વડોદરાની પાંચેય આંગળીઓ ઘીમાં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડોદરાની પાંચેય આંગળીઓ ઘીમાં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે વડોદરા ખાતે આજે બીજા તબક્કાના ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત રૂપિયા 21000 કરોડના વિકાસકામોનું લોકાર્પણ – શિલાન્યાસ કરતા કહ્યું હતું કે રાજ્યમાં ડબલ એન્જિનની સરકારને કારણે વિકાસની ગતિ પણ ડબલ એન્જિન જેવી છે. આ વિકાસ યોજનાઓનો લાભ મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓને મળશે.

માતૃશક્તિને પોષણ અને સુરક્ષા આપતી યોજનાનો પ્રારંભ કરાવતા વડાપ્રધાને કહ્યું હતું કે સ્વસ્થ માતૃત્વ અને સ્વસ્થ બાળપણ માટે ગુજરાત સરકારે આજે બે મોટી યોજનાઓ શરૂ કરી છે. 800 કરોડ રૂપિયાની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એ સુનિશ્ચિત કરશે કે ગર્ભાવસ્થા દરમિયાન તથા માતૃત્વના પ્રારંભના દિવસોમાં માતાને પોષણ આપશે. યોજના હેઠળ બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ ઉપરાંત એક લીટર તેલ દર મહિને પૂરા પાડવામાં આવશે.

ડભોઈના કુંઠેલા ગામે 743 કરોડના ખર્ચે તૈયારી થઈ રહેલી સેન્ટ્રલ યુનિવર્સિટી, ગતિશક્તિ યુનિવર્સિટી સહિત વડોદરા અને તેની આસપાસની શૈક્ષણિક સુવિધાઓ, પાવાગઢ અને કેવડિયા જેવાં પ્રવાસન કેન્દ્રો, મેટ્રો ટ્રેનોના ડબાનું ઉત્પાદન વગેરેને યાદ કરીને વડાપ્રધાન જણાવ્યું કે, વડોદરાની પાંચેય આંગળીઓ ઘીમાં છે.

આ સંદર્ભમાં વડાપ્રધાને વધુમાં કહ્યું કે, વડોદરાથી મુંબઈની બુલેટ ટ્રેન આવશે ત્યારે કેટલો વિકાસ થશે એ વિચારો. બે નવા ગ્રીન એરપોર્ટની તૈયારી ચાલી રહી છે. 1000 કરોડના 25 પ્રોજેક્ટ ચાલુ છે તથા સ્માર્ટ વડોદરાની કેટલીક યોજના પૂરી થવામાં છે.

ગુજરાતમાં રેલવે સેવાઓ માટે 16,000 કરોડથી વધુના વિવિધ યોજનાઓનો પ્રારંભ, પીએમ આવાસ યોજના હેઠળ 1,41,000 મકાનોના લોકાર્પણ, 168 કરોડ સિંઘરોડ જલ શુદ્ધિકરણ યોજના વગેરેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને વડોદરા સહિત મધ્ય ગુજરાતના પ્રજાજનોને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.

વડોદરાની પાંચેય આંગળીઓ ઘીમાં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાને જણાવ્યું હતું કે, સરકાર મહિલાઓના વિકાસ અને મહિલાઓ દ્વારા વિકાસને પ્રાધાન્ય આપે છે. પ્રવચનના પ્રારંભમાં વડાપ્રધાને કહ્યું હતું કે, આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે. આજે સવારે જન્મદાયી માતાના આશીર્વાદ લીધા, ત્યારબાદ જગતજનની મા કાલીના આશીર્વાદ લીધા અને હવે અહીં વડોદરામાં આ વિરાટ માતૃશક્તિના દર્શન કરીને તેમના આશીર્વાદ મને મળી રહ્યા છે.

સભાસ્થળે પોતાને જે રીતે ડોમની વચ્ચેથી લાવવામાં આવ્યા તે બદલ આનંદ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે, મુખ્યપ્રધાન તથા સીઆર પાટીલ વગેરેનો આભાર વ્યક્ત કરવા માગું છું કેમ કે મને તમારા સૌની વચ્ચેથી લઇને આવ્યા. આભાર એટલા માટે માનું છું કે બધાની વચ્ચેથી નીકળી રહ્યો હતો ત્યારે મને આજે એવા સેંકડો લોકો જોવા મળ્યા જેમની સાથે મેં વર્ષો કામ કર્યું હતું. કેટલાક વરિષ્ઠ કાર્યકરો જોયા જેમની આંગળી પકડીને હું ચાલ્યો હતો. એવી માતાઓને જોઈ જેમના આશીર્વાદ મને મળ્યા હતા, જેમના હાથે મને રોટલી ખાવાનું સૌભાગ્યમ મળ્યું હતું.

તેમણે જણાવ્યું કે, છેલ્લા આઠ વર્ષથી ડબલ એન્જિનની સરકાર નારી શક્તિને ભારતના સામર્થ્યની ધૂરી બનાવવાનો જે પ્રયાસ કરે છે તેને આજે માતા કાલકાના આશીર્વાદથી નવી તાકાત મળી છે. 21મી સદીના ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓનો વિકાસ, તેમનું સશક્તિકરણ એટલું જ જરૂરી છે. આજે ભારત મહિલાઓની આકાંક્ષાઓ, જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવે છે. મહિલાઓ માટે તેમની પસંદગીનાં કામો કરવા માટે તમામ રસ્તા અમે ખોલી દીધા છે. અમે મહિલાઓને ધ્યાનમાં રાખીને નવી યોજનાઓ બનાવી છે, તેમનું જીવન સરળ બને, તેમની મુશ્કેલીઓ ઓછી થાય એ અમારી સરકારની પ્રાથમિકતાઓ પૈકી એક છે.

વડોદરા અને આસપાસના ક્ષેત્રોમાંથી આવેલી માતાઓ-બહેનો-દીકરીઓને પ્રણામ કરું છું, અભિનંદન કરું છું. વડોદરા માતૃશક્તિના ઉત્સવ માટે એક ઉપયુક્ત શહેર છે. માતાની જેમ સંસ્કાર આપનાર શહેર છે. વડોદરા સંસ્કાર નગરી છે તેમ નરેન્દ્રભાઈએ કહ્યું હતું.

વડોદરાની પાંચેય આંગળીઓ ઘીમાં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો. મારું પણ લાલન-પાલન કર્યું હતું. આ નગર પ્રેરણાનું નગર છે. આ નગરે સ્વામી વિવેકાનંદ, વિનોબાભાવે, બાબાસાહેબ આંબેડકર, મહર્ષિ અરવિંદ વગેરે અહીં રહ્યા હતા. બાળકને માતા સાચવે એટલો પોતાપણાનો ભાવ વડોદરાએ આપ્યો છે તેમ જણાવી વડાપ્રધાને ગાંધીનગર ગૃહનું પ્રાંગણ, જૂની શાસ્ત્રી પોળ, ખર્ચીકરનો ખાંચો, રાવપુરા, આરાધના સિનેમા પાસેનું પંચમુખી હનુમાન મંદિર એમ શહેરના વિવિધ વિસ્તારોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે પંચમહાલ, કાલોલ, હાલોલ, પાદરા, ડભોઈ, છોટાઉદેપુરના કાર્યકરોને અહીં વડોદરામાં જ મળવાનું થતું. નરેન્દ્રભાઈએ વડોદરાનો લીલો ચેવડો અને ભાખરવડી યાદ કરી ત્યારે સભામાં ઉપસ્થિત તમામ નાગરિકોએ હર્ષોલ્લાસથી એ વાતને વધાવી હતી.

પોતાની લોકસભાની પ્રથમ ચૂંટણી વડોદરાથી લડ્યા હતા અને જીત્યા હતા તેને પણ તેમણે યાદ કરી હતી. 2014માં પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડતો હતો ત્યારે મને વડોદરા અને કાશી વિશ્વનાથ બંનેના આશીર્વાદ મળ્યા હતા તેમ તેમણે કહ્યું હતું.

તેમણે જણાવ્યું કે, આદિવાસી ક્ષેત્રોની સમસ્યાઓને મેં નજીકથી જોયેલી છે. સિકલસેલથી પીડાતી મહિલાઓને મુક્તિ અપાવી છે. અગાઉની સરકારોએ આ દિશામાં વિચાર્યું જ નહોતું, પણ અમે સિકલસેલ નાબૂદ કરવા બીડું ઝડપ્યું અને સફળતાપૂર્વક ચલાવવા બદલ વડાપ્રધાન સિવિલ સેવા પુરસ્કાર ગુજરાત સરકારને મળ્યો હતો. ગુજરાતે હંમેશાં પોષણ ઉપર ધ્યાન આપ્યું છે એ વાત ઉપર વડાપ્રધાને ખાસ ભાર મૂક્યો હતો અને એ સંદર્ભમાં કહ્યું કે, આદિવાસી યોજનાઓને છ મહિનાથી લઇને છ વર્ષ સુધીનાં બાળકોને પોષક તત્વો પૂરા પાડવાની યોજના ચાલે છે. ઉપરાંત 20 લાખથી વધુ ગર્ભવતી માતાઓ, ધાત્રી માતાઓ ડબલ ફોર્ટીફાઈડ નમક પહોંચાડવામાં આવે છે. કિશોરવયની 12 લાખથી વધુ દીકરીઓને પોષણ માટે યોજના ચાલે છે. ઉત્તમ પોષણ માટે જેટલાં પગલાં લઈ શકાય એવી અનેક યોજનાઓ બનાવીને કલ્યાણ માટે કામ કર્યું છે.

ચાર-પાંચ વર્ષ પહેલાં દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર વગેરેમાં પોષણસુધા યોજના શરૂ કરી હતી. તેની સફળતા બાદ તમામ આદિવાસી જિલ્લાઓમાં તેનો વિસ્તાર કરવામાં આવ્યો. આ યોજના હેઠળ આદિવાસી બહેનોને એક વર્ષ સુધી આર્યન અને કેલ્સિયમયુક્ત પોષણ પૂરું પાડવામાં આવશે.પોષણ સુધા યોજના પર દેખરેખ રાખવા માટે મોબાઇલ એપ સહિત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાને પોષણ મહિનો ઉજવવાનું નક્કી કર્યું છે. તેનાથી ગુજરાતની બહેનોને ઘણી મદદ મળી રહી છે. પોષણ એટલે માત્ર ખાન-પાન નહીં, પરંતુ તેમના માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવું પડે, ઘેરઘેર પાણી, સ્વચ્છતા, ઉજ્વલા યોજના વગેરે પણ આનુષંગિક કામ છે. 36 લાખથી વધુ કનેક્શન દ્વારા ઉજ્વલા યોજનાનો લાભ માતાઓ-બહેનોને આપવામાં આવ્યો છે. પીએમ માતૃવંદના યોજના હેઠળ મહિલાઓના કલ્યાણ માટે 11 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવે છે. ગુજરાતમાં નવ લાખ ગરીબ બહેનોને લાભ મળે છે. ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં 50 ટકા અનામત મહિલાઓ માટે છે.

વડોદરાની પાંચેય આંગળીઓ ઘીમાં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નરેન્દ્રભાઈએ કહ્યું કે પોતે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે મિશન મંગલમ શરૂ કર્યું હતું, 12 વર્ષમાં 2,60,000 સખી મંડળો, સ્વયં સહાયતા સમૂહો બનાવવામાં આવ્યા. 26,00,000 થી વધુ મહિલાઓ જોડાયેલી છે. બહેન-દીકરીઓની આર્થિક ક્ષમતા વધે અને નિર્ણય પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારી રહે. બેંક ખાતાંમાં નાણા જમા કરવામાં આવે છે. મુદ્રા યોજનાનો લાભ લેનારમાં 70 ટકા બહેનો લે છે. મુદ્રા યોજના હેઠળ લોનની 10 લાખની મર્યાદા હતી તે 20 લાખ કરી કરવામાં આવી છે.

આજે આ કાર્યક્રમમાં 1,40,000 ગરીબોને પાકા ઘર મળી રહ્યું છે. તેમાં મુખ્યત્વે મકાન મળે એનું નામ મહિલાના નામે હોય. આ દ્વારા મહિલાઓ 3000 કરોડની સંપત્તિની માલિક બની છે. આ દીકરો માતૃભક્તિથી કરી રહ્યો છે. શહેરી ગરીબ પરિવોરનો સાડા સાત લાખ ઘરી મળ ચૂક્યા છે. વડોદરા, આણંદ, છોટા ઉદેપુર જિલ્લાઓમાં લોકોને લાભ મળ્યો છે. લારી-રેંકડી ચલાવનારને પીએમ સ્વનિધિ યોજના દ્વારા બેંકમાંથી લોન મળે છે. 20 વર્ષમાં ગુજરાતના વિકાસને સંપૂર્ણતા મળે, આધુનિકતા મળે એ દિશામાં કામ કર્યું છે. ગરીબોના કામોની સાથે કનેક્ટિવિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ સામર્થ્ય મળે એ માટે રેલવે કનેક્ટિવિટી 16,000 કરોડનાં કામો શરૂ થયાં છે.