સોમનાથમાં સમુદ્ર દર્શન પથ પાસે અમિત શાહના હસ્તે હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

સોમનાથઃ    ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ તેમણે સમુદ્ર દર્શન પથ પાસે હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ ઉપર ૨૦૨ મારુતિ હાટની દુકાનોનું ઉદ્ઘાટન પણ કર્યુ હતું.

ગૃહમંત્રીશ્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગૃહમંત્રીશ્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ધ્વજારોપણ કરી ધન્યતા અનુભવી હતી તેમજ સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ નિત્યમહારૂદ્ર પાઠનો સંકલ્પ કર્યો હતો.

ગૃહમંત્રીશ્રીએ મંદિરમાં સોમગંગા વિતરણ સુવિધાનો પ્રારંભ કરી શ્રી ચંડેશ્વર પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. સોમનાથ મહાદેવને અર્પણ કરાતા ગંગાજળને રિફાઇન કરી ભાવિકોને પ્રસાદ રૂપે આપવાના પવિત્ર પ્રકલ્પનો પણ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો હતો.

સોમગંગા અભિષેક જલ વિતરણ પ્રારંભ

ભગવાન સોમનાથને અભિષેક કરવામાં આવતું જલથી માર્જન કરવાનો અનેરો મહિમા છે. સોમનાથના દર્શન બાદ શ્રદ્ધાળુઓ મંદિરની પ્રદક્ષિણા તેમજ અભિષેક જલથી માર્જન કરતા હોય છે. જેનું અનેરૂ મહત્વ છે. જે કોઈ (વ્યકિત) સોમગંગા જલથી સ્વશરીરનું પરિમાર્જન કરે છે તો તેની આધિ-વ્યાધિનો નાશ થાય છે. આ સોમગંગા જલ શ્રદ્વાળુઓ પોતે લઈ જઈ શકે તે માટે ઈ.ટી.પી. પ્લાન્ટ લગાડી આ જળને શુદ્ધ કરી આકર્ષક બોટલમાં પેક કરી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સુવિધાનો ગૃહમંત્રીશ્રીએ શુભારંભ કરાવ્યો હતો.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગથી દેશ વિદેશના શ્રદ્ધાળુઓને લાઈવ દર્શન કરવા માટે અધતન ટેકનોલોજીના માધ્યમથી વ્યવસ્થા ગોઠવી છે. નવી વેબ સાઇટ માહિતીસભર વાપરવામાં સુગમતા રહે તે તમામ બાબતોનું ધ્યાન રાખી તૈયાર કરવામાં આવી છે. નવી વેબસાઈટના લોન્ચિંગથી યાત્રિકો ઘરે બેઠા પૂજા વિધિ નું રજીસ્ટ્રેશન, અતિથિ ગૃહ રૂમનું બુકિંગ, ડોનેશન, સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, રુદ્રાભિષેક વિગેરે પૂજા વિધિ ઓનલાઇન બુક કરાવી શકશે. શ્રી સોમનાથની પ્રસાદી તેમજ શ્રી સોમનાથ મંદિરમાં પૂજા કરાયેલ ચાંદીના સિક્કા, શ્રી પાર્વતીમાતાને ચડાવેલ સાડી, મહાદેવને શૃંગાર કરેલ વસ્ત્રો તથા મંદિર પર ધ્વજા રોહણ કરાયેલ ધ્વજા પણ વસ્ત્ર પ્રસાદી રૂપે ઓનલાઇન મંગાવી શકશે તેમજ સ્નેહી સંબંધીને પણ મોકલાવી શકાશે. શ્રી સોમનાથના રોજેરોજના લાઈવ દર્શન, આરતી તેમજ સાઈટ સીન, પ્રવાસન સ્થળો, હેરીટેજ વોક, ટેમ્પલ વોકની પણ માહિતી મળશે. આ નવિન વેબ પોર્ટલ પણ શ્રી અમિતભાઇ શાહે લોંચ કર્યુ હતું.

શ્રી મારુતિ હાટ તથા શ્રી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ

ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત નિર્માણ થયેલ સમુદ્ર દર્શન પથની બાજુમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા શુભ આશયથી રૂપિયા ૦૧ કરોડ ૮૦ લાખ ના ખર્ચે શ્રી મારુતિ નું હાટનિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૦x૧૦ ફૂટની ૨0૨ દુકાનો બનાવી સ્થાનિક હોકર્સને ફાળવવામાં આવેલ છે.

આ દુકાનો હોકર્સને મળવાથી ૨૦૨ પરિવારોને રોજગારી મળી છે. વર્ષ દરમિયાન સમુદ્ર દર્શન પથ વોકવે પર ૧૬ લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. આ બીચ પર શ્રી હનુમાનજીની ૧૬ ફૂટની પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. બીચ પર આવતા સહેલાણીઓ આ પ્રતિમા સાથે સેલ્ફી લઈ શકશે અને આ પ્રતિમા સોમનાથના બીચની ભવ્ય ઓળખ બનશે.

દેશ ગુજરાત