એકતા,સુરક્ષા અને વિકાસ એ પાણીદાર નેતૃત્વ જ આપી શકે.

ભરત પંડયા

BharatPandya

👉 ન થકેંગે, ન રૂકેંગે, ન ઝૂકેંગે

શ્રી નરેન્દ્રભાઈ મોદી આ માણસ થાકતાં જ નથી. સંઘ કે ભાજપનાં સંગઠનમાં કામ કરવાનું હોય કે પછી સરકારમાં સી.એમ અને પી.એમ તરીકે કામ કરવાનું હોય. કયારેય બિમાર ન પડે. ક્યારેય રજા-વેકેશન ન લે. કયારેય નિરાશા ન અનુભવે. લગભગ પાંચ દાયકાના જાહેરજીવનમાં દેશ, સમાજ માટે સતત કાર્ય કરનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીને જોઈને સાક્ષીભાવે મનમાં જવાબ ઉદ્દભવે કે, તેમની ઈચ્છા-કાર્યશક્તિ એ કોઈ દૈવીશક્તિ વગર સંભવ નથી. ન્યાયયાત્રાથી માંડીને કન્યાકુમારી થી કાશ્મીર એકતા યાત્રા, સોમનાથ-અયોધ્યા રામરથયાત્રા – ગુજરાત સહિત અનેક સામાજીક અભિયાન સરકારી યાત્રાઓના પ્રણેતા રહેલાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌથી વધુ દેશ અને સૌથી વધુ રાજયોના પ્રવાસ કર્યો છે. સૌથી વધુ લોકોને મળવાનું, સાંભળવાનું, બોલવાનું, અને ઓછા સમયમાં સૌથી વધુ લાર્જસ્કેલમાં વિકાસના નવા નવા સોપાનો સર કરવાનું વિશ્વમાં કોઈ નેતાને શ્રેય આપવામાં આવે તો તે આપણાં ગુજરાતનાં શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેવું મારૂં સ્પષ્ટ્ર માનવું છે.

જેમ દેશમાં ‘એકતા અને સુરક્ષા’ માટે સરદાર પટેલ “સેન્ટર પોઈન્ટ” હતાં. તે રીતે વિશ્વમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી “સેન્ટર પોઈન્ટ” બની રહ્યાં છે. જે હિંમત અને શક્તિથી સરદાર પટેલે હૈદરાબાદ અને જૂનાગઢમાં લશ્કરના સૈન્યને ઉતારીને પાકિસ્તાનમાં જતું અટકાવીને ભારતમાં ભેળવી દીધું હતું. એ જ હિંમત અને શક્તિથી ઉરી-પુલવામા ઘટના સામે પાકિસ્તાનમાં જઈને સર્જીકલ અને એરસ્ટ્રાઈક કરીને આંતકવાદીઓનો સફાયો કરીને દેશના સૈનિકો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો.

ગુજરાતના સી.એમ. સમયે વિઝા ન આપનાર અમેરીકા તેમના માટે લાલજાજમ પાથરે છે. એટલું જ નહિં શ્રી મોદીને વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી-મિત્ર તરીકે માની રહ્યું છે. અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઈક પોમ્યિયો અને ડિફેન્સ સેક્રેટરી ઈસ્પરે શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી આવીને મુલાકાત લઈને સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથસિંગ, વિદેશ મંત્રીશ્રી એસ.જયશંકર સાથે બન્ને દેશ વચ્ચેના સંરક્ષણ સહિત અનેક ક્ષેત્રના કરાર-વાટાઘાટો કરી રહ્યાં છે. વિસ્તારવાદી ચીન સામે વિકાસવાદી ભારતે હિંમત સાથ પડકાર આપ્યો છે. આજે ચીન સામે દેશની આંતરીક જનશક્તિ,શસ્ત્રશક્તિ મજબૂત બની છે. બે મહિનામાં 11 જેટલાં મિસાઈલોના પરીક્ષણ કરીને શ્રી મોદીજીએ ચીનને ચેતવણી આપી દીધી છે કે “હમ તૈયાર હૈ, હમ ન થકેંગે, ન રૂકેંગે, ન ઝૂકેંગે. “

સરદાર પટેલનું એક વાકય છે. “કર્તવ્યનિષ્ઠ પુરુષ કોઈદિવસ નિરાશ થતો નથી”. સરદાર પટેલે 562 રજવાડા એક કરીને જ દેશની એકતા,અખંડીતતા મજબુત કરીને “એક ભારત” બનાવ્યું. હવે ગુજરાતનાં જ પનોતા પુત્રશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “શ્રેષ્ઠ ભારત” બનાવવા માટે દિવાદાંડી સમાન ઐતિહાસિક કાર્યો કરી રહ્યાં છે.

👉 કંઈક નવું કરો, સારૂં કરો, મહાન કરો.

વર્ષો સુધી તંત્રમાં રહેલી શુષુપ્તતા,શુષ્કતા,ચીલાચાલુ રીતરસમો, ફાઈલોની આંટીઘુંટી,નીચા લક્ષ્યો અને ભ્રષ્ટાચારના ભરડા માંથી છોડાવીને તંત્ર પાસે નવું, સારૂં અને મહાન કામ કરાવવું એ લોઢાનાં ચણાં ચાવવા જેવું હોય છે. જેમ સરદાર પટેલ An Icon Of Unity છે. તે રીતે An Icon Of New India શ્રી નરેન્દ્રભાઈ મોદી છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જ સરકારી તંત્ર પાસેથી કેવી રીતે કામ લીધું હશે કે જેના કારણે વિકાસકાર્યો અને વ્યક્તિગત યોજનાનાં લાભાર્થીઓ સુધી પહોંચવા લાગ્યાં. તે એક સંશોધન અને અભ્યાસનો વિષય છે. મેં તે નજીકથી જોવા,સમજવાનો પ્રયાસ કર્યો છે. તેઓ પ્રજાહિતના નિર્ણયોમાં સરદાર પટેલના મકકમ મનોબળની જેમ જ અડગ રહ્યાં છે. ઈર્ષ્યા,દ્વેષભાવથી વિરોધ કરતાં વિરોધીઓને કહેવાનું મન થાય કે અનેક અંતરાયો,સંઘર્ષ વચ્ચે તેમના વગર નર્મદા યોજના શું પૂર્ણ થઈ શકી હોત ? નર્મદા ડેમના દરવાજાની મંજૂરી જે કોંગ્રેસ સમયે 7 વર્ષથી નહોંતી આપી તે પ્રધાનમંત્રી બન્યાના પછી 17માં દિવસે મંજૂરી આપવામાં આવી. સરદાર પટેલને માન-સન્માન સાથે ચિર શ્રદ્ધાંજલિ આપવા વિશ્વની સૌથી ઊંચી 182 મીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી. શ્રી નરેન્દ્ર મોદી ન હોત તો ગુજરાતના ગામડામાં 24 કલાક વિજળી આપવાનો વિચાર કોઈને આવે ખરો ? ગુજરાત પછી 3-4 વર્ષ બાદ પણ અન્ય રાજયો કેમ કરી શક્યાં નહીં ? ગ્લોબલ સમિટ દ્વારા મૂડીરોકાણ,લોકોનાં ઉત્સાહ અને રોજગારી વધારવાં માટે વિવિધ પ્રકારનાં ઉત્સવો રણોત્સવ,પતંગોત્સવ,નવરાત્રી ઉત્સવ,કાંકરિયા કાર્નિવલ,કૃષિ મહોત્સવથી માંડીને અનેક આયોજનોએ પ્રજામાં આશા-રોજગારીની તકો,ચેતના ઊભી કરવાનું કામ કર્યું છે. બેટી બચાવો-બેટી પઢાવો,શાળા પ્રવેશોત્સવ,સ્વચ્છતા અભિયાન,વાંચે ગુજરાત,ખેલે ગુજરાત, જીતે ગુજરાત જેવાં સામાજીક અભિયાન દ્વારા કોન્ટીટીને ક્વોલીટીમાં ફેરવવા માટેના વિચાર કાર્યો કરવામાં આવ્યાં.

દેશનાં પ્રધાનમંત્રી બન્યાં પછી પ્રજાહિતનાં નિર્ણયો,પગલાંઓની ઝલક જોઈને એમ થાય કે જો નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ન હોત દેશનું શું થાત ? રાજકીય ઈચ્છાશક્તિ વગર દેશનાં સૈનિકો પાકિસ્તાનમાં જઈને સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક દ્વારા આતંકવાદીઓનો ખાત્મો કરી શકેત નહીં. કાશ્મીરમાં 370-35એ હટાવીને સુપ્રિમ કોર્ટના પહેલાં લાગું ન પડતાં તેવાં 106 કાયદા લાગુ કરીને ભારતની એકતા-અખંડિતતા માટેના એકશન બદલ દેશ સરદાર પટેલની સાથે નરેન્દ્ર મોદી સદીઓ સુધી યાદગાર રહેશે.મુસ્લિમ મહિલાના સ્વાભિમાન,સુરક્ષા,સશક્તિકરણ માટેનાં તીન તલ્લાકનો કાયદો હટાવવાનું કાર્ય હોય કે પછી દેશની જનતાનાં મન-હ્દયમાં રહેલી આસ્થા-શ્રદ્ધા એવા રામમંદિર પુનઃનિર્માણનું ઐતિહાસિક કામ માટે સદીઓ સુધી દેશ-વિદેશનાં તમામ ભારતીયો યાદ રાખશે. ખુલ્લામાં શૌચ કરવાથી શારીરિક તકલીફ અને સામાજીક શોષણ-શરમના વાતાવરણ માંથી મુક્ત કરીને ‘સ્વસ્છતા અભિયાન’એ નારો નહીં પરંતુ 11 કરોડ શૌચાલયોનું નિર્માણ કરીને સમગ્ર દેશને ખુલ્લામાંથી શૌચમુક્ત બનાવ્યો. કરોડો ગરીબ,દલિત, આદિવાસીની મહિલાઓ રોજ ચુલાઓ ફુંકીને પોતાની જાતને રોગજન્ય પરીસ્થિતિમાં મુકતી હતી. અંદાજીત રોજની 400 જેટલી સીગારેટના ધુમાડાંથી મુક્ત કરીને મહિલાઓ માટે શારીરિક સ્વસ્છતાનું નિર્માણ કર્યું.

હવે ૪૧ કરોડ જેટલાં ખોલાયેલાં જનધનખાતાઓ દ્વારા કરોડો-કરોડો ખેડૂતો,શ્રમિકો,મહિલા અને વિવિધ યોજનાના લાભાર્થીઓના ખાતામાં સરકારી સહાય જમા થઈ શકી છે. આઝાદી પછી પ્રથમવાર વચેટીયા દલાલ વગર જે તે યોજનાના લાભાર્થીઓને સીધે સીધાં પૈસા બેંક ખાતામાં આવે ત્યારે તેનો સુખદ અહેસાસ સામાન્ય જનતાને થઈ ગયો છે.

વિશ્વમંદી અને સંભવિત વિશ્વ યુધ્ધ જેવી અનેક પરિસ્થિતિઓની વચ્ચે અન્ય દેશોની સરખામણીમાં દેશના ગૌરવ અને સુરક્ષા માટે જનતાની ‘સેવા’ અને ‘સક્રિયતા’માં કોરોના વોરીયર્સ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘પરીશ્રમ’ અને ‘પ્રામાણિકતા’ના સિસ્ટમ ચેન્જ સાથેના ‘પરીણામ’ અને ‘પ્રગતિ’ દરેક ભારતીયને દેખાઈ રહી છે .

👉 સરદારને સન્માન, પ્રવાસનને રોજગાર અને નર્મદાના નીર માટે આભાર..

જીવન માટે જળ એ જ જીવન કહેવાય તેવી રીતે સમાજ અને દેશ માટે “એકતા” ખૂબ જરૂરી અને અનિવાર્ય હોય છે. એટલે કે “પાણી” અને “એકતા” પાણીદાર નેતૃત્વ જ આપી શકે. “નમો નર્મદા-સુખી સર્વદા” સાથે ગુજરાતના 22 જીલ્લા, 145 તાલુકા અને 9000 ગામો તથા 165 શહેરના લોકોને પાણી મળે તે માટે ઉત્તર ગુજરાતમાં સુઝલામ સુફલામ અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના સાથે અનેક ડેમો,તળાવો,નહેરોમાં નર્મદાના પાણી જોઈને ખેડૂતો અને લોકો શ્રી નરેન્દ્રભાઈ મોદીને સદીઓ સુધી યાદ રાખશે.

👉 Statue Of Unity

સરદાર પટેલની “પ્રતિભા”ને વિશ્વની સૌથી વિશાળ “પ્રતિમા”માં કંડારવાની કલ્પના,નિર્ણય,કાર્યપૂતિ કરવા માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરદાર પટેલને સન્માન આપીને દુનિયાનાં એક ટૂરીસ્ટ સ્પોટ બનાવવાની ઐતિહાસિક દૂરંદેશી લોકો સદીઓ સુધી યાદ રાખશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ભારતનું નહીં પણ દુનિયામાં યુનિટી ઓફ સ્પોટ બનશે. હવે એ દિવસો દૂર નથી. જે રીતે DG & New IPS Trainees ની કોન્ફરન્સ થાય છે. તે રીતે અનેક દેશોમાં પ્રેસિડેન્ટ World Unity ની કોન્ફરન્સ માટે મૉં નર્મદાના કિનારે કેવડીયા કોલોની આવશે. World for Unity માટે Run for Unity ના ફલેગ સરદાર પટેલના Statue Of Unity થી ફરકાવવામાં આવશે.

182 મીટરની સરદાર પટેલ પ્રતિમાની કલ્પનામાં અને આયોજનમાં એકતાનાં વિચારો સંકલ્પ,કાર્ય હતાં.

પ્રતિમા બનતાં પહેલાં ગુજરાતના તમામ ગામમાંથી જલ અને ખેડૂતનાં ઓજાર,લોખંડ પ્રતિક તરીકે અને તમામ સરપંચોનાં ફોટાઓને પણ એકત્રિત કરવામાં આવ્યાં. આ ઉપરાંત દેશના અલગ અલગ રાજયોમાં મંત્રીશ્રીઓ,ભાજપના આગેવાનો મોકલીને સરદાર પટેલના એકતા,અખંડિતતાના સંદેશ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એકતાના પ્રતિક તરીકે 1.87 લાખ ગામો માંથી લોખંડ એકત્રિત કરવામાં આવ્યું.

18500 મેટ્રીક ટન લોખંડ, 1700 મેટ્રીક ટન તાંબુ અને 70,000 મેટ્રીક ટન, સિમેન્ટના ઉપયોગથી આ વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું ગૌરવ ગુજરાત અને દેશને પ્રાપ્ત થયું છે.

Sou સાથે દેશમાં કયાંય ન હોય તેવાં વિશ્વ કક્ષાનાં ગ્લો ગાર્ડન,એકતાક્રુઝ (ફેરીબોટ),આરોગ્યવન, ચિલ્ડ્રન ન્યુટ્રીશીયન પાર્ક,જંગલ સફારી,એકતામોલ,કેકટસ ગાર્ડન,એકતા નર્સરી,એકતા દ્વારથી ગ્લો ગાર્ડન સુધીના ડેકોરેટીવ લાઈટ્સ,ટ્રેન્ટસીટી,વિશ્વવન,વેલી ઓફ ફલાવર,રીવર રાફટીંગ,ખલવાની ઈકો ટૂરીઝન, બટરફલાઈ ગાર્ડન જેવા ૧૭ જેટલાં પ્રોજેકટનાં વિશ્વમાં અજોડ પ્રવાસી સ્થળ તરીકે કેવડીયા પ્રસ્થાપિત થતું જાય છે.

પહેલાં એક વર્ષમાં 30 લાખ મુલાકાતીઓ આવ્યાં જે વિશ્વમાં પણ વિક્રમનજક છે. આગામી સમયમાં ભારતનાં કલ્ચર મુજબ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ પ્રવાસન બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

શ્રી નરેન્દ્રભાઈ મોદીનો નર્મદા- SOU -તમામ પ્રોજેકટ માટે ગુજરાત લાગણીસભર આભાર માને છે.

(લેખક ભાજપના પ્રદેશ પ્રવકતા અને પૂર્વ ધારાસભ્ય છે.)