વડાપ્રધાનના માતા હીરાબાએ પણ હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો

ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં માતુશ્રી હિરાબા આજે હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર સામેલ થયા હતા. તેમણે તેમની આસપાસ વસતા સામાન્ય પરિવારનાં બાળકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરી બાળકો સાથે તિરંગો લહેરાવ્યો હતો.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે હર ઘર તિરંગા અભિયાનમાં દેશના કરોડો નાગરિકો સામેલ થઈ રહ્યા છે ત્યારે આજે ગાંધીનગરના રાયસણમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ ૧૦૦ વર્ષની જૈફ વયે પણ પોતાના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું અને બાળકો સાથે તેમણે પોતે પણ તિરંગો લહેરાવ્યો હતો.

હિરાબાએ પોતાના ઘરની નજીકમાં આવેલ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ના મકાનોમાં રહેતાં  મધ્યમવર્ગીય અને સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

દેશ ગુજરાત