કેજરીવાલે અત્યાર સુધીમાં ગુજરાત ચૂંટણી માટે 20 કરોડ હવાલા મારફત મોકલ્યા

સુરતઃ  અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી માટે અત્યાર સુધીમાં હવાલા મારફત 20 કરોડ રૂપિયા અહીં મોકલ્યા હોવાનું આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. કેજરીવાલે આ તમામ રકમ વિવિધ આંગડિયા મારફત ટ્રાન્સફર કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

રાજ્યનાં તમામ મુખ્ય અખબારોએ આજે આમ આદમી પાર્ટીના આ હવાલાકાંડના અહેવાલ વિસ્તૃત રીતે પ્રકાશિત કર્યા છે.

આ અહેવાલો અનુસાર બારડોલીમાં આપના કાયર્કર પાસેથી મળી આવેલા રૂપિયા 20 લાખના કેસની તપાસ કરી રહેલી આવકવેરા વિભાગની તપાસમાં આમ આદમી પાર્ટીએ આંગડીયાઓ મારફત ટુકડે ટુકડે મંગાવેલા 20 કરોડનું હવાલા કૌભાંડ પકડી પાડ્યું છે. આ મામલામાં સુરત, અમદાવાદ, પંજાબ અને દિલ્હીની 4 જેટલી આંગડિયાપેઢીના નામ ખૂલ્યા છે. દસ્તાવેજોની તપાસ કરવામાં આવતા બીજી 3 આંગડિયા પેઢીઓ સાણસામાં આવી શકે છે. આ ત્રણ આંગડિયા પેઢીના હિસાબો ચેક કરવા માટે આઇટી ટૂંક સમયમાં નોટિસ ઈશ્યુ કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હવાલા મારફત સુરત સહિત રાજ્યનાં મહત્વનાં શહેરોમાં આવેલી રકમનો આંકડો વધી શકે છે. આઇટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આપ સાથે સંકળાયેલા દિલ્હીના પંટર અશોક ગર્ગ આઠ કરોડ આંગડિયા મારફત મોકલ્યા હતા. આ રકમ 50-50 લાખના ટુકડે ટુકડે આવી હતી. રોજ આટલી રકમ જુદી જુદી પેઢીઓમાં મંગાવી કમિશન ચૂકવી મેળવી લેવામાં આવતી હતી. ચોપડે ન દર્શાવેલી આ રકમ ગુજરાતના નાના શહેરો – હિંમતનગર, ગાંધીધામ, દાહોદ, વડોદરા, વલસાડ મોકલવામાં આવી હતી. અમુક રકમ ગાંધીનગર અને અમદાવાદ પણ પહોંચાડવામાં આવી છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર આ કેસની તપાસમાં અગાઉ અમદાવાદના મુકેશ તિવારી નામના વ્યક્તિ પાસેથી રૂપિયા 30 લાખ મળી આવ્યા હતા. આ હવાલા ટ્રાન્ઝેક્શનની કડી અશોક ગર્ગ સાથે પણ સંકળાયેલી છે.

દેશ ગુજરાત