કોંગ્રેસ ગુજરાતના ઉદ્યોગપતિ હોય કે ગુજરાતના ખેલાડીઓ હોય તેમનું સતત અપમાન કરે છેઃ નરેશ રાવલ

  • કોંગ્રેસના સિનિયર નેતા તેમજ માજી ગૃહમંત્રીશ્રી નરેશભાઇ રાવલ અને માજી સાંસદસભ્યશ્રી રાજુભાઇ પરમાર તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

 

કોબાઃ  કોંગ્રેસના સિનિયર નેતા અને માજી ગૃહમંત્રી નરેશભાઇ રાવલ તેમજ માજી સાંસદસભ્ય રાજુભાઇ પરમાર તેમના સમર્થકો સાથે આજે ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. બંને નેતાઓએ થોડા સમય પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યાં હતાં.

ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની હાજરીમાં પક્ષમાં જોડાયા બાદ નરેશ રાવલે જણાવ્યું કે, આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ તેથી ખૂબ આંનદની લાગણી અનુભવું છું. ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ ખૂબ આદરપૂર્વક પ્રવેશ આપ્યો. કોંગ્રેસના આગેવાનોમાં ગુજરાતના લોકો પ્રત્યે તિરસ્કારની ભાવના હોય તેવો અનુભવ થતો.

“કોંગ્રેસના નેતાઓ ગુજરાતના ઉદ્યોગપતિ હોય કે ગુજરાતના ખેલાડીઓ હોય તેમનું સતત અપમાન કરે છે. પહેલા દેશમાં જેમ મહાત્મા ગાંઘી અને સરદાર પટેલની જોડીએ જે રીતે દેશનું નેતૃત્વ કર્યુ તેમ આજે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં તેજોદ્વેષ થયો છે તેના કારણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં કોઇ શરત વગર જોડાયા છીએ પાર્ટી જે પણ કામ સોંપશે તે નિષ્ઠાપૂર્વક કરીશું. આજે કોંગ્રેસે પણ મોડે મોડે દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના તિરંગા યાત્રાને સમર્થન કરવું પડયું છે” તેમ નરેશ રાવલે જણાવ્યું હતું.

રાજુભાઇ પરમારે પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે,આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ અમને ખૂબ આદરપૂર્વક પાર્ટીમાં જોડ્યા. આવનાર દિવસમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ સહિતના આગેવાનોની આગેવાનીમાં રાજ્ય તેમજ દેશના વિકાસ માટે કામ કરવાનો પ્રયાસ કરીશું અને પાર્ટીને વધુ મજબૂત કરવા પ્રયાસ કરીશું.

તેમણે ઉમેર્યું કે, “પહેલાની કોંગ્રેસ અને અત્યારની કોંગ્રેસમાં ઘણો ફેર છે. અત્યારે ગુજરાત કોંગ્રેસમાં ફકત બે કે ચાર નેતાઓનો કંટ્રોલ છે. પાયાના કાર્યકરોની સતત અવગણના કરવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સતત અવગણના કરતા હોવાથી આજે કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે.”

દેશ ગુજરાત

તાજેતર ના લેખો