પાત્રા ચાલ કૌભાંડમાં સંજય રાઉત કેવી રીતે ખરડાયેલા છે?

મુંબઈ: મુંબઈમાં પાત્રા ચાલ જમીન કૌભાંડમાં શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત તથા તેમનો પરિવાર કેવી રીતે ખરડાયેલો છે તેની સિલસિલાબંધ વિગતો ઉપલબ્ધ થઈ છે.

પાત્રા ચાલ જે સિદ્ધાર્થ નગર તરીકે પણ ઓળખાય છે તેનો કેસ લગભગ બે દાયકા જૂનો છે. આ કૌભાંડમાં ગઇકાલે રવિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ વહેલી સવારે જ સંજય રાઉતને ઘરે પહોંચી જઇને તેમની પૂછપરછ કરી હતી અને દસ્તાવેજો તેમજ લગભગ સાડા અગિયાર લાખની રોકડ રકમ જપ્ત કરી હેવાનું કહેવાય છે. ઈડીએ આ અગાઉ સંજય રાઉતને પૂછપરછ માટે હાજર થવા બે વખત સમન્સ પાઠવ્યા હતા પરંતુ રાઉત હાજર થયા નહોતા જેને પગલે ઈડીએ રવિવારે સવારે તેમના ઘરે પહોંચીને તેમને ઉંઘતા જ ઝડપી લીધા હતા.

સિંગ વરુણ નામના પત્રકાર આ અંગે વિગતો આપતા જણાવે છે કે, છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલી પાત્રા ચાલ સોસાયટીના 672 જેટલા પરિવારો ખૂબ પરેશાન થઈ ગયા હતા અને એ અંગે અનેક જગ્યાએ રજૂઆત કરતા હતા.

વાસ્તવમાં 2008માં એમએચએડીએ-એ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન નામે એક ખાનગી ડેવલપર તથા સોસાયટીના 672 રહેવાસીઓ સાથે ત્રિપક્ષી કરાર કર્યો હતો. 47 એકરની આ જમીન ઉપર બિલ્ડરે મૂળ રહેવાસીઓને પહેલાં સુવિધા આપવાને બદલે પોતાને વેચવા મળેલી જગ્યા પહેલાં વેચવાનું શરૂ કરી દીધું હતું.

સ્થાનિક રહેવાસીઓને જે ભાડું મળવું જોઇએ એ પણ બંધ થઈ જતાં તેમણે 2914માં એમએચએડીએનો સંપર્ક સાધ્યો. એ સાથે ફરિયાદો થયા બાદ ઈડીએ તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે સંજય રાઉતના સાથીદાર પ્રવીણ રાઉત તેમજ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનના કેટલા ડિરેક્ટરોએ એમએચએડીએ-ને ગેરમાર્ગે દોરવાનું શરૂ કરી દીધું હતું.

પ્રવીણ રાઉતે નાવ ખાનગી ડેવલપરોને એફએસઆઈ વેચી દીધી હતી જેના દ્વારા તેમણે રૂ. 901.79 કરોડ એકત્ર કર્યા હતા. ડેવલપરને એફએસઆઈ વેચવાની પરવાનગી હોય છે ખરી પરંતુ મૂળ રહેવાસીઓનું પુનઃવસન કરી દીધા પછી જ. પરંતુ આ કેસમાં મૂળ રહેવાસીઓ હજુ પણ તેમનું મકાન પરત મળવાની રાહ જોઈ રહ્યા છે.

મોટાભાગના રહેવાસીઓ મધ્યવર્ગના છે અને હાલ ખૂબ મુશ્કેલીમાં છે કેમ કે એક તરફ ડેવલપરે તેમનાં મકાનો લઈ લીધાં છે અને હવે તો ભાડું આપવાનું પણ બંધ કરી દીધું છે. વળી આ ચાલના બહુમતી રહેવાસીઓ મૂળ મહારાષ્ટ્રીય છે અને સંજય રાઉત તેમના નેતા હોવાનો દાવો કરે છે.

બીજી તરફ પ્રવીણ રાઉતને રિયલ એસ્ટેટ કંપની તરફથી રૂ. 100 કરોડ મળ્યા જે તેમણે વિવિધ ખાતામાં તેમજ પરિવારના સભ્યોનાં ખાતામાં ટ્રાન્સફર કરી દીધા.

આ ઉપરાંત ઈડીના આરોપનામા અનુસાર 2010માં રૂ. 83 લાખ સંજય રાઉતના પત્ની વર્ષા રાઉતના ખાતામાં ટ્રાન્સફર થયા હતા અને એ રકમમાંથી તેમણે દાદરમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. અન્ય આરોપ એવો છે કે, અલીબાગ વિસ્તારમાં વર્ષા રાઉત તેમજ અન્ય મહિલા સ્વપ્ના પાટકરના નામે આઠ પ્લોટ ખરીદવામાં આવ્યા હતા.

પાત્રા ચાલ કેસ 1000 કરોડ કરતાં વધુ રૂપિયાનું કૌભાંડ છે અને તેમાં રાજકારણીઓ-બિલ્ડર તેમજ અધિકારીઓની સંડોવણી સ્પષ્ટ થાય છે.
આ વર્ષના પ્રારંભે એમએચએડીએ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તે સિદ્ધાર્થ નગર અર્થાત પાત્રા ચાલમાં 650 ચોરસ ફૂટના 672 મકાનો બાંધશે. આ માટે યોજાયેલા કાર્યક્રમમાં તે સમયના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે તેમજ એનસીપીના નેતા શરદ પવારે પણ હાજરી આપી હતી.

રવિવારે સંજય રાઉતની અટકાયત બાદ પાત્રા ચાલના અનેક પીડિતો મીડિયા સામે આવ્યા હતા અને 15 વર્ષ કરતાં વધુ સમયથી પોતે જે પીડા ભાગવી રહ્યા છે તેની આપવીતી રડતાં રડતાં વ્યક્ત કરી હતી.
પીડિતોની આ વ્યથા સોશિયલ મીડિયા ઉપર પ્રસારિત થયા બાદ અનેક યુઝરે પીડિતોના સમર્થનમાં અને સંજય રાઉત તથા કૌભાંડમાં સામેલ અન્ય લોકો સામે આકરા શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક યુઝરે કહ્યું કે, મોટાભાગના પીડિતો શિવસેનાના સમર્થકો હતા અને શિવસેનાએ તેમની સાથે જ છેતરપિંડી કરી હતી.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો