રાજ્યમાં 102 એકલવ્ય મોડેલ સ્કૂલમાં આદિજાતિના 33,810 વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિનું ઘડતર થઈ રહ્યું છે
September 29, 2022
— આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોડેલ સ્કુલથી માંડી વિશ્વવિદ્યાલયો શરૂ કરાવી છે
— અમીરગઢની એકલવ્ય મોડેલ સ્કૂલ આદિજાતિ બાળકો માટે આશીર્વાદરૂપ: ધોરણ- 6 થી 12 માં 1331 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
— આદિજાતિના બાળકોને પાયાનું અને અદ્યતન શિક્ષણ વિનામૂલ્યે મળી રહે એ માટે રહેવા જમવાની સુવિધા સાથેની અદ્યતન મોડેલ સ્કૂલો શરૂ કરાઇ છે
પાલનપુરઃ આદિજાતિ બાળકોના ગુણવત્તાસભર અને પાયરૂપી શિક્ષણની જરૂરિયાત માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી. જેના થકી રાજ્યના 14 આદિવાસી જિલ્લાના 92 લાખ જેટલાં આદિવાસી બાંધવોના જીવનમાં સ્મિત રેલાયું છે. આદિજાતિના બાળકોને પાયાનું અને અદ્યતન શિક્ષણ મળી રહે એ માટે આદિજાતિ વિસ્તારોમાં મોડેલ પ્રાથમિક શાળાઓથી માંડી વિશ્વવિદ્યાલયો શરૂ કરવાનો શ્રેય માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે.
બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ અને દાંતા તાલુકો આદિજાતિ બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારના આદિજાતિ બાળકો માટે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ અને સરકારશ્રી દ્વારા 3 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 5 કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને 2 મોડેલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. જેમાં 4000 જેટલાં આદિજાતિ બાળકો રહેવા જમવાની સુવિધા સાથે શિક્ષણની નવી ક્ષિતિજો સર કરી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનું ભાથું મેળવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં આવેલી મોડેલ સ્કૂલ આ વિસ્તારના આદિજાતિ બાળકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. વર્ષ- 2010 માં 19 વિદ્યાર્થીઓથી શરૂ કરવામાં આવેલી આ મોડેલ સ્કૂલમાં અત્યારે 420 વિદ્યાર્થી ભાઈ-બહેનો અભ્યાસ કરી રહ્યાં છે. અમીરગઢ મોડેલ સ્કૂલ સંચાલિત કુલ- 4 શાળાઓ જેથી, સરોત્રા, વિરમપુર અને અમીરગઢ શાળાઓમાં કુલ-1331 વિદ્યાર્થી ભાઈ-બહેનો ધોરણ- 6 થી 12 માં અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી 1031 બાળકો નિવાસી શાળાઓમાં રહીને તેમજ 300 બાળકો અપડાઉન દ્વારા શાળામાં આવી શિક્ષણ મેળવી રહ્યા છે. આ શાળામાં તમામ બાળકોને સવારે નાસ્તો, બપોરનું ભોજન, યુનિફોર્મ, સ્ટેશનરી, ટોઈલેટરી, પુસ્તકો, ચોપડા સહિતની શૈક્ષણિક કીટ અને જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.
અમીરગઢ મોડેલ સ્કૂલમાં બાળકોના અભ્યાસની વિશેષ દરકાર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે શહેરોમાં હોય એવી આધુનિક અને અદ્યતન સુવધાઓથી સજ્જ લેબ ઉપલબ્ધ કરવામાં આવી છે. શાળામાં બાયોલોજી, ફિઝીક્સ, કેમેસ્ટ્રીની અદ્યતન લેબ વિકસાવવામાં આવી છે. જેમાં એક સાથે 40 બાળકો પ્રેક્ટિસ કરી શકે છે. આધુનિક કમ્પ્યુટર લેબ દ્વારા બાળકોને કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે. આદિજાતિ બાળકોના વ્યક્તિત્વનો વિકાસ થાય અને દુનિયા સાથે કદમ મિલાવી શકે એ માટે વિદ્યાર્થીઓને પ્રોજેકટર દ્વારા ભણાવવામાં આવે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિઓ અને સંગીતના સાધનો વસાવવામાં આવ્યા છે જેના દ્વારા વિદ્યાર્થી ભાઈ-બહેનો પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરી શકે છે.
અમીરગઢ મોડેલ સ્કૂલમાં પ્રવેશ માટે ધોરણ- 5 ના મેરીટને ધ્યાનમાં લેવામાં આવે છે. ઉપરાંત વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. અંબાજીથી ઉંમરગામ સુધીના આદિજાતિ પટ્ટામાં આવેલી તમામ મોડેલ સ્કૂલોમાં એકસાથે પ્રવેશ પ્રક્રિયા યોજાય છે. આદિવાસીનું દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે અને તમામ બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. જેના ભાગરૂપે રાજયમાં 12 મોડેલ સ્કૂલો, 43 કન્યા નિવાસી સાક્ષરતા શાળાઓ, 47 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ અને તેને સંલગ્ન 2 સૈનિક શાળાઓ મળી રાજ્યમાં કુલ 102 એકલવ્ય મોડેલ સ્કૂલોમાં આદિજાતિના 33,810 બાળકો ગુણવત્તાસભર શિક્ષણની સવલત મેળવી કારકિર્દી ઘડતરની કેડી કંડારી રહ્યા છે.
મોડેલ સ્કૂલમાં આદિવાસી વિદ્યાર્થીઓને વર્લ્ડ ક્લાસ અદ્યતન સવલતો સાથે અભ્યાસની તક મળે અને સામાજિક શૈક્ષણિક વિકાસ સાધી શકે એ માટે બે વર્ષ પહેલાં 9 નવી એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. જેમાં સી.બી.એસ.સી. કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિનું શિક્ષણ અંગ્રેજી માધ્યમની શરૂ કરવામાં આવી છે. મોડેલ શાળાઓમાં એક વિદ્યાર્થી પાછળ વાર્ષિક સરેરાશ રૂ. 37,000, કન્યા નિવાસી સાક્ષરતા શાળાઓમાં રૂ. 67,000 અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓમાં એક વિદ્યાર્થી પાછળ વાર્ષિક સરેરાશ 1,09,000 જેટલો ખર્ચ કરવામાં આવે છે.
કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદય ધોરણે આદિજાતિના વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રે હરીફાઈ કરી શકે તે માટે ધોરણ- 6 થી 12 સુધીનું વિનામૂલ્યે શિક્ષણ, રહેઠાણ, પુસ્તકો, ગણવેશ અને ભોજન વગેરેની સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો ચલાવવામાં આવે છે. આદિજાતિ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શરૂ કરવામાં આવેલી શિક્ષણની આવકારદાયી પહેલ અંબાજીથી ઉંમરગામ સુધીના આદિજાતિ પટ્ટા ના બાળકો માટે શિક્ષણ સાથે સર્વાંગી વિકાસનો રાજપથ બની રહ્યો છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનું છું કે આદિજાતિ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરીઃ આચાર્ય ડૉ.રાજેશભાઇ ડામોર
અમીરગઢ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના આચાર્યશ્રી ડૉ.રાજેશભાઇ ડામોરે મોડેલ સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયાથી માંડી વિદ્યાર્થીઓને મળતી વિવિધ સવલતો અંગે જણાવતાં કહ્યું હતું કે, આ શાળાઓ આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ આવકારદાયક છે અને આવનારી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્ય લઈ આવશે. આ શાળાઓ દ્વારા આદિજાતિ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ બદલ હજારો આદિવાસી બાળકો વતી હું તેમનો આભાર માનું છું
આચાર્ય અને શિક્ષકો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ મહેનત કરે છે
અમીરગઢ મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ- 12 સાયન્સના વિદ્યાર્થી ધૈર્ય ભીમાણીએ શાળામાં આચાર્ય અને શિક્ષકો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ મહેનત કરે છે એમ જણાવી શાળામાં મળતી વિવિધ સુવિધાઓ અને સવલત અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. કેમેસ્ટ્રી, ફીઝીક્સ, બાયોલોજી અને કમ્પ્યુટર લેબની સુવિધા અને પ્રોજેકટર દ્વારા આપવામાં આવતા શિક્ષણથી ભણવાની મજા આવે છે એમ જણાવી સરકાર અને આદિજાતિ વિકાસ વિભાગનો આભાર માન્યો હતો.
અહીં ઘણું સારું શિક્ષણ અને સવલત મળે છે
ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રશિતા અગ્રવાલે સરકારનો આભાર પ્રગટ કરતા અહીં ઘણું સારું શિક્ષણ અને સવલતો મળે છે એમ જણાવ્યું હતું.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે