ગાંધી પરિવાર માટે સરદાર પટેલનું કોઈ મહત્ત્વ નથી, તેમના માટે પરિવાર જ અગત્યનોઃ ભાજપ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ આજે કોંગ્રેસની ભારત જોડો યાત્રા ઉપર એમ કહીને પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, આવી યાત્રા શરૂ કરતા પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલને શા માટે ભૂલી જવાયા? ભાજપે કહ્યું કે, ગાંધી પરિવાર માટે સરદાર પટેલનું કોઈ મહત્ત્વ નથી, તેમના માટે પરિવાર જ અગત્યનો છે.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે તમિલનાડુથી કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ યાત્રા શરૂ કરતાં પહેલાં રાહુલ ગાંધીએ તેમના પિતા અને સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની શ્રીપેરુમ્બુદર ખાતેની સમાધિ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

કોંગ્રેસ નેતાના આ વલણ સામે પ્રશ્ન ઉઠાવતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહજાદ પૂનાવાલાએ કહ્યું કે, વાસ્તવમાં ભારતને જોડાવાના સૌથી મોટા પ્રતીક તો સરદાર વલ્લભભાઈ પટેલ છે. ભારત જોડવાના નામે કોઈ યાત્રા શરૂ થતી હોય તો સૌથી પહેલી શ્રદ્ધાંજલિ તો સરદાર પટેલને આપવી જોઇએ, પરંતુ અફસોસની વાત એ છે કે, ગાંધી પરિવાર તેમના પરિવાર સિવાયના કોઈ રાષ્ટ્રીય નેતાઓને મહત્ત્વ આપતા નથી.

શેહજાદ પૂનાવાલાએ તેમના ટ્વિટના અંતે કટાક્ષ કર્યો છે કે, ભારત જોડો નહીં પરિવાર છોડો.

બીજી મહત્વની વાત એ છે કે જ્યાં ભારતને જોડનાર સરદાર પટેલનું જન્મસ્થાન છે, દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે ગુજરાતમાંથી ભારત જોડો યાત્રા નીકળવાની જ નથી. તેનો રુટ એ પ્રકારે રાખવામાં આવ્યો છે.

દરમિયાન, ભાજપની આ વાત વધારે સ્પષ્ટ રીતે પુરવાર થતી હોય એમ પ્રિયંકા ગાંધી વાડરાના પતિ રોબર્ટ વાડરાના ટ્વિટર હેન્ડલ પરથી આજે સવારે લગભગ 11.30 વાગ્યે એક ટ્વિટ થઈ છે જેમાં ભારત જોડો યાત્રાના પોસ્ટરમાં માત્ર ગાંધી પરિવારના સભ્યોના ફોટા જોવા મળે છે અને તેમાં રોબર્ટનો પોતાનો પણ ફોટો છે. કોંગ્રેસના બીજા કોઇપણ રાષ્ટ્રીય કે પ્રાદેશિક નેતાના ફોટા આ પોસ્ટરમાં જોવા મળતા નથી. અને પોસ્ટરને રોબર્ટ વાડરાના હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યો છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો