ગુજરાતમાં ફૂટબોલ : ફૂટબોલમાં ગુજરાત
December 11, 2020
–પરિમલ નથવાણી
કોરોનાના પરિણામે ઉદ્ભવેલી પ્રવર્તમાન મહામારીની સ્થિતિમાં મેદાની ફૂટબોલ તો જો કે માર્ચ મહિના પછી સદંતર બંધ જ છે, છતાં ઘણાને મૂંઝવતો એક પ્રશ્ન હોઈ શકે કે ગુજરાત અને ફૂટબોલને શું લાગે-વળગે? બહુ બહુ તો ક્રિકેટ સર્વવ્યાપી ખરું, પણ ગુજરાતમાં ફૂટબોલ?
જો કે ઘણાને નવાઈ લાગે તેવી વાત એ છે કે તાજેતરમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ એસોસિએશન દ્વારા દેશભરના રાજ્યોના ફૂટબોલ એસોસિએશનોની કામગીરીના મૂલ્યાંકન અને ગ્રેડિંગ સંબંધી 2019-20નો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાતનો ક્રમાંક કહેતાં ગ્રેડ બારમા સ્થાને છે! અહેવાલનો અભ્યાસ કરતા જણાયું છે કે ઝારખંડ, આસામ કે હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યો કે જ્યાં ફૂટબોલ વધુ પ્રચલિત છે, વધુ રમાય છે અને વધુ સુવિધા ધરાવે છે તે રાજ્યો કરતાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે.
એટલું જ નહીં, ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન (FIFA) દેશના કેટલાંક રાજ્યોમાં ફૂટબોલના વિકાસ માટે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ થકી વધુ પ્રોત્સાહન આપે છે. તેવા ઓરિસ્સા તથા જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોની સરખામણીએ પણ ગુજરાતની કામગીરી વધુ સારી છે તેવું આ અહેવાલનું તારણ છે. ગુજરાતમાં ફીફાનો કોઇ પ્રોજેક્ટ નહિ હોવા છતાં પણ!
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)ની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ લગભગ 25-30 જિલ્લા એસોસિએશનો અને કેટલીક ખાનગી ક્લબો દ્વારા છેક જમીની સ્તરે ફૂટબોલના ખેલાડીઓ તૈયાર કરવાની જે નક્કર કામગીરી થઇ રહી છે તેને લીધે ગુજરાતમાં ફૂટબોલની રમત ખૂબ ઝડપથી બાળકો અને યુવાનોમાં લોકપ્રિય થઇ રહી છે. ગુજરાત રાજ્યની ખેલનીતિ, ખેલ મહાકુંભ જેવાં આયોજનો, રાજ્યની સ્પોર્ટ્સ ઓથોરિટી જેવી પ્રોત્સાહક સરકારી એજન્સીઓ, ટ્રાન્સસ્ટેડિયા વગેરે જેવી સવલતોએ પણ ફૂટબોલની રમતને રાજ્યમાં મોકળું મેદાન વિકસવા માટે પૂરું પાડ્યું છે.
ગુજરાતમાં અનુભવી ખેલાડીઓની પણ એક એવી ફોજ છે જે બાળકો અને યુવા ખેલાડીઓને નિરંતર પ્રોત્સાહન પૂરું પાડે છે. ગુજરાત વેટરન ફૂટબોલ એસોસિએશન આ ભૂતપૂર્વ ખેલાડીઓએ રચ્યું છે. સંતોષ ટ્રોફી રમી ચૂકેલા એક એવા વેટરન ખેલાડી વિજય કચ્છીનું હમણાં થોડા દિવસો પહેલાં જ અવસાન થયું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ વગેરેમાં આવા નામી-અનામી ખેલાડીઓ ગુજરાતમાં ફૂટબોલનું સ્તર ઊંચું આવે તે માટે સતત ચિંતિત, કાર્યરત અને પ્રયત્નશીલ છે.
વર્ષ 2008માં પહેલીવાર ઝારખંડથી રાજ્ય સભામાં ચૂંટાયા પછીની મારી ઝારખંડની પહેલી મુલાકાત વેળાએ હું કેટલાંક અંતરિયાળ ગામોમાં ગયો. ગામોની જરૂરિયાત મુજબ ત્યાં સુવિધાઓ ઊભી કરવી તેવો ઉદ્દેશ્ય હતો. સામાન્ય રીતે ગામના સરપંચ અને બે ચાર અગ્રગણ્ય લોકો વાત કરે. એક ગામમાં ગયો ત્યાં ચાર પાંચ જુવાનિયા જ આવ્યા! ગામનું નામ હતું કવાલી. તે છોકરાઓએ કહ્યું કે અમારી પાસે ખુલ્લું મેદાન છે. ગામમાં ફૂટબોલ માટે ખૂબ ક્રેઝ છે. આજુબાજુનાં ગામો સાથે ફૂટબોલ ટુર્નામેન્ટો રમાય છે. તે મેદાનને સમથળ કરી ફૂટબોલ સ્ટેડિયમ જેવી પ્રાથમિક સુવિધા તમે કરી આપો તો સારું! મને આશ્ચર્ય થયું. કવાલી પહેલાં જે એક બે ગામોમાં ગયો હતો ત્યાં મુખ્યત્વે સ્કૂલના ઓરડા, સડક વગેરેની જરૂરિયાતનું જ લોકોએ કહ્યું હતું. પરંતુ કવાલી ગામની આ પ્રકારની જરૂરિયાત સાંભળીને આશ્ચર્ય થયું અને આનંદ પણ થયો. ફૂટબોલ માટેની કેવી જાગરુકતા! તેમને જોઇતું કામ કરાવી શક્યો અને બીજાં ગામોમાં પણ ફૂટબોલની રમતના પ્રોત્સાહન માટે કામ કર્યું.
વિચારતો હતો કે ગુજરાતમાં તો ફૂટબોલ માટેની આ પ્રકારની ધગશ, આ પ્રકારનો લગાવ કે આવું વળગણ ક્યાંથી જોવા મળે? પણ સાવ એવું નથી! ગુજરાતમાં પણ ફૂટબોલ માટે આ પ્રકારની ધગશ, આ પ્રકારનો લગાવ કે આવું વળગણ જોવા મળી શકે છે. એક ઉદાહરણ પૂરતું છે.
પાટણ જિલ્લાનું મહાદેવપુરા સાપરા ગામ. ઠાકોર કોમની મુખ્ય વસતી. આ ગામની સાતથી આઠ છોકરીઓ ફૂટબોલમાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે. કેવી રીતે તે એક રસસ્પ્રદ બાબત છે. આ ગામમાં એક જ સ્કૂલ. છોકરીઓ વધુમાં વધુ એક થી સાત ધોરણ સુધી જ ભણતી. એક શિક્ષકને ફૂટબોલમાં રસ ખરો. તે જાતે ખેડૂત. રંગતજી ઠાકોર એમનું નામ. તેમણે મહેનત કરી ગામના તળાવની જમીન સમથળ કરીને મેદાન બનાવ્યું. છોકરીઓને ફૂટબોલ રમાડવાનું શરૂ કર્યું. છોકરાઓ આવે, પણ બહુ ઓછા. બહુ રસ પણ ન લે. છોકરીઓએ ફૂટબોલમાં એવો રસ લેવાનું શરૂ કર્યું કે આજે તે ગામની સાતથી આઠ છોકરીઓ નેશનલમાં રમતી થઈ છે.
અન્ડર-14, અન્ડર-17 અને સીનિયરમાં આ ગામની છોકરીઓ જ અવ્વલ હોય. હવે સ્થિતિ એ થઈ છે કે ગામની છોકરીઓ પહેલાં જે માત્ર સાત ધોરણ સુધી વધુમાં વધુ ભણતી હતી તે હવે કોલેજમાં ભણતી થઈ છે. ગુજરાતમાં ફૂટબોલનો આ છે પ્રતાપ!
આવાં ઘણાં ઉદાહરણો જોવા મળી શકે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર વિગેરે શહેરોમાં ખાનગી અને સરકારી સગવડો, ફૂટબોલ ક્લબો, એકેડેમીઓ વિગેરેને લીધે ફૂટબોલનો વ્યાપ નિરંતર વધતો જાય છે.
ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ‘અત્ર લુપ્તા સરસ્વતી‘ની જેમ ગુજરાતમાં પણ ફૂટબોલ માટે અદૃશ્ય રીતે એક વિશેષ વળગણ બની રહ્યું છે. કોવિડ-19ને લીધે પણ ગુજરાતમાં ફૂટબોલ બહુ દેખા નથી દેતો. પરંતુ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ફૂટબોલના અહેવાલને બે પંક્તિઓની વચ્ચે વાંચીએ તો ગુજરાતમાં ફૂટબોલ મક્કમ રીતે આગળ ધપે છે તેમ જણાય છે.
ભારતીય ફૂટબોલે દેશનાં અલગ અલગ રાજ્યોને ત્રણ ગ્રેડમાં વિભાજિત કર્યાં છે. ગ્રેડ એકમાં સ્કોર વધુમાં વધુ 10 અને ઓછામાં ઓછો 2.9 રાખવામાં આવ્યો છે અને તેમાં ગુજરાત 3.1ના સ્કોર સાથે બારમું સ્થાન પ્રાપ્ત કરે છે. વધુમાં, ગુજરાત આઠ ફૂટબોલ એકેડેમીઓની માન્યતાના સમર્થન સાથે દિલ્હી કે ઝારખંડ જેવાં રાજ્યો કરતાં પણ વધુ આગળ પ્રથમ નંબરે છે.
ગુજરાતમાં જૂના નવા ખેલાડીઓ કોચ, રેફરી તરીકેની માન્યતા ધરાવે છે અને સંખ્યાબંધ ઉગતા ખેલાડીઓને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાત ફૂટબોલના નિષ્ણાતો રાષ્ટ્રીય કક્ષાએ મેચ રેફરી જેવી સેવાઓ માટે બોલાવાય છે. કોવિડ-19ની પરિસ્થિતિ દરમ્યાન પણ ઓન લાઇન વેબિનાર અને શૈક્ષણિક સત્રોમાં મોટી સંખ્યામાં ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓ, કોચ, રેફરી વિગેરે ઉત્સાહપૂર્વક ભાગ લઈ ફૂટબોલ પ્રત્યેની તેમની ફરજ અને જાગરૂકતા જાળવી રાખવા કાર્યરત અને પ્રયાસરત રહે છે.
ગુજરાતમાં ફૂટબોલના એક મહત્વના પડાવ તરીકે ભારતીય ફૂટબોલ ફેડરેશન દ્વારા વર્ષ 2020-21ની વેસ્ટ ઝોન પુરુષોની જૂનિયર નેશનલ ફૂટબોલ કપ સ્પર્ધા માટે ગુજરાત પર પસંદગી ઢોળવામાં આવી છે જેથી ગુજરાતના ફૂટબોલ પ્રેમીઓ ઉત્સાહિત છે. એટલું જ નહિ, આઈ- લીગ માં ભાગ લેવા માટેની તૈયારીઓ કરવા ગુજરાતની મહિલા ફૂટબોલ ખેલાડીઓ ખૂબ જ ઉત્સુક છે.
જો કે વર્તમાન કોવિડ મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેની તારીખો હવે નક્કી કરવામાં આવશે અને માર્ગદર્શક રૂપરેખા તૈયાર થશે. કોવિડની સ્થિતિ બહુ ઝડપથી હળવી થઇ જતાં ગુજરાતમાં ફૂટબોલ ફરી એક વાર મેદાન પર આવશે! કોવિડ કે નહિ કોવિડ, એક વાત તો નક્કી છે કે ગુજરાતમાં ફૂટબોલ અને ફૂટબોલમાં ગુજરાત પોતાનું મજબૂત સ્થાન બનાવી રહ્યાં છે.
(રાજ્ય સભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાઇરેક્ટર શ્રી પરિમલ નથવાણી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના અધ્યક્ષ છે.)
Related Stories
Football in Gujarat Has a Very Bright Future ; Special article by GSFA chief Parimal Nathwani
GSFA announces the first ever Gujarat State Club Football Championship
GSFA Organises the 1st Ever Futsal Championship in Gujarat
કોવિડ-19ની વિવશતા વચ્ચે ......... ફૂટબોલ ? ના, ફૂસબોલ !
કોરોનાના પડકારમાં છુપાયેલી તકો
Recent Stories
- ISKCON Ahmedabad Mandir Protests Over Justice For Hindus In Bangladesh
- Gujarat Gas Hikes CNG Prices Again, Impacting 22 Lakh Vehicle Owners
- Dhari to become 160th Municipality in Gujarat
- Railway Minister visits Austrian company's largest manufacturing plant in the world in Gujarat
- Road-side food cart operators and local residents clash in Vastrapur
- 13-Day Long Saptak Music Festival 2025 to Honor Legacy of Co-Founder Manju Mehta
- Trump Names Kash Patel As New FBI Director; Know More About His Gujarati Origin