આપના નેતાની આદિવાસી બાબતે ટિપ્પણી પર ભાજપે માંગ્યો બીટીપી પાસે જવાબ
June 04, 2022
નવી દિલ્હીઃ સરકારી અધિકારીને સજા કરવાની હોય ત્યારે તેની બદલી આદિવાસીઓને લગતા મંત્રાલયમાં કરી દેવાનું વિવાદાસ્પદ નિવેદન પંજાબમાંથી રાજ્યસભાના સાંસદ બનેલા આમ આદમી પાર્ટીના ટોચના નેતા રાઘવ ચઢ્ઢાએ કરતા ભાજપે ગુજરાતમાં આપ સાથે જોડાણ કરનાર ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) પાસેથી ખુલાસો માંગ્યો છે કે શું બીટીપી આ વાત સાથે સહમત થાય છે?
ભાજપના આઈટી વિભાગના રાષ્ટ્રીય ઇન-ચાર્જ અમિત માલવિય દ્વારા શનિવારે બપોરે એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં રાઘવ ચઢ્ઢા ઇન્ટર્વ્યુ દરમિયાન કહે છે, સરકાર કોઈ અધિકારીને નોકરીમાંથી હાંકી કાઢી શકતી નથી. ચઢ્ઢા ત્યાર પછી જો કોઈ અધિકારી સારું કામ કરે તો તેને આરોગ્ય વિભાગમાં અથવા ગૃહ વિભાગમાં ટ્રાન્સફર કરવાની અને જે અધિકારી ખરાબ કામ કરે તેની બદલી આદિજાતિ મંત્રાલયમાં કરવાની વાત કહે છે.
અમિત માલવિયએ આ વીડિયો ટ્વિટ કરીને લખ્યું છે કે, અરવિંદ કેજરીવાલના નજીકના સાથીદારના મત અનુસાર કોઇની (અધિકારીની) આદિજાતિ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવે તે સજા છે. આપ ગુજરાતમાં વૈકલ્પિક રાજકીય પરિબળ તરીકે પોતાને રજૂ કરે છે જ્યાં લગભગ 15 ટકા આદિવાસીઓ છે અને (રાજ્ય વિધાનસભામાં) 27 બેઠકો તેમના માટે અનામત છે. બીટીપી (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ સ્પષ્ટતા કરવી જોઇએ કે તેઓ આપ પાર્ટીના આદિજાતિઓ અંગેના આ મત સાથે સંમત છે કે કેમ?
ગત પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે કેજરીવાલ ગુજરાત આવ્યા હતા અને બીટીપીના નેતા છોટુભાઈ વસાવાની સાથે સંયુક્ત રેલી કરીને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે બંને પક્ષના જોડાણની જાહેરાત કરી હતી.
બીટીપી અર્થાત ભારતીય ટ્રાયબલ પાર્ટી ગુજરાતમાં આદિજાતિઓનું પ્રતિનિધિત્વ કરતી હોવાનો દાવો કરે છે એ સંદર્ભમાં ભાજપના નેતાએ આ ટ્વિટ દ્વારા બીટીપીને પ્રશ્ન ધર્યો છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
