નર્મદા યોજના અંતર્ગત નહેરોના નેટવર્ક દ્વારા રાજ્યનો ૩૨.૪૮ લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયોઃ મંત્રી
March 13, 2023
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં નર્મદા વિભાગની અંદાજપત્રીય માંગણી પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વતી જવાબ આપતાં મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં પ્રશાખા નહેરો થકી ૧૭.૦૩ લાખ હેક્ટર તથા પ્રપ્રશાખા નહેરો દ્વારા ૧૫.૪૫ લાખ હેક્ટર મળી કુલ ૩૨.૪૮ લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે. જ્યારે માર્ચ-૨૦૨૩ પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ચાલુ રાખવાનુ આયોજન છે, જે માટે આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૩૭૩૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ગૃહમાં કહ્યું હતું કે, નયા ભારતના નિર્માણમાં ગુજરાત દેશના વિકાસ ક્ષેત્રે સારથી બન્યું છે. રાજ્યનું આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર, પાણીદાર ગુજરાતનું સુદ્રઢ માળખું, માળખાકીય સવલતો, ઉદ્યોગક્ષેત્ર તેમજ પરિવહન સેવાઓનું વ્યવસ્થાપન આજે ગુજરાતના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાની સાથે દેશના અન્ય રાજ્યો માટે પણ મોડલ બન્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ વાળી ડબલ એન્જિનની સરકારનું આઝાદીના અમૃતકાળમાં વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ પણ ગુજરાતના આવનારા પાંચ વર્ષના વિકાસનો રોડમેપ નક્કી કરનારું છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્ય બંધના આનુષાંગિક કામો, પુન: વસન તથા પર્યાવરણીય કામગીરી માટે રૂ. ૧૨૪.૫૨ કરોડ, પાવર હાઉસોની જાળવણી પેટે રૂ. ૧૦૨.૬૨ કરોડ અને કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પંપીંગ સ્ટેશનના વિસ્તરણની કામગીરી તથા જાળવણી અને સંચાલન માટે રૂ ૬૭૫.૦૦ કરોડ, નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રક્ચર તથા કેનાલ ઓટોમેશનની તેમજ જાળવણીની કામગીરી માટે રૂ ૧૭૭.૫૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર માટે રૂ. ૬૨૭.૦૦ કરોડ, ઉત્તર ગુજરાત માટે રૂ.૭૩૬.૦૦ કરોડ, કચ્છ માટે રૂ.૧૦૮૨.૦૦ કરોડ તથા મધ્ય ગુજરાત વિસ્તાર માટે રૂ. ૮૩૮.૦૦ કરોડ એમ નહેરોના બાંધકામ માટે કુલ રૂ. ૩૨૮૩ કરોડની જોગવાઇ કરાઈ છે.
જ્યારે વિવિધ શાખા નહેરો તથા ગરૂડેશ્વર વિયર પર નાના વીજ મથકોના સ્થાપના માટે તથા વિવિધ શાખા નહેરો પર સ્થાપિત થયેલા વીજ મથકોની જાળવણી અને મરામત માટે રૂ. ૫૦.૦૦ કરોડ ફાળવવામાં આવ્યાં છે. નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈના પાણીના કાર્યક્ષમ ઉપયોગ થકી મહત્તમ પાક ઉત્પાદન મળે તે હેતુથી નિગમના કૃષિ એકમ દ્વારા તાલીમ, નિદર્શન, ખેડૂત શિબિર, જમીન તંદુરસ્તીની ચકાસણી વગેરે કૃષિલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવા માટે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે નવી બાબત તરીકે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ થકી અંદાજે એક લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
નર્મદા યોજનાની કામગીરી પૂર્ણતાના આરે છે તેમ જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, નર્મદા મુખ્ય નહેર શરૂઆતમાં ૧૧૩૩ ઘનમીટર પ્રતિ સેકન્ડની વહનક્ષમતા ધરાવનારી ૪૫૮ કિ.મી. લાંબી છે જે એક મોટી નદી જેટલી છે તેનું કામ લગભગ ૧૦ વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. લગભગ ૬૯,૦૦૦ કિ.મી. લાંબુ નહેરોનું માળખું જે ૧૭.૯૨ લાખ વિસ્તારને સિંચાઈનો લાભ આપશે તે માત્ર ૨૦ વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. લગભગ રૂ.૭૯,૦૦૦ કરોડના ખર્ચે આ યોજના વર્ષ ૨૦૨૫માં પૂર્ણ થવા જઈ રહી છે. વડાપ્રધાનશ્રીએ તા.૨૮/૦૮/૨૦૨૨ ના રોજ કચ્છ શાખા નહેરનું લોકાર્પણ કરીને નર્મદા ડેમથી આશરે ૭૪૨ કિ.મી દૂર માંડવી તાલુકાના મોડકુબા ગામ પાસે નર્મદાના પાણી પહોંચાડ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ૨૨ ગામોના ૧૩,૮૮૪ હેકટર વિસ્તાર માટે આશરે ૪,૦૦૦ ખેડૂતોને લાભ આપવા નવીન સિંચાઈ વ્યવસ્થા ઉભી કરવા માટે રૂ.૧૦૩ કરોડની યોજના સરકારે મંજૂર કરી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતની પ્રજાની પીવાની પાણીની જરૂરિયાતમાંથી ૮૦ ટકા જેટલી જરૂરિયાત માં નર્મદાના પાણીથી પૂરી પાડવામાં આવે છે. તેમાં ૭ મહાનગરો, ૧૯૯ નગરો તથા ૧૧,૭૭૭ ગામોનો સમાવેશ થાય છે. પિયત વિસ્તારની દૃષ્ટિએ એક તરફ ગુજરાતના ૨૦૫ બંધો અને બીજી તરફ માત્ર સરદાર સરોવર યોજના – બંનેનો પિયત વિસ્તાર લગભગ સરખો છે જે કુલ મળીને ૩૬ લાખ હેક્ટર થાય છે. આમ ૨૦૦ કરતાં વધારે બંધો જેટલું યોગદાન માત્ર સરદાર સરોવર યોજના આપી રહી છે.
નર્મદા યોજના થકી અલગ અલગ સમયે આ પિયત વિસ્તારના વિકાસ પછી કૃષિ અને સમાજજીવન પર આ યોજનાના કારણે કેવા પ્રકારનો પ્રભાવ પડ્યો તેના અભ્યાસો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, ઇરમા વગેરે જેવી ખ્યાતનામ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ પાસે કરાવવામાં આવ્યા છે. આ અભ્યાસ મુજબ કૃષિ ઉત્પાદનમાં હેકટર દીઠ લગભગ અઢી ગણી વૃધ્ધિ થવી, પશુપાલનમાં પરિવારદીઠ આવકમાં નોંધપાત્ર વધારો થવો, સામાજિક અને શૈક્ષણિક સ્તર ઊંચુ આવવું અને ખેતીની આવકમાં અનેકગણો વધારો થવો તે મુજબ લાભો નોંધાવા પામ્યા છે તેમ મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.
ગત વર્ષે સરદાર સરોવર યોજના અંતર્ગત થયેલી કામગીરીની સિદ્ધિઓ અંગે મંત્રીશ્રીએ ગૃહમાં કહ્યું હતું કે, ચાલુ નાણાંકીય વર્ષે રીવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ થકી પ્રતિ યુનિટ રૂ. ૪.૦૦ લેખે અંદાજે રૂ.૧૬૮૪ કરોડની કિમતનું કુલ ૪૨૧ કરોડ વીજ યુનિટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જે નર્મદા યોજનાના ઈતિહાસમાં સૌથી વઘારે વીજ ઉત્પાદન નોંધાયું છે. આ ઉપરાંત ચાલુ વર્ષે નહેરો પરના નાના જળવિદ્યુત મથકો થકી ૪.૧૩ કરોડ યુનિટ ઉત્પાદન થતાં કુલ ૩૦.૮ કરોડ યુનિટ તેમજ કેનાલ ટોપ અને કેનાલ બેંકના કુલ – ૨૫ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ થકી ૩.૦૮ કરોડ યુનિટ થતાં કુલ ૨૦.૭૦ કરોડ યુનિટ સોલાર વીજ ઉત્પાદન થયું છે.
આ ઉપરાંત વર્ષે ૨૦૨૨ ચોમાસામાં આવેલ ભારે પૂરના કારણે થયેલ આશરે ૫૦ મિલીયન એકર ફુટ પાણીની આવકમાંથી નર્મદા બંધ ઓવરફલો થવાના સમયગાળામાં ૧.૩૫ મિલીયન એકર ફુટ જેટલુ વધારાનું પાણી ઉપલબ્ધ થતાં તેમાંથી ઉત્તર ગુજરાત ૯૫૭ તળાવો અને સૌરાષ્ટ્રના ૧૯૬ તળાવો અને કુલ ૭૧ બંધોમાં પાણી ભરી ગુજરાતમાં સિંચાઈની અને ઘરગથ્થુ વપરાશ માટે પાણીની ઉપલબ્ધિને વધુ સુદૃઢ બનાવવાની કામગીરી નર્મદા નહેર માળખા થકી શક્ય બની છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વિધાનસભા ખાતે નર્મદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ સર્વાનુમતે પસાર કરાઇ હતી.
તાજેતર ના લેખો
- કાંકરિયા કાર્નિવલમાં આ વખતે શું શું હશે? કોણ કોણ આપશે સ્ટેજ પરફોર્મન્સ? કયો વિશ્વ વિક્રમ સર્જાશે? વાંચો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય