જામનગરમાં 95 ટકા પશુ-રસીકરણ પૂર્ણ; 1,10,456 પશુઓને વેક્સિન અપાઈ; મુખ્યમંત્રીએ સમીક્ષા કરી

જામનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે પશુપાલન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે લમ્પી સ્કિન ડીસીઝની સર્વગ્રાહી સમીક્ષા અર્થે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પશુઓની સારવાર કે રસીકરણ બાદની સ્થિતિની પણ પૂરતી કાળજી લેવાવી જોઈએ.

સરકાર દ્વારા રાજ્યમાંથી લમ્પી રોગને નાબૂદ કરવા તમામ પૂરતા પગલાંઓ લેવાયા છે તેમજ આ અંગે વહીવટી તંત્ર, પશુપાલન વિભાગ તથા આરોગ્ય વિભાગ દ્વારા શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. મુખ્યમંત્રીએ બેઠકમાં અધિકારીશ્રીઓને મૃત પશુઓના ઝડપી તથા યોગ્ય નિકાલ માટે તાકીદ કરી હતી તેમજ લમ્પી અસરગ્રસ્ત વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાં પણ સઘન રસીકરણ હાથ ધરવા સૂચના આપી હતી.

મુખ્યમંત્રીએ જામનગર શહેરી વિસ્તાર, નગરપાલિકા તથા ગ્રામીણ વિસ્તારોમાં લમ્પી સ્કીન ડિસીઝ અંગેની વિગતો મેળવી હતી તેમજ કંટ્રોલરૂમ પર આવતા સારવાર માટેના ફોન કોલ્સ તથા જિલ્લામાં ઉપલબ્ધ રસીકરણના ડોઝ વિશે પણ માહિતી મેળવી હતી.

બેઠકની વિગતો આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસ પ્રસર્યો ત્યારથી જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉચિત આયોજનો કરી રોગ પર નિયંત્રણ લાવવા શ્રેષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રની જરૂરિયાત મુજબની તમામ માંગણીઓ પણ સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે. વાયરસ પર નિયંત્રણ આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ તેમના માર્ગદર્શન હેઠળ મહદઅંશે રોગ પર કાબુ મેળવવામાં સફળતા પણ મળી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગૌમાતાની રક્ષા માટે સરકારે તમામ સંસાધનો કામે લગાવ્યા છે, જેના પરિણામે દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે. રાજ્યમાં ૨૨ લાખથી વધુ પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું છે. રોગ ફેલાતો અટકે તે માટે અસરગ્રસ્ત વિસ્તારની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ તથા મ્યુનિસિપલ કમિશ્નર શ્રી વિજય ખરાડીએ મુખ્યમંત્રીને સંક્રમણની સ્થિતિ અને રાહત કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં ૩ મે, ૨૦૨૨ના રોજ પ્રથમ કેસ મળી આવ્યો ત્યારથી અત્યાર સુધી કુલ ૫૪૦૫ પશુઓ અસરગ્રસ્ત થયા છે જે પૈકી સઘન સારવારનાં પરિણામે જિલ્લામાં ૧૬૦૯ પશુઓ લમ્પીમુક્ત થયા છે જ્યારે હાલ ૩૬૯૨ પશુઓને સારવાર આપવામાં આવી રહી છે.

અત્યાર સુધી થયેલી રસીકરણની વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે જિલ્લાનાં ૧,૩૮,૦૦૦ ગાય સંવર્ગના પશુઓ પૈકી ૧,૧૦,૪૫૬ એટલે કે ૯૫ ટકા પશુઓને રસી આપી દેવાઈ છે. ખાનગી માલિકીના ૯૯% પશુઓનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે હવે બિનવારસી રખડતા પશુઓને રસીની ઝુંબેશ ચલાવી દૈનિક ધોરણે ૨ થી ૩ હજાર પશુઓને વેકસીનેટ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં લમ્પી વાયરસને નિયંત્રિત કરવા રસીકરણ મહાઝુંબેશનું આયોજન કરી જિલ્લા પંચાયતની ૨૩ ટીમો તથા ૭૪ પશુચિકિત્સા અધિકારી, ૧૭ પશુધન નિરીક્ષકો, કામધેનું યુનિવર્સિટીનાં ૪ મદદનીશ પ્રાધ્યાપક, ૫ અનુસ્નાતક તબીબો તેમજ ૩૨ સ્નાતક તબીબો દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. રસીકરણ ઉપરાંત તેમણે લમ્પી વાઇરસના વાહક એવા માખી, મચ્છરના ઉપદ્રવને કાબુમાં લેવા માટે કાર્યરત આરોગ્ય વિભાગની ૩૪૪ ટીમો દ્વારા સ્વચ્છતા અને કીટક નિયંત્રણ માટે થઈ રહેલી કામગીરીની વિગતો પણ આપી હતી.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો