ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્ર માટે જે યોજનાઓ શરૂ કરી હતી તેનો કેન્દ્રમાં અમલ કર્યોઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

નવસારીઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવસારી ખાતે નિરાલી ટ્રસ્ટ સંચાલિત કેન્સર હોસ્પિટલનું ઉદ્દઘાટન કરતા કહ્યું હતું કે, પોતે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે વંચિતો, ગરીબો અને મધ્યમ વર્ગ માટે જે આરોગ્ય યોજનાઓ શરૂ કરી હતી તેનો આઠ વર્ષથી કેન્દ્રમાં અમલ કરવામાં આવી રહ્યો છે.

હાઇવેની તદ્દન નજીક આવી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવીને અનિલભાઈએ(એલએન્ડટીના અનિલભાઇ નાયક ઉર્ફે એએમ નાયક) ત્રણ કામ કર્યાં છે, એક તો પિતા તરીકેનું ઋણ ચૂકવ્યું છે(સદગત પુત્રી નિરાલીના નામ પરથી હોસ્પિટલ બનાવી તેથી), બીજું ગામનું ઋણ ચૂકવ્યું છે અને સંતાનનું ઋણ ચૂકવ્યું છે. માસુમ સ્વર્ગસ્થ નિરાલી માટે આ ભાવુક શ્રદ્ધાંજલિ છે તેમ વડાપ્રધાને કહ્યું હતું.

આવા ઉમદા કામ બદલ નિરાલી ટ્રસ્ટને સાધુવાદ આપતા વડાપ્રધાને કહ્યું હતું કે ગરીબોના સશક્તિકરણ માટે સ્વાસ્થ્ય સેવા આધુનિક, સુલભ બનાવવી એટલી જ જરૂરી છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં દેશના હેલ્થસેક્ટરને સુધારવા હોલિસ્ટિક અપ્રોચ હાથ ધરવામાં આવ્યો છે. સારું પોષણ, સ્વચ્છ જીવનશૈલી, પ્રિવેન્ટિવ હેલ્થકેર સાથે જોડાયેલા વિષયો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ બાબતો સરકારની પ્રાથમિક જવાબદારીમાં આવે છે તેમ જણાવી નરેન્દ્રભાઈએ ઉમેર્યું હતું કે, ગરીબ, મધ્યમ વર્ગને બીમારીથી બચાવવામાં આવે એ જરૂરી છે. આ માટે સારવાર પર થનાર ખર્ચ ઓછામાં ઓછો હોય એ પણ આવશ્યક છે.

આજે ગુજરાતમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધર્યું છે. બાળકો, માતાઓના સારા સ્વાસ્થ્ય માટે જે પ્રયાસ થયા તેનાં પરિણામ જોવા મળે છે. નીતિ આયોગના સસ્ટેનેબલ હેલ્થ રિપોર્ટમાં ગુજરાત દેશમાં પહેલા સ્થાને આવ્યું છે.

વડાપ્રધાને જણાવ્યું કે તેમને આનંદ છે કે, મુખ્યપ્રધાન તરીકે સ્વાસ્થ્ય સેવાઓને છેક છેવાડાના લોકો સુધી પહોંચાડી હતી. મુખ્યમંત્રી અમૃતમ યોજના જે મા યોજના તરીકે ઓળખાય છે એ આ લોકકલ્યાણના વિચારનું જ પરિણામ હતું. વડાપ્રધાનપદે ચૂંટાયા પછી તેના આધારે આખા દેશમાં આયુષ્યમાન યોજનાનો અમલ કર્યો. આ યોજના હેઠળ ગુજરાતના 40 લાખથી વધુ ગરીબો સારવાર લઈ ચૂક્યા છે. આયુષ્યમાન ભારત યોજનાથી દેશના ગરીબોની રૂપિયા 7000 કરોડ કરતાં વધુની બચત થઈ હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું.

કિડનીના દર્દીઓની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. કિડની ઈન્સ્ટિટ્યૂટને આધુનિક બનાવવામાં આવી રહી છે. ડાયાલિસીસ માટે સુવિધાઓ વધારવામાં આવી રહી છે. કિડનીના દર્દીને ઘરની પાસે ડાયાલિસીસની સુવિધા મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ચિરંજીવી મહિલા યોજનાનો 14 લાખ ગર્ભવતી મહિલાઓએ લાભ લીધો, તેમ જણાવી વડાપ્રધાને કહ્યું કે, પોતે મુખ્યપ્રધાન હતા ત્યારે ઈમર્જન્સી સેવા માટે શરૂ કરેલી 108 એમ્બ્યુલન્સ સેવાની વાનો જૂની થતાં તેને વેચી દેવાને બદલે ખિલખિલાટ યોજના શરૂ કરવામાં આવી જેના હેઠળ જૂની થયેલી એમ્બ્યુલન્સનું રૂપાંતર કર્યું, ડિઝાઈન બદલી, સાયરનનો અવાજ સંગીતમય બનાવ્યો જેમાં માતા અને તેના નવજાત બાળકને ઘરે ઘરે મૂકવા જાય છે. કેન્દ્રમાં આ યોજનાઓ મિશન ઈન્દ્રધનુષ અને માતૃવંદના નામે લાગુ કરવામાં આવી હોવાની માહિતી વડાપ્રધાને આપી હતી.

Related Stories

Recent Stories