શાળા પ્રવેશોત્સવની ૧૮મી શૃંખલા આગામી તા.૧૨ થી ૧૪ જૂન-ર૦ર૩ દરમિયાન
May 24, 2023
ગાંધીનગરઃ પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ-ર૦૦૩થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૮ મી શૃંખલા આગામી તા. ૧૨ થી ૧૪ જૂન-ર૦ર૩ દરમ્યાન યોજાશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં થશે.
ચાલુ વર્ષે યોજાનાર શાળા પ્રવોશોત્સવ કાર્યક્રમ અંગે આજે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરીને આખરી ઓપ અપાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યભરના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો કાર્યક્રમ તા. ૧૨- ૧૩-૧૪, જૂન-૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. રાજય કક્ષાએથી મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ, IAS, IPS, IFS કક્ષાના અધિકારીશ્રીઓ, સચિવાલયના અધિકારીશ્રીઓ આ પ્રવેશોત્સવ કાર્યક્ર્મમાં શાળાએ-શાળાએ જઇ બાળકોને પ્રવેશ અપાવશે.
જૂન-૨૦૨૩ના શરૂ થતા ચાલું શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણ માટે દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તેથી આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોનો પણ પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત દરવર્ષની જેમ આંગણવાડી અને ધોરણ-૧ માં પ્રવેશ પામતા બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જે બાળકોની ઉંમર ૧ લી જૂનના રોજ ૫(પાંચ) વર્ષથી વધુ અને ૬(છ) વર્ષ કરતા ઓછી હશે તેને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે, અને જે બાળકની ઉંમર ૧ લી જૂનના રોજ ૬(છ) વર્ષથી વધુ અને ૭(સાત) વર્ષ કરતા ઓછી હશે તેને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવશે.
પ્રવકતા મંત્રીએ કહ્યું કે, જન્મ-મરણ નોંધણીના રજીસ્ટર પરથી મળેલા આંકડાઓ અનુસાર જૂન-૨૦૨૩ થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં અંદાજે ૯,૭૭,૫૧૩ વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવશે, અને ૨,૩૦,૦૧૯ વિદ્યાર્થીઓ ધોરણ-૧માં પ્રવેશ મેળવશે. રાજય કક્ષાએથી તથા જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત રહેનાર મહાનુભાવો દિવસ દરમિયાન ત્રણ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. મહાનુભાવો દ્વારા શાળાઓની શૈક્ષણિક સિધ્ધિઓ, ભૌતિક સુવિધાઓ અન્ય ઉપલબ્ધિઓની શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેસી સમીક્ષા કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક તથા સહશૈક્ષણિક પ્રવૃતિઓમાં ઉચ્ચ સિધ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને તાજેતરમાં રાજય સરકાર દ્વારા ધોરણ-૫ ના વિદ્યાર્થીઓની લેવાયેલ કોમન એન્ટરન્સ ટેસ્ટમાં કટ-ઓફ કરતા વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. કોમન એન્ટરન્સ ટેસ્ટનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે