રાજ્યના નાગરીકો હવે ઘરે બેઠા પોતાના વાહન અને મોબાઈલ ચોરીની e-FIR કરી શકશે
June 08, 2022
ગાંધીનગર: દેશના નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ e-FIRના અમલીકરણના સૂચનને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ http://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકોના વિશાળ હિતમાં e-FIR ની સુવિધા આપવાનો જનકલ્યાણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે તેમ રાજ્ય સરકારના ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે.
e-FIR ની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.
e-FIR સુવિધાની કાર્યપ્રણાલી અંગે યાદીમાં જણાવાયું છે કે, ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહણ કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા સમયે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.
બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે. જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં તે e-FIR જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં ૨૪ કલાકની સમયમર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે E-Mail અથવા SMSથી જાણ કરવામાં આવશે.
તપાસ અધિકારીને આ પ્રકારની e-FIR મળતાં સૌપ્રથમ આ e-FIR નો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના ૪૮ કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના ૪૮ કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે. ત્યારબાદ થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના ૨૪ કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરશે. e-FIR ની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં FIR દાખલ કરશે. જો બનાવની જગ્યા પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો તે FIR સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. e-FIR માં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે.
સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના ૭૨ કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો ૭૨ કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ e-FIR હોવા અંગેનો E-Mail અને SMS તુરંત જ ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને કરવામાં આવશે. આમ e-FIR સંદર્ભે પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી કરવામાં નહી આવે તો e-FIRને ઈ-ગુજકોપ દ્વારા FIRનો ધોરણસરનો રનીંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે અને થાણા અધિકારીએ તેની પર અન્ય સામાન્ય FIRની જેમ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
આ ઉપરાંત e-FIR અંગે ૧૨૦ કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે. દેશગુજરાત.
Related Stories
Recent Stories
- Gujarat CM to watch film The Sabarmati Report; MP and Haryana declare it tax-free
- Ahmedabad, Vadodara, Rajkot below 20°C, Naliya coldest at 14.1°C as winter sets in across Gujarat
- Licenses of 6 fishing boats canceled for LED light fishing off Veraval coast
- Chandrabhaga canal refurbishment proposal gets AMC nod
- Surat youth gets 75 stitches after Chinese kite string slashes his throat
- Ahmedabad International Book Festival 2024 to start on November 30th
- Air India downgrades business class flyer to economy on Ahmedabad-Delhi flight; GPCC chief seeks action