જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગર: તા.૦૧/૦૫/૧૯૬૦થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે.

આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે.

રાજ્યના જે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટ્સમાં સંપાદિત થઈ છે પરંતુ જે તે વખતે એ ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શકેલા ખેડૂતો કે જે ખેડૂત મટી ગયા છે તેમને મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયના પરિણામે ખેતી કરવાનું પ્રોત્સાહન મળશે.

આ ઉપરાંત જે ખેડૂત પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે ખેડૂત મટી જતા હતાં.

આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા. એવી રજૂઆતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ અવારનવાર ખેડૂતો દ્વારા આવી હતી.

આવી રજૂઆતોના સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, હવે પછી પોતાની ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયા બાદ કોઈ ખેડૂત, ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે.

આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિન ખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે.