| સુશ્રુત ચૌધરી - ‘કવર સ્ટોરી’ |
|
|
|
| અર્ધ સાપ્તાહિક | |
| द्वारा/by : Neel | |
| Thursday, 24 April 2008 | |
સત્તાભ્રષ્ટ શાસકો અને રાજ્યાશ્રયશાસકોની લોકપ્રિયતા ટકે ત્યાં લગી લોકો એમને માથે ઊંચકીને ફરે, પણ એમનાં શેતાની કરતૂતો અને તાનાશાહી વલણ સામે પ્રજા જંગે ચડે એટલે ભલભલા શાસકોએ ભાગવું પડે. શાણા શાસકો કે તેમના મળતિયા ભાગી છૂટવાના કટોકટી કાળમાં પણ અન્ય દેશમાં રાજ્યાશ્રય પાકો કરી લે છે. સંઘર્ષ કર્યા પછી ફરીને સત્તાસ્થાનની પ્રાપ્તિ કરી શકવા જેટલા કેટલાક ભાગ્યશાળી હોય છે. જેમનાં નસીબ વાંકાં હોય એમને ભાગવાની તક મળે એ પહેલાં જ પોતાની પ્રજા થકી ફાંસીને માંચડે ચડાવી દેવાય છે. હમણાં નેપાળના મહારાજાધિરાજ જ્ઞાનેન્દ્ર માટે ખાસ્સા માઠા દિવસો છે. માઓવાદીઓ વિરુદ્ધ રાજાના નિષ્ઠાવંત લશ્કર અને પોલીસે વર્ષો લગી અત્યાચાર આદરવાનું વલણ સેવ્યું છે. માઓવાદીઓએ પણ હિંસાનો મારગ લઈને સત્તા કબજે કરવાની કવાયત ચલાવી હતી. દાયકાના એ લોહિયાળ સંજોગોમાં હજારોની કત્લેઆમ થઈ. એ પછી માઓવાદીઓ સાથેના શાંતિ કરાર થયા. રાજાના નિષ્ઠાવંત રાજકીય પક્ષો સાથે મળીને માઓવાદીઓએ વચગાળાની સરકાર રચવાનું સ્વીકાર્યું,પણ મહારાજાધિરાજને શોભાના ગાંઠિયાની જેમ નેપાળના બંધારણીય વડા તરીકે પણ સ્વીકારવાનો સાફ નન્નો ભણ્યો. હમણાં તો નેપાળની બંધારણ સભાની ચૂંટણીમાં માઓવાદીઓને મળેલા જ્વલંત વિજય પછી મહારાજાધિરાજ જ્ઞાનેન્દ્ર સામે ગંભીર અદાલતી ખટલાઓનો સામનો કરવાના દિવસો આવવામાં છે. મહેલમાંથી જેલમાં જવાનો વખત આવે એ પહેલાં જ અન્ય દેશોમાં રાજ્યાશ્રય મેળવી લેવાની તજવીજમાં પાડોશી દેશ ભારત રાજા જ્ઞાનેન્દ્ર માટે સૌથી વધુ અનુકૂળ જણાય છે. આમ પણ જ્ઞાનેન્દ્ર્ના પાટવી કુંવર પારસ બિક્રમ શાહનું સાસરું રાજસ્થાનમાં છે. જ્ઞાનેન્દ્ર અગાઉ પણ રાજ્યાશ્રય અંગે પૃચ્છા કરી ચૂક્યા છે. ભારત સરકાર નેપાળના પૂર્વ રાજવીને રાજ્યાશ્રય આપવા અનુકૂળ રહી છે. ભીંસ વધે તો રાજા જ્ઞાનેન્દ્ર સપરિવાર રાજસ્થાનના સીકરમાં આવીને વસી શકે છે. એમણે અહીં મોટા પાયે મૂડીરોકાણ પણ કરી રાખ્યું છે. પારસની પત્ની સીકર જિલ્લાના હિમાની ગામની કુંવરી છે. રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસંુધરા રાજેનું મોસાળ પણ નેપાળમાં છે અને જેસલમેર સહિતનાં અનેક રજવાડાંના પૂર્વ રાજવીઓના નેપાળ સાથે પારિવારિક સંબંધ રહ્યા છે. એટલે નેપાળ નરેશના પરિવારને રાજસ્થાનમાં રાજ્યાશ્રય મળે એ ગોઠે એવું છે. સીકરથી દિલ્હી પણ ઝાઝું દૂર નથી. નેપાળની પ્રજા પોતાના રાજામાં ભગવાનનાં દર્શન કરતી હતી એ દિવસો હવે ભૂતકાળ બનશે એટલે રાજપરિવારે અન્ય દેશોમાં રાજ્યાશ્રય લેવાનો વખત આવશે. રાજા જ્ઞાનેન્દ્રનાં કે તેમના રાજકુંવર પારસનાં કરતૂત કાંઈ સારાં હોવાનો ઇતિહાસ નથી. પહેલી જૂન ૨૦૦૧ના રોજ તત્કાલીન રાજા બિરેન્દ્રના સમગ્ર પરિવારના હત્યાના ષડયંત્ર પાછળ તેના આ નાનાભાઈનો હાથ હોવાનું ચર્ચાતુ ંહતું. પણ રાજા સામે કાનૂની કાર્યવાહી કરી શકાય નહીં એવા સંજોગોમાં જ્ઞાનેન્દ્ર-પારસ બચી ગયા હતા. નેપાળના મહારાજાધિરાજ માટે તો ભાગવાનો દિવસ આવશે, ત્યારે તેમને રાજ્યાશ્રય આપવા વિશે નિર્ણય થશે, ૧૯૫૯માં તિબેટથી પોતાના હજારો અનુયાયીઓ સાથે ભાગીને ભારત આવેલા દલાઈ લામા આજકાલ ખૂબ ચર્ચામાં છે. દલાઈ લામા તિબેટના ર્ધાિમક નેતા હોવાની સાથે જ રાજકીય શાસક પણ રહ્યા છે. ભારતમાં આશ્રય લીધા પછીય તેના વડપણ હેઠળની આરઝી હકૂમત (નિર્વાસિત સરકાર) રચીને એ હિમાચલ પ્રદેશના ધરમશાલામાં વસે છે. ૧૯૪૯માં ચીનમાં માઓવાદી ક્રાંતિ થયા પછી ૧૯૫૦માં તિબેટને તેણે ગપચાવ્યું હતું. એ પછીનાં વર્ષો દલાઈ લામા ચીની શાસકો સાથે ચર્ચાવિચારણાથી સમાધાન શોધતા હતા. એ પછી જ્યારે એમને જેલમાં ઠોંસી દેવાના સંજોગો ઊભા થયા ત્યારે એ ભારત ભાગી આવ્યા. ભારતે તેમને રાજ્યાશ્રય આપ્યો. હવે દલાઈ લામા પોતે જ તિબેટને ચીનનું અવિભાજ્ય અંગ લેખાવે છે છતાં ચીન એમને પોતાને ત્યાં પગ મૂકવા દેતું નથી. પ્રજા વિફરે ત્યારે શાસકોને ફાંસીએ ચડાવી દે છે એનાં બે ઉદાહરણ તો તાજા ભૂતકાળમાં જ જોવા મળ્યાં. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિપદે સોવિયેત રશિયાના ટેકે સ્થપાયેલા નજીબુલ્લાહને તાલિબાઓને જાહેરમાં ફાંસી આપી હતી. સદ્નસીબે આ માર્ક્સસાદી નેતાની પત્ની સહિતના પરિવારે એ વેળા ભારતમાં આશ્રય મેળવ્યો હતો. એટલે એ બચી જવા પામ્યો હતો. ઈરાકમાં દાયકાઓ સુધી રાજ કરનારા સદ્દામ હુસૈન અને એમનો પરિવાર આટલો ભાગ્યશાળી નહોતો. અમેરિકા થકી ઈરાક પરના આક્રમણને પગલે સદ્દામનું પતન થયું. સદ્દામને તાનાશાહ તથા અત્યાચારી ગણાવવામાં આવ્યો અને અમેરિકી ઈશારે ફાંસીએ ચડાવી દેવાયો. એના પુત્રોનેય મોતને ઘાટ ઉતારી દેવાયા. પશ્ચિમના લોકશાહી સમર્થક ગણાતા દેશો સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના નિર્ણયને અવગણીને પણ ઈરાક પર કબજો જમાવી બેઠા, પણ પાડોશી દેશી ઈરાન પર આક્રમણ કરવાની અમેરિકી મંછા હજુ પૂરી થઈ નથી. ઈસ્લામિક રાષ્ટ્ર ઈરાન અમેરિકા ભણી ઘુરકિયાં કરતું હોવા છતાં રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશ સમસમીને બેઠા છે. ૧૯૭૯ની ૧૧ ફેબ્રુઆરીએ ઈરાનમાં આયાતોલ્લાહ ખોમૈની થકી ઈસ્લામી ક્રાંતિ કરવામાં આવી ત્યારે ‘શાહ ઓફ ઈરાન’ મોહમ્મદ રઝા પહેલવીએ ઈજિપ્ત ભાગી જવું પડયું હતું. ૧૯૪૧થી ઈરાન પર શાસન કરતા રહેલા શાહના શાસન દરમિયાન તહેરાન અને સમગ્ર ઈરાનના લોકો પશ્ચિમના રંગે રંગાયેલા હતા. જોકે શાહના શાસન દરમિયાન ૧૪ વર્ષ સુધી દેશવટો ભોગવતા રહેલા આયાતોલ્લાહ ખોમૈનીએ તહેરાનમાં સત્તાપલટો કરાવીને ઈરાનને રૃઢિચુસ્ત ઈસ્લામી માર્ગ ભણી પાછું વાળવાની ફરજ પાડી હતી. ઈરાનના શાહ અમેરિકા અને પનામા સહિતનાં સ્થળે જિંદગીનાં પાછલાં વર્ષ જીવતા રહ્યા, પણ ૨૭ જુલાઈ ૧૯૮૦ના રોજ ૬૦ વર્ષની વયે ઇજિપ્તની રાજધાની કેરોમાં એમનું મૃત્યુ થયું હતું. એમણે ઘણો વખત ઈજિપ્તમાં રાજ્યાશ્રય મેળવ્યો હતો. શાહ થકી આયાતોલ્લાહને ઈરાન છોડવાની ફરજ પડી હતી. શિયા ર્ધાિમક નેતા ખૌમૈનીએ પેરિસમાં રહીને ઈરાનના શાહ વિરુદ્ધની લડત ચાલુ રાખી હતી અને ૧૯૭૯માં ઈસ્લામી ક્રાંતિ સફળ થયા પછી શાહ ઈરાનની ધરતી છોડે નહીં ત્યાં લગી સ્વદેશ પાછા ફરવાનો નન્નો ભણ્યો હતો. ૧૬ જાન્યુઆરી ૧૯૭૯ના રોજ શાહે ઈરાન છોડયંુ અને ૧ ફેબ્રુઆરી ‘૭૯ના રોજ ખૌમૈનીએ ઈરાનની ધરતી પર પગ મૂક્યો હતો. ઈસ્લામી દેશોના શાસકોને સત્તાસ્થાનેથી ઉથલાવાય ત્યારે એને માટે રાજ્યાશ્રયનું ડેસ્ટિનેશન હોય છે સાઉદી અરેબિયા. યુગાન્ડાના તાનાશાહ ઈદી અમીને લાખોની કત્લેઆમ ચલાવી અને મનસ્વી રીતે શાસન કર્યું હતું. એના દિવસો ભરાઈ ગયા અને ૧૯૭૯માં એનું પતન થયું ત્યારે જીવ બચાવવા એ લિબિયા ભાગી ગયો હતો. લિબિયામાં ૧૯૮૧ સુધી રહ્યા પછી સાઉદી અરેબિયામાં એને રાજ્યાશ્રય આપવામાં આવ્યો. ૨૦૦૩માં એનું મૃત્યુ થયું ત્યારે એના શબને યુગાન્ડા દફન માટે લઈ જવાની એના પુત્રની વિનંતીને પણ યુગાન્ડાના શાસકોએ ફગાવી દીધી હતી એટલે જેદ્દાહમાં જ એને દફન કરાયો હતો. ઈદી અમીનના જુલમોનો ભોગ યુગાન્ડાવાસી ગુજરાતીઓ ખૂબ બન્યા અને તેમણે બ્રિટન ભણી ભાગી જવું પડયું હતું. જોકે સાઉદી અરેબિયામાં રાજ્યાશ્રય દરમિયાન અપાતા સરકારી પેન્શનથી ઈદી અમીને છેલ્લે સુધી પોતાની ઐયાશી ચાલુ રાખી હતી. પાકિસ્તાનના વડાપ્રધાનપદેથી ૧૯૯૯માં ઉથલાવાયેલા મિયાં નવાઝ શરીફે પણ જીવ બચાવવા સાઉદી અરેબિયામાં રાજ્યાશ્રય લેવો પડયો હતો. તત્કાલિન લશ્કરી વડા જનરલ પરવેઝ મુશર્રફે જેલમાં ઠાંસી દીધેલા નવાઝ મિયાંએ બચવા માટે દસ વર્ષ માટે દેશબહાર રહેવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સાઉદી અરેબિયામાં એમના રાજ્યાશ્રયની વ્યવસ્થા કરી આપતી વેળા જનરલ મુશર્રફે સાઉદી શાસકોને પણ વિશ્વાસમાં લીધા હતા. રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ વિરુદ્ધની રાજકીય લડાઈ લડવા ૧૦ સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ સ્વદેશ આવી પહોંચ્યા ત્યારે લશ્કરી તાનાશાહે તેમને પાછા સાઉદી મોકલી આપ્યા હતા. એ પછી સ્વૈચ્છિક દેશવટેથી બેનઝીર ભુટ્ટો સ્વદેશ પાછાં ફર્યાં. ત્યારબાદ ૨૫ નવેમ્બર ૨૦૦૭ના રોજ નવાઝ મિયાંને વતન પાછા ફરવા દેવાયા હતા. ભૂતપૂર્વ વડાં પ્રધાન બેનઝીરની તો રહસ્યમય સંજોગોમાં હત્યા થઈ અને એ પછી ચૂંટણી યોજાઈ ત્યારે તેમના શોહર આસિફ ઝરદારી ઉપરાંત નવાઝ શરીફને પણ ચૂંટણી લડવા દેવાઈ નહોતી. ઝરદારીએ મુશર્રફ સાથે કુલડીમાં ગોળ ભાંગવા જેટલી પાકિસ્તાની રાજકારણની વાસ્તવિકતાને સ્વીકારી લીધી પણ મિયાં નવાઝ શરીફ હજુ પરવેઝ મિયાંને હોદ્દેથી દૂર કરવાની કવાયત છોડી શક્યા નથી. -વિશ્વના રાજકારણમાં મહેલમાંથી જેલમાં અને જેલમાંથી મહેલમાં પાઠવનારા બેસુમાર ઉદાહરણ જોવા મળે છે. બાદશાહ જહાંગીરે બળવાખોર શાહજાદા ખુર્રમને (જે પાછળથી બાદશાહ શાહજહાં થયાં) દેશવટો દીધો ત્યારે એણે મુઘલ સલ્તનતના દુશ્મન એવા મેવાડની રાજધાની ઉદયપુરમાં રાજ્યાશ્રય લીધો હતો. આજે પણ રાણા પ્રતાપના વંશજો પોતાને ત્યાં બાદશાહ શાહજહાંએ રાજ્યાશ્રયના દિવસો જગમંદિર મહેલમાં ગાળ્યા હોવાનું પોતાના માર્કેટિંગ માટે જરૃર યાદ દેવડાવે છે.
Set as favorite
Bookmark
Email This
Hits: 68 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| < पिछला | अगला > |
|---|