજીના આત્માને પ્રભુ શાંતિ અર્પે !
Set as favorite
Bookmark
Email This
Hits: 50 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| < पिछला |
|---|