રાજ્યમાં લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યા ૨.૭૪ લાખ હતી, તે વધીને ૮.૬૬ લાખે પહોંચીઃ ભૂપેન્દ્રભાઈ પટેલ
August 26, 2022
— બાયર્સ અને સેલર્સ વચ્ચે કડીરૂપ વાયબ્રન્ટ વિવર્સ એક્સપોનું સુરતમાં સૌપ્રથમ વાર આયોજન
— રાજ્ય સરકાર લોકસમસ્યાઓને ધ્યાને લઈ હકારાત્મક અભિગમ અપનાવી નીતિ નિર્માણને પ્રાધાન્ય આપે છે
— રાજ્યમાં બે દાયકા પહેલાં લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યા ૨.૭૪ લાખ હતી, જે વધીને આજે ૮.૬૬ લાખે પહોંચી છે
— વિવર્સ એકસ્પો બેસ્ટ પ્રેક્ટિસીસ, નેટવર્કિંગ, આઈડિયા ક્રિએશનનું માધ્યમ બનશે
— ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશભરમાં ૨૦ કરોડ તિરંગા પૈકી સુરતે ૭.૫૦ કરોડ તિરંગાનું ઉત્પાદન કરીને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે
સુરતઃ સુરતમાં આજે ‘વાયબ્રન્ટ વિવર્સ એકસ્પો-૨૦૨૨’ નો પ્રારંભ થયો હતો. ‘ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન’(ફોગવા) દ્વારા તા.૨૬ થી ૨૮ દરમિયાન આયોજિત ત્રિદિવસીય એક્સપોને ખૂલ્લો મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં જણાવ્યું કે, દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં વિકાસની ગતિ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વધુ વેગવાન બનાવવા તેમની ટીમ સતત કર્તવ્યરત છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને સૌનો વિકાસ કરવાની નેમ છે.
મુખ્યમંત્રીશ્રીએ વિવર્સ એકસ્પોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ એક્ઝિબિટર્સને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે અહીં વિવિધ વિવિંગ ઉત્પાદનોની જાણકારી મેળવી હતી.
દેશના વસ્ત્રઉદ્યોગમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશની કુલ વસ્ત્ર નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૧૨ ટકા અને મેન મેડ ફાઈબર ઉત્પાદનમાં ૩૮ ટકા છે. આર્ટ સિલ્ક ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં ૫૦ ટકા યોગદાન આપી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દાયકા પહેલા લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યા ૨.૭૪ લાખ હતી, તે વધીને આજે ૮.૬૬ લાખે પહોંચી છે. એટલું જ નહીં ગુજરાતમાં બે દાયકા પહેલા ઔદ્યોગિક ઉત્પાદન ૨.૨૭ લાખ કરોડ હતું, જે આજે વધીને ૧૬.૧૯ લાખ કરોડને આંબી ગયું છે એમ જણાવતા ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે નવી ટેકનોલોજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનના સહારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે, જેમાં સુરતનો ફાળો વિશેષ છે.
વિવર્સ એકસ્પો બેસ્ટ પ્રેક્ટિસીસ, નેટવર્કિંગ, આઈડિયા ક્રિએશનનું માધ્યમ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ટેક્ષટાઈલ વિવિંગ ઉદ્યોગ ગુજરાતના કુશળ અને બિનકુશળ લોકોને ખૂબ મોટા પાયે રોજગારી આપે છે, ત્યારે પોતાની મૂળભૂત સમસ્યાઓ અંગે સંબંધિત વ્યાપારી વધુ માહિતગાર હોય છે એ વાતથી આ સરકાર સુપરિચિત છે, જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર લોકસમસ્યાઓ પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી નીતિ નિર્માણને પ્રાધાન્ય આપે છે.
કોરોના સંક્રમણના કપરા કાળમાં પણ ગુજરાતે વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવી છે, આફતને અવસરમાં તબદીલ કરવાની પ્રેરણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ આપી છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી ‘વાયબ્રન્ટ ગુજરાત’ની પહેલથી ગુજરાતના વ્યવસાય-વેપારને નવી દિશા મળતા ઉદ્યોગોએ વિકાસના ક્ષેત્રમાં પોતાની આગવી ક્ષમતાનો પરિચય દુનિયાને કરાવ્યો છે.
પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વ લઈ રહ્યું છે, ત્યારે ગાયના ગોબરમાંથી ગેસ, લિક્વિડ (સ્લરી) ઉત્પાદન માટે રાજ્ય સરકાર નાણાકીય સહાય આપે છે. કૃષિ ઉત્પાદનોના વધુ પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે ખેડૂતો વેલ્યુ એડિશન અપનાવે તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
એક્ઝિબિશનમાં બાયર્સને કાપડ ઉત્પાદકો સાથે સીધો સંપર્ક થઈ શકે છે અને એકસાથે એક જ સ્થળે સમગ્ર ગુજરાતમાં ઉત્પાદિત થતા જુદા જુદા વિવર્સના અલગ અલગ વેરાયટીના કાપડ જોઈને મુખ્યમંત્રીશ્રીએ આયોજકોને આ પ્રકારનું સુચારૂ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશમાં ઉપયોગમાં લેવામાં આવેલા ૨૦ કરોડ તિરંગામાંથી સુરતની ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીએ ૭.૫૦ કરોડ તિરંગાનું ઉત્પાદન કરીને પોતાની ક્ષમતા બતાવી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
કેન્દ્ર સરકારે મેન મેડ ફાઈબર, ટેક્નિકલ ટેક્ષટાઈલને વેગ આપવા માટેની પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવી છે. દેશમાં મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્ષટાઈલ રિજીયન અને એપેરલ (પીએમ-મિત્રા) પાર્ક અંતર્ગત રોડ, ટ્રેન અને પોર્ટ જેવી કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. પીએમ મિત્ર પાર્ક માટે ૧૩ રાજ્યો પણ સહમત થયા છે. જે પૈકી ગુજરાત બજેટમાં ખાસ જોગવાઈ કરીને તેના અમલીકરણમાં પ્રથમ ક્રમે રહ્યું હોવાનું કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ વિવિંગ એકમોથી અને કાપડની અવનવી વેરાયટીઓ થકી સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગને વેગ મળ્યો છે. ટેક્ષટાઈલ ઉદ્યોગને શાંતિમય ઔદ્યોગિક માહોલ અને હૂંફ મળતી રહે તો તેની મૌલિકતા પૂરબહારમાં ખીલી ઉઠશે. સરળ ઔદ્યોગિક નીતિઓ અને પ્રશાસનિક સહકારથી માત્ર ટેક્ષટાઈલ ઉદ્યોગ જ નહીં, પણ તમામ ઉદ્યોગોમાં નવા પ્રાણ પૂરાયા છે.
શ્રી પાટીલે ઉમેર્યું કે, ગુજરાતીઓ લાંબો હાથ આપવા માટે કરે છે લેવા માટે નહીં. સમગ્ર ભારતમાં સૌથી વધુ રોજગારી ગુજરાત પુરી પાડી રહ્યું છે. કોરોનાકાળમાં ગુજરાતમાંથી સૌથી વધુ શ્રમિક ટ્રેનો અન્ય રાજ્યોમાં ગઈ હતી. ડાયમંડ અને ટેક્ષટાઈલના સાહસિક ઉદ્યોગકારોએ પોતાની મૌલિકતાથી ઉદ્યોગનો વિકાસ કર્યો છે. તેઓને જ્યાં પણ જરૂર પડી છે ત્યાં સરકારે પુર્ણ સહયોગ આપ્યો છે. દેશ અને દુનિયાને જરૂરિયાત મુજબના કાપડનું ઉત્પાદન અને નવી ઈન્ડસ્ટ્રીઝ સ્થાપીને હજારો રોજગારીના સર્જનમાં યોગદાન આપી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
સ્વાગત પ્રવચન કરતા ફોગવાના અધ્યક્ષશ્રી અશોકભાઈ જીરાવાલાએ જણાવ્યું કે, ખેતી પછી સૌથી વધુ રોજગારી આપવામાં કાપડ ઉદ્યોગ અગ્રેસર છે. સુરતના ૨૦ લાખ લોકોને ટેક્ષટાઈલ સેક્ટર રોજગારી આપી રહ્યું છે, જ્યારે બે લાખ ઘરોની મહિલાઓ ઘરબેઠા ટેક્ષટાઈલ જોબવર્ક દ્વારા મહિને ૧૦ થી ૨૦ હજાર જેવી આવક મેળવી રહી છે. આ બાયર સેલર્સ એક્ઝિબિશન યોજવાનો ઉદ્દેશ વિવિંગક્ષેત્રના નાના નાના વિવર્સને પોતાની વિવિંગ અંગેની કુશળતા અને કૌશલ્ય એકસાથે લાખો બાયર્સને પ્રદર્શિત કરવાની તક મળેવી છે. કુલ ૧૨૮ સ્ટોલ સાથેનું આ એક્ઝિબિશન કાપડ ઉત્પાદક અને ખરીદનાર બંને માટે લાભકર્તા સાબિત થશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન