રાજ્યમાં અત્યાર સુધી ૯૪.૫૭ ટકા સરેરાશ વરસાદ: આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
August 23, 2020
ગાંધીનગરઃ રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ શ્રી ડો. અનિલ મૂકીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે તેમ જણાવ્યું હતું.
રાહત કમિશનર શ્રી ડો. હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ મીડિયાને વિગતો આપતા કહ્યું કે, આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું અને સ્થાનિક વહીવટીતંત્ર સુસજ્જ છે. ઉપરાંત ૧૩ NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. અને SDRFની ૧૧ તથા NDRFની ૦૨ ટીમો એમ અન્ય ૧૩ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.
શ્રી પટેલે ઉમેર્યું કે રાજ્યમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે. જેમાં આગામી તા.૨૩ અને તા.૨૪ ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પરિણામે સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ જારી કરી દેવાઈ છે. એ જ રીતે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,પાટણ, મહેસાણા સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમાં તથા પૂર્વ મધ્ય ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને વડોદરા. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ અને સુરત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર પોરબંદર, મોરબી સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના આધારે સમગ્ર સ્થિતિ પર રાજ્યકક્ષાએથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આજે યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ શ્રી દ્વારા જરૂરી સમીક્ષા અને સૂચનો કરાયા હતા.
શ્રી પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં ૫૭ તાલુકાઓ એવા છે કે જેમાં મોસમનો ૧૦૦૦ મીમી થી વધુ વરસાદ વરસ્યો છે. એ જ રીતે ૧૨૯ તાલુકાઓમાં ૫૦૧ થી ૧૦૦૦ મીમી સુધી, ૬૩ તાલુકાઓમાં ૨૫૧ થી ૫૦૦ મીમી સુધી અને માત્ર બે તાલુકામાં ૧૨૬ થી ૨૫૦ મીમી સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે એક પણ તાલુકો એવો નથી કે જ્યાં પાંચ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો ના હોય. આમ સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૯૪.૫૭ ટકા જેટલો થઈ ગયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૬૨.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૩.૫૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૮૬.૧૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૫.૧૫ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩.૭૭ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
શ્રી પટેલે ઉમેર્યુ ઉમેર્યુ કે, રાજ્યમાં થયેલ સારા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં હાલ ૨,૦૩,૨૩૭ MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશક્તિના ૬૦.૮૩ ટકા જેટલો છે. હાલ ૧૨૪.૫૨ મીટરે જળ સપાટી છે. તે ઉપરાંત રાજ્યના ૨૦૫ જળાશયો પૈકી ૧૦૮ જળાશયો હાઇ એલર્ટ પર, ૧૪ જળાશયો એલર્ટ પર અને ૧૭ જળાશયોને વોર્નિંગ આપવામાં આવી છે. ૧૦૦ ટકાથી વધુ ભરાયેલા ડેમ ૬૮ છે. રાજ્યમાં કુલ ૪૪ નદીઓ અને ૪૧ મોટા તળાવ ઓવરફલો થયા છે.
શ્રી પટેલે કહ્યું કે, રાજ્યમાં છેલ્લા બે માસમાં થયેલાં વરસાદને પરિણામે ૧૩,૧૦૮ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જે પૈકી હાલ ૨૦૭૭ લોકો આશ્રયસ્થાનોમાં છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં વરસાદને પરિણામે ચાર જિલ્લાના ૪૩ ગામમાં વીજ પુરવઠાની સ્થિતિને અસર થઈ છે જે સત્વરે પૂર્વવત કરવા જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. એ જ રીતે રાજ્યના એસટી બસની ૬ રૂટ પરની ૨૦ ટ્રીપો બંધ કરવામાં આવી છે. ઉપરાંત વરસાદની સ્થિતિના પગલે સ્ટેટ હાઇવેના ૮ અને પંચાયત હસ્તકના ૧૨૭ તથા અન્ય ૩ મળી કુલ ૧૩૮ રસ્તાઓ બંધ કરાયા છે. તે ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તા.૨૫મી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા આદેશો કરાયા છે. તેમજ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે ૯૪.૯૯ ટકા જેટલું વાવેતર થઇ ગયું છે.
આ બેઠકમાં મહેસુલ વિભાગના અગ્ર સચિવ શ્રી પંકજકુમાર સહિત વિવિધ વિભાગના ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાયા હતા.
________
આજવા સરોવરમાંથી 3340 ક્યુસેક પાણી છોડાતાં વડોદરા અને વાઘોડિયા તાલુકા વહીવટી તંત્રોને સાવધ કરવામાં આવ્યા
**************
રૂલ લેવલને ધ્યાનમાં રાખીને આજવા સરોવરમાં 212 ફૂટ જળ સ્તર જાળવી રાખવું જરૂરી છે
************
આજે બપોરે 12 વાગે આજવા ખાતે જળ સ્તર 212.30 ફૂટ અને કાળા ઘોડા ખાતે વિશ્વામિત્રીની સપાટી 8.50 ફૂટ નોંધાઈ હતી
**************
આજવા સરોવરની સપાટી 212 ફૂટ જાળવી રાખવાની જરૂરિયાતને અનુલક્ષીને 62 દરવાજા પરથી 3340 ક્યુસેક પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું હોય,જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની સૂચના પ્રમાણે વાઘોડિયા અને વડોદરા તાલુકાના વહીવટી તંત્રોને સાવધ કરવામાં આવ્યાં છે.
વિશ્વામિત્રી કાંઠે વાઘોડિયા તાલુકાના 7 અને વડોદરા ગ્રામ્યના 10 મળી જિલ્લાના કુલ 17 ગામો આવેલા છે.લોકોના જાનમાલની સુરક્ષા માટે આ બંને તાલુકા વહીવટી તંત્રને વિશ્વામિત્રી કાંઠાના ગામોમાં સંપૂર્ણ તકેદારી રાખવા અને સાવચેતીના જરૂરી પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.સંબંધિત ગામોના લોકોને નદી કાંઠે ન જવા અને ઢોર ઢાંખર સાથે નદી પટમાં રોકાણ ન કરવા સહિત જરૂરી સતર્કતા રાખવા જણાવવામાં આવ્યું છે.
_______________
કડાણા ડેમમાંથી મહી નદીમાં 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
*************
ક્રમશ:2 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવશે
**************
વડોદરા જિલ્લાના ચાર તાલુકાઓના મહી કાંઠાના ગામોમાં સતર્કતા રાખવા સુચના
**************
મધ્ય ગુજરાતના કડાણા ડેમમાં થી 20000 ક્યુસેક પાણી મહી નદીમાં પાવર હાઉસના માધ્યમ થી છોડવામાં આવી રહ્યું છે. કડાણા જળાશય ખાતે પાણીની સતત આવકને ધ્યાનમાં લઈને મહી નદીમાં જળ વિદ્યુત મથક અને ગેટમાં થી ક્રમશ: 2 લાખ ક્યુસેક જેટલું પાણી તબક્કાવાર છોડવાનું આયોજન છે તેવી સૂચના વડોદરા જિલ્લા પુર નિયંત્રણ કક્ષને મળી છે.
તેના અનુસંધાને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની સૂચનાથી વડોદરા જિલ્લાના ડેસર,સાવલી, વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના વહીવટી તંત્રોને સંપૂર્ણ સતર્કતા રાખવા જણાવાયું છે.આ તાલુકાના ગામો મહી કાંઠે આવેલાં છે.આ ગામોમાં સાવધાની રાખવા અને જરૂર પડ્યે સાવચેતીના ઉચિત પગલાં લેવા સંબંધિત તાલુકા તંત્રોને સૂચના આપવામાં આવી છે.મહી કાંઠાના ગામોના લોકોને પણ નદી કિનારા થી દુર રહેવા અને પશુધનને દૂર રાખવા સહિત વિવિધ તકેદારીઓ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
___________
રૂલ લેવલ જાળવવા દેવ ડેમમાં થી 964.80 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
*************
ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતાં આંશિક 30 સેમી ખુલ્લા રાખવામાં આવેલા બે દરવાજા 15 સેમી ખુલ્લા રખાયા
**************
જિલ્લા કલેકટરશ્રીએ વાઘોડિયા મામલતદારને સાવચેતી રાખવા આપી સૂચના
**************
ઉપરવાસમાં વરસાદ અટકતા હાલોલ તાલુકાના દેવ ડેમમાં પાણીની આવક ઘટી છે.વડોદરા સિંચાઇ વર્તુળ દ્વારા જિલ્લા પુર નિયંત્રણ કક્ષને ઉપરોક્ત જાણકારી આપવાની સાથે જણાવવામાં આવ્યું છે કે તકેદારીના રૂપમાં અને ડેમ નું જળ સ્તર રૂલ લેવલે જાળવી રાખવા , હાલમાં ડેમના બે દરવાજા નં.4 અને 5 આંશિક 15 સેમી ખોલીને 964.80 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. અગાઉ આ દરવાજા 30 સેમી જેટલા ખુલ્લા રાખીને 1932.43 ક્યુસેક વધારાના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો. ચેતવણીના સ્તરને ધ્યાનમાં રાખીને આ ડેમ ખાતે રૂલ લેવલ જાળવવાની તકેદારી સતત લેવામાં આવી રહી છે.
તેને અનુલક્ષીને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે વાઘોડિયા મામલતદારને તાલુકામાં અને ખાસ કરીને નદી કાંઠાના ગામોમાં સંપૂર્ણ સાવચેતી રાખવા અને જરૂર પડ્યે તકેદારીના તમામ પગલાં લેવા સૂચના આપી છે.દેવ કાંઠાના તમામ ગામોના લોકોને નદી કાંઠે ન જવા,નદી કાંઠા પર રોકાણ ન કરવા અને ઢોરઢાંખરને સલામત રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
