iNDEXTbની રાહે રાજ્યમાં એગ્રી બિઝનેશ માટે સ્થપાશે iNDEXT-A: કૃષિમંત્રી
March 14, 2023
ગાંધીનગર: કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને ઉત્પાદિત ખેતપેદાશોને આંતરરાષ્ટ્રીય બજાર મળી રહે અને પોષણક્ષમ પ્રાપ્ત થાય તે આશયથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં iNDEXTbની રાહે iNDEXT-Aની સ્થાપના કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં iNDEXT-Aની સ્થાપનાથી ગુજરાત વિશ્વમાં મોસ્ટ પ્રીફર્ડ એગ્રી બિઝનેશ ડેસ્ટિનેશન બનાવાની સાથે સાથે “ઈઝ ઓફ ડુઈંગ એગ્રી બિઝનેસ” માટે મહત્વની ભૂમિકા ભજવશે. આ યોજના વર્ષ ૨૦૨૨-૨૩માં અંતર્ગત રૂ. ૮૧૪ લાખની જોગવાઈ કરવામાં આવી છે. iNDEXT-Aની સ્થાપના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે, ટેકનીકલ સપોર્ટ એજન્સીની નિમણુંક કરી iNDEXT-Aની સ્થાપના કરાશે.
મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪નાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના કુલ ૨૧,૬૦૫ કરોડના બજેટમાં ચાવીરૂપ નવી યોજના તરીકે iNDEXT-Aની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે iNDEXT-A વિશે જણાવતા કહ્યું કે, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગને ‘સનરાઇઝ એન્ડ થ્રસ્ટ સેક્ટર’ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્થાકીય રીતે કૃષિ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે વિશિષ્ટ અભિગમ તરીકે નવા બજેટમાં રાજ્ય સરકારે iNDEXT-Aની જાહેરાત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે iNDEXTb ઉદ્યોગો માટે ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણના પ્રમોશન માટેની એજન્સી તરીકે તથા iNDEXTc કુટિર ઉદ્યોગો માટે કામ કરી રહી છે એ જ રીતે iNDEXT-Aની સ્થાપના થકી રાજ્ય સરકાર કૃષિ તથા ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોના વિકાસ માટેની વિશેષ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કૃષિ ઉદ્યોગોનાં વિશિષ્ટ લક્ષણો છે જેવા કે રો-મટીરીયલ ( ખેતપેદાશ) સીઝનલ હોય છે, સમાન ગુણવત્તા કે ધારા ધોરણ વાળી ન મળી રહે, ઓછું મૂડી રોકાણ હોય વગેરે છે જેને વિશિષ્ટ પ્રકારના હનડહોલ્ડિંગની જરૂર રહે છે. iNDEXT-A આ ભૂમિકા ભજવીને કૃષિ ઉત્પાદનોને મૂલ્ય વર્ધનની સુઆયોજિત વૃદ્ધિ તરફ લઈ જશે. iNDEXT-A મુખ્યત્વે કૃષિ રોકાણકારો અને સરકાર વચ્ચેના ઈન્ટરફેસ તરીકે કાર્ય કરશે, ગુજરાતમાં કૃષિ વ્યવસાય અને લણણી પછીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ (પોસ્ટ હાર્વેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર) કાર્યક્ષેત્રની તકો શોધતા રોકાણકારો માટે સિંગલ કોન્ટેક્ટ પોઈન્ટ તરીકે કામ કરશે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, iNDEXT-Aની સ્થાપનાથી ગુજરાતમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનું વધુ સુચારૂ રીતે તથા સંકલિત અભિગમથી અમલીકરણ થશે, જેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. કેન્દ્ર સરકારની MoFPI, APEDA, NHB, Spice Board જેવી અન્ય સંસ્થાઓ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને પ્રોત્સાહિત કરવા માટે નોડલ એજન્સી તરીકે કાર્યરત છે એવી જ રીતે iNDEXT-A ઉપરોક્ત સંસ્થાઓની યોજનાઓ માટે રાજ્ય સ્તરે નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે. iNDEXT-A વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કરવા અને સેમિનાર, B2G, B2B મીટિંગો, રોડશો જેવા કાર્યક્રમો દ્વારા વિવિધ રોકાણકારો, પ્રોસેસર્સ, નાણાકીય સંસ્થાઓ તેમજ આ ક્ષેત્રમાં રાજ્યમાં રોકાણની ક્ષમતા પ્રદર્શિત કરવા માટે “સિંગલ-વિન્ડો” પ્રદાન કરવા માટે માહિતી કેન્દ્રની સ્થાપના કરશે અને પ્રદર્શનોમાં સહભાગી થશે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
iNDEXT-Aના મુખ્ય કાર્યો વિશે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તેના કાર્યોમાં બજાર વિશ્લેષણ અને સંભવિત રોકાણકારોને માહિતી પ્રદાન કરવી, નવા નિકાસકારો/સ્ટાર્ટ-અપ્સ, એફપીઓ, ફેડરેશન, ખેડૂત જૂથો વગેરેને માર્ગદર્શન આપવું, પાકોના નિકાસને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનુ આયોજન કરવું તથા ભાગ લેવો, મૂલ્યવૃદ્ધિ, પ્રોસેસિંગ, માર્કેટિંગ અને નિકાસ પર તાલીમ, વર્કશોપ, સેમિનાર, પરિસંવાદોનું આયોજન કરવું, ઉત્પાદકોને નિકાસકારો/માર્કેટર્સ સાથે જોડવા માટે B2B અને B2G મીટિંગોનું આયોજન કરવું વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં રાજ્યમાં કૃષિ પ્રોસેસિંગ એકમો માટે મોડેલ ડીપીઆર (DPR) વિકસાવવા માટે પણ તે સહાય કરશે.
રાજ્યકક્ષાના કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે પણ જણાવ્યું હતું કે, iNDEXT-A જેવી વ્યવસ્થા વિકસાવવાની ભલામણ હસમુખ અઢિયા સમિતિએ પણ તેના અહેવાલ (2022) “ભારતને USD 5 ટ્રિલિયન અર્થતંત્ર બનવા માટે સક્ષમ બનાવવા રાજ્ય સરકારની વ્યૂહરચનામાં” ઉલ્લેખ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ખેડૂતોના ઉત્કર્ષ માટે તથા ખેત પેદાશમાં મૂલ્યવર્ધન અને નિકાસ માટે છેલ્લાં થોડાક વર્ષોમાં ૧૦,૦૦૦ FPO યોજના, પ્રધાન મંત્રી ફોર્મેલાઈઝેશન એન્ડ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ યોજના (PMFME), એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ(AIF), કૃષિ ઉડાન યોજના, ક્લસ્ટર ડેવલેપમેન્ટ પ્રોગ્રામ (CDP) વગેરે વિવિધ યોજનાઓ શરૂ કરી છે. જેના અસરકારક અમલીકરણમાં iNDEXT-A મદદરૂપ સાબિત થશે.
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે