આપની પંજાબ સરકારે મૂસેવાલાની સુરક્ષા પાછી ખેંચીને નામજોગ તે જાહેર પણ કરી દીધું હતું, બીજા જ દિવસે હત્યા થતા ફિટકાર

આપની પંજાબ સરકારે મૂસેવાલાની સુરક્ષા પાછી ખેંચીને નામજોગ તે જાહેર પણ કરી દીધું હતું, બીજા જ દિવસે હત્યા થતા ફિટકાર

ચંડીગઢઃ પંજાબમાં કોંગ્રેસ નેતા અને લોકપ્રિય ગાયક શુભદીપસિંહ સિધુ ઉર્ફે સિધુ મૂસેવાલાની હત્યાથી આમ આદમી પાર્ટીની સરકાર ઉપર વધુ એક કાળો ડાઘ લાગ્યો છે. ભગવંત માન સરકારે પંજાબમાં મૂસેવાલા સહિત 424 જેટલા અગ્રણીઓની સલામતી વ્યવસ્થા પાછી ખેંચી લઇને તેના વિશે મોટા ઉપાડે જાહેરાત કરી તેના 24 કલાકમાં જ સિધુ મૂસેવાલાની હત્યા થઇ ગઇ છે. ખાસ મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીએ સિધુ મૂસેવાલાની સલામતી પાછી ખેંચી હતી તેની નામજોગ જાહેરાત પક્ષના ઓફિશીયલ ટવીટર હેન્ડલ પરથી જાહેર કરી દઇને મૂસેવાલાના વિરોધીઓને તેને મારવા માટે જાણે મોકળું મેદાન આપી દીધું હતું. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે તે ઉપરાંત મૂસેવાલાની સિક્યુરીટી પાછી ખેંચાઇ હોવાના નામજોગ ઉલ્લેખ મામલે પણ ભાજપે આપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

સિધુ મૂસેવાલા પંજાબી ગાયક અને રૅપર હતા. હજુ ગયા નવેમ્બરમાં જ કોંગ્રેસમાં જોડાયો હતો અને વિધાનસભા ચૂંટણી લડ્યો હતો પરંતુ તેની ખરાબ રીતે હાર થઈ હતી.મૂસેવાલા હત્યાકેસમાં ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં છ શકમંદોની અટકાયત કરવામાં આવી છે. સિધુ મૂસેવાલાની પંજાબમાં તેના ગામ જવાહરકે ખાતે 29 મેને રવિવારે સાંજે હત્યા થઈ હતી. આ હત્યાની જવાબદારી કેનેડાસ્થિત ગોલ્ડી બ્રાર અને લૉરેન્સ બિશ્નોઈ જૂથ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. મૂસેવાલાની હત્યાના થોડા કલાકમાં જ ગોલ્ડી બ્રાર તેમજ લૉરેન્સ બિશ્નોઈ જૂથે પોતપોતાના સોશિયલ મીડિયા એકાન્ટ ઉપર જાહેરાત કરીને સિધુની હત્યાની જવાબદારી લીધી હતી.

પંજાબની આમ આદમી પાર્ટી સરકાર પોતાને પ્રામાણિક ગણાવી દેવા એ હદે ઉતાવળી છે કે હજુ શનિવારે જ મુખ્યપ્રધાન ભગવંત માને પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર જાહેરાત કરી દીધી કે, તેમની સરકારે સિધુ મૂસેવાલા સહિત રાજ્યના 424 લોકોને મળતી વિશેષ સલામતી સુવિધા પાછી ખેંચી લીધી છે. માન સરકારે આવી જાહેરાત કરતાં એમ પણ કહ્યું કે, રાજ્યમાં વીઆઈપી સંસ્કૃતિને સમાપ્ત કરીર દેવામાં આવી છે અને તેથી 400 કરતાં વધુ લોકોને મળતી સલામતી પાછી ખેંચી લેવામાં આવી છે.

જોકે, ભગવંત માને કરેલી આ જાહેરાતમાં સિધુ મૂસેવાલાના નામનો સીધો ઉલ્લેખ શા માટે કર્યો એ હજુ કોઈને સમજાતું નથી. કોંગ્રેસ અને ભાજપ સહિત રાજકીય વિરોધીઓ આ હત્યા માટે સીધી આમ આદમી પાર્ટીની સરકારને જવાબદાર ઠેરવે છે. રાજકીય વિરોધીઓની દલીલ છે કે, જે તે રાજકીય તેમ વિવિધ અગ્રણીઓને તેમના જીવન પરના જોખમની સમીક્ષા કર્યા પછી સલામતી પૂરી પાડવામાં આવતી હોય છે. એવા સંજોગોમાં ભગવંત માન સરકારે પુનઃસમીક્ષા કર્યા વિના જ 424 અગ્રણીઓની સલામતી પાછી ખેંચી લીધી એટલું જ નહીં પરંતુ કોની-કોની સલામતી પાછી ખેંચી લેવામાં આવી છે તેની યાદી પણ પંજાબ સરકારના ગૃહ મંત્રાલયમાંથી લીક થઈ. ભગવંત માન મુખ્યપ્રધાનપદ ઉપરાંત ગૃહ મંત્રાલયનો હવાલો પણ સંભાળે છે તેથી રાજકીય વિરોધીઓ આવી જાહેરાત કરવા બદલ તેમજ યાદી લીક થવા બદલ સીધા માનને જવાબદાર ઠેરવે છે.કોંગ્રેસ, ભાજપે ઉપરાંત અકાલી દળે આ કેસમાં માન સરકારના રાજીનામાની પણ માગણી કરી છે.

બીજી તરફ, હંમેશની જેમ પાકિસ્તાનીઓ તેમજ ભારતમાં વસતા પાકિસ્તાન-તરફી લોકોએ સિધુ મૂસેવાલાની હત્યા પાછળ સંઘ-ભાજપને જવાબદાર ઠેરવી દેવા પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનીઓએ તેમના એજન્ડા મુજબ મૂસેવાલાની હત્યા પાછળ હિન્દુવાદીઓ સામે આંગળી ચિંધીને પંજાબમાં ધાર્મિક ભાવના ભડકાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.