જમ્મુ-કાશ્મીરમાં ચાર દિવસમાં બીજા હિંદુની હત્યા; અજીત ડોવલ પહોંચ્યા અમિત શાહને મળવા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના મોહનપુરા ખાતે આજે ગુરુવારે એક જેહાદી આતંકવાદીએ હિન્દુ બેંક મેનેજર વિજય કુમારની હત્યા કરી દીધી હતી. વિજય કુમાર રાજસ્થાનના રહેવાસી હતા અને થોડા દિવસ પહેલાં જ તેમની બદલી આ બેંકમાં થઈ હતી. આ અગાઉ ગયા સોમવારે કુલગામાં જ એક હિન્દુ શિક્ષિકાની ત્રાસવાદીઓએ હત્યા કરી હતી. આમ ચાર દિવસના ગાળામાં આ બીજી અને પહેલી મેથી અત્યાર સુધીના એક મહિનાના ગાળામાં આઠમી હત્યા થતાં કાશ્મીર ખીણના હિન્દુઓમાં ફરી ભય વ્યાપી ગયો છે.

દરમિયાન, અહેવાલ અનુસાર આજની હત્યાને પગલે રાષ્ટ્રીય સલામતી સલાહકાર (એનએસએ) અજિત દોવલ ગૃહપ્રધાન અમિત શાહને મળવા પહોંચ્યા હતા. કાશ્મીરમાં છેલ્લા થોડા સમયથી હિન્દુઓની થઈ રહેલી હત્યાની ગંભીર નોંધ લઇને ગૃહપ્રધાન અમિત શાહે આવતીકાલે ત્રીજી જૂનને શુક્રવારે તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત દોવલ તથા જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ હાજર રહેશે.

કાશ્મીર ખીણમાં 1990ના દાયકા જેવો હિન્દુઓની હત્યાઓનો સિલસિલો ફરી શરૂ થતાં. અહીં વસતા કાશ્મીરી પંડિતોએ તેમને સલામત સ્થળે પુનઃસ્થાપિત કરવાની માગણી કરી છે. વડાપ્રધાન પુનઃનિવાસ પેકેજ હેઠળ ખીણમાં નોકરી કરી રહેલા આશરે 4000 કાશ્મીરી પંડિતોએ સામૂહિક સ્થળાંતર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે કેમ કે તેમને હવે અહીં સલામતી લાગતી નથી.

તાજેતર ના લેખો