સ્ટિંગઃ શરાબ કૌભાંડના વધુ એક આરોપીએ કેજરીવાલ-સિસોદિયાની સંડોવણીનો ખુલાસો કર્યો

નવી દિલ્હીઃ  કેજરીવાલ અને સિસોદિયાને સંડોવતા દિલ્હીના શરાબ કૌભાંડમાં વધુ એક સ્ટિંગ ઓપરેશનથી સ્પષ્ટ થયું છે કે, દિલ્હીમાં હવે પડતી મૂકાયેલી એક્સાઇઝ નીતિ બીજું કંઈ નહીં પરંતુ કરોડોની કમાણી કરવાનો કીમિયો હતો.

ભાજપના નેતા અમિત માલવિયએ આજે એક વીડિયો શૅર કર્યો છે જેમાં દિલ્હીના શરાબ કૌભાંડમાં સીબીઆઈની યાદીમાં નવમા નંબરના આરોપી અમિત અરોરાએ કેજરીવાલ-સિસોદિયાની મોડસ ઓપરેન્ડી ખુલ્લી કરી દીધી છે.

આ સ્ટિંગમાં અમિત અરોરાને સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે કે શરાબને હોલસેલ વેપારીઓ પાસેથી કેવી રીતે નાણા લઇને તેમને મનફાવે તેમ શરાબનું વેચાણ કરવાની છૂટ આપી દીધી હતી.

વીડિયોમાં અમુક હોલસેલ વેપારીઓના નામ સાથે અમિત અરોરા કહે છે કે, સો-સો કરોડ રૂપિયા આપીને લાઇસન્સ લીધા છે. આ રીતે કંપનીઓએ રોકડ નાણા આપ્યા જે શરાબના વેચાણ દ્વારા તેમણે પરત મેળવ્યા. આમ વાસ્તવમાં કાળા નાણાને ધોળા કરવાનું કૌભાંડ એક્સાઇઝ નીતિમાં ફેરફાર કરીને આચરવામાં આવ્યું.

સીબીઆઈ તપાસના આ આરોપી પોતે જ કહે છે કે, કેજરીવાલ સરકારે લાઇસન્સ ફી પાંચ કરોડ રૂપિયા કરી નાખી જેને કારણે એટલી રકમ ખર્ચી શકે એવા વેપારીઓ જ બજારમાં ટકી શકે, બાકીના નાના વેપારીઓએ ધંધો છોડી દેવો પડે.

તેમણે કહ્યું કે, દરેક રાજ્યમાં જ્યાં દારૂબંધી નથી ત્યાં વેપારીઓ માટેનો એક નિશ્ચિત ક્વોટા હોય છે. પરંતુ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે ક્વોટા નાબૂદ કરી દીધો જેથી વેપારીઓ ઇચ્છે એટલી શરાબની ખરીદી કરીને વેચી શકે. આ જ કારણે દિલ્હીમાં શરાબના વેચાણમાં અસાધારણ ઉછાળો આવ્યો. આવું કેવી રીતે થયું? દિલ્હીમાં અગાઉ મહિને ચાર-પાંચ લાખે પેટી વેચાતી હતી ત્યાં આજે એકાએક 15 લાખ પેટીનું વેચાણ થવા લાગ્યું. દેખીતું છે આ બધી પેટીઓની દાણચોરી થાય છે અને તેમાં ગુજરાતમાં પણ પહોંચે.

અરોરાએ કહ્યું કે, લોકો ગુજરાતમાં દારૂ મળતો હોવાની બૂમો પાડે છે પરંતુ ત્યાં ગયો ક્યાંથી? ગુજરાતમાં આ દારૂ દિલ્હીમાંથી જ ગયો છે.

આ નાણા સિસોદિયા વગેરેને પહોંચ્યા હશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં અમિત અરોરા સ્પષ્ટ કહે છે કે, એ તો સ્વાભાવિક જ વાત છે. નાણા આમ આદમી પાર્ટીના નેતાઓને પહોંચ્યા જ છે જેનો ઉપયોગ તેમણે પંજાબની ચૂંટણીમાં કર્યો હતો અને હવે ગુજરાતની ચૂંટણીમાં કરી રહ્યા છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો