ચાંપાનેરમાં રાજસ્થાન જેવું જૌહર થયું હતું, રાજવી પતઇ રાવળને પકડીને પાંચ મહિના ઇસ્લામ કબૂલ કરવા દબાણ કરાયેલું પણ વશ ન થતા મારી નંખાયા હતા

ચાંપાનેરમાં રાજસ્થાન જેવું જૌહર થયું હતું, રાજવી પતઇ રાવળને પકડીને પાંચ મહિના ઇસ્લામ કબૂલ કરવા દબાણ કરાયેલું પણ વશ ન થતા મારી નંખાયા હતા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શનિવારે પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરના શિખર ઉપર ધર્મની ધજા લહેરાવશે ત્યારે અનેકને આ મંદિર અને ખાસ કરીને તળેટીમાં આવેલા ચાંપાનેરના ઈતિહાસ વિશે જાણવાની ઉત્સુકતા હશે. આ અંગે મિરાતે સિકંદરી નામે એક પુસ્તકમાં ગુજરાતના સુલતાન શાસકો વિશે, તેમણે કરેલી લૂંટફાટ અને મંદિરોની તોડફોડ વિશે ખૂબ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. સિકંદર નામના લેખકે ફારસીમાં આ પુસ્તક લખ્યું હતું જેનો અનુવાદ આત્મારામ મોતીરામ દીવાનજીએ કર્યો હતો અને આ પુસ્તક 1914માં (સંવત 1970) પ્રકાશિત થયું હતું.

પુસ્તક પરથી ખ્યાલ આવે છે કે ચાંપાનેર એક સક્ષમ અને સમૃદ્ધ હિંદુ રજવાડું હતું અને અહમદશાહ (1411 – 1443) થી શરૂ કરીને મહમૂદ બેગડા સુધીના વિવિધ સુલતાનોએ ચાંપાનેર ઉપર વારંવાર હુમલા કર્યા હતા. છેવટે બેગડાને તેમાં સફળતા મળી હતી અને તેણે તમામ હિન્દુઓને ખતમ કરીને તથા શાસક રાવળ પતાઈ ઉપર પાંચ મહિના સુધી બંધક બનાવીને તેમને ઇસ્લામ કબૂલવા દમન કર્યું પરંતુ રાવળ પતાઈએ તેની વાત ન માનતા તેમની હત્યા કરી દીધી હતી.

પુસ્તકના પાના નં. 115 ઉપર આ વિશે આપેલું વર્ણન આ પ્રમાણે છેઃ “…જ્યારે મદદની બીલકુલ આશા રહી નહિ ત્યારે રાવળ તદ્દન નાસીપાસ થયો. એ અરસામાં સુરંગો પણ તૈયાર થઈ ગઈ હતી અને હિંદુઓ ઘણીજ મુસીબતમાં આવી પહોંચ્યા. તેઓએ પોતાના બાળકો તથા સ્ત્રીઓને અગ્નિમાં હોમી દીધાં અને કિલ્લામાંથી બહારી નીકળી લડાઈની શરૂઆત કરી. એવું કહેવાય છે કે સઘળા હિંદુઓ માર્યા ગયા. પણ રાવળ પતાઇ અને તેનો વઝીર ડુંગરસી જેઓ જખમી થયા હતા તેઓને પકડીને સુલતાન પાસે લાવવામાં આવ્યા. સુલતાને તેઓને નિઝામખાનની દેખરેખ નીચે કેદ રાખવાનો હુકમ ફરમાવ્યો. આ મજલીસમાં મજલીસના તમામ લોકોએ રાવળ પતાઇને ઘણીજ નમ્રતાથી રાજવંશી માન આપી મુસલમાન થવા સમજાવ્યો પણ તેણે તે કબુલ રાખ્યું નહિ. પાંચ મહિના પછી તેના ઝખમ રૂઝાઈ ગયા એટલે તેને ફરી સુલતાનની રૂબરૂમાં લાવવામાં આવ્યો. સુલતાને તેને મુસલમાની ધર્મ અખત્યાર કરવાનું કહ્યું પણ તે તેણે માન્ય રાખ્યું નહિ. છેવટે પંડિતો તથા ધર્મવેત્તાઓનો અભિપ્રાય લઇ તેનું માથું ઉડાડી દેવામાં આવ્યું અને લાકડે ટાંગવમાં આવ્યું. રાવળ પતાઇના વઝીર ડુંગરસીને આ લાકડા પાસે લાવવામાં આવ્યો. તેણે તે અરસામાં ઘણીજ ચપળતા અને દ્રઢ નિશ્ચયથી એક માણસના હાથમાંથી તલવાર ઝુંટવી લઈ કબીરના બેટા શેખન જે સુલતાનના હજુરીયામાંનો એક હતો તા ઉપર ઉગામી અને તેને ઠાર કર્યો. છેવટે તેને પણ મારી નાખવામાં આવ્યો. એવું કહેવાય છે કે રાવળ પતાઇના કુટુંબમાં બે દીકરી અને એક દીકરો બાકી રહ્યા હતા. જ્યારે તેઓને સુલતાનની રૂબરૂમાં મોકલવામાં આવ્યા ત્યારે બે દીકરીઓને સુલતાનના જનાનખાનામાં મોકલવામાં આવી અને તેના દીકરાને સેફઉલમુલ્કના બેટાને સોંપવામાં આવ્યો…”

મહમૂદ બેગડાએ ચાંપાનેરના હિન્દુ રાજા સાથે જે કર્યું તેના પહેલાં અહમદ શાહ, મહમ્મદ શાહ પણ ચાંપાનેર ઉપર ચડાઈ કરી ચૂક્યા હતા પરંતુ એ બંનેને સફળતા મળી નહોતી.

અહમદશાહઃ

“ત્યારપછી હીજરી સંવત 821 (ઇ.સ. 1418)ના ઝીલકદ મહિનાની પહેલી તારીખે ચાંપાનેરના રાજા ત્રંબકદાસને સજા કરવા ચાંપાનેર પર ચઢાઈ કરી. પણ સુલતાને ત્યાંનો ઘેરો લાંબો વખત જારી રાખ્યો નહિ. કારણ કે તેના મનમાં ગમે તેમ કરીને મંદુનો કિલ્લો પેહેરો લેવાનો વિચાર હતો. કેટલોક વખત સુધી સુલતાને આ બાજુના પ્રગણામાં લુંટફાટ ચલાવી.” (પાના નં. 33)

“જ્યારે ધાર પહોંચ્યો ત્યારે સુલતાન હોશંગના બે એલચી મૌલાના મુસા તથા અલીજામેદાર જે તે રાજ્યના વિશ્વાસુ નોકર હતા તેઓ મુલાકાતને વાસ્તે આવી સુલતાનને મલ્ળા ને તેઓએ હોશંગના ગુજરેલા ગુન્હા બાબત તેની તરફથી માગી માગી. સુલતાન અહમદશાહના ડાહ્યા તથા વિશ્વાસુ પ્રધાનોએ સલાહ (સુલેહ) કરવાને પુષ્ટિ આપી, જેથી સુલતાને તેને માફી બક્ષી. સુલતાને જુનો કીનો તદ્દન કાઢી નાંખ્યો અને ત્યાંથી પાછો ચાંપાનેર ફર્યો. જ્યારે આકાશ સમાન તંબુની કમાનો ચાંપાનેરની સરહદ ઉપર ઝળકી કે ધર્મરક્ષક પાદશાહે સિપાઇઓને હુમક કર્યો કે એ મુલક ને તારાજ કરો. ત્યાંથી રબીઉલ આખર મહિનાના આખર દિવસોમાં સુલતાન અમદાવાદ આવી પહોંચ્યો.” (પાના નં. 34)

મહમ્મદશાહઃ

“ત્યારપછી હીજરી સંવત 855માં (ઇ.સ. 1451) ચાંપાનેરનો કિલ્લો લેવાના ઇરાદાથી લશ્કર લઈ સુલતાન બહાર નીકળ્યો. ત્રંબકદાસનો છોકરો ગંગાદાસ જે ત્યાંનો રાજા હતો તેણે સુલતાનની જોડે લડાઈ કરી, પણ હાર્યો અને કિલ્લા ઉપર ચઢી ગયો. સુલતાને કિલ્લાને ઘેરો ઘાલ્યો અને દરરોજ ઝપાઝપી ચાલતી. જ્યારે કિલ્લામાં તંગી પડવાથી કિલ્લાના લોકો ગભરાયા ત્યારે રાજાએ મંદુના સુલતાન પાસે એક એલચી મોકલ્યો અને કહેવડાવ્યું કે અગર જો સુલતાન આ વખતે મારી મદદે આવશે તો હું લશ્કરના ખરચને માટે દરેક મજલના એક લાખ સોનાના તંકા (સિક્કા) આપીશ. સુલતાને મહમુદે પૈસાની લાલચે મુસલમાની ધર્મની દરકાર કરી નહિ અને લશ્કર લઈ નીકળી આવ્યો.”

મહમૂદ બેગડો (પ્રકરણ આઠ, પાના નં. 73)

“નાના તથા મોટા વર્ગના માણસો એકે મતે કે છે કે સુલતાન મહમૂદ બેગડાના જેવો પાદશાહ ગુજરાતના પાદશાહોમાં તેના પહેલાં તેમજ પાછળ ન્યા અને ઇન્સાફમાં કોઈ પણ થયો નથી. એણે જુનાગઢનો કિલ્લો, સોરઠ દેશ ચાંપાનેરનો કિલ્લો તથા તે તરફનો દેશ જીતી લીધો અને ત્યાંથી હિંદુ રીતરિવાજ નાબુદ કરી ઇસ્લામી રીતરિવાજ દાખલ કર્યા. આથી કયામતના દિવસ સુધી જે કાંઈ સારા કામો એ મુલકમાં થશે તે બધા એના દફતરમાં લખાશે.” (પાના નં. 79)

“પછી મરણ પામેલા લોકોના સગાંઓને દિલાસો આપી શઅબાન માસમાં સુલતાન અમદાવાદ આવ્યો. પછી રમઝાન મહિનામાં અમદાવાદથી લશ્કર લઈ ચાંપાનેર તરફ રવાના થયો. જ્યારે સાવલી પ્રગણામાં (પરગણામાં-ક્ષેત્રમાં) આવેલા મોજે મોર આમલી જે મહી નદીને કિનારે આવેલું છે ત્યાં પહોંચ્યો ત્યારે સુલતાને ત્યાં મુકામ કર્યો. ત્યાંથી તેણે ચાંપાનેરની આસપાસનો મુલક લૂંટીને તારાજ તથા વેરાન કરવા લશ્કરી ટુકડીઓ મોકલી. તે ટુકડીઓ પોતાને સોંપેલું કામ બજાવી પાછી ફરી.” (પાના નં. 111)

“… ત્યાર પછી દરવર્ષે સુલતાન અમદાવાદથી મુસ્તફાબાદ જતો અને થોડો વખત ત્યાં શિકાર તથા સહેલગાહમાં ગાળી પાછો અમદાવાદ આવતો. પણ ચાંપાનેર કિલ્લો જીતવાનો કાંટો જે એના મનમાં ખુંચ્યો હતો તે નીકળ્યો હતો નહિ. જ્યારે જ્યારે અમદાવાદથી શિકારને માટે ત્યાં સુલતાન જતો ત્યારે ત્યારે ચાંપાનેરની દિશામાં તેનું મન ખેંચાતું.

હીજરી સંવત 887 (ઇ.સન. 1482)માં આખા ગુજરાત દેશમાં અને ચાંપાનેરના મુલકમાં વરસાદ ઘણો ઓછો પડ્યો. મલિક અસદ જે સુલતાનના લશ્કરનો ખાસ ઉપરી હતો અને જે મોજે મોરઈમલી ઉર્ફે રસૂલાબાદમાં નિમાયો હતો તે ચાંપાનેરના કિલ્લા નજીક જઈ પહોંચ્યો ત્યારે ચાંપાનેરના રાવળ રાજાએ કિલ્લામાંથી બહાર આવી લડાઈ શરૂ કરી. મલિક બહાદુરીથી લડ્યો પણ આખરે હાર્યો અને તેના ઘણા માણસો માર્યા ગયા. સરકારી બે હાથી તથા કેટલાક ઘોડા જે મલિક સાથે હતા તે તમામ પણ નાશ પામ્યા. આ ખબર સાંભળી સુલતાન ઘણોજ ગુસ્સે થયો અને ચાંપાનેરનો કિલ્લો સર કરવાનો વિચાર તેના મુબારક હૃદયના પાના પર દ્રઢ થયો (જીતવાનું મન સાથે નક્કી કર્યું).”

ચાંપાનેરનો કિલ્લો સર કરવાનો નક્કી નિશ્ચય અને તેને (તલવારની કુંચીથી) જીતી લીધો તે વિષેની હકીકતઃ-

ઇતિહાસ માર્ગના ભોમીઆ લોકો અને ખબરોના આધાર રૂપ પુરુષો આ ચઢાઇનું વર્ણન નીચે પ્રમાણે આપે છેઃ-

જ્યારે સુલતાન ચાંપાનેરનો કિલ્લો જીતી લેવાના વિચારથી અમદાવાદથી નીકળ્યો અને વડોદરા પ્રાંત આવ્યો ત્યારે રાવળ પતાઈ અને ચાંપાનેરના લોકોને મોટો ત્રાસ પડ્યો અને તેઓએ પોતાના વકીલો (એલચીઓ)ને સુલતાનની તહેનાતમાં મોકલ્યા અને શરણ માગ્યું. જોકે રાવળ પતાઇના વકીલોએ ઘણીજ નમ્રતા તથા આજીજીથી શરણ માગ્યું તોપણ તેઓની માગણી સ્વીકારવામાં આવી નહિ ને સુલતાને કહ્યું કે “અમારી અને તમારી વચ્ચે હવે તલવાર તથા ખંજર સિવાય બીજો કાંઇપણ સંદેશો યા સંદેશો પહોંચાડનાર નથી.” પતાઇના વકીલો તેની પાસે ઘણાજ ઉદાસ ચહેરે તથા ગમગીની સાથે આવી જે બન્યું હતું તે જાહેર કર્યું. રાવળે હવે કેસરીયાં કરવાનો નિશ્ચય કર્યો અને કિલ્લો મજબૂત કરી લડાઇને માટે તત્પર થયો. સુલતાને આવી કિલ્લાને ઘેરો ઘાલ્યો અને રોજ સવારથી સાંજ લગી મુસલમાન તથા હિંદુ લશ્કર વચ્ચે ઝપાઝપી ચાલવા માંડી. આ પ્રમાણે કેટલાક દિવસ વીત્યા પછી સુલતાને સુરંગ ખોદવાનો હુકમ આપ્યો અને કામમાં પ્રવીણ ઇજનેરોએ સુરંગ ખોદવાની શરૂઆત કરી. (પાના નં. 113 – 114)

આ હુમલા પછી પુસ્તકના લેખક જાણે સ્વર્ગ જેવું વર્ણન કરતા કહે છે કે, ત્યારબાદ સુલતાને ચાંપાનેર પ્રદેશને વૃક્ષો, બગીચા, આકર્ષક મકાનો વગેરેથી એટલો બધો સુંદર બનાવી દીધો કે ગુજરાતના લોકો કહેવા લાગ્યા હતા કે ચાંપાનેર જેવી સુંદર જગ્યા દુનિયામાં બીજે ક્યાંય નથી.