કોવિડ-19ની વિવશતા વચ્ચે ……… ફૂટબોલ ? ના, ફૂસબોલ !

શ્રી પરિમલ નથવાણી દ્વારા

Parimal Nathwaniજુલાઇ 27, 2020: આપણે ત્યાં કહેવાય છે કે ‘આવશ્યકતા આવિષ્કારની જનની છે.’ કોરોના કાળમાં મેદાની રમતો ઉપર જે પ્રતિબંધો લાદવામાં આવ્યા, તેને લીધે ખેલાડીઓની મનોદશા શું થઇ હશે તે સમજી શકાય તેવી બાબત છે. તેમાંય ફૂટબોલ જેવી મર્દાની રમતની તો પ્રત્યેક પળ ઉત્તેજનાપૂર્ણ હોય છે જ્યાં ખેલાડીઓના તો ઠીક પ્રેક્ષકોના શ્વાસ પણ અધ્ધર થઈ જતા હોય છે.

જો કે ખાલી સ્ટેડિયમોમાં ફૂટબોલ મેચો રમવાનું યુરોપમાં શરૂ થઇ ગયું છે. પરંતુ ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં હજારો ચાહકોની સામે રમવાનો રોમાંચ કંઇ જુદો જ હોય છે! આ સંજોગોમાં ફૂટબોલ જ્યાં ‘રાષ્ટ્રીય રમત’ જેવો મોભો ધરાવે છે તે આર્જેન્ટિનાના ફૂટબોલ પ્રેમીઓએ કોરોનાના ‘સોશ્યલ ડિસ્ટન્સિંગ’ જેવા સિદ્ધાંતો જળવાઇ રહે અને મેદાની ફૂટબોલ રમવાનો રોમાંચ પણ મળી રહે તેવો ઉપાય શોધ્યો છે.

‘મેટેગોલ હયુમેનો’ અર્થાત્ ‘હયુમન ફૂસબોલ’ ના નામે આર્જેન્ટિનાના ફૂટબોલ પ્રેમીઓએ કોરોના મહામારી દરમ્યાન ફૂટબોલ રમતનો એવો અસલ વિકલ્પ શોધ્યો છે, જેમાં મેદાની ફૂટબોલની મજા પણ મળે અને કોરોના સામેના સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનો ભંગ પણ ન થાય.

આર્જેન્ટિનાથી એસોસિયેટેડ પ્રેસના એક વિસ્તૃત અહેવાલ મુજબ નવા પ્રકારના ફૂટબોલની રમતની આ વિશિષ્ટ શોધ મુજબ ફૂટબોલના મેદાનને સફેદ પટ્ટાથી 12 સમાન લંબચોરસ ખાનાંઓમાં વિભાજિત કરવામાં આવે છે. દરેક ખેલાડીએ આખા મેદાનમાં દોડાદોડી કરવાને બદલે પોતાના નિર્ધારિત ખાનાની જગ્યાએ જ રહેવાનું; જો કે તે બોલ ગમે તે લંબચોરસ ખાનામાં મોકલી શકે! ખેલાડીઓ પોતાના નિશ્ચિત ખાનામાં રહી બોલ સાથે ઉછળ કૂદ કરી શકે. બીજો સુધારો એ કરાયો છે કે ખેલાડીઓ બોલની પાછળ દોડવા અને કૂશળતાપૂર્વકનું ફૂટવર્ક કરવાને બદલે બોલને પાસ કરવા પર અથવા દૂર ફેંકવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે.

આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એર્સથી 240 કિ.મી. દૂર પેરગામિનો શહેરના પ્લે ફૂટબોલ 5 સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં વેન્ડે હુમો ફૂટબોલ કલબ અને લૉસ પિસ્મોસ દ સિમ્પ્રે એમેચ્યોર ટીમોએ આ નવા સ્વરૂપની ફૂટબોલ રમતનો પ્રયોગ કર્યો. ખેલાડીઓ રમતી વખતે, બોલ શૂટ કરતાં (ફેંકતી વખતે) કે ગોલ બચાવતી વખતે પણ પોતાની લાઇનની બહાર ન જઇ શકે. પોતાની નિર્ધારિત જગ્યાની બહાર નીકળ્યા તો પેનલ્ટી લાગે.

સો દિવસના લોકડાઉનના દુકાળ બાદ આ ટીમોના ખેલાડીઓ ફૂટબોલ આ નવા સ્વરૂપે રમ્યા ત્યારે તે સૌએ કબૂલ્યું કે તેમને બહુ સારૂં લાગ્યું. કારણ કે આર્જેન્ટિનામાં ફૂટબોલના શિખાઉ ખેલાડીઓ રમતનાં મેદાનો ભાડે રાખતા હોય છે. પ્રોફેશનલ ફૂટબોલ બંધ હોય, ટ્રેનિંગ પણ ન ચાલતી હોય તેવા સમયે આ નવા પ્રકારના મેદાની ફૂટબોલથી તેમણે રાહતનો શ્વાસ લીધો અને સંતોષ મેળવ્યો!

આ નવા પ્રકારના ફૂટબોલમાં દરેક ટીમમાં પરંપરાગત 11 ખેલાડીઓને બદલે બન્ને ટીમોમાં પાંચ પાંચ ખેલાડીઓ હોય છે. જો કે ફૂટબોલની રમતનો ઘણો ખરો જાદુ અને રોમાંચ આ નવા પ્રકારના ફૂસબોલમાં નથી મળતો તે હકીકત છે, કારણ કે અહીં ‘સામાજિક દૂરી’ જળવાઈ રહે એ મુખ્ય મુદ્દો છે.

લિયોનલ મેસી કે મેરાડોના જેવા અદભૂત ખેલાડીઓની જગતને ભેટ આપનારા ફૂટબોલ માટે જબર્દસ્ત ઘેલા એવા આર્જેન્ટિનાની પ્લે ફૂટબોલ 5 કોમ્પલેક્સના માલિક ગુસ્તાવો સિઉફોએ ઇજાદ કરેલી નવા પ્રકારના આ ફૂટબોલની રમત આર્જેન્ટિનાના અન્ય ભાગોમાં પણ પ્રસરી રહી છે. કોરોનાનો ચેપ આર્જેન્ટિનાના આ પેરગામિનો શહેરમાં પ્રમાણમાં ખૂબ ઓછો હતો તે સંજોગોનો લાભ લઇ ગુસ્તાવોએ આ નવો પ્રકાર ઇજાદ કર્યો. સત્તાવાળાઓએ તેને માન્ય કર્યો. ગુસ્તાવો સિઉફોનું કહેવું છે કે ‘કોરોનાના કપરા કાળમાં ફૂટબોલ રમવાનો ઉપાય શોધી કાઢવાનો મને આનંદ છે.’

સામાન્ય રીતે વૈજ્ઞાનિક શોધખોળોના સંદર્ભમાં વપરાતી આ ઉક્તિ કે ‘આવશ્યકતા આવિષ્કારની જનની છે’, તે ફૂટબોલ જેવી રમત માટે પણ સાર્થક બને ત્યારે દરેક ફૂટબોલ પ્રેમીને આનંદ થાય તે સ્વાભાવિક છે.

(શ્રી પરિમલ નથવાણી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ અને રાજ્ય સભાના સાંસદ છે.)