આજવા બંધ વડોદરામાં સરેરાશ 39 ઇંચ વરસાદ પડે તે માપે બંધાયો હતો, હવે સરેરાશ થઇ છે 42.24 ઇંચ

જપન પાઠક

વિશ્વામિત્રી નદીનો છલકાવવાનો અને ચોમાસામાં અતિ વધુ વરસાદના કિસ્સામાં પૂર લાવવાનો સ્વભાવ કેમ્પબેલના લખાણોમાં સારી પેઠે વર્ણવાયો છે. કેમ્પબેલે બોમ્બે પ્રેસિડેન્સીના ગેઝેટીયર્સનું લખાણ લખ્યું તે આજવા બંધ બંધાયો તે પહેલાનો સમયગાળો હતો.

આ લેખમાળાનો અગાઉનો લેખઃ વડોદરામાં વિશ્વામિત્રીના પૂરનો લાંબો ઇતિહાસ છે ; 19મી સદીમાં કેમ્પબેલે લખ્યું હતું ચોમાસામાં આ નદી અવારનવાર છલકાય છે

Read this article in English: Ajwa Dam was built based on annual average 39 inches rain in Vadodara; it’s now 42.24 inches and rising

1894ના ધ ઇન્સ્ટિટયૂટ ઓફ સિવિલ એન્જીનીયર્સના જેમ્સ ફોરેસ્ટ દ્વારા સંપાદિત ગ્રંથ ઇમ્પાઉન્ડીંગ- રિઝર્વોયર્સ ઇન ઇન્ડિયા એન્ડ ધ ડિઝાઇન ઓફ મેસનરી ડેમ્સમાં ધી બરોડા વોટરવર્ક્સ નામનું પ્રકરણ ખુદ આજવા બંધને ડિઝાઇન અને પ્લાન કરનાર તથા અમલમાં ઉારનાર જગન્નાથ સદાશિવજીએ લખ્યું છે.

સદાશિવજી લખે છે કે શરુઆતનો વિચાર વડોદરાને પાણીનો નવો પુરવઠો નર્મદા નદીમાંથી પહોંચાડવાનો હતો જે 1866માં મહારાજા ખંડેરાવે વ્યક્ત કર્યો હતો (ફીલીપ સર્જન્ટે 1928માં પુસ્તક ધી રુલર ઓફ બરોડામાં લખ્યું છે કે વડોદરાને સારું પીવાનું પાણી પહોંચાડવા માટે આતુર ખંડેરાવે નર્મદા નદીથી વડોદરા સુધીનો વોટરવે(જળમાર્ગ) તૈયાર કરવાની રુપિયા 36 લાખની યોજના પર કામ હાથ ધર્યું હતું. પરંતુ બીજા જ વર્ષે આ યોજના અવ્યવહારુ જણાઇ હતી અને તેથી ખંડેરાવે તે માટેની રકમ મકરપુરા મહેલમાં નવા કિંમતી આભૂષણો ખરીદવા તથા ચાંદીની બે બંદૂકોના કાસ્ટીંગ માટે અને લોકો માટે રમત ગમતનું સંકુલ તૈયાર કરવા મોકલી દીધી હતી.)

સદાશિવજી વધુમાં લખે છે કે 1.20 લાખની વસ્તીવાળું વડોદરા નજીકમાં જે હોય તે કૂવા અને તળાવના પાણી પર નિર્ભર હતું. 1866માં ખંડેરાવે સૌ પ્રથમ વખત નર્મદામાંથી પાણી લાવવાનો વિચાર મૂક્યો પછી આના પર એ. ડબલ્યૂ. ફોર્ડે સંશોધન હાથ ધર્યું. સંખ્યાબંધ ઇજનેરોએ આના પર કામ કર્યુ અને અન્ય યોજનાઓ પર પણ વિચાર થયા અને તપાસ હાથ ધરાઇ.

આના અંતે નર્મદા નહીં પરંતુ સૂર્યા નદી પર યોજના તૈયાર કરવાનો નિષ્કર્ષ નીકળ્યો.

જગન્નાથ સદાશિવજી કહે છે કે તેમણે જાફરપુર સ્થિત સૂર્યા નદીમાંથી પાણી લાવવાની યોજના મહારાજા ગાયકવાડ સમક્ષ મૂકી. 1883માં તેમણે આ માટે સર્વે હાથ ધર્યો અને ગાયકવાડે 26 નવેમ્બર 1884માં યોજનાને મંજૂરી આપી, જે પછી જાન્યુઆરી 1885માં યોજના પર કામ શરુ થઇ ગયું. 30 લાખ ગેલનના રોજિંદા પાણી પુરવઠા માટે વડોદરાના 1.20 લાખ લોકોને આવરી લેવાતા બંધનું આયોજન થયું.

બંધમાં જ્યાંથી વરસાદી પાણી આવે તે આવરાનો વિસ્તાર (કેચમેન્ટ) 36.2 ચોરસ માઇલનો હતો. પાણીનું સ્તર જ્યારે સૌથી ઉંચું હોય ત્યારે જળનો ફેલાવો 4.72 ચોરસ માઇલનો થવાનો હતો.

એ નોંધવું રસપ્રદ છે કે આજવા બંધના આયોજન વખતે વડોદરાનો ત્યારના પાછલા સત્તર વર્ષનો સરેરાશ વરસાદ 39 ઇંચ હોવાથી તે આંકડો ધ્યાને લાવામાં આવ્યો હતો. સાથે જ્યાંથી પાણીનો આવરો હતો તે હાલોલ પૂર્વ દિશામાં અને જ્યાં પાણી જવાનું હતું તે વડોદરા પશ્ચિમ દિશામાં – એ બેઉનો સરેરાશ વરસાદ પણ સરખાવવામાં આવ્યો હતો(આજે 2024ની સ્થિતીએ પણ પાછલા દસ વર્ષના હાલોલ અને વડોદરાના સરેરાશ વરસાદના આંકડા જોઇએ તો તે એકદમ સરખા આવે છે).

10-year average rainfall in Vadodara (in Inches)
Year Average Period Vadodara
2015 1985-2014 38.03
2016 1986-2015 38.46
2017 1987-2016 38.78
2018 1988-2017 39.09
2019 1989-2018 38.94
2020 1990-2019 40.75
2021 1991-2020 41.3
2022 1992-2021 41.77
2023 1993-2022 42.2
2024 1994-2023 42.24

જો આજની વાત કરીએ તો વડોદરાના વરસાદની દસ વર્ષની સરેરાશ વધીને 42.24 ઇંચ થઇ છે(2024ની સ્થિતીએ). હજુ દસ વર્ષ પહેલા 2015માં આ સરેરાશ આંકડો 38.03 ઇંચનો હતો જે આજવાનું આયોજન વરસાદના જે માપે થયું તેની નજીકનો આંક઼ડો હતો. પાછલા દસ જ વર્ષમાં 2015થી 2024 વચ્ચે વડોદરામાં વરસાદનો સરેરાશ આંકડો 38.03થી 42 ઇંચ ઉપરાંત પર પહોંચ્યો છે. હાલોલનો પાછલા દસ વર્ષનો સરેરાશ વરસાદનો આંકડો પણ 42 ઇંચની જ આસપાસ છે. પાછલા દસ વર્ષોમાં સરેરાશ વરસાદનો આંક સતત વધતો રહ્યો છે અને 39 ઇંચના જે રેફરન્સ પોઇન્ટ પર આજવાનું આયોજન થયું હતું તે હવે અપ્રસ્તુત થઇ ગયો છે.

આજવા બંધ 1.20 લાખ લોકોને પાણી પુરવઠો પહોંચાડવા માટે બંધાયો હતો જ્યારે આજે વડોદરાની વસ્તી 30 લાખથી વધુની છે. વડોદરા એ ગુજરાતનું ત્રીજું સૌથી મોટું શહેર છે પરંતુ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ વડોદરા બે પાડોશી રાજ્યો રાજસ્થા્ન અને મધ્યપ્રદેશની રાજધાનીના સૌથી મોટા શહેરો કરતા મોટું છે.

આજવા બંધનું આયોજન અને બાંધકામ વડોદરા શહેર માટે પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે થયું હતું. પરંતુ 2024ની સ્થિતીમાં આજવા એ વડોદરા માટે પાણીનો મુખ્ય સ્ત્રોત નથી. સરફેસ વોટરની દ્રષ્ટિએ તે મોટો અને મુખ્ય સ્ત્રોત ખરો પરંતુ સમગ્રતયા નહીં. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા જોઇએ તો આજવા આજે વડોદરાની 457 એમએલડી પાણીની જરુરિયાત પૈકી 145નું પ્રદાન કરે છે, જ્યારે 250 મહી નદીના રેડિયલ કલેક્ટર વેલ્સમાંથી, 25 ટયુબ વેલ્સમાંથી અને 37 ખાનપુર નર્મદા નદીના પટમાંના ઇન્ટેક વેલ-વોટર ટ્રીટમેન્ટ-ફીલ્ટરેશન પ્લાન્ટ અને 8 કિલોમીટર લાંબી ટ્રાન્સમીશન લાઇનની વ્યવસ્થામાંથી આવે છે. આ વ્યવસ્થા વાસ્તવમાં 75 એમએલડીની ક્ષમતા માટે વિકસાવાઇ છે.

વડોદરાની વસ્તીના અંદાજ મુજબ 2040માં 36.2 લાખની વસ્તીને પાણી પુરવઠો આપવા માટે 273 એમએલડીનો વધારાનો પુરવઠો જોઇશે જે માટે નવા સ્ત્રોત ઉભા કરવાની જરુર પડશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જેએનએનયુઆરએમ યોજના હેઠળ 1000 લાખ રુપિયાના ખર્ચે આજવા સયાજી સરોવરની સંગ્રહ ક્ષમતા 1879 એમસીએફટીથી વધારીને 2231 એમસીએફટી કરી છે.

જ્યારે સયાજી સરોવર – આજવા ડેમની વાત કરતા હોઇએ ત્યારે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ તેના લોકાર્પણ પ્રસંગે 29 માર્ચ 1892ના દિવસે આપેલ પ્રવચનમાંના કેટલાક હિસ્સા અહીં ટાંકવા ઉપયુક્ત રહેશે.

Present Water Supply Scenario of  Vadodara City
Ajwa / Nimeta 145 MLD
Radial Collector Wells 250 MLD
Tube wells 25 MLD
Khanpur 37 MLD
Total 457 MLD

‘ક્રમાનુસાર જોઇએ તો મારા વિચારોમાં અગ્રીમતા રેલવેની હતી. હું રાજી છું કે 118 માઇલ રેલવે તૈયાર થઇ ગઇ છે અને આપણે વધુ આગળ પ્રગતિના માર્ગે છીએ…… પણ આજે મારી રેલવેનો વિચાર હું બાજુમાં મૂકું છું અને ખુશીથી સ્વીકારું છું કે હું શાસનમાં આવ્યો ત્યાર પછીનું જો કોઇ સૌથી મહત્વનું એક જાહેર કાર્ય પૂર્ણ થયું હોય તો તે આ આજવા જળાશય અને પાણી માટેની આ યોજના છે. હું તમારા સૂચનથી સંતુષ્ટ છું કે આ કૃત્રિમ જળાશયને ‘સયાજી સરોવર’ કહેવું જોઈએ, અને તેમ ભલે થાય. પરંતુ મારા મનમાં હું આ કાર્ય સાથે શ્રી પ્લેફોર્ડ રેનોલ્ડ્સ અને શ્રી જગન્નાથ સદાશિવજીના નામ જોડીશ.’

‘લક્ષ્મી વિલાસ પેલેસની કિંમત કદાચ વધુ છે, પરંતુ સમૃદ્ધ રીતે ઘડી કઢાયેલા તે ઢગલા અને મીસ્ટર ગોલ્ડરીંગ દ્વારા તૈયાર કાળજીપૂર્વક પસંદગી કરીને બનાવાયેલા બગીચાઓ વચ્ચે ઉભેલા મોંઘા મકરપુરા પેલેસ(મહેલ)ના બાંધકામને હું જાહેર ઉપયોગિતાના કામ તરીકે લેખી શકતો નથી, ના, એ તો શુદ્ધ ફિલ્ટર કરેલ પાણીની ભેટ છે જે આ રાજધાનીના નગરને આપીને મને સૌથી વધુ આનંદ થયો છે.’

Image‘વિશાળ ગુંબજવાળી કોલેજ, કાઉન્ટેસ ઓફ ડફરીન હોસ્પિટલ, શાળા કે જેનો ટાવર આપણે અહીંથી જળાશયના કિનારે જોઈ શકીએ છીએ જે મારા પુરોગામીએ બરોડાને આપ્યો હતો, ચિમનાબાઈ માર્કેટ, મ્યુઝિયમ સાર્વજનિક ઉદ્યાન, વિશાળ જાહેર કચેરીઓ…મારા મિત્ર શ્રી ચિશોલ્મના કૌશલ્યના આ તમામ સ્મારકો બરોડા માટે ઉપયોગીતા અને શોભાના કામો છે … પણ મારા વિચારે, શુદ્ધ પાણીના આ આશિર્વાદની સરખામણીમાં આ બધું શૂન્ય છે જે સારા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે પ્રથમ આવશ્યકતા છે. પાણીની વિપુલતા, સ્વચ્છતા માટેના સુધારા, આ તમામ એ ચીજો છે જે હું પ્રચૂર માત્રામાં મારા લોકોને આપવા માંગું છું.’

‘ભવિષ્યમાં આનાથી પણ વધારે સારું કરવા માટે, આપણે ઉંચા લક્ષ્ય રાખવા જોઇએ, ખૂબ ઉંચા. આપણે વધુુુ હિંમત દાખવવી જોઇએ, વધુ શિસ્ત લાગુ કરવી જોઇએ. પછી આપણી પ્રગતિનો પ્રવાહ સરળ રીતે અને શુદ્ધ વહેશે અને આપણા તમામના ઘરોમાં પહોંચશે, એ જ રીતે કે જેમ આજવાનું આ પાણી જે આપણા હોઠને શુદ્ધ કરે છે, આપણા શરીરનું રક્ષણ કરે છે અને આપણા જોશને વધારે છે.’

આજવા વોટર-વર્ક્સના ઉદ્ઘાટન અંગેના તે ગાળાના અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે તે લગભગ રૂ. 30 લાખના ખર્ચે બાંધવામાં આવ્યું હતું. અને લોકોની વિનંતી પર તેનું નામ સયાજી સરોવર રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોટર-વર્કસ એન્જિનિયર જગન્નાથ સદાશિવજીને હીરાની વીંટી અને ડ્રેસ અર્પણ કરવામાં આવ્યો હતો.

એ જોવું રસપ્રદ છે કે કેમ્પબેલે વિશ્વામિત્રીના સંદર્ભમાં પૂર વિશે સંખ્યાબંધ ઉલ્લેખો કર્યા હતા પરંતુ આજવા બંધના આયોજન વિશેના સદાશિવજીના લેખમાં કે ઉદઘાટનમાં સયાજીરાવના વક્તવ્યમાં ક્યાંય પૂરનો ઉલ્લેખ ન હતો. આજવા ડેમ વડોદરાની પીવાના પાણીની જરૂરિયાત અને સ્વચ્છતાના મુદ્દાને સંબોધવા માટે કેવળ બાંધવામાં આવ્યો હતો.

વડોદરા રાજ્યના વસ્તી ગણતરીની કામગીરીના અધિક્ષક જમશેદજી અરદેશર દલાલ 1901ના ભારતની વસ્તી ગણતરીના પુસ્તકમાં ઉલ્લેખ કરે છે કે સયાજી સરોવર અને પાણી પુરવઠાની સંલગ્ન યોજનાથી વડોદરા શહેરના આરોગ્યમાં કેવો સુધીરો થયો કે જ્યાં રોગોનો અગાઉ દબદબો હતો.

‘શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે સયાજી સરોવરનું નિર્માણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીમાંથી એક્વાડક્ટ 1899ના છેલ્લા દુષ્કાળમાં જ તેને ફરી ભરવા માટે ખોદવામાં આવી હતી. સયાજી સરોવરમાંથી ફિલ્ટર કરેલા પાણીનો પુરવઠો છૂટથી આ જૂના શહેરના તમામ ભાગોને પહોંચતો થયો જે ભાગો અગાઉ અશુદ્ધ અને અલ્પ પાણીથી ઉદભવતા રોગચાળા અને રોગોથી પીડાતા હતા. સયાજી સરવોરના પાણીએ શહેરનું સ્વાસ્થ્ય સુધારવામાં ખૂબ જ સારી અસર કરી છે અને રોગોએ તેમની પકડ ગુમાવી છે.’

ઇજનેરીની કમાલ એવા આજવા બંધની મુલાકાત લેવા જેવી છે. વડોદરાથી બંધ તરફ જતા રસ્તાનું નામ સદાશિવજી રાખવામાં આવ્યું છે.આ એક એન્જિનિયર અને સમગ્ર એન્જિનિયરિંગ સમુદાય માટે ઉચ્ચ સન્માનની વાત છે. ઉભરતા જુસ્સાદાર ઇજનેરોએ 125 વર્ષ પછી પણ અડીખમ રહેલા આ બંધની મુલાકાત લેવાની જરૂર છે. આજવા વિશે ઘણું લખી શકાય તેમ છે અને નિમેટા અને પ્રતાપપુરા વિશે પણ, પરંતુ આ લેખમાળા પાછળનો જે મુખ્ય આશય છે તેને વળગી રહેતા હું અહીં વિગતોના ફલકને મર્યાદિત કરું છું અને આ બંધની વિશિષ્ટ વિશેષતાઓ વિશે વધુ રોમાંચક વિગતો વહેંચવાની મારી લાલચને કાબૂમાં રાખી રહ્યો છું.

આ શ્રેણીના આગળના લેખમાં આપણે જોઈશું કે આજવા બંધ પછીનું વડોદરાનું 1927નું મહાપૂર કેવું હતું અને વિશ્વભરમાં તેની કેવી ચર્ચા થઈ. દેશગુજરાત

લખનારનો સંપર્ક થઇ શકશેઃ japanpathak @ gmail . com

તાજેતર ના લેખો