બાગાયાતી પાકો માટે ખેતર પર માળખાકિય સુવિધા ઉભી કરવા બજેટમાં રૂ. ૧૧૯.૦૯ કરોડની નવી જોગવાઈઃ મંત્રી

ગાંધીનગરઃ કૃષિમંત્રી શ્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર કરવા અને ખેડૂતોની આવક બમણી કરવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે.ખેડૂતો બાગાયતી પાકો તરફ આકર્ષાય અને બાગાયતી ખેતી તરફ વળે એ માટે રાજય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે જેના પરિણામે રાજયમાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર વધ્યો છે.

કૃષિમંત્રી શ્રી રાધવજીભાઈ પટેલે વિધાનસભા ખાતે બાગાયત વિભાગની અદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં કહ્યુ કે,કૃષિક્ષેત્ર હેઠળ વિવિધ પાકોના વૈવિધ્યકરણને કેન્દ્રમાં રાખી રાજ્ય સરકાર દ્વારા બાગાયતી ખેતીને સવિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે. જે હેતુસર બાગાયતી યોજનાઓ માટે વર્ષ ૨૦૨૩-૨૪નાં અંદાજપત્રમાં કુલ રૂ. ૪૯૩.૭૮ કરોડની જોગવાઇ સુચવવામાં આવી છે. રાજયમાં બાગાયતી પાકોના વાવેતરની વધુ શકયતાઓ લક્ષમાં રાખી બાગાયતી પાકોના વાવેતર વિસ્‍તાર વધારવા રાજય સરકારશ્રી દ્રારા બાગાયત ખાતા મારફત ગુજરાતમાં સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમો હેઠળ સામાન્ય/અનુ. જાતિ/આદિજાતિના બાગાયતદાર ખેડુતો માટે રૂપીયા ૧૯૬.૩૨ કરોડની જોગવાઈ કરાઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી શ્રી પટેલ ઉમેર્યું કે,કેન્દ્ર પુરસ્કૃત યોજના મીશન ઓન ઈન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર અંતર્ગત પોષણ સલામતીના ભાગ રૂપે રાજ્યાના ૨૧ જીલ્લાઓમાં વિવિધ ઘટકો જેવાકે, બાગાયતી વિસ્તારમાં વધારો કરવા, રક્ષિત ખેતી, કાપણી પછીના વ્યવસ્થાપન માટે વિવિધ માળખાકીય સુવિધાઓ અને બજાર વ્યવસ્થા ઉભી કરવા માટે આગામી વર્ષ માટે કુલ રૂ. ૧૪૦.૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે. 

તેમજ રાજ્યના બાગાયતદાર ખેડુતોને ફળપાક વાવેતર માટે ગુણવત્તાયુક્ત પ્લાંટીંગ મટીરીયલ (રોપા) અંતર્ગત સહાય આપવા માટે ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ હેઠળ રૂ. ૪૫.૦૦ કરોડની નવી બાબત તરીકે જોગવાઇ કરવામાં આવી છે. 

તેમણે કહ્યું કે,“બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા ખેતર પર માળખાકીય સુવિધા ઉભી કરવા બાબત ના કાર્યક્રમ હેઠળ રૂ. ૪૦.૦૦ કરોડની જોગવાઇ અને બાગાયતી પાકોના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધરૂ/રોપા/કલમોનો ઉછેર અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત રૂ. ૨૦ કરોડની જોગવાઇ કરાઈ છે.

આ ઉપરાંત દરિયાકાંઠા તેમજ નારીયેળીની ખેતી કરતા ખેડૂતોને સહાય પુરી પાડી ગુજરાતમાં નારીયેળી પાકનો વિસ્તાર વધારવા ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ અમલી છે આ માટે આ વર્ષે રૂ. ૫.૮૫ કરોડની અને મસાલા પાક ઉત્પાદક ખેડૂતોને પ્રોત્સાહન સહાય પુરી પાડવા મસાલા પાકોના સર્ટીફાઇડ બિયારણ ઉપર સહાય યોજના હેઠળ રૂ.૫.૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે.

મંત્રી શ્રી એ ઉમેર્યું કે,રાજ્યના શહેરી વિસ્તારમાં અર્બન હોર્ટીકલ્ચર ડેવપમેન્ટનો ઘણો અવકાશ રહેલો છે. શહેરી યુવાનોને રોજગાર લક્ષી કૌશલ્યવર્ધન માળી તાલીમ આપવા માટે રાજ્યની આઠ મહાનગરપાલિકા માં તાલીમ માટે અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત રૂ. ૩.૨૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

તાજેતર ના લેખો