અમલદારશાહીના અતિશય તૉરના વરવા સમાચારથી સહુ થયા સ્તબ્ધ

અમલદારશાહીના અતિશય તૉરના વરવા સમાચારથી સહુ થયા સ્તબ્ધ

નવી દિલ્હીઃ સરકારી કચેરીઓમાં સત્તાવાર કામ લઇને જતા સામાન્ય નાગરિકોને ત્યાં કામ કરતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના તૉર અને તોછડાઈનો રોજેરોજ અનુભવ થાય છે, પરંતુ તાજેતરમાં દિલ્હીના બે અધિકારીઓએ જે કંઈ કર્યું એ માત્ર ઘૃણાસ્પદ જ નહીં, આઘાતજનક પણ છે.

દિલ્હીમાં કેજરીવાલ સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી (રેવન્યુ) સંજીવ ખીરવરને તેમના હોદ્દાનો એ હદે તૉર છે કે, પોતાના શ્વાન સાથે ઈવનિંગ વૉક કરવા તે આખેઆખું સ્ટેડિયમ ખાલી કરાવી દેતા હતા! દિલ્હી સરકાર સંચાલિત ત્યાગરાજ સ્ટેડિયમમાં રમતવીરો નિયમિત પ્રેક્ટિસ કરતા હોય છે. હાલમાં ઉનાળાની અસાધારણ ગરમી હોવાથી પ્રેક્ટિસ સાંજે શરૂ થાય અને રાત્રે મોડા સુધી ચાલે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી રમતવીરો તથા તેમના કોચને સાત વાગ્યા સુધીમાં સ્ટેડિયમ ખાલી કરી દેવાનો આદેશ મળ્યો હતો. સ્ટેડિયમ સાત વાગ્યે ખાલી કરવું હોય તો સ્વાભાવિક રીતે ખેલાડીઓ અને તેમના કોચે વહેલી પ્રેક્ટિસ શરૂ કરવી પડે. આને કારણે દિલ્હીની અસાધારણ ગરમીમાં તેમને ઘણી મુશ્કેલી પડતી હતી પરંતુ તેમની પાસે કોઈ ઉપાય નહોતો.

છેવટે કેટલાક રમતવીરોના વાલીઓ તથા કોચ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતા તેમને જાણવા મળ્યું કે, દિલ્હી સરકારના અધિકારી સાંજે 7.30 વાગ્યે તેમના શ્વાન સાથે સ્ટેડિયમમાં વૉક લઈ શકે એ માટે બધાને વહેલા કાઢવામાં આવે છે.

આ મામલો તસવીરો સાથે માઘ્યમોમાં ચમકતાં હવે સરકારે દરમિયાનગીરી કરી હોવાનું જાણવા મળે છે અને ખેલાડીઓ ફરી મોડી રાત સુધી પ્રેક્ટિસ કરી શકશે.

અધિકારી તરીકેના હોદ્દાનો દૂરુપયોગ કરવાનો બીજો કિસ્સો નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં બન્યો છે. અહેવાલો પ્રમાણે મંત્રાલયના સચિવ રાજીવ બંસલ અને તેમના પત્ની અંગત કારણોસર અમેરિકાની મુલાકાત લેવા માગતા હતા. આ માટે તેમણે એર ઈન્ડિયામાં ઈકોનોમી ક્લાસમાં ટિકિટ બુક કરાવી. સામાન્ય રીતે મુસાફરોએ આ ટિકિટ માટે જે રકમ ચૂકવવી પડે તેના કરતાં ઓછા ભાવે બંસલ દંપતિની ટિકિટ બુક થઈ. ત્યાં સુધી તો ઠીક, પરંતુ હોદ્દાના દૂરુપયોગની હદ તો ત્યારે આવી જ્યારે પ્લેનમાં પહોંચ્યા પછી ઈકોનોમી ક્લાસની તેમની બુક થયેલી સીટ ઉપર બેસવાને બદલે તેને અપગ્રેડ કરાવી અને બંને બિઝનેસ ક્લાસમાં જઇને બેઠાં.

એર ઈન્ડિયા આમ તો હવે ટાટાએ ખરીદી લીધી છે, પરંતુ શક્ય છે કે હજુ સંપૂર્ણ વહીવટી હસ્તાંતરણ નહીં થયું હોય એરલાઇનના નીચેના અધિકારીઓએ પોતાના સાહેબની માગણી સામે ઝૂકીને તેમની અન્ય લોકો કરતાં સસ્તા ભાવે ખરીદેલી ઈકોનોમી ક્લાસની ટિકિટને પછીથી બિઝનેસ ક્લાસમાં તબદીલ કરી આપી હોય.